રેટ્રો–રનિંગ ~ નીલે ગગન કે તલે ~ મધુ રાય

કૂલી ફિલ્મના શૂટિંગમાં અમિતાભ ઘાયલ થયેલા ત્યારે એક છોકરો વડોદરાથી મુંબઈ ઊંધા પગે દોડતો તેને મળવા ગયેલો, કેમકે અમિતાભનો તે ભગત હતો. ત્યારબાદ વડોદરાથી દિલ્હી ઊંધા પગે દોડતાં તેમણે ઇંદિરા ગાધીના નેશનલ રિલીફ ફંડમાં રૂપિયા એક લાખનો ચેક આપેલો અને ઇંદિરાજીએ ટીખળ કરેલી કે આ ચેક તો પાછલા પગે ચાલ્યો નહીં જાય ને!

અરવિંદ પંડ્યા દોડેલા ૧૯૮૪માં ઓલિમ્પિક્સમાં ભાગ લેવા, પરંતુ ઓલિમ્પિક્સમાં retro–running કોમ્પિટિશન હોતી નથી, તેથી તે દોડી ન શક્યા. છતાં એની એમની ધગશ અને હિમ્મતને બિરદાવવા ઓલિમ્પિક્સે અરવિંદભાઈને રૂપિયા ૨૫ લાખની થેલી આપી જે પંડ્યાજીએ લોકકલ્યાણનાં કાર્યોમાં વાપરી નાખી અને એમનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં નોંધાયું.

તે પછી પંડ્યાજી ૧૯૮૭માં અમેરિકાના લોસ એન્જલસથી પાછલા પગે ૨૪૦૦ કિલમીટર દોડતાદોડતા ૧૦૭ દિવસમાં પહોંચ્યા ન્યુ યોર્ક! ને અરે! તે પછી એમણે તીર તાક્યું વિલાયત તરફ ને દોડ્યા એક કાંઠેથી સામા કાંઠે. અમેરિકાની જેમ  ત્યાં પણ ઠેર ઠેર એમણે મિત્રવૃંદ ઊભું કર્યુ, લોકકલ્યાણનાં કાર્યો માટે ભંડોળ એકત્ર કરી એમણે નરગિસ દત્ત કેન્સર હોસ્પિટાલ માટે અને દુષ્કાળ રાહત માટે અને અંધપંગુ જનોની સેવા માટે દાન કરી દીધાં. બધું ચૂપચાપ, કોઈ ઢોલનગારાં વિના. અલબત્ત એમની આ ઊંધા પગે દોડવાની અનોખી કાર્યશૈલીથી દેશ પરદેશમાં અનેકવિધ માધ્યમોએ દાંતમાં આંગળી પરોવી એમની શંસા–પ્રશંસા કીધેલી.

ગયા અઠવાડિયે ગગનવાલા એમના મિત્ર ને જોડીદાર એમએસ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ભરત મહેતા એક બિસ્માર થતું જતું વિશાળ બિલ્ડંગ બતાવે છે. આ અરવિદભાઈની ઓફિસ. તે સમય સરકારે બંજર પડેલી ૪૩૦૦ સ્ક્વેર ફુટ જમીન અરવિંદભાઈને એમનાં કાર્યો માટે બક્ષી. અરવિંદભાઈએ તેમાં ઇન્દુલાલ યાજ્ઞિક ટ્સ્ટની સ્થાપના કરી! કેમકે તે અમિતાભની જેમ તે ઇન્દુચાચાના પણ ભક્ત છે.

