|

બે કાવ્યો ~ પ્રજ્ઞા દાદભાવાળા ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

૧.        ડૉક્ટર અને દર્દી…

બંધ પરબિડીયા જેવા સંબંધો…
અવ્યક્ત… છતાં અડીખમ…

શબ્દો વગર પણ…
સાથ આપતા નિર્ભર સ્પર્શ…

મારા ડૉક્ટરની સાજા કરવાની ઘેલછા
અને મારી જીવવાની જીદ
બન્ને વચ્ચે…
એક અદૃશ્ય સંકલ્પ ધબકે છે.

પીડા આવે… ડર આવે
મન ક્યારેક થંભી જાય,
પણ અંદરથી એક અવાજ સતત કહે છે…
“હજુ બાકી છે…”
“હજુ પૂરું જીવવાનું બાકી છે…”
હું અધૂરું કંઈ છોડવા નથી માંગતી…
સંપૂર્ણ જીવીને જ જવું છે મને…
આ શ્વાસ… આ ક્ષણ… આ પ્રેમ…
બધું મારું હક છે.

મારા હક્કનું જીવન લઈને
હું ઊભી છું…
અડગ… નિર્ભય…
મારી પોતાની રોશની સાથે
જેથી કોઈ દિવસ કોઈ ન કહે..
“હાશ… છૂટી ગઈ…”

  • પ્રજ્ઞા દાદભાવાળા

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

બંધ પરબિડિયા જેવા સંબંધોના ઉલ્લેખથી અહીં કવયિત્રી સંવેદનાની ગાંસડી ખોલીને વાત માંડે છે. શું એમાંથી સંબંધોના સગડ મળે છે કે પછી અર્થોની સળમાં પ્રચ્છન્ન રહેલાં, સંતાકૂકડી રમતાં શબ્દો મળે છે? કદાચ હવે કશું જ પામવાની આરત જ નથી રહી. લાગણીઓને વ્યક્ત કરવા માટે જો શબ્દોની આવશ્યકતા હોય તો એ સંબંધોની મર્યાદા છે. જેઓ આપણી અંદર વસે છે, એમનો એક સ્પર્શ હજાર શબ્દો કહી જતા ચિત્ર અથવા ગાલિબ કે મીરની ઈશ્કે હકીકી કે ઈશ્કે મિજાજીવાળા શેરોથી રોશન ગઝલ કરતાં પણ વધુ બોલકો હોય છે. જોકે એ સ્પર્શનું મૌન આમ જુઓ તો શાતાદાયક ત્રણ શબ્દો જ બોલતું હોય છે કે; “મૈં હું ન!” અને આ શબ્દોની અભિવ્યક્તિવાળો સ્પર્શ મળતાં જ દરેક તકલીફ કે મુશ્કેલીમાંથી જિંદગીનો ધબકાર એનો પ્રવાહ શોધી જ લે છે.

જીવલેણ બીમારીનો સામનો કરતી વખતે સંબંધોના સ્પર્શથી મળેલી હૂંફ અને સાથના સાતત્યનો કોલ દર્દીમાં અજબ હિંમત ભરી દે છે. આવી બીમારીને હરાવવા માટે કમર કસીને આજનું મેડિકલ સાયન્સ જંગે ચડે છે પણ એની સાથે છે માત્ર જીવવાનો જ નહીં પણ ‘ભરપૂર જીવી લેવાનો’ દર્દીનો સંકલ્પ. બેઉએ હાથમાં હાથ મિલાવીને હોડ માંડી છે આ યુદ્ધમાં વિજયી થવાની. “તો હવે જીત નક્કી જ છે,” એ આત્મવિશ્વાસનો રેશમી ગાલીચો આગળના ખરબચડતા અને આબડખાબડ રસ્તાને મુલાયમ બનાવી દે છે.

