સાત સમંદર પાર~ભાગ ૧૭~જાપાનીઝ નવલકથાઃ “ધ રીમેન્સ ઓફ ધ ડે”~મૂળ લેખકઃ ખઝુઓ ઇશિગુરો~આસ્વાદ: ઉદયન ઠક્કર

(મૂળ લેખક પરિચયઃ નોબેલ પારિતોષિક વિજેતા કાઝુઓ ઇશિગુરોનો પરિચયઃ કાઝુઓ ઇશિગુરોનો જન્મ ૮ નવેમ્બર, ૧૯૫૪ના રોજ જાપાનના નાગાસાકીમાં થયો હતો. તેઓ પાંચ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ઇંગ્લૅન્ડના સરે પ્રાંતમાં સ્થાયી થયો. ઘરમાં જાપાની સંસ્કૃતિ અને બહાર બ્રિટિશ જીવનવ્યવસ્થા—આ બે સાંસ્કૃતિક પરિવેશ વચ્ચેના ઉછેરે તેમને મનુષ્ય અને સમાજને એક વિશિષ્ટ અંતરથી જોવાની દૃષ્ટિ આપી. તેમણે યુનિવર્સિટી ઑફ કૅન્ટમાંથી અંગ્રેજી અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો તથા યુનિવર્સિટી ઑફ ઈસ્ટ એંગ્લિયામાં સર્જનાત્મક લેખનનું શિક્ષણ મેળવ્યું. ઇશિગુરોની પ્રથમ નવલકથા એ પેલ વ્યૂ ઑફ હિલ્સ ૧૯૮૨માં પ્રગટ થઈ. ત્યાર પછી એન આર્ટિસ્ટ ઑફ ધ ફ્લોટિંગ વર્લ્ડ , ધ રીમેન્સ ઑફ ધ ડે , ધ અનકન્સોલ્ડ , વ્હેન વી વર ઑર્ફન્સ , નેવર લેટ મી ગો , ધ બરીડ જાયન્ટ અને ક્લારા ઍન્ડ ધ સન જેવી કૃતિઓ દ્વારા તેમણે વિશ્વસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. તેમની કૃતિઓ પચાસથી વધુ ભાષાઓમાં અનુવાદિત થઈ છે. તેઓ નવલકથાકાર ઉપરાંત પટકથાલેખક અને ગીતકાર પણ છે. ઇશિગુરોના સર્જનમાં સ્મૃતિ, સમય, વિસ્થાપન, આત્મપ્રવંચના, અપરાધભાવ, દબાયેલી લાગણીઓ અને જીવનમાં મોડેથી જન્મતો પશ્ચાત્તાપ વારંવાર પ્રગટ થાય છે. તેમની ભાષા સંયમિત અને સરળ હોય છે; પરંતુ એ સાદગીની નીચે માનવમનની ઊંડી કરુણતા અને અસ્વસ્થ કરી મૂકે એવું મૌન વહેતું રહે છે.
