ક્યા ચાહિયે જી? ~ સ્મરણ પારલે-જી બિસ્કીટનું ~ ગીની માલવિયા (અમેરિકા)

ખૂબ ગમતા એવા ચિત્રલેખા મેગેઝિનના દિવાળી અંકમાં એક વાર પારલે-જીનો રસભર લેખ પ્રગટ થયો હતો. જાણીતા પત્રકારની કસાયેલી કલમે, રસાળ શૈલીમાં પારલે-જીનો ઇતિહાસ લખાયેલો હતો. એ લેખ વાંચતાં વાંચતાં જીવનમાં ખાસ જગ્યા કરીને બેઠેલા પારલે-જીની મીઠી મીઠી યાદોએ એવો તો ધક્કો માર્યો કે મારી પોતીકી પારલે-જીની યાદ અહીં કાગળ પર શબ્દો બનીને આવીને જ રહી.

૨૦૦૧માં મુંબઈની લોકલ ટ્રેનમાં માણસોની ભીડ, ભેજ અને ગરમીનાં બાફ વચ્ચે ક્યાંયથી પારલે-જી બિસ્કિટની સુગંધ આસપાસ ફરી વળે છે.

મુંબઈ ફેક્ટરી

મુંબઈનાં રહેવાસી, સહપ્રવાસી કહે છે આ ગઈ પારલે-જીની ફેક્ટરી. એ થોડી ક્ષણોની સોડમ કંઈ કેટલીય તળિયે દબાયેલી યાદો સપાટી પર લઈ આવે છે મનમાં.

Who is the girl on the cover of the Parle G biscuit packets?

૧૯૭૮માં પહોંચી ગયેલા મનમાં એક ચિત્ર દેખાય છે. કોઈ વાર સ્કૂલ માટે નાસ્તો ના હોય તો મમ્મી એક રૂપિયો આપે. સ્કૂલ પાસેના પ્રોવિઝન સ્ટોરમાંથી પારલે-જીનું એક પેકેટ લઈને સ્કૂલે જવાનું. પીળા રંગનાં ચટ્ટાપટ્ટાવાળું રેપર ખૂલતું જાય અને એક પછી એક પારલેજી રેપરમાંથી અનાવૃત થઈને મોંમા ઓરાતાં રહે અને મીઠા સ્વાદની યાદોનો મજબૂત કિલ્લો ચણાતો રહે.

કોઈ દોસ્ત સાથે રિસામણાં મનામણાં થાય એમ પારલે-જી જિંદગીમાં આવતા જતા રહ્યાં. કોલેજમાં આવતા મેરી બિસ્કિટે પારલે-જીને જરા દોડમાં પાછળ રાખી દીધા કારણકે એ સમય હતો મેરી બિસ્કિટમાંથી બીજાં રસપ્રદ ડેસર્ટ બનાવવાનો. પછી કોલેજ પૂરી થતા મેરી બિસ્કિટ પણ જીવનમાંથી ગયા.

૧૯૯૩માં મેરી પારલે-જીથી દૂર અમેરિકામાં જીવનનો એક નવો અધ્યાય શરુ થયો. જેમ જેમ અમેરિકામાં ભારતીયોની વસતિ વધતી ગઈ એમ ઈન્ડિયન ગ્રોસરી સ્ટોર્સનાં પણ રંગ રૂપ બદલાવા લાગ્યા અને ભારતની ઘણી બધી ખાદ્યસામ્રગી ઉપલબ્ધ થવા લાગી.

The 10 Best Indian Grocery Stores near Union, New Jersey - Zaubee

એક સ્ટોરની બીજા સ્ટોર સાથેની સ્પર્ધામાં ગ્રાહકોને રીઝવવા દીવાળીનાં સેલ પણ થવા લાગ્યાં અને એ બધામાં સૌથી ધ્યાનાર્ષક કિંમત હોય પારલે-જીની.

મારી એક બેન્કની નોકરીમાં મોરોક્કોની એક સહકાર્યકર હતી. એક વાર મને પૂછે, પારલે-જી ખાઈશ? મારા આશ્ચર્યની ડમરી શાંત થઈ એટલે મારી આંખોમાં વાંચેલા સવાલનો જવાબને આપતા કહે, મારા બાળકોને બહુ ભાવે છે.

