અણધારી ઘટના અચાનક બનવી એ મારી કૌટુંબિક પરંપરા ~ (પ્રકરણ : 21) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 21

હવે શું! હું જીવનનાં કયા બિંદુ પર ઊભી છું!

ક્યારેક કોઈક પ્રશ્નોના ઉત્તર હોતા નથી.

ઘર જરાય ન ગમતું. ગૂંગળામણ થતી. એક તો સોસાયટી ઘેટો ગુજરાતી કૉમ્યુનિટી હતી. ત્રણ હાઇરાઇઝ બિલ્ડિંગ. મોટે ભાગે મધ્યમવર્ગનો નોકરિયાતવર્ગ. ત્રણેય બિલ્ડિંગમાં લાંબી લાંબી ચાલીઓ અને એક રૂમ, એક બેડરૂમ, બે બેડરૂમનાં ઘર, દરેક ઘર સ્વતંત્ર ફ્લૅટ પણ આમ ચાલી સિસ્ટમ. પાઘડીપટ્ટે એક દીવાલે ઘરો જોડાયેલા એટલે બાજુમાં બારીઓ નહીં. મુખ્ય દરવાજો અને છેલ્લે રસોડા પછી નાનકડો બાલ્કનીનો ટુકડો. આમાંથી થાય એટલી હવાઉજાસની આવનજાવન. એટલે આખું ઘર સેફ ડિપૉઝિટ લોકર. પાછળ બાલ્કનીનો ટુકડો, એટલો જ મારી ગૂંગળામણમાં મને આધાર. મુંબઈમાં મોકળું, મનગમતું ઘર સ્વપ્નમાં પણ નહીં.

પહેલેથી મને દસથી પાંચની નોકરી અરધે નહીં! સાંઈઠનાં દાયકામાં આટલી પ્રવૃત્તિઓ, કાર્યક્રમોથી સોશિયલ ડાયરી ભરચક્ક નહોતી. મહેન્દ્રને પણ કંપનીનાં કામે અવારનવાર બહારગામ જવું પડે. મારું મન ક્યાંય ઠરે નહીં. સગાંવહાલાં હતાં નહીં, ભાઈબહેનો દૂર. એક જીવે મોટા થયેલા. ફોન સુલભ નહોતા. પત્રયુગ મધ્યાહ્‌ને હતો. અમે ખૂબ પત્રો લખતા, ક્યારેક તો દૈનંદિની ડાયરી!

મારી સ્થગિત થઈ ગયેલી જિંદગીને ફરી નિયતિએ હળવો ધક્કો મારી ગતિ આપી અને આંગળી પકડી એક છેક અપરિચિત અને અવાવરુ કેડીએ મને દોરી ગઈ.

અણધારી ઘટના અચાનક બનવી એ મારી કૌટુંબિક પરંપરાને મેં જાણે જાળવી રાખી.
* * *
મમ્મીએ પરિશ્રમ અને પેશનથી એકલા હાથે બાંધેલો બંગલો સરસ તૈયાર થઈ ગયો હતો. જોકે અમે હજી જોયો નહોતો. મમ્મીની ઇચ્છા કે ગુરુજી-પપ્પા એક વાર રાજકોટ આવે, જીવનની સંધ્યાએ પહેલી જ વાર, પોતાનું ઘર જુએ. એણે નામ પણ પાડી રાખેલું ‘નવદુર્ગા’ અને જયપુરથી મૂર્તિ પણ મગાવી રાખેલી.

‘નવદુર્ગા’ની પોર્ચમાં બા અને વહાલી શોભા

ઉત્તરાખંડથી આવી બંને રાજકોટ ગયાં. મમ્મીએ મૂર્તિસ્થાપન અને ગૃહશાંતિનો યજ્ઞ કર્યો. પપ્પાએ વર્ષોથી નહીં મળેલા સ્વજનોને બોલાવ્યા. હું અને ઈલા પણ મુંબઈથી રાજકોટ ગયાં, ભાઈ અમદાવાદથી આવ્યો, ગુજરવદીથી દેવશંકરમાસા અને માસી પણ આવ્યાં. વર્ષો પછી પહેલી જ વાર કુટુંબમેળો! વેદમંત્રોથી પૂજા, યજ્ઞ અને મૂર્તિસ્થાપના.

