“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૪) ~ લેખકઃ ડૉ. કમલેશ લુલ્લા ~ સંપાદકઃ રેખા સિંઘલ

ડો. કમલેશ લુલ્લા
જન્મઃ વડોદરા,વર્ષ, ૧૯૪૮. વિજ્ઞાન શાખામાં સ્પેસ સાયન્સના રિસર્ચ સ્કોલર. ડબલ પીએચ.ડી., અમેરિકા આગમનઃ ૧૯૭૮. હાલ ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં. પ્રવૃત્તઃ નાસા સેન્ટરમાં સ્પેસ શટલ પ્રોગ્રામમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે. નાસામાં 3૪ વર્ષ પૂરા કર્યા છે. તેઓ “Space Journal’ના ચીફ એડિટર છે અને દુનિયાના ૮૫ થી વધુ દેશોમા આ Journalનું, પ્રસારણ કરી રહ્યા છે. તેમના ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક સંશોધન માટે એકસોથી વધુ મેડલ અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે. ભારત સરકારે ૨૦૧૫માં “Most Prestigious NRI Pravasi Bharatiya Award and Medal” થી ડો. કમલેશ લુલ્લાને નવાજ્યા હતા. આ એવોર્ડ પદ્મવિભુષણની હરોળમા મૂકી શકાય એટલી ઉચ્ચ કક્ષાનો છે. અને તે ભારતના Vice President ના વરદ હસ્તે આપવામા આવ્યો હતો.
ડો. લુલ્લા અત્યાર સુધીમા ૨૦૦ થી વધારે Research Publication અને ૮ પુસ્તકોનુ સંપાદન કરી ચૂક્યા છે. છેલ્લું પુસ્તક “Wings on Orbit” એક અમૂલ્ય ખજાના રૂપે ‘વ્હાઈટ હાઉસ’ની લાઈબ્રેરીમા મુકવામા આવ્યું છે.
વિજ્ઞાન અને કલાની યાત્રા – લેખકઃ ડૉ. કમલેશ લુલ્લા
વિદેશ આગમન પૂર્વે…
ગુજરાતના જાણીતા વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પીટલમાં મારો જન્મ થયો હતો. માતપિતાનું હું ૮મું સંતાન. કુટુંબ સાધારણ, મધ્યમ આર્થિક સ્થિતિનું, કુલ સાત ભાઈઓ અને બે બહેનો. પ્રારંભિક જીવન ખંડેરાવ માર્કેટ પાસે, કલા ભવન અને દાંડિયા બજાર પાસેની કાછીયા પોળમાં વીત્યં હતું. બાળપણમાં હું દિવસ દરમિયાન સ્થાનિક શાળામાં જતો અને સાંજ પ્રો.માણેકરાવની વ્યાયામશાળા (અખાડા)માં પસાર કરતો હતો.. ત્યાં ઉમદા રાજા છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિઓ, લોકમાન્ય ટિળક, વીર સાવરકર, સુભાષ બોઝ અને ભગતસિંહ જેવા અન્ય મહાન દેશભક્તોના ફોટાઓ સતત મારી નજર સામે જોવા મળતા.
માતપિતા કદી પરિવારની નબળી દશા વિશે અમને વાત ન કરે પરંતુ આસપાસના લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, દાદાજીના અકાળે મૃત્યુ પછી પિતાજી પર નાની ઉંમરમાં જવાબદારી આવી પડી હતી અને દસ્તાવેજીના અભાવે, ભાગીદારોએ ધંધાપાણીમાં છેતરપીંડી કરી. પરિણામે આર્થિક રીતે પરિસ્થિતિ ઘસાતી ચાલી. મારા જન્મ સમયે માત્ર એક જ બેડરુમવાળા ભાડાના મકાનમાં અમારું બહોળું કુટુંબ રહેતું હતું.
માતા ઘણાં મહેનતુ હતાં. તેથી પિતાજીની હાડમારીના સમય દરમ્યાન એક યા બીજી રીતે આર્થિક રીતે સહાયરૂપ થતાં. પરિવારની દૈનિક જવાબદારીઓ ઉપરાંત પોતાની સીવણકળાના હુન્નરને અને પોતાની કોઠાસૂઝને કામે લગાડી ઘરગથ્થું કામો કરી કરીને ઘણી મદદ કરતાં રહેતાં હતાં. તે ઉપરાંત સંતાનોને સારું શિક્ષણ આપવાની તેમની નેમ હતી. તેથી ઘરમાં શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં તત્પર રહેતાં. જેમ શિવાજીની માતા જીજાબાઈએ નિર્ભય બનવા અને જીવનમાં લક્ષ્ય હાંસલ કરવાની પ્રેરણા આપી હતી, તેમ માતાએ મને નિર્ભય બનવા, સમર્પિત બનવા અને ઊંચા સપનાને સાકાર કરવા જ્ઞાન મેળવવાની પ્રેરણા આપી હતી! મોટી બહેન તારાબહેને પણ શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ સાધવાની પ્રેરણા આપી હતી..
મોટા ભાઈ પ્રો. ગુરુજી હરિગોવિંદ લુલ્લા તો મારા માર્ગદર્શક અને ગુરુ હતા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના આદર્શોના પ્રચારમાં સામેલ હતા. તેથી આગલી પેઢીના આ બધા મહાન નેતાઓનો પ્રભાવ મન પર સતત રહ્યા કરતો..
હું હંમેશાં કહેતો રહું છું કે, મેં બે પીએચડીની ડીગ્રી મેળવી, એક માતા માટે અને બીજી પોતાને માટે!
પરિવારનો મોટો આધાર નારી ઉપર હોય છે અને જેમનાં વિચારો ઉમદા હોય છે તેમને કોઈ વિઘ્નો નડતાં નથી હોતાં. એ રીતે આર્થિક વિટંબણાઓની વચ્ચે પણ અમે બધાં જ ભાઈબહેન ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા. મોટાભાઈ અને બહેન તો પીએચડી થઈ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પોતપોતાના ક્ષેત્રમાં પ્રોફેસર તરીકે પણ જોડાયાં. મેં પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ free education આપતી શાળાઓમાં કર્યો.
સમગ્ર અભ્યાસકાળ દરમ્યાન મોટાભાઈનો ફાળો નોંધપાત્ર બની રહ્યો. મોટાભાઈ અંગ્રેજી વિષયના કોલેજ લેવલના પ્રોફેસર હતા અને ગ્રામર શીખવતા. રોજના ૫૦૦ થી ૬૦૦ પાનાં (અંગ્રેજી પુસ્તકોનાં) વાંચવાનો આગ્રહ રખાવતા. તેથી યુનિવર્સિટીની લાયબ્રેરીમાં જઈને તો વાંચતા જ, પણ પુસ્તકો ઘેર લાવીને પણ તે વાંચતા. દર અઠવાડિયે અંગ્રેજી પાકું કરાવતા. તે પછી લેખનનું ‘હોમવર્ક’ આપતા.
