દરિયાનો લાલ: પ્રકરણ: ૭ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા) ~ લે. વર્ષા અડાલજા
પ્રકરણ: ૭
(શબ્દો: ૧૫૮૨)
મારા પિતાના જીવનમાં અનેક અધ્યાય અત્યારસુધી થઈ ગયા હતા. કશે ઠરીઠામ થઈ જવાના સંજોગ થયા નહીં. દરિયાની ભરતી-મોજાં જેવું જીવન!
રાણપુરમાં `સૌરાષ્ટ્ર’નું આખું તંત્રીમંડળ છૂટું થઈ ગયું અને નવે અવતારે રાજકોટમાં `ફૂલછાબ’નો જન્મ થયો.
કકલભાઈ, હરગોવિંદ પંડ્યા બધા જૂના મિત્રો સાથે મારા પિતા પણ અમદાવાદ આવ્યા. અહીં `નવસૌરાષ્ટ્ર’ શરૂ થયું. એમાં મારા પિતા જોડાયા, થોડા સમયમાં ત્યાંથીયે છૂટા થઈ `ગુજરાત સમાચાર’માં જોડાયા.
હવે અહીં અમદાવાદમાં જ સ્થાયી થવું હતું અને જૂના લેખકમિત્રો સાથે અહીં જમાવટ થઈ ગઈ. જયભિખ્ખુ સાથે અહીં મિત્રતા થઈ ગઈ ધૂમકેતુ, અનંતરાય રાવળ, મનુભાઈ જોધાણી. ગૂર્જરના શંભુકાકા–ગોવિંદકાકા સાથેના સત્સંગનું નામ `ચા-ઘર’. આત્મીયતા અને ઘરોબો વધ્યો.
`ચા-ઘર’ની બેઠકો ક્યારેક ગૂર્જર ગ્રંથરત્નના મેડા પર તો ક્યારેક લક્ષ્મી વિલાસ હોટેલમાં ચા-ફાફડાની જ્યાફત પર. આખી દેશદુનિયાની ચર્ચા, ખુલ્લા દિલની વાતો, ટીખળ બધું એકમેકમાં ઘોળાઈને કસુંબો ઘોળાય અને ડાયરો જામે.
`ચા-ઘર’ની એક પણ બેઠક એવી ભાગ્યે જ હોય જેમાં આચાર્યભાઈની અવનવી વાતો રજૂ ન થઈ હોય. ધૂમકેતુ અને આચાર્યભાઈ રસ્તામાંથી વાતો વીણતા આવે. આચાર્યભાઈ ચાના રસિયા, બાકીના બધા એમની વાતોના રસિયા. વાર્તાના પ્રવાહમાં અજબગજબની વસ્તુઓ ખેંચાઈ આવે અને એનો ઓવાળ પાછો ક્યાંય જતો દેખાય, આ અનૌપચારિક ગપ્પાગોષ્ઠીમાંથી જ તો `ચા-ઘર’નો જન્મ.
મુંબઈના લગભગ સમકાલીન `કલમમંડળ’ કે `ભેળમંડળ’ જેવો સારી રીતે ચાલેલો એ મિલનગોષ્ઠી પ્રયોગ. ઇંગ્લૅન્ડ ફ્રાન્સનાં પબ (Pub) કરતાં સહુના મનમાં કૉફીહાઉસની વાત હતી અને ધૂમકેતુએ નામ પાડી આપ્યું `ચા-ઘર’. મેઘાણી અમદાવાદમાં હોય તો એ જરૂર આવે અને ડાયરાની શું જમાવટ થાય! ચા-ઘરના `સભ્ય’ પૂરા સાત.
ધૂમકેતુની પ્રસંગો લઈ આવવાની અનોખી રીત. ખાનપુરથી ચાલતા `ગૂર્જર’માં આવે, વચ્ચે શાકબજારમાંય આંટો મારતા આવે, સાથે પ્રસંગ-બોર વીણતા આવે. કોઈક પ્રસંગમાં ઝડપાયો હોય શાકવાળો કે લાલ-લીલી ગાડીવાળો શેઠ કે દાતણ વેચનારી. ગુણવંતરાયે પોતાના ખજાનામાંથી કાઢ્યો હોય એકાદ દેશી રાજાનો પ્રસંગ કે સાચ્ચો કિસ્સો.
