પતંગની દોરીએ બંધાયેલું પાપ અને પ્રાયશ્ચિત્ત – અનિલ ચાવડા
(ખાલીદ હુસૈનીની બેસ્ટસેલર નવલકથા ‘ધ કાઈટ રનર’ વિશે)
લેખક વિશેઃ ખાલીદ હુસૈનીનો જન્મ 1965માં અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં થયો હતો. તેમના પિતા અફઘાન વિદેશ મંત્રાલયમાં રાજદ્વારી અધિકારી અને માતા કાબુલની શાળામાં શિક્ષિકા હતાં. 1976માં તેમનો પરિવાર પેરિસ ગયો. અફઘાનિસ્તાનમાં સામ્યવાદી સત્તાપલટો અને સોવિયેત આક્રમણ થયા પછી તેમના માટે વતન પરત ફરવું શક્ય ન રહ્યું. 1980માં પરિવારે અમેરિકામાં રાજકીય આશ્રય લીધો અને કેલિફોર્નિયામાં સ્થાયી થયો. ખાલીદ હુસૈનીએ અમેરિકામાં તબીબી પદવી મેળવીને તબીબ તરીકે કાર્ય કર્યું. દર્દીઓનાં શરીરની સારવાર કરતાં કરતાં તેઓ માણસની અંદરના અદૃશ્ય ઘાવ વાંચતા શીખ્યા; એ જ સંવેદના પછી તેમની નવલકથાઓનો પ્રાણ બની.
‘ધ કાઈટ રનર’ 2003માં પ્રકાશિત થઈ. ત્યારબાદ ‘અ થાઉઝન્ડ સ્પ્લેન્ડિડ સન્સ’, ‘એન્ડ ધ માઉન્ટન્સ ઇકોડ’ અને સચિત્ર લઘુકૃતિ ‘સી પ્રેયર’ દ્વારા તેમણે વિશ્વસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું. તેમનાં પુસ્તકો સિત્તેરથી વધુ દેશોમાં પ્રકાશિત થયાં છે અને તેમની ચાર કરોડથી વધુ નકલો વેચાઈ છે. તેમની રચનાઓમાં આવતું શરણાર્થીઓનું દુઃખ કાલ્પનિક નથી. તેની પાછળ અંગત પીડા અને અનુભવ રહેલા છે. આ નવલકથાના દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદો થયા છે. ગુજરાતીમાં વાંચવા માગતા લોકો નવભારત સાહિત્ય મંદિરમાંથી ગુજરાતી આવૃત્તિ મેળવી શકે છે.
કેટલીક નવલકથાઓનો આનંદ વાંચતા હોઈએ ત્યાં સુધી હોય, જ્યારે કેટલીક પુસ્તક બંધ કર્યા પછી પણ આપણી અંદર લાંબો સમય જીવતી રહે છે. ‘ધ કાઈટ રનર’ આવી જ કૃતિ છે. આ નવલકથા માત્ર બે છોકરાઓની મિત્રતાની કથા નથી; તે વફાદારી, કાયરતા, પિતૃપ્રેમ, જાતિભેદ, અપરાધબોધ અને પ્રાયશ્ચિત્તની કથા છે. આ કથા તમને અનેક જગાએ અસ્વસ્થ કરી મૂકશે. તમારી આંખ ભીની કરશે અને તમારામાં એક વસવસો પણ જગાડશે. આ કશા એક સવાલ પૂછે છે કે, જીવન તમને સૌથી મોટી ભૂલ સુધારવાનો જીવલેણ રસ્તો બતાવે, તો તમે એ રસ્તે જવાની હિંમત કરશો?
વાર્તાના કેન્દ્રમાં અમીર અને હસન નામનાં બે પાત્રો છે. બંને કાબુલના એક જ ઘરમાં ઊછરે છે, છતાં તેઓ એક જ દુનિયાના નથી. અમીર માલિકનો દીકરો, પશ્તૂન અને શિક્ષિત છે; હસન નોકરનો દીકરો, હજારા અને નિરક્ષર છે. હસન માટે અમીર માત્ર મિત્ર નથી, નિષ્ઠાનું કેન્દ્ર છે. અમીર પણ હસનને પ્રેમ કરે છે, પરંતુ તેને સમાન ગણી શકતો નથી. મિત્રતાની અંદર છુપાયેલો આ સામાજિક ભેદ આગળ જતાં એવી કરુણ ઘટનાને જન્મ આપે છે, જે બંનેનાં જીવનની દિશા બદલી નાખે છે.
અમીરના પિતા ‘બાબા’ એક વિશાળ વ્યક્તિત્વ ધરાવતા માણસ છે. તેમની બહાદુરી અને લોકપ્રિયતાની સામે અંતર્મુખી તથા સાહિત્યપ્રેમી અમીર પોતાને સતત નાનો અનુભવે છે. તે પિતાનો પ્રેમ મેળવવા માટે તરસે છે. કાબુલની પતંગસ્પર્ધા જીતવી તેના માટે રમત નથી રહેતી; તે બાબાની સ્વીકૃતિ મેળવવાનો માર્ગ બની જાય છે. અમીર પતંગ ઉડાડે છે અને કપાયેલો પતંગ શોધવા હસન દોડે છે. પરંતુ આ દોડ એક પતંગ મેળવવાની નથી; તે બંનેના બાળપણને હંમેશ માટે બે ભાગમાં વહેંચતી દોડ છે.
