દરિયાનો લાલ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા ~ લે. વર્ષા અડાલજા ~ પ્રાસ્તવિક

પ્રાસ્તવિક

રેતીમાં વહાણ

મારા પિતાના જીવનના સંઘર્ષો અને સિદ્ધિની અનોખી વિલક્ષણ જીવનકહાણી છે. સંસારસાગરનાં ભલભલાં તોફાનો અને ગાજૂસ (વહાણવટું) વચ્ચે આ દરિયાના લાલે રેતીમાં હંકાર્યું હતું એ વિશે ભાગ્યે જ કંઈ લખાયું છે. તેમની ઓળખ તેમની સાગરકથા દરિયાલાલ અને અન્ય સાગરકથાઓમાં સીમિત થઈ ગઈ હતી.

જ્યારે યુરોપના દેશો હજી દરિયાઈ માર્ગો શોધતા હતા ત્યારે ગુજરાતે દરિયો ડહોળી નાખ્યો હતો અને છેક આફ્રિકા સુધી ગુજરાતીઓની પેઢી ધમધમતો વેપાર કરતી હતી – ગુલામોનો પણ.

મારા દાદા અને પોતાના જીવન વિશે મારા પિતાએ કદી તેમની કૉલમો કે લેખમાં કશું લખ્યું નહોતું. એ સમય માર્કેટિંગ કે પી.આર.નો નહોતો, લેખકની કૃતિઓ આપમુખે બોલતી. કોઈ અખબારમાં નોંધ લેવાય કે ક્યાંક એ વિષયમાં કંઈક લખાય એટલું જ.

વાચકો સામે ચાલીને પ્રકાશકની દુકાને આવતા અને પોતાના પ્રિય લેખકનાં પુસ્તકો ખરીદતા. પહેલી આવૃત્તિની જ ત્રણ-ચાર હજાર નકલો સહેજે વેચાઈ જતી. લોકલમાં કે કૉલેજમાં જતાં બહેનોના હાથમાં સામયિકો, પુસ્તકો મેં જોયાં છે.

સમય બદલાયો, ટૅક્નૉલૉજી હાવી થઈ ગઈ, જોકે તોપણ હજુ ઘણાં પુસ્તકોને જીવતદાન મળતું રહે છે એ આનંદની ઘટના છે. મારા પિતાનાં પુસ્તકો તેમની જન્મશતાબ્દીએ પણ પ્રકટ થઈ રહ્યાં છે.

જામનગરની વડનગરા જ્ઞાતિમાં 1900માં એમનો જન્મ. સ્વભાવે રૂઢિભંજક. જ્ઞાતિના રીતિરિવાજો, પરંપરાને ગાંઠે નહિ. જ્ઞાતિ સુધારણા માટે હસ્તલિખિત માસિક પણ ચલાવતા.

મારા દાદા જ્ઞાતિમાં પહેલા જ હતા એ જ્ઞાતિનો પરંપરાગત વ્યવસાય ગોરપદું છોડી છેક મુંબઈ સુધી વ્યાપાર  કર્યો. ખોટ ગઈ એટલે પાછા ફર્યા અને નાગરની કલમ, કડછી, બરછીને ન્યાયે રસોઇયા તરીકે કામ કરતા હતા.

અંગ્રેજ અમલદારની આંખે ચડ્યા. પૂરી ઊંચી ગંઠાયેલી કાયા, પાણીદાર આંખો અને એકદમ ઊઘડતો ગોરો વાન. અમલદારોને થયું: અરે, આ માણસ તો પોલીસખાતામાં હોવો જોઈએ અને મિનિટોમાં આચાર્ય કુટુંબનું ભાગ્ય બદલાયું. દાદાને તાલીમ આપી. પછી તો તેમણે વકીલાતની પરીક્ષા પણ આપી.

અચૂક નિશાનબાજ, સિંહને એક ગોળીથી વીંધી નાખે. લૂંટારા, બહારવટિયાનો પીછો કરતા રાતવરતના એ સમયનાં ઘન જંગલોમાં પડાવ કરતા ત્યારે કિશોર ગુણવંત પિતા સાથે જતો.

તાપણાં ફરતે ડાયરાનો કસુંબલ રંગ ઘૂંટાતો. વાઘેર અને ચારણ, રાજપૂત અને બારોટ સાથે ગઢવીની જેમ દાદા ડાયરો જમાવતા. સાહસ, જવાંમર્દીમાં સરફરોશી, સ્વાર્પણ, શૌર્ય અને ટેકની વાતોમાં રસના ઘૂંટડા આમ મારા પિતાએ શૈશવમાં પીધા હતા. જેમાંથી પછીથી તેમના લેખનનું કાઠું ઘડાયું હતું.