`ચા-ઘર’માં સાહિત્યની વાત હોય, સમાજનાં રંગઢંગની, કોઈકની જીભે ગાંધીજી, નહેરુ કે સરદાર બિરાજમાન હોય…. પણ છેવટની ચર્ચા સાહિત્યસર્જનની. ત્યારે બધા લખવાની ધૂનમાં હતા એટલે દરેકને પોતાની કૃતિમાં નડતી મુશ્કેલી, પાત્ર ન મળતું હોય કે કૃતિમાં વાતાવરણ ન જામતું હોય, બધી ચર્ચા થાય.
ધીરજલાલ ધનજીભાઈ શાહ ચા-ઘરનો રસિયો જીવ. કોઈને ખબર ન પડે એમ રોજની ચર્ચા એમણે છાનીમાની શબ્દશઃ લખી રાખેલી. એક દિવસ એમણે જાહેરમાં કબૂલી લીધું. સહુ લેખકો નવાઈ તો પામ્યા પણ ઉમળકાભેર પછી એનું પુસ્તક પણ પ્રગટ કર્યું, `ચા-ઘર’. એની એક જૂની પ્રત મારી પાસે છે. બીજી પ્રતો કોઈ પુસ્તકશોખીન સંગ્રાહક પાસે કે પછી કોઈ લાઇબ્રેરીના ખૂણામાં હોવાનો સંભવ છે.
ધીરજલાલ લખે છે; “એ દિવસ મને બરાબર યાદ છે, જ્યારે ધૂમકેતુ `મલ્લિકા અને બીજી વાતો’ તૈયાર કરી રહ્યા હતા. મનુભાઈ જોધાણી `કાળિયાર અને બીજી પ્રાણીકથાઓ’ લખી રહ્યા હતા. હું `રાણકદેવી’ પાત્રની ઐતિહાસિકતા વિશેની ખોજમાં હતો અને ગુણવંતભાઈ `દરિયાલાલ’ લખી રહ્યા હતા.
એક દિવસ એવું થયું, પંદર દિવસ મારી કલમ જ ન ચાલે. સહુ ક્યાંક ને ક્યાંક અટક્યા હતા. ગુણવંતભાઈની મૂંઝવણ હતી, `દરિયાલાલ’ માટે એ વાર્તાને અનુરૂપ એવા એક પાત્રના સર્જનની. `દરિયાલાલ’ની કથા અને પાત્રસૃષ્ટિ અજબગજબની હતી.
એક સાંજે `ગૂર્જર’નાં પગથિયાં ચડતાં-ચડતાં આનંદથી ગુણવંતભાઈ બોલી ઊઠ્યા,
“જોષીસાહેબ (ધૂમકેતુ) પાત્ર મળી ગયું.”
“અરે ભાઈ બેસો તો ખરા! શેનું પાત્ર? કોને ક્યાંથી મળ્યું?” ધૂમકેતુએ હસતાં-હસતાં પૂછ્યું. “યોગ્ય પાત્ર મળ્યું હોય તો વહેંચો સાકર.” અમે સહુ હસી પડ્યા.
ગુણવંતભાઈએ જવાબ આપ્યો, “પાત્ર મળ્યું `દરિયાલાલ’નું. આજે ઘેરથી નીકળતાં મને એમ થયું કે મોડું થયું છે તો થોડું વધારે. શિશિર અને બિંદુ નીચે રમી રહ્યાં હતાં. હું વાંચી રહ્યો હતો. ત્યાં મારા મકાનની સામે ગોલવડ (ખાડિયા-અમદાવાદ)માં હનુમાનજીનું એક મંદિર છે. આરતીનો સમય થતાં જોરથી ઘંટ વાગવા લાગ્યો. સાંભળીને શિશિર-બિંદુ દોડતાં ઉપર આવ્યાં. બૂમો પાડતાં હતાં, લાલિયો ઘંટ વાગ્યો. લાલિયો ઘંટ વાગ્યો અને સાહેબ `દરિયાલાલ’નું પાત્ર મળી ગયું, `લાલિયો ઘંટ’.
અમારા ચા-ઘરમાં આથાર્થીની કદી કોઈની ડંખ સાથે ટીકા નહીં. પોતાનાથી જુદું દૃષ્ટિબિંદુ કોઈનું હોય તો સરળતાથી સ્વીકારે. કોઈ પ્રસંગ ચિત્તને પ્રફુલ્લ કરે એવો બની ગયો હોય તો પ્રશંસાનાં ફૂલો એમની પાસે હોય જ. એમની વિશેષ ખાસિયત એ હતી કે કદીયે મેં એમનામાં બ્રાહ્મણવૃત્તિનાં દર્શન નથી કર્યાંં.
