“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૩) ~ લેખકઃ ડૉ. જયંત મહેતા ~ સંપાદકઃ રેખા સિંઘલ

સેવાયજ્ઞની શુભ ભાવનાથી અમેરીકાના ગામડાઓમાં જેમણે આરોગ્ય સંસ્થાઓ સ્થાપવામાં અગ્રક્રમે ફાળો આપ્યો છે તેવા ડો. જયંત મહેતાનો જન્મ ડાકોર(૧૯૪૫)માં થયો હતો. ૧૯૭૧માં તેઓ અમેરીકા આવ્યા ત્યાર પહેલાં ઈસ્ટ આફ્રિકામાં પણ ડોક્ટર તરીકે સેવા આપેલી. અમેરીકા આવ્યા બાદ ટેનેસીને છેડે આવેલા જોન્સનસીટી નામના નાનકડા શહેરમાં પીસ્તાલીશ વર્ષો સુધી સેવા આપીને અમેરીકન રૂઢિચૂસ્ત સમાજમાં એમણે માનભયું સ્થાન મેળવ્યું એટલું જ નહીં, પણ આસપાસના ગામડાઓમાં આરોગ્ય સંસ્થાઓ સ્થાપવામાં સરકારની મદદ મેળવવામાં સફળ રહ્યા. ૧૦૦ જેટલા પરિપત્રો અને સંશોધન લેખો અને અનેક પારિતોષિકોથી ઝળહળતા એમના તબીબી વ્યવસાયમાં ટી.બી.ની સારવાર માટે માતાની સ્મૃતિ સાથે એમણે ખુબ જહેનત ઊઠાવી છે. સાથે સાથે હિંદુ ધર્મ વિષેનું જ્ઞાન પ્રસારવા ઈન્ડો-અમેરીકન સંસ્થાની સ્થાપક સમિતિમાં જોડાઈને ધર્મ વિષેના ઘણા વ્યાખ્યાનો એમણે આપ્યા અને ગોઠવ્યા છે. ગુજરાતી સાહિત્ય સાથેનો એમનો મજબૂત નાતો એમના કાવ્યો અને અન્ય પ્રકાશનો પરથી સ્પષ્ટ છે. હાલ નેશવીલ, ટેનેસીમાં રહી મેડિકલના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા ઉપરાંત સાહિત્યિક પ્રવૃતિઓમાં પણ તેઓ રસ લે છે. આનંદ નામના દૌહિત્ર સાથે ચેસ રમવાનો આનંદ એ એમના નિવૃતિકાળની ઉમદા પળો છે.
Email: jay.bm445@gmail.com
“સ્મરણગંગા” ~ લેખકઃ ડૉ. જયંત બી. મહેતા
અમેરિકાના નકશામાં પાતળા લંબચોરસ જેવું નાનું રાજ્ય દેખાય, તો તે છે ટેનેસી. આ રાજ્યના પૂર્વ છેડે એક રળિયામણું ગામ છે. નામ જ્હૉનસન સિટી. વસ્તી માંડ ૪૫ હજારની. ૯૮% ધોળા અમેરિકન. ભારત ભલે મારી જન્મભૂમિ હોય, આ ગામ મારી કર્મભૂમિ છે.
પ્રકૃતિએ મહેંદી મૂકેલા હાથના ખોબામાં એક સુંદર રમકડા જેવું ગામ ગોઠવ્યું હોય, તો તે જોહ્ન્સન સિટી જેવું જ લાગે! ચારે બાજુ એપેલેચીયન પર્વતોની મનોરમ્ય હારમાળા. અનેક લીલા વૃક્ષોની હરિયાળીથી આચ્છાદિત આ હારમાળા, પાનખરમાં લાલ, પીળી, બદામી અને કેસરી રંગોથી દીપી ઊઠે. હિમવર્ષા થાય ત્યારે ડુંગરાઓએ સફેદ ટોપી પહેરી હોય તેવું લાગે. આવા રમ્ય ગામમાં મેં ૪૫ વર્ષ સુધી ધીકતી મેડિકલ પ્રૅક્ટિસ કરી છે. હું આ ગામને ઓળખું છું અને આ ગામના લોકો મને ઓળખે છે. આ વિસ્તારની એક માત્ર મેડિકલ કૉલેજમાં હું ૧૯૭૭માં આવ્યો, ત્યારે અધ્યાપક તરીકે હું સાવ નવો અને અજાણ્યો હતો. આજે ૭૫ વર્ષની વયે આ પ્રોફેસરની પદવી છોડી, મેં નિવૃત્તિ સ્વીકારી છે. પરંતુ યુનિવર્સિટીએ વિશેષ સ્થાન આપીને અધ્યાપક તરીકેની મારી ઉપાધિ સાચવી રાખી છે. (Professor Emeritus)
અહીં ગામના એક ટેકરા ઉપર મારું ઘર છે. હું આર્કિટૅક્ટ નથી, પણ આ ઘર બનાવ્યું ત્યારે એની યોજના, રચના વગેરે મેં કાગળ ઉપર દોરીને મારી કલ્પના પ્રમાણે મકાન બનાવ્યું, એટલે એને છોડતાં મને દુઃખ થશે. મકાનની બાલ્કનીમાં બેસીને આખા ગામનું સૌંદર્ય હું માણી રહ્યો છું. ‘૪ જુલાઈના દિવસે આતશબાજી ફૂટશે, ત્યારે મારે હાઈસ્કૂલનાં પ્રાંગણમાં પાર્કિંગ શોધવાની જરૂર નહીં પડે. ઘરની બાલ્કનીમાં બેસીને હું આ ઉત્સવને માણી શકીશ’ એવા વિચારોમાં ગૂંથાયો છું, ત્યારે અનેક ખટમધુરા પ્રસંગોની સ્મૃતિ મારા મગજમાં સરિતાની જેમ વહેતી થાય છે. ભૂતકાળની યાદ જાગૃત થાય છે.
