સિદ્ધિ (વાર્તા) ~ લીના કાપડિયા
મે મહિનો હતો. ગરમીનો મહિનો અને સફેદ રૂનાં ગાભાં જેવા ઊભરાતાં વાદળોનો મહિનો. ખુલ્લા ગગન નીચે રાત્રિની શાંતિમાં સંગીતની મહેફિલ જામી હતી. ક્લાસિકલ સંગીતના મહાન કલાકારો શ્રોતાઓને મુગ્ધ કરી રહ્યા હતા.
‘કાશ, મને પણ ગાવાનો મોકો મળે. લોકો સુધી મારો પણ અવાજ પહોંચે,’ સ્વપ્નિલ આંખે સારંગીએ કહ્યું.
સારંગીને જોકે ક્લાસિકલ સંગીત આવડતું ન હતું પણ એનો અવાજ કેળવાયેલો હતો. મિલને એને પ્રોત્સાહન આપ્યું અને એની પાસે ગીતો ગવડાવીને યુટ્યૂબ પર મૂક્યા. આશા અને નિરાશા વચ્ચે ઝોલા ખાતાં સારંગીએ એની લિંક મ્યૂઝિક હાઉસમાં મોકલી. ઘણા દિવસો પછી એક મ્યુઝિક ડાયરેક્ટરે એને બોલાવી. સારંગી ખુશખુશાલ મને ગઈ.
મિલન અને સારંગીનો ભાઈ આશિષ સારંગીની રાહ જોતાં બાલ્કનીમાં બેઠાં હતાં. બંને પ્રથમ મિત્રો અને પછી સાળો-બનેવી હતાં. ઘણા વખતે આશિષ શહેરમાં પાછો ફર્યો હતો અને સીધો બહેન-બનેવીને મળવા આવ્યો હતો. બંને મિત્રો કોઈક વાત પર ચઢી ગયા હતાં.
મિલને સારંગીને આવતા જોઈ. એને હતું સારંગી ખુશ હશે. ખૂબ જ ખુશ. ઘણા વખતે એનું સ્વપ્ન પૂરું થયું હતું તેથી તે ઉત્સાહમાં આવશે, પણ સારંગીએ ચાવીથી દરવાજો ખોલ્યો, પર્સ પલંગ પર ફેંકી અને રડુરડુ થતાં બોલી, “મારા ભાગે તો ચાર લીટીઓ જ ગાવાની આવી. યુગલ ગીત હતું અને આખું ગીત પુરુષે જ ગાવાનું હતું. મારે તો માત્ર સાથ જ પુરવાનો હતો.’
આશિષે બાજુમાં પડેલી ભજિયાંની પ્લેટ સારંગી સામે ધરી. “શરૂઆત તો થઈને? એ ખુશીમાં ભજિયાં લે. મિલને બિયર સાથે ખાવા ભજિયાં બનાવ્યાં છે.” આશિષે કહ્યું.
તમે ક્યારે આવ્યાં?’ સારંગીએ પૂછ્યું.
“ક્યારનો આવીને તારી રાહ જોઉં છું,” આશિષે કહ્યું.
સારંગી એનો ગુસ્સો ભૂલી ગઈ. ત્રણેય વાતો કરવા લાગ્યાં.
એક બપોરે સારંગી માથામાં તેલ નાખતાં રિમિક્સ ગીતો સાંભળી રહી હતી અને એનો ફોન રણક્યો. ફોન એક ગુજરાતી ગીત બનાવનાર મ્યુઝિક ડાયરેક્ટરનો હતો. ગુજરાતી ચેનલ માટે તેઓ સંગીતનો કાર્યકમ બનાવી રહ્યા હતા અને સારંગીને ગીત ગાવાનો મોકો આપી રહ્યા હતા.
‘હું વિચારીને જવાબ આપીશ.’ સારંગીએ કહ્યું.
“કેમ એવો જવાબ આપ્યો?’ રાત્રે સારંગીની વાત સાંભળીને મિલને પૂછ્યું, “હા જ પાડવી હતીને. એમાં વિચારવા જેવું શું છે?”
