આંચલ ~ (વાર્તા) ~ જયશ્રી પટેલ ’જયુ’

આંચલ રોજ પટારો ખોલતી ને કંઈક અંદર જોતી ને હાથ ફેરવી તેનો સ્પર્શ કરી લેતી. ઓફિસે જતા હરેન આ જોતો, ક્યારેય પૂછતો નહિ. આંચલ સાથે  લગ્ન કર્યાને છ મહિના વીતી ગયા હતા. આંચલ તેના માબાપની પસંદ હતી. તેને મન સ્ત્રી એટલે લાગણીઓનું ભરપૂર એક પૂતળું.

વારંવાર આંખોની પાંપણ ભીની થઈ જવી, કંઈ ન બોલી, મૌન રહી આંખો વડે દુઃખ વ્યક્ત કરી લેવું, બધું સહન કરી સહનશીલ નારીનું બિરુદ પામી મનમાં પોરસાવું. બસ, મારા જેટલું કોઈ દુઃખી ન હોય તેવો ભાવ ચહેરા પર દેખાડ્યા કરવો વગેરે વગેરે. કોને ખબર એ મનથી થોડો નફિકરો ખરો. તેથી રાત્રે  રૂમમાં ભેગા થતાં ને શારીરિક સંબંધ બાંધી પડખું ફેરવી સૂઈ જતો. ક્યારેય એ પણ ન જોતો કે એ  પછી આંચલ શું કરે છે, કેટલા વાગે સૂતી કે સૂતી જ નથી તેના તો બે સેકન્ડમાં નસકોરાં બોલવા માંડતાં.

સવાર પડે ચાનાસ્તો પતાવી ડબો લઈ ચાલી નીકળતો. ન કદી ઓફિસથી ફોન કરતો કે ન ખાવાની પ્રશંસા. આંચલે પણ સ્વીકારી લીધું હતું કે તેમનો  સ્વભાવ આવો જ હશે. ન તે ફરિયાદ કરતી ન તે કંઈ માગણી કરતી.

એક દિવસ આંચલ ઊઠી થોડી મૂંઝવણમાં હતી. તેને આજે ઠીક નહોતું લાગતું. તેણે લાચારીભરી આંખે હરેન તરફ જોયું, કંઈક કહેવા માગતી હતી પણ બોલી ન શકી. તેને માને ફોન કરવો હતો. એ હરેનને કહી ન શકી, પછી નક્કી કર્યું કે નીચે પીસીઓમાં જઈ વાત કરી આવીશ. ઘરમાં ફોન નહોતો ન તેનો મોબાઈલ ફક્ત ઈન કમીંગ સર્વિસવાળો હતો.

એને આજે પહેલીવાર મા પર ચીઢ ચડી, દીકરી શું વિદાય કરી! કેમ છે? કેવી છે? પૂછવા પણ ફોન નહિ. જ્યારથી પિતાજી ગયા ત્યારથી મા પણ બદલાઈ જ ગઈ હતી ને ! તેને આખો દિવસ લાગતું- આ ભાર ઓછો કરું એટલે ગંગા નાહ્યાં.

જેવો હરેન નીકળ્યો કે તે નીચે ઉતરી તેણે પાસે પડેલા પાંચ-પચીસ  રૂપિયા હતા તે લઈ લીધા હતા. નીચે જઈ દુકાનવાળાને ફોન લગાડી આપવાનું  કહી વાગતી રીંગ સાંભળતી રહી. સામેથી રીંગ કપાઈ ત્યાં સુધી રાહ જોતી રહી.

બે વાર ત્રણ વાર આમ જ બન્યું. તે કંટાળી ઉપર જવા પાછી વળી તો સામે એક સુંદર યુવતી ઊભેલી દેખાઈ. તેણે એક મલકાતી નજર તેની પર નાખી ને રિસીવર ઊંચકી નંબર ડાયલ કરી વાતો કરવા લાગી. એનો બિંદાસ્ત નફિકરો અવાજ, મૂંઝવણ વગરનો ચહેરો ને વાતવાતમાં હસવું તેને આકર્ષી ગયાં.

