“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૧૨) ~ લેખકઃ મનસુખ વાઘેલા ~ સંપાદકઃ રેખા સિંઘલ

પરિવારપ્રેમી શ્રી મનસુખ વાઘેલાનો જન્મ ૧૯૪૬માં જામવંથલી નામના ગામડામાં થયો હતો. બાળપણમાં ગરીબી અને માબાપના વિયોગના કષ્ટ સાથે તેઓ અભ્યાસમાં પ્રગતિ કરતા રહ્યા. કાકા-કાકી અને દાદાની છત્રછાયા નીચે મુંબઈમાં ભણીને સંબંધીઓ અને મિત્રોના સહકારથી તેઓ ૧૯૬૯માં અમેરીકા આવ્યા. વિખૂટી પડી ગયેલી માતાને તેઓ અમેરીકા આવતા પહેલાં મળી શક્યા અને પછીથી અમેરીકામાં વર્ષો એમની સાથે રહ્યા. એંજીનીયર તરીકેની કારકિર્દી ઉપરાંત રીઅલ એસ્ટેટના બ્રોકર તરીકે પણ તેઓ સફળ રહ્યા છે. સરળતા અને સાદગીને કારણે તેઓ સમૃધ્ધ છે. ધર્મ, સમાજ અને સાહિત્ય પ્રત્યેના પ્રેમને કારણે સંસ્થાઓ સાથે સંકળાઈને નિવૃતિનો સમય હ્યુસ્ટનમાં પ્રસન્નતાથી પસાર કરે છે. ભારત અને અમેરિકાના ઘણા રાજ્યોમાં તેઓએ પ્રવાસ કર્યો છે. Email: [email protected]
સહકારની કેડીએઃ લેખકઃ મનસુખ વાઘેલા
નવેંબર ૨૨, ૨૦૨૧ના હું ‘પનામા’ની ‘ક્રુઝ્’માં ‘પ્રિન્સેસ એમિરાલ્ડ’ના જહાજમાં હતો. ઉછળતા મોજાં વચ્ચે એક પ્રશ્ન મનને સતાવી રહ્યો હતો. મારા એક મિત્ર શૈલેશ પટેલે સાહજિક્તા પૂછ્યુ કે ‘મનસુખ, તારા મુખ પર હંમેશા સ્મિત હોય છે. તેનું રહસ્ય શું?’ તેનો જવાબ હું શોધી રહ્યો હતો. અમારું જહાજ્ જમૈકાના ‘ઓચો રિઓસ’ (આઠ નદી)માં રોકાયું. ત્યાં એક ધોધ જોવા ગયાં. ધોધના વહેતા પાણીને જોતાં અને જે રીતે બધા એક્મેકના હાથ પકડી લપસણા પથરા ઉપર ચડતા હતાં તે જોઈ મને મારો જવાબ મળી ગયો. માનસપટ પર ૭૫ વર્ષની જીવનયાત્રાનું ચિત્ર પસાર થવા લાગ્યું અને આ ૭૫ વર્ષની જીવનયાત્રા કેવી કેવી વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ તેનું આબેહુબ ચિત્ર સ્મ્રુતિપટ ઉપર ખડું થવા માંડ્યું. આ જીવનયાત્રામાં કેટકેટલા સગા સંબંધીઓ અને મિત્રોએ મને જે સહકાર આપ્યો હતો તેનું વર્ણન શબ્દોમાં કંડારી શકાય તેમ નથી. જો આ સ્નેહીજનો અને મિત્રોનો સાથસહકાર ના મળ્યો હોત તો હું કદાચ ‘સ્લમડોગ મિલિયોનર’ના પાત્રોની જેમ ક્યાંનો ક્યાં ફેંકાઈ ગયો હોત. એ સહકારની કેડીએ જીવન પ્રફુલ્લિત અને જીવવા લાયક બની ગયું. મારા સ્મિત અને સ્ફુર્તિ નું રહસ્ય એ સહકાર જ છે. સહકારની એ જીવનયાત્રાના થોડાઘણા અનોખા અનુભવોનું વર્ણન શબ્દોમાં જોઈએ.
અમેરિકા જવાની તૈયારી
મુંબઈમાં એંજિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયાં પછી નોકરી મળતી નહોતી એટલે હું મારા મિત્ર જે.પી.ના ઘરે એની સલાહ લેવા ગયો કે આગળ શું કરવું? જમવાનો સમય હતો એટ્લે હું એની સાથે જમીને ઊભો થયો ત્યારે જ એક ટપાલી એના ઘરે વિદેશની યુનિવર્સિટીની અરજીના ફોર્મના કાગળિયાં આપી ગયો. જે.પી.ને અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી નિમંત્રણો આવતા હતાં. જે.પી. એ બધા જ નિમંત્રણો ભેગા કરીને મને આપ્યા અને કહ્યું કે મને કોઈ સંજોગોમાં મારા મા-બાપ વિદેશ નહીં જવા દે, તું આ બધામાં કોશિષ કરી જો. કદાચ તારો નંબર લાગી જાય.
મેં અલગ-અલગ યુનિવર્સિટીઓમાં અરજી મૂકી અને મને એમાંથી ચારમાં એડમિશન મળી ગયું. એ ચારેમાં બફેલો યુનિવર્સિટીની ફી સહુથી સસ્તી હતી એટલે મેં ત્યાં જવાનું પસંદ કર્યું. પણ ઘણા પ્રશ્નો ઊભા હતાં, જેમ કે અભ્યાસનો ખર્ચ કેમ કાઢવો? અમેરિકા જવાની ટિકિટનું શું? વળી, છેલ્લા વર્ષમાં હું ફ્ક્ત ૫૮ ટકા સાથે જ પાસ થયો હતો એટલે ફોરેન એક્સચેન્જ સરકાર તરફથી મળે તેમ નહોતું, એટલે એની વ્યવસ્થા પણ કરવાની હતી. એ સિવાય યુનિવર્સિટી તરફથી વિઝા માટે એપ્લાય કરીયે ત્યારે સ્પોન્સર લેટર જોઈયે કે જે તમારી આર્થિક જરૂરિયાતો માટે તમને સ્પોન્સર કરે.
કોલેજકાળ દરમ્યાન મને આર.ડી.શેઠના નામના ટ્રસ્ટમાંથી દર વર્ષે સ્કોલરશીપ મળતી હતી. હું તેમની ઓફિસે ગયો અને વિદેશમાં ભણવા માટેની સ્કોલરશીપ માટે ફોર્મ માંગ્યું તો તેમણે કહ્યું કે અમે વિદેશ અભ્યાસ માટે સ્કોલરશીપ નથી આપતા. હું નિરાશ થઈને પાછો ફરતો હતો ત્યાંજ તેમણે કહ્યું કે પણ અમે વિદેશ જવાની ટિકિટના પૈસા લોન તરીકે માત્ર વર્ષે ૨ ટકાના વ્યાજના દરે આપીએ છીએ. મેં તરતજ એમનું ફોર્મ ભરીને ત્યાં આપી દીધું. મારી લોન પાસ થઈ ગઈ.
મારો એક મિત્ર દિલિપ પંડ્યા જ્યોતિષમાં બહુ માનતો હતો. તે મને ભૂલેશ્વરમાં એક જ્યોતિષ પાસે લઈ ગયો. તેણે મારા હાથની રેખાઓ એક કાગળ પર ઉતારી પાચ રૂપિયા લીધા અને પછી આવવા કહ્યું અને અમે બે-ત્રણ દિવસ પછી એની પાસે ગયાં તો એમણે કહ્યુ કે મારા હાથમાં વિદેશ જવાની રેખા જ નથી માટે મારે વિદેશ જવાનું છોડી ને અહીં જ સ્થાયી થવું જોઈએ. અફસોસની વાત એ છે કે હજુ ગયા વર્ષે જ જે.પી. અને દિલીપ પંડ્યા પણ અમને સહુને મૂકીને સ્વર્ગે સિધાવી ગયા.
અમેરિકા જતાં પહેલા હું મારી મા ને એકવાર મળવા માંગતો હતો, પણ મા ક્યાં છે, એનું સરનામુ શું છે, કાંઈ ખબર નહોતી. કાકાને પૂછ્યું તો એમને પણ કોઈ ખબર નહોતી. છેવટે મને મારા ફોઈ યાદ આવ્યાં, જે રાજકોટ રહેતા હતાં અને મા નું ગામ પણ ક્યાંક ત્યાં જ હતું એવું મને યાદ હતું. રાજકોટ પહોંચી મેં ફોઈને આજીજીભરી વિનંતિ કરી, “ફોઈ, મહેરબાની કરી મને એકવાર મારી મા નો મેળાપ કરાવી આપો.” ફોઈએ તરત જ પોતાના દીકરાને ગામ મોકલ્યો અને ભાભીને સાથે લઈ આવવાની તાકીદ કરી.
પંદર વર્ષે મા દીકરાનું મિલન થયું. તે વખતે મા-દીકરાના હૈયાંમાં જે આનંદના ફુવારા ઉડ્યા તેનું વર્ણન શબ્દોમાં ક્યાંથી કંડારી શકાય? ફુઆએ હસતાં હસતાં મારી બા ગંગાબહેનને કહ્યું “તમારો દિકરો અમેરિકા જાય છે, એને પૈસાની જરૂર છે, તમે કાંઈ મદદ કરશો?” આટલા વર્ષોથી લોકોના ઘરના કપડાં વાસણ કરી ગંગાબહેનને જે પૈસા મળતાં એમાંથી ભાઈ-ભાભીને પોતાનો ખર્ચ આપી થોડા થોડા રૂપિયા ક્યારેક દીકરાને મળીશ ત્યારે આપીશ એ આશામાં ભેગા કર્યાં હતાં. તે ચારસો રૂપિયા તરત કમખાના ગજવામાંથી કાઢી દીકરાની હથેલીમાં ધરી દીધાં. અને હર્ષાશ્રુથી મને આશીર્વાદની સાથે સાથે ખૂબ જ ભારે હૈયે વિદાય આપી. મા દીકરાના આ સ્નેહભર્યા મિલનને હું જીવનપર્યંત ભૂલી શકું તેમ નથી.
મને અમેરિકા જવાની મુડી ભેગી કરવામાં આશીર્વાદની સાથે સાથે સહુ પ્રથમ નાણાંકીય સહાય મા પાસેથી મળી. મા દીકરાને એક જ અફસોસ રહ્યો, મારા પિતા હરિભાઈના જીવ્યાં મર્યાં ના કોઈ વાવડ આજ સુધી ના મળ્યાં! એ મારી બાના આશીર્વાદ જેને લીધે પેલા ભુલેશ્વરવાળા જ્યોતિષનું કથન સાચું ના પડ્યું. અને અમેરિકા જવા માટેનો ફંડફાળો શરૂ થઈ ગયો. મારા ફુવાના એક મિત્રે મને ૫૦૦ રૂપિયા આપ્યા અને એક બીજા મિત્રે (જે અમેરિકન રિટર્ન હતાં) મને પચીસ ડોલરનો ચેક આપ્યો અને કહ્યું કે આ તું અમેરિકા જઈને વાપરી શકીશ. પછી હું મુંબઈ આવ્યો અને મારા સગા-વ્હાલા અને મિત્રોમાં કોઈએ એ ૨૦૦ તો કોઈએ ૩૦૦ તો કોઈએ એનાથી વધુ એમ બધા એ પોતપોતાની શક્તિ મુજબ મને ફંડફાળામાં મદદ કરી અને મારી પાસે લગભગ ૧૦૦૦૦ રૂપિયા જેટલું ભંડોળ ભેગું થઈ ગયું. બધાને મેં બાહેંધરી આપી હતી કે એક વાર ભણવાનું પૂરું થઈ જશે એટ્લે હું બધાને પૈસા પાછા આપી દઇશ. ટિકિટ થઈ ગઈ, ફંડોળ ભેગું થઈ ગયું, હવે મારે સ્પોન્સર પત્ર અને ફોરેન એક્સચેંજની વ્યવસ્થા કરવાની હતી. મારા શાળાના એક મિત્ર મહેન્દ્ર નેગાંધીના ભાઈ અમેરિકાથી આવેલ, એટલે હું તેમને મળ્યો. તેમણે મને અમેરિકાથી સ્પોન્સર લેટરની વ્યવસ્થા કરી આપી.
મારા કાકીના સગપણમાં કોઈ હતું જે ફોરેન એક્સચેંજનું કામ કરતા હતાં. તેઓ રહેતા હતા નડિયાદ પણ હાલમાં તે વખતે મુંબઈ આવેલા હતાં એટલે હું એમને મળવા ગયો. તેમણે મને લગ્ન કરવાની રાહે તેમની ભત્રીજી દેખાડી અને કહ્યું કે આની સાથે સગાઈની હા પાડો તો તમારા ફોરેન એક્સચેંજની વ્યવસ્થા કરી આપું. મારે તેમને વિનમ્રપણે કહેવું પડ્યું કે મારે હાલ તો માત્ર ફોરેન એક્સચેંજની જ જરૂર છે અને હું સગાઈનો વિચાર કરતો નથી, એ જવાબદારી કાકા-કાકીની છે, એટલે એ કામ ત્યાં અટકી પડ્યું. અમારી જ્ઞાતિમાં ખૂબ પ્રતિષ્ઠિત એવા ગોવિંદભાઈ સોલંકીની અમેરિકામાં ખૂબજ ઓળખાણ હતી. હું, મારા કાકા, રામજી અદા, અને મારો ખાસ મિત્ર સુરેશ દાણી, અમે બધા ગોવિંદભાઈના ઘરે તેમને મળી ને વિનંતી કરવા ગયાં. ગોવિંદભાઈએ પોતાના અમેરિકાના અનુભવો વર્ણવ્યા. કેવી ત્યાંની જિંદગી હોય, અને કેવી રીતે છોકરાઓ ત્યાં જઈને બદલાઈ જાય છે, અને પાછા આવવાનું નામ નથી લેતા, વગેરે-વગેરે બધુ સમજાવ્યું, અને આ લેક્ચર આમ ૪૫ મિનિટ સુધી ચાલ્યું. એ બધું સાંભળીને મને તો એમ કે મારુ અમેરિકા જવાનું સ્વપ્ન હવે રોળાઈ જશે. પણ પછી મારા મિત્ર સુરેશ દાણીએ એમને એમના જેટલું જ લાંબુ પ્રવચન આપ્યું અને મારા ખૂબ વખાણ કર્યા. એણે એમને સમજાવ્યા કે મારો મિત્ર એવો નથી, હું એને વર્ષોથી ઓળખું છું. એ એવો ગેરમાર્ગે દોરવાઈ જાય તેવો નથી. એ એનું ભણવાનું વ્યવસ્થિત પતાવશે અને બગડશે નહીં, એની હું તમને બાંહેધરી આપુ છું. મારા મિત્રએ ગોવિંદભાઈમાં મારા માટે ૧૦૦% વિશ્વાસની લાગણી મૂકી દીધી. ગોવિંદભાઈ ખુશ થઈ ગયાં અને એમણે નિર્ણય લીધો કે ફોરેન એક્સચેંજની વ્યવસ્થા કરી આપવી. મેં ગોવિંદભાઈને ૧૦૦૦૦ રૂપિયા આપી દીધા અને ગોવિંદભાઈના એક મિત્રએ અમેરિકામાં મને ૧૦૦૦ ડોલરના ડ્રાફ્ટની વ્યવસ્થા કરી આપી.