ડાકોરમાં જન્મ:
મારો જન્મ ગુજરાતના લોકપ્રિય યાત્રાધામ ડાકોરમાં. બ્રિટિશ હકુમતથી સ્વતંત્ર થવા માટે ભારતની જનતાએ સત્યાગ્રહની લડત હજી બે વર્ષ માટે ટકાવી રાખવાની છે. બીજા વિશ્વયુદ્ધનો અંત લગભગ નજીક આવ્યો છે.
ડાકોરના એક બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો. પાંચ ભાઈ અને બે બહેનો. વિશાળ પરિવાર અને પિતાજી સ્કૂલમાં શિક્ષક. કમાણી કરનાર એક અને ખર્ચા અનેક. બે ટંક ખાવાનું મળી રહેતું. સવારે નાસ્તાની ટેવ નહીં. કેવળ એક પ્યાલો દૂધ મળે. કપડાં પણ બે જોડથી વિશેષ નહીં. આજે વિચાર કરું છું ત્યારે મને નવાઈ લાગે છે, કે મારાં માતા-પિતાએ એમનો ગૃહસ્થાશ્રમ કેવી રીતે ચલાવ્યો હશે? નજીવી આવક, અને છતાં અમે બધાં બાળકો કૉલેજ સુધી અભ્યાસ કરીને સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી શક્યાં.
મારી બા માત્ર પાંચ ચોપડી ભણેલી અને બાર-તેર વર્ષની ઉંમરે પરણેલી. છતાં અમે વધારે ભણી-ગણીને પ્રગતિ કરીએ તેવી અદમ્ય ઇચ્છા સાથે એ અમને પ્રોત્સાહન આપતી. ‘ભણવામાં કોઈનો ભાગ નથી’ એના શબ્દો શિક્ષણના મહત્ત્વને પ્રગટ કરતા.
આર્થિક કારણોસર ઘરમાં છાપું કે સામયિકો મંગાવવાનો શિરસ્તો ન હતો. પરંતુ પાંચમા ધોરણથી જ મને સાર્વજનિક લાઇબ્રેરીમાં જવાની ટેવ પડી, એટલે ‘કુમાર’, ‘અખંડ આનંદ’ જેવાં મૅગેઝિન વાંચતો. સાંજે અજય તાંમ્બવેકર અને હરીશ શાહ જેવા મિત્રો સાથે ચાલવા જતો. જ્યાં ક. મા. મુનશી અને ર.વ.દેસાઈની નવલકથાની અમે ચર્ચા કરતા. બાળપણથી જ સાહિત્ય ચર્ચામાં રસ જાગ્યો હતો. અનેક આર્થિક મુશ્કેલીઓ હતી, પરંતુ માતા-પિતાનો અઢળક પ્રેમ મળ્યો જેથી ગરીબાઈનો અહેસાસ કદી થયો નથી. પહેરવા માટે સ્કૂલના ગણવેશ ઉપરાંત માંડ બે જોડ કપડાં, અને તે જાતે જ ધોવાનાં અને ઇસ્ત્રી પણ જાતે જ કરવાની! ઘરમાં નોકર-ચાકર હતા જ નહીં…અમે જ નોકર અને અમે જ શેઠ!
ડાકોર ગામની વસ્તી માંડ દસ હજારની. પરંતુ પૂનમને દિવસે ગામની વસ્તી પાંચ ગણી થઈ જાય. યાત્રાધામ ડાકોરમાં દ્વારકાધીશ શ્રી રણછોડરાયજીનું ભવ્ય મંદિર. દરેક પૂર્ણિમાએ ત્રીસ-પાંત્રીસ હજાર લોકો દર્શનાર્થે આવે. હવે તો આ વૈષ્ણવોની સંખ્યા લગભગ એક લાખ સુધી પહોંચે છે. ગામની સાંકડી, ધૂળવાળી શેરીઓમાં રવિવારે અને પૂર્ણિમાને દિવસે એટલા બધા યાત્રાળુઓ હોય કે ચાલવાની જગ્યા નથી તેવું લાગે! મોટા ભાગના એન.આર.આઇ.ને અમેરિકા જોયા પછી એમના વતનનું ગામ સાંકડું લાગે. પરંતુ મને એ જમાનામાં, ૧૧-૧૨ વર્ષની ઉંમરે મારું ગામ સાંકડું અને ગંદકીથી ઊભરાતું હોય તેવું લાગતું. લાઇબ્રેરીમાં બેસીને હું દેશ-વિદેશનાં પુસ્તકો વાંચતો અને ફોટા પણ રસપૂર્વક નિહાળતો. એટલે જાણે-અજાણે સરખામણી થઈ જતી.