જીવવું અને ભરપૂર આકંઠ જીવી લેવું એમાં ઘણો ફરક છે. અભરે ભરાય એવું જીવવા માગતો દર્દી માત્ર શ્વાસોચ્છશ્વાસ લેતી કોઈ Entity – અસ્તિત્ત્વ માત્ર બનીને જીવવાથી પરહેજ  પાળે છે.  પીડા, વેદના, વ્યથાના વમળોથી એ થંભી જરૂર જાય, પરંતુ ડરીને પાછા કદમ કરવા હરગીજ તૈયાર નથી. `
“હું થંભી ગયો છું એ સાચું પરંતુ
નથી થાકવાથી કર્યો મેં ઉતારો
મને થઈ ગઈ છે ખબર હવે કે
બધા જાય છે એ નથી પંથ મારો”
(કવિનું નામ યાદ નથી)

જીવનની પળેપળનો આ સંઘર્ષ અહીં એક નારીનો છે. સત્યવાનને યમરાજ પાસેથી છોડાવી લાવનાર એ સાવિત્રીની શક્તિ હવે એણે પોતામાં વાવીને, સ્વયં માટે ઉછેરી છે, તો હવે તો કોઈ Celestial – દિવ્ય ગગનગામી શક્તિ પણ નારીની આ “નારાયણી શક્તિ” પાસે શીશ ઝૂકાવી દે છે.  એનું કારણ કવયિત્રી કહે છે, એમઃ
“અંદરથી એક અવાજ સતત કહે છે…
“હજુ બાકી છે…”
“હજુ પૂરું જીવવાનું બાકી છે…”
હું અધૂરું કંઈ છોડવા નથી માંગતી…
સંપૂર્ણ જીવીને જ જવું છે મને…
આ શ્વાસ… આ ક્ષણ… આ પ્રેમ…
બધું મારું હક છે.”

કવયિત્રીએ વિધાતાના લેખ સામે માત્ર સામે થવા ખાતર થવાનું નક્કી નથી કર્યું; પણ એમની ખુમારીને લાંછન તો ન જ લાગવું જોઈએ. કોઈ એને કહે કે; “બિચારી, બહુ પીડાતી હતી અને છૂટી ગઈ…!” એવું વૃત્તાન્તીય રૂપક એના માટે પાછળથી પણ વપરાય એ મંજૂર નથી. આથી જ એ સામી છાતીએ કહે છે કે;
“મારા હક્કનું જીવન લઈને
હું ઊભી છું…
અડગ… નિર્ભય…
મારી પોતાની રોશની સાથે
જેથી કોઈ દિવસ કોઈ ન કહે..
“હાશ… છૂટી ગઈ…!”

કવયિત્રી માટે સ્વર્ગ તો મસ્તમૌલા જીવતરની ક્ષણોમાં વિસ્તરે છે, અહીં જ, આ પૃથ્વી પર. ! ચિનુ મોદીનો શેર અનાયસે યાદ આવી જાય છેઃ
“ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ પણ,
કોણ ઓળંગે સડક એ ધારણાના નામ પર?”

કવયિત્રી અહીં અનેક ધારણાઓના છેદ ઊડાડીને, જીવનની કેમેસ્ટ્રી અને ગણિતનું સમીકરણ પોતે જ Derive – મૂળસોતું મેળવીને એને પોતાની મરજીથી Balance – સંતુલિત કરવા માટે કટિબદ્ધ છે. આ કટિબદ્ધતાને સો સો સલામ.

૨.        “મળેલા શ્વાસોનો ઉત્સવ”

જે મળે મને,
એને એમ લાગે
હું ફરી જીવતી થઈ…
મેં તો મૃત્યુને
જોયું પણ નથી.
બધા મારા ચહેરાના ભેદ
પામવા કરે છે કોશિશ,
આ નસીબ છે?
કે મળેલો ચાન્સ?

હું દરિયો કે કિનારો નથી.
હું પોતે જ પાણી બની ગઈ છું.
દરેક ભાવને સ્વીકારતી
વહેતી રહી છું બેફિકર બની.

પાપ પુણ્ય નો હિસાબ કોણ કરે?
હવે જીવન તો માત્ર સ્વીકાર
મળેલા આ અમૂલ્ય શ્વાસોનો
એક ઉત્સવ માત્ર.”

  • પ્રજ્ઞા દાદભાવાળા

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

કવયિત્રીને અહીં એક ટીસ છે કે શા માટે લોકો કોઈ જીવલેણ બીમારી પછી દયા ખાય છે કે સારું થયું કે ફરી જીવી ગઈ…! એમની જિજીવિષાના પ્રાબલ્યની સામે એમને ચાતરી જવા આવવાની મોતમાં હિંમત છે જ ક્યાં? પણ લોકોને કશુંયે જાણવાની તસ્દી લીધા વિના જ, માત્ર ચહેરો વાંચીને વિશેષ ટિપ્પણી કરવી છે કે, “ચાલો, નસીબ સારા છે, બચી ગઈ..!” તો કોઈ કહે છે કે, “જીવવાનો બીજો ચાન્સ મળ્યો..!”

