|

ઉઘાડા પગે ~ વાર્તા ~ ગિરિમા ઘારેખાન

‘પપ્પા, શાન્તુકાકા ગયા.’ ચાનો ખાલી કપ લેવા આવેલા વિરલે શરદભાઈને ધીમેથી કહ્યું.

‘હેં! ક્યારે? તને કોને કહ્યું?’ શરદભાઈના  ધ્રુજતા હાથમાંથી કપ-રકાબી છટકી ગયાં. એના ટુકડા ખણણણ અવાજ સાથે ચારેબાજુ વેરાયાં.

‘રાત્રે ઊંઘમાં જ હાર્ટ ફેઈલ થઇ ગયું. તમે બાથરૂમમાં હતા ત્યારે એમને ઘેરથી ફોન આવ્યો હતો.’ વિરલે શરદભાઈની બાજુમાં બેસીને એમના વાંસા ઉપર હાથ મૂકતાં કહ્યું.

જયશ્રી દોડીને ઝાડુ અને સુપડી લઈ આવી. ‘ પપ્પા, પગ ઉપર લઈ લો, કાચ વાગશે. હમણાં નીચે ઉતરતા નહીં.’

‘પણ મારે તો શાન્તુને ઘેર જવું છે.’ શરદભાઈનો અવાજ એકદમ બાળક જેવો થઈ ગઈ હતો.

‘પપ્પા,  હજુ વાર છે. કાકાને તો છેક આઠ વાગે કાઢવાના છે, બધા ભેગા થાય પછી.’

‘કાઢવાના છે?’ શરદભાઈએ કહ્યું તો વિરલને પણ એમની નજર હવામાં હતી, જાણે દૂર દૂર કંઈક જોતા હોય.

જયશ્રીએ વિરલ સામે આંખો કાઢી. ‘સોરી પપ્પા, વિદાય કરવાના છે.’ વિરલે પપ્પાના વાંસામાં હાથ ફેરવતા કહ્યું. અડધી સદીથી પણ વધારે જુનો જીગરી દોસ્ત જાય ત્યારે પપ્પાને શું થતું હશે એ વિરલ સમજી શકતો હતો. એને અત્યારે એના પપ્પાના બી.પી. ની ચિંતા થતી હતી.

‘પપ્પા, પ્લીઝ પગ ઉપર લઈ લો ને.’ જયશ્રીએ બીજી વાર કહ્યું. પલંગ ઉપર સહેજ અંદર ખસીને શરદભાઈએ પગ હવામાં લટકાવ્યા. અત્યારે એ પણ કોઈ આધાર વિના હવામાં લટકી ગયા હોય એવું એમને લાગતું હતું. જયશ્રી કાચના ટુકડા ભેગા કરતી રહી. વિરલ બીજા બે-ત્રણ ઓળખીતાઓને ફોન કરીને આ ખબર આપવા માટે અંદર ગયો.

શરદભાઈ ક્યાંય સુધી પોતાના લટકતા પગ સામે તાકી રહ્યાં. ધીમે ધીમે એ પગ નાના થઈને એક દસ વર્ષના બાળકના પગ બની ગયાં. મન હોડી બનીને ભૂતકાળના અફાટ મહાસાગરની સફરે ઉપડ્યું.

એ દિવસે સ્કૂલથી પાછા ફરતાં અચાનક એમની ચંપલ તૂટી ગઈ હતી. બપોરના એક વાગે રસ્તા ખાસ્સા તપી  ગયેલા હતા. ઊઘાડા પગે ચાલવાની ટેવ બિલકુલ ન હતી. ખભે દફતર અને હાથમાં તૂટેલી ચંપલ લઈને એ   સ્કૂલની નજીકમાં એક છાંયડાવાળી જગ્યા જોઇને ઊભા રહી ગયા હતા. હવે ઘેર કેવી રીતે જવાશે એની ફિકર હતી. ત્યારે એમના જ ધોરણમાં બીજા વર્ગમાં ભણતો શાંતુ ત્યાંથી નીકળ્યો. બંનેના ઘર નજીક નજીક હતાં, પણ શાંતુ ક્યારેય ઘરની બહાર રમતો દેખાતો જ નહીં, એટલે ખાસ ઓળખાણ ન હતી.

