“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૬) ~ લેખિકઃ ડૉ. બાબુ સુથાર ~ સંપાદકઃ રેખા સિંઘલ

ડો. બાબુ સુથાર

સરસ્વતિ દેવીના અઠંગ ઉપાસક ડો. બાબુ સુથાર એક વિરલ ભાષાવિજ્ઞાની હોવા ઉપરાંત સર્જક, સંપાદક અને ભાષાના તત્ત્વચિંતક પણ છે. એમનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના મહિસાગર જિલ્લાના ભરોડી નામના એક નાનકડા ગામમાં થયો હતો. એસ.એસ.સી.(ત્યારનું અગિયારમું) કર્યા પછી એ ટેલિફોન ઓપરેટર બન્યા હતા. ગોધરાની કોલેજમાંથી ગુજરાતી અને હિન્દી સાથે બી.એ. કર્યા પછી એમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્ય અને ભાષાવિજ્ઞાન, એમ બે એમ.એ. કર્યા છે. એ જ યુનિવર્સિટીમાં સાત વરસ ભાષાવિજ્ઞાન વિભાગમાં અધ્યાપક તરીકે કામ કર્યું છે. એ પહેલાં એમણે પત્રકારત્વ પણ ખેડ્યું હતું. ત્યાર બાદ ૧૯૯૭માં તેઓ અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ભાષાવિજ્ઞાનમાં પીએચ.ડી. કરવા આવ્યા હતા. પીએચ.ડી પૂરું કર્યા પછી એ જ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના અધ્યાપક તરીકે જોડાયા હતા. ગુજરાતી ભાષાની પ્રથમ ‘લર્નર્સ ડિક્ષનેરી’ તૈયાર કરવાનું શ્રેય એમને ફાળે છે. અર્વાચીન સાહિત્યના અને ખાસ તો સુરેશ જોષીના સાહિત્ય વિષેનું એમનું ઊંડું અધ્યયન પ્રશંસાને પાત્ર છે. પાંચ નવલકથાઓ, પાંચ કાવ્યસંગ્રહો, બે વિવેચન સંગ્રહો પ્રગટ કર્યા ઉપરાંત એમણે આત્મકથા પણ લખી છે જે હજી અગ્રંથસ્થ છે. દેશવિદેશની કવિતાઓ અને વાર્તાઓના અનુવાદ પણ કર્યા છે. એમણે ભાષાવિજ્ઞાનમાં અને ફિલસૂફીમાં પણ લેખો લખ્યા છે. ગુજરાતી ભાષાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજનાર જૂજ લોકોમાં એમની ગણના થાય છે. બાબુ સુથાર સિનેમા, ન્યૂ મીડિયા અને ડિજિટલ કલ્ચરના પણ ઊંડા અભ્યાસી છે.
Email: [email protected]

એક કાચબાની કથા – બાબુ સુથાર

Nostalgia નામના પુસ્તકમાં ફ્રેંચ ફિલસૂફ બાર્બરા કાસિન એક પ્રશ્ન પૂછે છે: When are we ever at home?

પછી એ આ પ્રશ્નના ત્રણ જવાબ આપે છે. એમાંના પહેલા બે જવાબ પાશ્ચાત્ય પુરાકથા પર અને ત્રીજો જવાબ એક આધુનિક ફિલસૂફના જીવન પર આધાર રાખે છે. પુરાકથાઓમાં એ ઓડિસિયસ અને ઈનિઅસની વાત કરે છે. ટ્રોયનું યુદ્ધ જીત્યા પછી ઓડિસિયસ પોતાના ઘેર જવા નીકળે છે. આમ તો એનું ઘર નજીક જ છે. એમ છતાં એને   ત્યાં પહોંચતાં વરસો નીકળી જાય છે. એટલે સુધી કે એક તબક્કે ઓડિસિયસ બોલી જાય છે કે “ભૂમદ્યસમુદ્ર જ હવે મારું ઘર.”

જેમ ઓડિસિયસ ટ્રોય છોડીને પોતાના વતન પાછો ફરે છે એમ ઈનિઅસ પણ ટ્રોય છોડીને બીજે જાય છે. ફરક એટલો જ છે કે ટ્રોય એનું વતન છે. એનું ઘર છે. એ ટ્રોય ભડકે બળતું હોય છે ત્યારે એના પિતાને એની પીઠ પર નાખી, દીકરાને લઈને નીકળી જાય છે. ઓડિસિયસ પરદેશથી સ્વદેશ જાય છે. એની સામે ઈનિઅસ  સ્વદેશથી પરદેશ જાય છે. એ પરદેશને પોતાનું ઘર બનાવે છે અને પરદેશની ભાષા પણ અપનાવે છે.

ત્રીજો જવાબ આપતાં કાસિન જર્મન ફિલસૂફ હન્ના આરન્ટની વાત કરે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે હન્ના આરન્ટ, પોતાની ઈચ્છા વિરુદ્ધ, અમેરિકા આવે છે. એક મુલાકાતમાં એ કહે છે કે અમેરિકામાં એને જર્મનીનો ઘરઝુરાપો, એટલે કે પોતાના દેશનો ઘરઝુરાપો સતાવતો નથી. એને બદલે એને જર્મન ભાષાનો ઘરઝુરાપો સતાવતો હોય છે.
આરન્ટ માટે અમેરિકા કે જર્મની પોતાનું ઘર નથી. એના માટે જર્મન ભાષા પોતાનું ઘર છે અને અમેરિકામાં એેને જર્મન ભાષામાં વાત કરવા મળતી નથી. અલબત્ત, અમેરિકામાં રહીને એ જર્મન ભાષામાં લખી શકે છે અને જર્મન ભાષાનાં પુસ્તકો વાંચી પણ શકે છે.

કાસિનનું આ પુસ્તક વાંચતી વખતે મેં મને પણ એક પ્રશ્ન પૂછેલો: હું કોણ છું? ઓડિસિયસ છું? ઈનિઅસ છું? કે હન્ના આરન્ટ છું?

હું ઓડિસિયસ તો નથી જ. કેમ કે, હું મારા ઘેર જવા નીકળ્યો નથી. હું જ્યાં જાઉં છું, ત્યાં કોઈ મારી રાહ જોનાર નથી. હા, હું ક્યારેક મારા ઘેર ગયો છું ખરો, પછી પાછું ઘર છોડવા માટે. હું વડોદરાથી મારા વતન જાઉં. માબાપને મળું. એક-બે દિવસ ત્યાં  રોકાઉં અને પાછો ઘર છોડું. એ જ રીતે, હું અમેરિકાથી ભારતમાં આવેલા મારા વતનમાં જાઉં, બેચાર દિવસ ત્યાં રહું ને પાછો હું અમેરિકા આવું. હું ઘેર રહેવા નથી ગયો. હું ઘરની મુલાકાતે ગયો છું. ઓડિસિયસ તો રહેવા જાય છે.

પણ, મને લાગે. છે કે હું કાં તો ઈનિઅસ છું, કાં તો હન્ના આરન્ટ છું. જેમ ઈનિઅસે ટ્રોય છોડ્યું, એમ મેં પણ મારું વતન છોડ્યું જો કે, બન્નેનાં કારણો જુદાં હતાં.

ઈનિઅસ એના પિતાને અને એના પુત્રને લઈને નીકળી ગયેલો. હું મારા પુત્ર અને મારાં પત્નીને લઈને નીકળી ગયેલો. જો કે, ઈનિઅસ અને મારામાં એક ફરક હતો. ઈનિઅસ પિતા અને પુત્રને પોતાની સાથે લઈને નીકળેલો. મેં પાછળથી મારા પુત્ર અને પત્નીને બોલાવેલાં.   ઈનિઅસે જે ભૂમિમાં ગયો એ ભૂમિની ભાષા સ્વીકારેલી. મેં પણ વત્તેઓછે અંશે એમ જ કર્યું છે.

પણ, ઈનિઅસ અને મારી વચ્ચે એક મહત્ત્વનો ફરક છે. ઈનિઅસને દેવો મદદ કરતા હતા. હું દેવો વગરનો. હું જ્યાં રોકાયો ત્યાં મેં એવું માની લીધેલું કે આ જ મારો અંતિમ પડાવ છે. આ જ મારું ઘર છે. અને ત્યાં જ મારે ત્યાંથી ખસવાનું આવે. એટલું જ નહીં, ક્યારેક તો એવું પણ બને કે હું ઘર વસાવું અને મારે ઘર છોડવાનું આવે. આજે મને પ્રશ્ન થાય છે: હું જ્યાં જાઉં ત્યાં પેલું ભડકે બળતું ટ્રોય મારી પાછળ પાછળ તો નહીં આવતું હોયને? કોઈને આ પ્રશ્ન રંગદર્શી લાગશે. પણ, મને નથી લાગતો. જે લોકો વરસોથી પોતાના ઘરમાં રહે છે એમનો ઘરઝુરાપો, મારા ઘરઝુરાપા કરતાં ચોક્કસ જુદો હશે, એવું મને લાગે છે.

મને ઘણી વાર એવું પણ લાગ્યું છે કે હું હન્ના આરન્ટ છું. અલબત્ત, ઘરઝુરાપાની બાબતમાં. મને મારા દેશ કરતાં સૌથી વધારે મારી ભાષાની ખોટ સાલી છે.
હું અમેરિકામાં છું. ઘરમાં, અને ઘણી વાર સમાજમાં પણ હું ગુજરાતી ભાષામાં વાત કરું છું. એને કારણે ઘણી વાર કેટલાક લોકોમાં ગેરસમજ પણ થઈ છે. એ લોકો અંદરોઅંદર એવું કહેતા હોય છે કે બાબુને અંગ્રેજી ભાષા નથી આવડતી, કેમ કે, એ ગુજરાતી ભાષામાં જ વાત કરતો હોય છે. હું એમને કઈ રીતે સમજાવું કે મારા માટે ગુજરાતી ભાષા મારું ઘર છે. હું એ ઘરમાં રહું છું. અને હું જ્યારે પણ ગુજરાતી ભાષામાં વાત કરતો હોઉં છું ત્યારે મને એવું લાગતું હોય છે કે હું મારા ઘરમાં છું. મને એક પ્રકારની હૂંફ મળતી હોય છે. એટલું જ નહીં, મને એક પ્રકારની સલામતિની  લાગણી પણ થતી હોય છે.  હું ચાલ્યા વગર, અથવા તો પૃથ્વી, સમુદ્ર કે અવકાશનો ઉપયોગ કર્યા વગર મારા ઘરમાં વસવાટ કરવા જતો રહેતો હોઉં છું. મને લાગે છે કે હું બેવડા ઘરઝુરાપાથી પીડાઉં છું. મને ઈનિઅસની જેમ મારું ઘર જોઈએ છે. જ્યાં કોઈક રાહ જોનાર હોય. એની સાથોસાથ, મને આરન્ટની જેમ મારી ભાષાની ખોટ સાલતી હોય છે. અમેરિકામાં, મેં કહ્યું છે એમ, હું ગુજરાતી ભાષા બોલું છું. પણ મને સતત એવું લાગે છે કે આ ભાષાને પાનખર બેઠી છે.   મને હું જીવતી ભાષા બોલી રહ્યો છું, એવું ક્યારેક જ લાગતું હોય છે.

અત્યારે મારું ઘર અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયા શહેરમાં આવેલું છે.   પણ, હું એ ઘરમાં રહેતો નથી.  અને ક્યારેક એમાં રહું પણ છું તો એક
મુલાકાતીની જેમ. મેં નોકરી કરવા માટે મારું વતન છોડ્યું એ દિવસથી હું મારા ઘરમાં મારા મહેમાનની જેમ સતત જીવ્યો છું.

આજે પણ હું મારો મહેમાન છું ફિલાડેલ્ફિયામાં આવેલા મારા ઘરમાં. એ પહેલાં હું ભારતમાં, વડોદરામાં રહેતો હતો. ત્યાં પણ મારું ઘર હતું. પણ, મારા માટે વડોદરા એક દિવસે ટ્રોય નગરી બન્યું. અને એ સાથે હું પેલા ઈનિઅસની જેમ વડોદરા છોડીને નીકળી ગયો. મારી પીઠ પર મારી ભાષાનો, મારી સંસ્કૃતિનો ભાર હતો. અને હું ત્યાંથી
અમેરિકા આવ્યો. એ પહેલાં હું મુંબઈમાં રહેતો હતો. ત્યાં મારું પોતાનું ઘર ન હતું. ત્યાં હું કેટલોક સમય મારા મિત્ર, ભરત નાયક અને ગીતા નાયકને ત્યાં, રહ્યો છું.

પણ, મુંબઈ પણ એક દિવસે મારા માટે ટ્રોય બન્યું. મારી નોકરી ગઈ અને હું પાછો વડોદરા આવ્યો. જો કે, એ વખતે વડોદરામાં મારું ઘર ન હતું. ત્યાં પણ હું એક મિત્રની સાથે રહેતો હતો. મેં એક પેટી રાખેલી. પતરાની. કદાચ બાએ આપેલી. હું હાથમાં એ પેટી અને ખભે ‘બાપાને’ લઈને નીકળી પડતો ને જ્યાં રોકાતો એ જગ્યા મારા માટે
મારું ઘર બની જતું. એ દિવસોમાં હું પેલા ઇસપની બોધકથામાં આવતા કાચબા જેવો હતો. જ્યારે ગ્રીક દેવ ઝિઊસે ઉજાણીમાં ભાગ લેવા બધાં પ્રાણીઓને પોતાના ઘેર બોલાવ્યાં ત્યારે કાચબો નહોતો ગયો. પછી ઝિઊસે કાચબાને પૂછ્યું કે તું કેમ ઉજાણીમાં ભાગ લેવા ન હતો આવ્યો. તો કાચબાએ કહ્યું કે મને મારું ઘર બહુ ગમે છે. ત્યારે ઝિઊસે કહેલું કે હવે તું સદાકાળ તારું ઘર તારી પીઠ પર લઈને ફર્યા કરજે. હું પણ ત્યારે, એ કાચબાની જેમ, મારું ઘર મારી પીઠ પર લઈને ફર્યા કરતો હતો.

એ પહેલાં હું ગોધરામાં હતો. હું ત્યાં ટેલિફોન ઓપરેટરની નોકરી કરતો હતો. ત્યાં પણ મારું પોતાનું ઘર ન હતું. આરંભમાં હું મારી ફોઈના છોકરા, શંકરભાઈ સાથે, રહેતો હતો. ત્યારે પણ મારી પાસે પેલી બાએ આપેલી પતરાની પેટી હતી. ગોધરામાં પણ મેં અનેક ઘર કરેલાં. પહેલાં હું ત્યાંની એક સોસાયટીમાં રહેવા ગયો. ભાડાની ઓરડીમાં. આજે મને એક પ્રશ્ન થાય છે કે એવી ઓરડીઓને ઘર કહેવાય કે નહીં? એક અર્થમાં કહેવાય: કેમ કે મારા કાગળ એ સરનામે આવતા હતા. બીજા અર્થમાં ન કહેવાય. કેમ કે મારે દર મહિને એ ઓરડીને ‘મારું ઘર’ બનાવવા ભાડું આપવું પડતું હતું.

ગોધરા આવતા પહેલાં હું અમદાવાદમાં ત્રણ મહિના રહેલો. નવરંગપુરામાં આવેલી વિશ્વકર્મા હોસ્ટેલમાં. ટેલિફોન ઓપરેટરની તાલિમ માટે. એ પહેલાં હું ભરોડીમાં રહેતો હતો. ભરોડી. અત્યારના મહિસાગર જિલ્લામાં આવેલું મારું વતન. અસંખ્ય નાની મોટી ટેકરીઓની વચ્ચે આવેલું એક નાનું ખોબા જેવડું ગામ. એક છેડે બૂમ પાડો તો
બીજે છેડે સંભળાય એવડું. જો કે, હવે તો એ ગામ પણ ઘણું મોટું થઈ ગયું છે. ત્યારે મારા ગામની આસપાસ અસંખ્ય નાનાંમોટાં ઝરણાં અને કોતર વહેતાં. એક કોતર તો એક ગાઉ ચાલો તો પાંચ વાર ઓળંગવું પડતું. એ દિવસોમાં જળ અને જમીન સતત સંવાદ કર્યા કરતાં. ત્યારે ત્યાં બસો ન હતી. દસબાર માઈલ ચાલવાનું તો જાણે કંઈ જ ન હતું. એ પણ ઉઘાડા પગે. ચાલતાં તરસ લાગે તો ચોમાસામાં મેં ઘણી વાર કૂવાની ધાર પર બેસી, નીચે નમીને, પાણી પીધું છે. ઉનાળામાં ઘણી વાર બાએ મને સાડીનો
છેડો કૂવાના પાણીમાં બોળીને મારું મોં ભીનું કરાવ્યું છે. એ ગામને મારે ટ્રોય કહેવું હોય તો મને ખૂબ અઘરું પડે. પણ, એ ય ટ્રોય બને છે. આરંભમાં મારા માટે નહીં. મારાં માબાપને માટે.