સમયના પ્રવાહમાં દરેક રસ્તે આવતા ધૂળ, પથ્થરો, કોતરો કે મેદાનોને જેવાં છે એવાં સ્વીકારીને સતત વહેતી રહેતી જિંદગીને બેફિકરાઈથી સ્વીકારી લીધી છે. ના કાલની ચિંતા છે કે ન આજની.. બસ, વહેવું ને સતત પ્રવાહમાં વહેતા રહેવું એ જ તો નિર્મળતાનું ઉદગમ છે. કવયિત્રીને પાપપુણ્યની ખાતાવહીને ખોલવી નથી. એમને માટે જીવનમાં તૂટી જવાનો કે રુકી જવાનો પ્રશ્ન પેદા જ નથી થતો. એમને માટે ત્પ બસ;
“હવે જીવન તો માત્ર સ્વીકાર
મળેલા આ અમૂલ્ય શ્વાસોનો
એક ઉત્સવ માત્ર……!”

ખલીલ સાહેબ યાદ આવે છે કેઃ
“ઝેરનો તો પ્રશ્ન જ ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે  કે  હું  જીવી ગયો.
હું  કોઈનું દિલ નથી, દર્પણ નથી, શમણું નથી,
તો પછી સમજાવ તું કે હું  શી રીતે તૂટી ગયો…!”

કવયિત્રીના અકબંધ આત્મવિશ્વાસ અને શ્વાસોના ઉત્સવમાં થતી જિંદગીની આ ઉજાણી અને મહેફિલ આમ જ મહેકતી રહે, એવી જ શુભેચ્છાઓ.

 ક્લોઝ-અપઃ   

અસરાર ઉલ-હક, “મજાજ”ની ગઝલના છેલ્લા બે શેરોથી સમાપનઃ

“ये रंग-ए-बहार-ए-आलम है क्यूँ फ़िक्र है तुझ को ऐ साक़ी
महफ़िल तो तेरी सूनी न हुई कुछ उठ भी गए कुछ आ भी गए
“હે સાકી! દુનિયામાં વસંતનો આ જ રંગ છે. તારી મહેફિલ ખાલી નથી થઈ. કેટલાક લોકો ઊઠીને ગયા તો કેટલાક નવા આવી પણ ગયા.”
કેટલું સાદું અને ઊંડું આ પ્રેમનું સૂફીપણું છે! જીવનમાં માણસો આવે છે. માણસો જાય છે. પરંતુ જીવનની મહેફિલ ચાલતી રહે છે. અહીં વિરક્તિ અને સ્વીકારનો અદભૂત સંગમ છે.

उस महफ़िल-ए-कैफ़-ओ-मस्ती में उस अंजुमन-ए-इरफ़ानी में
सब जाम-ब-कफ़ बैठे ही रहे हम पी भी गए छलका भी गए
“આ આનંદ અને જ્ઞાનની મહેફિલમાં બધા લોકો હાથમાં જામ લઈને બેઠા રહ્યા. અમે તો પી પણ લીધું અને એ આનંદ છલકાવી પણ દીધો.” લોકો હાથમાં અમૃતના પ્યાલા જેવું જીવન લઈને માત્ર એ પ્યાલાને જોતાં બેઠાં રહે છે પણ શાયરનો કેફ તો જુઓ..! એને આમ માત્ર જામ જોતાં રહેવું મંજૂર નથી. એણે તો જીવન અને પ્રેમના આનંદનો પૂરેપૂરો લુફ્ત ઊઠાવી પણ લીધો છે અને જીવનનો જામ ખુમારથી છલકાઈ જાય ત્યાં સુધી જીવનને માણી પણ લીધું છે..!

મજાજની આ બે શેરોમાં જ નહીં, પણ આખી ગઝલમાં ન તો ફરિયાદ છે, ન આક્ષેપ અ ઉદાસી છે. બસ, જીવનને આકંઠ માણી જવાનું એક આહ્વાન છે..

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.