પૂર્ણિમા પછી ડાકોરની ગંદકીમાં ખૂબ વધારો થતો. ભૂસું, ભજિયાંના કાગળ, ડૂચા વગેરે ઠેર ઠેર રસ્તાઓ પર રઝળતાં દેખાય. આપણાં યાત્રાધામો પવિત્ર ગણાય, પરંતુ સ્વચ્છતાનો સદંતર અભાવ. નગર પંચાયત કે મંદિરના વહીવટદાર, પ્રજાહિત માટે નજીવા નાણાં ખર્ચે. યાત્રાળુઓને ઘણી અગવડ પડે. એમના ગયા પછી ગામના લોકોને પણ ઘણું સહન કરવું પડે. લોકોનાં પર્સ ચોરાય, સ્ત્રીઓના અછોડા ખેંચી લેવામાં આવે અને અન્ય અનેક ગોરખધંધા ચાલે, જેનું વર્ણન અત્રે પ્રગટ કરવાનો કોઈ અર્થ નથી. ગામના વેપારીઓ, ખાસ કરીને મગસ અને ગોટા વેચનારને ખૂબ નફો થાય. ડાકોરના ગોટા, લોટા અને જનોઈ જોટા ખૂબ વખણાય. યાત્રાળુઓ ખૂબ ખરીદી કરે. આ વાણિજ્યની આવકમાંથી યાત્રાળુઓને કે ગામલોકોને જે સુવિધા મળવી જોઈએ, તે કદી મળી જ નથી. આજે પણ નહીં!
ગોમતી સ્નાન:
ડાકોરના પ્રખ્યાત મંદિરની સામે ગોમતી તળાવ છે. અમે કિશોર અવસ્થામાં આ તળાવના પુલ ઉપરથી પાણીમાં ભૂસકો મારીને તરવાનું શીખેલા. આ તળાવ પવિત્ર ગણાય. એટલે યાત્રાળુઓ તળાવમાં સ્નાન કરીને ભગવાનનાં દર્શનાર્થે જાય. કેટલાક ભક્તો આ પાણીમાં હાથ-પગ ધોઈને પાણીનું આચમન કરે, પાણી માથે ચડાવે. અમેરિકા આવ્યા પછી સમજાયું કે આ જળ પવિત્ર હશે, પણ સ્વચ્છ નથી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પીવા લાયક પણ નથી. લોકો અહીં કપડાં ધુએ અને અનેક પ્રકારની ગંદકી ઠાલવે. સામે કિનારે સ્મશાન, એટલે શબની દહનક્રિયા પતે પછી વધેલાં હાડકાં પણ તળાવમાં જ પધરાવવાનો રિવાજ. આ તળાવમાં ઊતરવા માટે પથ્થરનાં પગથિયાં. જેના ઉપર શેવાળ-લીલ વગેરે બાઝે અને પગથિયાં ખૂબ જ લીસ્સા બની જાય.
ગામલોકો આ પરિસ્થિતિ જાણે, પણ યાત્રાળુઓ અજાણ હોય. એક પૂર્ણિમાને દિવસે એક નવદંપતી દર્શનાર્થે આવ્યું. પવિત્ર જળને માથે ચઢાવવા, તાજા પરણેલા આ યુવાને તળાવમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પહેલા પગથિયે જ એનો પગ લપસ્યો. બીજું પગથિયું વધારે ચીકણું હતું. આ યુવાનનું માથું પથ્થર ઉપર ઝીંકાયું. એ બેભાન થઈ ગયો અને એનું શરીર તળાવનાં ઊંડા પાણીમાં સરકી ગયું! માથાના ઘામાંથી નીકળેલા લોહીથી તળાવનું પાણી લાલ લાલ થઈ ગયું. નવોઢા યુવતીએ ચીસો પાડી. બે-ત્રણ યુવકો દોડી આવ્યા. તળાવમાં પડ્યા અને યુવાનના શરીરને બહાર કાઢ્યું. એ દિવસોમાં C.P.R. કે તાત્કાલિક સારવાર જેવું કશું ઉપલબ્ધ ન હતું. આ યુવાન થોડી ક્ષણોમાં મૃત્યુ પામ્યો. આ પ્રસંગ પછી પણ ગોમતી તળાવનાં પગથિયાં સાફ કરાવીને શેવાળ કાઢવાનું કામ નગરપંચાયતે હાથમાં લીધું જ નહીં. ત્રણ મહિના પછી આવો કરુણ કિસ્સો ફરી બન્યો અને છાપામાં ચર્ચા ચાલી, ત્યારે આ પગથિયાં સાફ થયાં. યાત્રાળુઓને ચેતવણી આપતું બોર્ડ આવતાં લગભગ ત્રણ વર્ષ વીતી ગયાં.
આવો બીજો પ્રસંગ મંદિરના પ્રાંગણમાં જ બન્યો. પૂર્ણિમાએ ભક્તોની એવી ભીડ જામતી કે લોકો ધક્કામુક્કી કરીને દર્શન કરવા કૂદાકૂદ કરતા. વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરોમાં વિવિધ ભોગ ચઢાવવામાં આવે છે. સવારે મંગળાભોગ થાય, તે પછી ગોવાળભોગ અને રાજભોગ થાય. સાંજે સુખડીભોગ ધરાવાય. આ ભોગ દરમિયાન મંદિરના ગર્ભદ્વારનાં બારણાં બંધ થાય. ભક્તો આ દરવાજા ખૂલે તેની રાહ જોતાં ગિરદીમાં ઊભા રહે. ઘણાંને બસ અથવા રેલગાડી પકડીને ઘેર પાછા જવાની ઉતાવળ હોય. આ ગિરદીમાં સોનાના અછોડા કપાય, પાકીટ ચોરાય, ધક્કામુક્કી થાય. સ્ત્રીઓને વિશેષ સહન કરવું પડે.
