બિંદા (વાર્તા) ~ મહાદેવી વર્મા ~ અનુ. મિતા ગોર મેવાડા
ભયભીત આંખોવાળી એ દુર્બળ, નાની અને જાતને સંકોચીને બેઠેલી બાળકી પર દ્રષ્ટિ નાખીને મેં સામે બેઠેલા સજ્જનને તેમનું ભરેલું પ્રવેશપત્ર પાછું આપતા કહ્યું – ‘તમે ઉંમર બરાબર નથી લખી. સુધારી દો, નહીં તો પાછળથી મુશ્કેલી પડશે.’
‘ના, આ તો ગયા અષાઢમાં ચૌદ વર્ષની થઈ ચૂકી છે’, એ સાંભળીને મેં આશ્ચર્ય સાથે મારી એ ભાવિ વિદ્યાર્થિનીને બરાબર જોઈ. નહોતી એનામાં નવ વર્ષની બાળકી જેવી સરળ ચંચળતા કે નહોતો ચૌદ વર્ષની કિશોરીનો લજ્જાભર્યો ઉત્સાહ. એ બંનેથી એ જાણે અપરિચિત હતી.
તેની માતા વિશેની મારી જિજ્ઞાસા સ્વગત ન રહેતા પ્રગટ થઈ ગઈ હશે, કારણ કે બીજી તરફથી કંઈક અસ્પષ્ટ ઉત્તર મળ્યો – ‘મારી બીજી પત્ની છે, અને તમે તો જાણતા જ હશો…’
અને તેમના વાક્યને અડધું સાંભળીને જ મારું મન સ્મૃતિઓના ચિત્રપટમાં બે યુગથી વધુ સમયથી ધૂળ ખાતું ‘બિંદા’ અથવા ‘વિંધ્યેશ્વરી’ના ધૂંધળા ચિત્ર પર આંગળી મૂકીને કહેવા લાગ્યું – જાણું છું, બરાબર જાણું છું.
બિંદા મારી બાળપણના એ સમયની સખી હતી, જ્યારે હું જીવન અને મૃત્યુ વચ્ચેનો અતૂટ સંબંધ જાણતી નહોતી. મારા નાના અને દાદીના સ્વર્ગવાસની વાતો સાંભળીને મેં ખૂબ ગંભીરતાથી સાંત્વના આપતા કહ્યું હતું કે જ્યારે મારું માથું કપડાં રાખવાના કબાટને અડવા લાગશે, ત્યારે હું જરૂર એકવાર તેમને જોવા જઈશ.
મારા આ પુણ્ય સંકલ્પનો વિરોધ કરવાની ન તો કોઈને ઈચ્છા થઈ કે ના મને એકવાર મરીને ક્યારેય પાછા ન આવી શકવાનો નિયમની જાણ થઈ. આટલી નાની ઉંમરમાં, નાના-નાના અસમર્થ બાળકોને છોડીને મરી જનારી માતાની કલ્પના મારી બુદ્ધિમાં ક્યાંથી આવે? મારો સંસારનો અનુભવ પણ ખૂબ જ ટૂંકો હતો.
નાદાનાવસ્થાથી મારો સાથ આપનારી સફેદ કૂતરી – સીડીઓની નીચેની અંધારી કોઠરીમાં આંખો મીંચીને પડેલા બાળકોની એટલી સભાન ચોકીદાર બની જતી કે તેનું ઘૂરકવું મારી મમતાભરી મૈત્રી પર પાણી ફેરવી દેતું. ભૂરી બિલાડી પણ પોતાના ઉંદર જેવા નિઃસહાય બાળકોને તીક્ષ્ણ દાંતમાં એવી કોમળતાથી દબાવીને લાવતી અને જતી કે તેમને એક દાંત પણ નહોતો વાગતો.