આ સંદર્ભમાં એક મઝાનો અને યાદગાર પ્રસંગ યાદ આવે છે અને ચહેરા પર હાસ્ય છવાઈ જાય છે. જ્યારે હું ૧૧માં ધોરણમાં વિદ્યાર્થી હતો ત્યારે મારા ભાઈ, મારા ગુરુ અને શિક્ષક શ્રી હરિગોવિંદ લુલ્લાએ મને અંગ્રેજીમાં (વિષય તરીકે ભાષા) ૧૦૦ નિબંધો લખવાનો પડકાર ફેંક્યો હતો. આ પડકાર મારી વિચાર શક્તિને ચકાસવા, મારી લેખનશક્તિને તાગવા, સહનશક્તિ કેળવવા અને સર્જનાત્મક ગદ્ય કંપોઝ કરવાની મારી ક્ષમતાને તપાસવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. એ પડકારને પહોંચી વળવા હું આખી રાત જાગતો રહ્યો. પહેલા મેં ૧૦૦ વિષયોની યાદી બનાવી કે ક્યા વિષયો પર મારે નિબંધો લખવા.. બીજું, મેં આ નિબંધમાં કઈ મુખ્ય થીમ્સ/સામગ્રી આવરી લેવી છે તેની વિગતવાર રૂપરેખા તૈયાર કરી.. ત્રીજું મેં સંબંધિત વિષયો અને મુદ્દાઓને એકસાથે સંકલિત કરીને પછી મારી સૂચિને પ્રાથમિકતા આપી. માતા સ્વ. શ્રીમતી દેવીબાઈએ પ્રેમથી તૈયાર કરાયેલા ચાના ઘણા કપ સાથે આખી રાત જાગ્યો અને છેવટે હું ૨૪ કલાકમાં ૧૦૦ નિબંધ લખી શક્યો! આ અનુભવે મને આખી જિંદગી મારી વરિષ્ઠ વૈજ્ઞાનિક અને નેતૃત્વની સ્થિતિમાં મદદ કરી છે!
આ રીતે શાળાના અભ્યાસ ઉપરાંત ઘરમાંથી જ વાંચન અને લેખનના પાઠ મળતા રહ્યા હતા, અને તેમાંથી જ વિચારશક્તિ, એકાગ્રતા, લેખનકલા વગેરેનું શિક્ષણ મળતું ગયું. તે સમયે ખૂબ મુશ્કેલીઓ અનુભવાતી હતી, પણ તેને જ કારણે જુદી જુદી ભાષાઓમાં અને વિષયોમાં રસ પડવા માંડ્યો. આજે અંગ્રેજી ઉપરાંત ઘણી ભારતીય ભાષાઓ બોલી શકવાનો આનંદ મળે છે. – ઉદાહરણ તરીકે ગુજરાતી, હિન્દી, કચ્છી, મરાઠી, પંજાબી, ઉર્દૂ. Really, it was a real training of critical thinking and systematic writing on any subject.
વડોદરાની સંસ્કાર નગરીમાં ઉછરી રહેલા યુવાકિશોર તરીકે ત્યારે મને, પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના મધુર અવાજમાં કૃષ્ણકથા અને ભગવદકથા સાંભળવાની તક મળી હતી. તે ઉપરાંત પ્રતિભાશાળી રામ ભગત પાસેથી સાંજની રામકથા સાંભળવાનો લહાવો પણ મળ્યો હતો. આ પ્રેરણાદાયી વક્તાઓની છટા અને અસરકારક વક્તવ્યને કારણે જાહેરમાં કેવી રીતે નિર્ભયપણે બોલવું તે શીખવાનું મળ્યું.
માધ્યમિક શાળાના ગુજરાતીના શિક્ષકે મને ગુજરાતી સાહિત્ય તરફ દોરવણી આપી,. તે ઉપરાંત, હાઈસ્કૂલના વર્ષો દરમિયાન, એક પ્રેમાળ પરંતુ કડક શિક્ષક- શ્રી ભાનુભાઈ કે.વૈદ્ય મળ્યા. તેમણે પણ ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ જગાડ્યો. તેમણે મહાકવિ પ્રેમાનંદના જીવન અને તેમની કવિતાઓ પરનાં પુસ્તકો આપ્યાં, કલાપી અને મેઘાણી સાથે પરિચય કરાવ્યો. ગુજરાતી ભાષા પ્રત્યેના મારા પ્રેમે, વિજ્ઞાનમાં અદ્યતન ડીગ્રી હોવા છતાં સાહિત્ય સાથે સંકળાયેલા રહેવાની પ્રેરણા આપી. તે સમયે પ્રેમાનંદ, કલાપી, સુંદરમ, પ્રિતમ વગેરેની કવિતાઓમાં ખૂબ રસ પડતો. તેમની કવિતાના શબ્દો મનમાં પડઘાયા કરતા હતા.
બીજી તરફ સાયન્સના શિક્ષકોએ હોશિયાર વિદ્યાર્થી હોઈ વિજ્ઞાનના વિષયો તરફ વાળ્યો. તે સમયે તો કૉલેજમાં જવા માટે માત્ર ત્રણ જ શાખાઓ હતી. આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ, અને તેમાં પણ સારા ટકા મેળવનાર વિદ્યાર્થી તો સાયન્સમાં જ જતા. મારું ધ્યાન તો પરિવારની અર્થિક પરિસ્થિતિને લીધે સારી નોકરી અને વધુ પગાર મળે તેનાં પર વિશેષ હતું. વળી એસ.એસ.સી. બોર્ડમાં ઘણાં સારા ટકા/માર્ક્સ સાથે બીજા નંબરે આવ્યો હતો. તે ઉપરાંત મન ઉપર રેડિયમની શોધ કરનાર વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જીવનકથાની પણ ઘેરી અસર પડેલી હતી. આ બધા પરિબળોને કારણે મેં એમ.એસ.યુનિ.ની સાયન્સ શાખામાં પ્રવેશ કર્યો.
શરૂઆતનાં વર્ષોમાં સવારની કૉલેજ અને ત્યાંથી સીધા બપોરે શૈક્ષણિક નોકરી કરી અર્થ ઉપાર્જન કરતો,. નાનપણથી મહેનતની આદત તો પડેલી જ હતી તેથી કપરા સંજોગો હોવા છતાં ખૂબ ઊંચા ગુણાંક સાથે બીએસસી અને એમએસસી પરીક્ષા સફળ રીતે સંપૂર્ણ કરી શક્યો. કહેવાય છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. સતત અને અવિરત મહેનત કર્યા કરતો. પરિણામે આવી મહેનત, કાર્યદક્ષતા અને કાબેલિયતને કારણે વિજ્ઞાન શાખાના ડીન પ્રો. પાઠકે પીએચડીના અભ્યાસ માટે બધી જ સવલતો કરી આપી. એટલું જ નહિ, સીનીયર આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકેની જૉબ પણ આપી.
ત્યારબાદ બરોડાની એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીકાળના માર્ગદર્શક અને તે પછી પીએચડી.ના અભ્યાસ દરમ્યાન પણ માર્ગદર્શક એવા, પ્રો. ચંદ્રવદન હીરાલાલ પાઠકના સંપર્કમાં આવવાનું થયું. પ્રો.પાઠક એક સાચા ગાંધીવાદી હતા, આખી જિંદગી ખાદી પહેરી હતી અને તેઓ દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા કે માતૃભાષા દ્વારા જ વિજ્ઞાન શીખવું જોઈએ.. પ્રો. સી.એચ. પાઠક ગુજરાતના એવા પ્રથમ વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે અમેરિકન બાયોલોજીના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો અને તેને પ્રકાશિત કરાવ્યો, જેથી ગુજરાતની કોલેજો ગુજરાતીમાં વિજ્ઞાનનાં પુસ્તકોનો ઉપયોગ કરી શકે. આ પ્રોફેસર પાઠકે વિજ્ઞાન શીખવામાં માતૃભાષાના મહત્વ વિશે મારા વિચારો પર ઘેરી અસર ઉપજાવી.
અત્રે એક બીજા મજેદાર કિસ્સાની વાત કરવી ગમશે. જ્યારે એમએસસીનો અભ્યાસ ચાલી રહ્યો હતો ત્યારે ગણિતના પ્રોફેસર બી.એમ પંડ્યા, સાહિત્ય તરફ પ્રેરણા આપી રહ્યા હતા! કારણ કે, ફેકલ્ટીના વાર્ષિક મેગેઝીનમાં વિદ્યાર્થીઓ તરફથી લેખ, કવિતા વગેરે મૂકવાનાં હતાં. વારંવાર તેઓ તરફથી આ વિશે કહેવામાં આવતું. તેથી શરૂઆતમાં હું આવડે તેવાં મુક્તકો લખીને મોકલતો. ક્યારેક જોડકણાં જેવી નાની નાની રચનાઓ પણ લખતો.. ધીરે ધીરે તે પ્રોફેસરે સાયન્સ ફેકલ્ટી માટે વાર્ષિક મેગેઝિનનું સંપાદન કરવા પ્રોત્સાહિત કર્યો. મેં તે જવાબદારી સ્વીકારી અને મેગેઝિનને સાહિત્યિક બનાવવા માટે દિવસ-રાત કામ કર્યું. તેને કારણે મારી પ્રથમ કવિતા પણ ગુજરાતીમાં પ્રકાશિત કરવાની મંજૂરી મળી.
