“અમારા પપ્પા, ડૉ પ્રફુલચંદ્ર વ્યાસ” ~ યામિની વ્યાસ

“સ્પર્શમણિ સા પારસ પપ્પા,
માણસ ઘડતા માણસ પપ્પા,
મા આ ઘરનો દીવો છે તો,
મોભે ઝૂલતું ફાનસ પપ્પા.”
– યામિની વ્યાસ

પિતૃદિન અને યોગ દિવસ જોગાનુજોગ નજીક જ છે. પપ્પાને બંને દિનની શુભેચ્છાઓ. ૯૦ની ઉંમરે પણ પપ્પાને યોગ પ્રિય છે.

તેઓ ગમે ત્યારે સુતા હોય, પણ સવારે ૫ વાગ્યે ઊઠી આસન, પ્રાણાયામ, ધ્યાન કરે જ. એમની થોડી વાતો….

વ્યવસાયે ડૉકટર અને ગામડામાં એમનું પોસ્ટીંગ. આજુબાજુનાં ગામ મળી એક જ ડૉક્ટર. પેશન્ટને તકલીફ ના પડે એટલે પોતાના લગ્નને દિવસે પણ અડધો દિવસ દવાખાને ગયેલા ને અડધી CL લીધેલી.

આવી તો ઘણાં વર્ષોની ઘણી રજા લેપ્સ જતી. ધૂળિયા કાચા રસ્તા. રોજ સાઇકલ કે પગપાળા વિઝિટે જાય. પપ્પા પર ગામલોકોનો ખૂબ સ્નેહ ને વિશ્વાસ. બીમારી ઉપરાંત ઘણી વાતોમાં પપ્પાનું માર્ગદર્શન લે.

એકવાર તો ધોધમાર વરસાદ ને કેડસમાણાં પાણીમાં ભેંસ પર ઊંધી ખાટલી બાંધી દર્દીના સગા એમને તેડવા આવેલા ને એકવાર તો પપ્પાને ખભે બેસાડી નદી પાર કરાવેલી.

લગભગ ૬૫ વર્ષ પહેલાં આધુનિક દવાઓ ઓછી હતી ત્યારે સાદી દવાઓ સાથે આહારવિહારની કાળજી પર ભાર મુકતા, સારું થશે જ-ની પ્રબળ શ્રદ્ધા અને પ્રેમાળ આશ્વાસનથી સારું પણ થઈ જતું.

ત્યારે નળ નહોતા. પપ્પાએ પાણીનું મૂલ્ય સમજાવ્યું હતું, કૂવેથી પાણી ખેંચી છોડને પાતા. ત્યારે ઈલેક્ટ્રીકસીટી નહોતી. પપ્પાએ અમને સૂર્યપ્રકાશનો મહિમા ખૂબ સમજાવ્યો હતો, અમે રાત અને સવાર વહેલી પાડતાં. તેથી સૂરજ પહેલા એલાર્મ વગર હજુ આજે પણ અમારાં પાંચે ભાઈબહેનોની આંખો ખુલી જાય છે.

સમયપાલનનાં આગ્રહી, હંમેશ કહે” પાંચ દસ મિનિટ્સ વહેલા પહોંચો એ રીતે ઘરેથી નીકળો.”

કોઈને પણ મદદરૂપ થવાનો સ્વભાવ, ઉદારતા, સતત ને સખત પરિશ્રમમાં માનનારા ને પોતાની શક્ય એટલી ઓછી જરૂરિયાત. પણ પુસ્તકો ખૂબ ખરીદે, વાંચે પણ ખૂબ. અમારાં ઘરમાં નાનું પુસ્તકાલય હતું. અમારી વર્ષગાંઠે અચૂક પુસ્તકની ભેટ લાવે.

અમે રોજ અમારા વાળુ અને સુવાના વચ્ચેના સમયની રાહ જોતાં, જેમાં પપ્પા અમને વાર્તા કહેતા, બાળવાર્તા જ નહીં, રામાયણ, મહાભારત કે ઓ હેનરી પણ પપ્પાના મુખે સાંભળ્યા છે. સાંભળતા જ ઊંઘી જતા ને સપના જોતા. કદાચ એ જ સાહિત્ય, સંસ્કાર વારસો અને નીતિ- મૂલ્યો અમારા જીવનમાં રંગ લાવ્યા.

થેન્ક યુ તો ટૂંકું જ પડે…પણ ખૂબ વહાલ. પ્રણામ.

આપની છત્રછાયા અને આશીર્વાદ હંમેશ અમારા પર રહે એવી અભ્યર્થના.