મોટા ભાઈ સાથે કિશોર ગુણવંત કચ્છ-માંડવીમાં અભ્યાસાર્થે ગયો અને શાળાએ જતાં રસ્તામાં વિશાળ સમુદ્રનાં પહેલી વાર દર્શન કર્યાં અને સમુદ્રમંથનમાંથી જેમ મોહિની પ્રકટી એમ સાગરદર્શને તેનું મન મોહી લીધું.

ખલાસીઓ અને ખારવા સાથે તે ભળી ગયો અને વહાણમાં તેમની સાથે સફર પણ કરી ત્યારે જ એમણે સાગરને વચન આપ્યું હતું કે હે દરિયાદેવ, તમારા પાતાળમાં અનેક અમૂલ્ય રત્નોનો ભંડાર છે. એક વાર એવી કથાઓ લખી મારા ગુજરાતને ચરણે ધરીશ.

પછી પત્રકાર-લેખક બનવાની ખૂબ ઇચ્છા પણ પગ ક્યાં મૂકવો? અનેક નોકરીઓ કરી. ગામ-ઠામ બદલ્યાં. 1928માં રામપુરમાં હસનઅલી જીવાભાઈ સૌરાષ્ટ્ર-મિત્ર નામનું અઠવાડિક ચલાવતા એમાં તેઓ જોડાયા. આખરે નૌકાએ સાગરમાં ઝુકાવી જ દીધું.

આ જ અરસામાં રાણપુરથી `બહુરૂપી’ નામનું રહસ્ય-કથાઓનું અઠવાડિક નીકળતું હતું એમાં મારા પિતાએ ઘણી રહસ્યકથાઓ લખી. જોકે તેમના ઝંઝાવાતી જીવનમાં એક પણ કથા સચવાઈ નથી.

`સૌરાષ્ટ્ર-મિત્ર’માં મારા પિતાની કલમે પ્રાણ પૂર્યાં. રાજ-રજવાડાંના પ્રજા પરના અત્યાચાર અને અંગ્રેજી હકૂમત તલવારની ધાર જેવી કલમે લખાયેલા લેખોએ અમૃતલાલ શેઠને આકર્ષ્યા. અમૃતલાલ શેઠ વીણીવીણીને સાથી પત્રકારોને સૌરાષ્ટ્રમાં જોડવા માંડ્યા.

મેઘાણી અને મારા પિતા ગાઢ મિત્રો બન્યા. સાથે કામ કર્યું. સમાચારો ભેગા કરતા. ગામડાંઓ ખૂંદ્યાં. ઘણી વાર પાછળ તલવાર લઈ મારાઓ ફરતા. કોઈનો લાડકવાયો અને અન્ય કાવ્યો સૌરાષ્ટ્રને ડેલે ભાંગતી રાતે સામે બેસીને મારાં માતા-પિતા અને સાથી મિત્રો મેઘાણીના બુલંદ કંઠે સાંભળતા. સખત આર્થિક ભીંસ વચ્ચે પણ  કેવા આનંદભર્યા દિવસો હશે!

પત્રકારિત્વનું આ એક ઉજ્જ્વળ પ્રકરણ છે. ગુજરાતી ઇન્વેસ્ટિગેટીવ જર્નાલિઝમની શરૂઆત અહીં થઈ હતી. ગામડાંઓ ખૂંદતા સામાજિક અન્યાય, સ્ત્રી-પુરુષ અસમાનતા, હરિજનો પર અત્યાચાર વગેરે વિષયો પર મારા પિતાએ નાટિકાઓ લખી. લખવી પડી. ફૂલછાબના તંત્રી તરીકે. 

ત્યારે નવલિકા અને નવલકથાનું કાંઠુ હજુ બરાબર ઘડાયું નહોતું. મેઘાણીએ એ દરમિયાન લોકગીતો, લોકકથાનો વીસરાતો ખજાનો ભેગો કર્યો. મને આશ્ચર્ય છે કે તે બંનેની દોસ્તી વિશે ખાસ ક્યાંય કેમ લખાયું નથી.