અમેરિકન એમ્બેસીમાં એકજ જાતના પ્રશ્નો પૂછવામાં આવતા. શા માટે અમેરિકા જાવ છો? અભ્યાસ પછી નોકરી કરશો કે તરત પાછા ફરશો? જો જવાબ આપવામાં ચૂક થઈ તો વિઝા ના મળે, એટલે પૂરી તૈયારી કરીને જવું પડે. આ સિવાય વિઝાની તૈયારી રૂપે અમારે મેડિકલ ચેક-અપ માટે ડોક્ટર પાસે જવાનું હતું. એમાં મારા એક્સરેમાં છાતીમાં કાંઈ પડછાયા જેવુ આવ્યું એટલે ડોકટરે બીજી દિશામાંથી એક્સરે લીધા એમાં જાણવા મળ્યું કે એ ‘પરસિસ્ટંટ થાઈમસ’ છે. અમુક બાળક જન્મે ત્યારે એને થાઇમસ હોય છે પણ એ બાળક જેમ-જેમ મોટું થતું જાય એમ-એમ એ થાઈમસ ઓગળી જાય, પરંતુ મારામાં એ હજુ પણ હતું. પણ ડોક્ટરના નિદાન પ્રમાણે એ કાઈ વિશેષ ડરવાની વાત નહોતી અને અમેરિકા જવામાં કોઈ બાધારૂપ પણ નહોતી. અંતે વિઝા મળી મળી ગયાં. ૩૧ ઓગસ્ટ ૧૯૬૯ના હું મુંબઈથી અમેરિકા જવા રવાના થયો.
અમેરિકામાં પહેલા દાયકાની સંઘર્ષ યાત્રાઃ
ન્યુયોર્કના જે. એફ. કેનેડી એરપોર્ટ પર મારું પ્લેન ૩:૩૦ વાગે ઉતરવાનું હતું અને સાત વાગે મારે લાગવાડિયાથી બફેલો બીજા પ્લેનમાં જવાનું હતું. કેનેડીથી લાગવાડિયા મારે હેલીકોપ્ટરમાં જવાનું હતું, જેની ટિકિટ મેં લીધી હતી, પણ ન્યુયોર્કમાં પ્લેનને ઉતરવામાં બહુ વાર લાગી. એ ઉપરાંત કસ્ટમ, ઈમિગ્રેશન અને બાકીની બધી વિધિ પતાવતા ૫ વાગી ગયાં એમાં હેલિકોપ્ટર છૂટી ગયું. હવે લાગવાડિયા કેવી રીતે જવું? એક રસ્તો હતો અને એ હતો ટેક્સી કરીને જવાનો. પણ ટેક્સીનો ખર્ચ ૫ ડોલર હતો. ભારત છોડતી વખતે મારી પાસે ૮ ડોલર હતાં, અને ગોવિંદભાઈએ મારા ગજવામાં ૬ ડોલર સરકાવી દીધા હતાં. એટલે કુલ મારી પાસે ૧૪ ડોલર હતાં. એમાથી ૫ ડોલર ખર્ચ કરી ને હું લાગવાડિયા પહોંચ્યો અને ત્યાંથી પ્લેન પકડીને બફેલો એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મારી પાસે માત્ર ૯ ડોલર હતાં.
બફેલો એરપોર્ટ પર ઉતર્યા પછી મેં પબ્લિક ફોનમાંથી યુનિવર્સિટીમાં ફોન કર્યો જેથી મને કોઈ આવી ને લઈ જાય. સામે છેડે રેકોર્ડિંગ વાગ્યું કે આજે ‘લેબર ડે’ ની રજા હોવાથી કોઈ લેવા આવી શકે એમ નથી માટે આજ ની રાત કાં તો હોટલમાં અથવા તો વાય.એમ.સી.એ.માં ગાળો. અને કાલે સવારે ફોન કરશો તો કોઈને કોઈ તમને લેવા આવી જશે. હવે શું? નસીબજોગે વેનેજ્યુએલાના એક વિદ્યાર્થી સાથે મારી ઓળખાણ થઈ ગઈ. એની કોઈ મૈત્રીણી (ગર્લ ફ્રેન્ડ) એને લેવા આવવાની હતી. એટલે નક્કી કર્યું કે આજે રાતના એની એ મૈત્રીણીના ઘરે રહીશું અને કાલે સવારે સાથે યુનિવર્સિટી જઈશું. એની મૈત્રીણી ગાડી લઈને આવી પણ ખબર પડી કે એના માબાપ જે બહારગામ હતાં તે પાછા આવી ગયાં છે માટે એના ઘરે રહેવાની સગવડ નહીં થાય. એટલે અમે રાત હોટેલમાં રહેવાનું નક્કી કર્યું.
યુનિવર્સિટી નજીક એક હોટેલ શોધી. રૂમનું ભાડું હતું ૧૦ ડોલર. એટલે દરેકને ભાગે ૫ ડોલર આવે. પણ હોટેલના માલિકે અમને રૂમ ભાડે આપવાની ના પાડી અને કહ્યું કે અમે તમારા જેવાને રૂમ ભાડે નથી આપતા. અમને તો સમજમાં ના આવ્યું કે આણે એવું કેમ કહ્યું, પણ પેલી છોકરીને સમજમાં આવી ગયું. એણે અમને કહ્યું બે છોકરાઓ એકલા એક રૂમમાં એકજ પલંગમાં હોય તો એને અહીંયા ગેય (સમલંગિક) સમજવામાં આવે છે અને એવા જોડાને રૂમ ભાડે આપવી કે ના આપવી તે હોટેલના માલિક પર નિર્ભર કરે છે. અમને ખૂબ હસવું આવ્યું. અમે ત્યાંથી બીજી હોટેલમાં ગયાં, અને આ વખતે પેલી છોકરી અને તેનો મિત્ર કપલ બનીને રિજર્વેશન કરવા ગયાં અને રૂમ ભાડે મળી ગઈ.
રૂમમાં સેટલ થયા પછી મને તરસ લાગી એટલે મેં મારા સાથીને પુછ્યું કે તારી પાસે પાણી હોય તો મને આપ. એટલે એ એક પ્લાસ્ટિકનો કપ લઈને ગયો અને અંદર બાથરૂમમાથી જ પાણી ભરીને લાવ્યો. મેં એને કહ્યું કે હું આવું પાણી નહીં પીઉં, તો એ મારા પર હસવા લાગ્યો, અને બોલ્યો અમેરિકામાં બધે પાણી એક સરખું જ આવે છે, આ પી લે, તને કાંઈ નહીં થાય, તને કાંઈ થાય તો હું બેઠો છું ને! ઈશ્વરેજ મારે માટે આ ફરિશ્તો મોકલી આપ્યો હતો.
હવે ખીસામા ૪ ડોલર વધ્યા હતાં. ૨૫ ડોલરનો ચેક પાસે હતો અને ગોવિંદભાઈએ કહ્યું હતું કે તારો ૧૦૦૦ ડોલરનો ડ્રાફ્ટ ૧૦-૧૫ દિવસમાં આવી જશે. સવારે ઊઠી સ્નાન શોચની વિધિ પતાવીને યુનિવર્સિટીમાં ફોન કર્યો. એક સ્વયંસેવક આવીને અમને લઈ ગયો. આજે ઓરિએન્ટેશન હતું. ચા-પાણી અને નાસ્તો અમે ત્યાં જ કર્યા. સાંજના એ જ સ્વયંસેવકે મારા માટે ભાડાની રૂમ શોધી કાઢી. એક માજી હતાં, એમના ૩ બેડરૂમના ઘરમાં એક રૂમમાં અઠવાડિયાના ૧૦ ડોલરના હિસાબે હું પેઈંગ ગેસ્ટ તરીકે ગોઠવાઈ ગયો. માજીને મેં કહ્યું કે મારી પાસે ફક્ત ૪ ડોલર છે, અને ૨૫ ડોલરનો ચેક બતાવ્યો અને કહ્યું કે મારા બીજા પૈસા આવવાના છે, એટલે આવે પછી તમને આપી દઈશ. માજીએ મને કહ્યું કે મને તારા પર વિશ્વાસ છે, જ્યારે તારા પૈસા આવશે ત્યારે મને આપીશ તો ચાલશે. માજી ખૂબ માયાળું હતાં. હું વેજિટેરિયન હતો એટલે મારા માટે એમણે અમુક વાસણો અલગ કાઢીને આપ્યા હતાં. રેફ્રિજરેટરમાં અલગ જગ્યા પણ કરી આપી હતી. મને તે ગ્રોસરી સ્ટોરમાં લઈ ગયાં અને જરૂરી વસ્તુઓ ક્યાં અને કઈ રીતે ખરીદવી એ મને સમજાવ્યું. એમને ત્યાં મેં એક મહિનો ગાળ્યો.
માજીનું ઘર યુનિવર્સિટીથી ખાસ્સું દૂર હતું. એકાદ વીકમાં વર્ગો ચાલુ થયાં. તેમના ઘરેથી યુનિવર્સિટી બસમાં જવાનું હતું, બે સ્ટોપ પછી ઉતરવાનું હતું. પણ બરાબર પહેલા જ દિવસે ખબર પડી કે બસ ડ્રાઈવરો હડતાળ પર ગયાં છે. એટલે ઘણું ચાલીને જવું પડે એમ હતું. કોઈકે અંગૂઠો ઊંચો કરતા શીખવ્યું. આ રીતે હડતાળ બે અઠવાડિયા ચાલી. ત્યાં સુધીમાં હું કંટાળી ગયો અને યુનિવર્સિટીની નજીક ઘર શોધી લીધું. એ એપાર્ટમેંટમાં એક બંગાળી બાબુ રહેતા હતાં. બે બેડરુમના એ ફ્લેટમાં એક રૂમમાં એ બંગાળી બાબુ રહે અને બીજા રૂમમાં હું અને પ્રફુલ શાહ રહેવા લાગ્યા. મહિને ભાડું ૧૦૦ ડોલર આવતું જેમાં પેલો બંગાળી બાબુ ૫૦ ડોલર આપતો અને હું ને પ્રફુલ ૨૫-૨૫ ડોલર આપતા હતાં. યુનિવર્સિટીની પહેલા સેમિસ્ટર ની ફી ૩૦૦ ડોલર હતી. ૧૦૨૯ ડોલર માં આખું વર્ષ ચલાવવાનું હતું. નસીબજોગે બીજા સેમિસ્ટરથી સ્કોલરશીપમાં ફી માફ થઈ ગઈ.
બંગાળી બાબુનું ભણવાનું પુરું થઈ ગયું હતું. એ નોકરી કરતાં હતાં. દર રવિવારે તપેલામાં ભાત, દાળ, શાક, અને ચિકન કાંતો ફિશકરી રાંધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખે. એવી રિતે જ ફરી બુધ-ગુરુવારે રસોઈ કરે. અમને ખૂબ આગ્રહ કરીને વેજિટેરિયનમાથી નોનવેજ ખાતા કરી દીધા અને બીજા મિત્રોએ અમને ઈંડા અને ઓમલેટ ખાતા કરી દીધા. આમ અમારું વિદેશીકરણ થઈ ગયું.
હું મારી સાથે કોટના ખિસ્સામાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, રાઈ, હિંગ, જીરું, મેથી જેવા મસાલા ભરીને લાવ્યો હતો. તે બધુ લગભગ દોઢ મહિનો ચાલ્યું. હવે શું? લોકલ ગ્રોસરી સ્ટોરમાં આ બધુ મળે નહીં. લગભગ ૧૦ માઈલ દૂર એક જાપાનીઝ સ્ટોર હતો એમાં ભારતીય મસાલા મળતા હતાં. મહિને એક વખત કોઈની ગાડીમાં જઈને આ બધા મસાલા, શાકભાજી વગેરે જેવી જરૂરિયાતની વસ્તુઓ અમે લઈ આવતા. હું અને પ્રફુલ અમારી રસોઈ બનાવવામાં પાવરધા થઈ ગયાં અને સ્વાદિષ્ટ રોટલી, રીંગણાં બટેટાનું શાક, દાળ, ભાત. પાપડ, કચુંબર, અથાણું, વગેરે શોખથી ખાતા, રવિવારે ખીર કે ફ્રૂટ શ્રીખંડ પણ બનાવતા. પરંતુ બંગાળી બાબુ સાથે અમને વધારે ફાવ્યું નહીં એટલે ૧ વર્ષ પછી અમે બીજા એપાર્ટમેંટમાં રહેવા ગયાં.
જાન્યુઆરી મહિનામાં યુનિવર્સિટીમાં પાર્ટ ટાઈમ નોકરી મળી. મોટા પાર્કિંગ લોટમાં કારને ક્યાં પાર્કિંગ છે તે જણાવવાનું. વહેલી સવારે બફેલોની કડકડતી ઠંડીમાં સાડા છથી સાડા આંઠ વાગ્યા સુધી કામ કરવાનું. કલાકના ૧ ડોલર અને ૪૫ સેંટ નો પગાર હતો. અઠવાડિયાના ૧૦ ક્લાક મળતા. અમે ચાર મિત્રો વોકી-ટૉકી પર એકબીજાને જણાવતા કે કયાં પાર્કિંગની જગા ખાલી છે. અને અમે તેમનો પાર્કિંગનો પ્રશ્ન ઉકેલી આપ્યો. બધા ખુશ થયાં. શાળાના ન્યૂજપેપરમાં અહેવાલ છપાયો હતો અને એમાં મારો ફોટો પણ છપાયો હતો. મેં એ ફોટો મારા કાકાને ટપાલથી મોકલ્યો, તો તેમનો જવાબ આવ્યો કે મેં તને અમેરિકા આવા કામ કરવા નથી મોકલ્યો. મારે તેમને કેવી રીતે સમજાવવું કે અમેરિકામાં વિદ્યાર્થીઓને પૈસા કમાવવા જે મળે એ નોકરી કરવી પડે છે.
ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓને ત્રણ મહિના દરમ્યાન કામ કરવાની છૂટ હતી. મને ટ્યુશન કરવાનો પાર્ટ ટાઈમ જોબ મળી ગયો. પછી એક મિત્રએ મને કહ્યું કે બ્રેડ બનાવવાની બેકરીમાં જોબ કરવાના સારા પૈસા મળે છે. અને હું પણ ત્યાં જોડાઈ ગયો. કલાકના ૨ ડોલર અને રોજના ૮ કલાક કામ કરવાનું. જુદા જુદા વિભાગોમાં ૧-૨ વીક કામ કરવાનું આવતું. જ્યારે ઓવનમાં બ્રેડની ટ્રે મૂકવાની કે બહાર કાઢવાની આવે ત્યારે જો ધ્યાન ના રહે તો દાજી જવાય.
