દરિયાનો લાલ ~ પ્રકરણ: ૧ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા) ~ લે. વર્ષા અડાલજા
પ્રકરણ: ૧
ડોક ઊંચી કરી જોવું પડે એવી પૂરી ઊંચી કાયા. કદાવર શરીર. પહોળો મજબૂત સીનો. કિશોરવયથી આદત વાંચન ખૂબ પ્રિય. હાથમાં ખુલ્લું પુસ્તક હોય અને નિરાંતે વાંચનમાં મશગૂલ, ભર ટ્રાફિકમાં વાંચતા ચાલતા જતા હોય.
ક્યારેક દુકાનને ઓટલે કે સ્ટ્રીટલૅમ્પને અઢેલીને રસતરબોળ બની ઊભા રહી જાય, જાણે આજુબાજુનું સર્વ સાનભાન વીસરી માત્ર દરિયાલાલ પર ગીધ જેવી તીખી નજર માંડી વહાણના મોરા પર ઊભેલો ખુમારીભર્યો સાહસિક નાખુદા. એવા અલગારી, ગમે તેવી ભીડમાં નોખા તરી આવે એવા છાતીવાળા માણસ.
એ મારા પિતા ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય.
સંસારસાગરનાં ભલભલા દરિયાઈ તોફાનો અને હાડોહાડ થથરાવી મૂકે એવા ગાજૂસમાં પણ એમણે જિંદગીની નૌકાને જવાંમર્દી અને હિંમતથી સાગરખેડુની જેમ સતત વહેતી રાખી, પોચટનું આળ જેને માથે ચડાવ્યું છે એ ગુજરાતી પ્રજાને પોતાની મર્દાનગી અને તાકાતનું ભાન થાય એવી અદ્ભુત દરિયાઈ કથાઓનું આલેખન કર્યું અને ગુજરાતના વિખરાયેલાં ઐતિહાસિક પૃષ્ઠોને ઉજાગર કર્યાંં.
આ કથાઓ મરેલાની કથારૂપે નહીં પણ પ્રજાનાં ધગધગતા લોહી અને ધબકતાં હૈયાંના પડકાર સંભળાતા હોય એવા જીવંત ઇતિહાસને ગુજરાત સમક્ષ મૂકી ગુજરાતને એમણે મુગ્ધ કર્યું.
યુરોપના દેશો હજી દરિયાઈ માર્ગો શોધતા હતા ત્યારે ગુજરાતે તો દરિયો ડહોળી નાંખ્યો હતો! છેક આફ્રિકા સુધી ગુજરાતી પેઢીઓ ધમધમતો વેપાર કરતી હતી. ગુલામોનો પણ. એક જ બેઠકે પૂરી કરવી પડે એવી, દરિયાની ભરતીનાં ધસમસતાં મોજાં જેવી પ્રાણવાન સાગરકથાઓ આપી અને ગુજરાતની વિસરાયેલી દરિયાઈ ખેડના ઇતિહાસમાં પ્રાણ પૂર્યા.
એ મારા પિતા ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય.
*
તા. 9/9/1900ના રોજ, એ સમયના જેતલસર કૅમ્પમાં પિતા પોપટભાઈ અચલાજી આચાર્ય અને માતા જમનાબાઈને ત્યાં એમનો જન્મ. જ્ઞાતિએ જામનગરના વડનગરા નાગરબ્રાહ્મણ.
નાની સાંકડી શેરી, ઓલાવાડ. એમાં આખી જ્ઞાતિ સમાઈ જાય એટલી નાની. એક ડેલીએ, એક ફળિયે ત્રણ-ચાર ઘર. જ્ઞાતિ સંપીલી અને શાંત. સ્ત્રીદાક્ષિણ્ય નમૂનારૂપ. ઘરમાં આવનારી વહુનાં માનપાન સચવાય.
જ્ઞાતિ ગરીબ પણ સ્વમાની. કન્યા કરિયાવર લઈને આવે એવી કોઈ અપેક્ષા નહીં, માગણી નહીં. માત્ર કંકુ અને કન્યા પણ પ્રેમથી સ્વીકાર્ય. જ્ઞાતિ ખોબા જેવડી એટલે બધાં અંદરોઅંદર સગાંવહાલાં.