છતની ઉપરના ખૂણામાં કબૂતરોનો અને મોટી તસવીર પાછળ ચકલીનો જે માળો હતો, તેમાં બચ્ચાની ખુલેલી નાની-નાની ચાંચો અને તેમાં સાવધાનીથી ભરાતા દાણા અને કીડા-મકોડાને પણ મેં ઘણી વાર જોયા હતા. વાછરડાંને હટાવતી વખતે ભાંભરી-ભાંભરીને આખા ઘરને આ દુઃખદ સમાચાર સંભળાવનારી અમારી શ્યામા ગાયની વ્યાકુળતા પણ મારાથી છુપી નહોતી.
એક બાળકને ખભાથી ચિપકાવેલું અને એકની આંગળી પકડીને જે ભિખારણ દ્વારે-દ્વારે ફરતી હતી, તે પણ તો બાળકો માટે જ કંઈક માંગતી રહેતી હતી. તેથી મેં નિશ્ચિતપણે સમજી લીધું હતું કે સંસારનો બધો કારભાર, બાળકોને ખવડાવવા-પીવડાવવા, સુવડાવવા વગેરે માટે જ થઈ રહ્યો છે અને આ મહત્વપૂર્ણ કાર્યમાં ભૂલ ન થવા દેવાનું કામ ‘માતા’ નામધારી જીવોને સોંપવામાં આવ્યું છે.
બિંદાને પણ માતા તો હતી જેને સૌ ચંપા ગોરાણી અને બિંદા ‘નવી મા’ કહેતી હતી. તેઓ પોતાના ગોરા, જાડા શરીરને રંગીન સાડીથી સજાવીને, ચારપાઈ પર બેસીને, ફૂલેલા ગાલ અને ચપટી નાકની બંને બાજુ વાદળી કાચના બટન જેવી ચમકતી આંખોવાળા મોહનને તેલ ચોળતાં રહેતાં હતાં.
તેમની વિશિષ્ટ રીતથી સંવારેલી સેંથીની વચ્ચે લાલ શાહીની જાડી લકીર જેવું સિંદૂર, ઊંઘતી આંખોમાં કાળા દોરા સમાન કાજળ, ચમકીલા કાનના ફૂલ, ગળાની માળા, નંગવાળી રંગબેરંગી બંગડીઓ અને ઘૂઘરીવાળા બિછિયા મને ખૂબ ગમતા હતા, કારણ કે આ બધા અલંકારો તેમને ઢીંગલી જેવા બનાવી દેતા હતાં.
આ બધું તો ઠીક હતું; પણ તેમનો વ્યવહાર વિચિત્ર લાગતો હતો. શિયાળાના દિવસોમાં જ્યારે અમને તડકો નીકળ્યા પછી જગાડવામાં આવતા, ગરમ પાણીથી હાથ-મોઢું ધોવડાવી મોજાં, જૂતાં અને ઊની કપડાંથી સજાવવામાં આવતા અને મનાવી મનાવીને હૂંફાળું દૂધ પીવડાવવામાં આવતું, ત્યારે પડોશના ઘરમાં ચંપાકાકીનો અવાજ ઊંચો ને ઊંચો થતો રહેતો.
જો કે એ ગર્જના-તર્જનાનો કોઈ અર્થ સમજમાં ન આવતો હોત, તો હું તેને શ્યામા ગાયના ભાંભરવા સમાન સ્નેહનું પ્રદર્શન સમજત; પરંતુ તેની શબ્દાવલી પરિચિત હોવાને કારણે જ કંઈક મૂંઝવણ પેદા થતી. ‘ઉઠે છે કે આવું’, ‘બળદ જેવી આંખો શું કાઢે છે’, ‘મોહનનું દૂધ ક્યારે ગરમ થશે’, ‘અભાગણી મરતી પણ નથી’, વગેરે વાક્યોમાં જે કઠોરતા વહેતી રહેતી, તેને મારું અબોધ મન પણ જાણી લેતું હતું.