એક દિવસ રિસેસમાં હું વેંડિંગ મશિનમાં કોકાકોલા લેવા ગયો. ત્યાં મારી બેકરીના મેનેજર હેડની મુલાકાત થઈ. મેં મારો પરિચય આપ્યો કે હું યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું અને ઉનાળાના વેકેશનમાં અહિયાં કામ કરવા આવ્યો છું. એમણે મને પુછ્યું કે “તું શું ભણે છે?” એટલે મેં કહ્યું “મિકેનિકલ એંજિનિયરિંગ”. તેમણે મને કહ્યું કે “તો તારે આવું મજૂરીનું કામ કરવાની જરુર નથી, હું તારા માટે કાંઈક વ્યવસ્થા કરું છુ”. બીજે દિવસે મને ત્યાંના મિકેનિક કે જે બેકરીના બધાજ મશીનોની રેપેરિંગ અને દેખરેખ કરતાં હતાં ત્યાં કામ કરવા મૂક્યો. મિકેનિકને એ ગમ્યું નહીં પણ ઉપરથી આદેશ આવ્યો એટલે એ મને કંઈ કહી ના શક્યો. ચાર દિવસ તો નીકળી ગયાં પણ પાંચમે દિવસે તો એણે મારો કસ કાઢી લીધો. મને સવારના બોલાવ્યો અને કહ્યું આપણાં બોઈલરના પાઈપોમાં ખૂબ કચરો જામી ગયો છે અને તેને સાફ કરવાની જરૂર છે. એણે મને લાંબુ બ્રશ પકડાવી દીધું, મેં બે-ત્રણ કલાક કામ કર્યું અને કોલસાની રજકણ મારા શ્વાસોશ્વાસ સાથે ફેફસામાં ચાલી ગઈ. મારાથી શ્વાસ પણ ના લેવાય. પછી મને હોસ્પિટલમાં લઈ ગયાં ત્યાં મને એ લોકોએ ઓક્સિજનની ટ્રિટમેંટ આપી અને મને આવી વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપી. મારુ મિકેનિકલ કામ ત્યાં પૂરું થયું પરંતુ આ નોકરી, ટ્યુશન, અને અન્ય પ્રયત્નોથી મેં ત્રણ મહિનામાં ૧૦૦૦ ડોલર ભેગા કરી લીધા, જે મને બીજા વર્ષે ખૂબ કામ લાગ્યા.
સપ્ટેમ્બર મહિનામાં યુનિવર્સિટીમાં હવે મારે બે કોર્સ કરવાના બાકી હતાં. મેં એક કંટ્રોલ સિસ્ટમ નો વર્ગ લીધો અને થીસિસ માટે ત્રણ પૈડાં વાળી રિક્ષાની ડિઝાઈનનો પ્રોજેકટ હાથ ધર્યો. આ બંને નિર્ણયો આગળ જતાં મારા માટે નુકશાનકારક ઠર્યા. અત્યાર સુધી મારી એવરેજ બી ગ્રેડની હતી પરંતુ કંટ્રોલ સિસ્ટમના કોર્સમાં મને ડી ગ્રેડ આવ્યો. હું સંપૂર્ણ પણે નાપાસ થયો હતો. મારી એવરેજ પછી ચીલા પર લાવવા માટે મારે બે કોર્સ નવા લેવાના અને બંનેમાં એ ગ્રેડ આવે તો જ હું ભણવાનું ચાલુ રાખી શકું. હું ગણિતમાં હોંશિયાર હતો એટલે મેં બે કોર્સ ગણિત વાળા લીધા અને બંનેમાં એ ગ્રેડ લઈ આવ્યો. પરંતુ મારો પ્રોજેકટ હું પૂરો ના કરી શક્યો, પ્રોફેસરોની સમિતિ કાંઈક ને કાંઈક વાંધા કાઢીને મને આગળ નહોતી વધવા દેતી.
આ દરમ્યાન હું જ્યાં ટ્યુશન કરતો હતો ત્યાં મને લેક્ચરરની નોકરી મળી ગઈ. બે-ત્રણ મહિના પછી ગ્રીનકાર્ડ માટે એપ્લાય કર્યું તો છ મહિનામાં એ પણ આવી ગયું. એંજિનિયરિંગના જોબ માટે ખૂબ કોશિષ કરી પણ સફળતા ના મળી. લેક્ચરર અને શિક્ષણનું કામ મને બહુ ગમતું હતું. હવે શું કરવું? એક મિત્રએ સલાહ આપી કે મેથ એજ્યુકેશનમાં માસ્ટર્સ કરી નાખ. તારા બધા ગણિતના કોર્સની ક્રેડિટ મળી જશે. ખાલી એજ્યુકેશનને લાગતાં ૫-૬ કોર્સ કરવા પડશે. હું માની ગયો અને મારુ ધ્યેય બદલાઈ ગયું. ૧૯૭૫માં મેં “માસ્ટર્સ ઓફ મેથ એજ્યુકેશન” માં ડિગ્રી મેળવી.
૧૯૭૧ માં મેં એક કાર ખરીદી હતી. ઓટોમેટિક નહીં પણ સ્ટાન્ડર્ડ શિફ્ટ. ગિયર અને ક્લચ વાળી. શીખવામાં અને લાઈસન્સ મેળવવામાં ખૂબ તકલીફ પડી, પણ અંતે લાઈસન્સ મળી ગયું. ગાડી વજનમાં ખૂબ જ હલકી. ૧૯૭૨ના માર્ચ મહિનાની સ્પ્રિંગ બ્રેકની રજાઓમાં અમે એ ગાડીમાં બફેલોથી ફ્લોરિડાનો રિટર્ન પ્રવાસ કર્યો હતો. ફ્લોરિડામાં ત્યારે ડિઝની વર્લ્ડનો થીમ પાર્ક તાજેતરમાં નવો જ ખૂલ્યો હતો. આટલો લાંબો પ્રવાસ ગાડીમાં મેં પ્રથમ વાર જ કર્યો હતો. મારુ ગાડીનું લાઈસન્સ નવું હતું અને મને બહુ પ્રેક્ટિસ નહોતી એટલે મોટે ભાગે ગાડી મારો મિત્ર રમણ ચૌહાણ ચલાવતો હતો અને બીજો મારો મિત્ર સાથે હતો મહેન્દ્ર સંઘવી. રમણ જો થાકી જાય તો મહેન્દ્ર ગાડી ચલાવતો.
જ્યારે અમે સાઉથ કેરોલિના પહોંચ્યા ત્યારે અમે છ વિદ્યાર્થીઓએ રાત રહેવા માટે બે રૂમ માંગી. તો હોટેલના મેનેજરે કહ્યું કે અમે તમારા જેવા ને રૂમ નથી આપતા. ત્યારે મને અગાઉ બની ગયેલો પ્રસંગ યાદ આવી ગયો એટલે બીજી હોટલમાં ફક્ત બે જણ અલગ-અલગ જઈને બે રૂમ બુક કરાવી આવ્યા અને ચાવી લેતા આવ્યા અને અમે રાત રોકાયાં.
ફ્લોરિડાનો પ્રવાસ અનેરો હતો. ઠંડીથી ભરેલા બફેલોને છોડી અમે ગરમ-ગરમ મુંબઈ જેવા વાતાવરણમાં આવ્યા હતાં. જાણે કાશ્મીરથી કન્યાકુમારી. જેવા ફ્લોરિડામાં દાખલ થયાં તો ત્યાં વેલકમ સેન્ટર હતું. ત્યાં મોસંબીના ઠંડા રસના કપ ભરેલા હતાં. અમે દરેકે ચાર-પાંચ કપ પી લીધા. જ્યાં-જ્યાં નજર કરો ત્યાં મોસંબીના વૃક્ષો દેખાય. ચારે તરફ લીલોતરી. ડિઝની વર્લ્ડમાં જુદી-જુદી રાઈડો લેવાની ખૂબ મજા આવી. ફ્લોરિડાના દરિયા કિનારે બીચ ઉપર રેતીમાં રમવાની, દરિયાના પાણીમાં છબ-છબિયાં કરવાની પણ ખૂબ મજા આવી. ઠેઠ માયામી સુધી ગયાં. પાછા ફરતા ઓર્લેંડો, ટેમ્પા અને બીજા ફ્લોરિડાના પ્રવાસધામો ફર્યા. પછી વોશિંગ્ટન ડી.સી. થઈ બફેલો પાછાં આવી ગયાં.
એક્સિડન્ટમાં નાકની સર્જરીઃ
૧૯૭૨ના મે મહિનામાં ‘મેમોરિયલ ડે’ ની રજાઓમાં મારી ગાડીમાં હું, મારો રૂમમેટ ચંદુ રાઠોડ, તેમના પત્ની, અને તેમના પુત્ર સાથે બફેલોથી ટોરંટો ગયો. ટોરંટોમાં એક મિત્રને ત્યાં રાત પસાર કરી બીજે દિવસે શનિવારે અમે મોંટ્રીયલ જવા નીકળ્યા. અડધે રસ્તે એક ભયંકર હ્રદયને ધ્રૂજાવી નાંખે તેવો અકસ્માત થયો.
અમે અડધે રસ્તે ‘થાઉઝંડ આયલેંડ’ નામના ગામ પાસે લગભગ આવી ગયાં હતાં. હાઈવે ઉપર ગાડીઓ ખૂબ ઝડપથી જતી હતી. સ્પીડ લિમિટ કલાકના ૭૫ માઈલની હતી. મારી જમણી બાજુ એક મોટી ટ્રક અઢાર પૈડાં વાળી લગભગ ૭૫-૮૦ ની ઝડપે જતી હતી. તેને પસાર કરવા મેં મારી સ્પીડ ૮૫ માઈલની કરી નાખી. અને હું તેને લગભગ પસાર કરી ગયો પણ ત્યાં જ પવનનો મોટો સપાટો આવ્યો. અને મારે હલકી ગાડીને લીધે મને એમ કે ક્યાંક મારી ગાડી ટ્રકની અંદર તો નહીં ચાલી જાયને! એટલે મેં સ્ટિયરિંગ વ્હીલને ઝડપથી મારી ડાબી બાજુએ ફેરવ્યું. ને તુરત જ ગાડી લસરી પડી અને હાઈવે ઉપરથી ઉતરીને નીચાણ વાળા ભાગમાં ૮૫ માઇલની ઝડપે જતી રહી. મેં બ્રેક મારવાની ખૂબ કોશિષ કરી પણ બ્રેક લાગતી નહોતી. અને મારી ગાડી એક મોટા પાઇપ લાઈન સાથે અથડાઈને ઊભી રહી. મારો ચહેરો આગળના કાચ સાથે જોરથી અથડાયો અને કાચમાં તડ પડી ગઈ અને મારા નાક ઉપર પણ ખૂબ ઈજા થઈ. પેલી ટ્રક પણ તરત ઊભી રહી અને બીજા માણસો પણ તરત દોડતા આવ્યા અને મને ગાડીમાંથી બહાર કાઢ્યો અને એક ઝાડ નીચે સુવડાવ્યો. હું તો બેભાન જેવો જ થઈ ગયો હતો. મારા નાકમાંથી લોહી વહેતું હતું. ટ્રક ડ્રાઈવરે વોકિટોકી પર એંબ્યુલન્સ બોલાવી. મને યાદ છે કે સૂર્યનારાયણ દાદા મારા લોહી વહેતા નાક પર સૂર્ય પ્રકાશ પાડતાં મને તકલીફ થતી હતી અને એ ટ્રક ડ્રાઈવરે જોયું એટલે એણે એની પડછંદ કાયા સૂર્ય પ્રકાશ વચ્ચે એવી રીતે ગોઠવી કે મને છાંયડો મળે.
થોડી વારમાં એંબ્યુલન્સ આવી ગઈ અને મને નજીકની હોસ્પિટલમાં લઈ ગયાં. ત્યાં એક ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જને મારુ ઓપરેશન કરી અને મારુ નાક સીવી દીધું. મારે ૩૨ ટાંકા લેવા પડ્યા હતાં. ૪ દિવસ પછી હું સાજો થયો અને ડોક્ટરે મને કહ્યું કે કેનેડા ખૂબ સુંદર દેશ છે અને તમને આવો અનુભવ થયો એ નસીબ પર છોડી દેજો અને કેનેડામાં પ્રવાસ કરવાનું ટાળશો નહીં. મેં ડોક્ટરને કહ્યું કે જ્યાં સુધી કેનેડામાં તમારા જેવા અને પેલા ટ્રક ડ્રાઈવર જેવા માણસો છે ત્યાં સુધી મને કેનેડા ફરી ફરી આવવાનું મન થશે.
ચંદુ રાઠોડ, તેમના પત્ની, અને તેમના પુત્ર બસમાં પાછા બફેલો ગયાં. તેણે મારા પર ૧ લાખ ડોલરનો કેસ કર્યો. અમારા સંબંધો તૂટી ગયાં. આ અનુભવ પછી મને થયું કે મારે હવે લગ્ન કરી લેવા જોઈયે. એકલતામાં જિંદગી પસાર કરવાનો કોઈ મતલબ નથી. પરંતુ જે-જે છોકરી સાથે હું ડેટિંગ કરતો એ બહુ બોલકણી અને દેખાવ કરતી હતી. વાતવાત માં ટોકતી,, મનસુખ સીધો બેસ, હાથ ટેબલ પર ના મુકાય, છરી કાંટો આમ જ પકડાય, છીંક ખાઈએ તો તકલીફ, પાન ખાઈએ તો તકલીફ વગેરે-વગેરે, આ બધાથી હું તંગ આવી ગયો હતો.
લગ્ન માટેના પ્રયત્નોઃ
જુલાઈ મહિનામાં મને મેન્ચેસ્ટરથી એક પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે અમારી જ્ઞાતિના એક સજ્જન છે. તેમને પાંચ બહેનો છે. એમાંની એકનું તે લગ્ન કરવા માંગે છે. તેઓ મુંબઈમાં મારા કાકા-કાકીને પણ મળેલા. તેમણે મને મેન્ચેસ્ટર આવવા આગ્રહ કર્યો. મેં કાકાને ફોન કરીને વાત જણાવી અને હું મેન્ચેસ્ટર પહોંચી ગયો.
હરિશભાઈ સોલંકી મેન્ચેસ્ટર પાસે બોલ્ટન ગામમાં રહેતા હતાં. તેમની પાંચ બહેનોમાં લીલાવતી બીજા નંબરે હતી. સ્વભાવે ખૂબ શાંત અને ખૂબ જ માયાળુ. તેની સાથે હું એક અઠવાડિયું ફર્યો. હું જેટલું પૂછું એનો એ માત્ર એક એકાક્ષરી જ જવાબ આપે. કોઈ રોકટોક નહીં, કે મને કોઈ જ સુધારવાની કે મારી ભૂલો શોધવાની કોશિષ નહિ. અમે સાથે બગીચામાં ફર્યા, સાથે ‘ફિડલર ઓન ધ રૂફ’ નામનું પિક્ચર જોયું. મને એની સાથે ખૂબ જ મજા આવી. એટલે મેં મનોમન નક્કી કર્યું કે જો પરણવું હોય તો આનાથી સારું પાત્ર નહીં મળે.