૨૦૧૭માં તેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક અર્પણ થયું. સ્વીડિશ અકાદમીએ તેમના સર્જનની ભાવનાત્મક શક્તિ અને જગત સાથેના આપણા કાલ્પનિક સંબંધની નીચે રહેલી ગહન ખાઈને ઉજાગર કરવાની તેમની ક્ષમતાને વિશેષ રીતે નોંધેલી. સ્મૃતિ ક્યારેક આપણને ભૂતકાળ સુધી લઈ જતી સીધી કેડી નથી હોતી; એ પોતાની ભૂલો, અપરાધભાવ અને ચૂકી ગયેલી સંભાવનાઓથી બચવા માટે મનુષ્યે રચેલો ભુલભુલામણો રસ્તો પણ બની શકે છે. જાપાનમાં જન્મેલા અને ઇંગ્લૅન્ડમાં ઉછરેલા બ્રિટિશ સર્જક કાઝુઓ ઇશિગુરોનું સમગ્ર સાહિત્ય આવા જ સ્મૃતિપ્રદેશમાં આકાર લે છે. ૧૯૮૯માં પ્રગટ થયેલી ધ રીમેન્સ ઑફ ધ ડે ઇશિગુરોની ત્રીજી નવલકથા છે. એ નવલકથાને એ જ વર્ષે પ્રતિષ્ઠિત બુકર પારિતોષિક મળ્યું હતું. ૧૯૯૩માં દિગ્દર્શક જેમ્સ આઇવરીએ આ નવલકથા પરથી પ્રશંસિત ફિલ્મ બનાવી હતી. તેમાં એન્થની હોપકિન્સે સ્ટીવન્સ અને એમા થૉમ્પસને મિસ કેન્ટનની ભૂમિકા ભજવી હતી. “ધ રીમેન્સ ઑફ ધ ડે “કોઈ નાટ્યાત્મક પ્રેમકથા કરતાં દબાઈ ગયેલા પ્રેમની, કોઈ સીધી રાજકીય નવલકથા કરતાં નૈતિક અંધતાની અને કોઈ સ્મૃતિકથા કરતાં આત્મપ્રવંચનાની કથા વિશેષ છે. બોલાયેલા શબ્દો કરતાં મૌનમાં વધુ જીવતી આ નવલકથા આપણને પૂછે છે—ફરજને જ જીવન માની બેઠેલો મનુષ્ય ક્યાંક પોતાનું જીવન જ જીવવાનું ચૂકી તો નથી જતો?
‘ધ રીમેન્સ ઑફ ધ ડે’ – આસ્વાદઃ ઉદયન ઠક્કર
નવલકથાનો નાયક અને કથક સ્ટીવન્સ ઇંગ્લૅન્ડના ભવ્ય ડાર્લિંગ્ટન હૉલમાં લાંબા સમયથી સેવારત એક વૃદ્ધ બટલર છે. પોતાના વ્યવસાય પ્રત્યેની સંપૂર્ણ નિષ્ઠા, શિસ્ત, સંયમ અને ‘ગરિમા’ને તે જીવનનાં સર્વોચ્ચ મૂલ્યો માને છે.
ઇંગ્લૅન્ડના ગ્રામપ્રદેશની મોટરયાત્રા દરમિયાન સ્ટીવન્સ પોતાના ભૂતકાળને યાદ કરે છે. તેના સ્મરણોમાં તેના પૂર્વ માલિક લૉર્ડ ડાર્લિંગ્ટન, બીજા વિશ્વયુદ્ધ પૂર્વેની રાજકીય ઘટનાઓ અને હૉલની ભૂતપૂર્વ હાઉસકીપર મિસ કેન્ટન સાથેનો અવ્યક્ત સંબંધ ધીમે ધીમે ઊઘડવા લાગે છે. પોતે એક ‘મહાન સજ્જન’ની સેવા કરીને માનવતાની સેવા કરી છે—એવું સ્ટીવન્સ પોતાને સમજાવે છે; પરંતુ તેની યાદોમાંથી જ વાચકને તેની માન્યતાઓની મર્યાદા અને ભ્રમ દેખાવા લાગે છે.
સ્ટીવન્સ એક પ્રકારનો ‘અવિશ્વસનીય કથક’ છે. તે જાણીજોઈને અસત્ય નથી બોલતો; પરંતુ પોતાના જીવનનું સત્ય સ્વીકારવાની તેની અસમર્થતા તેની કથાને અધૂરી અને એકપક્ષીય બનાવે છે. તે જે કહે છે તેના કરતાં જે કહેવાનું ટાળે છે તે વધુ અર્થપૂર્ણ બની રહે છે. વાચક તેના સંયમિત શબ્દોની વચ્ચેથી તેની દબાયેલી લાગણીઓ, આત્મપ્રવંચના અને એકલતાને ઓળખે છે.
