આ દેખે જરા કિસ મેં કિતના હૈ દમ (હાસ્યલેખ) ~ આરતી શિરીષ આંત્રોલિયા

‘ઓહોહો! આજે તો બહુ ખુશ લાગો છો ને મમતાબેન. શું વાત છે તે આમ એકલા એકલા મરકમરક હસો છો. જરા અમનેય કહો તો બે ઘડી અમેય હસીએ. આમેય કહ્યું છે ને હસે તેનું ઘર વસે.’

‘હા, હા સ્મિતાબેન, કેમ નહીં? તમને નહીં કહું તો કોને કહીશ ભલા. આમ તો ન કહેવાય ન સહેવાય એવી સ્થિતિ છે પણ તમે તો મારા ખાસ સખી ને વળી આપણાં પંચાતિયા ગ્રુપના ખાસ સદસ્ય.’

‘અરે! પંચાતિયા ગ્રુપ નહીં મમતાબેન પંચાયત ગ્રુપ, પંચાયત ગ્રુપ.’

‘હા હા એ જ, પણ એમાંય પંચાત ક્યાં નથી થતી. તમે તો મને સારી રીતે જાણો જ છો. આજ સુધી ક્યારેય કોઇની સામે બાવડાં ચડાવ્યા નથી કે ચડાવવાની હિંમત પણ કરી નથી. પણ ભલું થાજો આ ટેક્નોલૉજીનું  જે અશક્યને પણ શક્ય કરી બતાવે. સપનાંમાં પણ નહોતું ધાર્યું કે હું આમ છડેચોક તેમની ટાંગ ખેંચીને તેમને ચિત કરી દઇશ પણ હા, આજે એમ જ થયું.’

‘હેં શું વાત કરો છો, ખરેખર તમે મારા ભાઈની ટાંગ ખેંચીને એમને પાડી દીધા? ના હોય ના હોય. હું નથી માનતી. શું પ્રૂફ છે હેં?’

‘અરે! ફક્ત પાડી નથી દીધા, તેમને એવા સંકજામાં લીધા, એવા સંકજામાં લીધા કે બિચારા રીતસર કરગરી ઉઠ્યા કે, છોડ મારી મા, તને પાયે પડું.’

‘આય હાય! આવું કીધું? બહારથી તો જરાય લાગે નહીં પણ તમે તો ભારે જબરા ભઈ.’

‘હા, તે માંડ મોકો મળ્યો હતો તે હાથથી થોડો જાવા દેવાય, હેં!’

‘અરે, બાઈ માંડીને વાત કરો તો કાંઈક સમજાય. આમ જલેબીની જેમ ઘુમાવીને ગોળ ગોળ વાત ન કરો.’

‘’સારું તો સાંભળો, પણ જોજો હોં વાત બહાર જાય નહીં હં.’

‘અરે હોય કાંઈ. તમે એ બાબતે નચિંત રહેજો. આજ સુધી આપણી વાત સોસાયટીની બહાર ગઈ છે કે આજ જશે, હેં?

‘આમ તો હું એક આદર્શ ભારતીય પત્ની પણ આદર્શ પત્નીને ગુસ્સો ન આવે એવું કોણે કહ્યું? હા, ગુસ્સો ના કરાય એવું ક્યાંક વાંચ્યાનું યાદ છે ખરું પણ એવું તો બધાં લખ્યા કરે ને કહ્યા કરે. આપણે પણ આપણા મનનું કહ્યું ક્યારેક તો કરવાનું કે નહીં હેં! આપણે મનની ભડાસ કાઢવા ક્યાં જવાનું હેં? ક્યારેક તો બધા પર  એવો ગુસ્સો આવતો હોય કે થાય; જે સામે મળે એને હાથ પકડીને બેસાડી દઉં કે પછી પગમાં આંટી મારીને પછાડી દઉં પણ ધાર્યું કદીય ઘર-ધણિયાણીનું થયું છે કે મારું થશે?’

‘હા, એ તો સો ટકા સાચું કહ્યું, ધાર્યું તો હંમેશા ધણીનું જ થતું આવ્યું છે.’