એક પૂર્ણિમાને દિવસે મંદિરના દરવાજા ખૂલ્યા, ત્યારે લોકોનું ટોળું દર્શનાર્થે ગર્ભદ્વાર તરફ ધસી ગયું. એક વૃદ્ધ સ્ત્રી મંદિરના પ્રાંગણમાં જ પડી ગઈ. લોકોનું ટોળું એના શરીર ઉપર પગ મૂકીને દર્શન કરવા આગળ ધપ્યું. ભક્તો ઊંચે જોઈને દર્શન કરવા માટે તલપાપડ! પગ નીચે એક માનવ દેહ છે, તેનું તેમને ભાન જ ન રહ્યું! આ વૃદ્ધ વૈષ્ણવ બાઈ અન્ય લોકોના પગ તળે કચડાઈને મૃત્યુ પામી. કરુણતાની હદ તો એવી કે આ ઘાયલ સ્ત્રીને ઊભી કરવા જે નીચે વળ્યા, તે પણ પડ્યા અને ઘાયલ થયા. ઘાયલ વ્યક્તિઓની સારવાર કરવાની કોઈ સવલત અહીં ઉપલબ્ધ ન હતી. આવા પ્રસંગોનું પુનરાવર્તન પણ થયા કરતું. છતાં કાયદો, વ્યવસ્થા જેવા શબ્દો આ પ્રજાના જોડણીકોશમાં આવ્યા જ નહીં! બાળપણમાં જોયેલા આવા પ્રસંગોની ગાઢ અસર માનસપટ પર હજી પણ અકબંધ છે.
અમારા ફળિયાનો વિસ્તાર ગોપાલપુરામાં થોડા ઘણા કિશોર મિત્રોને ભેગા કરી અમે ‘ગોપાલપુરા મિત્રમંડળ’ શરૂ કર્યું. મુખ્ય આશય તો ક્રિકેટ ટીમ શરૂ કરવાનો હતો, પણ ‘શેરી સફાઈ’ અને જાગૃતિ લાવવાના પ્રયત્નો અમે શરૂ કરેલા. પરંતુ કોઈ નોંધપાત્ર સુધારો થયો હોય તેવું મને યાદ નથી.
આશાનું કિરણ:
બાળપણની મારી સ્મૃતિમાં કેવળ આક્રોશ, હતાશા કે નિરાશાની જ લાગણીઓ હતી, તેવું લખવું વાજબી નથી. અન્ય બાળકો અને કિશોર અવસ્થાના દોસ્તોની સાથે ક્રિકેટ રમવાનો આનંદ પણ હતો. મિત્રો સાથે જોરદાર ચર્ચાઓ થતી. શેતરંજની રમત અને પત્તાંબાજી પણ ખરી. પુસ્તકાલયમાં બેસીને વિવિધ પ્રકારનાં પુસ્તકો વાંચવાનો આનંદ પણ મળ્યો હતો. બ્રાહ્મણ કુટુંબમાં જન્મવાનો બીજો એક લાભ હતો. યજમાન આવે ત્યારે બ્રહ્મભોજનનો રિવાજ હતો. એટલે લાડવા અને વિવિધ પ્રકારનાં સ્વાદિષ્ટ ભોજન માટે આમંત્રણ મળતાં. આ એક સુખનો સમય! સંસ્કૃત પાઠશાળામાં ગુરુજી શ્લોકો બોલતાં શીખવતા, તે પણ મને ખૂબ જ ગમતું. આ બધા પ્રસંગોની જે સ્મૃતિ છે, તેમાં બે પ્રસંગો મારા માનસપટ ઉપર હજી તાજા હોય તેવું મને વારંવાર લાગ્યું છે.
ઉનાળાની રજાઓમાં કોઈપણ પ્રકારની ફી લીધા વિના શ્રી ગિરિજાશંકર પંડ્યા અમને ગણિત શીખવતા. ઘરનું કેરોસીન બાળીને ફાનસના અજવાળામાં ભણાવતા. મને ભૂમિતિ, અંકગણિત, બીજગણિત શીખવાનો ખૂબ લાભ મળ્યો. બાર વર્ષના શાળાના અભ્યાસ દરમિયાન ગણિતમાં મારા માર્ક્સ ૯૦ ટકાથી વધારે આવતા. જેનો યશ પંડ્યા સાહેબને જાય છે. ઘણીવાર પંડ્યા સાહેબ થાકી જાય, ત્યારે અન્ય વિદ્યાર્થીઓને શીખવવાની જવાબદારી મને મળતી. તેથી નાની ઉંમરે મને શિક્ષક થવાના કોડ જાગ્યા.