હું જ્યારે ૧૯૬૯ માં અમેરિકા આવ્યો. તે જ અરસામાં મારી સાથે મારી જ્ઞાતિના બીજા બે યુવકો પણ અમેરિકા આવેલા અને અમારા ત્રણેના ફોટા અમારી જ્ઞાતિની માસિક પત્રિકામાં છપાયા હતાં. લીલાવતીએ એ ફોટાની કોપી ફાડીને પોતાની પાસે રાખી હતી. અમે આવેલા એ ત્રણે જણમાંથી બીજા બે યુવકોના લગ્ન થઈ ગયાં હતાં અને હવે હું એકલો જ બાકી હતો. હવે અમે બંને લગ્ન માટે સંમત હતાં.
ઓક્ટોબરમાં હું બોલ્ટન ગયો અને ઘરમાં જ લગ્નવેદી અને સગાવહાલાઓની સાક્ષીમાં મારા લીલાવતી સાથે લગ્ન થયાં. લગ્નમાં બધા તેમના પક્ષના જ હતાં કારણ કે કાકા-કાકી કે બાને બોલાવી શકાય એમ નહોતું. ત્યાર પછી અમે લગ્ન રજીસ્ટર કરાવ્યા અને મેરેજ સર્ટિફિકેટ મેળવી, લિવરપુલ જઈને લીલાવતીના વિઝા ઈમિગ્રેશન માટે ફાઈલ કર્યું. ત્યાર બાદ અમે લંડન અને પેરિસ હનીમુન માટે ગયાં. એક અઠવાડિયું હનીમુન કરી હું પાછો બફેલો આવી ગયો અને લીલાવતીની આવવાની રાહ જોવા લાગ્યો.
આ અરસામાં લીલાવતીની મોટી બહેન દમયંતિ અને તેના પતિ ધીરજલાલને કેનેડાનું ઈમિગ્રેશન મળી ગયું હતું એટલે બફેલો આવતા પહેલા હું એમની સાથે મેન્ચેસ્ટરથી ટોરોંટો ગયો. ત્યાં મેં ગાડી ભાડે કરી, તેમના માટે ફરીને એપાર્ટમેંટ શોધી આપ્યું અને ઘરવખરીનો સામાન વસાવી આપ્યો અને પછી હું બફેલો પહોંચેલો.
લીલાવતીને વિઝા ફેબ્રુઆરીમાં મળ્યો અને તે દમયંતીના બાળકો સાથે ટોરોંટો પહોંચી ગઈ. હું એને ટોરોંટોથી બફેલો લઈ આવ્યો. બફેલો આવીને લીલાવતીએ ઘરસંસાર સંભાળી લીધો. નોકરી શોધવાની પણ શરૂઆત કરી. ગાડીના લાઈસન્સ માટે પણ ભણવાનું ચાલુ કર્યું. પહેલા છ મહિના આછીપાતળી નોકરી કરી અને પછી તેને બફેલો જનરલ હોસ્પિટલમાં એકાઉન્ટિંગના પે-રોલ (પગાર) વિભાગમાં નોકરી મળી ગઈ.
લીલાવતી જ્યારે અમેરિકા આવી ત્યારે તેના ભાઈએ તેને ૬૦૦ પાઉન્ડ ભેટ તરીકે આપેલા. જેને વટાવતાં ૧૫૦૦ અમેરિકી ડોલર જેટલા મળેલા. તે દરમ્યાન કાકાનો મુંબઈથી કાગળ આવ્યો કે તેમને ફ્લેટ લેવાનો હતો. એટ્લે મેં લિલાવતીને સમજાવીને એ ૧૫૦૦ ડોલર કાકાને મુંબઈ મોકલાવી આપ્યા. કાકાએ એ પૈસા ગોરેગામમાં કોઈ બિલ્ડરને આપીને એક ફ્લેટ બુક કરાવ્યો. બે ત્રણ મહિના પછી ખબર પડી કે એ બિલ્ડર બધા પાસે બુકિંગના પૈસા લઈ લે છે, પણ એની દાનત સારી નથી અને મને કાકાએ એમ કહ્યું કે મેં આપેલા પૈસા પણ ગયાં. ત્યારે મને ખૂબ દુઃખ થયું કે મારી વહાલી પત્નીના પોતાના પૈસે મારા કુટુંબને કરેલી મદદ આમ સાવ નકામી ગઈ. પણ પછી થોડા સમય બાદ મારા કાકાએ અંધેરી વેસ્ટમાં એક જગ્યામાં પાઘડી પેટે ૧૦૦૦૦ રૂપિયા આપ્યાં. મારુ એમ માનવું છે કે એ જગ્યા મારા મોકલેલા પૈસાથી લીધેલી, પણ મારા કાકાનું કહેવું એમ હતું કે એ એમણે પોતાના પૈસાથી લીધેલી હતી. આ વાતનો ખુલાસો કોઈ દિવસ થયો જ નહીં અને હવે તો કાકા પણ આ દુનિયામાં નથી રહ્યાં.
બફેલોમાં અમારું એક નાનું મંડળ જેવું હતું. તેમાં ૧૫ થી ૨૦ જેટલા નવપરિણિત દંપતિઓ હતાં. મહિનામાં એક દિવસ અમે કોઈના ઘરે બધા ડિનરની પાર્ટી કરતાં. પુરુષો બધા દારૂ પીતાં, પત્તા રમતાં, જોક્સ કરતાં, વાતો કરતાં અને સ્ત્રીઓ બધી પોત-પોતાના સુખ દુઃખની વાતો કરતી અને પતિઓના નામની પંચાત બેઠક કરતી. બધા હસતાં, રમતાં અને આનંદ કરતાં અને ખૂબ મજા કરતાં. અમે બધા એક બીજાની ખૂબ નિકટ આવી ગયાં હતાં.
આવી જ એક પાર્ટીમાં એક એવી ઘટના બની જે કાયમ માટે જીવનમાં છાપ મૂકી ગઈ. પાર્ટીમાં જે યજમાન હોય તે બધા માટે પીણાંની વ્યવસ્થા કરતાં. એમાં બીયર, વાઈન, વ્હીસ્કી, વગેરે-વગેરે પીણાં આવતા. એવામાં કોઈ એવરક્લિયર નામનો રમ લઈ આવ્યું હતું જેમાં આલ્કોહોલનું પ્રમાણ ૭૫ ટકા જેટલું હોય અને એણે કોઇને કીધા વગર એને શરબતમાં મેળવી દીધું.
અમારામાં એક યુવાનને એ શરબત ખૂબજ ભાવ્યું એટલે એણે તે ત્રણ ચાર ગ્લાસ શરબતના પી લીધા હતાં. અને પાર્ટી પતી ત્યારે ઘરે જતી વખતે પણ પાછો એક ગ્લાસ શરબત પાછું પીધું. પછી એ એની પત્ની સાથે ગાડીમાં ઘરે જવા રવાના થયો ત્યાં સુધીમાં શરબતની અસર થવા માંડી હતી અને એવી પીધેલી હાલતમાં એને હાઇવે પર પોલીસે પકડી લીધો. દારૂની અસર હેઠળ ગાડી ચલાવવાના અપરાધમાં એનું લાઈસન્સ રદ્દ થઈ ગયું. એની પત્ની પણ નવી નવી જ અમેરિકા આવી હતી. માટે ગાડી વગર એમણે ખૂબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પણ આ ઘટના પછી મહિલામંડળે ફતવો બહાર પાડ્યો કે હવે પછી પાર્ટીઓ માં આલ્કોહોલ વગરના શરબત પીરસવામાં આવશે અને કોઈ દારૂ નહીં આવે. અમને ખૂબજ દુઃખ થયું કે અમારી નાદાનિયતને લીધે અમારા મિત્રને ખૂબ તકલીફનો સામનો કરવો પડ્યો, નસીબજોગે કોઈ એક્સિડંટ ના થયો. અમે બધાએ એની માફી માંગી અને ત્યાર પછી અમે કાયમ માટે દારૂથી દૂર રહ્યાં.
મકાન
તે દરમ્યાન યુનિવર્સિટીએ નક્કી કર્યું કે ઉત્તર વિભાગમાં તે નવું મોટું વિશાળ બાંધકામ કરશે અને તે પૂરું થતાં બધા ત્યાં રહેવા જશે. રાતોરાત બિલ્ડરોએ તે વિભાગમાં રહેવાના ઘરો બાંધ્યા, પરંતુ યુનિવર્સિટીએ એક વર્ષ મુલતવી રાખ્યું એટલે એ બંધાયેલા ઘરો બધા ખાલી જ પડ્યા હતાં.
અમારા એક મદ્રાસી મિત્ર શ્રીરામ રામાસ્વામીએ આવુ એક ડુપ્લેક્સ મકાન માત્ર ૪૫૦૦૦ ડોલરમાં ખરીદ્યું હતું. ડુપ્લેક્સ મકાન હોવાને લીધે એને બે ઘર બાજુ બાજુમાં હતાં અને વચ્ચે એક દીવાલ જ હતી. એટલે એક મકાનમાં એ પરિવાર સાથે રહેતો હતો અને બીજું મકાન એણે ભાડે આપી દીધું હતું. એણે મને પણ એમ કરવા સમજાવ્યો. એટલે મેં પણ એની જેમ એક ડુપ્લેક્સ મકાન ૪૨૩૦૦ ડોલરમાં ખરીદ્યું. ૫૦૦૦ ડાઉન પેમેંટ હતું, ૫૦૦૦ અમે બિલ્ડરને સેકન્ડ મોર્ટગેજના આપ્યા અને ૩૨૪૦૦ ડોલરની લોન હતી. એના માસિક હપ્તા ૩૬૯ ડોલર ભરવાના આવતા. બાજુનું મકાન અમે માસિક ૨૨૫ ડોલરના ભાડે આપી દીધું એટલે મને મહિને ૧૪૪ ડોલરમાં મારુ આખું ઘર વાપરવા મળ્યું. અમે નવું ફર્નિચર, ડાઈનિંગ ટેબલ, વગેરે વસાવ્યું. આમ અમેરિકામાં છ વર્ષમાં અમે અમારા પોતાના ઘરના માલિક બની શક્યા કારણ કે શ્રીરામ જેવા મિત્રો નો સાથ હતો.
ટેક્ષાસનો પુકાર
એ જ અરસામાં મારા એક ચેકોસ્લોવેકિયન મિત્ર સ્ટીવ ટેલરને હું ગણિતના ટ્યુશન આપતો હતો. તેમના પત્નીને નર્સિંગમાં ગાલ્વેસ્ટન ટેક્સાસમાં નોકરી મળી, એટલે તેઓએ બફેલોથી ટેક્સાસ સ્થળાંતર કર્યું. તેના મને કાયમ પત્રો આવતા કે તું એક વાર ટેક્સાસ આવી જા, તું બફેલોની ઠંડી, બરફ બધું ભૂલી જઈશ. હું એના અતિ આગ્રહને માન આપીને લિલાવતીની સાથે સ્પ્રિંગની રજાઓમાં ગાલ્વેસ્ટન ટેક્સાસ ફરવા ગયો. ગાલ્વેસ્ટન એ હ્યુસ્ટનથી ૪૫ માઈલ દૂર આવેલો એક ટાપુ છે. દરિયા કિનારે હોવાથી ચોખ્ખા હવા પાણી અને મેડિકલ યુનિવર્સિટી જ્યાં નોકરી મળવાની શક્યતા વધારે દેખાઈ. સ્ટીવ ટેલરે મારી ઓળખાણ એક મદ્રાસી ડોક્ટર રામાનુજમ સાથે કરાવી આપી. રામાનુજમ અને એમના પત્ની સાવિત્રી અમારા મિત્ર બની ગયાં અને રામાનુજમની મદદથી મને ગાલ્વેસ્ટનમાં નોકરી મળી ગઈ. અમારા બફેલોના મકાનમાં ગૃહ પ્રવેશને ફક્ત ૮ મહિના જ થયાં હતાં અને હવે મકાન, ઘરવખરી બધુ વેચીને ગાલ્વેસ્ટન જવાનું હતું. ૧૨૦૦ ડોલરમાં જે ડાઈનિંગ ટેબલ અને કેબિનેટ સેટ વસાવ્યો હતો તે માત્ર ૪૦૦ ડોલરમાં વેચવો પડ્યો. ફર્નિચરને પણ પાણીના ભાવે વેચવું પડ્યું. ઘર પણ મારા એક મિત્રને ૪૩૦૦૦ માં વેચ્યું. આ બધુ વેચતાં તો વેચી દીધુ પરંતુ અમારા અને તેમાંય ખાસ કરીને મારી પત્નીના દિલમાં ઊંડો ઘા મૂકીને ગયું. ગાલ્વેસ્ટન, ટેક્ષાસ સ્થળાંતર થવાનું જ હતુ કારણકે બફેલોની કાતિલ ઠંડીથી હું અને તેમાંય ખાસ કરીને મારી વ્હાલ્સોયી પત્ની ત્રાસી ગયાં હતાં.
૨૪ જાન્યુઆરી ૧૯૭૭ના અમે બફેલો છોડીને ગાલ્વેસ્ટન આવ્યા અને ૨૫ જાન્યુઆરીના બફેલોમાં બરફનું તોફાન આવ્યું. એટલો બરફ પડ્યો કે બફેલોનો વાહન વ્યવહાર અને જીવન વ્યવહાર ખોરવાઈ ગયાં. લોકો ઘરની બહાર નીકળી ન શકતા હોવાથી તેમને હેલિકોપ્ટર દ્વારા ખોરાકના પડિકા પહોંચાડવામાં આવતા, આવો કપરો સમય આવ્યો હતો. અમારા સદનસીબે અમે એક દિવસ અગાઉ જ બફેલો છોડી ગાલ્વેસ્ટન આવવા માટે નીકળી ગયાં હતાં. ગાલ્વેસ્ટનમાં અમે એક અઠવાડિયું હોટલમાં રહ્યા અને પછી અમને એક અપાર્ટમેંટ મળ્યું જેમાં સારી એવી ગંદકી અને વાંદા વગેરે હતું. લીલાવતીને જરાય ગમ્યું નહીં પણ તેણે ચૂપચાપ ચલાવી લીધું અને દવા છાંટી વાંદાઓનો ત્રાસ દૂર કર્યો. તેને કાયમ બફેલો અને એનું મિત્રવૃંદ યાદ આવતું. માણસ પ્રગતિના નામે કેટકેટલાના દિલ દુભાવતો હોય છે.
પ્રથમ લક્ષ્મીજી નું આગમનઃ
૧૯૭૯માં અમારા ઘરે દીકરીનો જન્મ થયો, અમે એનું નામ વનિતા રાખ્યું. હું અને લીલાવતી બંને નોકરી કરતાં હતાં એટલે વનિતાનું ધ્યાન રાખવા મેં મારી બાને ભારતથી બોલાવી લીધા હતાં. ત્યાર બાદ મને હ્યુસ્ટનમાં નોકરી મળી ગઈ અને અમે હ્યુસ્ટન શહેરમાં ઘર ખરીદ્યું અને ત્યાં સ્થાયી થયાં. જે દિવસે અમે હ્યુસ્ટનના અમારા ઘરે રહેવા આવ્યા તે રાત્રે મને એક ગજબનું સ્વપ્ન આવ્યું. જાણે મારા બાપુજીનો આત્મા અતિ પ્રસન્ન છે અને મને ખૂબ આશીર્વાદ અને બધાઈ આપતા હોય તેવી અનુભૂતિ થઈ.