‘એટલે જ, એટલે જ ગુસ્સે ભરાયેલી બૈરી બીજું તો શું કરે? ક્યારેક સપનામાં વરને વઢીને મનની મુરાદ પૂરી કરી લે ને; નહીં તો છોકરાઓને ધીબીને. પણ મને હમણાં હમણાં એક નવો ને જબરો ઉપાય સૂઝયો. અને આ નવા દિવાસ્વપ્નને જોવામાં મારી કામવાળી બાઈએ મારી મદદ કરી.’

‘તમારી કામવાળી બાઈએ?’

‘હા, કાલે એ નહોતી આવી તો મને થયું લાવ ને કપડાં હાથે ધોવા કરતાં વોશિંગ મશીનમાં નાખું અને નાખ્યાં. પછી હું તો ભૂલી જ ગઈ. ત્યાં રસોડામાં કામ કરતા મને અચાનક કંઈ ભયજનક અવાજો સંભળાયા ને હું દોડીને બાલ્કનીમાં ગઈ તો મારું વોશિંગ મશીન ઓલા ભુવા ને બાવાઓની જેમ ધૂણી રહ્યું હતું.

થોડીવાર તો હું હાથ જોડી ઊભી રહી ગઈ પછી સમજાયું કે હાથ જોડવાથી કાંઇ નહીં વળે; લાવ થોડા ઠંડા પાણીનો છંટકાવ કરું. થોડું ધ્રૂજવાનું ધીમું પડ્યું ત્યાં મારા કાને બા ઓલી “જળ કમળ” વાળી કવિતા ગાતાં હતાં એના શબ્દો પડ્યા, “ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડયો”. ને મારા મગજમાં બત્તી થઈ તે મેં ફટાક કરતી તેની ચાંપ ચાંપીને પહેલાં તો તેને શાંત કર્યું. પછી જરા શાંતિથી તેની વાત સાંભળવા તેનું મોઢું ખોલ્યું ને નજર કરી તો એની ભીતર જોરદાર રમખાણ મચ્યું હતું. અંદરની બથ્થમબથ્થાં જોઈ મારું મગજ ચકરાવે ચડી ગયું.

મારા કુરતાની બાંયોએ પોતાની બાંયો ચડાવીને વરજીના પેન્ટના પાયચામાં જે આંટી મારીને એમને પકડ્યા હતા કે બેટમજી જરાય હાલીચાલી ન શકે.

હું તો વારી ગઈ મારી બાંયો પર. આવી હિંમત તો મેં સપનામાંય નથી કરી. અને બાંયો વળી એમને રીતસરની એવી વળગી હતી જાણે કોઈ વેલી વૃક્ષને, હું તો શરમથી લાલલાલ થઈ ગઈ. એટલું જાણે ઓછું હોય એમ મારા સલવારના નાડાએ પણ પોતાનો પરચો દેખાડવા એમાં ઝંપલાવ્યું હતું. એમનું ગઠબંધન જોઈ લાગતું હતું કે સાતેય જનમોનું નક્કી કરી લીધું હોય એવી છેડાછેડીની સાંઠગાંઠ મરાઈ ગઈ છે.

હવે તો આ સાતેસાત જનમોનો બદલો લીધા વિના નહીં છોડે કે શું? આ બધું યાદ આવ્યું ને તોય મરકમરક હસી જવાયું ને ત્યાં તમે આવ્યાં.’

‘પછી…?’

‘પછી તો જોઈતું’તું શું? એમની પેન્ટની ટાંગ એવી ભેરવાણી કે ન પૂછો વાત. મશીનમાં હાજર બબલુ પિંકી  બધાંના જ કપડાં, તમાશાને તેડું ન હોય એ વાત જરૂર જાણતા હોવા જોઈએ એટલે તેઓ પણ બે ટીમમાં વહેંચાઈ જઈ પોતપોતાની ટીમને જીતાડવા માટે મંડ્યા જોર લગા કે હાઇશા કરવા. જંગ શરૂ થઈ ગઈ હતી. છોકરાઓનાં કપડાંને મારી મદદે આવેલા જોઈ વરજીના પાટલૂને બૂમ પાડી, ‘તું સબ બીચ મેં ટાંગ મત અડાઓ’ પણ છોકરાઓને માંડ આવો મોકો મળ્યો હોય પપ્પાની ટાંગ ખેંચવાનો તો એમનેમ થોડી જવા દે હેં.