વર્ષો પછી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવા આ ગણિતનો અભ્યાસ મને ખૂબ ઉપયોગી થઈ પડ્યો. કારણ કે સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રિ મેડિકલમાં Biology (જીવશાસ્ત્ર) ઉપરાંત ગણિતના ગુણાંક પણ મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટે ઉપયોગી હતા. ભણવાનું અને ભણાવવાનું મને ગમતું, એટલે ફાજલ સમયે ગુજરાતી નવલકથાઓથી કંટાળું, ત્યારે હું ગણિતના દાખલા ગણતો અને એમાં મને વિશેષ આનંદ મળતો. ઉમાશંકર જોશી અને જયંત પાઠકનાં કાવ્યો મને ગમતાં. પરંતુ બ.ક. ઠાકોરનાં કાવ્ય વાંચું, ત્યારે મને પ્રશ્ન થતો કે આમાં કાવ્યતત્ત્વ ક્યાં છે? વાંચ્યા પછી આનંદ ઓછો આવે. કૉલેજકાળમાં રાજેન્દ્ર શાહનાં કાવ્યો પણ મને ગમતાં. સુરેશ જોશીની વાર્તાઓ અને કવિતાઓ તો અમેરિકા આવ્યા પછી વાંચવા મળી. મૅટ્રિક પાસ થયો ત્યાં સુધીમાં ક.મા.મુનશી અને ર. વ. દેસાઈની લગભગ બધી જ નવલકથાઓ હું વાંચી ચૂક્યો હતો.
ડાકોરનો બીજો પ્રસંગ મારા પિતાશ્રીની બીમારીનો છે. અમે ભાઈ-બહેનો પિતાજીને ‘મોટાભાઈ’ના સંબોધનથી જ બોલાવતા. મોટાભાઈના પેટમાં દુખાવો થતો. એમની બીમારી પ્રસંગે હું ખૂબ ચિંતાતુર રહેતો. આખા કુટુંબની આર્થિક જવાબદારી પિતાજી માથે હોવાથી એમને ઘણી ચિંતા રહેતી હતી. અમારા ફેમિલી ડૉક્ટર શ્રી હરિહર જોશી. મારા હરિપ્રસાદ મામાના ખાસ મિત્ર હતા. એટલે હરિહર ડૉક્ટરને પણ અમે ‘મામા’ શબ્દથી જ સંબોધતા અને ડૉક્ટર પણ અમને “આવો ભાણાભાઈ” એવા સ્નેહથી સત્કારતા. નાની-મોટી બીમારીમાં એ અમારા કુટુંબની સારવાર કરતા અને ફી લેવાની કે બિલ મોકલવાની સ્પૃહા એમણે કદી કરી હોય તેવું મારી સ્મૃતિમાં નથી. મારા મોટાભાઈની બીમારી સમયે હું દોડીને ડૉક્ટર મામાને તેડવા જતો.
ડૉક્ટર આવે એટલે મારી બા પાણી ગરમ કરે. જેથી ઈન્જેક્શનની સિરીંજ અને સોય વગેરે ઉકાળીને ચોખ્ખી કરી શકાય. ડૉક્ટર આ પ્રક્રિયા દરમિયાન હસતાં હસતાં કહેતા: “શશિબેન, સ્ટવ ચાલુ છે, તો એક કપ મસાલાવાળી ચા પણ મૂકી દો.” મારી બા સહર્ષ એમને માટે ચા બનાવતી. ઈન્જેક્શન પછી મોટાભાઈને સારું લાગતું. નોંધપાત્ર બાબત એ છે કે ઈન્જેક્શન આપીને ડૉક્ટર મામા દવાખાને પાછા ફરતા, જેથી બીજા દર્દીઓની સારવાર થઈ શકે. સાંજે દવાખાનું બંધ કરીને પોતાને ઘેર જવાને બદલે ડૉક્ટર સાહેબ અમારાં ઘરની બીજી મુલાકાત લેતા. મોટાભાઈ જોડે બેસતા. એમનું મન હળવું થાય તેવી વાતચીત કરતા. પિતાજીને આ શાંતિ, ધીરજ, વાર્તાલાપ વગેરે માનસિક સારવારથી વિશેષ ફાયદો થતો. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ મુલાકાત પણ દર્દીની સારવારનો અગત્યનો હિસ્સો છે, તે વાત મને વર્ષો પછી સમજાઈ. મેડિકલ કૉલેજમાં જવાની પ્રેરણા મને આવા સ્નેહી ડૉક્ટર મામાના વર્તનમાંથી મળી. થોડા શબ્દો, પણ ઊંડી સમજ. એમની માનવતા અને દર્દીને સમજવાની શક્તિ પ્રત્યે મને ખૂબ જ સન્માનની લાગણી ઉત્પન્ન થઈ. જે ડૉક્ટર તરીકેના મારા વિકાસ માટે ખૂબ લાભદાયી બની.
ડાકોરમાં મને સારા મિત્રો પણ મળ્યા. હરીશ શાહ મારા કરતાં ખૂબ હોશિયાર. શાળામાં મારો નંબર પ્રથમ આવે. પરંતુ એનું કારણ, હરીશ મારા કરતાં એક વર્ષ પાછળ. જો એ મારા વર્ગમાં હોત, તો મારો નંબર પ્રથમને બદલે દ્વિતીય થઈ જાત! અમે દરરોજ સાંજે ચાલવા જઈએ. ગુજરાતી સાહિત્યની ચર્ચા થાય. લાઈબ્રેરીમાં બેસીને જે વાંચ્યું હોય તેની ટીકા ટીપ્પણ થાય. ‘ગુજરાતનો નાથ’ અને ‘જય સોમનાથ’ જેવી નવલકથાઓની તુલના થાય. અમારી સાથે વિજ્ઞાનના શિક્ષક શ્રી ચંપકભાઈ દોશી હોય, તો અમેરિકા અને રશિયા જેવા દેશોમાં થઈ રહેલાં નવા સંશોધનોની ચર્ચા કરે. ડાકોરના બાલ્યકાળ દરમિયાનનો એક અનુભવ હું કદી નહીં ભૂલી શકું.
