“યાદ આવો તમે…..!” ~ શ્રી સુરેશ દલાલને ભાવાંજલિ ~ મુકેશ જોશી

“મારી પ્રત્યેક પળ
એ તુલસી પત્ર
એ જ વિષ્ણુ સહસ્ત્રનામ
અને એ જ સત્યનારાયણ…. “
–   સુરેશ દલાલ

આઈન્સ્ટાઈને એવું કહ્યું છે કે સમય સાપેક્ષ છે. તેનો મતલબ એ છે કે સમય સ્થિર નથી અને તે અવલોકનકારની ગતિ પર આધાર રાખે છે. ગરમ તાવડી પર હાથ રાખીએ તો પ્રત્યેક ક્ષણ કલાક જેવી લાગે છે અને પ્રિયતમાનો હાથ પકડીએ ત્યારે પ્રત્યેક કલાક ક્ષણ જેવો લાગે છે. જીવનને વર્ષોમાં માપીને રાજી થનાર આપણે કદી પળનો ઉત્સવ કરવા તત્પર હોતા નથી.

જે પળમાં જીવ નિચોવ્યો એટલું જ આપણું જીવન. જે પળમાં મલકી જવાયું ,છલકી જવાયુ, મહેકી જવાયું, ગાઈ જવાયું, સુખ વહેંચી શકાયું એ જ આપણું જીવન. માટે દરેક પળ પવિત્ર છે, સુગંધીદાર છે તુલસીદળ જેટલી જ. દળ એટલે વજન. તુલસીના પાનાનું ખાસ વજન હોતું નથી. મનુષ્ય પણ જ્યારે વજન વિનાનો થાય છે એટલે કે અહંકાર મુક્ત થાય છે ત્યારે એ પણ હળવા તુલસીદળ જેવો થાય છે. એવી અવસ્થામાં જીવાતું જીવન એ સાચું અને પવિત્ર જીવન છે.

વિષ્ણુને તુલસી વ્હાલા છે. આપણે ત્યાં વિષ્ણુ નો વિવાહ.. તુલસી વિવાહ ખૂબ જાણીતો છે. તુલસી વિષ્ણુ સાથે જોડાય છે. વિષ્ણુ એ સત્યનું સાકાર સ્વરૂપ છે. હવે તુલસી પાસે માત્ર વિષ્ણુનો સહારો અને એનું નામ છે. હજાર વાર લેવાતું નામ , એ નામ પછી ભયમુક્ત કરે છે. ભયથી નિર્ભય અને નિર્ભયથી અભયની યાત્રા શરૂ થાય છે. છેવટે સત્ય પ્રકટે છે. અને એ સત્યનારાયણ સ્વરૂપે અનુભવ કરાવે છે. શબ્દ નારાયણના સાધક કવિ સત્યનારાયણ સુધી પહોંચવા મથે છે.

જીવતા આવડે છે એને માટે પ્રત્યેક દિવસ તહેવાર છે. બાકીના લોકો માટે પ્રત્યેક દિવસ જીવી જવાનો વ્યવહાર છે. દરેક દિવસ એ પળનો સરવાળો છે. દરેક પળમાં ઝળહળની આશા છે.

ચાર પંક્તિના આ કાવ્યમાં કવિએ જીવી જવાની આશા જગાવી છે. ‘મારી’ શબ્દ એ પ્રત્યેક કવિતા વાંચકનો શબ્દ છે. લીલાશ, પવિત્રતા અને સમર્પણ એક સાથે તુલસીના પાન દ્વારા કહેવાયા છે. વિષ્ણુ સહસ્ત્રનામના હજાર નામ એક પળમાં લઈ શકાય છે. સત્યનારાયણ નો સાક્ષાત્કાર એક ક્ષણમાં અનુભવી શકાય છે.

સુરેશ દલાલે ગીતોની છોળ ઉડાડી છે તો અછાંદસ કવિતાના ઝરણાઓ વહેતા કર્યા છે. કવિ ક્યારેય દીર્ઘ કાવ્ય લખીને લાંબી યાત્રા કરાવે તો ક્યારેક સાવ ટુંકી કવિતા લખીને તારાના ઝબકારાનો અને આપણા ધબકારાનો અનુભવ કરાવે. અહીં નાની કવિતાની યાત્રામાં સરસ ઝબકાર ઝીલાયો છે. જન્માષ્ટમીના દિવસે કવિતા ને છેલ્લી વેળા આવજો કહેનાર કવિને પ્રણામ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.