હું હંમેશા ઇન્ડિયા ગ્રોસરી સ્ટોર્સમાંથી ખરીદતી હોઉં છું. એને પારલે-જી સાથે કોની ઓળખાણે દોસ્તીદાવ થયેલો એ યાદ નથી આવતું અત્યારે. જ્યારે પણ પીળા ચટ્ટા પટ્ટાનું રેપર અને એનું લાડવા જેવું મોડેલ જોતાં જ ચહેરા પર સ્મિત આવે અને મનમાં પારલે-જીનો ગળચટ્ટો સ્વાદ.

વરસ યાદ નથી પણ કોઈવાર યુટ્યુબ પર પારલે-જીની ખૂબ હટકે કોમર્શિયલ જોયાનું યાદ છે. કોઇ સેક્સી મોડેલ વિના ફક્ત બાળકોની ટેલેન્ટને ઉજાગર કરતી પારલે-જીની વિજ્ઞાપન મજાની છાપ છોડી ગઈ મનમાં.

અમારા અમેરિકામાં જન્મેલા દીકરાનેય અમે અહીંની કૂકીઝ સાથે પારલેજીનો ચટકો લગાવ્યો. એનો પણ કૂકીપ્રેમ કંઈ ખાસ કે એને અક્ષત એટલે જોઈન્ટ પારલે-જી જ જોઈએ, તૂટેલું ના ચાલે. આ તો ખાલી આડવાત. પછી તો દુનિયાભરનાં પ્રવાસભ્રમણમાં પારલેજી સામાનમાં પેક થતાં રહ્યાં. મ્યુઝિયમ, બગીચા, મહેલો અને મોન્યુમેન્ટ્સ જોતાં જોતાં અમે પારલે-જી ચગળતાં રહ્યાં.

May be an image of text that says "Parle d"

પ્રવાસભ્રમણની સાલ હતી ૨૦૧૨ અને સ્થળ હતું ઈટલી. ઈટલી હોય એટલે વાઈન ટેસ્ટીંગ તો હોય. દ્રાક્ષનાં એક બગીચામાં લાંબા ટેબલ પર લગભગ ૪૦થી ૫૦ પ્રવાસીઓ ગોઠવાયા હતા વાઇનની ચુસકી ભરવા માટે.

વાઈન ટેસ્ટીંગ ટૂરવાળાએ બ્રેડ કે ચીઝને બદલે બિસ્કોટી આપી. હવે આમ તો બિસ્કોટી સોફ્ટ હોય પણ કોણ જાણે કેમ આ બિસ્કોટી કઠણ હતી, ખૂબ કઠણ.

Biscotti

અમદાવાદીઓને કોઈ જાતનો છોછ નહી એટલે આપણે તો પર્સમાંથી પારલે-જીનું પેકેટ કાઢ્યું. મારા સાથે બેઠેલા વાઈનપ્રેમીએ પૂછ્યું, આ કઈ કૂકી છે? મે જવાબ આપતા વિવેક કર્યો કે તારે ચાખવી છે? એણે ચાખીને વખાણી એટલે એના બાજુવાળાને પણ ચાખવી હતી. હવે આવો મોકો કોણ છોડે?

બિચારા આપણા વડાપ્રધાન જ ભારતને દુનિયા સમક્ષ કાબેલ પુરવાર કરે? આપણુંય કંઈ યોગદાન જોઈએ ને? હવે આપણું કંઈ નહી તો પારલે-જીનો પણ સહારો બી ચાલે. અમે તો આ કૂકીઝ કેટલા વરસોથી ખાઈએ છીએ, કેટલા એવોર્ડસ મળ્યાં છે, અમારા કેટલા સેન્ટીમેન્ટસ એની સાથે સંકળાયેલા એની માંડીને કરી વાઈન પીતા પીતા બધાંએ વાત સાંભળી તો ખરી સાથે વખાણી પણ ખરી.

સાચ્ચે લોકોને પારલે-જી દૂધમાં ઓગાળીને, ચામાં બોળીને, ઘીનાં લપેડા મારીને ખાતા જોયા છે પણ આ વાઈન સાથે પારલે-જી… અ હા હા… ખાવાની તો મજા આવી પણ એના ગુણગાનની કથાય એટલી જ ગળચટ્ટી..

No photo description available.

અચ્છા જી, અબ ચાહિયે પારલે-જી.

~ ગીની માલવિયા (અમેરિકા)
gini_malaviya@hotmail.com

 

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. Very..nice article.very easily expressed sentimental connection of it from the childhood to the age without teeth..of most of Indians..

  2. Very nicely written, enjoyed reading it. We all including our grand son are also fan of Parle g . Thank you for such a nice story.