એથી જ તો જ્યારે હું ત્રીજા ધોરણમાં હતો ત્યારે મારાં માબાપ મારું વતન છોડીને પાવાગઢ પાસે આવેલા જીતપુરા ગામે જાય છે. ત્યારે બાપા ઈનિઅસ બનેલા. એમની
પીઠ પર ‘એમના બાપા’. અમે એમની આંગળી ઝાલીને એ જ્યાં લઈ જાય ત્યાં જતા. અમે પ્રશ્નો પણ પૂછી શકતા ન હતા.  ત્યારે અમે સવારે ચારેક વાગે અમારા ગામથી
નીકળતા. ઉપર આકાશમાં તારા અને ક્યારેક ચંદ્રમા. બાપા અને બા એમાંના ઘણા બધા તારા અને ઘણાં બધાં નક્ષત્રોને ઓળખતા. એ જ્યારે એ તારા અને નક્ષત્રોની
વાત કરતા ત્યારે એવું લાગતું કે એ એમના કોઈક સગાની વાત કરે છે. એ દિવસોમાં ગામમાં એક જ ઘડિયાળ હતી. એ પણ લોલક ઘડિયાળ. એનો માલિક લોકો વારંવાર
ઘડિયાળ જોવા ન આવે એ માટે એના ઘરનું બારણું બંધ રાખતો. એ ઘર રાતના વખતે તો ક્યાંથી ઉઘાડું હોય? બા અને બાપા કૂકડાની બોલીથી સમય માપતાં, બાપા
આકાશમાં જોતાને કહેતા: ચાલો નીકળીએ. સમય થઈ ગયો છે.

પછી માથે નાનકડી ગાંસડી, હાથમાં પટાવાળી થેલી લઈને અમે નીકળી પડતાં. પગમાં જૂતાં નહીં, રસ્તા પણ ધૂળિયા. રસ્તાની બે બાજુ થોર. કેટલાક ફાફડિયા. ઊંચા
ઊંચા. બાપા કરતાં પણ ઊંચા. અંધારામાં એ થોર બધા ભૂત જેવા લાગતા. ક્યારેક ચાંદની રાતે એ થોરના પડછાયા જોઈને મને થતું કે હમણાં જ આ પડછાયો લંબાશે અને મને એની અંદર ખેંચી લેશે! હું ચાલતી વખતે એ થોરના પડછાયા પર પગ ન પડે એની કાળજી રાખતો. એ દિવસોમાં અમારે ન્યૂટન કે આઈન્સ્ટાઈન કરતાં ભૂતો સાથે વધારે સંબંધ હતો. કેટલેક ઠેકાણે તો અમારા પગ ખાસ્સા બધા ધૂળમાં ઊતરી જતા. એમાં વળી બા કહેતાં: “પગ દાબો જરા.” બા કહેતાં કે “ઊતાવળે ચાલો એમ નહીં કહેવાનું. એમ કહીએ તો રસ્તા પર બેઠેલાં ભૂત આપણી સાથે આવે. એ એવું માને કે આપણે એમને આપણી સાથે આવવાનું કહીએ છીએ. પછી એ આપણી સાથે આવે.” આવી વાતો સાંભળીને અમને ખાતરી થતી કે રસ્તાની બેય બાજુના થોર પર ક્યાંકને ક્યાંક ભૂત હશે.

હું અને મારા બન્ને ભાઈઓ, એક મોટો અને બીજો નાનો, એકનું નામ જયન્તિભાઈ અને બીજાનું નામ ભીખો, ઘણી વાર બા જે કહેતાં એનો અભિધાના સ્તરે અર્થ કરતા
અને ધૂળમાં પગ દાબતા. ત્યારે ત્રણ ગાઉનું અંતર કાપતાં અમને બે કલાક લાગતા. અમે વીરપુર પહોંચી ત્યાંથી પાંચ વાગ્યાની સેવાલિયાની બસ પકડતાં. હું બસ સ્ટેશને
પહોંચ્યા પછી બધી બસોનાં બોર્ડ વાંચતો. ત્યારે મને એવું લાગતું કે હું ભણ્યો છું એ સાચે જ ખૂબ કામનું છે. હું બસોનાં બોર્ડ વાંચી શકું છું. અમે સેવાલિયા સાડા નવની
આસપાસ પહોંચતાં. ત્યાં બસ સ્ટેશનની તદ્દન સામે રેલ્વે સ્ટેશન આવેલું હતું. બા અને બાપા અમને રેલ્વે સ્ટેશને લઈ જતાં. ત્યાંથી અમે ગોધરાની ટ્રેઈન લેતાં. પણ, એ
ટ્રેઈન અમે ત્યાં પહોંચીએ પછી ત્રણ કે ચાર કલાકે આવતી. ત્યારે સેવાલિયાથી ગોધરા બસમાં પણ જઈ શકાતું. પણ મારાં માબાપને બસ મોંઘી પડતી. એમને લોકલ ટ્રેઈન સસ્તી પડતી.

સેવાલિયાના બસ સ્ટેશને બા અમને પાણીને બદલે દૂધમાં બાંધેલા લોટનો રોટલો આપતી. બા એવું માનતાં કે પાણીથી બાંધેલા લોટના રોટલા અભડાઈ જાય. સાથે
કાં તો અથાણું હોય, કાં તો કે છુંદો. ક્યારેક એ અમને કેળાં કે દરાખ લઈ આપતાં. બા ‘દ્રાક્ષ’ને ‘દરાખ’ કહેતાં. અમારે ભાગે એક એક કેળું આવતું ને દરાખ ચાર કે પાંચ.
પછી, બેએક વાગે આગગાડી આવતી. અમે એનું તોતિંગ એન્જિન અને એમાંથી નીકળતો ધૂમાડો જોઈ રહેતા. ત્યાંથી અમે ત્રીજા વર્ગના ડબ્બામાં બેસીને ગોધરા જતાં. ત્યારે ગોધરામાં રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેશન કાં તો ચાલતા જવાતું, કાં તો ઘોડાગાડીમાં. બા-બાપુજી અમને ઘોડાગાડીમાં લઈ જતાં. પછી, ગોધરા બસ સ્ટેશનેથી અમે હાલોલની બસ લેતાં. ત્યારે પણ બા કહેતાં: લોકલ લેવાની. એક્સપ્રેસમાં ભાડું બહુ થાય.

હું ત્યાં પણ મારા શિક્ષણનો ઉપયોગ કરતો. હું બસોનાં બોર્ડ વાંચતો. લાલ હોય તો એક્સપ્રેસ. કાળાં હોય તો લોકલ. પછી ત્યાંથી લોકલ બસ લઈને અમે બે કલાકે હાલોલ પહોંચતાં. પછી હાલોલ પહોંચીને પણ મારા માથે વાયા ઘોઘંબા જતી દેવગઢ બારિયાની બસ શોધવાની જવાબદારી આવી જતી. હું હાલોલ બસ સ્ટેશને પણ બસમાં બોર્ડ વાંચતો. પછી બાને કહેતો કે આ બસ જાય છે. તો પણ બા પાછાં કંટક્ટરને પૂછીને ખાતરી કરતાં કે ખરેખર આ બસ વાયા ઘોઘંબા જાય છે? પછી અમે દેવગઢ બારિયા, વાયા ઘોઘંબા, જતી બસ લેતાં અને વચ્ચે કંકોડાકોઈ નામના ગામે ઊતરતાં. ત્યાંથી દોઢેક માઈલ ચાલતાં અમે જીતપુરા જતાં. એ રસ્તો ધૂળિયો ન હતો. પણ, વેરાન ખરો. આસપાસ બાવળ ઓછા ને આવળ વધારે. વળી જ્યાં જૂઓ ત્યાં તાડ. જીતપુરા પહોંચતાં ખાસ્સી સાંજ થઈ જતી. પહેલો કૂકડો બોલ્યે એક ઘેરથી નીકળીને દહાડો આથમે ત્યારે અમે બીજા ઘેર ત્યાં પહોંચતાં. આ પ્રવાસ, જો કે, ઓડિસિયસના પ્રવાસ જેવો ન હતો. તો પણ, જેમ ઓડિસિયસને સમુદ્રદેવ નડતા એમ અમને પણ કોઈને કોઈ, શાસ્ત્રોએ હજી પ્રમાણિત ન કર્યા હોય એવા દેવ, નડતા.

જીતપુરાના ઝાંપે જ એક તળાવ અને કોઠીનું વિશાળ વન. દૂરથી તળાવની પાળ દેખાય એટલે અમને લાગતું કે હવે જીતપુરા આવી ગયું છે. કોઠીનું વન અમારું પાયખાનું. રોજ સવારે અમે ત્યાં પાયખાને જતાં. એ પણ હાથમાં લોટો કે ડબલું લઈને. જો લોટો લઈને જતાં તો તળાવકાંઠે બેસીને લોટો ઘસી નાખતાં. ક્યારેક તળાવકાંઠાની માટીમાં રહેલી કાંકરીઓના લિસોટા લોટા પર પડતા તો બા ખિજાઈ જતાં. ત્યાંથી ઘેર જતી વખતે અમે નીચે પડેલાં બેચાર કોઠા (જો એની ઋતુ હોય તો) લઈ જતાં. બા એમાંથી
ચટણી બનાવતાં અને અમને રોટલા સાથે કોઠાની ચટણી આપતાં.

મને ખબર નથી કે બાપાને કોણે જીતપુરા બોલાવ્યા હશે. પણ કોઈકે કહ્યું હશે કે આ ગામમાં સુથાર નથી અને એને કારણે ગામલોકોને બહુ તકલીફ પડે છે. પહેલાં બાપા ત્યાં ગયેલા. ગામલોકોએ બાપાને એકબીજાને કાટખૂણે અડીને ઊભેલાં બે ઘરને કારણે બનતો એક ખૂણો ‘ઘર બાંધવા’ માટે આપેલો. બાપાએ, અલબત્ત ગામલોકોની
મદદથી, એ ખૂણામાં એક ઝૂંપડું બનાવેલું. એની ભીંતો કરાંઠીની. એના પર બા અને ગામની સ્ત્રીઓએ લીંપણ લીપેલું. એ ઝુંપડા પર તાડપત્રી નાખેલી. ક્યારેક વાયરે એ
તાડપત્રીઓ ખસી જતી અને રાતનો વખત હોય તો અમને ઘરમાં સૂતાં સૂતાં આકાશ દેખાઈ જતું. ચોમાસામાં ઘણી વાર એ તાડપત્રીઓમાંથી ચૂવા થતા. બા જ્યાં પાણી
પડતું હોય ત્યાં ડોલ કે બીજું કોઈ વાસણ મૂકી દેતી. ઘણી વાર અમે રાતે ચૂવાના પાણીનાં ટીપાં ગણતાં.

એ ઝૂંપડી હશે માંડ દસ કે બાર હાથ પહોળી. એના એક ખૂણામાં રસોડું. એમાં અમે પાંચ જણ –બા, કાકા, નાનો ભાઈ, મોટો ભાઈ અને હું- રહેતાં. ઝૂંપડીમાં ખાટલો રાખવા જેટલી જગ્યા ન હતી. અમે બધાં નીચે સૂઈ જતાં. ગોદડીઓ પાથરીને. બા વહેલી સવારે, અજવાળું થાય એ પહેલાં, ત્રણ બાજુ ખરસુડીની (સ્થાનિક બોલીમાં ‘ખરહૂડી’) વાડ બનાવીને બનાવવામાં આવેલા ‘બાથરૂમમાં’ નહાઈ લેતાં. એ બાથરૂમનો પથરો હજી મને યાદ છે. એ ઝૂંપડીમાં બાપાનાં સુથારી કામનાં સાધનો પણ રહેતાં અને અનાજપાણી પણ. ત્યાં બા કોદરા, બાવટો અને બંટી અને ક્યારેક એ ત્રણેયના મિશ્રણમાંથી રોટલા બનાવતાં. લોકો ત્યારે એને સાંગરું (સ્થાનિક બોલીમાં ‘હાંગરું’) કહેતા. એવા રોટલા ટાઢા પડી જાય તો તૂટતા નહીં. તોડવા બેસીએ તો એ રબરની જેમ લાંબા થતા. અમે ઘણી વાર એવા રોટલા અંગારે ઊના કરીને ખાતા. મને એ રોટલાઓનો કાળો રંગ ઝાઝો ગમતો નહીં. એટલે સુધી કે સવારે અમે કોઠીના વનમાં જાજરુ જતા ત્યારે અમારા કાળા મળને જોતા અને પેલા રોટલા યાદ કરતા.

લણણી વખતે અમારી ઝૂંપડી આખી અનાજથી ભરાઈ જતી. ત્યારે એ ગામમાં એવો રિવાજ હતો કે અનાજ લેવાનું થાય ત્યારે ખળામાંથી જ સુથારને એના ભાગનું અનાજ આપવાનું. એ પણ એણે ખેતી કામનાં સાધનો રીપેર કર્યાં હોય એ બદલ. ગામલોકો એને ‘ખળું’ કહેતાં. પાક લેવાનો હોય ત્યારે ખેડૂતો એક દિવસ પહેલાં આવીને બાને કહી જતા કે કાલે ખળું લેવા આવજો. હું અને મારો નાનોભાઈ બન્ને, ઘણી વાર, બાની સાથે ખળું લેવા ગયા છીએ. ક્યારેક એટલું બધું ખળું આવી જતું કે અમે સૂતા હોઈએ ત્યારે અમારી એક પડખે અનાજ હોય અને બીજા પડખે કાં તો ભાઈ કે બા. ઘણી વાર ઊંઘમાં હાથ અનાજ પર પડતો તો અનાજ સરકતું પથારીમાં આવી પડતું. પછી એ બાજુ પડખું ફેરવાતું નહીં. જો અમે પડખું ફેરવતા તો અમને અનાજ ચબતું.

એ ગામમાં લોકો એવું માનતા હતા કે કેરીઓને આ પૃથ્વી પર લાવવાનું કામ સુથારે કર્યુ છે. જ્યારે વિશ્વકર્મા ઈન્દ્રપુરી બનાવી રહ્યા હતા ત્યારે એમને સુથારોની જરુર પડી. એટલે એમણે પૃથ્વી પરથી કેટલાક સુથારોને ત્યાં બોલાવ્યા. એ સુથારો સવારસાંજ વિશ્વકર્માને ત્યાં જમતા. વિશ્વકર્માનાં પત્ની એ સુથારોને રોજ સાંજે એક એક કેરી આપતાં ને એ લોકો ખાઈ રહે પછી ગણીને એટલા ગોટલા પાછા લઈ લેતાં. એક વાર એક સુથારે લાકડામાંથી બનાવટી ગોટલો બનાવ્યો અને અસલ ગોટલાની જગ્યાએ એ ગોટલો મૂકી દીધો. એણે વિશ્વકર્માનાં પત્ની સાથે આ રીતે છેતરપીંડી કરી. પછી, ઈન્દ્રપુરી બની ગઈ ત્યાર બાદ એ સુથારો પૃથ્વી પર પાછા આવ્યા. પેલો સુથાર સાથે કેરીનો ગોટલો લઈ આવેલો. એણે એ ગોટલો પૃથ્વી પર રોપ્યો. એમાંથી આ પૃથ્વી પરનો પહેલો આંબો ઊગ્યો. આ લોકકથા કે લોકમાન્યતાને પગલે જીતપુરાના આદિવાસી ખેડૂતો એમનો આંબો પહેલી વાર ફળે ત્યારે સુથારને, એટલે કે અમને, છ છકડું, એટલે કે છત્રીસ કેરીઓ આપતા. એને કારણે, કેરીની ઋતુમાં, અમારા ઝૂંપડામાં સુવા માટેની જગ્યા ન હતી રહેતી. અને કેરીઓ ખસેડીને સૂતાં.

આ ઝૂંપડી, અથવા તો એમ કહો કે આ ઘર અમારા માટે કાયમી ન હતું. એટલે અમે એમ તો ન જ કહી શકીએ કે અમે એક ઘર છોડીને બીજા ઘેર આવેલા. અમને બધાંને ખબર હતી કે અમે અહીં કાયમ માટે રહેવાનાં નથી. જો કે, ગામલોકોએ અમને ત્યાં રોકી રાખવાના બહુ પ્રયાસ કરેલા. એમણે બાપાને વીસ વીઘાં જમીન કોઈને પણ નહીં વેચવાની શરતે આપવાની વાત કરેલી. પણ, બાપા વતનમાં પાછા જવા માગતા હતા. વળી એ દરમિયાન કેટલીક કૌટુંબિક ઘટનાઓ પણ બની. મોટાભાઈ પરણ્યા અને એમણે જુદારો માગ્યો. એ આપવા અમારે પાછા વતનમાં આવવું પડ્યું. પછી અમે પાછાં ન ગયાં.

