સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા
યુદ્ધને કારણે કેટલા લાખોની સંખ્યામાં સૈનિકો મૃત્યુ પામ્યા છે. એક અંદાજ પ્રમાણે રશિયાએ સવા બે લાખથી વધુ અને યુક્રેને પંચાવન હજારથી વધુ સૈનિકો ગુમાવ્યા છે. ઘાયલ સૈનિકોની સંખ્યા તો અલગ.

ચાર વર્ષના ગાળા પછી હજી આ યુદ્ધ દિવસે ન વધે એટલું રાતે વધી રહ્યું છે. પારાવાર નુકસાન થયું હોવા છતાં બંને પક્ષ હથિયાર હેઠા મૂકવા તૈયાર નથી. વર્ષોની મહેનત બાદ ઊભું કરેલું માળખું કડડડભૂસ થઈ રહ્યું છે. હેલ્પર ક્રિસ્ટી લાચારી વ્યક્ત કરે છે…
એ બંધ બારી ખોલતા વર્ષો વહી ગયાં
સૂરજને ઘરમાં લાવતા વર્ષો વહી ગયાં
આખા ગણિતમાં ક્યારનું ભટકે છે શૂન્ય પણ
એ એકડાને જોડતા વર્ષો વહી ગયાં
સૂરજને ઘરમાં લાવવાની વાત લાખો લોકો માટે સાકાર થવા જઈ રહી છે. મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરી ત્યાં પાકા મકાનો ઊભા થવાના છે. જેને ખોલી કહેવાય છે એ થોડા વર્ષો પછી ઘર કહેવાશે. ધારાવી ઝૂંપડપટ્ટી અંદાજે 2.1-2.5 સ્કવેર કિ.મી.માં પથરાયેલી છે જેમાં સરકારી અંદાજ મુજબ સાતથી દસ લાખ લોકો વસે છે.

યુરોપમાં મોનાકો નામનો દેશ છે જેનો વિસ્તાર 2.08 સ્કવેર કિ.મી. છે, જેમાં ચાલીસેક હજાર લોકો રહે છે. તમે વિચારી શકો છો કે કીડી-મંકોડાની જેમ એક આખી આબાદી મુંબઈમાં જીવે છે. ઉર્વીશ વસાવડા એવી સ્થિતિની વાત કરે છે જેમાં શ્વાસ ચાલે છે પણ જીવન સ્થગિત થઈ ગયું છે…
ચિત્કાર જેવું કૈંક છે પ્રત્યેક શ્વાસમાં
ને કમનસીબે કોઈ નથી આસપાસમાં
વર્ષો વીતી ગયાં, છતાં ન ઓળખી શકયો
એવું ફરે છે કોણ આ મારા લિબાસમાં?
સ્કૂલના જૂના મિત્રો મળે ત્યારે ઘણી વાર આશ્ચર્ય થાય. કેટલાક મિત્રોનો ચહેરો એવો ને એવો લાગે જ્યારે કેટલાક મિત્રોનો ચહેરો એવો બદલાયેલો હોય કે ઓળખાય પણ નહીં.

સમયના ચાસ ચહેરા ઉપર પડતા હોય છે. જીવનનો સંઘર્ષ ચહેરા ઉપર પોતાની છાપ છોડે છે. અશોક ચાવડા `બેદિલ’ શહેરવાસીની સમસ્યા આલેખે છે…
બ્હારથી એકદમ સલામત છું
માત્ર છે નાસભાગ અંદરથી
દૃશ્ય સઘળાં થઈ ગયાં છે સ્થિર
આ જ મોકો છે જાગ અંદરથી
અંદરથી જાગવાની વાત જવા દઈએ અહીં તો રાતે પણ સરખી ઊંઘ નથી આવતી. ઉંમર સિવાય પણ અનેક કારણો છે જે નિરાંતે સૂવા નથી દેતા. જે લોકો લિંક રોડ જેવા ધમધમતા રસ્તાની નજીક રહેતા હોય એમને ચોવીસ કલાક વાહનોનો અવાજ સહન કરવો પડે છે.

ઘણી સોસાયટીમાં રાતે કૂતરાઓના ઝઘડા ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. યુક્રેન અને ઈરાનમાં ડ્રોન અને મિસાઈલના રાત્રિ હુમલાઓને કારણે લોકોની ઊંઘ વેરણછેરણ થઈ જાય છે.
ટૂંકમાં જાગવાનું જરૂર થાય છે, પણ એમાં જાગૃતિનો અંશ હોતો નથી. હરકિસન જોષી જિંદગીની બદહાલી નિરૂપે છે…
પહોંચી ગયાં છે ઘર લગી વેરાન રણ હવે
ચોપાસ ઝાંઝવાનું છે વાતાવરણ હવે
ઊપસી શક્યાં ન ચિત્ર દિવાલો ઉપર કદી
ધુમ્મસ બની ગયાં છે સકળ સંસ્મરણ હવે
જિંદગી મૂલ્ય ગુમાવી બેઠી છે ને મોત સસ્તું થઈ ગયું છે. માંદગીને કારણે મૃત્યુ થાય એ જુદી વાત છે પણ અકસ્માતો, આફતો, હોનારતો, હુમલાઓને કારણે જિંદગી થંભી જવાના કિસ્સા વધી રહ્યા છે. ઉનાળામાં ગરમીને કારણે સમૃદ્ધ કહી શકાય એવા યુરોપમાં 2023ના હીટવેવમાં સિત્તેર હજાર લોકો ગરમીને કારણે મરી ગયા હતા.

રાહી ઓધારિયા સરી જતી જિંદગીને સંકોરે છે…
આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
બેસો, કહું છું તમને હું મારા મર્યાની વાત
વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને
મારા મહીંથી ધીમે ધીમે હું સર્યાની વાત
2019થી 2026 દરમ્યાન જ્યાં પાંચ વડાપ્રધાન બદલાયા છે એ બ્રિટનના કવિ પંચમ શુક્લની વાત સાથે વિરમીએ…
હું સ્વયં થઈ ગયો છું તારા પગનો અંગૂઠો
નખ ઉતરડી દઉં – કહે તો, વારસામાં કૈં નથી
વિસ્મયો, કરામતો ને કામના શમી ગયાં
ગૈ હથેળીથી લકીર, હાદસામાં કૈં નથી
લાસ્ટ લાઈન
મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે
કેવી રીતે કહું કે શ્રાપીને એ ગયાં છે
શાશ્વત પીડા સ્મરણની આપીને એ ગયાં છે
આખી સફરમાં સાથે ચાલ્યા નહીં તો શું ગમ
સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે
છે ખાતરી કે ચુસકી ભૂલી નહીં શકે એ
મીઠી કડક પ્રણયની ચા પીને એ ગયાં છે
કેવી રીતે ઉતારું હું ઋણ એમનું આ?
મહોબતની મોંઘી મિલકત આપીને એ ગયાં છે
~ રાજેશ હિંગુ
Going all guns blazing! Developing fabulously. Gunvantray Acharya has been favourite author since childhood. Now thanks to Varsha Adalaja, first read about him in her autobiography, and at length in his biography. Many Many Thanks to Varsha Agalaja and “aapnuaangnu.com”.