મને લાગે છે કે, વિજ્ઞાન ક્ષેત્રમાં સાહિત્યની તે પ્રવૃત્તિ પણ જીવનમાં એક turning point હતું, જેને કારણે હું કવિઓ અને ગઝલકારોને વધુ વાંચતો થયો. તેમના નામો અને રચનાઓથી વધુ પરિચિત થતો ગયો. તે ઉપરાંત સંગીત સાંભળવાનો રસ પણ વધવા માંડ્યો. વડોદરામાં ગુજરાતીઓની સાથે સાથે મરાઠી પ્રજા ઘણી. તેથી સંગીતની મહેફિલોમાં પણ મોટાભાઈની સાથે જ જતો.. ભીમસેન જોશી જેવા કલાકારોને સાંભળીને મારા કલાપ્રેમી જીવને ખૂબ આનંદ મળતો. તો બીજી તરફ એક વૈજ્ઞાનિકનો જીવ, કશુંક સ્વયં નવું કરવાની સતત ઝંખના વિશે સજાગ હતો. આ બંને દ્વંદ્વો અલગ છતાં ક્યારેય નડ્યાં નથી. ઊલટાનું હું તો માનું છું કે હમેશાં મારા માટે પૂરક બનતા રહ્યાં છે.
અંતરમાં રહેલા એ બીજમાં અચાનક એક સવારે સળવળાટ થયો. એક પ્રેરણાદાયી ઘટના ઘટી જેને કારણે ભીતરના સ્વપ્નને એક સંચાર મળતો અનુભવાયો. સાલ ૧૯૬૯. બીએસસી થઈ ગયા પછીનું એ વર્ષ. તે સમયના અમેરિકાના પ્રમુખ (નં ૩૭ ) હતા મિ. રીચાર્ડ નિક્સન. તે અરસામાં ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર મિ.નીલ આર્મસ્ટ્રોંગ, તે પછીના ઍસ્ટ્રોનટ મિ. બઝ ઍલડ્રીન અને એક ત્રીજા હતા મિ. માઈક કોલીન્સ; આ ત્રિપુટીના અવકાશી અભિયાન ‘Apollo Moon Mission’ અંગે, અમેરિકાની યુએસ. ઍંમ્બેસીએ, ભારતના મુખ્ય અને મોટાં મોટાં શહેરોમાં પ્રદર્શન ગોઠ્વ્યું હતું. હજી તે સમય સુધી ઘરમાં કોઈ ટેલિવિઝન. ફોન, કાર, પંખા કે એવી બીજી કોઈ આધુનિક સવલતોવાળા સાધનો હતા નહિ. એક માત્ર મોટાભાઈએ ખરીદેલો, નાનો, જૂનો રેડિયો હતો, અને તે પણ ‘ઑલ ઈંડિયા રેડિયો’ પર આવતા સમાચારો સાંભળવા પૂરતો જ; જેથી કરીને જગતમાં શું ચાલી રહ્યું છે તેનાથી માહિતગાર રહી શકાય. આ રેડિયો ઉપર જ્યારે એક દિવસ સમાચાર પ્રસારિત થતા સાંભળ્યા કે, તરત જ ભીતરમાં એક અનોખી ઊર્જાત્મક ચીનગારી પ્રગટી.
I was inspired to hear the words of Neil Armstrong “Houston, Tranquility base here, the Eagle has landed”! This inspired me to someday get involved in space related research and work in space programs. This created a burning desire for me to aim for higher goals. I never imagined that years later I would live in Houston and work at NASA!
સહરાના રણ જેવી તરસ લઈને, તરત જ, મોટાભાઈ સાથે આ પ્રદર્શન જોવા માટે વડોદરાથી મુંબઈ ગયો. અમેરિકન ઍમ્બેસી, દિલ્હી તરફથી યોજાયેલ આ પ્રદર્શનમાં અંતરીક્ષ યાત્રીઓને, તેમના કામને અને સાધનો વગેરેની દિલચશ્પ વિગતો જોવા, સાંભળવા, માણવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહીને પણ એ મહેચ્છા પૂરી પાડી. ત્યાંથી પાછા આવતાં મન વિચારોને ઝોલે ચડ્યું. અંતરિક્ષ સંબંધિત સંશોધન અને કામ કરવા માટેનાં સ્વપ્નાઓનાં બીજને એક દ્રઢ સંકલ્પનો આકાર મળ્યો. એક જબરદસ્ત પ્રેરણા મળી. એક એવી સભાનતા પણ હતી જ કે પોતે એક અતિ સાધારણ કુટુંબની વ્યક્તિ, કઈ રીતે અને ક્યાંથી પહોંચી શકાશે; છતાં પણ એ ક્ષણોને, એ પ્રેરણાને અને મળેલી એક ઝળહળ જ્યોતિને સતત નજર સામે રાખીને આગળ વધતો ગયો..
માસ્ટર્સ ડીગ્રીના અભ્યાસ તરફ મન એકાગ્ર કર્યું. એમાં જ્વલંત સફળતા મેળવી. ૧૯૭૨માં એમ.એસ. યુનિવર્સિટીમાં વિજ્ઞાન ફેકલ્ટીમાં પ્રથમ વર્ગ અને ઉચ્ચ વિશિષ્ટતા સાથે માસ્ટર ઓફ સાયન્સની ડીગ્રી પૂર્ણ કર્યા પછી તરત જ શિક્ષણ પદની ઓફર મળી. તે સમયે ઘણી સાહિત્યિક અને નાટક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું થતું.. પરંતુ ધ્યાન પીએચડી કરવા પર જ રહ્યું હતું. જેથી યુનિવર્સિટીમાં પ્રોફેસર બની શકાય. તે વર્ષો દરમિયાન, ડૉ. હોમી ભાભા, ડૉ. વિક્રમ સારાભાઈ અને ડૉ. જે.જે. ચિનોય- તમામ ગુજરાતી વૈજ્ઞાનિકોના કામની પ્રેરણા મળી કે જેમણે ભારતને વિશ્વના નકશા પર મૂક્યું હતું. જો કે, MSU કેમ્પસમાં તે સમય દરમિયાનની બે સૌથી યાદગાર ઘટનાઓ હતી (a) ડૉ. એમ.એસ. સ્વામીનાથન- ભારતના કૃષિ સંશોધનના તેજસ્વી આર્કિટેક્ટ અને (b) મેડિસિનમાં નોબેલ પારિતોષિક વિજેતા, યુએસએ.ના ડૉ. હરગોવિંદ ખુરાના સાથે મુલાકાત થઈ કે જેમણે યુનિ.માં વ્યાખ્યાન આપ્યું હતું.
તે પછી Ecology વિષય પર પીએચડીનું કામ શરૂ કર્યું. અહીં એક સંઘર્ષ ઊભો થયો. નિર્ધારિત સંશોધન કામ અંગે કોઈ સાધનો કે સગવડો ઉપલબ્ધ ન હતાં. હવે કરવું શું? તેથી પોતાની રીતે જાતે જ Ecology & Environmental Science શીખવા માંડ્યું અને એક પ્રોફેસરની સાથે મળીને સંશોધન શરૂ કર્યું..