એકતરફ, ‘મેરી ટાંગ ક્યોં ખીંચતે હો, એય મેરી ટાંગ છોડો..’ એમ રાડો પડતું પાટલૂન તો બીજી તરફ છોકરાઓનો સાથ મળતા મારા કુરતાની બાંયો પણ બાવડાં ચડાવીને, ‘આ દેખે જરા કિસ મેં કિતના હૈ દમ, જમ કે રખના કદમ ઓ મેરે સાથિયા…’ એમ ફુલ ફોર્મમાં આવીને પૂરેપુરી લડી લેવાના મૂડમાં હતી.

આમ જુઓ તો મને તો છાને ખૂણે બહુ મજા આવી ગઈ. રોજરોજ થોડી આવી મજા મળવાની હતી, એ તો ભલું થાજો મારી કામવાળીનાં ભાયડાનું કે એ માંદો પડ્યો ને બાઈ ન આવી. પણ પછી થયું આવું કાંઈ થોડું આપણને શોભે, એટલે મન મારીને લાગી બધાંને છૂટા પાડવા. પણ મારા બેટા આ છોકરાઓના જીન્સ પણ ભારે જબરા હં. માંડ લાગમાં આવેલો આ મોકો શાનો છોડે.

છોકરાઓ તો સમજ્યા પણ આ છોકરીઓય હમ ભી કિસી સે કમ નહીં કહેતી આખો દિવસ આ ફાટેલા જીન્સ પહેરીને ફરતી હોય તે મારા આમને જરાય ન ગમે ને માંડે રાડારાડી પાડવા. તો આજે લાગ મળતા જીન્સના કાણાં-બાકોરાંએ પણ જડબા ફાડ્યાં ને એમાં એમના પપ્પાના શર્ટની બાંયોને એવી ફસાવી એવી ફસાવી કે જાણે તેઓ કાન પકડીને ઉઠક્બેઠક ન કરતા હોય. મારે તો હસવું કે રડવું એ જ ન સમજાય.

તમને યાદ છે, ગયા વેકેશનમાં મારે ત્યાં ગામડેથી મહેમાનો આવ્યાં હતાં?’

‘હા, હા યાદ છે. એમની વહુને નદીએ લૂગડાં ધોવા જાવું ગમે એ જ ને?’

‘હા, ઈ રોજ મને કે’કે કરતી કે, હેં માસી તમ લોકો આઇયાં પોતે લૂગડાં ન ધોવ? આ કામવારી બાઈયુંને કેવું સારું પોતાના ઘરવાળાનાં લૂગડાંનેય રોજ એ ધોકાવે ને આપણાંનાય એ જ ધોકાવે? આ ધોકાવાની વાત મને છેક આજે સમજાઈ. પણ હવે તો આ ઉપાય હાથવગો થઈ ગયો છે એટલે મન થાય ત્યારે મનભરીને એમને ધોકાવી નાખવાના, શું કહો છો?’

‘હા, અને પેલા દલા તરવાડીની જેમ આપણે પોતે જ પૂછવાનું, ધોકા દઉં, બે-ચાર? ને વળી પોતે જ જવાબ આપવાનો, હા, દ્યો ને દસ-બાર.’

‘તો આ વાત પર દ્યો તાલી.’

‘અરે અરે! સ્મિતાબેન, મમતાબેન આ તાળીઓ શેની દેવાઈ છે અને આ બે-ચાર, દસ-બાર લેવાદેવાની શું વાત છે?’

‘અરે, લીનાબેન, એ ધોકાપુરાણની વાત હવે તમને સ્મિતાબેન સુણાવશે, હું આ ચાલી. એ આવજો બધાં.’

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.