લક્ષ્મીની ઉપાસના
‘હ્યુસ્ટન નેચરલ ગેસ’ કંપનીમાં મેં એક વર્ષ કામ કર્યું. તેમાં ધંધા(બીઝનેસ) વિષે ઘણું શીખવા મળ્યું. પરંતુ રાજકારણ, હુંસા-તુસ્સી અને ચડસાચડસી વાળા વાતાવરણમાં મને મજા ન આવી એટલે મેં નોકરી બદલાવી. ‘હ્યુસ્ટન લાઈટિંગ એન્ડ પાવર’ નામની કંપનીમાં એક અશોક ગર્ગ નામના ઈંડિયન મેનેજર હતાં. તેમણે મારો ઈન્ટરવ્યુ લીધો અને મને નોકરી પર રાખી લીધો. મારા આજ બોસ આગળ જતાં મારા પરમ મિત્ર બની ગયાં અને આજે પણ વર્ષો સુધી મૈત્રી ટકાવી રાખી છે.
આ કંપનીના કોમ્પ્યુટર વિભાગમાં મને પ્રોગ્રામર એનેલિસ્ટ તરીકે નોકરી મળી હતી. બધા પ્રોગ્રામર પાસે એટલું બધું કામ હતું કે બીજા ડિપાર્ટમેંટમાંથી કોઈ રિપોર્ટ તૈયાર કરવાનું કહે તો વિનંતીની થપ્પી બનાવીને રોકી રાખવામા આવતી અને બે- ત્રણ વર્ષે જ્યારે ટાઈમ મળે ત્યારે એની ઉપર કામ કરવામાં આવતું. આ પ્રશ્નનો હલ કરવા માટે આઈ.બી.એમ. જેવી તે જમાનાની પ્રતિષ્ઠિત કંપની સાથે મસલત કર્યા પછી તેમણે એક નવો ‘ઈન્ફોર્મેશન સેંટર’ નો કોન્સેપ્ટ આપ્યો અને કહ્યું કે આ ઈન્ફોર્મેશન સેંટરમાં જે વિગતવાર માહિતી હશે તેમાથી દરેક ડિપાર્ટમેંટ પોતાની જરૂરિયાત મુજબ રિપોર્ટ પોતેજ તૈયાર કરી શકશે. આ પ્રોજેકટનું નેતૃત્વ મને સોંપવામાં આવ્યું. ૧૯૮૧ થી ૧૯૮૫ સુધીમાં ઈન્ફોર્મેશન સેંટર અસ્તિત્વમાં આવ્યું. લગભગ ૬૦૦ કર્મચારીઓને રિપોર્ટ લખવાનું સૉફ્ટવેર બનાવીને કેવી રીતે વાપરવાનું તે શિખવાડ્યું અને દરેકને રિપોર્ટ લખવા સ્વાવલંબી બનાવ્યા.
૧૯૮૫માં મારા બોસ અને મિત્ર અશોક ગર્ગે આ નોકરીમાંથી રાજીનામું આપ્યું. એમની જગ્યાએ નવા બોસ આવ્યા જે થોડા ઉદ્ધત હતાં. પોલિસી બદલાઈ ગઈ, મોટા કોમ્પ્યુટરને બદલે દરેકનાં ડેસ્ક ઉપર પર્સનલ ડેસ્કટોપ નાના સ્વાવલંબી કોમ્પ્યુટર દરેક કર્મચારીને આપવાનું નક્કી થયું અને પોતાનાં રિપોર્ટ આ કોમ્પ્યુટર કરે એવી ટ્રેનિંગ આપવાની અને એની શરૂઆત કંપનીનાં પ્રેસિડંટથી કરવાની. મને બોસે એની કેબિનમાં બોલાવીને કહ્યું કે કાલે પ્રેસિડંટ અહિયાં બધા ડેસ્કટોપ કોમ્પ્યુટર વિષે માહિતી મેળવવા આવશે, તું તેમને બધા કોમ્પ્યુટર બતાડજે અને એમને જે ગમે તે કોમ્પ્યુટર સેટ કરી આપજે.
બીજે દિવસે પ્રેસિડંટ આવ્યા એટલે મેં તેમને જુદા જુદા ચારથી પાંચ કોમ્પ્યુટર બતાવ્યા, તેમાથી કોમ્પેક કંપનીનું કોમ્પ્યુટર જે શિવવાનાં મશીન જેવુ ઢાંકણા વાળું બનાવ્યું હતું તે તેમને પસંદ પડ્યું એટલે મેં તેમને એ સેટ કરી આપ્યું. બીજે દિવસે મારો બોસ બહારગામથી પાછો આવ્યો તો તેને આ વાતની ખબર પડી અને એ ખૂબ ગુસ્સે થયો. એની ઈચ્છા એવી હતી કે હું પ્રેસિડંટને કોઈ ફેન્સી કોમ્પ્યુટર પધરાવીશ, એણે મને ગુસ્સામાં કહ્યું કે તને માર્કેટિંગ નથી આવડતું! તારામાં સામે વાળી વ્યક્તિને આપણી ઈચ્છા મુજબ નિર્ણય લેવા મજબૂર કરવાની ક્ષમતા નથી.
તે દિવસે મને ખૂબ ખરાબ લાગ્યું. આજ સુધી મને નોકરી પર કોઈએ આવું કહ્યું નહોતું. તે દિવસે હું મારા જૂના બોસ અને મિત્ર અશોક ગર્ગનાં ઘરે ગયો. અમે બંને એ સ્ટ્રોંગ ડ્રિંક લીધું અને એણે મને સમજાવ્યો અને શાંત પાડ્યો.
બીજે દિવસે હું બોસની ઓફિસમાં ગયો અને એમને કહ્યું કે તમારી વાત સાચી છે, મારામાં જે ઉણપ છે તે પૂરી કરવા મને ટ્રેનિંગની જરુર છે. એટલે તમે જ કહો કે મારે કઈ જાતની ટ્રેનિંગ લેવી જોઇએ જેથી હું મારુ કામ નિષ્ઠા પૂર્વક કરી શકું. બોસ ખુશ થઈ ગયો અને એણે મારા માટે ટ્રેનિંગની વ્યવસ્થા કરી આપી. ત્યાર પછી એણે મને કોઈ દિવસ ઠપકો નથી આપ્યો.
આ અરસામાં ‘માર્કેટિંગ એન્ડ કોર્પોરેટ પ્લાનિંગ ડિપાર્ટમેંટ’માંથી કલર પ્રિંટર ખરીદવા માટે અરજી આવી. દરેક પ્રિંટર ૬૫૦૦૦ ડોલરનું હતું, મારા બોસે કહ્યું કે એક પ્રિંટર આપણાં વિભાગમાં પણ જોઈએ, જેથી એમનાં પ્રિંટરને કંઈ થાય તો આપણને બેકઅપ તરીકે કામ આવે. આમ ત્રણ પ્રિંટર અને તેમની વોરંટી સાથે બધુ મળીને ૨૨૫,૦૦૦ ડોલરની પાવતી પાસ કરવાની હતી. ડાઈરેકટર કહે મારી સહી ફક્ત ૨૦,૦૦૦ ડોલર સુધી જ ચાલે. એનાથી ઉપરની રકમ માટે વાઈસ પ્રેસિડંટની સહી જોઈયે અને આ સહી લઈ આવવા માટે મને બકરો બનાવવામાં આવ્યો.
હું તે પાવતી લઈને સાંજે ચાર વાગે વાઈસ પ્રેસિડંટની ઓફિસમાં ગયો. તેમણે મને વિવેકથી આવકાર્યો, અને પુછ્યું કે કેમ આવવાનું થયું? મેં તેમને વાત સમજાવી કે આ પ્રમાણે, આ જરૂરિયાત માટે આટલા કલર પ્રિંટર ખરીદવાનાં છે, અને એના ઉપયોગથી આ પ્રમાણેનો ફાયદો થશે. જ્યારે તેમણે ૨૨૫,૦૦૦ ડોલર ની પાવતી જોઈ ત્યારે તે ખૂબ ચોંકી ગયાં અને મને કહે કે મનસુખ આ તો ખૂબ મોંઘા છે. એટલે મેં તેમને હસતાં-હસતાં કહ્યું કે; શું સાહેબ તમે પણ, મિલિયન ડોલરનું બજેટ સંભાળતા તમને આ ૨૨૫,૦૦૦ ડોલર પણ વધારે લાગે છે? આ સાંભળી તે પણ હસી પડ્યા અને એ પાવતી પર એમણે મને સહી કરી આપી અને અમે ત્રણ પ્રિંટર વસાવી લીધા.
ફરીથી લક્ષ્મીજી નું આગમન – પ્રીતિનો જન્મઃ
૧૯૮૮માં બીજી પુત્રી પ્રીતિનો જન્મ થયો. પ્રીતિ ખૂબ જ સમજુ, હોંશિયાર અને માયાળુ છે. તેણીએ ફ્લોરીડા સ્ટેટ યુનિવર્સિટિમાંથી પી. એચ. ડી.ની ડિગ્રી મેળવી છે. ૨૦૧૬થી તે વોશિંગ્ટન ડી. સી.માં સેંસસ (વસ્તી ગણતરી વિભાગ)માં કામ કરે છે. અવારનવાર વિડિયો કોલ કે વોટસઅપ પર સુખ દુઃખની વાતો કરી અમને મનોરંજન પૂરું પાડીને અમારા શેષ દાંપત્ય જીવનમાં અનેરો આનંદ પૂરો પાડે છે. એ જ અરસામાં સમાચાર મળ્યા કે મારો ખાસ મિત્ર મહેંદ્ર સંઘવી અમને છોડી સ્વર્ગે સિધાવી ગયો. અંગત મિત્ર ખોવાનું ખૂબ દુઃખ થયું.
નોકરીમાં ઉતારચડાવ
૧૯૮૮માં લીગલ ડિપાર્ટમેંટમાથી વિનંતી આવી કે ઘણા ડૉક્યુમેન્ટસ સ્કેન કરીને કોમ્પ્યુટરમાં સ્ટોર કરવાના છે અને તેને ઇંડેક્સ કરીને સહેલાઈથી શોધી શકાય એમ હોય તો અતિ ઉત્તમ. આ પ્રોજેક્ટનું સુકાન મને સોંપવામાં આવ્યુ અને પ્રોજેક્ટને હલ કરવા માટે અમે ‘ઇમેજ પ્રોસેસિંગ’ અને ‘ઓપ્ટિકલ કેરેક્ટર રીડર’ જેવા સૉફ્ટવેર વસાવ્યા અને લીગલ ડિપાર્ટમેંટનાં બધા ડૉક્યુમેન્ટસ સ્કેન કરીને સ્ટોર કરી આપ્યા. પછી એમણે અમને જણાવ્યુ કે તેઓ ન્યુ યોર્કની એક કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી ડૉક્યુમેન્ટ સ્ટોર કરતાં હતાં જેની ફી દર મહિને ૨૫,૦૦૦ ડોલર આપવી પડતી હતી. તો તે ડૉક્યુમેન્ટસ જો આપણી કંપનીમાં આપણાં કોમ્પ્યુટર પર સ્ટોર થઈ શકે તો તે ફી બચી જાય અને વર્ષે ૩૦૦,૦૦૦ ડોલર ની બચત થાય. આ પ્રોજેકટ મારી પાસે આવ્યો. લગભગ ૬ મહિના મહેનત કરીને મેં આ પ્રોજેકટ પૂરો કરી આપ્યો. બધા ખુશ થઈ ગયાં અને મને પ્રોમોશન તથા બોનસ બંને મળ્યા.
૧૯૯૨ માં કંપનીએ સ્ટાફિંગ ૧૨૦૦૦ માથી ૧૦૦૦૦ કરવાનું નક્કી કર્યું. એટલે ૨૦૦૦ કર્મચારીઓ ને છૂટા કરવામાં આવ્યા. તેમાં ભેદભાવ ના થાય એટલા માટે દરેક વિભાગમાંથી જેટલા ને છૂટા કરવાનાં હતાં તેમનું આક્ડાંકીય વિશ્લેષણ કરવાનું કામ મને સોંપવામાં આવ્યું. મેં અને એક સાથીએ મળીને આ કામ નિષ્ઠા પૂર્વક પૂરું કર્યું જેના માટે અમને બંનેને પુરસ્કાર પણ મળ્યો.
બાની માંદગી
૧૯૯૩ માં મારી બાને ભારતમાંથી માઠા સમાચાર આવ્યા કે તેમનો ભાઈ દેવલોક પામ્યો છે, જેના કારણે મારી બાને હ્રદય રોગનો હુમલો થયો અને તેમને ડાબા અંગે લકવો થઈ ગયો. જેમ-જેમ સમય જતો ગયો તેમ-તેમ તેમનાં જમણા અંગને પણ લકવાએ જકડી લીધું અને મારી બાને ૨૪ કલાક કોઈક ધ્યાન રાખે એવી પરિસ્થિતિ આવી પડી. બે વ્યક્તિ મળી આવી, એક દિવસ દરમ્યાન અને એક રાત્રિ માટે. એમ બે વર્ષ ચાલ્યું, કેટલીયે દવાઓ કરી, હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ દિવસે-દિવસે પરિસ્થિતિ વણસતી જતી હતી. હવે તેમને પાર્કિનસન્સ ની બીમારી પણ થઈ ચૂકી હતી. અંતે અમે તેમને ભારત લઈ જવાનું નક્કી કર્યું. ભારતમાં મારી મામી અને તેમના દીકરા જયસુખ અને તેની પત્ની ઊર્મિલાએ મારી બાની સારવાર કરી અને ૧૧ મહિના પછી ૧૯૯૮માં મારી બાએ દેહ ત્યાગ કર્યો. સત્તર વર્ષ અમેરિકામાં અમારી સાથે રહ્યાં પછી ફક્ત દીકરાવહુનો પ્રેમ જ નહિ પણ બબ્બે પૌત્રીઓનાં પ્રેમનું વળતર પામી ગંગાબહેન સ્વર્ગે સિધાવ્યા. મારી સગી માને હું અમેરિકામાં મારી સાથે ૧૭ વર્ષ આનંદ્પૂર્વક રાખી શક્યો અને બાળપણના વિસરાયેલા સ્નેહને પામી શક્યો એ માટે હું મારી પત્ની અને પુત્રીઓનો આભારી છું.
મોટી દીકરીનું માનસ
જિંદગીમાં એક પછી એક એમ વજ્રઘાતો ની હારમાળા સર્જાતી રહી પરંતુ મિત્રોનાં સથવારે અને પ. પુ. પાંડુરંગ આઠવલે પ્રેરિત સ્વાધ્યાયનાં સુવિચારે જિંદગી એક કદમ આગળ ચલાવી શક્યો. આટલા વજ્રઘાતો ઓછા હોય તેમ એક વધુ વજ્રઘાતનો ઉમેરો થયો.