જીવનમાં અનેક મુશ્કેલીમાંથી પસાર થયા પણ તે ક્ષાત્રવૃત્તિ સાથે. વ્યવહારમાં ક્યારેય કોઈ સાથે તકરાર થવા દીધી નથી. બસોએક જેટલાં પુસ્તકો તથા અનેક લેખ, કૉલમનાં લખાણો, પણ પોતાના પુસ્તકના વિવેચનની એમણે દરકાર નથી કરી. પ્રસન્નતા ખાતર કલમજીવી થઈને લખ્યું.
ગુણવંતભાઈ હંમેશાં કહેતા, `મારા પુસ્તકમાં દૈવત હશે તો લોકો વાંચશે, નહીં તો, બિસમિલ્લાહ.’ `દેશદીવાન’ અને `દરિયાલાલ’ જેવી ઉત્તમ કૃતિઓ માટે પણ લોકો તરફ જ નજર નાંખેલી.”
`ચા-ઘર’ના મુરબ્બી અને સાથીદાર ધૂમકેતુ જોષીસાહેબે વિદાય લીધી. મારા પિતાને મન એ ગુરુ હતા. એટલું માન આપે, એમની હાજરીમાં ધૂમ્રપાન પણ ન કરે. ધૂમકેતુની છેલ્લી નવલકથા `ધ્રુવદેવી’ અધૂરી રહી, એ પૂરી કરવાનું કામ તો ગુણવંતભાઈ જ કરી શકે એવો `ચા-ઘર’નો આગ્રહ.
પહેલાં એ અચકાયા, હું ધૂમકેતુને શી રીતે ન્યાય આપી શકીશ? પણ ઋણસ્વીકાર અને મૈત્રીદાવે એ કામ સ્વીકાર્યું. `ધ્રુવદેવી’ની છપાયેલી ગેલીઓ મારા પિતાને પહોંચતી થઈ કે બીજે જ દિવસે એ નવલકથાનાં પાત્રો, પ્રસંગો, એનું વાતાવરણ અને શૈલીની ચર્ચા મિત્રો સાથે કરી અને પંદર દિવસમાં તો આગળનાં પ્રકરણો, અંતની કાચી નોંધ પણ તૈયાર. ધૂમકેતુની ખાસિયત કે ઐતિહાસિક માહિતીનો ઉપયોગ કરતી વખતે એ મૂળ નોંધ, ફૂટનોટમાં નીચે મૂકતા.
એટલે એ જ સાંજે `ધ્રુવદેવી’માંની ઐતિહાસિક વિગતોના સ્રોત સાથે સંસ્કૃત શ્લોકોની નોંધ અને આગળ લખવા ધારેલાં પ્રકરણોની પણ ટૂંકી નોંધ ઐતિહાસિક વિગતો સાથે ચા-ઘરના મિત્રોને આપીને કહ્યું, `આને વાંચી લો એટલે ચર્ચા કરી હું લખવાનું શરૂ કરી દઈશ.’
એટલી ઝડપથી ક્યાં-ક્યાંથી માહિતી મેળવી હશે! કેટલાં પુસ્તક ઉથલાવ્યાં હશે અને કેટલીક માહિતી તો એમના મગજમાં સંઘરાયેલી પડી હશે! મેઘાણી તેમને અમસ્તા લીવિંગ એન્સાયક્લોપીડિયા નહોતા કહેતા!
ધૂમકેતુની પ્રથમ સંવત્સરીએ પુસ્તક પ્રગટ કરી મિત્રગુરુને અંજલિ આપવાનો ચા-ઘરનો આશય.
પણ પછી વાત ત્યાં જ અટકી ગઈ. અચાનક ધૂમકેતુની વિદાય હતી અને મારા પિતાએ સંજોગવશાત્ અમદાવાદ છોડ્યું. ભાગ્યનું ચક્ર ગોળ ગોળ ઘૂમતું રહ્યું અને ફરી એમને ક્યાં લઈ ગયું!
*
`સ્ત્રી જીવન’ના `આચાર્ય સ્મૃતિઅંક’માં ચા-ઘરની રોજનીશીનું તા. 25/2/37નું એક આખું પ્રકરણ પ્રગટ કર્યું છે. જેમાં ડાયરીની જેમ અનેક વાતોનો રસ ઘોળાયો છે. ધીરજલાલ ધ. શાહે ચા-ઘરમાં થતી વાતોનો છાનોમાનો પણ શબ્દશઃ ઉતારો કર્યો છે.