યુનિવર્સિટીના યુવાન શિક્ષક તરીકે, MSU. કેમ્પસમાં “યુથ ઇકોલોજિકલ સોસાયટી- “YES” નામનું જૂથ શરૂ કર્યું હતું, જેથી યુવાનોને પર્યાવરણની સમસ્યાઓ, પ્રદૂષણ, અસ્વચ્છ જીવનની સ્થિતિ વિશે જાગૃત કરી શકાય અને તેમને પર્યાવરણને સ્વચ્છ રાખવા, પ્રદૂષણ ઘટાડવામાં સામેલ કરવામાં આવે. લોકોને સ્વચ્છ આરોગ્યપ્રદ જીવન જીવવામાં મદદ કરવાનો તે એક નાનો પણ સફળ પ્રયાસ હતો. આજે એ વાતની ખુશી છે કે ભારત હવે સ્વચ્છ ભારત અભિયાનમાં સામેલ છે. વર્ષો પહેલાંનો એ પ્રયાસ, સમય કરતાં આગળ હતો!
૧૯૭3-૭૪ના વર્ષની એક બીજી મહત્ત્વની વાત. તે સમયે એમ.એસ. યુનિ.ના ચાન્સેલર પોતાની કોલેજમાં એક વૈજ્ઞાનિકને બોલાવતા. તે રીતે Ecologyના નિષ્ણાત વૈજ્ઞાનિકને મળવાનું બન્યું. તે પછી તો. તેમની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો, સતત સંપર્ક ચાલુ રાખ્યો અને મનમાં એક મક્ક્મ નિર્ધાર કર્યો. પોતાના ખર્ચે, ટ્રેઈનનું ભાડું ખર્ચી વારાણસી ગયો.. એક મહિના સુધી કોઈને ઘેર પૈસા આપીને રહેવાનું નક્કી કર્યું અને બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ની લેબોરેટરીમાં જઈ ત્યાંના નિષ્ણાતો પાસેથી સંશોધનની જુદી જુદી રીતો શીખ્યો. ત્યાંથી પાછા આવી વડોદરામાં એક રીસર્ચ laboratoryની સ્થાપના કરી. તે પછી ૧૯૭૭માં પીએચડીની પ્રથમ ડીગ્રી મેળવી. ગૌરવપૂર્વક કહેવાનું ગમે છે કે, મારી આ પહેલી પીએચડી. માતાને નામ.
ત્યારબાદ ૧૯૭૮માં an international research center તરફથી અમેરિકાની વેસ્ટ વર્જિનીઆની યુનિવર્સિટી તરફથી સંશોધનના કામ માટે આમંત્રણ મળ્યુ.
વિદેશ આગમન પછી
એમએસ. યુનિવર્સિટીમાં પીએચડી પૂર્ણ કર્યા પછી તરત જ, ટૂંકી અભ્યાસી મુલાકાત માટે યુએસએ જવા માટે ફેલોશિપ મળવા માંડી. તે સમયે ઘણી યુનિવર્સિટીઓની મુલાકાત લીધી,અવનવા અનુભવો મળ્યા અને છેવટે મિડવેસ્ટર્ન યુનિવર્સિટીમાં ફેકલ્ટી પદની ઓફર મળી; તે પદ સ્વીકાર્યું. ૧૯૭૮ની સાલમાં સૌ પ્રથમ ‘ઈકોલોજી’ વિષયમાં સંશોધનના વધુ કામ અંગેની પ્રવૃત્તિ શરૂ કરી. વેસ્ટ વર્જિનીઆ યુનિ.માં માત્ર ૬ જ મહિના જેવા ટૂંકા ગાળામાં એ કામ પૂરું કર્યા પછી તરત જ Indiana State Universityમાં મુલાકાતી પ્રોફેસર તરીકે ‘જૉબ ઑફર’ મળી. તે સમયે સંશોધન પ્રવૃત્તિઓ દરમિયાન, પ્રોફેસર પોલ મૌસેલને મળવાનું બન્યું. તેઓ અવકાશ ‘રિમોટ સેન્સિંગ ટેક્નોલોજી’માં સંશોધન કરી રહ્યા હતા. પ્રોફેસર મૌસેલે અવકાશ વિજ્ઞાનમાં મારા રસ અને રુચિને ઓળખ્યાં, પોષ્યાં, મૂલવ્યાં અને બીજી પીએચડી. ડીગ્રી માટે માર્ગદર્શક બનવાની ઓફર કરી.
આમ, પેલું અતિશય મનવાંછિત કામ શરૂ થયું અને તે Space Research Work. જાણે અંદરના સ્વપ્નાની પાંખો સળવળી ઊઠી. એ વિષયમાં પીએચડી. કરવાની ઇચ્છા જાગૃત થઈ. તેથી સ્પેસ રિમોટ સેન્સિંગમાં બીજી પીએચડી ડિગ્રી પૂર્ણ કરી અને યુનિવર્સિટીમાં ભણાવવાનું ચાલુ રાખ્યું.
બીજી તરફ હજી દેશમાં એમએસ. યુનિવર્સિટીની જૉબ તો ચાલુ હતી. તેથી an international research center તરફથી મળેલ ‘ઓફર’ના કામ માટે રજા મૂકીને, માત્ર ટૂંકા ગાળા માટે જ અમેરિકા આવ્યો હોઈ, ભારત પાછા જઈ, યુનિ.ની ચાલુ જૉબમાં રાજીનામુ આપ્યું, પરિવારને પ્રેમથી મળ્યો. મળેલી સુંદર તકની વાત કરી. સૌના આનંદ અને સંમતિ સાથે એ જ વર્ષના ડિસેમ્બર મહિનામાં અમેરિકા પાછા ફર્યો..
પોતે જ્યાં જન્મ્યા હોઈએ, આર્થિક સંકડામણો વચ્ચે ઉછર્યા હોઈએ તે કુટુંબને, જ્યાં શિક્ષણ લીધું તે શહેરને અને પોતાની માતૃભૂમિને છોડવાનું જરાયે સહેલું ન હતું. પણ સૌથી વધુ કપરું બન્યું માતાને છોડવાનું. વડોદરામાં પીએચડી.ના અભ્યાસકાળ દરમ્યાન, જ્યારે સવારે કૉલેજ, બપોરે નોકરી અને સાંજે સંશોધનના કામ પછી મોડી રાત્રે લેબોરેટરીમાંથી ઘેર આવતો; ત્યારે માતા ગરમ ગરમ જમવાનું પીરસતાં. ઘડિયાળ સામે જોયા વગર, ગમે તેટલા વાગ્યા હોય પણ લાગણીસભર ચહેરે જમાડતાં. માતાના એ પ્રેમથી અળગા થવાની વેળા અસહ્ય હતી, ઘણી જ કપરી હતી પરંતુ જીવનની એક નવી દિશા કંડારવાના સ્વપ્નને ફળીભૂત કરવા માટે તે બધું જ છોડીને, મન મજબૂત રાખી અમેરિકા આવ્યો.
૧૯૮૩માં સંશોધન કાર્ય પૂરું કરી, પીએચડીની બીજી પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ૧૯૮૩થી ૧૯૮૮ સુધી Indianaની સ્ટેઈટ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી. ૧૯૮૩નું વર્ષ મારા માટે સોનેરી અને નસીબવંતુ બની ગયું. કારણ કે, એ જ વર્ષમાં મુલાકાત થઈ; તે જ કોલેજના પ્રોફેસર મીસ મેરીએન મર્સીડીઆ સાથે; જ્યાંથી જિંદગીનું એક નવું ઉજ્જવળ પાનું ઉઘડયું.