શાંતુ એમને જોઈને એકદમ ઊભો રહી ગયો હતો.

‘શું થયું? કેમ અહીં ઊભો છે? ઘેર નથી આવવું?’

‘ચંપલ તૂટી ગઈ. પગ બહુ બળે છે. શું કરું? ઘેર કેવી રીતે જઉં?’ શરદનો અવાજ રડમસ હતો.

‘અરે, એમાં શું? હું તો ક્યારેય ચંપલ પહેરતો જ નથી. કંઈ ન થાય.’

શરદની નજર શાંતુના પગ ઉપર ગઈ. સાચે જ પગમાં ચંપલ ન હતાં. એને સમજાયું નહીં કે ચંપલ પહેર્યા વિના ઘરની બહાર પગ જ કેવી રીતે મૂકાય!  મોહલ્લામાં થપ્પો કે એવું કંઈઇક રમતા હોઈએ તો અલગ વાત છે.

‘તને પગ બળતા નથી? રસ્તા તો કેટલા બધા ગરમ છે!’

‘શરદ, જો મારી જેમ કર. તડકો હોય ત્યાં દોડવાનું અને પછી ઝાડ કે મકાનનો છાંયડો આવે ત્યાં ઊભા રહીને થાક ખાવાનો. દોડવાનું પણ સડકની વચ્ચે નહીં, બાજુમાં ધૂળ ઉપર, એટલે પગ ઓછા બળે. દોડવાની હરીફાઈ કરતાં જઈશું એટલે જલ્દી પહોંચી જવાશે. ચલ, આવવું છે?’ શાંતુ એવી રીતે બોલતો હતો જાણે ચંપલ વિના ચાલવું એ જ સ્વાભાવિક હોય.

શરદ સહેજ અચકાયો, પણ શાંતુ સાથે ગયા વિના છૂટકો ન હતો. એણે શાંતુ સાથે દોડવા માંડ્યું. પગ બહુ બળવા માંડે એ પહેલાં તો છાંયડો મળી જતો હતો. ખાસ તકલીફ ન પડી, ઘેર પહોંચી જવાયું.

બીજે દિવસે ચંપલ હતી તો પણ એ આગલા દિવસની જગ્યાએ ઊભો રહ્યો. શાંતુ એને જોઈને ઊભો રહી ગયો.

‘કેમ? આજે તો તેં ચંપલ પહેરી છે!’

‘હા, પણ તારી સાથે દોડવું છે. મજા આવે છે. આજે તો હું તારાથી ફાસ્ટ દોડવાનો.’

ચંપલ પહેરીને દોડવું ફાવતું ન હતું એટલે શરદે ચંપલ હાથમાં લઈ લીધાં. હરીફાઈ કરી. શાંતુ કદાચ જાણીજોઈને થોડું ધીમું દોડતો હતો. શરદને જીતવાની મજા આવી, માત્ર એ દિવસે જ નહીં, રોજ રોજ.

સ્કૂલમાં પરીક્ષા થઈ હતી. પરિણામના દિવસે શરદ સ્કૂલમાંથી બહાર આવ્યો ત્યારે એનું મોં પડી ગયેલું હતું. એણે શાંતુને જોતા વેંત કહી દીધું, ‘આજે દોડવું નથી. ભલે ઘેર મોડો પહોંચું.’

‘કેમ, શું થયું?’

‘ગણિતમાં નપાસ થયો.’ આંખમાં આવી ગયેલા આંસુ ગાલ ઉપરથી દદડે એ પહેલા શરદે ખમીસની બાંયથી લૂછી નાખ્યાં.

શાંતુ ગંભીર થઈ ગયો. ‘તારી બા વઢશે?’

‘ના, બાપુજી. હવે ટ્યુશન ચાલુ કરાવશે. મને નથી ગમતું.’

પછી એને શાન્તુને પૂછવાનું યાદ આવ્યું, ‘તારું શું પરિણામ આવ્યું?’

‘મારો તો દર વખતે પહેલો નંબર જ આવે છે.’ શાન્તુને આ પ્રશ્નથી પણ જાણે આશ્ચર્ય થયું હતું.