૧૯૯૪માં મારી દીકરી વનિતાને શાળામાં એક છોકરીએ માથામાં ચોપડી મારી તેથી તેણે ભાવનાત્મક સંતુલન ગુમાવ્યું. તેની મનોવૈજ્ઞાનિક ચિકિત્સા શરૂ થઈ, પણ દિવસે-દિવસે તેની પરિસ્થિતિ પણ બગડતી ગઈ. ૧૯૯૭માં એની એવી પરિસ્થિતિ થઈ ગઈ કે એકેય દવા કામ ના કરતાં તેને ‘ઇલેક્ટ્રિક શોક થેરાપી’ આપવી પડી. આઠ વખત ટ્રિટમેંટ આપ્યા પછી તેની હાલત કાબૂમાં આવી પરંતુ જીવનભર દવાથી પરિસ્થિતિ પર કાબૂ થઈ શકશે એવું નિદાન થયું. આજે ૪૨ની ઉંમરે તે પોતાની દવાના સહારે પોતાની જાતનું ધ્યાન રાખી શકે છે.
મારી બા અને મારી દીકરી વનિતાનાં હોસ્પિટલના ખર્ચાઓને લીધે મારુ દેવું ખૂબ વધી ગયું હતું. અંતે ૧૯૯૯ માં મારે દેવાળું કાઢવું પડ્યું. આ અનુભવ પછી મેં અને મારી પત્નીએ નક્કી કર્યું કે આવી પરિસ્થિતી ફરી ના સર્જાય તેવી કાળજી અમે રાખશું.
વસંતની ૨૫મી લગ્નતિથિ
મારી શાળાના ઘનિષ્ઠ મિત્ર વસંત શાહની ૨૫મી લગ્નતિથિ ૧૯૯૬માં ફુલરટન, કેલિફોર્નિઆ મનાવી. વસંત અને તેની પત્ની કોકિલાના લગ્ન ઘોડિયામાં થઈ ગયાં હતાં. લંગોટિયા મિત્ર તરીકે મને કાંઈક કહેવા માટે પ્રેરિત કર્યો હતો. તે રાત્રે તેમના સ્નેહી જીવનનું વર્ણન કરતી મેં એક કવિતા લખી હતી તેની બે પંક્તિઓઃ
“આંબા ડાળે ટહુકે કોકિલા
વસંત આયો રે, વસંત આયો રે….!”
નોકરીમાંથી રજા
૨૦૦૩ની સાલમાં એક વિચિત્ર ઘટના ઘટી. મારા વિભાગનાં ડિરેકટરે એક મિટિંગ બોલાવી અને મિટિંગમાં રૂમમાં જતાં પહેલા મને કહેવામા આવ્યું કે તમારી નોકરી આજથી રદ્દ કરવામાં આવે છે અને તમારા પગારનો હિસાબ કિતાબ તમને મિટિંગમાં સમજાવવામાં આવશે. આ મિટિંગ પતાવી હું ઘરે જવા જ્યારે દાદરા ઊતરતો હતો ત્યારે મારા મિત્ર અશોક ગર્ગનો ફોન આવ્યો. અશોક ગર્ગ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનાં વ્યવસાયમાં સેટ થઈ ગયાં હતાં. પરંતુ તેમને અચાનક ભારત જવાની જરૂરત ઊભી થઈ. તેમણે મને નોકરી પરથી રજા લેવાનું કહ્યું, એટલે મેં તેમને કહ્યું કે હવે રજા લેવાની જરૂર નથી કારણ કે મારી નોકરી આજ છૂટી ગઈ છે. મારા મિત્ર અશોક ગર્ગે મને તરત નોકરી પર રાખી લીધો. મેં મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી અને તેનો ઉપકાર માન્યો. જ્યારે એક દરવાજો બંધ થઈ જાય છે ત્યારે ઈશ્વર બીજો દરવાજો ખોલી આપે છે, તેનો મને આજે પુરાવો મળી ગયો.
અશોક ગર્ગને ત્યાં લગભગ બે- ત્રણ વર્ષ કામ કર્યા પછી મારી જૂની કંપનીએ મને પાછો નોકરીએ બોલાવ્યો. ત્યાર પછી લગભગ ૧૦ વર્ષ સુધી મેં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કર્યું. મકાન, કાર, ક્રેડિટ કાર્ડ વગેરે ની બધી જ લોન ભરપાઈ કરી દીધી. મારા મિત્ર અશોક ગર્ગની સલાહ અને દોરવણીથી મેં નિવૃત્તિ લેતા પહેલા મારુ જીવન સંપૂર્ણ પણે કર મુક્ત કરી દીધું. એટલે નિવૃત્તિનાં જીવનમાં હવે કોઈ ચિંતા નથી.
નિવૃત્તિનું જીવન
૨૦૧૪થી નિવ્રુતિ લીધા પછી અત્યાર સુધી શાંતિ, સંતોષ સાથે જીવન પસાર થયું છે. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના સંપર્કમાં આવ્યા પછી ગદ્ય, પદ્ય, હાઈકુ, ગઝલનો રસાસ્વાદ માણવા મળ્યો છે. ઘણા સિદ્ધહસ્ત લેખક-લેખિકાઓનાં અવનવા પ્રયોગોથી પરિચિત થયો. વિજય શાહ, દેવિકા ધ્રુવ, પ્રવિણા કડકિયા, વિશ્વદીપ બારડ, ઈંદુબેન શાહ, શૈલા મુંશા અને સતીશ પરીખના પ્રોત્સાહનથી લખવાનું શરૂ કર્યું. એ વખતની લખેલ એક કવિતા.
“બસ માગ્યા રાખે છે
રામ બની તમે
રામરાજ્ય સ્થાપ્યું
કૃષ્ણ બની તમે
ગીતા સંભળાવી
બુદ્ધ બની તમે
નિર્વાણ આપ્યું
મહાવીર બની તમે
અહિંસા સમજાવી
ઈશુ બની તમે
જીવનદાન આપ્યું
મોઝીસ બની તમે
ગુલામી નાબૂદ કરી
પયંગબર બની તમે
ઈમાન આપ્યો
મીરાંબાઈની વાણીમાં
નરસૈયાના ભજનોમાં
ભક્તિની જલક આપી
ગાંધીજીના સત્યાગ્રહે
ભારતને આઝાદી આપી
પ્રભુ, આટ્લું બધું આપ્યું
છતાં માનવી બધું ભૂલી
કેવળ તુચ્છ વસ્તુઓ,
પદાર્થો અને પથરાઓ,
ધાતુઓ, હીરાઓ અને
કાગળના થોકડાઓ——
—બસ માગ્યા રાખે છે…..!”
*************
વર્ષોથી મુલતવી રાખેલ પ્રવાસની ઈચ્છાઓ હવે પરિપૂર્ણ થતી રહી છે. સિનિયર મિત્રો અને તેમાંય ખાસ કરીને પ્રફુલ ગાંધી, દિલિપ કપાસી, સતિષ પરીખ, પ્રકાશ શાહ, અરવિંદ શાહ અને અન્ય મિત્રો સાથે યુરોપ, અલાસ્કા, હવાઈ, મેક્સિકો, જમૈકા, પનામા, બહામા, ચીન, સિંગાપોર, કેન્યા અને ભારતમાં ખૂબ પ્રવાસ કરવાની તક મળી તે ઈશ્વરની બહુ મોટી દેણ છે. મુંબઈમાં અને ગુજરાતમાં જો રહેવું હોય તો અનેક મિત્રો અને સગાસંબંધીઓના ઘર અને હ્રદય મારા માટે ખુલ્લાં છે.
આવા સુંદર અને સફળ જીવનની શરુઆત કેવી રીતે થઈ? ભારતમાં વિતાવેલ એ સોનેરી પળોને પણ યાદ કર્યા વગર કેમ ચાલે? જે ધરતીએ સંસ્કાર આપ્યા, શિક્ષણ આપ્યું અને અનેક મિત્રોનો સહકાર આપ્યો, તેની ઝલક હવે જોઈએ.
બાલ્યકાળ
મારો જન્મ જામવંથલી ગામમાં ભાદરવા વદ બારસ (૨૩ સપ્ટેમ્બર ૧૯૪૬)ને સોમવારે રાત્રે ૧૦ વાગે ઘરમાં જ થયો હતો. પિતા હરિલાલ અને માતા ગંગાબેન. જામવંથલી, જામનગરથી અંદાજે ૩૫ થી ૪૦ કિલોમીટર દૂર આવેલું એક નાનકડું ગામડું છે. મારા જન્મસમયે તો જામવંથલી પાયાની સગવડ વગરનું ગામડું હતું, કુવેથી પાણી સિંચીને બેડાં ભરીને લાવવાનું, શૌચક્રિયા માટે વહેલા સવારે ઊઠીને દૂર ગામના પાદરે જવાનું, એવું હતું જામવંથલી. ગામમાં દસ બાય બારની એક નાનકડી ઓરડીમાં અમે દાદા-દાદી, બા-બાપુજી, બે કાકા અને હું રહેતાં. દાદાનો દરજી કામનો ધંધો, પણ નાના ગામમાં એટલું કામ મળે નહિ એટલે આજુબાજુના બીજા ગામોમાં કે જામનગર શહેરમાં શેઠિયાઓને ત્યાં રોજે કપડાં સીવવા જતાં. ત્રણ – ચાર દિવસના રોજિયામાં અઠવાડિયાનું કામ નીકળી જતું, બે ટંક જમવાનો મેળ પડી જતો અને ઉપરથી રોજની આવક. મહિનો માંડ પચ્ચીસ રૂપિયામાં પૂરો થતો.
અધૂરામાં ભગવાનને હજી અમારી ગરીબીની કસોટી વધુ કરવી હશે. તેમ ઘરની સુત્રધાર અને ખમતિધર વ્યક્તિ એટલે કે મારા દાદા બીમાર પડ્યા. એમને લકવો થઈ ગયો અને આખું ડાબું શરીર ખોટું પડી ગયું. દાદાની તબિયતને લીધે મારા બાપુજી કાયમ મૂંઝવણમાં રહેતા કે આવક કેવી રીતે વધારવી. હું બે વર્ષનો થયો ત્યારે મારા નાના ભાઈનો જ્ન્મ થયો. અમારા ઘરમાં જ કુળદેવીની સ્થાપના હતી માટે ત્યાં મારી બાએ દીવો કરી મારા બાળ-મોવાળાં ઉતાર્યા. તે દિવસે મારી બાએ સરસ રસોઈ બનાવી અને અમારા ગામના બ્રાહ્મણ લક્ષ્મીશંકર દયાશંકર અદાને જમવાનું નિમંત્રણ આપ્યું. ભોજન પત્યા બાદ લક્ષ્મીશંકર અદાના ખોળામાં મને મૂકી મારી બાએ એમને મારું ભવિષ્ય જોવાનું કહ્યું. લક્ષ્મીશંકર અદાએ મારી હથેળી જોઈ, જન્મ સમય, તિથિ, તારીખ અને જન્મ દિવસ જેવી માહિતીઓ પૂછી જન્માક્ષરના ચોકઠામાં અમુક ગણતરીઓ કરીને પછી કહ્યું કે આ બાળક તો કુળદીપક છે અને તે તમારું આખું કુટુંબ તારશે, તમને ગરીબી માંથી બહાર કાઢશે અને લાખો રૂપિયા કમાશે.
મહિને માંડ પચ્ચીસ રૂપિયામાં ગુજરાન ચલાવતા મારા બા અને બાપુજી આ સાંભળી ખૂબ ખુશ થઈ ગયાં. પણ લક્ષ્મીશંકર અદાએ કહ્યું કે એ શક્ય ત્યારે જ બનશે કે જ્યારે તમે આ બાળકને જેટલું ભણવું હોય એટલું ભણાવશો. તે દિવસે મારા બા-બાપુજીએ નક્કી કર્યું કે મને ખૂબ ભણાવશે અને હોંશિયાર બનાવશે. તેમની બધી જ આશાઓ હવે મારા ભવિષ્ય સાથે જોડાઈ ગઈ.. અમે જ્યારે મુંબઈ જવાના હતાં ત્યારે મારી બા મને લક્ષ્મીશંકર અદાને ત્યાં પગે લગાડવા માટે અને આશીર્વાદ લેવા લઈ ગઈ હતી. લક્ષ્મીશંકર અદાએ મારા માથે હાથ ફેરવી મને કહ્યું કે તારા ઘરમાં સાક્ષાત કુળદેવી નો વાસ છે, તેને પગે લાગ, તારી બધી મનોકામના પૂર્ણ થશે. અને કહ્યું કે જીવનભર યાદ રાખજે બેટા કે સરસ્વતી મા ની ઉપાસના કરીશ તો લક્ષ્મીદેવી તારા પર આપોઆપ પ્રસન્ન થશે. ત્યારે તેમનું ક્થન હું બહુ સમજ્યો નહોતો, પરંતુ આગળ જતાં તે શબ્દોમાં રહેલ ગૂઢાર્થ સમજાયો અને જીવન ની બધી જ મહત્વકાંક્ષાઓના સ્વપ્નને સિદ્ધ કરવામાટે સરસ્વતીની આરાધનામાં લગાડી દીધું. માતાજીએ હમેંશ મારી મનોકામનાઓ પૂર્ણ કરી છે અને એના દર્શનનો લાભ મને પાવાગઢ, ચોટીલા, અને વૈષ્ણોદેવીની યાત્રામાં પણ થયો છે. પાછલી જિંદગીમાં અમેરિકામાં માતાજીની ચોકી કે જાગરણમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે અને ભજન દ્વારા ભક્તિનો અનેરો આનંદ અનુભવી શક્યો છું.
મુંબઈની સફર
જ્યારે હું ચાર વર્ષનો થયો ત્યારે મારા બાપુજી અમને મુંબઈ લઈ આવ્યા. મુંબઈની એક ચાલીમાં ૧૦ રૂપિયામાં એક નાનકડી ઓરડી ભાડે રાખી હતી. સમય જતાં બાપુજીએ બંને કાકાઓ અને દાદા-દાદી ને પણ અમારી સાથે રહેવા બોલાવી લીધા હતાં. મુંબઈમાં પણ બાપુજી રોજે કપડાં સીવવા જતાં અને રાત્રે વખત રહેતાં ઘરે કપડાં સીવવાનું કામ કરતાં. ખૂબ મહેનત કરતાં. રોજ રવિવારે સવારે ઘરે જલેબી, ફાફડા, ગાંઠિયા, પપૈયાનો સંભારો, અને તળેલા મરચાં લઈ આવતા, અને અમે બધા બેસીને ચાની સાથે સાથે ફાફડા જલેબીની રંગત માણતા. હું એક થી દસ લખતાં વાંચતાં શીખ્યો અને હું પાંચ છ વર્ષ નો થયો ત્યાં સુધીમાં તો મને એકડે એકથી લઈને વીસ સુધીના બધા પાડા મોઢે કરાવી નાખ્યા હતાં. રાતે ગોદડું પાથરીને રસ્તા પર સૂઈ જતાં અને સવારે ટ્રામ આવે ત્યારે ઊઠી જતાં. પરેલ, દાદર સુધી બસમાં અને આગળ ટ્રેનમાં મુસાફરી થતી.
