બે કાવ્ય ~ (1) ઈર્ષા (2) પડછાયા ~ પારૂલ મહેતા, વડોદરા

1. ઈર્ષા

જ્યારે
તાળી  વગાડવાની હોય છે
ત્યારે
તું
પગ પાછા,
હાથ અધ્ધર અને
મોં વાંકું
કરી દે છે.
એ વખતે
તારા હોઠને
ખુશીનો વળાંક આપીશ
તો,
બહુ સારું લાગશે …
મને પણ
તને પણ.

2. પડછાયા 

ને પછી એ બંને સામસામે ઊભા.
મનમાં “કેમ છો” કહીને ‘ હૅન્ડશૅક’ કર્યા,
સૂટબૂટ જરા ટટ્ટાર થઈને અકડાયો,
ઊંચી હીલ પ્લાસ્ટિકિયું મલકીને ટકટક ચાલવા લાગી,
તાજું કરાવેલું ‘ફેસિયલ’ પહેરીને કોટ ‘આફ્ટર યુ’ બોલીને પાછળ ચાલ્યો,
 ‘સ્ટ્રેટનિંગ’ કરેલા વાળ પાછળના
વાંકાચૂંકા વિચારોને જેમના તેમ રાખી, છૂપાવી,
લિપસ્ટિકે સ્માઈલ કર્યું.
ને ગોઠવાયા બન્ને,
રેસ્ટોરન્ટના મેન્યુકાર્ડને ઉકેલતાં ઉકેલતાં,
શોધી રહ્યાં,
ગૂંચવાયેલી સંવેદનાઓને ઉકેલવાની,
ખોવાયેલી
ભાષા!

~ પારૂલ મહેતા, વડોદરા
[email protected]

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.