જીતપુરામાં અત્યારે કેટલા માણસોને ખબર હશે કે હું ત્રણ ચાર વરસ ત્યાં રહ્યો હતો એની મને ખબર નથી. પણ, ત્યારે મારી સાથે ભણતા ત્રણથી ચાર છોકરાઓનાં નામ  મને હજી યાદ છે. એમનાં ઘર પણ મને યાદ છે. જેમ અહીં અમેરિકામાં અમેરિકનો વાતવાતમાં F શબ્દ વાપરતા હોય છે એમ, એ ગામમાં સ્ત્રીઓ અને પુરુષો પણ ત્યારે
વાતવાતમાં F, પણ ગુજરાતીમાં, શબ્દો વાપરતી. શરૂઆતમાં મને એ જોઈને ખૂબ આઘાત લાગેલો. મેં એક વાર બાને કહેલું પણ ખરું અને બાએ વળતો જવાબ આપતાં કહેલું, “એ લોકો એમની બોલી બોલે, આપણે આપણી.” હું એ લોકો અને અમારી વચ્ચે આ F શબ્દના વપરાશના આધારે ભેદ પાડતો. ત્યારે જીતપુરામાં ડાકણોની વાતો પણ ખૂબ થતી. પણ, મારા બાપા ભૂવા હતા. કહેવાય છે કે એને કારણે ગામની ડાકણો ડરતી.

પાછાં ભરોડી આવ્યા પછી પણ અમારો જીતપુરા સાથેનો સબંધ ઘણાં વરસો સુધી સચવાઈ રહેલો. બા અને બાપા જીતપુરાના એકેએક માણસને એમનું સગુ માનતાં. જો ત્યાં કોઈનું અવસાન થતું તો એ લોકો અમને કાગળ લખીને જાણ કરતા.  એવા કાગળ પર લખેલું હોય: “લૂગડાં ઊતારીને વાંચજો.” જ્યારે પણ એવો કાગળ આવે ત્યારે બા એકલી સાડી વિંટાળીને નાહવાના પથરે બેસતાં અને પછી મને કહેતાં, “હવે કાગળ વાંચ.” હું કાગળ વાંચતો ને બા રડતાં. ક્યારેક પોકે પોકે, ક્યારેક ધ્રૂસકે ધ્રૂસકે. જો ખૂબ નજીકના ઓળખીતાનું અવસાન થયું હોય તો બા અને બાપા બન્ને લૌકીક ક્રિયા કરવા માટે જીતપુરા પણ જતાં.

હું જનમ્યો ત્યારે મારું ભરોડીમાં આવેલું ઘર ત્રણ ભાગમાં વહેચાયેલું હતું. એક ભાગ બેસવા સૂવાનો, બીજા ભાગમાં રસોડું અને ત્રીજામાં કોઢ. એક જમાનામાં બાપા પોતે  ખેતી કરતા. ત્યારે અમારે બે બળદ અને બે (કે કદાચ ત્રણ) ભેંસો પણ હતી. બાપા એમને કોઢમાં બાંધતા. હું ઘણી વાર બળદના ઘૂઘરા ગળે પહેરીને ગામમાં રમવા જતો. પછી તો બાપાએ બળદો વેચી નાખેલા અને ખેતી ભાગે આપવાનું શરૂ કરેલું. અમારા બેસવા સૂવાના ભાગ પાસે જ કોઢ. ક્યારેક મારો ખાટલો કોઢ પાસે નંખાતો. ઘણી વાર ભેંસ કોઢમાંથી માથું કાઢીને મારા હાથ કે પગ ચાટતી. ક્યારેક ભેંસો શીંગડાં ખીલા સાથે અથડાવતી. એને કારણે બધાંની ઊંઘ બગડતી. જો કે, બા અને બાપા તો ઘસઘસાટ ઊંઘી જતાં. રાવજી પટેલ એની એક કવિતામાં કહે છે એમ: “પંજેઠી જેવાં.” જ્યારે ભેંસ વેતરે આવે ત્યારે ઘરમાં જ નહીં, આખા ફળિયામાં જોવા જેવી થતી. ભેંસ એની sexual desireના એક ભાગ રૂપે ભાંભરતી અને બા જાણે કે ભેંસ ભાષા સમજતી ન હોય એમ એને કહેતાં, “મૂઈ ચૂપ રહે. સવારે પાડા પાસે લઈ જઈશું.”

ભરોડીના ઘરને મેડો હતો. મેડા પર બા એમનાં પેટીપટારાં વગેરે મૂકી રાખતાં. એમાંની એક પેટી મેં બા ન જાણે એમ અનેક વાર ખોલી છે. એ પેટીમાં કેટલાક ચોપડા હતા. રાતા રંગના. એમાં મારા દાદાએ, એટલે કે બાપાના બાપાએ, ગામમાં જેમને પૈસા ધીરેલા એમનાં નામ હતાં. એમાં એકબે નામ વીરપુરના વાણિયાઓનાં પણ હતાં. મને એ વાંચીને થતું કે ઓહ, મારા દાદા આટલા પૈસાદાર હતા!

ગામમાં એક પણ કુટુંબ પૈસાદાર ન હતું. એને કારણે અમને એવું ન’તું લાગતું કે અમે ગરીબ છીએ. ત્યારે નાવા ધોવાના સાબુ બા ઘેર બનાવતાં. એટલું જ નહીં, ધૂપેલ પણ ઘેર પાડતાં. ક્યારેક બા નજીકમાં આવેલા બાવળના જંગલમાંથી ઉશેરાં (જમીનમાંતી નીકળતો એક પ્રકારનો પાવડર) લઈ આવતાં. એ ઘણી વાર એના વડે અમારાં માથાં ધોતાં. ઉશેરાંનું પાણી અમારી આંખમાં જતું તો અમને પુષ્કળ લાય બળતી. ક્યારેક એ પાણી મોંઢામાં જતું તો ખારું લાગતું. પણ, બાની આગળ અમારું કોઈનું ચાલતું નહીં.

એ ઘરને એક વિશાળ વાડો હતો. એ વાડામાં બે ખાટી આંબલીનાં ઝાડ હતાં. હું અહીં અમેરિકા આવ્યો પછી અમારા પાડોશીએ એ અમારી જમીન છે એમ કહીને એ  વાડો લગભગ અડધોઅડધ પચાવી પાડ્યો છે. એમ કરવામાં કેટલાક સ્થાનિક માણસોએ પણ ટેકો આપ્યો. એમાં વળી કેટલાક તો ભણેલાગણેલા છે. એ લોકોને મારા માટે ઝાઝું માન નથી. કદાચ ઈર્ષ્યાને કારણે. બાકી અમારે કંઈ વહેંચવાનું નથી.

મોટાભાઈને જુદારો આપ્યો એ સાથે અમારા એ ઘરના બે ભાગ પડ્યા. મેં જીંદગીમાં પહેલી વાર ઘરના ભાગ પડતા જોયા. બાબાપુજીએ કૃપા કરીને ભાઈને ભાગે આવતું
હતું એના કરતાં વધારે જગ્યા આપી. એ સાથે કોઢવાળો ભાગ મોટાભાઈના ભાગે ગયો. પછી બાએ રસોડાની જગ્યાએ કોઢ બનાવી અને આગળ, અમે જ્યાં સૂતાં હતાં ત્યાં, રસોડું બનાવ્યું. એટલે કે ત્યાં ચૂલો નાખ્યો. હવે ઘર બે ભાગમાં. પહેલા ભાગમાં સૂવાનું, બેસવાનું, રાંધવાનું. બીજા ભાગમાં ભેંસો બાંધવાની.

કેટલાંક વરસો પછી વીરપુરના એક વાણિયાએ/વેપારીએ એક ઘર વેચવા કાઢ્યું. એ ઘર અમારા ફળિયામાં જ હતું. એક સુથારે એ ઘર એ વેપારીને ત્યાં ગિરો મૂકેલું. બા-બાપાએ એ ઘર ખરીદી લીધું. પછી, કોણ જાણે કેમ બા-બાપાને હું જ્યાં જન્મેલો એ ઘર અપશુનિયાળ લાગ્યું. એટલે એ અમને, બન્ને ભાઈઓને લઈને, નવા ઘરમાં રહેવા ગયાં. એ ઘર પણ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. આગળ ઓસરી, પછી સુવા-બેસવાનો ભાગ અને પછી રસોડું. એ ઘરને પણ લાંબો વાડો હતો. એ વાડાની એક વાડ પાસે અમારા એક પાડોશીનો પીપળો હતો. અમે ત્યારે એવું માનતા હતા કે એ પીપળાના થડમાં કાળભૈરવનું સ્થાનક છે. મારી ઘણી બધી કવિતાઓમાં એ પીપળાની અને એ કાળભૈરવની વાત આવે છે.

થોડાંક વરસો એ ઘરમાં રહ્યા પછી બાબાપુજી પાછાં મૂળ ઘરમાં પાછાં ગયાં. એમની સાથે હું પણ. એ ઘરમાં હું એસ.એસ.સી. સુધી રહ્યો. એ સમયગાળામાં મેં અનેક ચડતીપડતી જોઈ. એમાંની એક પડતીમાંથી બહાર આવવા બાપાએ ટાયરવાળા ગાડાં બનાવવાનું શરૂ કરેલું. એમણે ખેડૂતોને સમજાવેલા કે પરંપરાગત પૈડાવાળાં ગાડાં ખેંચવામાં બળદનો બહુ આપદા પડે છે. હું પણ એ ગાડાં બનાવવામાં બાપાને મદદ કરતો. ત્યારે ભણવું મારા માટે અને મારા કુટુંબ માટે પણ ગૌણ હતું.

બાપા કહેતા કે સમય મળે ત્યારે ભણજે. એ વારંવાર એક વાક્ય બોલતા: “આપણે ભણીને કાંઈ બેરીસ્ટર નથી થવાના.” ત્યારે મને ‘બેરીસ્ટર’ કોને કહેવાય એની ખબર ન હતી. જો કે, ચોપડીઓમાં ક્યાંક વાંચેલું કે ગાંધીજી બેરિસ્ટર હતા. મેં પણ ત્યારે નક્કી કરેલું કે આપણે ‘બેરિસ્ટર’ નથી થવું. એ ગાડાંના ધંધામાં બાપાને ખૂબ આર્થિક નુકસાન થયેલું. એ નુકસાન ભરપાઈ કરવા એમણે ખેતરમાં કૂવો ખોદવા લોન લીધેલી. એ કૂવામાં પથરા વધારે ને પાણી ઓછું આવ્યું. પથરા તોડવા બાપાએ ઘણી વાર એક સાથે વીસ વીસ સુરંગો મૂકવી પડતી. એને કારણે દેવું થઈ ગયેલું. એક દેવામાંથી બહાર આવવા બીજો ધંધો કરે ને એ ધંધો દેવું વધારે. આખરે અમારે એક ખેતર ગિરો મૂકવું પડેલું. જો કે, તો ય કૂવામાં પૂરતું પાણી નહોતું આવ્યું. આખરે બાપાએ બીજું ખેતર પર ગિરો મૂકેલું. એ દરમિયાન હું એસ.એસ.સી.માં પ્રથમ વર્ગમાં પાસ થયો. એથી મારું કુટુંબ ખૂબ દુ:ખી થઈ ગયેલું. કેમ કે એમની પાસે મને કોલેજમાં મોકલવાના પૈસા ન હતા. આખરે બાપા નજીકમાં આવેલા મુવાલ નામના એક ગામના એક કણબી પાસેથી ત્રણસો રૂપિયા લઈ આવેલા. એ ત્રણસો મારા હાથમાં મૂકતાં એમણે મને કહેલું કે આ પૈસા લઈને આણંદ જા. ત્યાં પ્રાથમિક શાળાના શિક્ષકની કોલેજ છે. એક વરસની. તું એક વરસમાં માસ્તર થઈ જઈશ.

હું એ પૈસા લઈને આણંદ જવાને બદલે મોડાસા ગયો. ત્યાં મેં આર્ટસમાં પ્રવેશ લીધો. એકાદ અઠવાડિયું આર્ટ્સ કર્યું હશે ત્યાં જ કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું, “કોમર્સ કર. નોકરી જલ્દી મળશે.” હું કોમર્સમાં ગયો.
ત્યારે હું હોસ્ટેલમાં રહેતો હતો. નાનકડી રૂમમાં અમે ત્રણ જણ હતા. હું ઘેરથી દશીવાળો સ્ટવ લઈ ગયેલો. હું એના પર ખીચડી બનાવતો ને દહી સાથે ખાતો. પાછળથી મેં હોસ્ટેલમાં ખાવાનું શરૂ કરેલું. હું ઘેર જતો ત્યારે બા મને દૂધથી બાંધેલા લોટના મરચામીઠાવાળા રોટલા આપતાં. હું એ રોટલા પર દસ દિવસ કાઢી નાખતો. એટલા દિવસનો મને કટ મળતો. એથી મારું ફૂડ બીલ પંચાસીને બદલે પાંસઠ રૂપિયા આવતું. બા દર મહિને સો રૂપિયા ક્યાંકથી લઈ આવતાં ને એમાંથી ઘર ચલાવવા વીસ રૂપિયા પોતે રાખી લેતાં અને બાકીના પંચાશી મને આપતાં. એમાંથી પાંસઠ હું ફૂડબીલના આપતો. એક તબક્કે શાહુકારોએ બાને/બાપાને પૈસા ધીરવાનું બંધ કર્યું. એમણે મને પાછો ઘેર બોલાવી લીધો. અને હું એક સેમેસ્ટરમાં જ કોલેજ પડતી મૂકીને ઘેર આવ્યો. બાપાએ કહ્યું: મારી સાથે આવ ને સુથારી કામ શીખી લે. મારી પાસે પણ એ સિવાય બીજા કોઈ વિકલ્પો ન હતા.

મોડાસા એ રીતે મારું ‘ઘર’ બન્યું. પણ માંડ ચાર પાંચ મહિના માટે જ. ત્યારે મારી પાસે પેન્ટ ન હતું. હું પટાવાળો લેંઘો પહેરીને કોલેજ જતો. જૂતાં પણ ન હતાં. હું ઉઘાડે પગે કોલેજ જતો. એકાદવાદ બાએ સ્થાનિક બજારમાંથી ચંપલ લઈ આપેલાં. ચામડાનાં. બાએ ચારપાંચ દિવસ સુધી એ ચંપલ દિવેલમાં બોળી રાખેલાં. તો પણ એ સુંવાળાં થયાં ન હતાં. હું પહેરતો તો એનાથી મારા પગ છોલાઈ જતા.

ઘેર પાછા આવ્યા પછી મેં ભણવાની ઈચ્છા છોડી દીધી હતી. જો કે, ત્યારે જો એસએસસીમાં સારા ટકા આવ્યા હોય તો તમને સરકારમાં ક્યાંક કારકુનની નોકરી મળી જતી. પણ, મારી ઉંમર ઓછી પડતી હતી. એથી જાહેરાતો આવતી તો પણ હું ક્યાંય અરજી કરી શકતો ન હતો.

એ દરમિયાન મારાં ફોઈનો છોકરો શંકરભાઈ અમારા ઘેર આવ્યા. એ ગોધરામાં ટેલિફોન ઓપરેટર હતા. એમને ત્યાં દીકરી આવેલી. એમણે મને કહ્યું કે તું ગોધરા ચાલ.
મારી દીકરીને રાખવામાં મદદ કરજે અને સમય મળે ત્યારે કોલેજ જજે. મેં એમની ઓફર સ્વીકારી લીધી. અને હું એમની સાથે ગોધરા ગયો. વતન ટ્રોય બન્યું.

શંકરભાઈ અને એમનાં પત્ની મહાલક્ષ્મીભાભીએ મને સારી રીતે રાખતાં હતાં. એમનું ઘર પણ ભાડાનું હતું. આગળ બેઠક રૂમ. વચ્ચે સુવાનો રૂમ અને છેલ્લે રસોડું. હું અને  એમની દીકરી આગળની રૂમમાં સૂતાં. મેં ત્યારે ગોધરાની કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવેલો. હું રહેતો હતો ત્યાંથી કોલેજ દૂર હતી. જો કે, શંકરભાઈએ મને એક સાયકલ લઈ આપી હતી. હું સાયકલ પર કોલેજ જતો. પણ જેવા ક્લાસ પૂરા થાય કે તરત જ પાછો ઘેર આવી જતો.

આખરે ત્યાં મેં મારું એક સેમેસ્ટર પૂરું કર્યું. હું પ્રિ-કોમર્સમાં થર્ડ ક્લાસમાં પાસ થયો. એ દરમિયાન ટેલિફોન ઓપરેટરની એક જાહેરાત આવી. મેં એના જવાબમાં અરજી કરી. મારે એસ.એસ.સી.માં ૬૨.૩% ટકા હતા. એ વરસે એ લોકોએ ૬૨% વાળા ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બોલાવેલા. હું લેખિત તથા મૌખિક ઈન્ટરવ્યુમાં પાસ થઈ ગયો. અને થોડાક વખતમાં જ એમણે મને અમદાવાદ બોલાવ્યો. ટેલિફોન ઓપરેટરની તાલિમ માટે.