નવલકથા વ્યક્તિગત નિષ્ઠા અને નૈતિક જવાબદારી વચ્ચેનો મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉપસ્થિત કરે છે: શું કોઈ વ્યક્તિ પોતાના માલિક કે સંસ્થા પ્રત્યેની અંધ વફાદારીને કારણે ઇતિહાસ સામેની પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે? એ સાથે જ કૃતિ વર્ગવ્યવસ્થા, વ્યવસાયિક ઓળખ, લાગણીઓનું દમન, ચૂકી ગયેલો પ્રેમ અને મોડેથી જન્મતા પશ્ચાત્તાપનું કરુણ ચિત્રણ કરે છે.
ધ રીમેન્સ ઑફ ધ ડેનો શબ્દશઃ અર્થ ‘દિવસનો બાકી રહેલો ભાગ’ થાય છે; પરંતુ શીર્ષકમાં જીવનની સંધ્યાનો વિશાળ સંકેત રહેલો છે. જીવનનો મોટો ભાગ ફરજ, ભ્રમ અને સંયમમાં પસાર થઈ ગયા પછી મનુષ્ય પાસે જે થોડોક સમય બચ્યો છે, તેનો તે શું ઉપયોગ કરશે? શું તે ભૂતકાળને સ્વીકારીને બાકી રહેલા જીવનને નવી રીતે જીવી શકશે? આ પ્રશ્ન નવલકથાના હાર્દમાં રહેલો છે.
જાપાનમાં જન્મેલા અને ઈંગ્લેન્ડમાં ઉછરેલા ખઝુઓ ઇશિગુરોને ૨૦૧૭નું નોબેલ પારિતોષિક મળ્યું છે. તેમની નવલકથા ‘ધ રીમેન્સ ઓફ ધ ડે’ વાંચવાની હું તમને ભલામણ કરું છું.
લોર્ડ ડાર્લિંગટનની વિશાળ હવેલીમાં હેડ-બટલર તરીકે ૪ દાયકાથી કામ કરતા સ્ટીવન્સના જીવનનો એકમેવ ઉદ્દેશ છે- પોતાના વ્યવસાયની ગરિમા જાળવવી.૧૯૫૬નું વર્ષ ચાલે છે, ડાર્લિંગટનના અવસાન પછી ફેરડે નામના હસમુખા અમેરિકને હવેલી ખરીદી લીધી છે. (દુનિયા બદલાઈ ગઈ છે. બીજા વિશ્વયુદ્ધ પછીની મહાસત્તા અમેરિકા છે, બ્રિટન નહિ.) સ્ટીવન્સ ગંભીર પ્રકૃતિનો માણસ છે, નવા માલિકની રમૂજોથી એ મૂંઝાઈ જાય છે.
પોતે અમેરિકા જવાનો હોઈ ફેરડે સ્ટીવન્સને આગ્રહ કરે છે, ‘અલ્યા,થોડા ‘દી બહારગામ ફરી આવ, લેતો જા મારી ગાડી!’ દુનિયા આખીનો ભાર લઈને ફરતા સ્ટીવન્સે દાયકાઓથી વેકેશન લીધું નથી. આખરે બહારગામ જવાનું વ્યાવસાયિક કારણ એને જડી આવે છે. મિસ કેન્ટન નામની હાઉસકીપરે પરણ્યા પછી ૧૯૩૬માં ડાર્લિંગટન હાઉસની નોકરી છોડી દીધી હતી. તેણે લખેલા પત્ર પરથી એવું કળાય છે કે તેનું લગ્નજીવન સુખી નથી અને તે નોકરીએ પાછી ફરવા માગે છે. ‘ચાલ જીવ, તેને મળતો આવું’ વિચારીને સ્ટીવન્સ ૬ દિવસના પ્રવાસે નીકળવાનું ઠેરવે છે. પહેલાં તો એ નકશાનો અને બ્રિટનના પ્રવાસવર્ણનનાં પુસ્તકોનો અભ્યાસ કરે છે. આ પુસ્તકો એણે છેલ્લે વાંચ્યાં હતાં છેક ૧૯૩૬માં, મિસ કેન્ટન પરણી એ વર્ષે. (સ્ટીવન્સનો સ્વભાવ ચીવટભર્યો-ચીકણો-છે. એને માટે બે દાયકાથી વિશ્વ જાણે બદલાયું જ નથી. એ ભલો ને એનું ઘર ભલું. મિસ કેન્ટનની વિદાય પછી સ્ટીવન્સનો સમય થંભી ગયો છે.)
