કંજૂસ બા (વાર્તા) ~  શાંતિલાલ કાશીયાણી 

“એ…. હાલ્યો બેનો.. તાજી-તાજી શાકભાજી આવી ગઈ.. હેંડો હવે “

પ્રવિણાબેનને જાણે કે કાને અવાજ અથડાયો. જલ્દી જલ્દી છાપુ સોફા પર મૂકી, દરવાજો ખોલી “એ આવી, સમજુડી આવી ખરી” બબડતા પગથિયાં ઉતરતા ગેટ પાસે આવી ગયાં. પણ આ શું ? આતો કોઈ બીજી શાકવાળી હતી.

“હાલો બોન, તાજેતાજું શાક લાવી છું” કહેતા એ શાકભાજીવાળી બાઈએ પ્રવિણાબેનને આકર્ષવાની કોશિષ કરી.

જે જોવું’તું એ ના જોતા પ્રવિણાબેને “નથી લેવું કઈ..” કહી જોરથી ગેટ પછાડી પગથિયાં ચડી ઉપર આવ્યાં. હાથમાં ફરી છાપુ લીધું. પણ કેમ જાણે છાપામાં જીવ ના ચોંટ્યો ને વિચારોની હારમાળાથી એમનું મન ઘેરાઈ ગયું.

“શું થયું હશે? આજે ચોથો દિવસ છે, કેમ નહિ આવતી હોય? લગન પ્રસંગમાં ગઈ હશે? ના ક્યારેય જતી તો નથી.એના ઘરવાળાને મોકલી આપે છે.તો પછી..

“ઘરે ગઈ ના આવે તો..” પ્રવિણાબેનને ખુબ ગુસ્સો આવ્યો.ફરી છાપુ હાથમાં લીધું. પણ છાપા વચ્ચે પણ જાણે સમજૂડી ડોકિયાં કરતી હોય એવો ભાસ થયો.

સમજુડી એટલે પ્રવિણાબેનની દસ વરસ જૂની શાકવાળી. રોજ બંગલાના ગેટ પાસે આવી ટહુકો કરે.. “હાલો.. બા.. તાજી શાકભાજી” ને પ્રવિણાબેન રેકડી પાસે આવી જાય. પછી ભાવતાલની રકઝક જામે.

“તું સમજુડી.. બહુ મોંઘી છો.. બીજે સસ્તું શાક મળે છે.. તારું શાક વાસી હોય છે.. આ રીંગણાં જો તવાઈ ગયેલા.. ટામેટાને તો જો તાવ આવી ગયો હોય એવા.. ને રોજનું એક વાક્ય તો ખરું જ કે ” સમજુડી, તું મને હંમેશા છેતરેશ જ.”  ને શાકભાજીની કુલ કિંમત કરતાં દસ રુંપિયા ઓછા આપે જ.

સામે સમજુની પણ ચવાઈ ગયેલી રકઝક.. “બા તમે બહુ લપિલા છો.. અમારા ગરીબ સામું  જોતા જ નથી.. અમારું પેટિયું આ ધંધા ઉપર નભે છે. તમે એક તો રૂપિયા ઓછા આપો ને પાછું આદુ મરચા ને કોથમરી મફતમાં લઈ જાઓ છો.. ને એક વાક્ય એનું પણ જાણીતું ને કાયમી – “આવડા મોટા બંગલામાં રહો છો પણ, બા તમે બહુ કંજૂસ છો”

એ સમજુ આજે ચાર-ચાર દિવસથી આવી નહોતી. પ્રવિણાબેન સમજુના વિચારોમાંથી જેટલા બહાર નીકળવાના પ્રયત્નો કરે એટલા વધુ ગૂંચવાય જાય. જાણે સમજુના નામનું ભૂત વળગ્યું. કેમ નહિ આવતી હોય. ક્યારેય એક દિવસ પણ પાળતી નથી… ને ચાર ચાર દી..

પ્રવિણાબેને એક ઝાટકે છાપું  મૂક્યું, મોબાઈલ હાથમાં લીધો ને પુત્ર શ્યામલનો નંબર કાઢ્યો.