પપ્પા અને મારા માસા – લેખક દેવશંકર મહેતા

મમ્મીનું કેટલાં વર્ષોનું સપનું સાકાર થયું. સહુ વિખરાયા. અમે બે બહેનો પણ મુંબઈ ચાલી ગઈ. બે જ દિવસ પછી પપ્પામમ્મી પણ મુંબઈ આવી રહ્યાં હતાં. ટિકિટો થઈ ગઈ હતી. મેં ગુલબહાર જઈ ઘર સાફ કરાવ્યું, દૂધવાળાને સંદેશો મોકલ્યો. (હજી ફ્રીઝે રસોડામાં દબદબાભર્યું સ્થાન નહોતું પ્રાપ્ત કર્યું.)

1965, 25મી નવેમ્બરની વહેલી સવાર.

મારા પાડોશીને ત્યાં ફોન, રાજકોટમાં આચાર્યસાહેબની તબિયત સારી નથી, જ્લ્દી આવો. અરે! બે દિવસ પહેલાં તો હું રાજકોટ મળીને આવી, આજે બપોરની ટ્રેનમાં તો નીકળવાનાં હતા! મહેન્દ્ર કહે, બે જોડી કપડાં લઈ લે, ભાગીએ.

ટૅક્સી દોડાવી, ઈલાને સાથે લીધી અને ઍરપૉર્ટ પહોંચ્યાં ત્યારે રાજકોટની એક જ ફ્લાઇટ અમે ટેઇકઑફ્ફ લેતી જોઈ. એ સમયે માત્ર ઇન્ડિયન એરલાઇન્સ. બીજી ફ્લાઇટ અમદાવાદની એક કલાકમાં. ભરચક્ક.

અમે ઑફિસરને વિનંતી કરી, કોઈ એની સીટ અમને આપે તો ઇમર્જન્સી છે. એણે હા પાડી. બોર્ડિંગલાઇનમાં ઊભેલી બે બહેનો પિયર મળવા જઈ રહી હતી તેણે તેમની ટિકિટ અમને તરત આપી દીધી અને અમે અમદાવાદ ઊપડ્યાં. (આજે આવું દૃશ્ય સંભવ છે?)

મહેન્દ્રએ મિત્રને ફોન કરી દીધો હતો, બે બહેનો અમદાવાદ આવી રહી છે, તેમને રાજકોટ ટૅક્સી-કારમાં મોકલવાની જલ્દી વ્યવસ્થા કરો, એમને મેં કહ્યું નથી, પણ પપ્પાએ રાત્રે જ વિદાય લીધી છે. અમે અમદાવાદ ઊતર્યા કે સોમાભાઈ ટૅક્સી સાથે હાજર, પૈસા ન આપશો. તમે રાજકોટ પહોંચી જાઓ.

અમે બે બહેનો રસ્તામાં વાતો કરતાં હતાં, પપ્પા કઈ હૉસ્પિટલમાં હશે! સાજા થઈ જાય પછી આપણે સાથે રહેવા જઈશું ત્યારે આકાશવાણી પર પપ્પાનાં અવસાનનાં ખબર અને જીવનઝરમર ચાલી રહી હતી.

‘નવદુર્ગા’ની બહાર ટૅક્સી ઊભી રહી. ભાઈ તરત બહાર આવ્યો અને અમને બાથમાં લઈ રડી પડ્યો.