અહીં સાઇડબારમાં ભરતલાલા કહે છે કે ઇન્દુચાચા જ્યારે ગાંધીઆશ્રમમાં જોડાયેલા ત્યારે ભોજન સમયે મગનભાઈ પીરસવા આવેલા. એમણે ઇન્દુચાચાને પૂછ્યું, દાળ આપું કે શાક? ઇન્દુચાચાએ કહ્યું કે બેય! મગનચાચા કહે બેમાંથી એક જ મળે. ને રોટલી, બોલો શું આપું? ઇન્દુચાચા કહે બેય! ગાંધીજી આ જોતા હતા; એમણે કહ્યું કે અહીં મગનભાઈના નિયમ ચાલે છે. પછી ગાંધીજીની વિનંતીથી ઇન્દુચાચાને બેય અપાયાં. ભોજન પૂરું થયું ત્યારે ઇન્દુચાચાને સમજાયું કે આજનો દિવસ ગાંધીજીએ દાળ કે શાક વિના ફક્ત રોટલી ખાધી! ઇન્દુચાચાને એવી શિસ્ત પસંદ ન પડી અને તે આશ્રમની બહારથી બગલથેલામાં મગફળી ને ચણા રાખીને એમનાં કાર્યો કરવા લાગ્યા. ‘નવજીવન’ પત્રિકા શરૂ ઇન્દુચાચાએ કરેલી જે પછીથી એમણે ગાંધીજીને સોંપી દીધી. ઇન્દુચાચાએ ચાર ભાગમાં આત્મકથા લખી છે. એમણે મોરારજી દેસાઈ જેવા જિદ્દી રાજપુરુષ સામે ઝુંબેશ ચલાવી અને ૧૯૬૦ના મે માસની ૧લી તારીખે મહાગુજરાત લઈને રહ્યા! હવે દર ૧લી મેના રોજ ગુજરાત સ્થાપના દિન તો ઉજવાય છે ધામધુમથી, કિંતુ ગિલા તે છે કે ઇન્દુચાચાનું નામ પણ કોઈ લેતું નથી!

ભરતભાઈ જણાવે છે કે ફક્ત દર ૧લી મેના રોજ નહીં પણ રોજેરોજ ઇન્દુચાચાની સ્મૃતિમાં કાંઈનું કાંઈ સત્કાર્ય કરે છે; અરવિંદભાઈએ એક મેડિકલ કેમ્પ કર્યો અને તેમાં ૩૦૦ અંધજનો સાથે દિવાળી ઊજવી! ઘણીવાર તે હોસ્પિટાલોમાં જઈ રુગ્ણજનોને હિંમત આપે છે, જરૂર મુજબ જીવિકા અને રહેવાનાં સ્થાન ગોઠવી આપે છે. અને પોતાના ‘ઇષ્ટદેવ’ ઇન્દુચાચાનું કાર્ય જીવંત રાખવા સાદા ખમીસ ને પાટલૂનમાં દાળને સ્પેશ્યલ વઘાર આપે છે!

હલો! પંડ્યાજી વઘાર આપે છે? તે રેટ્રો–રનર છે, ફિલેન્થ્રોફર છે, અને “ગુર્મે રસોઈયા” –  “Gourmet Chef” પણ છે! હાલ દરરોજ વડોદરાની એસએસજી હોસ્પિટાલની સામે માત્ર દાળ અથવા શાક અને રોટી નહીં, ૩૦૦ વ્યક્તિને પૂરું ભાણું જમાડે છે. કશેકથી ફ્રૂટ દાનમાં આવે છે, કોઈ કાંઈ, કોઈ કાંઈ ખાદ્યો મોકલી પુણ્યની ગંગાનું ચાંગળું માથે ચડાવે છે! પ્રો. ભરત મહેતા ગગનવાલાનો ખભો હલાવી કહે છે કે હવે પંડ્યાજીને ધુન ચડી છે કે એક દિવસ સમાજે તરછોડી દીધેલા વડોદરાના બધા ગાંડા મનુષ્યોને ભેગા કરીને આપણે નવડાવીએ! સુઘડ કપડાં પહેરાવીએ! ફરવા લઈ જઈએ!

તે સાંજે એમના કોઈ મિત્રે અમને અને અરવિંદ પંડ્યાને સપરિવાર જમવા નોતરેલા. રેગ્યુલર નિયોન સાઇનવાળી રેસ્ટોરાંમાં અમે સાતેક વ્યક્તિ જમ્યાં. અમને નોતરનાર ભાઈ પૈસા ચૂકવવા ગયા તો પાર્ટીમાં અરવિંદભાઈને જોઈને માલિકે પૈસા લેવાની ના પાડી. બસ, ના એટલે ના. તમે અમને ઓળખતા નથી. અમે તમને ઓળખીએ છીએ! જય મગનલાલા!

બુધવાર, 29 એપ્રિલ 2026

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.