મેં અનુભવ્યું કે, મીસ મેરી તેજસ્વી વ્યક્તિ છે, સ્વભાવે શાંત અને સૌમ્ય છે, વિવેકી છે અને સાવ જ સાદગીમાં માને છે. મેકઅપ વગેરે જરાયે કરતાં નથી. વળી તે ભારતીય સંસ્કૃતિને માનથી જુએ છે. તે સમયે ત્યાં જે કોઈ થોડા ઘણા બેંગોલી, ગુજરાતી અને અન્ય ભારતીય મિત્રો હતા તેમની સલાહ હતી કે, “વિદેશી છોકરી સાથે લગ્ન ન કરવા. એ લોકો આપણા જેવાં ન હોય. ફટાક દઈને છૂટાં થઈ જાય”. વડોદરામાં રહેતા સગાંસંબંધીઓની પણ એજ સલાહ હતી. પણ પરિવારમાં ભાઈઓનો કે માતાનો વિરોધ ન હતો. ઊલટાંનું માતાએ તો કહ્યું હતું કે “બેટા, રૂપાળીને પરણજે. તને સુખી કરે તેવું તને ચોક્કસ લાગે, તો તારો નિર્ણય મને ગમશે જ.” આમ, સામાજિક અને કૌટુંબિક વિચારધારાઓ વિરોધાભાસથી વહેતી જણાઈ! છેવટે મેં મારા આત્માના અવાજ મુજબ મીસ મેરી સાથે ૧૯૮૩માં લગ્ન કર્યા અને ત્યારથી તેણી બન્યાં ડો. મિસીસ મેરીએન લુલ્લા. તેમને ભારત લઈ જઈ કુટુંબીજનો સાથે મુલાકાત કરાવી. સંપૂર્ણ ભારતીય પોશાક ( પંજાબી સલવાર-કમીઝ, ગુજરાતી સાડી વગેરે) પહેરી મિસીસ મેરી આનંદપૂર્વક સૌને મળ્યાં, અને આજની તારીખ સુધી અમારું દાંપત્યજીવન સુખપૂર્વક ચાલી રહ્યું છે. હા, પેલા સલાહ દેતા મિત્રોની ભારતીય પત્નીઓ તેમને છોડીને ચાલી ગઈ છે તેવું એક-બે કેસમાં બન્યું છે!!!
અમારા બંને સંતાનો પોતપોતાના ક્ષેત્રેમાં સ્થાયી થયાં છે. દિકરો ડોક્ટર છે અને હાલ ઍરિઝોનામાં V.A. (Veterns Administration) હોસ્પીટલમાં સેવાકાર્યમાં પ્રવૃત્ત છે અને દીકરી Criminal Justice of Lawમાં Ph.D માટે સંશોધનની પ્રવૃત્તિમાં કાર્યરત છે.
આ જીવનગાથાનું આગળનું મુખ્ય પ્રકરણ હવે શરૂ થાય છે હ્યુસ્ટનના નાસા સેન્ટરમાં પ્રવેશથી. તે પહેલાં એક નાનકડા સંઘર્ષની વાત.
૧૯૭૯-૧૯૮૧ના સમયમાં જ્યારે હું ઈંડિયાના સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો તે અરસામાં Iran hostage crisis ચાલી રહી હતી. તે સમયે ૫૦૦ થી વધુ ઈરાનીઓએ યુએસ ઍમ્બૅસી પર હુમલો કર્યો અને ૬૬ અમેરિકન ઍમ્બૅસીના કર્મચારીઓને પકડી લીધા. આ કટોકટી, રાષ્ટ્રપ્રમુખ જીમી કાર્ટર હેઠળ શરૂ થઈ હતી અને ૪૪૪ દિવસ સુધી ચાલી હતી. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક અમેરિકન પ્રજામાં ‘ઈમિગ્રન્ટ’ વિરોધી લાગણીઓ પેદા થઈ હતી. ઇન્ડિયાના સ્ટેટ યુનિવર્સિટી એક નાના રૂઢિચુસ્ત શહેરમાં છે. એટલે ત્યાંના સ્થાનિક અમેરિકનો પૂર્વના દેશોના વસાહતીઓથી ખૂબ નારાજ હતા.
આ ઘટના જાન્યુઆરી ૧૯૮૦માં બની હતી. યુનિવર્સિટીના કેમ્પસમાં એક દિવસ બપોરના સમયે હું એક બિલ્ડીંગથી બીજા બિલ્ડીંગમાં જવા માટે ચાલતો હતો., રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક વાન મારી નજીક આવીને ઊભી રહી. તેમાં ઓછામાં ઓછા ૫-૬ ગોરા અમેરિકન યુવકો હતા. તેઓએ તેમની બારીઓ નીચે ફેરવી અને ખૂબ જ જોરજોરથી ગમે તેમ બોલવા લાગ્યા. કેટલાક અપમાનજનક શબ્દો અને પછી “ઈરાનીઓ અને સાઉદીઓ ઘરે જાઓ” બૂમો પાડવા માંડ્યા! આ યુવાન અમેરિકનોને ઈરાનીઓ અને ભારતીયો વચ્ચેનો ફરક પરખાતો જ ન હતો. તેથી જાણી શક્યા નહિ કે આ વ્યક્તિ ઈરાની નથી, પણ ભારતીય છે. મને ડર લાગ્યો કે તેઓ શારીરિક હુમલો કરશે અથવા બીજી કોઈ હાનિ પહોંચાડશે. મને ક્યારેય આટલો ડર લાગ્યો નથી પણ હું વાનમાં આ માણસો તરફ ન જોવાનો પ્રયત્ન કરતો ચાલતો રહ્યો. “ઈરાનીઓ અને સાઉદીઓ ઘરે જાઓ” એવી બૂમો પાડ્યા પછી થોડી મિનિટો સુધી વાન આગળ વધી. હું જાણું છું કે અમેરિકનો ઈરાની કટોકટીથી ખૂબ જ નારાજ હતા, પરંતુ મને ખ્યાલ ન હતો કે ઘણા અમેરિકનો ભારતીય, ઈરાની અથવા સાઉદી ઈમિગ્રન્ટ્સ વચ્ચેનો તફાવત જાણી શક્તા ન હતા.
પછી જ્યારે આ હકીકતની વાત યુનિવર્સિટીના કેટલાક મિત્રો અને સહકાર્યકરોને સંભળાવી ત્યારે તે સૌને ખૂબ દુઃખ લાગ્યું કે, તેમના શહેરમાં આવું બન્યું. તેઓએ સંપૂર્ણપણે,આત્મીય ભાવે સહાનુભૂતિ દર્શાવી અને મદદની ઓફર પણ કરી. મને, ત્યારે સમજાયું કે એકંદરે અમેરિકનો સારા અને મૈત્રીપૂર્ણ લોકો છે. ભલે એક અમેરિકન કે જેણે મારું અપમાન કર્યું હશે, ત્યાં દસ અમેરિકનો હતા જેમણે મને ટેકો આપ્યો અને મને મદદ કરવાનો પ્રયાસ કર્યો.
નાસાની યાત્રા
અવકાશ સંબંધિત સંશોધનનાં કામમાં મારી બીજી પીએચડીએ ખૂબ મોટો ભાગ ભજવ્યો. સંશોધનના એ કામ માટે અમે Space Observation Data Base નો ઉપયોગ કરતા. નાસાને આ વાતની માહિતી મળતાં મારી સાથે સંપર્ક કર્યો. તેમની સાથે કોન્ફરન્સ દરમ્યાન વાટાઘાટો, ચર્ચા વગેરે પણ થતાં. તે પછી ખૂબ ઉચ્ચકક્ષાના રીસર્ચ પેપર અંગે એક નામ પ્રસ્થાપિત થયું. પરિણામે મને સ્પેસ શટલ પ્રોગ્રામમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કામ કરવા માટે નાસામાંથી આમંત્રણ મળ્યું.