મારી બાને ટી.બી.ની બીમારી થઈ ત્યારે ડાકોરના ડૉક્ટરોએ મોટા શહેરમાં સારવાર માટે જવાની સલાહ આપી. આર્થિક રીતે એ શક્ય ન હતું અને સૅનેટોરિયમમાં પણ જંતુનાશક ઍન્ટિબાયોટિક ઉપલબ્ધ ન હતી. ૧૯૫૨-૫૩ની સાલમાં સ્ટ્રેપ્ટોમાયસિન સિવાય અન્ય દવાની શોધ થઈ ન હતી.
આવા સંજોગોમાં મારાં માતા-પિતાના જીવનમાં કેવું અસહ્ય સંકટ આવી પડ્યું અને એમણે કેવી રીતે પ્રશ્નોના ઉકેલ શોધ્યા એની કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. નડિયાદના એક પ્રખ્યાત વૈદ્ય (મણિલાલ વૈદ્ય)ની મદદ મળી. જેમણે આયુર્વેદિક પદ્ધતિથી મારી બાના રોગની સારવાર કરી. બે-ત્રણ મહિના મારી બા નડિયાદમાં રહી. આ સમય દરમિયાન અમે બાળકો મા વિનાના. પિતાજી નોકરી કરે, રસોઈ પણ બનાવે અને અમને તૈયાર કરીને સ્કૂલમાં મોકલે! એમને ભગવાનમાં અટલ શ્રદ્ધા. વહેલી સવારે ગાયત્રી મંત્રના જાપ પણ કરે. આ ગાળામાં હું પણ પ્રાર્થના કરતો અને પિતાજીને ઘરકામમાં મદદ કરતો. મારી બહેનના લાંબા વાળને કેમ વ્યવસ્થિત કરવા, ચોટલો કેવી રીતે વાળવો… આવું બધું ઘરકામ હું શીખી ગયો. ભગવાનની કૃપાથી બાનો ટી.બી. મટી ગયો. ટી.બી. સ્પેશિયાલિસ્ટ તરીકે મને એવું લાગે છે કે ૧૯૫૨ ના અરસામાં માત્ર આયુર્વેદિક પદ્ધતિથી ટી.બી. મટી જાય અને તે પછી ૫૦-૬૦ વર્ષ સુધી ડાયાબિટીસ હોવા છતાં ટી.બી.નો ઊથલો ન આવે એ ચમત્કારિક ઘટના કહેવાય! આજે પણ માતા-પિતાની શ્રદ્ધાનું બળ મને માનસિક ધરપત અને પ્રેરણા આપે છે.
પૈસાની અછત હોવા છતાં ઉત્તમ શિક્ષણ મળ્યું. સમાજમાં ખૂબ રૂઢિચુસ્ત અને બંધિયાર વિચારસરણી હતી. છતાં ડાકોરમાં એવા શિક્ષકો મળ્યા, જે નિ:સ્વાર્થ ભાવે અમને ટ્યૂશન આપતા. નાણાંની અપેક્ષા રાખ્યા સિવાય, વિદ્યાર્થી ઘેર આવે, તો આ શિક્ષકો ઉમંગથી ભણાવતા. મારા પિતાજી નજીવા પગારમાંથી ક્યારેક ગરીબ વિદ્યાર્થીની ફી પોતાના ગજવામાંથી ભરી દેતા, જેથી કોઈ વિદ્યાર્થીને પૈસાના અભાવે સ્કૂલ છોડવી ન પડે. શાળાનું શિક્ષણ પૂરું કરવાનો અનુરોધ ઘણા વિદ્યાર્થીઓને આપતા અને જરૂર લાગે ત્યાં પાઠ્યપુસ્તકો વગેરેની વ્યવસ્થા કરી આપતા. ભગવાનના દર્શનાર્થે જે હજારો ભક્તો ડાકોરના મંદિરમાં આવે છે, તેમની શ્રદ્ધા ભક્તિને મારા શત શત વંદન.