તેમણે એક મજેદાર પ્રસંગ નોંધ્યો છે ઃ
ધીરુભાઈ ટ્રેનમાં પ્રવાસ કરતા, ધૂમકેતુની `રાજમુગટ’ નવલકથા વાંચતા હતા. બાજુમાં બેઠેલા સાહિત્યરસિક ઉતારુએ પૂછ્યું, “કયું પુસ્તક છે?”
`રાજમુગટ.’
“કોણે લખ્યું છે?”
“ધૂમકેતુએ.”
“તમે એમને જોયા છે?”
ધીરુભાઈને થયું નાટક ચાલવા દો.
“ના. મેં નથી જોયા!” મેં અસત્ય કહ્યું.
“`રાજમુગટ’ વાંચતા પહેલાં એમને જોવા છે?”
“કેમ? એમનામાં કાંઈ વિચિત્રતા છે?”
ઉતારુ તાનમાં આવી ગયો.
“જુઓ એમને તો ખબર પડે. ખભે શાલ વીંટાળી હોય, ધોતિયાનો એક છેડો ક્યારેક હાથમાં પકડ્યો હોય, માથે કાળી ટોપી અને હાલ્યા જતા હોય ત્યારે એમને જોઈ કંટાળો ઊપજે, એમ થાય આ `તણખા’ના લેખક!”
“પણ, `કુમાર’માં મેં ફોટો જોયો એ તો મજાનો હતો!”
“અરે ભાઈ, ફોટો તો સારો જ હોય ને! પણ એકવાર નજરે જુઓ તો ખબર પડે, થાય કે `ભૈયાદાદા’, `પોસ્ટ-ઑફિસ’ લખનાર આ? મને તો એમ થાય કે કેવાય ભવ્ય હશે.”
નાટકનો બંધ વાળવા ધીરુભાઈએ કહ્યું,
“હવે અમદાવાદ જઈશ ત્યારે એમને મળવાની કોશિશ કરીશ.”
બધા હસી પડ્યા. ધૂમકેતુ કહે, “તમે બધા કહો તો હું શાલ કાઢી નાખું.”
“ના ભાઈ ના. અમે નથી કહેતાં આ તો પેલા ઉતારુએ કહ્યું હતું.”
ધૂમકેતુએ પણ એવો એક પ્રસંગ કહ્યો હતો.
“એક દિવસ હું અને મેઘાણીભાઈ ટ્રેનમાં સાથે હતા, ગપ્પાં મારતા હતા. મારી પાસે બેઠેલા ભાઈ મારી પાસે `સૌરાષ્ટ્રની રસધાર’ જોઈ બોલી ઊઠ્યા,
“અરે, મેઘાણીએ આ શું લખ્યું છે? રસધાર! સાવ કચરા જેવી છે.” આવું-આવું એ ભાઈ ઘણું બોલી ગયા. એ ભાઈએ મારી ઓળખાણ માગી, એને બદલે મેં મેઘાણીભાઈની ઓળખાણ આપી દીધી.
“આ તમે જેની વાત કરી એ આ મેઘાણી પોતે!”
ઉતારુ ખસિયાણો પડી ગયો, પણ મેઘાણી કહે,
“અરે એમાં મૂંઝાઓ છો શું કામ? દોષ બતાવો તો અમે સુધારીએ.”
મારા પિતાએ પણ વાત માંડી. એમની પાસે તો રાણપુરમાં `સૌરાષ્ટ્ર સેવા સમિતિ’ના દફતરમાં અનેક કિસ્સાઓ ચોપડે ચડેલા, જાણે પીડાનું મોટું પોટલું!
વિજયરાય કલ્યાણરાય વૈદ રાણપુરમાં મારે ઘરે મહેમાન થયેલા. વાતો કરતાં એમણે વિજયરાયને કહ્યું,
“અમારે ત્યાં પ્રેસનાં દફતરમાં એવા કિસ્સાઓ આવે કે તમે માની જ ન શકો. વહુને ધણી અને ધણીનો બાપ વેચવા આવેલા, આવું તમે ક્યાંય સાંભળ્યું છે?” વિજયરાય માને જ નહીં.