હવે અહીં પસંદગીનો નાનકડો સંઘર્ષ નજર સામે આવ્યો. હ્યુસ્ટનના નાસા, Johnson Space Centerનું આમંત્રણ સ્વીકારવું એટલે પત્નીના વતનથી ૯૦૦ માઈલ દૂર થવાનું, પત્નીની સ્થાયી થયેલ જૉબને છોડવાની અને અઢી વર્ષનો દીકરો અને એકાદ વર્ષની દીકરી એમ બે નાનાં બાળકોને નવા અને જુદા માહોલમાં ઉછેરવાનાં. તે ઉપરાંત ઠંડીના વાતાવરણમાંથી (Indiana State) ગરમીના રાજ્યમાં (Texas) સેટ થવાનું. તેથી શરૂઆતમાં મેં ૧૯૮૮ના જાન્યુઆરીથી ૬ મહિનાની રજા લઈને હ્યુસ્ટન જવાનું નક્કી કર્યું. તે સમય દરમ્યાન, પસંદગીનું કામ, ઉજળી તકો અને મનના ઉત્સાહને કારણે એક ગજબનો સંતોષ થયો અને તે પછી છેવટે નાસા સાથે જ જોડાયેલા રહેવાનું નક્કી કર્યુ. પત્નીએ પોતાની કારકિર્દીને છોડી દીધી અને અન્ય મુશ્કેલ લાગતી પરિસ્થિતિઓને પણ સ્વીકારી લીધી.
આ કુટુંબ ભાવના અને સમજણપૂર્વકનો, સરળ રીતે કરેલો સ્વીકાર મારે મન ઘણી બધી રીતે મૂલ્યવાન બની ગયો. ખાસ કરીને એક વિદેશી નારી તરીકે નોંધનીય પણ ખરો જ! બાકી મેરીએન પોતે પણ કૉલેજમાં સાયકોલૉજીના પ્રોફેસર તરીકે જૉબ કરતાં હતાં. તેમને માટે પણ એ પરિસ્થિતિ વિકટ જ બની હશે ને? મારી સિદ્ધિઓ પાછળ તેમનો ફાળો પણ ઘણો મોટો છે. સાચું જ કહેવાયું છે ને કે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે.
અહીં એટલે કે હ્યુસ્ટનના નાસા સેન્ટરમાં, ૧૯૮૯માં મારે એક એવી વ્યક્તિને મળવાનું બન્યું જેમને જોવા માટે ૧૯૬૯ની સાલમાં એક નાના છોકરા તરીકે, વડોદરાથી હું મુંબઈ પહોંચ્યો હતો; અને જેમણે મારા મનમાં અંતરિક્ષ સંબંધિત સંશોધનના સ્વપ્નનું બીજ રોપ્યું હતું; તે અમેરિકન એસ્ટ્રોનટ ડો. નીલ આર્મસ્ટ્રોંગને મળવાનું અને રૂબરૂમાં સાંભળવાનું મળ્યું. મારા જેવા એક અતિ સાધારણ આર્થિક સંજોગોવાળા માણસના જીવનમાં ક્યારેય આ ઘટના પણ ઘટશે એ માની શકાય તેમ હતું જ નહિ. ભારતમાં, વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈએ પણ પ્રેરણા આપી હતી. કારણ કે તેઓ ભારતીય વૈજ્ઞાનિકોને અવકાશ સંશોધનમાં જોડતા હતા! પરંતુ મારા માટે ભારતમાં તે શક્ય ન હતું. તેથી વર્ષોથી સેવેલ સ્વપ્ન કે કોઈ દિવસ નાસામાં પોતે હ્યુસ્ટનમાં કામ કરશે, જ્યાં નીલ આર્મસ્ટ્રોંગ રહેતા હતા, તે સિદ્ધ થતું અનુભવાયું.
આ ઉપરાંત, હ્યુસ્ટનમાં બીજી એક મુલાકાત ચંદ્રયાત્રી કેપ્ટન જ્હોન યંગ સાથે પણ થઈ, કે જેઓ યંગ ઍપોલો ૧૬ના મિશન દરમ્યાન,૧૯૭૨માં ચંદ્ર પર ગયા હતા અને સૌથી વધુ ઉડાન ભરનારા અવકાશયાત્રીઓમાંના એક હતા. એટલું જ નહિ, ઘણાં વર્ષો સુધી મુખ્ય અવકાશયાત્રી તરીકે નાસામાં સેવાઓ આપી હતી. આમ, એક પૃથ્વી વિજ્ઞાન શાખાના ચીફ તરીકે આ અવકાશયાત્રી મિ.જહોન યંગને પ્રથમ મળ્યો હતો અને ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં અવકાશ સંશોધન પરની કોન્ફરન્સ માટેનો ઇન્ટરવ્યુ લીધો હતો. તે સમયની વાત યાદ કરું છું ત્યારે થાય છે કે, ચંદ્ર પરના પ્રથમ માણસ નીલ આર્મસ્ટ્રોંગ દ્વારા પ્રેરિત વડોદરાના યુવાન છોકરા માટે, ચંદ્ર પર સૌથી વધુ વખત જનાર મિ. જ્હોન યંગ સાથે 30 મિનિટ સુધી વાત કરવી તે ખરેખર એક સ્વપ્ન સાકાર થયાની સંવેદના અનુભવાઈ હતી..
આ સંવેદના શબ્દની સાથે એક વાત યાદ આવે છે જેની નોંધ કરવી મને ગમશે. અગાઉ જણાવ્યું તે મુજબ, વિજ્ઞાનની સાથે સાથે મને સાહિત્ય તરફ પણ એટલો જ પ્રેમ છે. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાનો હું સભ્ય છું અને સમયની અનુકૂળતા મુજબ અચૂક હાજરી પણ આપું છું. મને યાદ છે કે ૨૦૧૨ની સાલમાં સાહિત્યની એક બેઠકમાં મેં ‘ચંદ્ર પરથી પૃથ્વીના ઉદય’નું ( નીલ આર્મસ્ટ્રોંગે લીધેલું પિક્ચર) એક ચિત્ર સૌને બતાવ્યું અને આપ્યું.
એટલું જ નહિ, ચંદ્રની સપાટી પરથી ઉગતા એ નાનકડા ભૂરા ગોળાને જોઈને જે વિચાર કે કલ્પના જાગે તે મુજબ રચના કરવા માટે સૌ સભ્યોને પ્રેર્યા. હ્યુસ્ટનની ભૂમિ સાહિત્યરસિકોથી સમૃદ્ધ છે તેથી લગભગ ૧૩ થી ૧૫ જેટલા સાહિત્યપ્રેમીઓએ પોતપોતાની રચના કરીને મોકલી. મેં પોતે પણ એક પદ્યરચના કરી. તેનો મુખ્ય ભાવ એ હતો કે, આ પૃથ્વી જ આપણું ઘર છે. હું માનુ છૂં કે આપણા પ્રિય નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર એકલા નો’તા ગયા. ચંદ્રની ધરતી ઉપર ઉભા રહીને તેઓ બોલ્યા હશે કે માનવજાતનો વિશાળ વિકાસ છે આ. તેઓ (નીલ) તો સમગ્ર માનવને લઈને ગયા ત્યારે મારી કલ્પનામાં હું ચંદ્ર ઉપર જ હતો. તેમણે ચંદ્ર ઉપરથી નિહાળ્યો દુર દુર એ ભુરો ચમકતો ગ્રહ. મારી કલ્પનાઓ મહીં તેમના એકલાની ભાવના જ નહીં. તમામ માનવ જાતની ભાવનાઓ એ ભુરા ગ્રહમાં અનુભવતો રહ્યો.”
મારી રચનાના શબ્દો હતાઃ
“ઓ ચંદ્ર ! તુ તો ચમકતું વેરાન રણ..કે જાપ જપતો અવાવરો ખંડ
અદભૂત સુંદર, નિર્જિવ છતાં પ્રેરણા આપતો પૃથ્વીનો સખા
તારા ભુખરા બદામી તટ પરેથી દેખાય નમણી ધરા બુંદ સમ
આકર્ષે સમગ્ર સમુદ્રો અને લીલુડી ધરતીને સમાવવા પોતા મહીં
સમજાયો મને અર્થ “ઘર” નો અહીં, જ્યારે હું પહોંચ્યો ચંદ્ર તુજ ધરાએ..
મારું હૃદય ધબક્યું ત્યારે..જા,ઘરે જા; મધુર ઘરે જલ્દી જા, જલ્દી જા
મારા રોકેટ છે તૈયાર..મારા સાથી છે ઉતાવળા, જવા તેમની જન્મ ભોમ.