હસનને બચાવવા જતા આમીર સાથે અત્યંત ક્રૂર ઘટના બને છે ત્યારે અમીર ચુપચાપ જોતો રહે છે, તેને બચાવવા આગળ આવતો નથી. તેની કાયરતા અહીં અટકતી નથી. અપરાધની આ યાદથી છૂટવા માટે તે નિર્દોષ હસનને જ જીવનમાંથી દૂર કરી નાખે છે. પરંતુ અમુક વ્યક્તિ આંખ સામેથી દૂર કરી શકાય, અંતઃકરણમાંથી નહીં. હસન જાય છે, તેની સ્મૃતિ અમીરની અંદર રહી જાય છે. વર્ષો સુધી અમીર બહારથી જીવતો રહે છે, પણ તેની અંદરનો એક ભાગ કાબુલની ગલીમાં જ રહે છે.
સોવિયેત આક્રમણ પછી અમીર અને બાબા અફઘાનિસ્તાન છોડીને અમેરિકા જાય છે. એક સમયે કાબુલમાં સંપત્તિ અને પ્રતિષ્ઠા ધરાવતા બાબા અમેરિકામાં પેટ્રોલપંપ પર કામ કરે છે. આ પરિવર્તન દ્વારા લેખક શરણાર્થીઓના જીવનનું કરુણ સત્ય રજૂ કરે છે.
અમેરિકામાં અમીર લેખક બને છે, સોરાયા સાથે લગ્ન કરે છે અને સ્થિર જીવન જીવવા લાગે છે. વર્ષો પછી રહિમ ખાનનો એક સંદેશ તેને ફરી અફઘાનિસ્તાન જવા મજબૂર કરે છે. હસન અને તેની પત્નીને આતંકવાદીઓએ મારી નાખ્યાં છે અને તેનો દીકરો સોહરાબ અફઘાનિસ્તાનમાં ફસાયો છે, તેને બચાવવા માટેની આ જીવલેણ યાત્રા અમીર માટે દોષમાંથી બહાર આવવાની યાત્રા બની જાય છે.
ખાલીદ હુસૈનીની સૌથી મોટી સર્જનાત્મક સિદ્ધિ એ છે કે તેઓ અમીરને આદર્શ નાયક બનાવતા નથી. તે સ્વાર્થી છે, ઈર્ષ્યાળુ છે અને કાયર પણ છે. છતાં આપણે તેને સંપૂર્ણપણે ધિક્કારી શકતા નથી, કારણ કે તેની અંદર આપણું પણ કોઈ છુપાયેલું સ્વરૂપ દેખાય છે. અમીરનો અપરાધ અસહ્ય છે, પરંતુ તેનો અપરાધબોધ માનવીય છે. નવલકથા પ્રાયશ્ચિત્તને સરળ ચમત્કાર તરીકે રજૂ કરતી નથી. સોહરાબને બચાવવાથી હસન પાછો આવતો નથી અને અમીરનો અપરાધ ભૂંસાઈ જતો નથી.
‘ધ કાઈટ રનર’માં પતંગ એક અર્થસભર પ્રતીક છે. શરૂઆતમાં પતંગ અમીર માટે વિજય અને પિતાની સ્વીકૃતિ છે; હસન માટે નિષ્ઠા છે; પછી એ જ પતંગ અમીરના અપરાધનું પ્રતીક બને છે અને અંતે આશામાં પરિવર્તિત થાય છે. શરૂઆતમાં હસન અમીર માટે પતંગની પાછળ દોડ્યો હતો; અંતમાં અમીર હસનના દીકરા માટે દોડે છે. આ એક દૃશ્યમાં સમગ્ર નવલકથાનું નૈતિક વર્તુળ પૂર્ણ થાય છે. મનુષ્ય પોતે તોડેલી વસ્તુને પહેલાં જેવી બનાવી ન શકે, પરંતુ તેના ટુકડા એકત્રિત કરવાનો પ્રયત્ન જરૂર કરી શકે.
ખાલીદ હુસૈનીનું ગદ્ય સરળ, સંવેદનશીલ અને દૃશ્યાત્મક છે. કાબુલની બરફીલી ગલીઓ, દાડમના વૃક્ષ નીચેની મિત્રતા, શરણાર્થીઓથી ભરેલી અંધારી ટ્રક અને તાલિબાનના શાસન હેઠળ ખંડેર બની ગયેલું શહેર… આ બધું વાચકની આંખો સામે જીવંત થઈ ઊઠે છે. હસનનું પાત્ર વિશ્વસાહિત્યનાં સૌથી કરુણ પાત્રોમાંનું એક છે. તેની નિર્દોષતા માનવીય કરતાં નૈતિક પ્રતીક જેવી લાગે છે અને કથામાં આવતા કેટલાક સંયોગો વધુ પડતા નાટકીય પણ જણાય છે. છતાં આ મર્યાદાઓ નવલકથાની ભાવનાત્મક સચ્ચાઈને ઓછી કરતી નથી. હસન માત્ર એક પાત્ર નથી; તે આપણી અંદર રહેલો નિર્દોષ વિશ્વાસ છે, જેને દુનિયા વારંવાર ઘાયલ કરે છે. ‘ધ કાઈટ રનર’ દુઃખની નવલકથા હોવા છતાં નિરાશાની કથા નથી. આ કથા આપણને સમજાવે છે કે જીવનના પતંગો ભૂતકાળની દોરીથી બંધાયેલા હોય છે. અપરાધ સાથે જોડાયેલો ભૂતકાળ એક દિવસ પ્રાયશ્ચિત્ત અને મુક્તિ તરફ પણ લઈ જઈ શકે છે.
નવલકથા-વાંચનમાં રસ ધરાવતા મિત્રોએ આ કથા અવશ્ય વાંચવી જ જોઈએ. કથાગૂંથણી, રજૂઆત અને કહેણી… બધી રીતે આ નવલકથા ખૂબ જ રસપ્રદ છે.
– અનિલ ચાવડા