~ પરેશ વ્યાસ, યામિની વ્યાસ
છાયા નાયક, રોમા જોશી, સીમા પંડ્યા

***

“પપ્પા, તમને અર્પણ…!”
~ ત્રણ કાવ્યો
~ યામિની વ્યાસ

૧. નિયતિ કે ગતિ! – કાવ્ય

પપ્પા
તમારી ડાળ પર
તમને ગમતું જે ફૂલ છે

એકચુઅલી પતંગિયું છે.
એ ઉડી જવાનું છે,
એની ખબર
તમે તમારી જાતને
જાણી જોઈને
પડવા દીધી નહોતી.!
જો કે મને એની ખબર હતી
પણ
આટલું જલદી
ઉડી જવું પડશે
એની ખબર નહોતી..
હવે તમને
છોડીને જાઉં છું પપ્પા..
પરણેલી દીકરી
શ્વસુરગૃહે જ સોહે

નિયતિ છે કે ગતિ?
ડૂમો ભરાયો છે તમારી આંખોમાં..
જાણું છું
હું જાઉં પછી એ આંખો ડૂસકે ચઢશે.
સમજુ છું પપ્પા
કાલિદાસે લખ્યું જ હતું ને
કે
એક ઋષિ મહર્ષિ પિતાને પુત્રીવિદાયનું
આટલું દુઃખ છે તો
માનવ-પિતાનું શું ગજું?
પણ તમે મહર્ષિથી કમ થોડા છો?
પપ્પા જુઓ
દવાથી લઈ દેવસેવા
સુધીની બધી જરૂરિયાતો
માટેના કોન્ટેકટ નંબર સહિતનાં
દસ લીસ્ટ તમારી નજર પડે
એ રીતે મૂક્યા છે
અને
મારો નંબર અને હું તો
ઘરમાં ઠેર ઠેર મળી જઈશું.
પપ્પા પ્લીઝ તમારી કાળજી
રાખજો મારે માટે..
મેં રોપેલી મધુમાલતીની વેલી સુકાય
નહીં જાય,એ કામ મારી ફ્રેન્ડને સોંપી દીધું છે.
મારા ટોમીને રમાડજો, જોકે એ જ તમને સાચવશે.
પણ પ્લીઝ હમણા વાડામાં બાંધી દેજો
નહિ તો મારો છેડો ખેંચી રોકી લેશે.
કોઇની પત્ની બનવાથી કોઇની દીકરી
થોડી મટી જવાય છે !!
એક ક્ષણ તો થાય છે કે અહીં જ થોભી જાઉં
પણ આંખો લૂછવી જ નથી
ઉભરાવવા દો..
છેલ્લે આખા ઘરને ભીનું જોવું છે
જતાં જતાં હું આંગણાનાં
મનીપ્લાન્ટને ચોરી જાઉં છું
ત્યાં રોપીશ, જોઈએ
કોણ પહેલું સેટ થાય છે?
હું કે એ?
અમને બન્નેને જોવા કદી આવશોને પપ્પા?
ને
જુઓ મારી આંગળીઓ..
સહેલીઓ એ દસ દસ વીંટીઓથી સજાવી છે,
બધી જ
તમારા જમાઈ રાજે ભેટ આપી છે.
એટલે દુષ્યંતની માફક એ મને ભૂલી જાય તો…
તો એક પછી એક…!
આમ તો હું આખા ભારતને
જન્મ આપી શકું એમ છું,
ને કોઈ દુર્વાસા મુનિનો શ્રાપ પણ નથી
છતાં
પતિ પત્નીને કેટલું ઓળખી શકે?
એક પિતા દીકરીને ઓળખી શકે એટલું કે
એથી વધારે?
પપ્પા, સમય રૂપી માછલી બધી જ મુદ્રિકા
એક પછી એક ગળી જશે કે પછી…?

૨. “…તો તમને ગમશે, પપ્પા?”  એક સવાલ કાવ્ય

પપ્પા
નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા ?
એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા ?

સાવ હજી હૂં નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા’તા ,
સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા’તા.
ગયો સમય મુઠ્ઠીથી સરકી શું એ પાછો ફરશે પપ્પા ?
એક સવાલ…..

બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી’તી,
હાથમાં ઢીંગલી જોઈ તમારા હૂં કેવી નાચી ઉઠતી’તી !
ખોટ્ટે ખોટ્ટું ઘરઘર રમતી એ ઘર ઘર ખોટ્ટું મળશે પપ્પા ?
એક સવાલ ……

ઉપવાસ તમારા ગોરમા મારા ઘરમાં મેવો છલકાતો’તો ,
આંગળી પકડી સ્કૂલે જાતા રસ્તો આખો મલકાતો’તો !
વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા …..!
એક સવાલ…..

૩. “પપ્પા, હવે ફોન મૂકું….?”
~ ગીતઃ મનહર ત્રિવેદી
~ રજૂઆતઃ યામિની વ્યાસ

આપનો પ્રતિભાવ આપો..

11 Comments

 1. “સ્પર્શમણિ સા પારસ પપ્પા,
  માણસ ઘડતા માણસ પપ્પા,
  મા આ ઘરનો દીવો છે તો,
  મોભે ઝૂલતું ફાનસ પપ્પા.”

  વાહ! 👌👌

 2. Pappa etle pappa. Emni vat kaheva mate mari pase koi eva shabdo j nathi k hu Vartan kari shaku. Mara pappa duniyana best pappa. Tame nasibdar chho Haji sudi pappa ni chhayra chhaya chhe. Ame to 30 ma varshe j pappane gumavi didha hata. Prabhu saune pita ni chatrachhaya ma kayam rakhe a j prarthan 🙏 Love you papa❤️. Miss you papa. 😢😢

 3. 👍🤝👏વાહ જી વાહ🦋🦋🦋સલામ છે પપ્પા ને

 4. હવે ફોન મૂકું? નું પઠન બહુ સરસ થયું છે.

 5. લેખ અને કાવ્યો લાજવાબ છે.