ડોંગરેજી મહારાજ ભાગવત્ કથા કરતા, પરંતુ દક્ષિણાની અપેક્ષા બિલકુલ નહીં. એક કથામાં ધાર્યા કરતાં વધારે આવક થઈ, ત્યારે બધી જ રકમ બ્રાહ્મણ સમાજની સંસ્થાને દાનમાં આપીને, માત્ર બસ ભાડું રાખીને ઘર તરફ પ્રયાણ કરી ગયેલા. પુનિત મહારાજ દરેક પૂર્ણિમાએ ભજનનો કાર્યક્રમ રાખતા. હૃદયસ્પર્શી ભજનોની રચના પોતે કરતા અને મધુર કંઠે ગાતા. લોકો જે ભેટમાં આપે તે અન્નક્ષેત્રમાં દાન રૂપે આપી, સવારની બસ પકડી, અમદાવાદની એમની નોકરીમાં હાજર થઈ જતા. કોઈ મિથ્યા આડંબર નહીં. બાલમંદિરના શિક્ષક ઠાકોરભાઈ રેંટિયો કાંતીને પોતાનાં કપડાં તૈયાર કરતા અને સાધારણ પગારથી થોડા રૂપિયા બચે તે સમાજસેવામાં ખર્ચતા. આ રીતે જોતાં, ડાકોરમાં અસાધારણ વિરોધાભાસ જોવા- જાણવા મળ્યો.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી:
મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી, અંગ્રેજી માધ્યમમાં ભણવા વડોદરા જવાનું નક્કી કર્યું. આર્થિક મુશ્કેલી તો હતી. પરંતુ કેન્દ્ર સરકારની સ્કૉલરશિપ મળે, એટલે મ.સ. યુનિવર્સિટીમાં જવાની મારી ઈચ્છાને થોડું સમર્થન મળ્યું. ત્યાં એક અણધાર્યો વિકલ્પ ઊભો થયો. નવી વિજ્ઞાન વિષયક કૉલેજ શરૂ થતી હતી. અજય તાંમ્બવેકરને અને મને ચાર વર્ષની સ્કૉલરશિપ સાથે કપડવંજ આવવાનું આમંત્રણ મળ્યું. કૉલેજના પ્રિન્સિપાલ સાહેબ ડાકોર આવ્યા. એમનો આશય હતો, ડાકોરના થોડા ‘હોશિયાર’ વિદ્યાર્થીઓને તેમની કૉલેજમાં લાવવાનો. પિતાજી પીગળ્યા. તેમની ઈચ્છા એવી કે મારે કપડવંજ ભણવા જવું. જેથી ખર્ચો બચે. છેવટે મારે તરકીબ કરવી પડી. પિતાજીને નરહરિ જ્યોતિષી પ્રત્યે સન્માન અને ખૂબ ભરોસો. એમણે નરહરિજીને જમવા આવવાનું આમંત્રણ મોકલ્યું. આગલી રાત્રે હું જ્યોતિષ મહારાજને મળી આવ્યો અને ખૂબ વિનંતી કરી કે ‘મારે વડોદરા ભણવા જવું છે, એટલે એ દિશા જ મારે લાયક ‘શુભ’ છે. તેવું પંચાંગ અને મારા જન્માક્ષરમાંથી શોધી રાખજો.’ જોષીજીએ મારી માન્યતા સ્વીકારી અને બીજે દિવસે મારા પિતાજીને સલાહ આપી કે ‘આ કિશોર માટે વડોદરાની દિશા લાભદાયી છે અને એ દિશામાં એનું ગ્રહબળ સારું છે.’ પિતાજી માની ગયા અને મને એમ. એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ પ્રારંભ કરવાની સુંદર તક સાંપડી. શ્રીમતી ચંપાબેન-બાબુરાવે અભ્યાસ અર્થે લોન આપવાની તૈયારી દાખવી, એટલે મારો ઉત્સાહ વધ્યો. મારે તો ગણિતના અધ્યાપક થવું હતું, પરંતુ પિતાજીનો આગ્રહ મેડિકલ કૉલેજ તરફ ઢળતો. મારા વડીલ ભાઈ શ્રી પ્રમોદભાઈ તથા એમના મિત્ર શ્રી ટી.સી. શાહ દ્વારા પણ આવું જ સૂચન આવ્યું.
“તારે અધ્યાપક થવું છે, તો ડૉક્ટર બનીને મેડિકલ કૉલેજમાં ભણાવજે.” સાહેબે તર્કપૂર્વકની દલીલ કરી. આમ ખૂબ ઇચ્છા ન હતી, છતાં મેં મેડિકલ કૉલેજનું અરજીપત્ર ભર્યું. ઈન્ટરવ્યૂ આવ્યો.
“તારે કયા કારણસર ડૉક્ટર થવું છે?” સાહેબે પ્રશ્ન પૂછ્યો. વાજબી જવાબ તો એવો હોય કે ગરીબોની સેવા કરવા માટે તબીબ થવું છે. પરંતુ યુવાન વયની ખુમારીમાં મેં જવાબ આપ્યો,
“મારા પિતાજીની ઈચ્છા છે, એટલે ફૉર્મ ભર્યું છે. મારા અનુજ બંધુઓ મેડિકલમાં જઈ શકશે કે કેમ, તે મને ખબર નથી. એટલે મારી કૌટુંબિક ફરજ સમજીને આવ્યો છું.”
મેડિકલ કૉલેજમાં એડમિશન મળવું ખૂબ જ મુશ્કેલ હતું. છતાં મને પ્રિ મેડિકલમાંથી બીજા કોઈ ટેસ્ટ લીધા સિવાય સીધો જ પ્રવેશ મળી ગયો. ઓળખાણ કે ભલામણ ચિઠ્ઠી સિવાય આવું બને તે નવાઈ ગણાય. ગણિતના ગુણાંક સારા હતા. પણ જીવશાસ્ત્રમાં માત્ર ૬૫ ટકા હતા. વડોદરાને બદલે બીજા કોઈ સ્થળે ભણવા ગયો હોત, તો મારું જીવન કોઈ બીજી દિશામાં વળ્યું હોત. વિધાતા ક્યારે, કેમ, શું નિયત કરે છે, તે જાણવાનું માનવ માટે શક્ય નથી. વડોદરાની મેડિકલ કૉલેજ અને સયાજી હૉસ્પિટલમાં એવા ઘણા પ્રસંગો બન્યા કે એ બધાનું વર્ણન કરવા બેસું, તો નાનું પુસ્તક થાય. અહીં માત્ર બે-ત્રણ પ્રસંગોનું બયાન રજૂ કરીશ.