ત્યાં અચાનક અમારા જીવનમાં એક અકલ્પનીય ઘટના બની ગઈ જેને લીધે અમે ખૂબ દુખી થઈ ગયાં. મારો નાનો ભાઈ શીતળામાં ગુજરી ગયો અને મારા બા-બાપુજી ને શોકમાં ગરકાવ કરી ગયો. એ સમયમાં મુંબઇમાં ખૂબ હુલ્લડો થયાં હતાં અને એ હુલ્લડોમાં મારા બીજા કાકા મૃત્યુ પામ્યા. મારા સંવેદનશીલ બાપુજી માટે આ બધું સહન કરવાનુ બહુ વસમું થઈ પડ્યું.
પિતાનો વિરહ અને માના આશીર્વાદ
સાત વરસનો હું ત્રણ વાગ્યે શાળાએથી પાછો આવ્યો ને બાપાને ઘરની બહાર નીકળતા જોયાં. મારા પિતા હરિભાઈનો ધંધો દરજીનો. સ્વભાવના સાલસ અને સહુ કોઈના કપડાં પ્રેમથી સીવી આપે. વારે તહેવારે કોઈની સગવડ ના હોય તો ઉધારીમાં પણ કપડાં સીવી આપે. વાત ૧૯૫૩- ૫૪ના જમાનાની. મુંબઈ જેવા શહેરમાં પણ લોકો એકબીજાનો વિશ્વાસ કરે. હેત પ્રેમ અને સંબંધને લોકો માન આપે. સગવડે એકબીજાની ઉધારી ચૂકવાય. હરિભાઈ પણ મહિનાના અંતે એક દિવસ ઉઘરાણીનો રાખે. દુકાન એ દિવસે બંધ હોય. નાનકડો મનુ (મારું લાડકવાયુ નામ અને ઘરમાં બધા મને તે નામે જ બોલાવે) શાળાએથી ઘરે આવ્યો અને હરિભાઈ ઘરેથી જમી, આરામ કરી, ઉઘરાણીએ નીકળ્યા. નાનકડા મનુના માથે પ્રેમભર્યો હાથ ફેરવતા કહેતા ગયાં “મનિયા આજ તો તારા માટે ખાટી-મીઠી ગોળીને નાનકડી રમવાની ગાડી લઈ આવીશ, બહુ દિવસથી જીદ કરતો હતોને!” સાથે સાથે ગંગાબહેન એટલે કે “મનિયાની માને ” કહેતા ગયાં કે રાતે આવતાં મોડું થાશે, ઉઘરાણી માટે ઘણા ઘરાકોને ત્યાં જાવાનું છે માટે તમે જમીને સુઈ જાજો.
સાત વરસના મનુને માથે પિતાનો એ છેલ્લો પ્રેમભર્યો સ્પર્શ હશે એ ક્યાં ખબર હતી. વિધાતાએ શું ધાર્યું હશે, તે ક્યાં કોઈને ખબર હોય છે. હરિભાઈ એ દિવસે બપોરે ઘરેથી નિકળ્યા, એ દિવસ અને આજની ઘડી. ક્યાં ગયાં, કોઈને ખબર નથી. બે દિવસ ઘરના લોકોએ બધે શોધખોળ કરી, જાણતા હતાં, એટલા ઘરાકોના ઘર ફરી વળ્યા, હોસ્પિટલોમાં કોઈ અકસ્માતનો કેસ આવ્યો છે કે નહિ એની તપાસ કરી, છેવટે થાકીને પોલીસમાં ફરિયાદ નોંધાવી. વરસ સુધી પોલીસ ચોકીએ ધક્કા ખાધા, પણ હરિભાઈનો કોઈ પત્તો ના લાગ્યો. ઘરમાં ગંગાબહેનનું જીવવું મુશ્કેલ થતું ગયું. સાસુ સસરાં દિયર સહુ ગંગાબહેનને જવાબદાર ઠેરવવા માંડ્યા. “તું જ છપ્પરપગી છે, અમારા દીકરાને ભરખી ગઈ” એવું લાંછન રોજનું થઈ ગયું” વરસ દહાડો મેણાટોણા સાંભળ્યા બાદ ગંગાબહેને પોતાને પિયર જતા રહેવાનું નક્કી કર્યું. પિયરમાં એક ભાઈ ભાભી હતાં, એમની સ્થિતિ પણ સામાન્ય જ હતી, એનો ગંગાબહેનને ખ્યાલ હતો. માતાના દિલે એક કપરો નિર્ણય લીધો.
એક રાતે આઠ વરસના મનુને પાસે બેસાડી પૂછ્યું ” દીકરા, તું ઘરનું વાતાવરણ જુએ છે, રોજના આ કંકાસથી હું થાકી ગઈ છું, ગામડે મામાને ત્યાં જવાનો વિચાર કરૂં છું, ત્યાં તારે મારી સાથે આવવું છે કે અહીં રહી ભણવું છે? દાદા, દાદી, કાકા, સૌને મારા પર ગુસ્સો છે તું તો એમનો લાડકો છે. તારા ભવિષ્યનો વિચાર કરી નિર્ણય લેજે.” આઠ વરસના મનુ પર એ નાનકડી ઉંમરે કપરો નિર્ણય લેવાનો વારો આવ્યો. એક તરફ મા અને બીજી તરફ પોતાનું ભવિષ્ય. કાકાએ ખાતરી આપી કે મનુને મારા દીકરાની જેમ રાખીશ અને ગંગાબહેન હું કાંઇ વિચારુ તે પહેલા કાકાના એ વચન ઉપર સંપૂર્ણ વિશ્વાસ મુકીને કકળતે હૈયે ભાઈને ત્યાં જતા રહ્યાં.
ત્રણ ચાર વર્ષ તો મા દીકરાનો સંપર્ક પત્ર વ્યવહારથી જળવાયો, પણ વખત જતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. પણ કાકીએ મનુને તો દીકરાની જેમ અપનાવી લીધો, પણ મનુ માથી દુર થઈ ગયો. ગંગાબહેનના પત્રો મનુના હાથમાં ન આવતા. ગંગાબહેન ગામમાં લોકોના ઘરે કપડાં વાસણ કરી ભાઈને જે મદદ થાય એ કરતાં, દીકરાના કાગળની રાહ જોતાં. મનુ ભણવામાં હોશિયાર અને કિશોરાવસ્થા, મુંબઈનું જીવન, અને કાકા કાકીના પ્રેમમાં ધીરે ધીરે માની છબી મનથી ક્યારે ઝાંખી થવા માંડી એનો ખ્યાલ પણ ન રહ્યો.
શાળાના મિત્રો
મારા પાંચમાં ધોરણમાં મેં નવી શાળામાં પ્રવેશ કર્યો. શેઠ ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલ (જી ટી હાઈસ્કૂલ), એને અમે ઘોડાનો તબેલો કહેતા. મારો મેટ્રિક સુધીનો અભ્યાસ આ શાળામાં જ થયો હતો. દરેક વર્ગના છ થી સાત વિભાગો હતાં. એ,બી,સી,ડી,ઈ,એફ,અને જી એમ વિભાગો હતાં અને દરેક વિભાગમાં લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીઓ ભણતા, એટલેકે દરેક વર્ગમાં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો વિદ્યાર્થી ભણતા. દર વર્ષે એક છોકરો પ્રથમ નંબરે આવતો જેને અમે જે.પી. કહીને બોલાવતા. જે.પી. ભણવામાં ખૂબ જ હોંશિયાર અને સ્વભાવે ખૂબ જ માયાળું હતો. શાળામાં દર વર્ષે એક દિવસ રમત-ગમત નો મેળાવડો થતો અને એ ક્રિકેટના કોઈ મોટા સ્ટેડિયમમાં થતો. રમત-ગમતમાં જીતનારાઓમાં દરેક વર્ગમાંથી સાત લોકોને ઈનામ મળતા. જે.પી. એમાં પણ કાયમ પ્રથમ આવતો. મારો નંબર એકથી સાતમા આવી જતો, ક્યારેક બીજો, તો ક્યારેક ચોથો. પણ એ સાત વિદ્યાર્થીઓ જે દર વર્ષે ઈનામ જીતતા એ બધાં, અમે, આખી જિંદગીના ખાસ મિત્રો બની ગયાં. એકબીજાના ઘરે આવતા-જતાં. જો કોઈના ઘરે હું જમવાના સમયે ગયો હોઉ, તો એમની સાથે મારી પણ એક થાળી પડે.
એ બધા મિત્રોમાં એક હતો રવિન્દ્ર પોપટ, જેણે આજે પણ મૈત્રી નિભાવી રાખી છે. મારા એ મિત્રોમાં એક વસંત ભૂરાલાલ શાહ પણ મારો ઘનિષ્ઠ મિત્ર. વસંતના મમ્મી અને તેના ભાભી પણ ઘણા સ્નેહથી મને રાખતા. હું વસંતના ઘરે ચેસ રમવા કે કેરમ રમવા અથવા ગણિતના દાખલા કરવા જતો ત્યારે મને ચા-નાસ્તો કર્યા વગર જવા દેતા નહીં. બીજા મિત્રોમાં એક હતો સુરેશ દાણી. એને અંકગણિતમા સો માંથી સો મળતા. આગળ જતાં એ સુરેશ દાણી સિવિલ એંજિનિયરિંગમા સ્નાતક થયો, પણ પહલેથી એનું સપનું હતું કે મુંબઈ માં એક ઉત્તમ કક્ષાના કોચિંગ વર્ગો ખોલવા, જે એણે પૂરું કર્યું અને આજે પણ મુંબઈમાં તે કોચિંગ વર્ગોના વ્યવસાયમાં એક નિષ્ણાત છે. એમજ બીજા મિત્રોમાં મહેન્દ્ર સંઘવી, દિલિપ કપાસી, દિલિપ પંડયા અને દિનેશ આશર હતાં. આ બધા મિત્રોએ મારા એકાકી જીવનમાં કાયમ મારો સાથ નિભાવીને મારા જીવનને સાર્થક બનાવ્યું. જિંદગી આખી જે.પી.એ મારી સાથે મૈત્રી નિભાવી. જે. પી. અને મહેંદ્ર સંઘવી બન્ને સિવિલ એંજીનિયર થયા. ભાગિદારીમાં બિલ્ડર તરીકે ધંધો કર્યો અને સફળ થયા.
નવમાં ધોરણમાં ઈન્ડિયન મરચંટ્સ ચેંબર ઓફ કોમર્સ અધિકૄત બુકકિપિંગની પરિક્ષા મેં આપી. ૩૦૦ વિદ્યાર્થીઓમાં મારો બીજો નંબર આવ્યો. પ્રશ્નપત્રના દાખલામાં ૨૦૦૦ રૂપિયાની લોન હિસાબમાં ગણવાની હતી. તેમાં જો -૨૦૦૦ ન લખો તો તાળો ન મળે અને તમે ખોટા પડો. મારા બાકીના જીવનમાં પણ મારે ઘણી વખત ઉધારીથી જ શરુઆત કરવી પડી.
દશમાં ધોરણમાં એક જીવદયા મંડળ દ્વારા આયોજીત નિબંધ સ્પર્ધામાં મેં ભાગ લીધો. શાકાહારના ફાયદા અને માંસાહારના ગેરફાયદા વિષે ૧૧ પાનાનો નિબંધ લખ્યો. તેમાં પણ મારો બીજો નંબર આવ્યો અને મને પુરસ્કાર મળ્યો.
મેટ્રિકમાં એટલે કે એસ એસ સી માં ૬૫ ટકાએ પાસ થયાં પછી કોલેજમાં પ્રવેશ મળવો ખૂબ અઘરો થઈ ગયો હતો. એ વખતની મુંબઈની પ્રખ્યાત કોલેજો જેમકે જયહિંદ અને ઝેવિયર્સમાં તો ૭૦ ટકાથી ઓછામાં એડમિશન મળવું અશક્ય હતું. મેં આઈ.આઈ.ટી માં પણ ત્યારે કોશિશ કરી હતી પણ નંબર ના લાગ્યો. ત્યારે મારી ગલીમાં રહેતા મારા એક મિત્ર જગદીશ ચોક્સીએ મને સુઝાવ આપ્યો કે સાયનમાં એસ.આઈ.ઈ.એસ. (સાઉથ ઈંડિયન એજ્યુકેશન સોઈટી) નામની એક નવી જ કોલેજ ખૂલી છે, ત્યાં પ્રવેશ સહેલાઈથી મળી જશે. એટ્લે એસ.આઈ.ઈ.એસ. કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ માં પ્રવેશ લીધો. આજે મારી એ જ કોલેજ, મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજોમાંની એક છે. ત્યારે છ માસિકની ફી રૂપિયા ત્રણસો હતી, જે મારી પાસે હતાં નહીં. મને અલગ અલગ જગ્યાએથી સ્કોલરશીપ મળતી હતી તેમાંથી મારી પાસે સો રૂપિયા ભેગા થયા હતાં. બાકીના સો રૂપિયા મારા કાકાએ એમની બચતમાંથી મને આપ્યા અને અમારા સંબંધી રામજી અદાએ મને સો રૂપિયા આપ્યા અને આમ કોલેજમાં મારી બેઠક હું ૩૦૦ રૂપિયા ભરીને સુરક્ષિત કરી શક્યો.
કોલેજના મિત્રો
કોલેજમાં મારા ઘણા મિત્રો થયાં, એમાં રજનીભાઈએ મને ટ્યુશન કરીને થોડી ઘણી આવક કરવા પ્રેરિત કર્યો, તેમણે આજીવન મારી સાથે મિત્રતા નિભાવી. પ્રદીપ શાહ પહેલા સાયન્સ કોલેજમાં અને પછી એન્જિનિયરિંગ કોલેજમાં પણ મારી સાથે હતો. અને અત્યારે હ્યુસ્ટન, અમેરિકામાં પણ અમે ભેગા થઈ ગયાં. આજે પણ અમે બંને મિત્રો ભેગા થઈને અમારા તે સંસ્મરણો વાગોળીએ છીએ. એવી રીતે જ બીજા મિત્રોમાં મનહર રાઠોડ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હતાં. અમે બંને એકબીજાના ઘરે અવાર-નવાર આવતા જતાં.
કોલેજમાં મારી નજીક એક છોકરી બેસતી હતી, તેનો રોલ નંબર ૧૧૦ હતો, એટલે અમે મિત્રોએ એનું ઉપનામ ૧૧૦ રાખ્યું હતું. મને મનોમન એ ગમવા મંડી હતી. મનમાં ને મનમાં રમાયેલી અને આગળ ન વધેલી એ એક તરફી પ્રેમની અને મારા એકાકીપણાની વ્યથા મારા મનમાં કવિતા રૂપે પ્રગટ થઈ. ‘ક્ષોભ’ નામની એ મારી પ્રથમ કવિતા હતી.
“ક્ષોભ…!
ક્યારેક મન થઈ શંકિત,
પૂછે પ્રશ્ન પોતાને,
શું નથી મંજૂર વિધાતાને,
તારું ને મારું મિલન?
ત્રણ વખત મળી તું,
જોઈ મેં તને, પરંતુ,
ન ચડ્યો હું તવ દ્રષ્ટિમાં,
ને હું ય કેમ બોલાવું તને,
જ્યારે હોય કો તુજ સાથમાં?