ક્યારેક ક્યારેક જ્યારે હું ઉપરની છત પર જઈને એ ઘરની કથા સમજવાનો પ્રયત્ન કરતી, ત્યારે મને મેલી સાડી લપેટેલી બિંદા જ આંગણાથી રસોડા સુધી ભમરડાની જેમ નાચતી દેખાતી. ક્યારેક સાવરણી ફેરવવી, ક્યારેક આગ પેટાવવી, ક્યારેક આંગણાના નળથી ઘડામાં પાણી લાવવું, ક્યારેક નવી માને દૂધનો વાટકો આપવા જવું, મને જાદુગરના તમાશા જેવું લાગતું હતું; કારણ કે મારા માટે તો એ બધા કાર્યો અસંભવ હતા. પણ જ્યારે એ વિસ્મિત કરી દેનારા કૌતુકની ઉપેક્ષા કરી ચંપાકાકીનો કઠોર અવાજ ગુંજવા લાગતો, ત્યારે ન જાણે કયા દુઃખની છાયા મને ઘેરી લેતી હતી.
જેના ડહાપણનું ઉદાહરણ આપીને મારા તોફાન રોકવામાં આવતા હતા, તે જ બિંદા ઘરમાં છાનામાના કયું તોફાન કરતી રહે છે, તે ઘણો પ્રયત્ન કરવા છતાં પણ હું સમજી શકતી નહોતી. હું એક પણ કામ કરતી નહોતી અને રાત-દિવસ તોફાન મચાવતી રહેતી; પણ મને તો માએ ન મરી જવાની આજ્ઞા આપી અને ન આંખો કાઢી લેવાનો ભય બતાવ્યો.
એક વાર મેં પૂછ્યું પણ ખરું – ‘આ ચંપાકાકી તમારી જેવી કેમ નથી?’ માને મારી વાતનો અર્થ સમજાયો કે નહીં એ તો ખબર નથી પણ તેમના ટૂંકા ‘છે’થી ન તો બિંદાની સમસ્યાનો ઉકેલ આવી શક્યો અને ન તો મારી મૂંઝવણ ઉકેલાઈ.
બિંદા મારાથી થોડી જ મોટી હશે; પરંતુ તેનું ઠીંગણાપણું જોઈને એવું લાગતું હતું, જાણે કોઈએ ઉપરથી દબાવીને તેને થોડી નાની કરી દીધી હોય. બે પૈસામાં આવતી ખંજરી પર ચઢાવેલી પતલી ચામડી જેવા સુકાયેલા અને અંદરની લીલી નસોની ઝલક આપતા તેના દુબળા હાથ-પગ ન જાણે કયા અજ્ઞાત ભયથી નિસ્તેજ રહેતા હતા.
ક્યાંકથી થોડો અવાજ થતા જ તેનું વિચિત્ર રીતે ચોંકી પડવું અને ચંપાકાકીનો અવાજ કાને પડતા જ તેના આખા શરીરનું ધ્રૂજી ઉઠવું, મારા વિસ્મયને વધારતું જ નહોતું, પણ તેને ભયમાં બદલી નાખતું હતું. અને બિંદાની આંખો તો મને પાંજરામાં પુરાયેલી ચકલીની યાદ અપાવતી હતી.
એકવાર જ્યારે બે-ત્રણ કરીને તારા ગણતા-ગણતા તેણે એક ચમકીલા તારા તરફ આંગળી ઉઠાવીને કહ્યું – ‘તે રહી મારી મા’, ત્યારે તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. શું બધાની એક મા તારામાં હોય છે અને એક ઘરમાં?
પૂછવા પર બિંદાએ જ્યારે પોતાના જ્ઞાન-કોષમાંના થોડાક અંશો મને આપ્યા ત્યારે હું સમજી કે જે માને ઈશ્વર બોલાવી લે છે, તે તારો બનીને ઉપરથી બાળકોને જોતી રહે છે અને જે બહુ સજીધજીને ઘરમાં આવે છે, તે બિંદાની નવી મા જેવી હોય છે.