શ્યામલના પપ્પા ગોપાલભાઈનું ચાર વરસ પેલા એટેક આવવાથી અવસાન થયેલું. પણ ભગવાનની દયાથી ગોપાલભાઈ એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ધંધાને ચાર ચાંદ લગાવી જતાં રહ્યા ને બિઝનેસ એકના એક પુત્ર શ્યામલે સંભાળી, ખૂબ જ મહેનત કરી સફળતા મેળવી.

સામેથી અવાજ આવ્યો “બોલો મમ્મી” ને પ્રવિણાબેન ઝબકીને જાગ્યા. “હા,બેટા. તું ક્યારે ઘરે આવે છે?”

“મમ્મી, મને આવતા બે કલાક  જેવું થાશે. સમજોને કે દસ થવા આવ્યા એટલે બાર સાડાબારે આવીશ. પણ બોલોને, કામ હોય તો વહેલો આવું.”

“હા બેટા, થોડું કામ છે ફ્રી થા એટલે બને એટલો વહેલો આવ.”

થોડી હળવાશ અનુભવતા પ્રવિણાબેન રસોડામાં વહુને મદદ કરવા લાગ્યા. થોડી વારમાં ડોરબેલ વાગી. શ્યામલ જ હશે સમજી પ્રવિણાબેને દરવાજો ખોલ્યો. શ્યામલ જ હતો. માનો આજ્ઞાકારી પુત્ર બધા કામ મૂકી ઝડપથી આવી ગયો હતો.

આવતાવેંત જ શ્યામલ બોલ્યો, “બોલો મમ્મી,શું કામ છે?”

“બેટા, પેલા ફ્રેશ થઈ જા, આપણે બહાર જવાનું છે”

“ફ્રેશ જ છું મમ્મી, તમે કહો ત્યારે નીકળીએ.” કદી કોઈ સામો પ્રશ્ન કે ચર્ચા ના કરવાની આદત ધરાવતા શ્યામલે વિચાર્યું કે મમ્મીને કંઈક અગત્યનું કામ હશે, નહિતર ક્યારેય મને તકલીફ આપતા નથી.

થોડીવારમાં મા-દીકરો નવી જ લીધેલી સફારી કારમાં નીકળ્યા.

મંજુલાબેને કારમાં બેસી મગજ કસ્યું. તે દી શું બોલી’તી સમજુ. હા યાદ આવ્યું. કંઈક આનંદનગર કોલોનીમાં ઈલોરા ટાવરની પાછળની ઝૂંપડપટ્ટી.

“બેટા, આનંદનગર તરફ કાર લે. ત્યાં ઈલોરા ટાવરની સાઇડમાંથી ઝૂંપડપટ્ટી તરફના રસ્તે લેજે.”

થોડીવારમાં મા-દીકરો આવી પહોંચ્યા. પ્રવિણાબેન પૂછતાં, ઘર ગોતતાં આખરે સમજુના ઘર પાસે આવી પહોંચ્યા. ગારમાટીની દીવાલ ને ઉપર સિમેન્ટ પત્રાવાળી એ દસ બાય દસની ખોલી હતી. ઘર ને આંકડી મારેલી હતી. દસ બાર વરસની એક છોકરી બહાર ટૂટેલ-ફૂટેલ બાકડા પર લેસન કરી રહી હતી.

“બેટા, આ સમજુ શાકવાળીનું ઘર છે?”

છોકરીએ ઊંચું જોયું. ઘર પાસે આવેલી કાર જોઈ ખુશ થઈ પણ ફરી મોઢા પર ઉદાસી છવાઈ  ગઈ.

“હા બા” બોલીને એ નજીક આવી.

“તું સમજુની દીકરી કે..” સમજુએ એકવાર દીકરી પાંચમું ભણે છે એવો ઉલ્લેખ કરેલો.

“હા બા, પણ તમે કોણ?”

“હું? બેટા તારી મમ્મીની બેનપણી સમજ ને. ક્યાં છે એ સમજુડી? આજે એની ખેર નથી.ચાર ચાર દી’થી શાકભાજી વગર રાખી છે મને.” થોડું હસતા ને થોડા ગુસ્સામાં પ્રવિણાબેન બોલ્યા.