“ગુજરાતી ચૅનલ આજકાલ કોણ જુએ છે અને ગુજરાતી ગીત પણ કોણ સાંભળે છે!’ સારંગીએ કહ્યું.
“ગુજરાતમાં ઘરેઘરે, ગામમાં અને શહેરમાં ગુજરાતી પ્રોગ્રામ જ જોવાય છે. ગુજરાતી રૅડિયો પૉગ્રામ પણ સાંભળે છે,” મિલને કહ્યું.
સારંગીનાં મનમાં આ વાત બેઠી નહીં. રાતે આશિષ મળવા આવ્યો. સારંગીની વાત સાંભળીને એ આભો બની ગયો.
“હમણાં જ ફોન કર અને રેકોર્ડિંગના સ્થળ અને સમય જાણી લે,” આશિષે કહ્યું.
ગુજરાતી કવિતાઓ ગાવાનો એ કાર્યક્રમ ખૂબ સુંદર હતો પણ સારંગીના મનમાં અજંપો હતો. જે એને જોઈતું હતું એ આ ન હતું. કાંઈક જુદું હતું. કાંઈક વધારે હતું. એ મનને મનાવવાની કોશિશ કરી રહી હતી.
આ શરૂઆત હતી. આગળ લાંબો પથ હતો જે એણે કાપવાનો હતો પણ મન માનતું ન હતું. એ વધુ ને વધુ અજંપો અનુભવી રહી હતી. એ તો એક નાની-શી આર્ટિસ્ટ બનીને બાજુ પર રહી જવાની હતી.
આમ જ બે-ત્રણ મહિનાઓ પસાર થઈ ગયા. સારંગીનો અજંપો અને ઉદાસી વધતાં ગયાં. એવી જ એક અજંપાભરી સવારે એને કોલ આવ્યો. એક ઓરકેસ્ટ્રામાં એક આખું ગીત ગાવાનું એને કહ્યું હતું.
સારંગી ખુશ થઈ ગઈ. એને પૈસા પણ મળવાના હતા પણ એનાથી વધુ મહત્વનું સારંગી માટે એ હતું કે એનો અવાજ લોકો સુધી પહોંચવાનો હતો.
એક આખું સુંદર ગીત એણે ગાવાનું હતું. મિલન ટૂર પર જવાનો હતો એટલે એ આવી શકવાનો ન હતો. સારંગીને એનુ સ્વપ્ન આટલું જલદી પૂરું થશે એવી કલ્પના ન હતી. એને ખુબ શોભતા મરૂન રંગની સિલ્કની નવી સાડી લીધી.
અરીસાની સામે ઊભા રહીને ગીત ગાવાની પ્રેક્ટિસ કરતાં એણે પોતાના હાવભાવ પણ નક્કી કરી લીધા. આ કાંઈ રેકોર્ડિંગ ન હતું. ઓડિયન્સની સામે ગાવાનું હતું. એણે ભરપૂર તૈયારીઓ કરી.
ઓગસ્ટ મહિનાની વરસાદી સાંજે એક હૉલમાં ઓરકેસ્ટ્રા હતી. આશિષ સારંગીની સાથે ગયો. સારંગીને ગુડ લક કહીને એ પ્રથમ, મોંઘી હારમાં બેઠો. શરૂઆત પ્રસિદ્ધ કલાકારોએ કરી. એમના મધુર અવાજથી અને નવા ગીતોથી લોકો ઝૂમી ઊઠયાં.
ઈન્ટરવલ પછી પ્રથમ ગીત ગાવાનું સારંગીના ભાગે આવ્યું. અડધા લોકો હજી હોલમાં પાછાં ફર્યા ન હતાં. બહાર નાસ્તાનાં સ્ટોલ પર લાંબી લાઇન હતી. ધીરે ધીરે અંદર પાછા ફરતાં લોકો હજી પણ બટાટાવડાં ખાવાના અને એકમેકના ડ્રેસિઝ જોવામાં મશગુલ હતા.