આંસુથી વિશેષ કઈ ભાષા હશે!
* * *
તારીખ 24મી સાંજ સુધી પપ્પાએ નિયમ મુજબ સાંજ સુધી લખ્યું રાજકોટમાં પણ, ‘સરમત સંઘાર’નું અંતિમ પ્રકરણ. મમ્મી સાથે સાંજે ચાલવા ગયા, હંમેશની જેમ. રાત્રે બિંદુબહેનનાં પરિવાર સાથે ડાયરો જમાવ્યો,

પપ્પાએ ડિસેમ્બરમાં દક્ષિણ ભારત ફરવા જવાનો બિંદુબહેન સાથે પ્લાન બનાવ્યો. દક્ષિણનાં વિજયનગર એમ્પાયર પર તેમણે સાત ભાગમાં નવલકથા લખી હતી ત્યારથી ત્યાં જવાનું મન હતું. મમ્મી અને બહેને સામાન તૈયાર કર્યો, બીજે દિવસે બપોરની ટ્રેન હતી. રાત્રે પોતાની પથારી કરી. પોતાનું કામ જાતે જ કરતાં. મચ્છરદાની બાંધી. કડકડતી ઠંડીમાં સહુ ઢબૂરાઈને મોડેથી સૂતાં.

ત્યાં રાત્રે એકની આસપાસ હાર્ટઍટેક. સખત દુખાવો પણ ચૂપચાપ ઊઠ્યા. સખત ઠંડીમાં ચપોચપ ભીડેલાં બારણાં ખોલ્યાં. મમ્મીએ બીજા રૂમમાંથી જોયું, નવાઈ લાગી. એ પણ ઊઠીને ગઈ. જુએ છે કે પપ્પા આંગણામાં ઊભો કરેલો ખાટલો ઢાળી ઉપર સ્વસ્થતાથી આકાશાભિમુખ સૂઈ જાય છે. એ પગથિયાં ઊતરી પાસે પહોંચે છે ત્યાં તો દરિયાછોરુ ભવસાગરની લાંબી ખેપે ઊપડી ગયો હતો!

મમ્મી આઘાતથી ગુરુજીની બૂમો પાડતી રહી. સોસાયટીએ કડકડતી ઠંડીની મધરાતે બારીબારણા સજ્જડ બંધ કરી નિંદરની રજાઈ ઓઢી લીધી હતી. ભેંકાર નીરવતા અને ગાઢ અંધકાર. પણ એકાકી નાવના નાવિકને શો ભય! શી ચિંતા!
* * *
પપ્પા હંમેશાં કહેતા, હૉસ્પિટલની બાજુમાં જ રહીએ છીએ, પણ મારે ત્યાં કદી જવું ન પડે, કોઈને મારી સેવા ન કરવી પડે, મારા હાથમાં કલમ હોય અને મને તેડું આવે.

‘નવદુર્ગા’એ ઇચ્છામૃત્યુને જરૂર તથાસ્તુ કહ્યું હશે.

જિંદગીભર કોઈ ઘરે એમને પોતાપણું ન આપ્યું, એક ઘરથી બીજે ઘર. બીજે ગામ. પણ એ વાતનો ક્યારેય અફસોસ નહીં, મોહ નહીં. રામ રાખે તેમ રહીએ, પણ જીવનનાં અંતિમ દિવસોમાં આઠ જ દિવસ જેના પર આસ્થા હતી તે મા ‘નવદુર્ગા’ના ખોળામાં અને વહાલા વતન ગુજરાતની ધરતી પર અંતિમ શ્વાસ લીધા.

જે ગુજરાતની વહાણવટને જગત સામે ઉજાગર કરી, ગુજરાતની પ્રજા માત્ર વેપારી અને પોચટ છે એ મહેણું ભાંગતી ગુજરાતની અનેક સાહસ, શૌર્યકથાઓ લખી એ ગુજરાતની ધરતીએ સાદ પાડી બોલાવ્યા.

પપ્પાની સ્મશાનયાત્રા નીકળી, જ્યાં જ્યાંથી નીકળી, દુકાનદારોને ખબર પડતાં દુકાનો બંધ કરી સ્મશાનયાત્રામાં આપમેળે જોડાતા ગયા. પોતાના પનોતા પુત્ર માટે સ્વયંભૂ બંધ પાળ્યો. અમે તો કંઈ મુંબઈ નહોતા. જ્યોતીન્દ્ર દવે, મડિયા, બ્રોકર, પકવાસા, ‘રંગભૂમિ’ના કલાકારો અને કેટલાય સાહિત્યપ્રેમીઓએ ભરચક્ક હૉલમાં શોકસભા-અંજલિસભા ભરી હતી, મને ફોટાઓ મોકલાવ્યા હતા.