ત્યાં, મેં આગળ નોંધ્યું છે એમ, હું નવરંગપુરામાં આવેલી વિશ્વકર્મા હોસ્ટેલમાં રહેતો હતો. ત્યાંથી અસારવામાં આવેલી મેન્ટલ હોસ્પિટલ પાસેના એક સંકુલમાં મારી તાલિમ ચાલતી હતી. હું મોટે ભાગે ચાલીને જતો ને ચાલીને આવતો. ત્યારે ત્યાં જવાના સીધા રસ્તા ન હતા. નવરંગપુરાથી મારી તાલિમનું કેન્દ્ર આશરે છ કે સાત માઈલ દૂર હશે. ત્યારે મને સો કે એકસો દસ રૂપિયાનું સ્ટાઈફંડ મળતું. એમાંથી મને એએમટીસ બસની ટિકિટ પરવડે એમ ન હતી. જો કે, અમદાવાદમાં હું ત્રણ જ મહિના રહેલો. ત્યાર પછી મારું પોસ્ટિંગ ગોધરા થયેલું અને પાછો હું ગોધરા આવેલો.

ગોધરામાં આરંભમાં હું શંકરભાઈના ત્યાં રોકાયેલો. પછી મેં એક નાનકડી ઓરડી ભાડે રાખેલી. હશે આશરે દસ બાય દસની. એમાં પણ મેં એક દશીવાળો સ્ટવ રાખેલો. હું રોજ ખીચડી બનાવતો ને દહીં સાથે ખાતો. બન્ને વાર. અને પૈસા બચાવતો. ત્યારે મારો ૭૮૧ રૂપિયા પગાર હતો. એમાંથી હું દર મહિને માબાપને ૫૦૦ રૂપિયા મોકલતો. કેમકે એમને ઘણું દેવું થઈ ગયેલું હતું. બાકીના ૨૭૧માંથી સો રૂપિયા ભાડાના જતા. બાકીના ખાવાપીવાના.

મેં ગોધરામાં ઘણા મિત્રો બનાવેલા. સૌ પહેલો મિત્ર કવિ -લેખક વિનોદ ગાંધી. પછી કવિ સુભાષ દેસાઈ અને દિનેશ ભટ્ટ. અમે અઠવાડિયામાં એકાદવાર ક્યાંક મળતા અને અમારી ઓછી અને બીજાની સાહિત્યિક કૃતિઓ વધારે વાંચતા. ત્યારે અમે હિન્દી કવિતાઓ પણ ખૂબ વાંચતા. એમાં ધૂમિલની અને દુષ્યન્તકુમારની કવિતાઓનો પણ સમાવેશ થતો. ત્યાં ગોધરામાં રહીને જ મેં અને વિનોદ ગાંધીએ ‘ઢંઢેરો’નામનું એક પતાકડું શરૂ કરેલું. પાછળથી મેં એકલા હાથે ‘Tension’ નામનું સામયિક કાઢેલું. એના ચારેક અંક કાઢ્યા હશે. ગોધરામાં એક પુસ્તકાલય- સ્ટુઅર્ટ પુસ્તકાલય- સારું હતું. એનો લાયબ્રેરીયન, મને હજી એમનો ચહેરો યાદ આવે છે, ઘણી વાર નિયમની ઉપરવટ જઈને મને એક સાથે છથી સાત પુસ્તકો વાંચવા આપતા. એ પહેલાં મેં કદી પણ સાહિત્યમાં કે ગુજરાતી ભાષામાં રસ લીધો ન હતો. નાનપણમાં તો કદી નહીં.

એ સમયગાળામાં જ મેં અંગ્રેજી સાહિત્ય પણ વાંચવાનું શરૂ કરેલું. હું ત્યારે સુરેશ જોષીને વાંચતો અને એમાં જે વિદેશી સાહિત્યકારોનાં નામો આવતાં એ સાહિત્યકારોનાં પુસ્તકો પુસ્તકાલયમાં હોય તો ઘેર લઈ આવતો અને વાંચતો. સુભાષ દેસાઈ ત્યારે પુસ્તકો ખરીદતા. એમને જોઈને હું પણ પુસ્તકો ખરીદવાના રવાડે ચડેલો.

મને બરાબર યાદ નથી પણ એ સમયગાળામાં જ અમેરિકન ચિન્તક ઇવાન ઇલિચ ગુજરાત આવેલા. એ પણ ગાંધીબાપુના આશ્રમની મુલાકાતે. મેં એમનું De-schooling Society નામનું પુસ્તક વાંચેલું. એનો મારા પર ખૂબ પ્રભાવ પડેલો. એટલો બધો કે એ પુસ્તક વાંચ્યા પછી મેં ન ભણવાનું નક્કી કરેલું. પણ, અમારી ઓફિસમાં એક વ્યાસબહેન હતાં. એમનું નામ હું ભૂલી ગયો છું. એમણે મારા માટે કાંઈક બીજું જ નક્કી કરેલું. એ મને ભણાવવા માગતાં હતાં. એક દિવસે એમણે મને કોલેજના ફીના પૈસા હાથમાં આપી કહ્યું, “તારે ભણવાનું છે. લે આ ફી.” હું એમને ના ન પાડી શક્યો. અને મેં ગોધરાની શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રવેશ લીધો. એ પણ ગુજરાતી મુખ્ય વિષય સાથે ને હિન્દી ગૌણ વિષય સાથે. પહેલા વરસે મેં એક પણ પાઠ્યપુસ્તક વાંચ્યું ન હતું. એને બદલે મેં પરીખ ઝાલાની ગાઈડો વાંચેલી. હું ક્લાસમાં પણ ખાસ જતો ન હતો. મને અધ્યાપકો ખૂબ કંટાળાજનક લાગતા. પણ જ્યારે મેં વાર્ષિક પરીક્ષા આપી ત્યારે મારે ૫૬ ટકા આવેલા. હું ખુશ થઈ ગયેલો. પાઠ્યપુસ્તકો વાંચ્યા વગર માર્કસ આવે એ કોને ન ગમે? એમ કરતાં મેં ગુજરાતી મુખ્ય વિષય સાથે ત્યાંથી બી.એ. કર્યું. ત્યારે મારો નાનો ભાઈ, ભીખો, પણ મારી સાથે રહેતો. ઘણી વાર એ પણ મારા માટે ખાવાનું બનાવતો.

મારી ભણવાની ધગશ જોઈને મારી સાથે નોકરી કરતા કેટલાક ટેલિફોન ઓપરેટરોએ મને એમ.એસ. યુનિ.માં સુરેશ જોષીના હાથ નીચે ભણવા જવા દબાણ કર્યું અને મેં એમ કર્યું. હું રાતે બારથી સવારના સાત નોકરી કરતો અને પછી સવારે નવ વાગ્યાની ટ્રેઈન લઈને વડોદરા જતો. ક્લાસમાં બેસતો અને સાંજે છ વાગે પાછો આવતો. એ દરમિયાન ટ્રેઈનમાં ઊંઘી લેતો. હોમવર્ક હું નોકરી પર હોઉં ત્યારે કરતો.

ત્યાં જ એક દિવસે મારા મકાનમાલિકે મને કહ્યું કે તમે મારું ઘર ખાલી કરશો કે નહીં કરો? ને મને ખૂબ લાગી આવ્યું. હું બીજા જ દિવસે એમનું ઘર ખાલી કરીને મારા એક મિત્ર, જયન્તિ પટેલના ત્યાં, રહેવા ગયો. એ પણ બીજા એક મિત્ર સાથે રહેતો હતો. ભાડાની રૂમમાં. જયન્તિ ત્યારે મારી સાથે ટેલિફોન ઓપરેટર હતો. એ પણ સાહિત્યનો જીવ હતો. ત્યારે હું, વિનોદ ગાંધી અને જયન્તિ પટેલ રોજે રોજ ક્યાંકને ક્યાંક બેસતા અને સાહિત્યની વાતો કરતા.

એકાદ વરસ જયન્તિ સાથે રહ્યા પછી મેં વડોદરા બદલી કરાવી. ત્યારે હું એમ.એ.ના બીજા વરસમાં હતો. વડોદરામાં, મેં અગાઉ નોંધ્યું છે એમ, મારે કોઈ સ્થાયી કહી  શકાય એવું ઘર ન હતું. મને વડોદરાનાં મકાનનાં ભાડાં પરવડે એવાં ન હતાં. મારે માબાપને પણ પૈસા મોકલવાના હતા.

વડોદરામાં હું, મેં આ લેખના આરંભમાં નોંધ્યું છે એમ, હોસ્ટેલોમાં અને મિત્રોના ત્યાં રહેતો. હું મોટે ભાગે રાતની નોકરી કરતો. ક્યારેક ટેલિફોન ઓફિસમાં જ પ્રાત:ક્રિયાઓ પરવારીને સવારે સાડા આઠે હંસા મહેતા પુસ્તકાલયમાં પહોંચી જતો. ત્યાં બેસીને વાંચતો. ક્યારેક સહેજ ઊંઘી પણ લેતો. ક્લાસ શરૂ થાય ત્યારે હું ક્લાસમાં જતો. ક્લાસ પૂરા થાય પછી પાછો હું પુસ્તકાલયમાં પહોંચી જતો. પછી રાતે બાર વાગે પાછો નોકરી પર જતો. ઘણી વાર હોસ્ટેલોના બાથરૂમમાં નાહી લેતો તો કોઈ પૂછતું નહીં. બેત્રણ મહિના હું આ રીતે ઘર વગર જ રહ્યો હોઈશ. ત્યાં જ એક મિત્રએ મને એની સાથે રહેવાની સગવડ આપી. એ પણ મારી જેમ જ ભણતો હતો. અર્જુનસિંહ એનું નામ. પછી અમે બન્ને બેએક વરસ સાથે રહ્યા. વચ્ચે વચ્ચે અમે ઘર બદલતા રહેલા. નહીં નહીં તો અમે ત્રણેક વાર ઘર બદલ્યું હશે. છેલ્લે, અમે એક દસ બાય દસની ઓરડીમાં સાથે રહેલા. એ ઓરડીના માલિકે અમને એક વાર કહેલું કે હું મહિનામાં એક જ વાર પેન વાપરું છું, પગાર લેતી વખતે.

વડોદરામાં રહીને મેં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું. એમાં મારો પહેલો નંબર આવેલો. મને ગોલ્ડ મેડલ પણ મળેલો પણ મેં નહોતો લીધો. એ દરમિયાન, રાજ્ય સરકારે એની શિક્ષણ નીતિ બદલેલી. એને કારણે પ્રિ. આર્ટ્સ, પ્રિ. કોમર્સ અને પ્રિ. સાયન્સ હાઈસ્કુલમાં ચાલ્યાં ગયેલાં. એથી ગુજરાતી વિષયના અધ્યાપકો ફાઝલ પડેલા. સરકાર જ્યાં સુધી એ ફાઝલ અધ્યાપકોને થાળે ન પડે ત્યાં સુધી કોઈ નવા અધ્યાપકોની નિમણૂંક કરવા માગતી ન હતી. એને કારણે મને કોઈ કોલેજમાં અધ્યાપકની નોકરી મળતી ન હતી. એથી મેં એ વખતે મેં, એમ કહોને કે ‘પાપી પેટ કે ખાતીર’ વધુ એક પ્રમાણપત્ર લેવાનું નક્કી કર્યું. એના એક ભાગ રૂપે મેં ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા કર્યો. એને કારણે મારી લાયકાતમાં એક ફૂમતું ઉમેરાયું. મને એમ હતું કે મને આ ફૂમતાને કારણે કદાચ ક્યાંક નોકરી મળી જશે. અને મને સંતરામપુરની આદિવાસી આર્ટ્સ એન્ડ
કોમર્સ કોલેજમાં અધ્યાપકની નોકરી મળી ગઈ. પણ, કાયમી તો નહીં. કોલેજ દર વર્ષે ગુજરાતીના ફાઝલ અધ્યાપકોને નોકરી પર આવવા આમંત્રણ આપતી અને મોટા
ભાગના અધ્યાપકો ના પાડતા. પછી એમની જગ્યાએ મને રાખવામાં આવતો. પણ, હવે હું આ પ્રકારની અસ્થિરતાથી ટેવાઈ ગયો હતો.

એ સાથે મેં ફરી એક વાર ‘ઘર’ બદલ્યું. હું સંતરામપુર ગયો. ત્યાં મને એક વિચિત્ર કહી શકાય એવી એક જગ્યાએ ઓરડી ભાડે. એ ઓરડીમાં જવા માટે મારે એક છાપરા
પર નાખેલાં પતરાં પર ચાલીને જવું પડતું. એથી અવાજ પણ આવતો. એને કારણે આડોશપાડોશને ખબર પડી જતી કે હું ઘેર છું કે બહાર. જો કે કોલેજ ત્યાંથી નજીક હતી. ચાલતાં જવાય એટલી નજીક. કોલેજનું પુસ્તકાલય પ્રમાણમાં ઠીક હતું. હું મારો મોટા ભાગનો સમય વાંચવામાં અને થોડોક સમય લખવામાં ગાળતો. એ વખતે મેં થોડાંક એકાંકી લખેલાં. એમાંનાં એક-બે ભજવાયેલાં પણ ખરાં.

સંતરામપુરમાં મારે આચાર્ય સાથે એકબે બાબતે મન ખાટું થયેલું. એટલે મેં બીજે નોકરી શોધવાનું ચાલુ રાખેલું. પરિણામે મને મુંબઈના વિલે પાર્લેમાં આવેલી મણીબેન
નાણાવટી કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી મળેલી. પછી સંતરામપુર મારા માટે ‘ટ્રોય’ બન્યું. હું એને છોડીને મુબંઈ ગયો.

મુંબઈ જતી વખતે મેં મારાં તમામ લખાણો ગોધરામાં મારા નાનાભાઈના ત્યાં એક કોથળામાં મૂકેલાં. મારો નાનો ભાઈ પણ ટેલિફોન ઓપરેટર બનેલો. પણ, એક વાર
ગોધરામાં ભારે વરસાદ પડ્યો. પરિણામે શહેરના નીચાણવાળા વિસ્તારમાં બધે પાણી ભરાયેલું. એ પાણીમાં એક સાપ તણાતો તણાતો નાનાભાઈના ઘરમાં, મેં જેમાં મારા લખાણો મૂકેલાં એ કોથળામાં, ઘૂસી ગયો. અને નાનાભાઈએ એ સાપને અને મારાં લખાણોને પણ નદીમાં પધરાવી દીધેલાં. એણે મને કહેલું: ભાઈ, સાપ બહુ મોટો હતો. એને કોથળામાંથી બહાર કાઢવાને બદલે મેં તો કોથળો જ પધરાવી દીધો પાણીમાં. ત્યાર પછી મેં કદી નાટક લખવાનો પ્રયાસ કર્યો નથી.

મુંબઈમાં હું શરૂઆતમાં ત્યારે ઘાટકોપરમાં રહેતાં સર્જક દંપતિ ભરત નાયક અને ગીતા નાયકને ત્યાં રહેલો. એમણે મારી ખૂબ કાળજી રાખેલી. બેત્રણ મહિના પછી હું
ત્યાંથી મલાડ રહેવા ગયેલો. એ ઘર પણ એમણે જ શોધી આપેલું. એમાં એમના એક વિદ્યાર્થી મુકેશે ચાવીરૂપ ભૂમિકા ભજવેલી. એ મકાન, જો મારી સ્મૃતિ મને દગો ન કરતી હોય તો, અંજલિ કિચનવેરના માલિકોનું હતું. ત્યાં હું કોઈ પણ ભાડું આપ્યા વિના છએક મહિના રહેલો. ત્યાર બાદ એમને ઘરની જરૂર પડી ને હું પાછો ત્યાંથી વિલે પાર્લેમાં, કોઈક મરાઠી નિવૃત્ત અધિકારીના ત્યાં, પેઈગ ગેસ્ટ તરીકે રહેવા ગયો. એ અધિકારી એકલા હતા. ખૂબ દારુ પીતા. મારી અને એમની વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત થતી. એ દારૂ પીવે ત્યારે મરાઠીમાં બોલતા અને હું દારૂ પીધા વગર ગુજરાતીમાં કે હિન્દીમાં ને ક્યારેક અંગ્રેજીમાં બોલતો. આમ તો એ અધિકારીએ મને ‘પેઈંગ ગેસ્ટ’ની કોટિમાં મૂકેલો પણ મારે ખાવાપીવાનું બહાર હતું. ખાલી સુવાનું જ ત્યાં.