જ્ઞાતિનો પરંપરાગત વ્યવસાય ગોરપદું. નાગરબ્રાહ્મણો નાગરગૃહસ્થના ગોર. પૂજાપાઠ, હોમહવન, મરણપરણ વગેરે પરની દાન-દક્ષિણા પર નાનકડી નાતનો વ્યવહાર ચાલે. નાગરમહિલાઓ નમણી અને સુશીલ. ઝાઝું ભણતર તો ક્યાંથી કોઠે ચડ્યું હોય, પણ શુદ્ધ સંસ્કૃત ઉચ્ચાર સાથે સ્તોત્રગાન મીઠા સ્વરે કરી શકે. ગોરપદું સાથે રેલવેમાં અને પોસ્ટઑફિસની કારકુનની નોકરી નાગરબ્રાહ્મણ યુવકોએ જાણે ખંડી વાળી હોય.
પણ નાગરીનાતમાં મારા દાદા, પરદાદા પહેલા જ હતા જેમણે જુદી જ કેડી કંડારી અને જામનગરથી છેક મુંબઈ સુધી એમનો વેપાર હતો, પણ નસીબનું કરવું કે એમાં દોઢ લાખ કોરીની ખોટ જતાં જામનગર છોડી મોરબી ગયા અને દાદા પોપટભાઈને મુંબઈ વજેશંકરની પેઢીમાં કામ કરવા મૂક્યા. પણ નસીબ અલકચલાણું રમતું હોય એમ મુંબઈથી ચૂડાના કારભારીને ત્યાં અને ત્યાંથી ફરી મોરબી. ત્યાં વહીવટદારની ઑફિસમાં રૂ. દસના પગારે નોકરી કરી.
ફરી બદલી થઈ અધોઈ. ત્યાંથી રાજીનામું આપી ફરી જામનગર, પછી રાજકોટ, આમ ગામેગામ નોકરીઓ કરી. નાગરી નાતને વરદાન કલમ, કડછી અને બરછીનું. દાદાએ કંટાળીને આખરે કડછી પકડી.
એક આડ વાત. નાગરી નાતના પુરુષો રાંધણકળામાં નિષ્ણાત. લગ્ન, જનોઈ જેવા પ્રસંગોએ જ્ઞાતિની જગ્યામાં જમણવાર હોય ત્યારે પુરુષો જ રસોઈ કરે. સ્ત્રીઓ માત્ર શાક સમારી આપે એટલું જ.
જ્ઞાતિની જગ્યાના કૂવામાં યુવાનો ધુબાકા મારી, રંગબેરંગી પીતાંબર પહેરી પીરસવા નીકળે એ દૃશ્ય જોયું છે. સહુને આગ્રહથી, પ્રેમથી પીરસે. પતરાવળી, વાટકી, લોટો સહુ ઘરેથી લઈ આવે અને ઘણાં તો લોટામાં લાડુ ભરીને ઘરે પણ લઈ જાય. ત્રીસેક લાડુ તો સહજે ઝાપટતા જોયા છે અને છાસમાં લાડુ ચોળીને ખાતાં જોઈ હેબતાઈ પણ ગયાં હતાં અમે.
દાદાએ કડછી પકડી એ સમયનો એક મજેદાર કિસ્સો, પિતા રમૂજમાં મલાવીને કહેતા ત્યારે અમને મજા પડી જતી. એક જ પ્રસંગ એટલી જુદી-જુદી રીતે કહે કે દરેક વખતે નવો જ લાગે. એ પ્રસંગ એમણે લખ્યો પણ છે.
`અલગારી રખડપટ્ટી’ના લેખક રસિક ઝવેરીની સાહિત્યરસિક દીકરી ભાનુ. એને કૉલેજકાળમાં સોલો ચડ્યો અને `ગ્રંથાગાર’ નામથી નાની સાહિત્યપત્રિકા પ્રગટ કરી. 1950થી શરૂઆત. એને હોંશ કે લોકપ્રિય લેખકો પાસેથી સ્મૃતિલેખો લખાવવા.
થોડા અંક થતાંમાં તો એ કૅનેડા ચાલી ગઈ, પણ અમને બહેનોને કહેતી ગઈ કે, `ગ્રંથાગાર’માં આચાર્યભાઈના બે-ત્રણ લેખો છે. અમે ભવનની લાઇબ્રેરીમાંથી માંડ હાથચડ્યું પોટકું શોધી કાઢ્યું. એમાં 1958-જૂનમાં પિતાનો લાંબો લેખ હતો. જરા આ એની ઝલક –
દાદા એક નાગરગૃહસ્થને ત્યાં રસોઈ કરે. ખાસ ભણેલા નહીં. એ સમયે રાજકોટમાં મેજર ફ્રેઝર, પોલિટિકલ એજન્ટ. પૂરો ઊંચો, કદાવર અને કડક લશ્કરી મિજાજ.