ભોગેજોગે આ વાત થઈ એને બીજે દિવસે એ સાચી પડી. અમારા સામેના ઘરમાં આખી રાત એક છોકરીનો રડવાનો અવાજ આવે. અમારી પ્રેસનો જ માણસ. બીજે દિવસે છોકરાને બોલાવીને મેં પૂછ્યું,
“એલા, રાત્રે તારે ત્યાં કોણ રડતું હતું?”
“સાહેબ, મે’માન આવ્યા છે.”
“અરે પણ મે’માન આખી રાત રડે શું કામ? શું ગડબડ છે? સીધું બોલ.”
એણે ખૂલીને વાત કરી.
“એ છોકરીને ધણી અને સસરો અહીં રાણપુરમાં વેચી ગયા છે. એનો દસ્તાવેજ પણ થઈ ગયો એટલે છોકરી રડતી હતી.”
એ સાંભળી હું બપોરે, છોકરીને જે ઘેર વેચી હતી ત્યાં ગયો, દસ્તાવેજની વાત કરી. એ અકળાયો પણ માથાફરેલો. ભલે, પોલીસ બોલાવવી હોય તો બોલાવો, થાય તે કરી લેજો. રાણપુરમાં ત્યારે અમારા નામનો સિક્કો પડે. ફોજદારને બોલાવ્યા, દસ્તાવેજ પરાણે એની પાસેથી લીધો. એ દસ્તાવેજ મેં વિજયરાયભાઈને બતાવ્યો, એમાં લખેલું ઃ
“અમારી વહુ તમારે ત્યાં માસિક રૂપિયા દસને પગારે કામ કરવા બંધાયેલી છે, ખાવાપીવાની જવાબદારી રાખનારની. રજા આપે તો જ ઘરે આવી શકે.” ચોવીસ કલાકની બંધણી અને આ પેટે અગાઉથી ધણીએ ચારસો રૂપિયા લીધેલા હતા.
જોષીસાહેબ, તમે નહીં માનો પણ આ વાંચી વિજયરાયની આંખમાં પાણી આવી ગયાં. મને કહે “આ દસ્તાવેજ મને આપી દો.” મેં કહ્યું, “આ તો `સૌરાષ્ટ્ર સેવા સમિતિ’નાં દફતરમાં રહેવાનો.” પણ એમનો આગ્રહ, હું આનો બ્લૉક બનાવી પહેલે પાને છાપીશ અને એ વિશે લખીશ પણ ખરો.
એટલે મેં જ અમારા પ્રેસમાં બ્લૉક બનાવી આપ્યો, પણ જોવાની વાત એ કે એટલી માથાકૂટ પછી બ્લૉક જ લઈ જવાનું ભૂલી ગયા!
મધુસૂદન મોદીએ પૂછ્યું,
“પછી પેલી છોકરીને છોડાવી?”
“ના ભાઈ, શી રીતે છોડાવાય? છોકરી કહે કે મારે જ આને ત્યાં રહેવું છે તો અમારી શી દશા!” હતી પુખ્ત ઉંમરની. જોકે કાયદો કહે છે હ્યુમન બીઈંગ માટે વેચાણખત ન થઈ શકે. આવા તો કંઈક કિસ્સા અમારા દફતરમાં અમે એકઠા કરેલા. એનો ફાયદો શો એ જ અફસોસની વાત છે.
કેટલી આંસુભરી કથાઓ એમાં હશે!
આવી કંઈક સ્ત્રીઓનાં દુઃખની, પીડાની, શોષણ અને અન્યાયની કથાઓ એ દફતરમાં ધરબાયેલી હશે! કોઈને મદદ કરવામાં, પડખે ઊભા રહેવામાં આ પત્રકારો સફળ થતા તો કદીક પાછા પણ પડતા. સ્ત્રીઓ ધણીનું, સાસરિયાનું દુઃખ લઈને આવતી, તો સામાજિક રૂઢિનાં બંધનોમાં જકડાયેલી સ્ત્રીઓ પણ આવીને પ્રેસને દરવાજે ઊભી રહેતી.
આવા પ્રસંગોમાં સમાજનો કુરૂપ ચહેરો પ્રગટ થાય છે. એ સમયનું આ ડોક્યુમેન્ટેનન્સ પણ છે.
આજે દર્પણમાં સમાજનો અસલી ચહેરો દેખાડનારા નિષ્ઠાવાન લેખકો–પત્રકારો કેટલા હશે?
(ક્રમશ:)