હા, ગૃહથી સુંદર કંઈ જ નથી..આપણો ગ્રહ પૃથ્વી..”
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની એક બેઠક્માં નાસાનું આ અલૌકિક ચિત્ર, પદ્મશ્રી ડો કુમારપાળ દેસાઇને પણ ભેટ આપ્યુ હતું.
હવે ફરી મારી વાત આગળ વધારું. ડૉ. સેલી રાઈડ યુએસએની પ્રથમ મહિલા અવકાશયાત્રી હતી અને તેણે ૧૯૮૨માં સ્પેસ શટલ પર ઉડાન ભરી હતી. આ ડૉ. સેલી રાઇડે યુવા વિદ્યાર્થીઓ માટે એક વિજ્ઞાન કાર્યક્રમ વિકસાવ્યો અને મારી સાથે કામ કર્યું કે જેમાં “EARTH KAM” વિકસાવવા માટે પૃથ્વી અવલોકનોના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે સેવા આપી હતી,
આ ઉપરાંત એક વધુ રોમાંચક પ્રસંગ. ડૉ. કલ્પના ચાવલાની સ્પેસ શટલ ફ્લાઇટ્સમાં પૃથ્વી અવલોકનો અને ઈમેજિંગ ઑપરેશન માટે મુખ્ય મિશન વૈજ્ઞાનિક તરીકે સેવા આપીને નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. પૃથ્વી અવલોકનો માટે વરિષ્ઠ અવકાશયાત્રી-તાલીમ નિષ્ણાત તરીકે, space shuttle & Int’l space station astronauts in Earth sciences and on-orbit imaging payloads માં વીસ વર્ષ સુધી તાલીમ આપી. ભારતીય અમેરિકન અવકાશયાત્રી ડૉ. કલ્પના ચાવલાની મિશન નિષ્ણાત તરીકે ઉડાન ભરેલી બંને વખતની ફ્લાઇટ્સ સમયે સહાયક તરીકે મેં કામગીરી બજાવી હતી. તે સમયે વિશ્વભરના સંશોધકોની યુવા પેઢીને પ્રેરિત કરવા ડૉ. કલ્પના ચાવલાના જીવન અને કાર્ય વિશે વ્યાપકપણે પ્રસારણ કર્યું હતું.
2003માં સ્પેસ શટલ અકસ્માતમાં જ્યારે કલ્પના ચાવલાનું અન્ય અવકાશયાત્રીઓ સાથે અવસાન થયું ત્યારે નાસા દ્વારા મારા હિન્દી ભાષાકૌશલ્યનો ઉપયોગ કરીને વિશ્વવ્યાપી હિન્દી પ્રેક્ષકો સાથે વાત કરવા વિનંતી કરવામાં આવી હતી; કારણ કે કલ્પના ચાવલા ભારતમાં જન્મેલ હિન્દી ભાષી અવકાશયાત્રી હતાં. તે સમયે લાખો શ્રોતાઓ નાસા વિશે, કલ્પના વિશે અને અન્ય વિગતવાર માહિતી સાંભળવા માટે જોડાયા હતા. અને ત્યારે મેં સ્પેસ શટલ અકસ્માત વિશે ‘વોઈસ ઓફ અમેરિકા રેડિયો શો’ પર હિંદીમાં પ્રસારણ કર્યું હતું.
આમ, ભાષા અને વિજ્ઞાનનો સમન્વય, કલા અને વિજ્ઞાનની એકસૂત્રતા કેવી રીતે અને કેવા સંજોગોમાં આપમેળે સધાઈ જાય છે તેનો અનુભવ એક વિશેષરૂપે યાદગાર બની ગયો.
શ્રીમતી સુનિતા વિલિયમ્સ, નાસામાં અવકાશયાત્રી ઉમેદવાર તરીકે જોડાયાં હતાં ત્યારે પણ મેં અને મારી ફ્લાઇટ સપોર્ટ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આપવામાં આવેલ વિજ્ઞાન બ્રીફિંગમાં હાજરી આપી હતી. 25 થી વધુ સ્પેસ શટલ ફ્લાઇટના અવકાશયાત્રીઓએ તે ફ્લાઇટમાં, આ યોગદાન માટે, ટોકન પ્રશંસા તરીકે વ્યક્તિગત સ્મૃતિચિહ્નો આપ્યાં હતાં. ડૉ. સ્ટીવ હૉલી- અવકાશયાત્રી જેમણે પ્રસિદ્ધ હબલ ટેલિસ્કોપનું સમારકામ કર્યું હતું, વાસ્તવમાં તેમની સાથે એક અમેરિકન અને ભારતીય ધ્વજ અવકાશમાં ઉડાડ્યો હતો અને તે ધ્વજ, ફ્લાઈટની સફળતા માટે, મને અર્પણ કર્યો હતો. અત્યાર સુધીમા ઘણાં બધાં Astronauts ને તાલીમ આપેલ છે પણ આ બે નામ જે મુખ્યત્વે આપણું ધ્યાન ખેંચે તે છે સુનિતા વિલિયમ્સ અને સદ્દગત કલ્પના ચાવલા.
હાલમાં ભારતીય વિદ્યાર્થીઓની યુવા પેઢીઓ માટે “ Kalpana’s India: Stunning Views of India from Space” નામની ઈ-બુકનું કામ ચાલુ છે જેથી યુવાનોને અવકાશ સંશોધકો બનવાની પ્રેરણા મળે.”
સિદ્ધિઓઃ
-‘Houston Federal scientist તરીકે છેલ્લા પાંત્રીસ વર્ષોમાં ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક સંશોધન માટે એકસોથી વધુ મેડલ અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમાંના કેટલાક અહીં નોંધું છું.
-Three ‘NASA Exceptional Achievement medals’ for science, innovation and technology.
– Luckas Memorial Award.
– The Remote Sensing Medal from the American Association of Geographers.
-Asian Space Award- ‘The Astronaut Ellison Onizuka Award ‘
-૨૦૧૫માં ભારતના પ્રમુખ શ્રી પ્રણવ મુખરજીએ NRI Presidential Award (પ્રવાસી ભારતીય સન્માન ચંદ્રક) અને પુરસ્કાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સ્પેઇસ સાયન્સ અને ટેક્નૉલૉજીમાં ઝળહળતી સિદ્ધિઓ માટે મળ્યો હતો.
આ સન્માન માઇક્રોસોફ્ટના વડા સત્ય નડેલા સાથે શેર કર્યું હતું. એ વિશે વિગતવાર માહિતી આપવી ગમશે. કારણ કે તે સૌને માટે ખૂબ ગૌરવવંતી બની હતી. ડો. અબ્દુલ કલામ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમા મારા વૈજ્ઞાનિક તરીકેના યોગદાનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ યોગદાનની કદર રૂપે અને અમેરિકા અને વિશ્વમાં પણ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે NRI તરીકે ભારતનુ નામ રોશન કરવા બદલ ભારત સરકારે ૨૦૧૫માં પ્રવાસી ભારતીય દિવસના ત્રિદિવસીય સંમેલનનું આયોજન કર્યું હતું. આ સમારંભનુ આયોજન, ખાસ ગાંધીજીના ૧૯૧૫મા આફ્રિકાથી ભારત પાછા ફર્યાને ૧૦૦ વર્ષ થયા એની યાદમા ગુજરાત ખાતે ઉજવવામાં આવ્યો હતો. અને દુનિયાભરમાંથી મહાન નેતાઓ તથા ૫૦૦૦ થી વધુ NRI મહેમાનો આ પ્રસંગની શોભા વધારવા આવ્યા હતા. ૯ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ આ સમારંભ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના ચીફ મીનીસ્ટર શ્રીમતી આનંદીબેનની હાજરીમા યોજાયો હતો. તે સમયે મને આ “Most Prestigious NRI Pravasi Bharatiya Award and Medal” એનાયત કર્યો હતો.. આ એવોર્ડ પદ્મવિભુષણની હરોળમા મૂકી શકાય એટલી ઉચ્ચ કક્ષાનો છે. અને તે ભારતના Vice President ના વરદ હસ્તે આપવામા આવ્યો હતો.