‘તને કોણ ભણાવે છે-બા કે બાપુજી?’

‘હું તો જાતે જ ભણું છું. મારી બા તો —– ’. શાંતુ વધારે વાત કર્યા વિના દોડવા માંડ્યો હતો.

બીજે દિવસે શરદ પહેલી વાર શાન્તુને ઘેર આવ્યો હતો. ત્યારે એને નવાઈ લાગી હતી-કેટલું નાનું ઘર હતું! એ પણ સાવ ખાલી ખાલી. શાન્તુથી થોડી મોટી બેન રસોડામાં રસોઈ બનાવતી હતી. શાંતુ એના નાના ભાઈને ભણાવી રહ્યો હતો. શરદને જોઈને એ એકદમ ઊભો થઈ ગયો હતો.


શરદ ઘરમાં ચારે બાજુ જોઈ રહ્યો હતો. ખીંટીઓ ઉપરથી ગરીબી લટકતી દેખાતી હતી. ‘ગરીબ માણસોનું ઘર આવું હોય?’-શરદ વિચારી રહ્યો. બાપુજી આની સાથે ભણવાની હા પાડશે? પણ એને શાંતુ બહુ ગમતો હતો. કાલે પ્રાર્થના ખંડમાં સામાન્ય સભા વખતે આચાર્યએ એના કેટલા બધા વખાણ કર્યા હતા! ‘શાંતનુ મહેતા આમ અને શાંતનુ મહેતા તેમ.’ એમણે એને ઊભો કરીને આગળ બોલાવ્યો ત્યારે જ ખબર પડી કે શાંતનું મહેતા તો એનો ભાઈબંધ શાંતુ હતો.

શરદે શાંતુને પૂછી જ લીધું, ‘તું મારે ઘેર મને ભણાવવા આવીશ? મારે ટયુશનના સાહેબ પાસે નથી ભણવું. ગયા વર્ષે આવતા હતા ત્યારે મને ફૂટપટ્ટીથી મારતા હતા.’ શાંતુએ સહેજ વિચારીને જવાબ આપ્યો હતો, ‘મારા બાપુજી મિલમાં ગયા છે, આવે એટલે પૂછીને કહીશ.’

બીજા દિવસથી રોજ સાંજે એ શરદને ભણાવવા આવવા માંડ્યો હતો. ધીરે ધીરે શરદને ખબર પડી હતી કે એના આ દોસ્તની મા તો એના નાના ભાઈને જન્મ આપીને તરત ભગવાન પાસે જતી રહી હતી. એની બહેને ઘરનું કામ કરવા માટે ભણવાનું છોડી દીધું હતું અને બાપુજી પણ બીમાર રહેતા હતા. ક્યારેક મિલમાં જતા, ક્યારેક ન જતા. થોડા વખત પછી શરદના ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે શાંતુ પાસે ગણવેશનું એક જ શર્ટ હતું જે એ રોજ સ્કૂલથી આવીને, ધોઈને સૂકવી દેતો હતો.

શરૂશરૂમાં શરદની બા રોજ શાન્તુને નાસ્તો આપતી, પણ શાંતુ એ નાસ્તાની સામે પણ ન જોતો. રોજનો એનો એક જ જવાબ હોય, ‘હું ઘેરથી ખાઈને આવું છું માસી. જરાયે ભૂખ નથી.’ એના ગયા પછી બા બાપુજીને કહેતી, ‘કેટલો સ્વમાની છોકરો છે! ગરીબ છે પણ ખાનદાની ક્યાં જાય?’

દીવાલ ઉપરની ઘડિયાળમાં એક ટકોરો પડ્યો અને શરદભાઈની નજર ઘડિયાળ ઉપર ગઈ. કલાકનો કાંટો સાત અને આઠની વચ્ચે અને મિનિટનો કાંટો છ ના આંકડા ઉપર સ્થિર હતાં. સેકંડ કાંટો ઝડપથી ચાલતો એ બંને ઉપર થઈને આગળ વધતો હતો. શરદભાઈની નજર એની સાથે સાથે ગોળ ગોળ ફરવા માંડી. મગજમાં ચાલતું ‘ટક ટક ટક ટક’ દીવાલ પરની ઘડિયાળ સાથે તાલ મેળવતું હતું. મનની આ કઈ ઘડિયાળ કર્કશ ટકોરા વગાડી રહી   હતી?