દિવસ ૧:
ગાડી હંકારતો સ્ટીવન્સ અવનવાં દ્રષ્યો જુએ છે. વહાણ મધદરિયે પહોંચે, કિનારો દેખાતો બંધ થાય, ત્યારે પ્રવાસીઓને ભયમિશ્રિત રોમાંચ થાય, સ્ટીવન્સને પણ તેવી લાગણી થાય છે. પગ છૂટા કરવા એ ડુંગર ભણી જતી પગદંડી ચડે છે. ફેફસાં ફૂલે તેટલું ચડ્યા પછી બાંકડો આવે છે. ત્યાંથી જુએ છે તો….ખેતર પછી, ખેતર પછી ખેતર, ટપકાં જેવડાં ઘેટાં, જમણી બાજુએ દૂર દેખાતો ચર્ચનો ટાવર. સ્ટીવન્સ મનોમન કહે છે, ‘ઈંગ્લેન્ડથી વધુ રળિયામણી જગ્યા નહિ મળે. કશું નાટકીય નહિ, બસ સંયમપૂર્વકનું સૌંદર્ય, આને કહેવાય મહાનતા!’ (સંયમ એ સ્ટીવન્સની જિંદગીનો મુદ્રાલેખ છે.) આખી કથા સ્ટીવન્સના મુખે કહેવાઈ છે. એને યાદ આવે છે- એક બટલર હિંદુસ્તાનમાં સાહેબની નોકરીએ હતો. મિજબાનીના સમયે તેણે જોયું કે મેજની નીચે વાઘ ભરાયો છે. તેણે વાઘને ઠાર કર્યો, લોહીના ડાઘ લૂછ્યા, અને કશું ન બન્યું હોય તેવા સ્વરે મહેમાનોને જણાવ્યું: “સાહેબો, ભોજન ગોઠવાઈ ચૂક્યું છે. “ (કોઈ કામ નાનું કે મોટું હોતું નથી, બટલર હોય કે એન્જિનિયર.)
દિવસ ૨:
સ્ટીવન્સ ડોર્સેટ ગામ પાસે ગાડી અટકાવે છે. ગામવાળો એને પૂછે છે,’ તમે ડાર્લિંગટન હાઉસના હેડ બટલર છો? તમે લોર્ડ ડાર્લિંગટન હેઠળ કામ કર્યું હતું? ‘ આખી જિંદગી આ લોર્ડની નિષ્ઠાપૂર્વક નોકરી કરી હોવા છતાં સ્ટીવન્સ નનૈયો ભણી દે છે. લોર્ડના આયુષ્યના અંતભાગમાં તેઓ-નાઝી પક્ષ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાને કારણે-વગોવાઈ ચૂક્યા હતા. સ્ટીવન્સને વારંવાર સવાલ સતાવે છે, “શું મારી આખી જિંદગી વેડફાઈ ગઈ?” (અમુક-તમુક શાસ્ત્રી કે બાપુની પાછળ આયુષ્ય ખર્ચી નાખનારને પણ આવા પ્રશ્નો નડતા હોય છે. આ નવલકથામાં વિફળતાનો, કશુંક ખોઈ નાખ્યાનો, ભાવ સતત વરતાય છે.)
દિવસ ૩:
સ્ટીવન્સ મિસ કેન્ટનના વિચારે ચડી જાય છે. એક વાર તે ટકોરો માર્યા વિના એના ઓરડે આવી ચડી હતી. ‘શું વાંચે છે?’ એમ પૂછી સ્ટીવન્સના હાથમાંથી પ્રેમકહાણીનું પુસ્તક ખૂંચવી લીધું હતું. ‘મારા એકાંતમાં દખલ ન કર!’ કહી સ્ટીવન્સે તેને બહાર મોકલી દીધી હતી.