સારંગીનો મૂડ બગડી ગયો. એ મન મૂકીને ગાઈ ન શકી. કાર્યક્રમ પૂરો થતાં આશિષને મળી ત્યારે એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં.
“કેમ રડે છે?” આશિષે પૂછ્યું, “આજે તો તારા ભાગે સરસ, આખું ગીત ગાવાનું આવ્યું હતું અને લોકોને ગમ્યું પણ કેટલું હતું.”
સારંગીએ જવાબ ન આપ્યો.
“મારી પાછળ બેઠેલા લોકો વાતો પણ કરતા હતા કે આટલો મીઠો અવાજ કોનો છે? આ જાણીતી ગાયિકા તો નથી લાગતી.” આશિષે કહ્યું.
“ખોટું બોલો છો?” સારંગીએ નારાજગીથી પૂછ્યું.
“કેમ એવું પૂછે છે? તારો અવાજ સરસ નથી?’ આશિષે કહ્યું.
“કોણ સાંભળતું હતું મને?’ સારંગીએ પૂછુયું.
“કેમ? મારી આજુબાજુના તો બધાં જ સાંભળતાં હતાં.” આશિષે કહ્યું.
“પોણા ભાગના લોકો તો હજી હૉલમાં આવ્યાં ન હતા.” સારંગીએ કહ્યું.
“બાકીના જે પાછા આવ્યાં હતાં એમનું શું?” આશિષે પૂછયું.
સારંગીએ જવાબ ન આપ્યો. ભાઈ-બહેન ચુપચાપ અંધારી રાત્રિમાં ચાલતાં રહ્યાં. થોડી વાર પછી આશિષે કહ્યું,
“સારંગી, કાલે સવારે શક્ય છે તું મોટી, ખ્યાતનામ ગાયિકા બનીશ. પિક્ચરોમાં, રેડિયો પર, ટી.વી. પર શક્ય છે તારો અવાજ ગુંજતો હશે. શક્ય છે તારા બધાં સ્વપ્નાઓ સિદ્ધ થઈ જશે, પણ તેથી શું? તારા લક્ષ્ય પર પહોંચી જઈશ પછી તને લાગશે કે રસ્તો કઠીન હતો, બધું જ બહુ કપરું હતું તો એમાં કયો આનંદ હશે? સારંગી, આનંદ તો માણવામાં છે. જે તક મળી એને માણવામાં છે. નાની નાની સિદ્ધિઓમાં મ્હાલવામાં છે. કાર્ય કરવાનો પોતાનો એક આનંદ છે એ તો તું જાણતી જ નથી.”
ફરી બંને ચુપચાપ ચાલવા લાગ્યાં. ધીરાધીરા છાંટા પડવાના શરૂ થયાં. રિક્ષાઓ અને ટેક્સીઓ તો ઘણી ખાલી જતી હતી અને ઘર પણ ઘણું દૂર હતું પણ બંનેમાંથી કોઈને વાહનમાં બેસવાનું મન ન થયું.
ધીમાં ટપકતાં બિંદુઓમાં ધીરે ધીરે સારંગીના મનનો અજંપો ઓગળવા લાગ્યો. એણે હથેળીઓ ખોલી અને પ્રસરાવી. એ હળવી બનતી ગઈ. જે મળ્યું હતું એ તો એ પામતી ન હતી અને જે ન હતું એની પાછળ દોડતી હતી. આ તે કેવી વિડંબના!
ધીરેધીરે ચાલીને એ પોતાની જાતને જાણતી રહી. બાજુમાંથી એક ટેક્સી પસાર થઈ. સારંગીએ ટેક્સી રોકી, આશિષને સ્મિત આપ્યું અને ટૅકસીમાં બેઠી.
આશિષ પણ આગળની સીટ પર ગોઠવાયો. સારંગી ગણગણવા માંડી. માત્ર પોતાના માટે.
~ લીના કાપડિયા
9833191560