ત્યાં જ, પાછી મારી નોકરી ગઈ. કેવળ ઓડિસિયસને જ નહીં, દરેક માણસને એક એક પોસોઈડોન મળતો હોય છે. એ તમને ક્યાંય સ્થિર ન થવા દે અને તમારા ગંતવ્ય સ્થાને પહોંચવા પણ ન દે. મારે પણ એવો એક દેવ હશે એવું મને લાગે છે. મને હજી ખબર નથી કે મારી નોકરી કેમ ગયેલી. કદાચ કેટલાક લોકોને હું વધારે પડતો ગામડિયો લાગતો હોઈશ. પણ, સત્તાવાર મને એમ કહેવામાં આવેલું કે સરકાર મારી નિમણૂંક મંજુર કરતી નથી. આ પોઝિશન સરકાર અનામત ઉમેદવાર માટે ખાલી રાખવા માગે છે. પણ, સાચે જ એવું ન હતું. મને ઊંડે ઊંડે વહેમ છે કે હું ત્યાં પહેલેથી જ અનિચ્છનિય હતો. મારો ઈન્ટરવ્યુ લેનારામાંના એક નિષ્ણાતે મારી પસંદગી ન થાય એ માટે મારા રસના ન હોય એવા ઘણા પ્રશ્નો પૂછેલા. કમનસીબે, એ નિષ્ણાત પાછા મારા મિત્ર પણ હતા.

મણીબેન નાણાવટીમાંથી નોકરી ગયા પછી પાછો હું બેકાર બની ગયો. હવે તો મારાથી ટેલિફોન ખાતામાં પણ પાછા જવાય એમ ન હતું. ત્યાં આધુનિકીકરણ શરૂ થઈ  ગયું હતું. એના એક ભાગ રૂપે, ટેલિફોન ખાતું વરિષ્ઠ કામદારોને સ્વેચ્છાએ નિવૃત્ત થવા માટે પ્રોત્સાહન આપી રહ્યું હતું.

યોગાનુયોગ, એ વખતે ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિ શરૂ થઈ રહી હતી. દાદરમાં કે દાદરની આસપાસમાં જ ક્યાંક એમની ઓફિસ હતી. ભરત નાયકે મને કહ્યું કે ત્યાં જા. એમણે એકબે પત્રકારોનાં નામ પણ આપેલાં. હું એમને મળ્યો. એમણે ચીફ સબ એડીટર શ્રી પાઠકને વાત કરી. પાઠક ખૂબ સજ્જન માણસ હતા. એમણે ગુજરાત સમાચારના માલિક શ્રેયાંસ શાહને વાત કરી. એમણે મને ઓફિસમાં બોલાવીને પૂછેલું, “અનુવાદ કરતાં આવડે છે?” મેં હા પાડેલી. બીજા દિવસે એમણે મારો ઈન્ટરવ્યુ ગોઠ્વયો. હું પાસ થઈ ગયો. અને ગુજરાત સમાચારે મને સબ એડીટરની નોકરી આપી. પગાર બારસો રૂપિયા. એ જ ગાળામાં મણીબેન નાણાવટીએ પણ મને પાર્ટ ટાઈમ કામ ચાલુ રાખવાનું કહ્યું. એમનો અને ગુજરાત સમાચાર બન્નેનો પગાર અધ્યાપકના પગાર કરતાં વધારે હતો. પણ, હવે મેં જીંદગીમાં બે નોકરીઓ કરવાનું શરૂ કર્યું.

ત્યારે હું અવારનવાર મુંબઈથી વડોદરા જતો. ખાસ કરીને સુરેશ જોષીને મળવા. એમને મળ્યા પછી હું મારા વતનમાં જતો. મારાં માબાપને મળવા. એક વાર સુરેશ જોષીએ કહ્યું કે તમે હવે વડોદરા પાછા આવતા રહો. એમણે મને લોકસત્તાના ત્યારના તંત્રી નવીન ચૌહાણ પર એક ચીઠ્ઠી લખી આપી. એમાં લખ્યું હતું: ‘બાબુભાઈ મારા
વિદ્યાર્થી હતા. જો એમને કોઈક નોકરી આપી શકાય તો સારું.’

ચૌહાણે એ ચીઠ્ઠી વાંચીને મને કહ્યું, “લોકસત્તામાં તો કોઈ જગ્યા નથી. પણ, વડોદરામાં ‘સંદેશ’ શરૂ થાય છે. ત્યાં જાઓ. એ લોકોને જરૂર છે.” હું કારેલી બાગમાં આવેલા ‘સંદેશ’ કાર્યાલયમાં ગયો. એ લોકોએ મારો ઈન્ટરવ્યુ લીધો અને મને મુંબઈ કરતાં ઓછો પગાર આપવાનું કહ્યું. મારે ગરજ હતી. મેં અગિયારસો રૂપિયાનો પગાર સ્વીકારી લીધો. અને પછી હું વાજતેગાજતે પાછો મુંબઈ છોડીને વડોદરા આવ્યો.

વડોદરામાં મારા મિત્ર અર્જુનસિંહ હતા જ. થોડો વખત હું એમની સાથે રહ્યો. પછી મેં મારી સ્વતંત્ર ઓરડી ભાડે કરી. એ દરમિયાન મેં ચારપાંચ ઠેકાણે ગુજરાતી વિષયના અધ્યાપક માટે અરજી કરી. પણ, મને ક્યાંય નોકરી ન મળી. એક દિવસે મેં વિચાર્યું: લાવ, હવે વધુ એક માસ્ટર ડીગ્રી લેવા દે. કદાચ એ કારણે મને કોઈક નોકરી મળી જાય.

એ દરમિયાન હું ભાષામાં વધુ રસ લેવા માંડ્યો હતો. પણ, મારો પહેલો પ્રેમ ભાષાની ફિલસૂફી હતો. બીજો પ્રેમ ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ. અર્થાત્, ભાષાશાસ્ત્ર. મેં ભાષાશાસ્ત્રમાં એમ.એ. કરવાનું નક્કી કર્યું. સુરેશ જોષીને એ ગમ્યું ન હતું. પણ, મારી પાસે બહુ ઓછા વિકલ્પો હતા.

મેં બે વરસમાં ભાષાશાસ્ત્રમાં એમ.એ. કર્યું. ત્યાર પછી મેં ધાર્યું હતું એવું થયું. મને એમ. એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં Teaching Assitantની નોકરી મળી
ગઈ.  હવે મારી પાસે બે નોકરીઓ થઈ. સવારે ભાષાશાસ્ત્ર ભણાવવાનું, સાંજે સંદેશમાં સબ-એડીટર તરીકે કામ કરવાનું. ત્યારે મારું અંગ્રેજી ખૂબ સારું ન હતું. મારા કરતાં મારા વિદ્યાર્થીઓ વધુ સારું અંગ્રેજી બોલતા હતા. હું ખૂબ જ ધ્યાનથી એમને સાંભળતો અને મારું અંગ્રેજી સુધારતો. મેં મારા વિદ્યાર્થીઓને એ રીતે મારા ગુરુ બનાવેલા. જો કે, મને ભાષાશાસ્ત્રની વાત અંગ્રેજીમાં કરવામાં ઝાઝી મુશ્કેલી ન હતી પડતી.

એ દરમિયાન મારા એક મિત્ર ઉપેન્દ્ર નાણાવટીએ એમની વગ વાપરીને મને યુનિવર્સિટી કેમ્પસને અડીને આવેલા પ્રતાપ ગંજના એક મકાનનું ખાલી ગરાજ ભાડે
અપાવડાવ્યું. એ ગરાજને બારણું ન હતું. દરવાજો હતો. ભાડું કેવળ સો રૂપિયા હતું. જાજરું બહાર હતું. મારું અને મકાનમાલિકના નોકરનું સહિયારું. બાથરૂમ અંદર, પણ, પતરાં જડીને બનાવેલો. ઉપરથી ખુલ્લો. મેં લોખંડનું એક ટેબલ જાતે બનાવીને એના પર દશીઓવાળો સ્ટવ રાખવાનું શરૂ કરેલું. એ મારું રસોડું હતું. હું સ્ટવ પર રાબેતા મુજબ ખીચડી બનાવતો. હવે એ મારું ઘર હતું. પણ પેલા ઓડિસિયસ જેવું નહીં. ત્યાં કોઈ રાહ જોનાર ન હતું. પેલા ઈનિઅસ જેવું. ચરણ રૂકે ત્યાં ન કાશી નહીં, ન મથુરા. પણ, ત્યાં ઘર. ઈસપના કાચબા જેવું.

હું ત્યાં રહેતો હતો ત્યારે સુરત પાસે આવેલા સાયણનાં રેખા પંચાલ સાથે મારું લગ્ન થયું. અમે બે વાર લગ્નમાં નિષ્ફળ ગયેલા અમારી જ જ્ઞાતિના એક સામાજિક કાર્યકરના મેરેજ બ્યૂરો દ્વારા મળેલાં. રેખાને માંસાહારી અને દારૂ પીતો છોકરો ન હતો જોઈતો. એને ભણેલો છોકરો જોઈતો હતો. એમાં હું ફૂલ્લી પાસ હતો.

પછી અમે બન્નેએ ગરાજમાં અમારો સંસાર શરૂ કર્યો. ત્યાં મારા દીકરા હેતુનો જન્મ થયો. ત્યાર પછી છએક મહિને અમારા મકાનમાલિકને અમારા પર દયા આવી. એથી એમણે અમને એમના મૂળ ઘરમાં એક બેડરૂમ રસોડું કાઢી આપ્યું. અમે ગરાજ છોડીને એ ઘરમાં રહેવા ગયાં.

ત્યાં બેએક વરસ રહ્યાં હોઈશું. એ દરમિયાન મને એમ. એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં અધ્યાપકની કાયમી નોકરી મળી ગઈ. એ પણ બે વાર નકારાયા પછી. અને એ સાથે હું અધ્યાપકોના ક્વાટર્સમાં રહેવાને લાયક બન્યો. મેં એ માટે અરજી કરી. અને મને યુનિવર્સિટીની નજીકમાં જ એક બેડરૂમ, એક બેઠક રૂમનો ફ્લેટ મળ્યો. ત્યાં છ – સાત મહિના રહ્યા હોઈશું ને મને યુનિવર્સિટીએ રસોડામાં પણ હાથી બાંધી શકાય એવડું મોટું ઘર રહેવા આપ્યું.

એ ઘરની એક જ મુશ્કેલી હતી. હું ત્યારે મિત્રોને મજાકમાં કહેતો: હું બે ages વચ્ચે રહું છું. એક તે leak-age અને બીજી તે seep-age. કેમ કે ચોમાસું આવતું ત્યારે એ ઘરમાં ઉપરથી leakage થતું ને નીચેથી seepage. સદનસીબે, હું નાનો હતો ત્યારે મારા ઘરમાં પણ leakage બહુ થતું. બા એની નીચે વાસણો મૂકી દેતી. અમે એમાં ટપકતા પાણીના અવાજને સાંભળતા સૂઈ જતા. એ યુક્તિ અને અનુભવ મને અહીં પણ કામ આવી ગયેલાં. એ માટે અમે સાતેક વાસણો રાખેલાં. ઘણી વાર અમારે એ સાતેય વાસણો વાપરવાં પડતાં. હું રેખાને કહેતો: જલતંરગ વાગે છે. એ ઘરમાં ગણપતિનાં વાહનો પણ ઘણાં હતાં. રાતે અમે સૂતા હોઈએ ત્યારે એ વાહનો વાસણની પાટલી પર દોડધામ કરી મૂકતાં. એને કારણે ઘણી વાર વાસણો પણ નીચે પડતાં. રેખા કહેતી કે હવે સવારે પાછાં મૂકીશ. જો કે, એ વાહનો સાથે કામ પાર પાડવામાં પણ મારા નાનપણના અનુભવો કામ લાગેલા. મારાં બા ઉંદરો સાથે લડવાને બદલે ઉંદરો સાથે ભાઈબંધી કરતાં. એ પાટલી પર વાસણો ખાસ્સાં ત્રાંસાં મૂકીને ઉંદરોને દોડવાની જગ્યા કરી આપતાં. એથી બહુ બહુ તો સવારે પાટલી પરથી ઉંદરની લીંડીઓ સાફ કરવી પડતી પણ વાસણો ખૂબ ઓછાં નીચે પડતાં. મેં રેખાને એ યુક્તિ અપનાવવાનું કહેલું. થોડીક કામ લાગેલી.

હવે હું એમ.એસ. યુનિ.માં સત્તાવાર કાયમી અધ્યાપક થઈ ગયો હતો. આ બાજુ મારા કુટુંબમાં પણ અનેક દુર્ઘટનાઓ બની ગયેલી. મારા નાનાભાઈએ પુષ્કળ દેવું કરી  નાખેલું. એમાં કેટલુંક દેવું મારા એક ઓળખીતાનું પણ હતું. એ દેવું ચૂકવવા અમારે એક ઘર, ભેંસ અને જમીન બધું જ વેચી દેવું પડેલું. બધી જમીન વેચતાં મારા ભાગે પંચોતર હજાર રૂપિયા આવેલા. એમાંથી મેં મારાં માબાપનું બધું જ દેવું ચૂકવી દીધેલું. મારા હાથમાં માંડ ચાલીસ હજાર બચેલા. અમે એ પૈસા રોકીને એક ઘર લેવાનું નક્કી કર્યું અને અમે ગરીબ લોકોના આવાસના એક કોર્નરમાં બે સ્ટુડીયો રાખી એ બન્નેને ભેળવી દઈ બે બેડરૂમ એક બાથરૂમનો એક એપાર્ટમેન્ટ ખરીદ્યો. એ વખતે નવી સોસાયટી બનતી હોય ત્યારે જે તે ડેવલેપરે અમુક મકાનો ગરીબો માટે રાખવાં પડતાં. જો કે, એમાંના બહુ ઓછાં ઘર ગરીબો પાસે જતાં. આ ઘર બીજા માળે હતું. એની નીચે દુકાનો હતી. હવે તો પહેલા માળે પણ દુકાનો અને ઓફિસો બની ગઈ છે. એ ઘર ખરીદતી વખતે ઘણા મિત્રોએ મદદ કરેલી. મેં મારી યામાહા મોટરબાઈક વેચી દીધેલી અને રેખાએ એનાં ઘરેણાં પણ વેચી દીધેલાં.

હું એ ઘરમાં માંડ બેએક વરસ રહ્યો હોઈશ ત્યાં જ મારે અમેરિકા આવવાનું થયું અને હું ૧૫મી ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ અમેરિકા આવ્યો. પહેલા ત્રણેક દિવસ હું મારા
પ્રોફેસર જ્યોર્જ કાર્ડોનાને ત્યાં રહેલો. પછી, હું એમણે મારા માટે લઈ રાખેલા એક એપાર્ટમેન્ટમાં રહેવા ગયેલો. પશ્ચિમ ફિલાડેલ્ફિયામાં આવેલો એ એપાર્ટમેન્ટ ત્રીજા માળે હતો. એમાં એક રસોડું અને એક અંધારિયો ઓરડો. ઓરડામાં બારી એક પણ નહીં. એમાં દિવસે પણ લાઈટ કરવું પડતું. રસોડામાં બે બાજુ બારીઓ હતી. ત્યાં દિવસે  લાઈટની જરૂર ન હતી પડતી. નસીબ જોગે રસોડું પેલા ઓરડા કરતાં મોટું હતું. એટલે એકબે દિવસ એ અંધારા ઓરડામાં રહ્યા પછી હું મકાનમાલિકને કહીને રસોડામાં રહેવા ચાલ્યો ગયેલો. અને પેલા ઓરડાને મેં સ્ટોર રૂમ બનાવેલો. એમાં મારાં બેગબિસ્તરા પડી રહેતાં.

આ એપાર્ટમેન્ટમાં હું હકીકતમાં તો પેટાભાડૂત હતો. મને ત્યારે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષા ભણાવવા પેટે મહિને અગિયારસો ડોલર વેતન મળતું હતું. જો કે, યુનિવર્સટીએ મારી ટ્યુશન ફી માફ કરેલી અને મને તથા મારા કુટુંબને એ લોકોએ મેડિકલ વીમો આપેલો. હું ઘરભાડા પેટે મહિને બસો ડોલર આપતો હતો. પણ મારાં ‘માલિકણની’ એક શરત હતી: મારે રસોડાનું બારણું હંમેશાં ખુલ્લું રાખવાનું. કેમ કે, એમની ચારપાંચ બિલાડીઓમાંની એકને રસોડાની એક બારીમાં બેસવાની ટેવ હતી! મને એની સામે વાંધો ન હતો. હકીકતમાં તો મારાં માલિકણને ત્યાં એક નાનકડું પ્રાણીસંગ્રહાલય કહી શકાય એટલાં પ્રાણીઓ હતાં. એમાં ચારેક બિલાડીઓ ઉપરાંત, બે કૂતરા, બેચાર સસલાં અને બીજાં બે ત્રણ – જેમનાં મને નામ મને ત્યારે સમજાયાં ન હતાં- પ્રાણીઓનો સમાવેશ થતો હતો. હું જ્યારે પણ યુનિવર્સિટીએ જવા નીકળતો ત્યારે મારી કમરે આવે એટલા ઊંચા બેએક કૂતરા મારી પાસે આવતા અને મને ચારે બાજુથી સૂંઘતા. મને એમનો ખૂબ ડર લાગતો હતો. પણ, હું કહી શકતો ન હતો. મને એમ કે જો હું એનાં કૂતરાં સામે ફરીયાદ કરીશ તો એ કદાચ મને કાઢી મૂકશે અને મારે વધારે ભાડાના મકાનમાં રહેવા જવું પડશે. હું યુનિવર્સટીથી પાછો ઘેર આવતો ત્યારે પણ પાછા એ બન્ને કૂતરા મારી પાસે આવતા ને મને ચારે બાજુથી સૂંઘતા. હું મનમાં મનમાં બોલતો: હું જે હતો એ જ છું. બદલાયો નથી.