પપ્પાની શોકસભા : ઇન્ડીયન મર્ચંટ હોલ, ચર્ચગેટ
શોકસભામાં જ્યોતિન્દ્ર દવે, મંગળદાસ પકવાસા, બ્રોકર, મડિયા, સોપાન

લીલુંછમ્મ ઘટાટોપ વટવૃક્ષ અચાનક તેજ ગતિથી ફૂંકાતાં વાવાઝોડામાં મૂળથી ઢળી પડે, એમાં માળો બાંધી કલબલતાં પક્ષીઓ નોંધારા થઈ જાય એમ અમે અનાથ થઈ ગયા. અમે બે બહેનો અંતિમ દર્શન પણ ન કરી શક્યાં.

પણ પપ્પા એટલે પપ્પા. વિદાય પછી પણ મારા ધુમ્મસભર્યા જીવનપથ પર દીવો ધર્યો, મને કેડી ચીંધી હતી.

મારે મન તો એ એક ચમત્કાર જ!
* * *
ટૅક્સીમાંથી ઊતરી ‘નવદુર્ગા’માં દોડતા અમે બારણે જ થંભી ગયાં. ભીંતે અઢેલીને બેઠેલી બાને અમે જોઈ. ખીલેલું સોનવર્ણું ચંપાનું ફૂલ ધૂળમાં ખરી પડીને ઝાંખું ધબ્બ થઈ જાય એવી મમ્મીને જોઈ છાતીમાં શેરડો પડી ગયો. આઘાતથી થીજી ગયેલી પાષાણમૂર્તિ!

એ દૃશ્ય હૃદયમાં કોતરાઈ ગયું. એ ક્ષણથી એ મમ્મીમાંથી બા બની ગઈ.

રેડિયો પર, અખબારોમાંથી સમાચાર જાણીને ઘરે માનવપ્રવાહ શરૂ થયો. રાજકોટની આસપાસનાં નાનાંમોટાં શહેરો, ગામોમાંથી વાચકો એમનાં પ્રિય લેખકનાં પરિવારજનોનાં મોંમેળો કરવા આવતા રહ્યા. ઘણી જગ્યાઓએ શોકસભાઓ ભરાઈ, તારટપાલનો ઢગલો.

બાએ અંતિમવિધિની પૂજા કરાવી, ત્યાં અમદાવાદથી મારા પર તાર આવ્યો, ‘ગુજરાત સમાચાર’માંથી મારા માટે, અમદાવાદ આવી મળી જાઓ. પપ્પા ‘ગુજરાત સમાચાર’ માટે લખતા એટલે એમનું કોઈ અધૂરું કામ હશે. મમ્મીએ અમને ગોળ વંદાવી, અમારે ઘરે પાછા ફરવાનો આગ્રહ કર્યો, હું હમણાં અહીં જ રહીશ, તમે બધાં અહીં શું કરશો! તમારોય સંસાર છે.

ભારે હૈયે હું રાજકોટથી અમદાવાદ આવી અને ‘ગુજરાત સમાચાર’માં શાંતિભાઈને મળી, આપનો તાર મળ્યો, પપ્પાનું શું કામ છે?

ના, તારું કામ છે, એમણે કહ્યું, તું અમારી મહિલાપૂર્તિ માટે રિપોર્ટિંગ કર. મેં નવાઈ પામી પૂછ્યું, રિપોર્ટિંગ? એમાં શું કરવાનું હોય? એમણે ધીરજથી સમજાવ્યું, મુંબઈથી મહિલાઓનાં કોઈ ખાસ સમાચાર, પ્રસંગો, ફોટાઓ, એમની પ્રવૃત્તિઓનાં, સંસ્થાના સમાચાર એ બધું અમને લખી મોકલવાનું.