એ અનુભવ કર્કશ જ હતો ને! એ દિવસે શાન્તુની ખાનદાની કસોટીએ ચડી હતી. શરદના બાપુજીની મોંઘી કાંડા ઘડિયાળ ગુમ થઈ ગઈ હતી. ઘરમાં બહુ શોધવા છતાં ન મળી એટલે એ ગુસ્સાથી બોલ્યા હતા, ‘મેં ના પાડી હતી તારી બા ને, આવા છોકરાઓને ઘરમાં ન ઘલાય. જરૂરીઆત માણસ પાસે બધું કરાવે, ચોરી પણ કરાવે.’ પછી બા ઉપર પણ ગુસ્સો ઠાલવ્યો હતો, ‘બહુ વખાણ કરતી હતી ને તું? જોઈ લીધી ને એની ખાનદાની?’ શરદ અને એની બા એ બહુ ના પાડી તો પણ સાંજે શાંતુ આવ્યો ત્યારે એમણે એને પૂછી જ લીધું હતું, ‘એ છોકરા, કાલથી મારી ઘડિયાળ ઘરમાં નથી દેખાતી. તેં—’ , પછી એમની નજર શરદની વિનવણી કરતી આંખો સામે પડી હતી અને છેલ્લી ઘડીએ એમણે એમના શબ્દો ‘લીધી છે?’ ને ‘જોઈ છે?’ માં ફેરવી નાખ્યા હતા.


શબ્દો બદલાયા હતા, ટોન નહીં. જે કામ ઘરમાં પહેરાતું થીગડાવાળું શર્ટ કે સૂકા બાજરીના રોટલા નહોતા કરી શકતા એ કામ એ દિવસે બાપુજીના ન બોલાયેલા શબ્દોએ કરી બતાવ્યું. એ અદ્રશ્ય શબ્દો તલવારની જેમ હવામાં તોળાઈ રહ્યાં. શાંતુનો ચહેરો ક્ષણભર થીજેલા આંસુ જેવો થઈ ગયો. પછી એ આંસુ પીગળીને એની આંખોમાં તગતગ્યા. શરદે પહેલીવાર શાન્તુની આંખોમાં આંસુ જોયા હતા. એ દોડતો પોતાને ઘેર જતો રહ્યો હતો. પછી તો બાપુજીની ઘડિયાળ એમના ગાદલાના ખૂણા નીચેથી મળી આવેલી. સૂવા જતા પહેલાં કાઢવાની ભૂલી ગયેલા  એટલે ગાદલાનો ખૂણો ઊંચો કરીને ત્યાં મૂકી દીધી હતી અને પછી ભૂલી ગયા હતા.

એ પછી શરદે બહુ કહેવા છતાં શાંતુએ ક્યારેય એના ઘેર પગ ન હતો મૂક્યો. શરદની ભણવામાં સારી પ્રગતિ જોઇને એના બાપુજીએ એને શાન્તુને ઘેર ભણવા જવાની હા પાડવી પડી હતી. બંને અગિયારમાં ધોરણ સુધી સાથે જ ભણ્યા હતા. શાંતુએ ખૂબ જ મહેનત કરી હતી. એસ.એસ. સી. નું એનું પરિણામ પણ બહુ જ સરસ આવ્યું હતું. પણ એ જોયા પહેલાં જ એના બાપુજી ગુજરી ગયા હતા. એ તો સારું હતું કે એ પહેલાં જ એમણે દીકરીના લગ્ન કરી નાખ્યા હતા. શાંતુએ એ લાંબી રજાઓમાં રેશનીંગની દુકાનમાં અનાજ જોખવાની નોકરી કરીને એની કોલેજની ફી ભેગી કરી લીધી હતી. જો કે પછી તો એ ભણ્યો ત્યાં સુધી એને સરકારની શિષ્યવૃત્તિ પણ મળતી હતી. શરદને વધારે સારી કોલેજમાં ભણાવવા માટે એના બાપુજીએ એને પોતાના ભાઈ પાસે મુંબઈ મોકલી દીધો હતો. બાપુજી સાથે વિચારસંઘર્ષ ટાળવા એ વેકેશનમાં બહુ જ થોડા દિવસ માટે આવતો એટલે શાંતુને  મળવાનું ભાગ્યે જ થતું. શાંતુ સવારે કોલેજ જતો, બપોરે નોકરી કરતો અને સાંજે નાના ભાઈને ભણાવીને પછી ઘરનું કામ કરતો. શરદ પણ એના બહોળા કુટુંબમાં બધાને હળવા મળવામાં વ્યસ્ત રહેતો.