અવ જ્યારે મળશે તું,
કહેવા આતુર હૈયું આ,
વિચારી વિચારી ફરી
મિલન સમયે,
હોઠ બંધ થઈ જતાં
શાને….?”
‘ક્ષોભ’ માં મારી અવસ્થાનું વર્ણન કરતી છેલ્લી પંક્તિઓ “વિચારી વિચારી મિલન સમયે હોઠ બંધ થઈ જતાં શાને?” મોટાભાગના યુવાનોની વ્યથા અને અવસ્થાનો પ્રશ્ન છે કે પ્રેમનો એકરાર કરવો છે, શું કહેવું, શું ના કહેવું બધું જ વિચારી રાખ્યું છે, પણ પ્રેમિકા પ્રત્યક્ષ આવે ત્યારે મોંઢામાંથી એક શબ્દ નીકળે નહીં, સાવ મૂંગા થઈ જવાય, અને પછી એ પળ ચાલી જાય, એટલે હતાશા અને નિરાશા છવાઈ જાય. એક બે મહિના પછી પાછી બીજી કવિતા “અનિલ” લખી, તેની પણ છેલ્લી પંક્તિઓ “કળી કરમાય, કૂંપળ સુકાય, ડાળી બટકે, પાન ખરે, વૃક્ષ સુકાય, વિના વસંતે, મુખ કરમાય, હૈયું સુકાય, ભાવના તૂટે, આંસુ ખરે, મન દુભાય, જીવનસાથી વીના.” સગાં-વહાલાં અને આટ-આટલાં મિત્રો હોવા છતાં મારી એકાકીપણાની એ અવસ્થા હતી. પછી તો એ મારી પ્રેમની વ્યથા અને એકાકીપણાથી ચાલુ થયેલી કવિતાઓ રૂપી સફરમાં સમયની સાથે-સાથે, જીવનના તડકા-છાંયડાંમાં, સંવેદનાઓના વિરાટ સમુદ્રમાં હાલકડોલક થતી નાની હોડી જેવી મારા હ્રદયની ઘણી બધી ભાવનાઓને પાનાંઓ ઉપર ઉતારતો રહ્યો.
ઈન્ટર સાયન્સમાં સારા માર્કે પાસ થયો, અને મુંબઈની જ વી.જે.ટી.આઈ. (વિકટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ, માટુંગા) કોલેજમાં મિકેનિકલ એંજિનિયરિંગમા એડમિશન લીધું. અત્યાર સુધી માત્ર ચાર વિષયમાં સારા માર્ક લાવવા માટે ધ્યાન આપવું પડતું હતું, પણ એંજિનિયરિંગના પહેલા વર્ષમાં જ ૯ વિષયો હતાં એટલે પહેલા વર્ષની પરીક્ષામાં ૯ માથી ૬ વિષયોમાં પાસ થયો અને ૩માં નાપાસ થયો. આખું વર્ષ પાછું કરવું પડ્યું. મહેનત કરીને ઓક્ટોબરમાં બધા વિષયોની ફરી પરીક્ષા આપી. આખી યુનિવર્સિટિમાં ૩૦૦માંથી બીજે નંબરે પાસ થયો. બીજું વર્ષ જૂનમાં ચાલુ થવાનું હતું માટે છ મહિનાનો અવકાશ હતો. મારા એક મિત્રએ મને ફિનલે મિલ્સમાં સ્ટેટિસ્ટિક્સ વિભાગમાં નોકરી અપાવી. મહિને રૂપિયા ૨૪૦નો પગાર હતો. પહેલા મહિનાનો પગાર મેં મારા કાકાના હાથમાં મૂક્યો તો એ ખૂબ ખુશ થઈ ગયાં હતાં. બરાબર એ સમયે મારી શાળાનો મિત્ર સુરેશ દાણી ફરી મારા સંપર્કમાં આવ્યો. મારી જેમ તે પણ પહેલા વર્ષમાં નાપાસ થયો હતો. મોટાભાગના મારા શાળાના મિત્રો મારી સાથે મારી કોલેજમાં જ હતાં. સુરેશ દાણી અને હું બંને નાપાસ થયાં હતાં એટલે સાથે ભણતા. પણ સુરેશને મારું મિલમાં નોકરી કરવું નહોતું ગમતું. તેણે મને ઘણો સમજાવ્યો કે આપણે બંને ટ્યુશન કરીએ, એક-બે ટ્યૂશનમાં જ બસોથી અઢીસો રૂપિયા ક્માઈ લેશું, મિલમાં કામ કરવાની જરૂર નથી. અને થયું પણ એમજ, એણે મને ટ્યૂશનો અપાવ્યા અને હું મહિને ૭૦૦ થી ૮૦૦ રૂપિયા કમાતો થઈ ગયો.
હું મોટાભાગે સુરેશ દાણીને ઘરે જ સમય વિતાવતો. એક દિવસ એના પિતા પ્રાણજીવન કાકાએ મને કહ્યું, “મારે તારી જરૂર છે, આ તારો મિત્ર અમારા જ માળામાં રહેતી એક છોકરીના પ્રેમમાં પડ્યો છે અને એને લીધે જ નાપાસ થયો છે, એનું ધ્યાન ભણવામાં ઓછું ને એ છોકરીમાં વધારે રહે છે, તું એને સમજાવ કે ભણવામાં ધ્યાન આપે અને એ છોકરીથી દૂર રહે.” મેં કહ્યું,”ભલે કાકા હું પ્રયત્ન કરીશ.” ત્રણ-ચાર મહિના પછી મેં કાકાને કીધું કે,”મેં ખૂબ કોશિશ કરી પણ એને માટે એ છોકરીને ભૂલવાનું શક્ય નથી, એ બંને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે.” તેમનાં મા-બાપે નિર્ણય લીધો અને લગ્ન નક્કી કરીને એમને પરણાવી દીધા. મારો મિત્ર સુરેશ દાણી એની પ્રેમિકા મંજુલા સાથે પરણી ગયો અને ૫૦ વર્ષથી દાંપત્ય જીવનનો આનંદ માણી રહ્યો છે. પરિવારની સહાયતાથી તે પોતાની મહત્વાકાંક્ષા રૂપે સફળ કોચિંગ વર્ગો સ્થાપી શક્યો. તેનું માનવું છે કે ભારતમાં જ કોઈ પણ યુવાન સફળ થઈ શકે છે અને વિદેશ જવાની જરૂર નથી. તેણે પોતાના ત્રણે પુત્રોને એંજિનિયરિંગમા સ્નાતક કર્યા અને વિદેશ મોકલવાને બદલે એના જ વ્યવસાયમાં સ્થાયી કર્યા.
એન્જિનિયરીંગ કોલેજમાં ગુજરાતી મંડળ
વી.જે.ટી. આઈ.માં અમે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી. હું પ્રમુખ અને મારો ખાસ મિત્ર પ્રવિણ પાઠક ઉપપ્રમુખ બન્યા. એક રંગસંધ્યાનું આયોજન કર્યું. ભવન્સની સ્પર્ધામાં નાટક રજૂ કર્યું. નાટકમાં નારી પાત્ર ભજવવા માટે છોકરી ક્યાંથી લાવવી? પ્રવિણ પાઠકે રૂઈયા કોલેજમાં ભણતી નલિની ગોકળગાંધીને તૈયાર કરી. ગણિત, વિજ્ઞાન અને યાંત્રિક કોલેજને અમારા ગુજરાતી મંડળે સાહિત્ય રસિક અને કલાપ્રેમી બનાવી. પ્રમુખ તરીકે એક વસ્તુ શીખવા મળી. તમારી સમિતિમાં જે કાર્યકરો હોય, તેમની નિષ્ઠા, સમર્પણ સફળતા લાવે છે.
મિત્રની સ્મૃતિ
૧૩ સપ્ટેંબર ૨૦૧૮ને દિવસે કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં. કાકીનું ઋણ તો જન્મોજન્મ ચુકવી શકાય તેમ નથી. તે છતાય કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં, તે નિમિત્તે એક ભોજન સમારોહનું આયોજન મેં મુંબઈમાં કર્યું. થોડા મિત્રો અને સગાવહાલાને બોલાવ્યા હતાં. તે વખતે મારા એક અંગત મિત્ર મનહર રાઠોડને આમંત્રણ આપવા હું તેના ઘરે ગયો ત્યારે તેણે જે વાત કરી તે ચોંકાવી નાખે તેવી હતી.
૧૯૭૧માં મનહરે અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મેળવ્યું. મુંબઈથી અમેરિકા જતા પહેલા મનહર વીરપુર જલારામ બાપાના દર્શને ગયો. વીરપુરની યાત્રાથી પાછા ફરતા તેની બસનો અકસ્માત થયો. બસ ઊંધી પડી ગઈ. મનહરને માથામાં ચોટ લાગી અને તે પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો. મનહર બધા સામે જોયાં કરે પણ કોઈને ઓળખી ના શકે. લગભગ છ મહિનાની સારવાર પછી કુટુંબનાં માણસોને ઓળખતો થયો. મુંબઈ આવી મનહર ફરીથી કક્કો બારાખડી શિખ્યો. દરેક ધોરણનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમાં તેનાં સગા અને મિત્રોએ ખૂબ સહકાર આપ્યો. પછી કોલેજનાં ૨ વર્ષ અને એંજિનિયરિંગના ૪ વર્ષનાં પુસ્તકોનો અભ્યાસ કરી પોતે સિવિલ એંજિનિયરિંગ ગ્રેજ્યુએટ છે એમ સાબિત કરી નોકરી મેળવી. મિત્રોના સહકારથી તેણે મકાન બાંધકામના ધંધામા ઝંપલાવ્યું અને ખૂબ કમાયો.
આ મનહર જ્યારે કાકીના ભોજન સમારોહમાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તેને અમારા કોલેજનાં એ દિવસો યાદ છે જ્યારે તે એક દિવસ મારા ઘરે આવ્યો હતો. મેં તેના માટે ખીચડી-શાક બનાવી જમાડ્યો હતો.
મને એમ કે મનહરની સ્મૃતિ પુસ્તકોનાં અભ્યાસથી પાછી આવી હતી. પણ ૧૯૬૪માં બનેલ ઘટના કોઈ પુસ્તકમાં નહોતી. હવે મને શ્રદ્ધા અને વિશ્વાસ બેસી ગયાં કે મનહરની સ્મ્રુતિ સંપૂર્ણપણે વાપસ લાવવા માટે જલારામ બાપાનાં જ આશીર્વાદ છે.
નંદ યશોદા સ્વરૂપ કાકા કાકીઃ
કાકી મારા જીવનમાં હું ૧૨ વર્ષનો હતો ત્યારે આવ્યા. ત્યારે હું ખૂબ નાદાન અને જિદ્દી હતો. કાકા-કાકીને મેં ઘણા તંગ કર્યાં. પરંતુ કાકાએ મારા માબાપને વચન આપેલ તે પાળીને, મને મોટો કર્યો. અમારા દરજી કુટુંબમાં છોકરો ૧૪ વર્ષનો થાય એટલે તેને ધંધે લગાડી દે. દરજીનો દીકરો, જીવે ત્યાં સુધી સિવે. ભણવું હોય તો ભણો પણ સાથે સાથે દરજીકામ પણ શીખે. અન્ય સગાંવહાલાં કાકા પર દબાણ લાવતા હતાં કે આ છોકરાને કામ શીખવો. એકલા ભણતરથી કંઈ વળવાનું નથી. પરંતુ કાકા અડગ રહ્યા. મને ભણાવ્યો, ગણાવ્યો. વર્ષો પછી મને સમજ આવી કે બંને કાકા-કાકીએ મારા માટે કેટલો ભોગ અને ત્યાગ આપ્યો. મારી બાના અવસાન પછી મેં કાકીને ભેટી પડીને રડતે મુખે કબૂલ કર્યું કે કાકી, મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે. તમે તો મારા યશોદામા છો. મારી જન્મદાતા મા તો મારા મામાને ત્યાં જતી રહી હતી, પણ મને મોટો કરવાનો, સંસ્કારો આપવાનો અને ઉચ્ચ શિક્ષણ આપવાનો ખરો યશ તો તમને જ અપાય. એ એકરાર પછી કાકી અને મારા સંબંધોમાં સોનામાં સુગંધ પૂર્યા જેવું થયું.
કાકા-કાકી અંધેરી જે રૂમમાં રહેતા હતાં તેમાં ૨૦૦૧ થી ૨૦૦૫ સુધીમાં ૪ વખત ૫ થી ૭ ફૂટ જેટલું પાણી ચોમાસા દરમ્યાન ભરાઈ જતું. ૨૦૦૭ માં તેમને માટે એક ફ્લેટ પહેલે માળે લીધો અને પાણીનો પ્રશ્ન ટળી ગયો. ૨૦૧૦માં કાકાના અવસાન પછી કાકી ૬ વર્ષ ત્યાં રહ્યાં. નિવૃત્તિમાં હું અવારનવાર મુંબઈ આવનજાવન કરતો. કાકી સાથે રહેતો. સુખ દુઃખની વાતો કરતા ભૂતકાળની સ્મૃતિ તાજી કરતા અને આનંદથી સમય પસાર કરતા. કાકીએ અમને ભાઈબહેનને સંપીને અને એકમેકની સાથે પ્રેમ આનંદથી રહેવાની શીખ અને પ્રેરણા આપી છે, જે અમને જીવનભર યાદ રહેશે. તેમના પુત્ર ભરતભાઈ મારા કપડા માપસર બંધબેસતા સીવી આપે છે અને નાનો પુત્ર યોગેશ મારું મુંબઈને લગતું કાર્ય નિષ્ઠાથી કરી આપે છે.
વહાલના સ્રોત સમા એ કાકી પણ અમને સૌને રડતા મૂકી ફેબ્રુઆરી ૨૦૨૨માં દેવલોક સિધાવી ગયાં.
વિહંગાવલોકન
મારું જીવન નસીબવંતુ છે. બાળપણમાં દાદીમા, આઠ વરસ સગી જનેતા, પછી કાકી, અમેરિકામાં વહાલસોયી પત્ની, મારી બા, અને બે પુત્રીઓનો ભરપુર સ્નેહ મને મળ્યો છે. મારા જન્મ પછી ભારતને આઝાદી મળી. ૨0-૨૨ વર્ષો સોનેરી કાળ સમા હતાં. એવો જ સોનેરી કાળ અત્યારે હ્યુસ્ટનમાં પ્રતિત થાય છે. દરેક કોમનાં લોકો અહીં હળીમળી રહે છે. સાહિત્ય, ધર્મ, કલા અને સામાજિક કાર્યક્રમોમાં સમય સુંદર રીતે પસાર થાય છે. જનસેવા અને પ્રભુસેવાના અનેક મોકા મળતા રહે છે. ખરેખર, સૌનો પ્રેમ અને સહકાર પામી ૭૫ વર્ષ ક્યાં પસાર થઈ ગયા તે ખબર જ ન પડી.
આશા છે કે જન્મોજનમ મને આ સહકારની કેડી મળ્યા કરે અને જીવનને નવપલ્લવિત કર્યા કરે.
અસ્તુ.