લખવાનું! હા, પરીક્ષામાં પેપર્સ લખ્યા હતા, રેડિયો પર કાર્યક્રમની ઉદ્ઘોષણા અને ક્યારેક ફીલર્સ લખ્યા હતા, પણ આ લખવાનું જુદું હતું. જે મેં કદી કર્યું જ નથી એ કામ માટે બોલાવી હતી, મારામાં વિશ્વાસ હશે ત્યારેને! તો મારે પણ મારામાં વિશ્વાસ રાખવો જોઈએ ને! ખરી વાત તો એ કે મારે કશુંક કામ કરવાનું હતું, સામેથી નિમંત્રણ હતું. મેં ખુશ થતાં તરત હા પાડી.

પપ્પાને અવિરત લખતા જોયા હતા, પણ તેથી કેમ લખાય એ થોડું આવડે! શાહબુદ્દીન રાઠોડની ભાષામાં એ આપણી લેન નહીં ને!

મહેન્દ્રને વાત કરતાં એણે તરત ઉત્સાહથી કહ્યું કરો કંકુના! અરે ભલા માણસ, કંકુ તો ઘોળું તિલક કોને કરું! ક્યાંથી કેવી શરૂઆત કરવી એમ વિચારતા એક બપોરે જહાંગીર આર્ટ ગૅલરીમાં જઈ ચડી. ભાગ્ય ઊજળું કે ત્યાં કોઈ હિંદીભાષી મહિલાનું ચિત્રપ્રદર્શન હતું. એની પાસેથી ફોટા લીધા. ઇન્ટરવ્યૂ કેમ લેવાય એની ગડમથલમાં મેં બેત્રણ પ્રશ્નો પૂછ્યા, એણે હોંશથી પ્રશ્નો સિવાયનાય જવાબ આપ્યા.

ત્યાંથી નીકળીને ફૂટપાથ પર ઊભી રહી. એ અંધારિયા ઘરમાં ઝટ જવાનું મન ન થયું. મારો પ્રિય દરિયો ક્યાં દૂર હતો! નિરુદેશે ફરતી પાલવા પહોંચી, ભરતડકે પાળ પર બેસી પડી. ઘૂઘવતી ભરતીનાં મોજાં ધસી આવતાં હતાં. પપ્પાના મૃત્યુનો જખમ દૂઝતો હતો. બા, ભાઈબહેનો બધાં દૂર હતાં, એમની સરસ કેરિયર હતી. મેં કેટલી પ્રવૃત્તિઓ કરી હતી!

આજે હું ક્યાં હતી! શું હતી! એ મહિલાને થોડા આડાઅવળા પ્રશ્નો પૂછી નીકળી ગઈ હતી. એમાં મને શું રસકસ મળે! તડકામાં હું અંદરબહાર તપી રહી હતી.

હવે સહેલાણીઓ ફરવા નીકળી પડ્યાં હતાં. ફોટોગ્રાફરો ગળે કૅમેરા લટકાવી ઘૂમી રહ્યા હતા. ઊતરતા શિયાળાના શીતળ ફૂલગુલાબી પવનને ચાંચમાં લઈ પક્ષીઓ સાગરવિહાર કરી પરત કાંઠે ફરી રહ્યાં હતાં. હું ક્ષિતિજની કોરને તાકી રહી. અસ્તિત્વની ઓળખ. આઇડેન્ટિટી ક્રાઇસીસ, ફૅમિનિઝમ… રોજબરોજની જિંદગીથી ઉપર ઊઠીને એક ખાસ લક્ષ્ય માટે મથવું… આવા શબ્દો હજી પ્રચલિત ન હતા અને હોય તો મને એ વિશે ખબર ન હતી.

ઘરે પહોંચી ત્યારે અંધારું થઈ ગયેલું, મહેન્દ્ર ચિંતામાં હતા. બસ મોડી મળી એવું કશું કહેતા મેં ખીચડીનું કૂકર મૂક્યું. ખીચડી ઘણી વાર અમારી તારણહાર બનતી.