બી.એ. થયા પછી શરદ મુંબઈમાં જ સેટલ થઇ ગયો અને શાન્તુને સારી સરકારી નોકરી મળી ગઈ હતી. બે-ત્રણ વર્ષે બદલીઓ થતી રહેતી હતી. બે ભાઈબંધો વતનના ગામમાં મળે એવું થતું જ ન હતું. શરદ એના સમાચાર તો મેળવતો રહેતો હતો. શાન્તુને પત્ની સારી મળી હતી અને બાળકો પણ બહુ સારું ભણતાં હતાં એવું સાંભળ્યું હતું. શરદ આ બધું જાણીને બહુ ખુશ થતો હતો.

છેવટે નિવૃત્તિ પછી બંને દોસ્ત પાછા વતનના ગામે, એ જ જૂના ઘરમાં રહેવા આવી ગયાં હતાં. જો કે શાન્તુનું ઘર હવે જૂનું રહ્યું ન હતું. એણે એના ઉપર નવા રૂપ-રંગ કરાવી લીધા હતા. એ મિત્રો રોજ સાંજે મળતાં, સાથે ચાલવા જતાં, કોઈ લારી ઉપર ઊભા રહીને ચા પીતાં. ક્યારેક હોટલમાં જઈને નાસ્તો પણ કરતાં અને બગીચામાં બેસતાં. શરદના બહુ કહેવા છતાં શાંતુએ ક્યારેય એના ઘરમાં પગ ન હતો મૂક્યો. એ કહેતો, ‘મને આગ્રહ ના કર દોસ્ત. એ ઘાને કાળજે એવો જ રહેવા દે. એ દુઝતા ઘા એ જ મને સતત સારું ભણવા માટે પ્રેર્યો. એણે જ મારી ખૂબ મહેનત કરીને નોકરીમાં આગળ વધવાની, સારું કમાવાની, મારા બાળકોને ઉજ્વળ ભવિષ્ય આપવા માટેની ધગશને કાયમ લીલી રાખી છે. નહીં તો હું તો એસ.એસ.સી. થઈને ક્યાંક કારકુન તરીકે નોકરી કરવા લાગ્યો હોત.’

શરદ હાથ જોડીને કહેતો, ‘પણ યાર, હજુ આટલા વર્ષે પણ! મારા બાપુજીની એ ભૂલ માટે તું કહે એટલી વાર તારી માફી માગવા હું તૈયાર છું.’

‘નહીં યાર, દોસ્તીમાં આ બધું ન હોય.’ શાંતુ શરદના હાથ પકડી લેતો. ‘બસ, તારા જેવા દોસ્તની કંપની માટે તો આટલા વર્ષે વતનમાં પાછો આવ્યો છું. ચાલે છે એમ ચાલવા દે.’

શરદભાઈએ શાંતુનો હાથ પકડવા માટે હાથ લાંબો કર્યો અને વિરલે એ હાથ પકડી લીધો.

‘પપ્પા, આઠ વાગવા આવ્યા છે, ચાલો જઈએ. તમે ઝભ્ભો પહેરી લો.’

શરદભાઈ ઝભ્ભો પહેરીને બહાર જવા નીકળ્યા. વિરલની નજર એમના પગ ઉપર પડી. ‘પપ્પા, ચંપલ તો પહેરો!’

‘આજે નથી પહેરવા. છેલ્લી વાર મારા દોસ્ત સાથે ઉઘાડા પગે ચાલી લઉં.’ શરદેભાઈએ લાંબા ડગલા ભરતાં કહ્યું.

કંઈ સમજી ન શકેલો વિરલ એમના પગલાં દબાવતો ચાલતો રહ્યો.

********************

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.