એ સંકોચાઈ ને ઊભી રહી, જ્યાં પેલી યુવતીએ ફોન મૂક્યો ત્યાં તે યુવતી જ સામેથી બોલી ઊઠી, ”હાય, હું સૌમ્યા. સામેના મકાનમાં રહું છું, આપને મેં  ઘણીવાર બારી પકડી ઊભેલાં. અરે વિચારોમાં ગરકાવ જોયાં છે.”

એણે ખાલી હમમમમમ કરી ડોકું હલાવ્યું, સૌમ્યાએ પૂછ્યું, ”આપનું નામ? હરેનનાં પત્ની છો?”

આંચલ થોડા ખચકાટ સાથે બોલી, ”હા. તમે કેમ જાણ્યું?”

સૌમ્યા થોડું હસીને લંબાવેલો હાથ ઠાલો પાછો લઈ બોલી, ”હરેનના મા, મારા ઘરે મમ્મી સાથે બેસવા આવતાં. તેમણે કહેલું કે હરેનના લગ્ન લીધાં છે, મીંઢાં તો એટલા કે તમને લાવ્યાં તો આડોશીપાડોશીને મળાવ્યાં પણ નહિ, કોઈ આટલું એકલપંડુ કેવી રીતે હોઈ શકે.”

આંચલ ઝંખવાણી પડી ગઈ, ત્યાં તો સૌમ્યા જાણે વર્ષોથી ઓળખતી હોય તેમ તેની પીઠ પર ધબ્બો મારી બોલી, ”પ્લીઝ તમે એ મા-દીકરા જેવા ન થઈ જતાં. બીજાને ઘરે જવું પંચાત કરવી ને પોતાના ઘરની હવા પણ બહાર ન ફરકવા દેવી. ચાલો આજે તો તમે મને આઈસ્ક્રીમ ખવડાવી દો. નવી ઓળખાણ જો થઈ છે.”

સૌમ્યાએ બે ચોકોબારનો ઓર્ડર આપી લઈ લીધાં. તે પૈસા આપવા માંડી તો સૌમ્યાએ કહ્યું, ”રહેવા દો, હું જ આપી દઉં છું. તમે મારાં મહેમાન આજે.”

આંચલ તો આઈસ્ક્રીમ જોઈ રહી. અંતે રેપર ખોલી તે ખાવા લાગી, સવારથી ઉબકા ભરતું મન ખુશ થઈ ગયું. તેને લાગ્યું, ‘મારે શું આઈસ્ક્રીમ ખાવો હતો. તેથી માને ફોન કરવાનું બહાનું વિચારી નીચે આવી હતી?’

થોડું મન ખૂલ્યું. તેણે સૌમ્યાનો હાથ પકડી  કહ્યું, “મારું નામ આંચલ છે. તમારો આભાર. આઈસ્ક્રીમ ખાઈને સારું લાગ્યું. તમને કેવી રીતે ખબર  કે મારે આઈસ્ક્રીમ જ ખાવો હતો.”

સૌમ્યા ખડખડાટ હસી પડી ને આંચલના હાથને પકડી હચમચાવી નાખ્યો.  “અરે, દોસ્ત ! હું તો આવી જ છું!”

બન્ને મકાનનાં પગથિયાં ચઢી વાતો કરતાં કરતાં પોતપોતાના ફ્લોર પર પહોંચી ગયાં. ફરી ક્યારે મળશું, ક્યાં કશું જ પૂછ્યા કહ્યાં વગર. ફરી રૂમમાં જઈ તેણે પટારો ખોલ્યો ને આજે હસતે મોઢે સ્પર્શ કરી તે બંધ કરી, ગણગણતાં કામ કરવા લાગી.