દિવસ ૪:
કોર્નવોલની રોઝ ગાર્ડન હોટેલમાં મિસ કેન્ટનની પ્રતીક્ષા કરતા સ્ટીવન્સને સાંભરે છે કે એક દિવસ કેન્ટને કહ્યું હતું, ‘મારે માટે લગ્નનું માગું આવ્યું છે, હું અવઢવમાં છું’; ત્યારે ‘જણાવવા બદલ આભાર’ એટલું કહીને સ્ટીવન્સ કામે લાગી ગયો હતો. જ્યારે લગ્ન નક્કી થઈ ગયાનું મિસ કેન્ટને જણાવ્યું, ત્યારે પણ ‘અભિનંદન, પણ મારે મહેમાનોની સરભરા કરવાની છે,’ એમ કહી એ જતો રહ્યો હતો.
એવામાં મિસ કેન્ટન આવે છે. હવે પછી સ્ટીવન્સ તેનો ઉલ્લેખ મોટા ભાગે ‘મિસિસ બેન’ નામથી કરે છે. કેન્ટનનું શરીર-સૌષ્ઠવ જળવાયેલું છે, સિવાય કે મુખ પર ઉદાસીની છાયા ક્યારેક દેખાઈ જાય છે. તે કહે છે કે તેનો પતિ ભલો અને ભરોસાપાત્ર છે. લગ્ન થયાના વર્ષો સુધી તે પતિને ચાહી શકી નહોતી, પરંતુ દીકરી ઉછેરતાં, અને વિશ્વયુદ્ધની વિપદાઓનો સામનો કરતાં, તે પતિને ચાહવા લાગી છે.
બે કલાક વાતચીત કર્યા પછી સ્ટીવન્સ તેને બસ સ્ટોપ પર મૂકવા જાય છે, અને પૂછી લે છે, ‘તારે કોઈ વાતે દુખ તો નથી?’ કેન્ટન કહે છે; ‘કદી લાગે છે કે ભૂલ થઈ ગઈ. બીજી રીતે જિંદગી જીવાઈ હતે તો હું વધુ સુખી હતે, જેમ કે તમારી સાથે, મિ. સ્ટીવન્સ. પણ ભૂતકાળમાં જીવી ન શકાય.’ સ્ટીવન્સ સ્તબ્ધ થઈ જાય છે. આખરે કહે છે, ‘મારું હૈયું ભાંગી રહ્યું છે.’ પણ તરત સ્વસ્થ થઈ જાય છે; ‘મિસિસ બેન,હવે કદાચ આપણે નહિ મળીએ. તમારા પતિને અને કુટુંબને ચાહતા રહેજો.’ (સ્ટીવન્સને પહેલી વાર સમજાય છે કે એને મિસ કેન્ટન પ્રત્યે પ્રેમ છે, પણ એ એકરાર કરી શકતો નથી. આમ આ કરુણ કથા છે.) બસ ઊપડે છે, કેન્ટનની આંખે ઝળઝળિયાં છે.(સ્ટીવન્સ જાણે બસ ચૂકી ગયો છે.)
દિવસ ૬:
સ્ટીવન્સ વેમાઉથના બંદરબારે બેઠો છે. સાંજ ઢળી રહી છે. પડખે બેઠેલો અજાણ્યો ડોસો બોલે છે, ‘સાંજ એ દિવસનો શ્રેષ્ઠ સમય છે. દિવસ આખો ઢસરબોળો કર્યો. હવે ટાંટિયા લંબાવીને લહાવો લો.’ થોડી વારે બંદરની દીવાબત્તીઓ પેટી ઊઠે છે, સહેલાણીઓ આનંદનો પોકાર કરે છે. સ્ટીવન્સ મનોમન કહે છે, ‘ડોસાની વાત તો સાચી. ભૂતકાળને ભુલાવી દઉં. દિવસ જેટલો બચ્યો છે, (ધ રીમેન્સ ઓફ ધ ડે) તેને માણી લઉં. મારા નવા માલિક, ફેરડેની જેમ હળવાશથી જીવતાં શીખું.’
**************