આ એપાર્ટમેન્ટમાં હું એક વરસ રહ્યો. ત્યારે મારી પાસે કોમ્પ્યુટર કે એવું કશું હતું નહીં. હું ડાયનિંગ ટેબલ પર બેસીને વાંચતો. નોંધો તૈયાર કરતો. સાપ્તાહિક પરીક્ષા હોય તો હું આખી રાત ઉજાગરો કરીને પેપર તૈયાર કરતો અને પછી વહેલી સવારે સાતેક વાગે નીકળીને યુનિવર્સિટીએ જતો. ત્યાં મારી ઓફિસમાં બેસીને પેપર ટાઈપ કરતો.

બીજા વરસે મારાં પત્ની અને મારો દીકરો મારી સાથે રહેવા આવવાનાં હતાં. એટલે મારે બીજે ઘર લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. એટલે મેં હું જ્યાં રહેતો હતો એની
નજીકમાં જ એક રૂમ રસોડાનું એપાર્ટમેન્ટ લીધું. એમાં દીકરો બેઠક રૂમમાં સૂઈ જતો. જો કે, એને કારણે એને ઘણું સહન કરવું પડતું હતું. કેમ કે શાળામાં બીજા
વિદ્યાર્થીઓ એને પૂછતા તો એ પ્રામાણિક બનીને કહી દેતો કે ના, મારે મારો પોતાનો બેડરૂમ નથી. એક વાર એ ઘેર આવીને રડેલો પણ કરો. એ ઘરનું એક સુખ હતું.
ત્યાંથી મારી યુનિવર્સિટી બેએક માઈલ દૂર થતી. હું ક્યારેક ચાલતો. ક્યારેક ટ્રોલી લેતો. ઘેર આવતી વખતે મને મોટે ભાગે મારી યુનિવર્સિટીની બસ મળતી. હું એ બસ લેતો. દીકરાની સ્કૂલબસનું સ્ટેશન પણ નજીકમાં હતું.

એ વખતે અમે અમારું વડોદરાનું ઘર પણ બંધ રાખેલું. કેમ કે અમને એમ હતું કે હું પીએચડી પૂરું કર્યા પછી પાછો દેશમાં જઈશ અને ત્યાં જઈને “મારા જ્ઞાનનો લાભ”
બીજા લોકોને આપીશ. એ જમાનામાં જે લોકો અમેરિકા ભણવા આવતા એમાંના મોટા ભાગના એવી રંગદર્શી અને રાષ્ટ્રીયતાવાદી કલ્પના કરતા. હું પણ એમાંનો એક
હતો.

એ દરમિયાન, મેં અને રેખાએ વિચાર્યું કે દીકરાએ એની સાથે ભણતા વિદ્યાર્થીઓને એવું કહેવું પડે કે એની પાસે એનો બેડરૂમ નથી એ સારું ન કહેવાય. વળી અમારાથી દીકરાને એમ પણ કહેવાય એમ ન હતું કે તું જૂઠું બોલ. એટલે અમે બે બેડરૂમનું એપાર્ટમેન્ટ શોધવા માંડ્યું. હવે રેખા કામ કરતી હતી. વળી મારું વેતન પણ થોડુંક વધેલું. એટલે અમે થોડોક વધુ આર્થિક ભાર ખમવા માટે તૈયાર હતાં. એ દિવસોમાં પાછું મારા માથે મારાં માબાપની પણ જવાબદારી હતી. એમને દર મહિને નહીં તો દર બે
મહિને પૈસા મોકલવા પડતા. જેમ આજે માણસો કરતાં પૈસા વધારે સરળતાથી સીમાઓ ઓળંગે છે એવું ત્યારે ન હતું. એથી હું માબાપને ચેક મોકલતો અને માબાપ એ
ચેક એમના ખાતામાં જમા કરાવતાં. મેં એમને કહી રાખેલું કે તમારા ખાતામાં પાંત્રીસ હજાર રૂપિયાથી ઓછા પૈસા હોય તો મને તરત જ જાણ કરવી.

પછી અમે બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં. જો કે, એ ઘરમાં પણ રસોડામાં જવું હોય તો અમારે હેતુની રૂમમાં થઈને જવું પડતું. પણ, હવે હેતુને એક વાતનો
સંતોષ હતો કે એની પાસે પણ એનો પોતાનો બેડરૂમ છે, એ એના મિત્રોને એવું કહી પણ શકતો હતો.

આ બધાની વચ્ચે મેં પીએચ.ડી. પણ પૂરું કરી દીધેલું. હવે મને Teaching Assistantમાંથી લેક્ચરર બનાવવામાં આવ્યો હતો. હું અમેરિકા J-1 વિઝા પર આવેલો. જેથી મારાં પત્ની J-2 પર આવી શકે અને સત્તાવાર કામ કરી શકે. જો કે, J-1 વિઝામાં એક શરત હોય છે. કાં તો તમારે બે વરસ માટે તમારા દેશમાં પાછું જવું પડે, કાં તો તમારે ભારત સરકાર પાસેથી તમે અમેરિકામાં રોકાઈ જાઓ તો ભારત સરકારને એની સામે કોઈ વાંધો નથી એ મતલબનું ‘No Objection – ‘ના વાંધા’ પ્રમાણપત્ર મેળવવું પડે. આ બેમાંથી કોઈ એક શરતનું પાલન થાય તો જ તમને H-1 વિઝા મળે. મેં આમાંનો બીજો માર્ગ પસંદ કર્યો. ભારત સરકાર પાસેથી મેં ‘ ના વાંધા’ પ્રમાણપત્ર મેળવ્યું. એના આધારે મારી યુનિવર્સટીએ મારા H-1 વિઝા માટે અરજી કરી. મને એ વિઝા મળી પણ ગયા. પણ, ત્યારે જે લોકો આ વિઝા પર હોય એમનાં પત્ની કે એમના પતિને કામ કરવાની પરવાનગી મળતી ન હતી. એટલે મને H-1 વિઝા મળ્યા પછી મારાં પત્ની અને મારા દીકરાને H-4 વિઝા મળ્યા. હવે મારાં પત્ની કામ ન હતાં કરતાં. એને કારણે અમારી એક આવક બંધ થઈ ગયેલી. જો કે, કુલ આવક લગભગ સરખી રહેલી.

H-1 વિઝા મળતાં જ મેં ગ્રીન કાર્ડ માટે અરજી કરી. ત્યારે રાહ જોવાનો સમયગાળો ખૂબ લાંબો હતો. પણ, એમાં એક ફાયદો પણ હતો. એ અરજીના આધારે હું રેખા માટે કામ કરવાની પરવાનગી મેળવી શકતો હતો. એક દિવસે, રેખાએ કહ્યું કે હવે આપણે અહીં એક ઘર લઈ લઈએ. અમારી પાસે ડાઉન પેમેન્ટ કરી શકીએ એટલી બચત હતી. કોણ જાણે કેમ પણ હું ઘર લેવા તૈયાર ન હતો. મને થતું કે જો હું ઘર લઉં અને મને ગ્રીન કાર્ડ ન મળે તો હું શું કરીશ. પણ, રેખાએ તો નિર્ણય લઈ લીધેલો. ગમે તેમ થાય: ઘર ખરીદી લો. પાછળથી જોયું જશે. હવે હું થાકી પણ ગયો હતો. મને લાગતું હતું કે એક જીવનમાં કદાચ પાંચ છ જીવન એક સાથે જીવ્યો છું.

આખરે અમે ફિલાડેલ્ફિયાના ઉત્તર પૂર્વ વિભાગમાં એક ઘર પસંદ કર્યું. ત્રણ બેડરૂમ બે બાથરૂમનું. જો કે, નીચે બેઝમેન્ટમાં એક રૂમ હતો. જો ઘરમાં પાછળથી પ્રવેશ કરો તો સીધા બેઝમેન્ટમાં જવાય અને આગળથી પ્રવેશ કરતો તો બેઝમેન્ટમાં જવા એક દાદરો ઊતરવો પડે. આ ઘરનો નંબર હતો ૨૨૨૪. અમારા વડોદરાના ઘરનો નંબર ૨૨૩/૨૨૪ હતો. રેખાને થયું કે જેમ વડોદરાનું ઘર ફળ્યું એમ આપણને કદાચ આ ઘર પણ ફળે. મેં એની માન્યતાનો કોઈ વિરોધ ન હતો કર્યો. કેમ કે હું આવી બાબતોમાં વિવાદો નથી કરતો. મારા ઘરમાં હું અને મારો દીકરો બન્ને નાસ્તિક છીએ. પણ, અમારામાંથી એક પણ બીજા પર અમારા વિચારો લાદવામાં માનતું નથી.

અમે આ ઘર લેતાં તો લઈ નાખ્યું પણ પછી ખબર પડી કે આ ઘરમાં ઘણું બધું રીપેર કર્યા વિના નિરાંતે રહી શકાશે નહીં. એટલે અમે દસેક હજાર ડોલર વધારે ખર્ચીને ઘર રીપેર કરાવ્યું અને એમાં રહેવા આવ્યાં. જો કે, આ ઘર મારી યુનિવર્સિટીથી અને રેખાની કામ કરવાની જગ્યાથી ઘણું દૂર હતું. અમારે બન્નેએ એક બસ અને એક ટ્રેઈન  લેવી પડતી. પણ, હવે અમારી પાસે અમારું ઘર હતું. રેખાને એનો હરખ હતો. મને કોણ જાણે કેમ પણ એનાથી કોઈ હરખ થતો ન હતો. જો કે, મેં ઘર ખરીદતી વખતે એક વાત ધ્યાનમાં રાખેલી: લોનનો હપ્તો હું જેટલું ભાડું ભરતો હતો એના કરતાં વધારે ન આવવો જોઈએ. અને એમ જ કરેલું.

અમે માંડ છએક મહિના આ ઘરમાં રહ્યા હોઈશું ત્યાં જ એક દિવસે એક દુર્ઘટના બની. એ દિવસે મારો દીકરો ઘરમાં, એની રૂમમાં, હતો અને હું અને રેખા પન્ના નાયકના ઘેર જતાં હતાં. ત્યાં જ રસોડામાં શોર્ટ સર્કીટ થઈ અને ઘરમાં આગ લાગી. દીકરાનો ફોન આવ્યો: “પાછા આવો, ઘરમાં આગ લાગી છે.” અમે ઘેર પાછાં આવ્યાં ત્યારે ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ બધાંથી આખું ફળિયું ખીચોખીચ. અમે તરત જ સુચીબેનને/ગિરીશભાઈને ફોન કર્યો. એ લોકો પણ ક્યાંક ગયેલાં હતાં. પણ, એ તરતજ ત્યાંથી પાછાં આવી ગયાં. આગમાં રસોડું અને બેઠક રૂમ સાવ બળી ગયાં હતાં. મને એમ કે આગ હોલવાઈ જશે પછી બધું સાફ કરીને અમે રહેવા માંડીશું. એટલામાં ફાયરબ્રિગેડના માણસોએ અમને કહ્યું: તમે આમાં રહેવા ન જઈ શકો. તમારે બીજે વ્યવસ્થા કરવી પડશે.

એ દરમિયાન એક માણસ આવ્યો. એણે કહ્યું: હું public adjuster છું. હું તમારા વતી વીમા કંપની સાથે લડીશ અને ઘર પણ આખું રીપેર કરી આપીશ. પણ એ માટે હું પંદર હજાર ડોલર કમિશન લઈશ. મેં કદી પણ public adjusterનું નામ સરખું સાંભળ્યું ન હતું. ગિરીશભાઈને પણ કંઈ સમજાયું નહીં. પણ, અમે હા પાડી દીધી. અમે ઘરમાં મૂકી રાખેલા વીમાનાં કાગળિયાં શોધી લાવીને એને આપ્યાં. એણે કહ્યું, “આ વીમા કંપની ખૂબ સારી છે. તમારે ચિન્તા કરવાની જરૂર નથી.” એટલામાં Blue Crossના માણસો આવ્યા. એમણે અમને બસો ડોલરનું એક કાર્ડ આપ્યું અને કહ્યું કે તમે ખાવાપીવા માટે હમણાં આ કાર્ડ વાપરો. વધારે પૈસાની જરૂર પડશે તો અમે આપીશું અને અમે તમે બે કે ત્રણ દિવસ રહી શકો એ માટે સગવડ પણ કરી છે. પેલા Public Adjusterએ એમને કહ્યું કે અમારા રહેવાની સગવડ એ કરશે. મેં બસો ડોલરનું કાર્ડ લીધું પણ એમાંથી અમે એક પણ પૈસો વાપર્યો નહીં. કેમ કે, મારી પાસે વૈકલ્પિક વ્યવસ્થા હતી.

એટલામાં ઝરમર વરસાદ પડવા લાગ્યો. પેલા Public Adjusterએ અમને પાંચ હજાર ડોલરનો ચેક લખીને આપ્યો અને કહ્યું કે આ પૈસા તમે રાખો. વીમા કંપની પાસેથી પૈસા આવશે ત્યારે અમે આ પૈસા મજરે કાપી લઈશું. એટલું જ નહીં, એણે નજીકમાં જ આવેલી એક હોટલમાં અમારા માટે રહેવાની વ્યવસ્થા કરી. એણે કહ્યું કે હોટલમાં રહેવાનો ખર્ચ પણ વીમા કંપની જ આપશે. એણે ત્યાં બે રૂમ રાખેલી. એક અમારા માટે, બીજી અમારા દીકરા માટે.

અમે, ઘરમાં જે કંઈ કિમતી સામાન હતો એ લઈને હોટલમાં રહેવા ગયાં. સૌ પહેલાં તો અમારે નવાં કપડાં ખરીદવાનાં હતાં. કેમ કે ફાયર બ્રિગેડે ઘરમાં જે રસાયણો છાંટેલાં એ રસાયણોને કારણે અમારું એક પણ કપડું પહેરી શકાય એમ ન હતું. એ કપડાં અમારે એની ખાસ લોન્ડ્રી પાસે ધોવડાવવાં પડે. એ કામ પણ પેલા એડજસ્ટરે કરેલું. એણે કોઈક કંપનીને ફોન કરેલો અને એ કંપનીનો માણસ બધાં કપડાં લઈ ગયેલો.

ફાયરબ્રિગેડે ઘર સંપૂર્ણ બળી ન જાય, પોતાના માણસો ગૂંગળાઈ ન જાય અને પાડોશનાં ઘરોમાં આગ ન ફેલાય એ માટે અમારા ઘરની બધી બારીઓ તોડી નાખેલી. એ બારીઓ પર પણ પેલા પબ્લિક એડજસ્ટરે પાટિયાં મરાવી દીધેલાં અને અમને કહેલું કે તમારે છ મહિના બહાર રહેવું પડશે. એ દરમિયાન આપણે વીમા કંપની પાસેથી
પૈસા લઈને આ ઘર હતું એવું ને એવું બનાવી દઈશું. એ આગમાં મારાં બસો જેટલાં પુસ્તકો પણ બળી ગયેલાં અને બસો કે ત્રણસો DVD પણ બળી ગયેલી.

અમે બે અઠવાડિયાં હોટલમાં રહીને પાછા વીમા કંપનીએ આપેલા એક એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં. એ ઘર પણ બે બેડરૂમનું હતું. જો કે, રહેતાં હતાં ત્યાંથી એ થોડુંક દૂર
હતું. પણ, એનાથી અમને બહુ મોટો ફરક પડતો ન હતો.