બીજે દિવસે માંડ ઇન્ટરવ્યૂ લખ્યો, મઠાર્યો. ફોટા સાથે કવર પોસ્ટ કર્યું. મહિલાપૂર્તિમાં છપાયો. કોઈએ ફરી થોડો મઠાર્યો હતો અને મારી બાયલાઇન સાથે પ્રગટ કર્યો હતો. થોડું સારું લાગ્યું. ચાલો, સમય તો સારી રીતે પસાર થયો.

એક સરસ વિચાર સૂઝ્યો, આ મહિલાપૂર્તિ છે તો ફૅશન, મૅઇકઅપ વગેરે વિશે લખું. એ તો ગમતો વિષય અને જાણું પણ ખરી. ત્યારે ગલીએ ગલીએ બ્યુટીપાર્લર નહોતા, અનેક કંપનીઓ તાસક પર લોભામણી બ્યુટીપ્રોડક્સ લઈને તત્પર ઊભી નહોતી. સારું ડ્રૉઇંગ જાણતી એક યુવતી શોધી કાઢી અને ચાંદલા, બ્લાઉઝની ડિઝાઇનથી માંડીને ફાઉન્ડેશન, ક્રીમ વગેરે માટે મેં લખવા માંડ્યું.

શું સરસ રિસ્પોન્સ મળવા માંડ્યો! આવું નાનુંમોટું કામ અને આકાશવાણીનાં કલાકાર તરીકે કૉન્ટ્રેક્ટ મળતા, પણ મનને છાને ખૂણે અજંપો હતો.
* * *
પપ્પાના અવસાન પછી બા થોડા સમય રાજકોટ જ રહી. હું અવારનવાર ઘરે જઈ, સાફસૂફ કરી આવતી, પપ્પાની સતત હાજરી અનુભવતી.

બા મુંબઈ આવી, લેવા માટે સ્ટેશને ગઈ. ટૅક્સીમાં બિલકુલ મૌન. ઘરે આવ્યાં, એણે જ ધ્રૂજતા હાથે તાળું ખોલ્યું અને ગુરુજી ચીસ પાડતાં ઉંબરે જ બેભાન થઈ ઢળી પડી. મારા પાડોશી મલકાની બે બહેનો દોડી આવી. અમે માંડ બાને ઘરમાં લીધી. એ પથારીમાં પડી રહી, આંખો ઘરમાં પપ્પાને શોધતી રહી. જાણે ઘેઘૂર લીલાછમ્મ વૃક્ષની એક ડાળખી હવે સુક્કી અને બરડ થઈ ગઈ હોય. પછી મન મૂકીને રડી પડી.

હું રોજ સવારે મારે ઘરેથી આવું, ઈલા પણ સાન્તાક્રૂઝથી ક્યારેક આવે. દિવસો વીતતા ગયા, બાનો જીવ ઠરે નહીં. પપ્પા અને બા કદી છૂટા પડ્યાં નહોતાં.

પપ્પા માટુંગામાં રણજીત સ્ટુડિયો જતાં ત્યારે કે જામનગરમાં પ્રેસ સંભાળતા ત્યારે પણ હવે તો વર્ષોથી સાથે જ. પપ્પા ઘરમાં દિવસભર લખે, બા તો સામે જ હોય! કોઈ પ્રકરણ ગમી જાય તો બા પાસે વાંચે. ઘણીવાર ઘરનાં કામ પણ જોડાજોડ. બા પપ્પાને વેલની જેમ વીંટળાઈને જીવી તો ઘણીવાર એ જ કુટુંબનો આધારસ્તંભ!

ઉત્તરરામચરિતમાં રામ સીતા માટે કહે છે, હૃદયમ્ દ્વિતિયમ્. હવે એ હૃદય ધબકતું નથી. બાપપ્પાનાં પ્રસન્ન દાંપત્યની અમારા સહુનાં જીવન પર ગાઢ અસર.