સાંજે હરેન આવ્યો. તેણે ઘરમાં ફેરફાર જોયા, ઘર સુઘડ ને સાફસુથરું હતું. રસોઈ તૈયાર હતી ને આંચલનાં  ચહેરા પર એક અજબ મલકાટ હતો. કોને ખબર આ બદલાવ તેને પણ ગમ્યો. પહેલીવાર તેણે આંચલ સામે જોઈ કહ્યું,” બહુ ખુશ લાગે છે, કંઈ થયું છે.”

આંચલને મનમાં થયું કે કહી દઉં મને એક પોતાની વ્યક્તિ મળી. કોને ખબર એક ડર તેને એમ કરતાં રોકીરહ્યો. તે ચૂપ રહી, પણ હરેને તેને પાસે ખેંચી એક ચુંબન  કરી દીધું.  અચાનક થયેલા આ હુમલાથી તે ધ્રૂજી ગઈ.

તેને યાદ આવ્યું; રાત્રે સોમીમાસીને ત્યાંથી પાછી ફરતી હતી ત્યારે સોહિલે અંધારાનો લાભ લઈ તેને આવું જ ચુંબન કર્યું હતું. ત્યારે  તેની ઉંમર માંડ ચૌદ વર્ષની હતી, તેને એ ગમ્યું કે ન ગમ્યું કાંઈ જ સમજ નહોતી પડી. હા, સોહિલ જરૂર ગમવા લાગ્યો હતો. છાનાંમાનાં મળતાં બન્ને જણ, પણ સોહિલ તેના શરીર સાથે જ રમતો.

એકવાર બાપુ જોઈ ગયા. ગામમાં બાપુની કેટલી આબરુ હતી, બાપુએ એક ઓરડે તેને બેસાડી સમજાવી હતી, ખીંટીએ લટકાવેલી દાદાની પાઘડી મારાં ચરણોમાં મૂકી કરગર્યા હતા. તે દિવસથી સખ્ત ચોકીપહેરા નીચે શાળામાં જવાનું ઘરે આવવાનું ને ચૂપચાપ ઘરમાં કામ કર્યા કરવાનું, એ જ એની જિંદગી બની ગઈ હતી.

મા પણ ક્યાં સગાં મા હતાં! તેઓ તો અપર મા હતાં. બાપુએ તેમને ગંધ પણ ન આવવા દીધી હતી. એ દિવસથી સોહિલ ગામમાં ન દેખાયો.

તપાસ કરતાં ખબર પડી કે તેને તો મામાને ત્યાં ભણવા મૂકી દીધો ને અમૃતકાકી ને કાકાએ અમારી સાથે બોલવાનું જ બંધ કરી દીધું હતું.

હજુ તો સત્તર વર્ષ પૂરાં થયાં ને મા તેમના આ ઓળખતાં હરેનના મા બાપ સાથે નક્કી કરી આવ્યાં. બાપુ પરગામ ગયાને વરસ પણ નહોતું થયું.
તે પરણીને આવી ગઈ, વિદાયની રાત્રે તેં છાનીમાની પેલી પાઘડી ખીંટીએથી ઉતારી બે સાડી વચ્ચે છુપાવી પટારામાં લઈ આવી હતી. મૂંઝારો અનુભવતી ત્યારે બાપુને સ્પર્શી લેતી. એક દિવસ ઊઠી તો જોયું હરેન એ પટારાને ખોલી ઊભો હતો, તેમાં કાંઈ જ નથી તો એ રોજ શું જુએ છે,શું સ્પર્શે છે એને સમજાયું નહિ.

આંચલને કાલે જ સૌમ્યા ફરી નીચે મળી હતી, તેણે સૌમ્યાને પૂછ્યું હતું,” અહીં કોઈ લેડી ડોક્ટર છે, મનેએક મહિના ઉપર દસ દિવસ થયાં છે ને જીવ મૂંઝાયા કરે છે.”

સૌમ્યા તેને તેની મિત્ર ડોક્ટર પાસે લઈ ગઈ હતી. તેણે કહ્યું હતું,” હમણાં તો ચોક્કસ ન કહી શકું  પણ તમે મા બનવાનાં છો.”