હવે અરધું ઘર નવું બની રહ્યું હતું. બારીઓ બધ્ધી જ નવી નાખવામાં આવી હતી. ફ્લોર પણ નવો. રસોડું આખું ય નવું. એ દરમિયાન અમે નક્કી કર્યું કે આ તકનો લાભ
લઈને આપણે ઘરની ડિઝાઈન બદલીએ. આ બાબતમાં હું થોડો જાણકાર. એથી મેં એ લોકોને રસોડાની નવી ડિઝાઈન આપી. એમાં એરકન્ડીશનની પાઈપો હતી એ  ઢંકાઈ જાય એવી વ્યવસ્થા કરી અને ઘરને પાછળ બારણું ન હતું. ત્યાં અમે દરવાજો કરાવ્યો અને એક મોટો ડેક પણ બનાવડાવ્યો. એ ડેક પર હિંચકો રહી શકે, છ માણસનું ડાયનિંગ ટેબલ પણ રહી શકે અને દસેક માણસો આરામથી બેસી પણ શકે એવી વ્યવસ્થા પણ કરી. અમે વીમા કંપનીએ જે પૈસા આપેલા એમાં પાછા ખિસ્સાના પૈસા ઉમેર્યા. નીચે બેઝમેન્ટમાં એક બેડરૂમ હતો એ આખો નવો કરાવ્યો. તદ્ઉપરાંત, એક વધારાનો અરધો બાથરૂમ પણ બનાવડાવ્યો. હવે ઘર સાચે જ સુંદર લાગતું હતું. મેં રેખાને કહેલું કે આ ઘરનું નામ આપણે ‘અગ્નિકૃપા’ રાખવું જોઈએ.

પણ, એ શક્ય ન હતું. આગના બનાવના પગલે હું કશું કામ કરી શકતો ન હતો. હેતુની પણ એ જ સ્થિતિ હતી. રેખા કામ કરવા જતી. એનું કામ મોટે ભાગે યાંત્રિક હતું. એ એક સ્ટોર પર કામ કરતી હતી. એ દરમિયાન અમારી ગ્રીન કાર્ડની અરજીનો પણ અસ્વીકાર થયેલો. ઈમિગ્રેશન ઓફિસે કહેલું કે તમે વિદ્વાન છો એવું તમે સાબિત કરી  શક્યા નથી. એ લોકોએ મને બે પ્રશ્નો પૂછેલા. મારા સંશોધનનો ગુજરાતે કે બીજા કોઈએ લાભ લીધો છે ખરો? અને તમારી વિદ્વતાનો યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સિવાય બીજી કોઈ યુનિવર્સિટિએ ઉપયોગ કર્યો છે ખરો? દેખીતી રીતે જ, મારો શોધનિબંધ તો મેં હમણાં પૂરો કર્યો હતો. હજી લોકોને એની ખબર પણ ન હતી. વળી ગુજરાતની વાત પણ અલગ હતી. પણ મારે અત્યારે એની વાત નથી કરવી. મેં ગ્રીન કાર્ડની અરજીનો અસ્વીકાર થયાની વાત બેએક અઠવાડિયાં છુપાવી રાખેલી. રેખા હજી આગના આઘાતમાંથી બહાર આવી ન હતી. મારે એને વધારે આઘાત આપવા ન હતા.

પછી અમે અમારા ઘરમાં પાછાં આવ્યાં. એ દરમિયાન મારાં માતાપિતાનું અવસાન થયું. પહેલાં બા ગયાં, પછી બાપુજી. વચ્ચે બે કે ત્રણ મહિનાનો સમય રહ્યો. હું પણ  ઇમિગ્રેશનના પ્રશ્નોને કારણે એ ઘટનાઓ બની ત્યારે ઘેર જઈ શકું એમ ન હતો. તમે એક વાર ગ્રીન કાર્ડ માટે અરજી કરો પછી તમારે પ્રવાસ કરવો હોય તો એ માટે પરવાનગી લેવી પડે. એ પરવાનગી મંજુર થતાં થોડો સમય વીતી જાય. આમેય તમે વતન છોડો પછી તમે તમારા વતનને તમારી પીઠ પર જ રાખી શકો. ઈનિઅસની જેમ એના બાપને રાખતો હતો એમ. મારાં માબાપ ભલે ગયાં પણ એ બન્ને મારી પીઠ પર જ હતાં. આજે પણ છે. આજે પણ ક્યારેક થતું હોય છે: બહુ દિવસથી બાને ફોન નથી કર્યો. પચી યાદ આવે કે બા તો ક્યારનાંય ઉપર ચાલ્યાં ગયાં છે.

આ બધી ઘટનાઓ બની રહી હતી ત્યારે અમેરિકામાં ભાષાસ્થિતિ પણ બદલાઈ રહી હતી. ૯/૧૧ને કારણે મોટા ભાગની યુનિવર્સિટીના દક્ષિણ એશિયા વિભાગોએ ભાષા પર ભાર મૂકવાને બદલે ધર્મ પર ભાર મૂકવાનો શરૂ કરેલો. અમેરિકન સરકારે વિદેશી ભાષાઓને ત્રણ વર્ગમાં વહેંચી નાખી છે. એમાંના પહેલા વર્ગમાં અમેરિકાની સુરક્ષા માટેની ભાષાઓ આવે. દેખીતી રીતે હિન્દી, ઉર્દુ, બંગાળી અને પંજાબી ભાષાઓ એ વર્ગમાં આવતી હતી. બીજા વર્ગમાં વિદ્વતાની ભાષાઓ આવે. એમાં તમિલ ભાષાનો સમાવેશ થતો હતો. જો કે, એ ભાષા પહેલા વર્ગમાં પણ આવતી હતી. કેમ કે ત્યારે શ્રીલંકામાં તમિલ ઉગ્રવાદ હતો. ત્રીજા વર્ગમાં સંસ્કૃતિની દૃષ્ટિએ મહત્ત્વની ભાષાઓનો સમાવેશ થતો હતો. એમાં ગુજરાતી ભાષાનો સમાવેશ થતો હતો. યુનિવર્સિટીઓ ત્યારે પહેલા વર્ગની ભાષાઓના અભ્યાસમાં રોકાણ કરતી. એમ કરતાં જો પૈસા બચે તો એ પૈસા બીજા વર્ગની ભાષાઓ પાછળ રોકતી. અને એમ કરતાં પણ પૈસા બચે તો એ પૈસા એ ત્રીજા વર્ગની ભાષાઓ પાછળ વાપરતી. હું અને મારા એક તમિલ મિત્ર
ત્રીજા વર્ગની ભાષાઓને ‘ગૃહીણી શિક્ષકો’ની ભાષાઓ’ તરીકે ઓળખાવતા. કેમ કે, એ ભાષાઓ મોટે ભાગે, જેમની પાસે ભાષાની કોઈ ડીગ્રી ન હોય, પણ એ ભાષા જાણતી હોય, એવી ગૃહીણીઓ જ ભણાવતી હતી. એમને માથા દીઠ પગાર મળતો.

એ જ અરસામાં અમેરિકામાં સ્પેનિશ અને ચીની ભાષાનો પણ વિસ્તાર થયો. એટલે સુધી કે અમેરિકાએ મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં પણ સ્પેનિશ ભાષા
શીખવવાનું શરૂ કરેલું. એને કારણે ગુજરાતી ભણનારા વિદ્યાર્થીઓ પણ ઓછા થઈ ગયેલા. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ત્યારે એવો નિયમ હતો (કદાચ આજે પણ હશે) કે દરેક વિદ્યાર્થીએ અંગ્રેજી ઉપરાંત બીજી એક ભાષા શીખવાની. ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી લેતા. પણ, હવે એ લોકો પ્રાથમિક શાળામાંથી જ સ્પેનિશ ભણીને આવતા હતા એટલે યુનિવર્સિટીમાં આવીને સ્પેનિશ ભાષાનો placement test લઈ એ જરૂરિયાત પૂરી કરતા. એ દરમિયાન, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના એન્જિનિયરીંગ, મેડિકલ વગેરે વિભાગે વધારાની ભાષા શીખવાની નીતિ બદલી નાખી. એ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ હવે અંગ્રેજી ઉપરાંત બીજી ભાષા શીખવાની ન રહી.

આ બધાના કારણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી વિદ્યાર્થીઓ ઘટ્યા અને એનું એક પરિણામ એ આવ્યું કે મારી નોકરી ગઈ. યુનિવર્સિટીએ ગુજરાતી  પ્રોગ્રામ બંધ કર્યો. જો કે, એમાં પણ રાજકારણ હતું. મને લાગે છે કે એ રાજકારણની ચર્ચા અહીં અસ્થાને હોવાથી મારે એની ચર્ચા ન કરવી જોઈએ. પણ, હું ફરી એક વાર બેકાર બન્યો. અમેરિકામાં બીજી કોઈ યુનિવર્સિટીઓ ગુજરાતી ભાષા ભણાવતી ન હતી. મારી પાસે સિનેમાની ડીગ્રી પણ હતી. ખાલી મારો માસ્ટર શોધનિબંધ બાકી
હતો. પણ, હું હવે ભાષાશાસ્ત્ર કે સિનેમા પણ ભણાવી શકું એમ ન હતો. કેમકે મારા પર ભાષાના અધ્યાપકનો સિક્કો વાગી ગયો હતો. એ પણ ગુજરાતી ભાષાના
અધ્યાપકનો. એટલે મને કોઈ હિન્દી પણ ભણાવવા ન આપે. અમેરિકન શિક્ષણ વ્યવસ્થા આ બધી બાબતોમાં ક્રૂર છે. જો કે, નોકરી ગઈ એ પહેલાં, મારા સારા નસીબે, મારું ગ્રીન કાર્ડ થઈ ગયેલું. તે પણ મારા જોરે. યુનિવર્સિટીએ મારી ગ્રીન કાર્ડની અરજીને ટેકો આપેલો પણ એ લોકોએ મારું ગ્રીન કાર્ડ સ્પોન્સર નહોતું કર્યું.

નોકરી ગયા પછી મારો ઘર સાથેનો સંબંધ બદલાઈ ગયો હતો. મને હવે ઘર ભાર રૂપ લાગવા માંડ્યું હતું. મને થતું કે હું મારા ઘરનો ભાર ઘરમાં પણ ઊંચકીને ફરી રહ્યો છું. બીજા શબ્દોમાં કહું તો હું મારા ઘર સાથે જોડાઈ શકતો ન હતો. ફિલસૂફ હાઈડેગરે ભાષાને beingના ઘર તરીકે ઓળખાવી છે. હું ઘણી વાર ઘરને ભાષા તરીકે ઓળખાવતો. પણ, હવે એ ભાષા મને પારકી લાગતી હતી. હું એ ભાષામાં મારી જાતને બરાબર ગોઠવી શકતો ન હતો. હજી કોઈ બીજી નોકરી મળતી ન હતી. યુનિવર્સિટિઓમાં નોકરી મળવાની તો કોઈ શક્યતાઓ ન હતી. મેં કહ્યું એમ, હું જે ગુજરાતી ભાષાને કારણે અમેરિકા આવેલો એ જ ભાષાનો મારા પર મારવામાં આવેલો સિક્કો મને નડતો હતો. મેં ઘણા પ્રયત્નો કર્યા. હવે હું કોઈ પણ પ્રકારની નોકરી લેવા તૈયાર હતો. હું હોટલોમાં ગયો, મોટલોમાં ગયો, વૃદ્ધોને સાચવવા માટેની સંસ્થાઓમાં પણ ગયો. કેમ કે હું ત્યારે એવું માનવા લાગેલો કે હવે એકબે દિવસમાં હું પણ વૃદ્ધ થઈ જઈશ. આખરે મને એકબે ઠેકાણે નાનુંમોટું કામ મળ્યું. મને ગુજરાતી સ્પેલ ચેકરના એક પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી. જો કે, એ પ્રોજેક્ટ પછી પૂરો ન થયો. એની સમાન્તરે મને ટીવી એશિયામાં સાપ્તાહિક ન્યૂઝ લેટર તૈયાર કરવાનું કામ મળ્યું. આભાર રામભાઈ ગઢવીનો અને એચ. આર. શાહનો. મારી સામે બે સવાલો હતા. પહેલો સવાલ ટકી રહેવાનો હતો અને બીજો સવાલ તે મેં જે કંઈ સામ્રાજ્ય ઊભું કરેલું એ સામ્રાજ્યને ટકાવી રાખવાનો. એ દરમિયાન દીકરાએ પણ નર્સની ડીગ્રી લઈને કામ શરૂ કરી દીધેલું. મારા મિત્ર સુઘોષ મજમુદાર પણ હવે અમારી સાથે રહેતા હતા અને અમારી કેટલીક આર્થિક બાબતોમાં સહભાગી થતા હતા.

એ દરમિયાન, મને અને રેખાને કેલિફોર્નિયાના બે વિસ્તારમાં આવેલા પાલો આલ્ટોમાં સત્તાણું વરસના હરિકૃષ્ણ મજમુંદારની, ઊર્ફે દાદાની, કાળજી લેવાનું કામ મળ્યું. એ વખતે હું ટીવી એશિયાનું કામ પણ કરતો હતો. એચ. આર. શાહે મને કહ્યું કે હું પાલો આલ્ટોમાં રહીને કામ કરું તો વાંધો નહીં. પાલો આલ્ટોમાં મારે અને મારાં પત્નીએ દાદા સાથે રહેવાનું હતું. રેખા અને હું ફિલાડેલ્ફિયામાં રહીને જે કમાણી કરતાં હતાં એના કરતાં ત્યાં કમાણી વધારે હતી. અને બીજું, ત્યાં અમે કેલિફોર્નિયા રાજ્યના કર્મચારી તરીકે કામ કરવાના હતા. એથી અમને આરોગ્ય વીમો પણ રાજ્ય સરકાર આપતી હતી. દેખીતી રીતે જ, ત્યાં બચત પણ વધારે હતી. અમારે રહેવા તથા ખાવાપીવા પાછળ કોઈ ખર્ચ કરવાનો ન હતો.

રેખા મને કહેતી કે તું પાંસઠનો થાય ત્યાં સુધી આપણે ચિન્તા કરવાની છે. પછી તો તને આરોગ્યનો વીમો મળશે. સાચું કહું તો ત્યારથી હું પણ ક્યારે પાંસઠનો થઈશ એની રાહ જોવા લાગેલો. લોકો વૃદ્ધ ન બનવાનો સંઘર્ષ કરતા હોય છે. હું હવે વૃદ્ધ બનવા માટે સંઘર્ષ કરવા લાગેલો. એ દરમિયાન, અમેરિકાની ફેડરલ સરકારે અમારા જેવા,
સિનિયરો અને દર્દીઓની સાથે રહીને એમની સેવા કરતા માણસો માટે એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો. એમણે રાજ્ય સરકારના પગાર પર આવકવેરો નહીં ભરવાનો. એને કારણે પણ અમારી આર્થિક સ્થિતિ હવે સુધરેલી. હું હવે ત્રણ ઠેકાણે કામ કરતો હતો. પણ, બધાં જ કામ ઘેરબેઠાં. એને કારણે મને એવું ન હતું લાગતું કે હું બહુ કામ
કરું છું.

પાલો આલ્ટોમાં અમે દાદા સાથે પેરેન્ટ્સ ક્વાટરમાં રહેતાં હતાં. બધાં એને કુટિર કહેતાં. મને વારંવાર જીતપુરાની ઝૂંપડી યાદ આવી જતી. અમને એ કુટિર ખૂબ ગમતી  હતી. વડોદરાના પેલા ગરાજ પછી કદાચ અમે આ કુટિરમાં વધારે સુખી હતાં. હું રોજ સવારે દાદા સાથે દસ હજાર ડગલાં ચાલવા જતો. દાદા સમાજસેવક હતા. એ લોકોની ભાતભાતની સમસ્યાઓ ઉકેલતા. એને કારણે મને પણ સિનિયર માણસોને અને ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીયોને જોવાની જરા જુદી જ દૃષ્ટિ મળેલી. મને દાદાની સેવા કરતાં સમજાયેલું કે વૃદ્ધાવસ્થા શાપ નથી. એ પણ એક લહાવો હોય છે. મને એક ટેવ છે. હું જે કામ કરું એ વિષય પરનાં પુસ્તકો વાંચું. એ ટેવ પ્રમાણે મેં એ વખતે વૃદ્ધાવસ્થા પર ઢગલાબંધ પુસ્તકો વાંચેલાં. એને કારણે વૃદ્ધોની જે ટેવો યુવાનોને નથી ગમતી એ ટેવો મને વિશિષ્ટ લાગવા માંડી હતી. જ્યારે કોઈ અમને એમ કહેતું કે વૃદ્ધો બાળકો જેવા હોય છે ત્યારે અમે એમને કહેતાં કે ના, વૃદ્ધો વૃદ્ધો જેવા હોય છે. એમને બાળકો ગણીને એમનું અપમાન ન કરવું જોઈએ.