પપ્પા એક ઉમદા ચારિત્ર્યવાન મનુષ્ય હતા. સમાજનાં સહુથી નીચલા થરનાં લોકો પ્રત્યે અપાર સહાનુભૂતિ. છેક 1934માં, રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’માં હતા ત્યારે હરિજનો પ્રત્યેનાં અત્યાચાર, અન્યાયની સત્યઘટનાઓ ભેગી કરવા ગામડાંઓ ખૂંદ્યા હતાં, આ કામથી ગિન્નાઈને એમને મારવાનો કારસો પણ ઘડાયો હતો. પછી ‘ઇન્સાનની આહ’ નામે પુસ્તક પ્રગટ કર્યું હતું અને લવાજમનાં ભેટપુસ્તક તરીકે (ગાંધીજીનાં ફોટા સાથે) અપાયું હતું.

અમે ઘાટકોપર હતા ત્યારે એક વયસ્ક બહેન આવ્યાં હતાં, આચાર્યભાઈ મને એક પુસ્તક લખી આપોને, મારું કોઈ નથી. વિધવા છું. એની રૉયલ્ટીની મને જરૂર છે. અને પપ્પાએ પુસ્તક લખી આપીને ભૂલી પણ ગયા હતા. અમે શાળામાં હતા, આવા પ્રસંગોનાં સાક્ષી બનતા, એ પુસ્તકનું નામ યાદ નથી. હા, દૃશ્ય યાદ છે.

રણજીતના સમયના એક નજીકના મિત્રે પપ્પાની નવલકથા પરથી પોતાને નામે ફિલ્મ બનાવી. નામ અને મહેનતાણું એમનાં ખિસ્સાંમાં. પપ્પાના એક વાચક ઘરે આવી આ ઉઠાંતરીની વાત કહી ગયા અને પેલી વ્યક્તિને પણ સંદેશો પહોંચાડ્યો, ગુરુજીને આ વાતની ખબર છે. સવારના પહોરમાં એ ભાઈ ઘરે આવી રડી પડ્યા, કેસ નહીં કરતાં મને પૈસાની બહુ જરૂર છે, આ ફિલ્મની સફળતા પર બીજી ફિલ્મ મળવાની છે.

પપ્પાએ બંને હાથ પકડી લીધા. તમારી સામે કોર્ટે જવાનું હું વિચારી પણ ન શકું. તમને મોટાભાઈ કહ્યા હતા. નચિંત રહો. આ વાત માત્ર આપણા વચ્ચે રહેશે. પૈસાની જરૂર તો અમને પણ હતી ને!

જૂના મિત્રો નાટકના સાથીદારો આવી ચડતાં, ગુરુજી ફલાણી ફિલ્મ બનાવીએ છીએ પણ આ બે દૃશ્યો નથી જામતા, જરા દમદાર સંવાદો લખી આપો ને! પપ્પા સામે બેસાડે, મમ્મી ચા આપતી અને તરત લખીને પપ્પા સ્ક્રીપ્ટ આપી દેતા. કોઈ વાહ ગુરુજી! આશીર્વાદ આપો કહી ચાલતી પકડતા તો કોઈ ભોગેજોગે નાનું કવર પરાણે મૂકી જતા.

ઇન્દરરાજ આનંદ

એક વાર પંડિત ઇન્દરરાજ આનંદ ઘરે આવ્યા. પપ્પાના હાથમાં એમની વર્ષો પહેલાંની સોશિયલ નૉવેલ મૂકી. આના પરથી ભોજપુરી ફિલ્મ બની ગઈ છે, મારે ગીત લખી આપવાનાં છે, આ વખતે તમે કંઈ નહીં કરો તો હું કરીશ.

પરાણે પપ્પાને વકીલ પાસે લઈ ગયા, એક જ નોટિસ અને નિર્માતા અમુક રકમ લઈ ઘાટકોપરને ઘરે (લાંબી પદયાત્રા કરતાં હાજર) થઈ ગયા હતા.

આવા પ્રસંગો, દૃશ્યો રસોડાનાં બારણાં પાછળથી જોયાં છે.

અત્યારે આ લખું છું ત્યારે બે વાત ખાસ યાદ આવે છે.

ત્રીસી-ચાલીસીનાં દાયકામાં આજે જે ક્રાન્તિકારી કહી શકાય એવી ઘણી નવલિકાઓ, નવલકથાઓ એમણે લખી હતી.