મારી બુદ્ધિ સહેલાઈથી હાર સ્વીકારે તેવી નહોતી એટલે મેં વિચારીને કહ્યું – ‘તું નવી માને જૂની મા કેમ નથી કહેતી? પછી તે ના નવી રહેશે અને ના ખિજાશે.’
બિંદાને મારો ઉપાય કંઈ ગમ્યો નહીં, કારણ કે તે તો પોતાની જૂની માને ખુલ્લી પાલખીમાં સૂઈને જતાં અને નવીને બંધ પાલખીમાં બેસીને આવતા જોઈ ચૂકી હતી.
પરંતુ તેની કથાથી મારું મન તો ખરેખર વ્યાકુળ થઈ ગયું, તેથી તે જ રાત્રે મેં માને ખૂબ આજીજીપૂર્વક કહ્યું – ‘તું ક્યારેય તારો ન બનતી, ભલે ભગવાન કેટલોય ચમકીલો તારો બનાવે.’ મા બિચારી મારી વિચિત્ર મુદ્રા પર વિસ્મિત થઈને કંઈ બોલી પણ ન શકી ત્યાં તો મેં મારો આશય પ્રગટ કરી દીધો – ‘નહીં તો, ચંપાકાકી જેવી નવી મા પાલખીમાં બેસીને આવી જશે અને પછી મારું દૂધ, બિસ્કિટ, જલેબી બધું બંધ થઈ જશે – અને મારે બિંદા બનવું પડશે.’
માનો ઉત્તર તો મને યાદ નથી, પણ એટલું યાદ છે કે તે રાત્રે તેની સાડીનો છેડો મુઠ્ઠીમાં દબાવીને જ હું સૂઈ શકી હતી.
બિંદાના અપરાધ તો મારા માટે અજ્ઞાત હતા; પણ ચંપાકાકીના ન્યાયાલયમાંથી મળતા દંડના બધા રૂપોથી હું પરિચિત થઈ ચૂકી હતી. ઉનાળાની બપોરે મેં બિંદાને આંગણાની તપતી ધરતી પર વારંવાર પગ ઉઠાવતા અને મૂકતા કલાકો સુધી ઊભેલી જોઈ હતી, રસોડાના થાંભલા સાથે આખો-આખો દિવસ બાંધેલી જોઈ હતી અને ભૂખથી કરમાયેલા મોઢા સાથે કલાકો સુધી નવી મા અને પારણામાં સૂતા મોહન પર પંખો નાખતી જોઈ હતી.
તેને અપરાધનો જ નહીં, અપરાધના અભાવનો પણ દંડ સહન કરવો પડતો હતો અને એટલે જ પંડિતજીની થાળીમાં ચંપાકાકીનો જ કાળો જાડો અને વાંકડિયો વાળ નીકળવા છતાં પણ દંડ બિંદાને મળ્યો.
તેના નાના-નાના હાથોથી ધોઈ ન શકાય તેવા, ગૂંચવાયેલા, તેલ વગરના વાળ પણ તેનાં કુદરતી ભૂખરાપણાં અને કોમળતાને કારણે મને બહુ ગમતા હતા. જ્યારે ચંપાકાકીની કાતરે તેમને કચરાના ઢગલા પર વિખેરીને તેના સ્થાને બિલાડીની કાળી ધાર જેવી રેખાઓ ભરી દીધી ત્યારે મને રડવું આવવા લાગ્યું; પણ બિંદા એવી રીતે બેસી રહી, જાણે માથું અને વાળ બંને નવી માના જ હોય.
મને એક દિવસ યાદ આવે છે. ચૂલા પર ચઢાવેલું દૂધ ઉભરાઈ રહ્યું હતું. બિંદાએ નાના-નાના હાથે દૂધનું તપેલું ઉતાર્યું ખરું; પણ તે તેની આંગળીઓમાંથી છટકીને પડી ગયું. ઉકળતા દૂધથી દાઝેલા પગ સાથે દરવાજે ઊભેલી બિંદાનું રડવું જોઈ હું તો હતપ્રભ થઈ ગઈ.