છોકરી થોડી ઘબરાઈ ગઈ પણ પ્રવિણાબેનનો હસતો ચહેરો જોઈ હિંમત આવી ” બા, એતો.. એ તો.. દવાખાને..”

“દવાખાને?” પ્રવિણાબેન ના પેટમાં ફાળ પડી.

“કેમ? શું થયું છે એને? હમણાં તો ટામેટા જેવી હતી.”

પણ આ છોકરીને આવા પ્રશ્ન કરવા યોગ્ય નહિ લાગતા ફરી શાંત થઈ બોલ્યા, “બેટા,કેમ કંઇ બીમાર છે તારી મા?”

“મા બીમાર નથી બા, પપ્પા બીમાર છે.”

સમજુનો ઘરવાળો પ્રેમજી સાવેણી, સાવરણા બાંધીને વેચવાનો ઘંધો કરતો ને એટલાથી ચાર જણાનું પૂરું ન થતાં સમજુ શાકભાજીની રેંકડી કાઢી ગુજરાન ચલાવતી. આમ જુઓ તો પ્રેમજી કરતા સમજુ વધુ કમાતી.

“કયા દવાખાને ખબર છે બેટા?”

થોડીવાર ચૂપ રહી મમ્મીની વાત યાદ આવતા છોકરી બોલી “હા બા, નવજીવન દવાખાનું છે.”

“નવજીવન હૉસ્પિટલ?”

“હા બા, એ જ “

“ભલે બેટા તું વાંચ.” કહી વીસ રૂપિયાની નોટ છોકરીના હાથમાં પકડાવી ‘કઈક ખાઈ લેજે, બેટા’ બોલીને પ્રવિણાબેન ફરી કારમાં ગોઠવાયાં ને શ્યામલ ને સૂચના આપી કે નવજીવન હોસ્પિટલ તરફ લે.

હૉસ્પિટલમાં પૂછપરછ કરી. ડૉક્ટરને મળી બધી વિગત કઢાવી. પ્રેમજીને ફેફસાનું કેન્સર હતું, પણ હજી પેલા સ્ટેજમાં હોઈ ઓપરેશનથી બિલકુલ સાજો થઈ શકે એમ છે, એવું ડૉક્ટરે જણાવ્યું.

પણ અહીં આટલા મોટા ખર્ચને પહોંચી શકે એમ ન હોવાથી બીજી હૉસ્પિટલમાં શિફ્ટ થવાના છે. એ પણ પ્રવિણાબેને જાણી લીધું. ને કંઈક ડોક્ટર સાથે વાત કરી પુત્રનું કાર્ડ આપી મા-દીકરો સીધા ઉપર પહેલા માળે પહોંચ્યા.

હૉસ્પિટલના પલંગ પર પોતાના પતિને દવા પીવડાવતી સમજુએ પ્રવિણા બાને આવતા જોઈ આશ્ચર્ય સાથે આનંદ થયો. કંઈ બોલી શકે એવી હાલત ના રહી. એટલું જ બોલી, “બા તમે? અહીં?”

“તું ચાર ચાર દી’થી કહ્યા વિના ગાયબ થઈ જા તો શું કરું હું? કે’વાય તો ખરુંને કે આવું થયું છે? પણ.. પણ તને આવી હાલતમાં શું કે’વું.”

“બા બધું અચાનક થયું, બે =ત્રણ દવાખાના ફરી કાલના અહીં આવ્યા, પણ હવે સાંજે બીજે લઈ જઈશ આમને.”

“ક્યાંય નથી લઈ જવો તારા ઘરવાળાને. અહીં જ એનો ઇલાજ થાશે, ડૉક્ટર સાથે મેં વાત કરી લીધી છે.”

“પણ બા, અહીં ડૉક્ટરે બેત્રણ લા..”

વચ્ચેથી વાત કાપતા પ્રવિણાબેન બોલ્યા, “તું એની ચિંતા ના કર, તારા ધણીનું ધ્યાન રાખ, બાકીનું બધું થઈ જાશે “

“પણ બા,આટલા બધા રૂપિયા….”