આ વિશેનું ગૌરવ અમેરિકા અને કેનેડામા વસતા દરેક ભારતીયને પણ થયું હતું. તેના પ્રતિક રૂપે હ્યુસ્ટનના કાઉન્સલેટ જનરલે ખાસ સન્માન કાર્યક્રમ યોજ્યો હતો. પછી જ્યારે આ એવોર્ડ લઈ ભારતથી અમેરિકા આવ્યો ત્યારે યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના ચાન્સેલર ડો. રેનુ ખતોર પ્રેમથી અભિવાદન કરવા ખાસ એરપોર્ટ પહોંચી ગયા હતા.
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાએ પણ એ અંગે બહુમાન કર્યું હતું. સાહિત્ય સરિતાની એ બેઠકમાં ‘NRI પ્રવાસી ભારતીય’ તરીકેના એવોર્ડ વિશે વાત કરતા મને ખાસ એ જણાવવું ગમ્યું હતું કે, મને જે મેડલ ભારતના ઉપરાષ્ટ્રપતિના હાથે પહેરાવવામાં આવ્યો છે તે આજે હું અહીં મારા સાહિત્યના પરિવાર વચ્ચે, દેવિકાબહેન ધ્રુવના હસ્તે પહેરવા ઈચ્છું છુ. મને એ પહેરતાં વિશેષ ગૌરવની લાગણી થશે. મને ખૂબ રાજીપો છે કે તે દિવસે સાહિત્યપ્રેમી અન્ય સૌ સભ્યોએ પોતે પણ ગૌરવ અને ધન્યતાની અનુભૂતિ કરી હતી…
૨૦૨૧ના જુલાઈ મહિનાની ૪થી તારીખે ન્યૂયૉર્કના કાર્નેગી ફાઉન્ડેશને “Great Immigrant, Great American,” national honor award” એવોર્ડ સાથે સન્માન કર્યું. ન્યુયોર્કનું કાર્નેગી ફાઉન્ડેશન એ દેશનું સૌથી જૂનું ગ્રાન્ટમેકિંગ ફાઉન્ડેશન છે, જેની સ્થાપના ૧૯૧૧માં સ્કોટિશ ઈમિગ્રન્ટ એન્ડ્રુ કાર્નેગી દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા અમેરિકન જીવનમાં ઈમિગ્રન્ટ્સના વ્યાપક યોગદાનની ઉજવણી કરે છે. તે રીતે NASAમાં ત્રણ દાયકાથી વધુ સમયની કારકિર્દી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરનાર વૈજ્ઞાનિક તરીકે મારા યોગદાનને Prestigious Award દ્વારા નવાજ્યું હતું.
ઓહાયો યુનિવર્સિટીના પ્રમુખે “genuine people-to-people ambassador for the United States” તરીકે ઓળખાણ આપી અને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં યુવાપ્રતિભા વિકસાવવા માટે કેટલું કામ કર્યું છે તેના માટે સવિશેષ નોંધ લેવામાં આવી છે.
જણાવતા આનંદ થાય છે કે, અત્યાર સુધીમા ૨૦૦ થી વધારે Research Publication અને ૮ પુસ્તકોનુ સંપાદન કર્યું છે અને છેલ્લું પુસ્તક “Wings on Orbit” જેમાં NASA ની છેલ્લા ત્રીસ વર્ષની Space Shuttle History નો નીચોડ છે તે ૨૦૧૧માં પ્રસિધ્ધ થયું છે. એ પુસ્તકને એક અમૂલ્ય ખજાના રૂપે વ્હાઈટ હાઉસની લાઈબ્રેરીમા મુકવામા આવ્યું છે એટલું જ નહિ, આ પુસ્તકની નકલ ભારતના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો અબ્દુલ કલામને તેમની ટેક્ષ્સાસની મુલાકાત દરમ્યાન ૨૦૧૧માં ભેટ રૂપે આપવામા આવ્યું હતુ.
આ તબક્કે યાદ આવે છે કે, જેમને ગુરૂ સમાન ગણ્યા એ ભારતના વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈને રૂબરૂ મળી ના શકાયું પણ તેમની પ્રેરણા વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધવામા માર્ગદર્શક બની.. નાસામા જોડાયા બાદ ૨૨ વર્ષ સ્પેશ શટલ પર કામ કર્યુ અને શટલ રડાર નુ development કરવામાં સાત વર્ષ લાગ્યા. “Most accurate maping of Earth’. મારે મન NASA એટલે New Knowledge. NASA studies on space and develop Robonaut and Astronaut work together. Men and machine work together. પુસ્તક “Wings on Orbit” ની પ્રસ્તાવના John Young ( The man who walks on the moon) and Robert Cripper
( The first Space Shuttle Commander) જેવા મહાનુભાવોએ લખી છે.
સંદેશઃ
મને ભારત અને અમેરિકા બંને ભૂમિ પર ગર્વ છે. મને મારા ભારતીય મૂળ પર ગર્વ છે અને મને મારી અમેરિકન નાગરિકતા પર પણ ગૌરવ છે. હું જે સંસ્કૃતિમાં ઉછર્યો તે એ હતું કે આપણે સખત મહેનત કરવી જોઈએ. વધુ મહત્ત્વની વાત એ છે કે, સખત મહેનત કરવા ઉપરાંત, હંમેશા એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણી પાસે કેટલાંક લક્ષ્યો અને ઉદ્દેશ્યો છે, જે તમે પૂરા કરવા માગો છો તે ફક્ત તમારા અને તમારા પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પણ સારા છે,
યુવાન વર્ગને માટે મને ખૂબ મોટી આશાઓ છે કે, ગુજરાતની યુવા પેઢી માથે ગુજરાતનાં ઘડતરની જવાબદારી છે. ગુજરાતી યુવકમાં કોઈ કમી નથી! વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરવાની તાકાત આપણે બતાવીએ છીએ એ ગર્વની વાત છે પણ જ્ઞાન, વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પણ આગળ આવવાની હાકલ છે. આજકાલની વૈશ્વિક જ્ઞાન વસાહતમાં, જ્ઞાન, વિજ્ઞાન વિના આર્થિક પ્રગતિ ટકી શકે તેમ નથી. ગુજરાતી યુવક કેવળ ધંધા વ્યાપારમાં જ આગળ આવી શકે તે ચીલાચાલુ માન્યતા નકામી છે. વૈશ્વિક ગુજરાતી વસાહતે એ સિદ્ધ કર્યું છે કે ગુજરાતી યુવાન ધારે તે મેળવી શકે છે. મને ગુજરાતી યુવાપેઢી પર સંપૂર્ણ ભરોસો છે કે તેઓ તેમની જવાબદારી સક્ષમ રીતે બજાવશે..
ગુર્જર ભૂમિનો મહિમા તો ખૂબ જ પ્રાચીન છે. ગુજરાત શાંતિ અને સમૃદ્ધિનું ચમકતું ચિહ્ન બનવા તરફ વધી રહ્યું છે ત્યારે તે ભારતને જ નહીં સમગ્ર વિશ્વને તે દિશામાં દોરશે… મને જરાય શંકા નથી કે ગુજરાતની ગાથા સ્વર્ણ અક્ષરે જ લખાશે! “
હું ગુજરાતમાં જન્મ્યો એટલે હું કહી શકુંઃ
“તારો બની ગગનમાં તરતો રહીશ હું!
ભોમથી બ્રહ્માંડમાં વિસ્તરતો રહીશ હું! “
ડો. કમલેશ લુલ્લાની જીવનકથાને શબ્દદેહ આપવા માટે દેવિકા ધ્રુવનો ખૂબ ખૂબ આભાર.
***