લડતના આવા વંટોળમાં અંગ્રેજોએ `સૌરાષ્ટ્ર’ સામયિકને તાળાં માર્યાં. ત્યાર બાદ મારાં માતા-પિતાનું જીવન એક કઠોર સંઘર્ષની લાંબી કથા છે. અનેક ગામ બદલ્યાં, ઘરો લૂંટાયાં, છીનવાયાં. ચાર સંતાનો સાથે રઝળપાટ કરી.

હું આઠ-નવની હતી ત્યારથી મને સમજાયું કે એ સંઘર્ષમાં અમે પણ સામેલ થયાં હતાં. છતાં છાતીવાળા નાખુદાની જેમ તેમણે સફર ચાલુ રાખી, દરિયાદેવને આપેલું વચન પાળ્યું અને અનેક સાગરકથાઓ અને ઐતિહાસિક નવલકથાઓ પણ આપી.

ઘણા વખતથી તેમની જીવનકથની લખવાની ઇચ્છા હતી, પણ મારા દાદા અને મારા પિતાના જીવન વિશે ખાસ જાણતી નહોતી. તેમણે ધાર્યું હોત અને જીવનકથા લખી હોત તો એ સમયના સમાજનું આખું ચિત્ર સ્વાતંયસંગ્રામના માહોલમાં પત્રકારિત્વના ન વંચાયેલાં પાનાં ઊઘડ્યાં હોત.

સવારે ચાર વાગ્યે ઊઠી તેઓ આખા દિવસનો લેખનનો નકશો મનમાં દોરી લેતા. પછી આરામખુરશીમાં ગોઠણ પર પૅડ મૂકી ન્યૂઝપ્રિન્ટના કાગળો પર સતત લખતા મેં તેમને કાયમ જોયા છે માત્ર ચા-ભેર. સવારે રાંધેલું સાંજે ખાઈ લેતા. જાતે જ.

મારા પિતાના 1965માં મૃત્યુ પછી તેમના જૂના સાથી-મિત્રો, પત્રકારોએ મળીને `સ્ત્રીજીવન’નો આચાર્ય સ્મૃતિ અંક 1966 પ્રગટ કર્યો હતો. એમાંથી મને મારા પિતાના પૂર્વજીવનની માહિતી મળી હતી અને પછીથી તો મને પણ થોડું યાદ હતું. ક્યાંક છૂટોછવાયો રેફરન્સ મળે એ બધું એકઠું કરીને મેં આ જીવનકથની લખી છે.

એમાં હજુ ઘણા પ્રસંગો ખૂટતા હશે, પણ એ મેળવવાનો હવે કોઈ રસ્તો નથી. પપ્પાની સાગરકથાઓના હજુ ચાહકો છે એ મારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે.

`દરિયાલાલ’ના વાચિકમના લાઇવ મ્યુઝિક સાથે ચિંતન પંડ્યાએ ઘણા પ્રયોગો કર્યા હતા. હવે `દરિયાલાલ’નો અંગ્રેજી અને ફ્રૅન્ચ અનુવાદ થઈ રહ્યો છે. પપ્પાની સાગરકથાઓના પ્રેમીએ સોમનાથ મંદિરના દરિયા પાસે પપ્પાનાં પુસ્તકો ગોઠવીને તેમને ભાવાંજલિ આપી હતી.

2000ની સાલમાં લંડનની ગુજરાતી સાહિત્ય અકાદમીએ લંડનના બ્રેકફર્ડમાં ત્રણ દિવસની ભાષા કૉન્ફરન્સ મારા પિતાને અર્પણ કરી હતી ત્યારે આખો હૉલ છલકાઈ ગયો હતો.

આથી વિશેષ શું હોઈ શકે?

– વર્ષા અડાલજા

આ જીવનકથા હપ્તાવાર દર શનિવારે આપણું આંગણું બ્લોગમાં પ્રકાશિત થશે. પ્રકરણની નિયમિત લિંક અને અન્ય પોસ્ટ મેળવવા બ્લોગના WhatsApp Groupમાં જોડાવા Request મોકલવા વિનંતી.   

Request મળ્યા પછી એકાદ અઠવાડિયાની અંદર, આપને ગ્રૂપમાં  જોડવામાં આવશે. 

🔗 ભારત માટેનું WhatsApp Group:
https://chat.whatsapp.com/HgtB0iqDKdQL05nlI8DS1Q

🔗અમરિકા અને અન્ય દેશો માટેનું WhatsApp Group: https://chat.whatsapp.com/IAnQjPbC7VC5t5revq3TPt

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.