ચંપાકાકીને કહીને તે દવા કેમ નથી લગાવતી, તે સમજવું મારા માટે મુશ્કેલ હતું. તેવામાં જ્યારે બિંદા મારો હાથ પોતાના જોરથી ધડકતા હૃદય સાથે લગાવીને ક્યાંક છુપાવી દેવા માટે કરગરવા લાગી, ત્યારે મારા માટે તો આ બધું રહસ્યકથા જેવું બની ગયું.
તેને હું મારા ઘરમાં ખેંચી લાવી ખરી; પણ ન ઉપરના માળે મા પાસે લઈ જઈ શકી અને ન છુપાવવાની જગ્યા શોધી શકી. એટલામાં દીવાલો ઓળંગીને આવતા ચંપાકાકીના ઉગ્ર અવાજે ભયથી અમારી દિશાઓ રુંધી દીધી.
ઉતાવળમાં અમે બંને એ કોઠારમાં ઘૂસી ગયા, જેમાં ગાય માટે ઘાસ ભરેલું હતું. મને તો ઘાસના પાંદડા પણ ખૂંચી રહ્યા હતા, કોઠારનો અંધકાર પણ કષ્ટ આપી રહ્યો હતો; પણ બિંદા પોતાના દાઝેલા પગને ઘાસમાં છુપાવીને અને બંને ઠંડા હાથોથી મારો હાથ દબાવીને એવી રીતે બેઠી હતી, જાણે ઘાસનો ખૂંચતો ઢગલો રેશમી બિછાનું બની ગયો હોય.
હું તો કદાચ સૂઈ ગઈ હતી; કારણ કે જ્યારે ઘાસ કાઢવા માટે આવેલો ગોપી આ અભૂતપૂર્વ દ્રશ્યની ઘોષણા કરવા માટે કોલાહલ મચાવવા લાગ્યો, ત્યારે મેં આંખો ચોળતા પૂછ્યું, ‘શું સવાર પડી ગઈ?’
માએ બિંદાના પગ પર તલનું તેલ અને ચૂનાનું પાણી લગાવીને જ્યારે પોતાના ખાસ સંદેશવાહક સાથે તેને ઘરે મોકલી દીધી, ત્યારે તેની શું હાલત થઈ, તે કહેવું મુશ્કેલ છે; પણ એટલું તો હું જાણું છું કે ચંપાકાકીના ન્યાય વિધાનમાં ન તો દયાનું સ્થાન હતું, ન અપીલનો અધિકાર.
પછી થોડા દિવસો સુધી મેં બિંદાને ઘર-આંગણામાં કામ કરતી જોઈ નહીં. તેના ઘરે જવા માટે માએ મને રોકી દીધી હતી; પણ તેઓ અવારનવાર થોડાક દ્રાક્ષ અને સફરજન લઈને ત્યાં જઈ આવતા હતા.
બહુ વિનંતી કરવા પર રુકિયાએ જણાવ્યું કે એ ઘરમાં ‘મહારાણી’ આવ્યા છે. ‘શું તેઓ મને મળશે નહીં?’ મારા એમ પૂછવા પર તે મોઢામાં કપડું ઠાંસીને હસવું રોકવા લાગી. જ્યારે મારા મનનું કોઈ સમાધાન ન થઈ શક્યું, ત્યારે હું એક દિવસ બપોરે બધાની નજર બચાવીને બિંદાના ઘરે પહોંચી.
નીચેના સુમસામ ભાગમાં બિંદા એકલી એક ખાટલા પર પડી હતી. આંખો ખાડામાં ઉતરી ગઈ હતી, મોઢું ઓરીના દાણાથી ભરાઈને ન જાણે કેવું થઈ ગયું હતું.