“જો સમજુડી.. તને હું રોજ પાંચ-દસ રુપિયા ઓછા આપતી કે નહિ? સમજી લેજે કે એ રૂપિયા વ્યાજ સાથે પાછા આપું છું!”

સમજુ કંઈક બોલવા ગઈ પણ વચ્ચે જ વાત કાપી પ્રવિણાબેન બોલ્યા કે, “સમજુડી.. તારે મારું અહી હૉસ્પિટલમાં કંઈક સાંભળવું છે?”

શાકભાજીની લપછપમાં રોજેરોજ હારીને છેલ્લે બોલતી સમજુ એજ વાક્ય બોલી શકી “હા બા, તમે કો એમ.”

પ્રવિણાબેને શ્યામલ સામે જોયું. મમ્મીનો મૂક ઈશારો શ્યામલ સમજી ગયો, એણે પાકિટમાંથી પાંચસોની દસ નોટ કાઢી મમ્મીને આપી. પ્રવિણાબેને એ રકમ સમજુના હાથમાં આપતા કહ્યું, “આ તારા હૉસ્પિટલના છૂટક ખર્ચ માટે છે, બાકી દવા ઓપરેશનને બધા ખર્ચની વાત ડૉક્ટર સાથે થઈ ગઈ છે.. ને તારો ફોન દે એટલે એમાં મારા નંબર સેવ કરી દઉં છું. ગમે ત્યારે કામ હોય તો ફોન કરજે. હું એકાતરા આવીશ.” થોડું હસીને “તારી આદત પડી ગઈ છે તો આવું જ પડશેને!”

સમજુ બધું બાઘાની જેમ સાંભળતી રહી. એને એવો ભાસ થયો કે રોજ મા મેલડીને પૂજાપાઠ કરતી, આજે મા મેલડી બાનું રૂપ ધરીને મદદે આવ્યા.

“સમજુડી, મેં શું કહ્યું એ સમજી ગઈને?”

સમજુ “હા બા” એટલું બોલીને ચૂપ થઈ ગઈ. એને તો આ બધું સપના સમાન જ લાગ્યું.

પ્રવિણાબેને વાત આગળ ચલાવી, “ને તારી છોકરીના ભણતરનો ખર્ચો હવે અમે કરીશું, બધી વ્યવસ્થા થઈ જશે, હાલ હું જાવ છું”

મા-દીકરો હૉસ્પિટલની બહાર આવ્યા. પાછળ દોરાતી સમજુ એમને વળાવવા દરવાજા સુધી આવી.

“ને છેલ્લે ગઈ ત્યારે મારા પંદર રૂપિયા તારી પાસે બાકી રાખ્યા’તા, યાદ છે ને સમજુડી. ભૂલી જતી નહીં. રેકડી લઈને આવ ત્યારે પેલા પંદર રૂપિયા લઈશ, પછી બીજી વાત.”

આટલી વાતથી સમજુ હવે ભાનમાં આવી ને થોડું હસીને બોલી, “હા, મારી બા,આપી દઈશ.”

સમજુ હૉસ્પિટલના દરવાજે ઊભી આશ્ચર્યથી મા-દીકરાને જતાં જોઈ રહી.

કાર સ્ટાર્ટ કરતા શ્યામલ વિચારે ચડ્યો. પપ્પા પાછળ ઘણું દાન કર્યું પણ મમ્મીના દાનને   કોઈ ના પહોંચે. વાહ મારી મમ્મી,તારો દીકરો હોવાનો મને ગર્વ છે.

કારની બાજુની સીટમાં ગોઠવાતાં પ્રવિણાબેન મનમાં બોલ્યા, “છેતરવાની આદત જ ના ગઈ સમજુડીની, છેલ્લે પોતાનું દુઃખ ના જણાવીને છેતરી ગઈ.”

જતી કારને સમજુ છેક ગેટ સુધી જોતી રહી. કાર જ્યારે નજરમાંથી દેખાતી બંધ થઈ અનાયાસ જ સમજુના હાથ જોડાઈ ગયા. મનોમન બબડી, “મારા કંજૂસ બા…”

એકસાથે છ આંખોના ખૂણે ભીનાશ બાઝી વળી….

~ શાંતિલાલ કાશીયાણી
[email protected]

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.