એક ભાટિયા મુત્સદ્દી ધરમશી સંપટ. હસીમજાક અને ટીખળી સ્વભાવ. કાઠિયાવાડનાં રાજરજવાડાંનાં કામ માટે એમને મેજરને મળવું પડે. મેજર છ-સવાછ ફૂટ ઊંચા અને ધારશીભાઈ પાઘડી સાથે માંડ ચારેક ફૂટ. એક દિવસ મેજરનો મિજાજ બરખેલાફ થયો. ધૂંઆપૂંઆ. તમે કાઠિયાવાડી બધા આમ સાવ ઠીંગુજી!
ધારશીભાઈના મનમાં ખટકો રહી ગયો. મેજરના બંગલેથી બહાર નીકળતાં જ કે નસીબની અમી નજર, દાદા ત્યાંથી જઈ રહ્યા હતા. ધારશીભાઈએ પકડ્યા.
`પોપટભાઈ, તમને મેજર બોલાવે છે.’
ગરીબ બ્રાહ્મણ ગભરાયો. રાજકાજમાં આ મેજરને હું ક્યાં આડો ઊતર્યો! મેજર ફ્રેઝર પરસાળમાં આંટા મારી રહ્યા હતા. છત પર ઊંચે ઝુમ્મર લટકે. ધારશીભાઈએ દાદાને એની નીચેથી જ કાઢ્યા અને ધડામ ઝુમ્મર ભોંયભેગું. દાદા થરથર કંપે અને હાટકેશનો જાપ જપે.
મેજર તો અચરજથી જોઈ જ રહ્યા. એમની સામે આંખ મેળવી શકે એવો ઊંચો યુવાન, ગોરો વાન અને ગંઠાયેલું ખડતલ શરીર.
ધારશીભાઈએ એ ક્ષણ પકડી,
`સાહેબ, આ ગરીબ બ્રાહ્મણ આપનાં દર્શને આવ્યો છે.’
મેજરને ઊંચું જોઈ વાત કરવાની વેળા આવી.
`તમે શું કામ કરો છો?’
`જી…. ૨… રસોઈ..!’
`વ્હોટ! તુમ કૂક! કિચન મેં કામ કરતા? યુ મસ્ટ બી ઈન આર્મી!’
તરત તાળી પાડતા પટાવાળો હાજર.
`જાઓ, રાવબહાદુર પોપટ વેલજીકો બુલાઓ. નાઉ, જસ્ટ ગો!’
રાવબહાદુર, પોપટ વેલજી એટલે વાઘેરોના ટોપરાના પાદરમાં ખેલાયેલા ધિંગાણામાં જેણે મૂળુ માણેક અને સાત સાથીઓને માર્યા હતા એ. એ સમયે વિરલ કહેવાય એવી કીટલીમાં દાદા માટે ચા આવી. રાવબહાદુર મારતે ઘોડે આવ્યા. મેજરનો હુકમ.
`નાઉ, એજન્સી મેં પોલીસ ડિપાર્ટમેન્ટ મેં કૌનસા પોસ્ટ વેકન્ટ હૈ?’
`સાહેબ, મોરબીમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની પોસ્ટ ખાલી છે.’
`ધીસ પોપટ આચાર્ય એપોઇન્ટ હીમ. રાઇટ નાઉ વેલજી. માય ઑર્ડર.’
અને બંગલામાં દાખલ થયેલો એક ગરીબ બ્રાહ્મણ રસોયો ઘડીકમાં બંગલામાંથી ઠાઠથી બહાર નીકળ્યો ત્યારે પહેલા વર્ગના રાજ્યના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે માનભેર નીકળ્યો.
પછી એક વર્ષ સુધી અમલદારીમાં એમને તાલીમ મળી, એટલું જ નહીં વકીલાતની પણ પરીક્ષા અપાવી, કાઠિયાવાડ રાજકીય પરિષદના સ્થાપક કલ્યાણરાય બક્ષીએ, અને ૧૮૮૩માં દાદા વકીલાતની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા.
પિતા ઘરે ડાયરો માંડે ત્યારે આખી વાતને કસુંબલ રંગ ચડાવે પણ છેલ્લે કહેતા, પંદર મિનિટ, માત્ર પંદર મિનિટમાં આચાર્ય કુટુંબનું નસીબ પલટાયું.
એ હતી કુટુંબની નાટ્યાત્મક ભાગ્યોદયની ક્ષણ.
દાદા નાગરી નાતના પહેલા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, એમની બહાદુરી, હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાથી એમને ખૂબ પ્રેમ અને પ્રતિષ્ઠા મળ્યાં. તેઓ અચૂક નિશાનબાજ હતા.
(ક્રમશ:)