ડૉક્ટર, દવાની શીશીઓ, માથું પંપાળતી મા અને પલંગની આસપાસ આંટા મારતા બાબુજી વગર પણ બીમારીનું અસ્તિત્વ છે, તે હું જાણતી નહોતી એટલે એકલી બિંદા પાસે ઊભી રહીને હું વિસ્મિત થઈને ચારેબાજુ જોતી રહી ગઈ. બિંદાએ જ કંઈક સંકેત અને અસ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે નવી મા મોહન સાથે ઉપરના માળે રહે છે, કદાચ ઓરીના ડરથી. સવાર-સાંજ બરોની આવીને તેનું કામ કરી જાય છે.
પછી તો બિંદાને જોવું અસંભવ બની ગયું; કારણ કે મારા આ આજ્ઞા ઉલ્લંઘનથી મા બહુ ચિંતિત થઈ ગઈ હતી.
એક દિવસ સવારે જ રુકિયાએ તેમને ન જાણે શું કહ્યું કે તેઓ રામાયણ બંધ કરી વારંવાર આંખો લૂછતાં બિંદાના ઘરે ચાલી નીકળ્યાં. જતાં જતાં તેઓ મને બહાર ન નીકળવાનો આદેશ આપવાનું ભૂલ્યા નહોતાં એટલે મારા માટે આમતેમ ડોકિયું કરીને જોવું જરૂરી બની ગયું.
રુકિયા મારા માટે ત્રિકાલદર્શીથી ઓછી નહોતી; પરંતુ તે ખાસ વિનંતી વિના કંઈ કહેતી જ નહોતી અને તેની પાસે વિનંતી કરવી મારા આત્મ-સન્માનની વિરુદ્ધ હતું. તેથી બારીમાંથી ડોકિયું કરીને હું બિંદાના દરવાજે ભેગા થયેલા માણસો સિવાય બીજું કંઈ જોઈ શકી નહીં અને આ પ્રકારની ભીડનો લગ્ન અને જાન સાથે જે સંબંધ છે તેટલું જ હું જાણતી હતી.
તો શું એ ઘરમાં લગ્ન થઈ રહ્યા છે, અને થઈ રહ્યા છે તો કોના? વગેરે પ્રશ્નો મારી બુદ્ધિની પરીક્ષા લેવા લાગ્યા. પંડિતજીના લગ્ન તો ત્યારે થશે, જ્યારે બીજી કાકી પણ મરીને તારો બની જશે અને બેસી પણ ન શકનારા મોહનના લગ્ન શક્ય નથી, આ વિચારીને હું એ નિષ્કર્ષ પર પહોંચી કે બિંદાના લગ્ન થઈ રહ્યા છે. અને તેણે મને બોલાવી પણ નહીં આ અકલ્પનીય અપમાનથી આહત થયેલું મારું મન બધી ઢીંગલીઓને સાક્ષી બનાવીને બિંદાને કોઈ પણ શુભ કાર્યમાં ન બોલાવવાની પ્રતિજ્ઞા કરવા લાગ્યું.
કેટલાય દિવસ સુધી બિંદાના ઘરે ડોકિયું કરીને જ્યારે મેં માને તેના સાસરેથી પાછા ફરવા અંગે પ્રશ્ન કર્યો ત્યારે ખબર પડી કે તે તો પોતાની આકાશવાસીની મા પાસે જતી રહી હતી.
તે દિવસથી હું અવારનવાર ચમકીલા તારાની આસપાસ ફેલાયેલા નાના તારાઓમાં બિંદાને શોધતી રહેતી; પણ આટલી દૂરથી ઓળખવું શું શક્ય હતું?
એ પછી કેટલો સમય વીતી ચૂક્યો છે, પણ બિંદા અને તેની નવી માની વાર્તા પૂરી નથી થઈ. ક્યારેય થઈ શકશે કે નહીં, તે કોણ કહી શકે?
***