કોરી કિતાબ’

1937માં ‘કોરી કિતાબ’ એક જ રાતમાં પપ્પાએ લખી હતી. રાજકોટનાં પ્રકાશકમિત્ર જમનાદાસમાસાને કહ્યું, પત્નીને કોઈ ભેટ આપી નથી, સોનાની બે બંગડીઓ આપો. હું નવલકથા આપું છું. સાંજે પેડપેન હાથમાં લીધા, જમનાદાસભાઈ સામે બેસી ચા આપતા ગયા. સવારે પેન નીચે મૂકી મેટર એમને આપ્યું.

‘કોરી કિતાબ’માં એક દૃશ્ય છે માપુત્રીનું જેમાં પતિ પુત્રી નીલમને પરાણે બીજવરને પરણાવી દેવાના છે ત્યારે માતા હરબાળા આ લગ્નથી બચવા પુત્રીને ભાગી જવાની સલાહ આપે છે, ‘મારું જીવન સીતા જેવું ગયું, પણ તું દ્રૌપદી થા.’

વર્ષો પછી એવું જ દૃશ્ય મેં ખૂબ લોકપ્રિય ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં જોયું. એ આજના સમયની ફિલ્મ હતી, ‘કોરી કિતાબ’ 1937માં લખાઈ હતી.

બીજી ઘટના. હું પપ્પાનાં પોણાબસો બસો પુસ્તકોનો કારોબાર સંભાળતી થઈ, 2000માં જન્મશતાબ્દી વખતે બે ભાગમાં અધ્યયનગ્રંથો તૈયાર કર્યા.

સાત ભાગમાં નવલશૃંખલા

બધું વેરવિખેર હતું એમાંથી અધિકૃત વાઙ્‌મયસૂચિ તૈયાર કરી, ત્યારે ધ્યાનમાં આવ્યું પપ્પાએ વિજયનગર સામ્રાજ્યનાં ઇતિહાસની સાત ભાગમાં નવલશૃંખલા લખી હતી.

એમાં પ્રકાશનનો સમયગાળો છે 1957થી 1960. અને પાછળ આપી છે, આધારગ્રંથોની તપસીલ, પૂરી માહિતી જેમાં પચ્ચીસ પુસ્તકોનો આધાર-રેફરન્સ છે, જેમાં મલયાલી મિત્રો પાસેથી માહિતીનો પણ સમાવેશ છે.

આ વર્ષો અમારા ખૂબ સંઘર્ષનાં દિવસો હતા, ઘાટકોપરમાં એવી કોઈ સમૃદ્ધ લાઇબ્રેરી ન હતી. કેવી રીતે આ બધું એકઠું કર્યું અને એમાંથી રસભર નવલકથાઓ લખી જેની આજે પણ આવૃત્તિઓ થઈ રહી છે! ખબર નથી. અમે કશું પામી શકીએ એની અમારી વય પહેલાં જ પપ્પા ચાલી ગયા.

મમ્મી-પપ્પાનું અત્યંત પ્રસન્ન દાંપત્ય અચાનક નંદવાયું અને બા જીવનનો રસ જ ગુમાવી બેઠી, કિલ્લોલતું. ભર્યું ભર્યું ઘર એકદમ સૂનું પડી ગયું. બાનો ઝુરાપો એવો તીવ્ર હતો કે અમને થયું બા પણ પપ્પાની પાછળ ચાલી! અમે કોઈ બાનો ખાલીપો ભરી શક્યા નહીં.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. એક સુખી દાંપત્ય જીવન

    તૂટેલો લય અને નંદવાયું ગીત –

    તીવ્ર ઝુરાપો

  2. ક્યારેક કોઈક પ્રશ્નોના ઉત્તર હોતા નથી.✔

  3. એક સમર્પિત વ્યકિતત્વ અને અજોડ દાંપત્ય વર્ષાબેન તેમના માતાપિતાનું સંપૂર્ણ રીતે ઉપસાવી આપે છે.