કોને કહું આ વાત, હરેનને કહેવા જેટલી નિકટતા કેળવી શકી નહોતી, કારણ જ્યારે તે તેને અડકતો ત્યારે તે સોહિલના એ સ્પર્શની યાદ તાજી થતી ને તે ધ્રૂજી ઊઠતી.

આજે પટારો ખોલી ઊભેલો જોઈ બોલી ઊઠી,”શું શોધો છો? અંદર કંઈ નથી.”

હરેન બોલ્યો, “ હા, અહીં તો ફક્ત ને ફક્ત આ પાઘડી જ છેને તારાં જૂનાં કપડાં. તું શું સ્પર્શતી હતી?”

“આ મોભાદાર અમારી વારસાગત પાઘડી, જેનો વારસદાર મારી કૂખમાં આકાર લઈ રહ્યો છે, તમે પિતા બનવાનાં છો.”

એક આશ્ચર્યની નજરે હરેન જોતો રહ્યો. તે વિચારતો રહ્યો. ચૂપચાપ ચુપચાપ રહેનારી આંચલ  આટલી ચંચળ કેવી રીતે થઈ ગઈ.

ત્યાં અચાનક દરવાજા પર સૌમ્યા આવીને બોલી, ”કન્ફર્મ છે, આંચલ, તારો આંચલ પકડનાર આવી રહ્યું છે.”

હરેન બે ઘડી સૌમ્યાને જોતો રહ્યો, પોતાના લીધે જ એણે સૌમ્યાનું અબોર્શન કરાવ્યું હતું અને તે જ તેના પિતા બનવાનાસમાચાર લઈને આવી હતી.

કંઈ વિચારે તે પહેલાં પેલી પાઘડી હરેનને  “ઉન્માદી” પાઘ*** જેવી લાગી તેને ઊંચકી તે સૌમ્યા સામે જોતો રહ્યો. સૌમ્યા પલટવારમાં ભીંજાતી પાંપણે દોડી ગઈ.
**********
*//૨૬*
વડોદરા
[email protected]

***પાઘગુજરાતી શબ્દ “પાઘ” (અથવા પાઘડી)નો મૂળ અર્થ માથા પર બાંધવામાં આવતું વસ્ત્ર, એટલે કે પગડી / Turban થાય છે.પરંતુ ગુજરાતી ભાષા અને સાહિત્યમાં “પાઘ” શબ્દના કેટલાક રૂપક અર્થો પણ છે:
૧. માન-મર્યાદા, આબરૂ, સન્માન – ઉદાહરણ: “ગામની પાઘ રાખવી” એટલે ગામની પ્રતિષ્ઠા જાળવવી. “પાઘ ઉતારવી” એટલે અપમાન કરવું અથવા માનભંગ કરવો.
૨. સન્માનનું પ્રતીક – અગાઉ રાજાઓ, દરબારો અથવા સમુદાયોમાં વિશેષ સન્માન આપવા માટે પાઘ બાંધવામાં આવતી હતી. “પાઘ પહેરાવવી” એટલે સન્માનિત કરવું.
૩. જવાબદારી અથવા નેતૃત્વનું પ્રતીક – કેટલીક જગ્યાએ *“પાઘ બાંધવી”*નો અર્થ કોઈ વ્યક્તિને કુટુંબ કે સમાજની જવાબદારી સોંપવી એવો પણ થાય છે.
૪. લોકપ્રયોગો –
પાઘ રાખવી = માન-મર્યાદા જાળવવી.
પાઘ ઉતારવી = અપમાન કરવું.
પાઘ પહેરાવવી = સન્માન કરવું.
પાઘ બાંધવી = જવાબદારી અથવા નેતૃત્વ સોંપવું.
ગુજરાતી લોકસાહિત્યમાં “પાઘ” માત્ર માથાનું વસ્ત્ર નથી, પરંતુ ગૌરવ, સ્વાભિમાન અને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.