દાદાની કુટીર આમ જુઓ તો એક બગીચાની અંદર હતી. ચારે બાજુ ભાતભાતનાં વૃક્ષો. એમાં સફરજનનાં વૃક્ષો પણ ખરાં ને ગુવાપાઈનેપલનાં વૃક્ષો પણ ખરાં. કુટિરથી
મુખ્ય બજાર પણ નજીકમાં. ચાલતાં જવાય એટલું. આશરે દોઢેક માઈલ દૂર સ્ટેનફર્ડ યુનિવર્સિટી હતી. જો કે, હવે મારો યુનિવર્સિટીઓ પરત્વેનો પ્રેમ ઓછો થવા લાગ્યો  હતો. મને સતત એમ લાગતું હતું કે યુનિવર્સિટીઓ ભલે માનવતાવાદ ભણાવતી હોય પણ માનવ થવા માટે જ્ઞાનને બદલે માનવસેવા કરવાની જરૂર છે. એટલે જ તો ગાંધીયુગના ગુજરાતમાં આપણને કેટલા બધા માનવસેવકો મળ્યા હતા! દાદાની કાળજી લેતાં મને અમેરિકા આવેલા ભારતીયોની ભાતભાતની કથાઓ સાંભળવા મળતી. એ કથાઓમાં આવતી વ્યથાઓ વિશે જાણીને મને થતું કે હાશ, હું બચી ગયો છું. જો મારા જીવનમાં આવી ઘટનાઓ બની હોત તો મારું શું થાત?

દાદા સાથે અમારું બીજું વરસ પૂરું થવાની તૈયારીમાં હતું ત્યાં જ દાદાનું અવસાન થયું. અમે ફરી એક વાર પાછાં બેકાર બન્યાં. પણ, હવે અમારામાં વાસ્તવિકતાનો
સામનો કરવાની હિમત આવી ગઈ હતી. મારાં પત્નીએ દાદાની સેવા કરતાં કરતાં મદદનીશ નર્સનું લાયસન્સ પણ લીધેલું. એને નોકરીની કોઈ અછત ન હતી. સવાલ કેવળ મારો હતો.

દાદાના અવસાન પછી અમે પાછા ફિલાડેલ્ફિયા આવવાનું નક્કી કર્યું. આમ જુઓ તો અમે એ નિર્ણયથી ખૂબ ખુશ હતાં. અમે આખરે અમારા ઘેર આવવાનાં હતાં.
અમારી હાલત હવે પેલા ઓડિસિયસ જેવી હતી. જેમ વહાણમાં પ્રવાસ કરતાં કરતાં ઓડિસ્યુસને એનું ઘર દેખાતું હતું એમ અમને પણ હરતાંફરતાં અમારું ઘર દેખાતું હતું.

પણ, ત્યાં જ પાછું એક તોફાન આવ્યું. અમને બન્નેને આલ્ઝાઈમેરથી પીડાતાં એક માજીની સેવા કરવાનું કામ મળ્યું. એ કામનું વેતન પણ કેલિફોર્નિયા રાજ્ય આપવાનું હતું. એને કારણે અમને બન્નેને રાજ્ય તરફથી આરોગ્ય વીમો મળવાનો હતો. હજી હું પાંસઠનો થયો ન હતો અને મને ખબર હતી કે એ માટે હું ગમે એટલી ઉતાવળ કરું, હું પાંસઠ વરસે જ પાંસઠ વરસનો થઈશ. એટલે મને આરોગ્ય વીમાની ખાસ જરૂર હતી. વળી મેં ભાષાવિજ્ઞાનના ભાગ રૂપે આલ્ઝાઈમેરનો અભ્યાસ કર્યો હતો. પણ, મેં એ રોગના દર્દીઓ જોયા ન હતા. મને એમની સાથે કામ કરવાનો કોઈ અનુભવ ન હતો. મારે એ અનુભવ લેવો હતો. મને થતું કે જેની પાસે સ્મૃતિ ન હોય, અથવા તો સાવ ટૂંકી સ્મૃતિ હોય, એ માણસ કઈ રીતે જીવતો હશે! આખરે અમે એ નોકરી સ્વીકારી અને અમે પાલો આલ્ટોની નજીકમાં જ આવેલા ફ્રિમોન્ટ શહેરમાં રહેવા અથવા તો એમ કહો ને કે કામ કરવા ગયાં. ત્યાં અમારા માટે, પાલો આલ્ટોમાં હતી એવી અલગ કુટિર ન હતી. અમારે અમારા દર્દીનાં કુટુંબીઓ સાથે રહેવાનું હતું. રેખાએ રાતદિવસ અને મારે દિવસે દર્દી સાથે રહેવાનું હતું. મારું કામ રેખાને મદદ કરવાનું અને દર્દીને વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવાનું હતું. એમ કરતાં જે સમય બચે એ સમય દરમિયાન હું વાંચતો, લખતો, ફિલ્મો જોતો.

અમે ફ્રિમોન્ટમાં લગભગ સાડા ત્રણ વરસ રહ્યાં. અમને એમ હતું કે અમારાં દર્દી બહુ લાબું નહીં ટકે. પણ, એવું ન બન્યું.

આ સમય દરમિયાન અમે ઘણું શીખ્યાં. દર્દી પાસેથી, એમનાં કુટુંબીઓ પાસેથી, દર્દીના દાક્તરો પાસેથી. મેં પણ મારી ટેવ પ્રમાણે આ વરસો દરમિયાન આાલ્ઝાઈમેર
પરનાં નહીં નહીં તો પચાસેક પુસ્તકો વાંચ્યાં હશે. હું સમજવા માગતો હતો મારાં દર્દીને, એમના રોગને, એમની વ્યથાને. સ્મૃતિના અભાવે અમારાં દર્દી હસતાં તો પણ મને એમાં અપાર પીડા દેખાતી. અમે પણ એમની સાથે હસતાં. પણ, અમારા હાસ્યનો એક ખૂણો હંમેશાં ઉદાસીમાં બોળાયેલો રહેતો.

આ વરસો દરમિયાન મેં ઘણું વિચાર્યું. મારા વિશે, બીજા લોકો વિશે, વૃદ્ધાવસ્થા વિશે, આલ્ઝાઈમેર વિશે, ઈશ્વર વિશે, મારી હવે લગભગ નકામી થઈ ગયેલી ડીગ્રીઓ વિશે.  મને હવે આઈ વી લીગમાંથી પીએચડીની ડીગ્રી મેળવવાનું કોઈ ગર્વ થતું ન હતું. મારો જીવન પરત્વેનો અભિગમ હવે ઘણો બધો બદલાઈ ગયો હતો. એથી જ તો હું નાસ્તિક હોવા છતાં, મેં એક દિવસે, ખૂબ જ લાગણીશીલ બનીને, ઈશ્વરનો આભાર માનતાં કહેલું કે જો મારી નોકરી ન ગઈ હોત તો મારો અન્ત અમાનવીય શિક્ષણ વ્યવસ્થાના પ્રાણીસંગ્રહાલયમાં જ આવત. આભાર ઈશ્વર, હવે હું માણસાઈને વધારે સારી રીતે સમજી શકું છું.

એ દરમિયાન, હું પાંસઠનો થયો. નંદ ઘેર આનંદ ભયો. મેં આરોગ્યના વીમા માટે અરજી કરી. મને વીમો મળી ગયો. એથી કેવળ મને જ નહીં, રેખાને પણ રાહત થઈ. એક દિવસ રેખાએ મને કહ્યું પણ ખરું કે હવે હું કોઈક સ્ટોર પર કામ કરીશ તો પણ આપણે શાન્તિથી રહી શકીશું. અમે બન્ને, કોણ જાણે કેમ, પહેલેથી જ મહત્વાકાંક્ષી ન હતાં. હું બધાંને કહેતો કે હું અમેરિકા મિલિયોનર થવા નથી આવ્યો. હું જ્ઞાન મેળવવા આવ્યો છું. હું આજે પણ એ જ કામ કરું છું. અઢળક વાંચું છું. અઢળક વિચારું છું.

ફ્રિમોન્ટમાં અમારું ચોથું વરસ પૂરું થવાની તૈયારી હતી, ત્યાં જ અમારાં દર્દીનું અવસાન થયું. આલ્ઝાઈમેરના દર્દીની સેવા કરવામાં એક મુશ્કેલી પડતી હોય છે. આપણે એવા દર્દીને અઢળક પ્રેમ આપવો પડે. એ પ્રેમ એને સલામતિ આપે. એને જીવવા માટેનું કારણ પૂરું પાડે. અમે એ કામ કરેલું. પણ, એ પ્રેમ સાચુકલો ન હોવો જોઈએ. નાટક હોવો જોઈએ. અમે શરૂઆતમાં દર્દીને પ્રેમ આપવાનું નાટક કરતાં. અમે અમારી નોકરીના ભાગ રૂપે એમને પ્રેમ આપતાં. પણ, ક્યારેક કોઈક નાટક લાંબું ચાલે તો એ વાસ્તવિકતા બની જાય. અમારા કેસમાં પણ એવું બની ગયું. અમારું અમારા દર્દીને પ્રેમ કરવાનું નાટક એક વાસ્તવિકતા બની ગયું. અમે એ ઘટના જાહેરમાં વ્યક્ત ન કરી પણ અમારાં દર્દી ગયાં એ સાથે જ અમને લાગ્યું કે અમારા જીવનનું એક અંગ કપાઈ ગયું છે. જો કે, એમ થવાનું જ હતું. આમેય એમની ઉમર સત્તાણું વરસની હતી. પણ, એ હાલતાં, ચાલતાં, વાતો કરતાં, ગીતો ગાતાં. અને હા, ક્યારેક અમે પણ ખડખડાટ હસી પડીએ એવી મજાક પણ કરતાં.

અમારા એ દર્દીના ગયા પછી બીજા કે ત્રીજા જ દિવસે અમે ત્યાંથી નીકળી ગયાં. હવે હું અને રેખા પાછાં ઓડિસિયસની ભૂમિકામાં આવી ગયેલાં. હવે અમે ફિલાડેલ્ફિયા, અમારા ઘેર, પાછા આવવા તૈયારી કરવા લાગ્યાં હતાં. પણ, અમે નીકળીએ એ પહેલાં જ એક ઓફર આવી. એ ઓફરમાં રેખાએ એક તાજા જ જન્મેલા બાળકની કાળજી રાખવાની હતી અને મારે એમાં રેખાને મદદ કરવાની હતી. અમે બન્ને એક બાબતે નસીબદાર હતાં. જે કોઈ અમને કામની ઓફર કરતું એ એમ કહેતું કે તમે બન્ને અમારા ત્યાં સાથે રહો તો જ અમે તમને નોકરીએ રાખીએ. જો કે, આ ઓફરમાં એક શરત એ હતી કે પહેલાં રેખા ત્યાં કામ કરવા જાય. પછી હું. કેમ કે જેમણે આ ઓફર કરેલી
એમનું ઘર હજી બની રહ્યું હતું. એ ઘર બને એ પહેલાં બાળકનો જન્મ થવાનો હતો. અમે એ કામ માટે હા પાડી. કેમ કે, એમાં મને એક આડકતરો લાભ થવાનો હતો. અમે જે બાળકની કાળજી રાખવાનાં હતાં એનાં માબાપે રેખાને કહેલું કે તમારે અમારા બાળકને દ્વિભાષી બનાવવાનું છે. એટલે કે અમારે એ બાળક સાથે ગુજરાતીમાં વ્યવહાર કરવાનો છે. આ પણ એક ભાષાવૈજ્ઞાનિક કામ હતું. હું પણ હવે બાળકો દ્વિભાષી કઈ રીતે બનતાં હોય છે એ સમજવા માગતો હતો. પણ, હજી અમારે ત્રણ મહિના પછી એ કામ શરૂ કરવાનું હતું. મેં અને રેખાએ એ ત્રણ મહિના આરામ કરવાનું નક્કી કર્યું. વળી એ ત્રણ મહિના દરમિયાન દીકરાનું લગ્ન પણ લેવાનું હતું.

આખરે અમે અમારો મોટા ભાગનો સામાન ફિલાડેલ્ફિયા મોકલી આપ્યો. કેટલોક પાલો આલ્ટોમાં રાખ્યો. ત્યાંથી હું ડ્રાઈવ કરીને એડીનબર્ગ, ટેક્સાસમાં રહેતા મારા  દીકરાને ત્યાં જવા માગતો હતો. અને ત્યાંથી હું ફરી એક વાર ડ્રાઈવ કરીને ફિલાડેલ્ફિયા આવવા માગતો હતો. પણ, રેખા ડ્રાઈવ કરવા માટે ના પાડતી હતી. એથી અમે
હવાઈ માર્ગે એડીનબર્ગ ગયાં. દીકરાને ત્યાં. ત્યાં એકાદ મહિનો રહ્યાં ને પછી ત્યાંથી ઘેર, એટલે કે ફિલાડેલ્ફિયા, આવ્યાં. અમે પાંચ વરસ પછી ઘેર આવેલાં. એથી
શરૂઆતમાં અમારા ઘરમાં અમે અમને અજાણ્યાં લાગતાં. ઘરની વસ્તુઓ જાણે કે અમારાથી રિસાઈ ગઈ ન હોય એવી ઉદાસ લાગતી.

હવે અમે ઘેર હતાં. અમારા પોતાના ઘેર, ‘અગ્નિકૃપા’માં. પણ, અમે કામ કરતાં ન હતાં. એને કારણે થોડાક જ વખતમાં અમે કંટાળવા લાગેલાં. આખી જિંદગી કામ કર્યા પછી બે દિવસ આરામના મળે તો ગમે. પણ ત્રણ મહિના આરામ મળે તો ન ગમે. અમને એવું લાગવા માંડેલું કે અમે અમારા પર બોજો બની ગયાં છીએ.

એમ કરતાં દીકરાનું લગ્ન આવી ગયું. એ, મેં કહ્યું છે એમ, રહેતો હતો ટેક્સાસના એડીનબર્ગમાં, પણ એ પરણવાનો હતો ડેનવરમાં. પાછાં અમે ડેનવર ગયાં. એનું લગ્ન થઈ ગયું. પછી એક માળામાં રહેતાં ચાર પંખીઓ ત્રણ અલગ અલગ દિશાઓમાં ગયાં. દીકરો અને એની બહુ એડીનબર્ગ પાછાં ગયાં. રેખા પેલા બાળકની કાળજી રાખવા કેલિફોર્નિયાના વેસ્ટ હોલીવુડ ગઈ. હું ફિલાડેલ્ફિયા આવ્યો. કેમ કે, જેણે અમને કામની ઓફર કરી છે એમનું ઘર હજી બની રહ્યું છે. અત્યારે એક કુટુમ્બના ત્રણ સભ્ય અમેરિકાના ત્રણ અલગ અલગ શહેરોમાં વસે છે.

ગુફાવાસી મનુષ્ય કાં તો એની ગુફામાં મરતો, કાં તો ગુફાની બહાર. એક ફ્રેંચ ફિલસૂફ Philippe Aries કહે છે એમ આધુનિક જમાનામાં બહુ ઓછા લોકો પોતાના ઘરમાં, પોતાના સ્વજનોની હાજરીમાં મરતા હોય છે. મોટા ભાગના લોકો કાં તો દવાખાનામાં કે દવાખાને જતા માર્ગે મરતા હોય છે. એ પણ દાક્તર, નર્સ વગેરેની હાજરીમાં. હવે ઘરની વિભાવના પણ બદલાવા માંડી છે. માણસ બહુ ઓછું પોતાના ઘરમાં રહેતો હોય છે. અથવા તો એમ કહો કે હવે માણસ પેલી ઇસપની બોધકથામાં આવતા કાચબા જેવો બની ગયો છે. એ હંમેશાં પોતાનું ઘર પોતાની પીઠ પર લઈને ફરતો હોય છે.

ઘણી વાર મને લાગે છે કે આપણામાંના ઘણા બધા કદાચ એ શાપિત કાચબાનાં સંતાનો છીએ. આપણે સતત આપણું ઘર આપણી સાથે લઈને ફરતા હોઈએ છીએ. હવે ધરતીનો છેડો ઘર નથી રહ્યું. હવે ધરતી છેડા વગરની થઈ ગઈ છે. એથી જ્યાં ધામા નાખ્યા ત્યાં ઘર. અથવા તો, જ્યાં કામ મળ્યું ત્યાં ઘર. હવે કામ મહત્ત્વનું છે. ઘર ગૌણ. મુક્ત અર્થતંત્રએ હવે ઘરનું મૂલ્ય બદલી નાખ્યું છે. હું પણ ફિલાડેલ્ફિયામાં બેઠો બેઠો રાહ જોઈ રહ્યો છું. કદાચ ઓગસ્ટમાં, કે સપ્ટેમ્બરમાં, હું ફરી એક વાર આ નગરને ટ્રોય ગણીને એને ત્યજીને ચાલ્યો જઈશ. મારું ઘર અહીં, ફિલાડેલ્ફિયામાં હશે, અને હું બીજે. કેવળ છોડ કે વૃક્ષો જ પૃથ્વી સાથે સંબંધ રાખે છે. પ્રાણીઓ નહીં. પ્રાણીઓ હંમેશાં ફરતાં રહેતાં હોય છે. અથવા તો એમ કહો કે પ્રાણીઓ કદી પણ પૃથ્વીને વફાદાર રહેતાં નથી. હું પણ એક એવું પ્રાણી જ છું. હું ઇસપનો પેલો કાચબો છું. આ કથા એ કાચબાની કથા છે.

 

 

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. Babubhai very intersting. Specifically some part of narration fits to my life. Like – No shoes etc.