મેડિકલ કૉલેજના ત્રીજા વર્ષમાં એક રબારી કુટુંબની સ્ત્રી મારી દર્દી હતી. હું ક્લિનિકમાં હતો, ત્યારે આ દર્દીની સારવાર કરવાનું કામ મને સોંપવામાં આવ્યું. આ યુવાન સ્ત્રી, એના પતિ અને સાસુ સાથે બહુ દૂરથી સયાજી હૉસ્પિટલમાં સારવાર માટે આવી હતી. વડોદરામાં રહેવાની સગવડ નહીં હોય, એટલે આ કુટુંબ ઝાડ નીચે રહેતું હતું. એની ફરિયાદ હતી પેટમાં દર્દ અને ઝીણો તાવ. એના પતિ અને સાસુમાની ફરિયાદ હતી, ‘આ વહુ ચાર વરસથી પરણી છે. પણ એને એક પણ સંતાન નથી થતું.’ ઊંચી, રૂપાળી, તંદુરસ્ત લાગતી આ યુવતીના ચહેરા ઉપર ગ્લાનિ અને ઊંડી હતાશાના ભાવ ઊપસી આવતાં. એની શારીરિક તપાસ કરતાં જાણવા મળ્યું કે નાભિના નીચેના ભાગમાં એના પેટમાં ગાંઠ હતી અને પેટના એ ભાગને અડતાં એને ખૂબ દુખાવો થતો. ૧૯૬૦-૬૫ ના અરસામાં સયાજી હૉસ્પિટલમાં નિદાન માટેની સુવિધા લગભગ નહિવત્ હતી. કેટ સ્કેન (CAT SCAN) તો ક્યાંથી હોય? લોહી અને પેશાબની તપાસ કરાવી. પેટનો ફોટો પાડવો હોય તો મોટા સાહેબની પરવાનગી લેવી પડે. થોડી સિફારસ લગાવી, ત્યારે એને દવાખાનામાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો. ગાયનેકૉલૉજિસ્ટને બોલાવ્યા કન્સલ્ટેશન માટે. બે દિવસ તો જનરલ સર્જન અને ગાયનેકૉલૉજિસ્ટ વચ્ચેની વાદ-વિવાદમાં ગયા. કૅન્સરની બીમારી હશે તેવી ધારણા હતી.
બીજે દિવસે આ યુવતીનું ઑપરેશન થયું. હું વિદ્યાર્થી તરીકે ઑપરેશન થિયેટરમાં હાજર હતો. ગર્ભાશયની ડાબી બાજુએ જે ગાંઠ હતી, તે કાઢવા જતાં મારા પ્રોફેસરને વિચાર આવ્યો કે એમાં સોય મૂકીને તપાસ કરવી કે આ કયા પ્રકારની ગાંઠ છે. આ તપાસ કરતાં તુરંત ખબર પડી કે આ ગાંઠમાં તો પરુ છે અને પરુ કાઢ્યા પછી જે નાની ગાંઠો મળી છે, તે ટી.બી.ને કારણે છે! કૅન્સર નથી એ જાણીને મને આનંદ થયો. પરંતુ દર્દી અને એનાં કુટુંબીજનોએ તો એક જ પ્રશ્ન પૂછ્યો, “આ સ્ત્રી સગર્ભા થશે કે નહીં?” મને ખૂબ ગુસ્સો આવ્યો. આ યુવતીની સાસુની દ્રષ્ટિએ સ્ત્રીના જીવનનું મુખ્ય ધ્યેય બાળકો પેદા કરવાનું! યુવતીનો પતિ થોડો સમજુ હતો અને પત્ની પ્રત્યે એને વહાલ અને મૈત્રીપૂર્ણ વલણ હતું. છતાં સાસુમાની અપેક્ષાને કારણે બંને બહુ ઉદ્વેગમાં હતાં. પરિસ્થિતિ સમજાવવાના પ્રયત્નો લગભગ નિષ્ફળ ગયા. ગર્ભાશયની એક બાજુની ટ્યૂબ કાપવી પડી હતી. એટલે આ યુવતી સગર્ભા બને તેવી શક્યતા ઘટી ગઈ હતી. દસ દિવસ પછી ટી.બી. ની દવા શરૂ કરીને યુવતીને ઘેર મોકલી. પરંતુ મારા મનમાં ટી.બી.થી સર્જાતી કરુણતા અને સ્ત્રીજીવનની કફોડી પરિસ્થિતિની ગાઢી અસર પડી. સામાજિક કાર્યકર્તા કે કુટુંબની સહાયતા કરી શકે તેવી કોઈ સંસ્થા કે વ્યવસ્થા ન હતી. ટી.બી.ની દવા એક મહિના સુધી ચાલે તેટલી દવાખાના તરફથી આપવામાં આવી હતી. પરંતુ ટી.બી.ની સારવાર તો બાર મહિના સુધી ચાલે. વડોદરાથી ૪૦ માઇલ દૂર, એક ગામડામાં રહેતી આ બાઈ એની શેષ દવા ક્યાંથી મેળવશે? રબારી કુટુંબ એક સ્થળેથી બીજા સ્થળે ફરતું રહે, એટલે ભરોસાપાત્ર તબીબી સારવાર ક્યાંથી મળે? આ બધા પ્રશ્નોથી હું અકળાઈ ગયો. પરંતુ અન્ય ડૉક્ટર અથવા સારવાર પદ્ધતિને આ બાબતની કોઈ ચિંતા જ ન હતી. એમનો અભિગમ આવા અનેક કેસ જોયા પછી રીઢા ગુનેગાર જેવો બેદરકાર થઈ ગયો હશે?
બીજો પ્રસંગ સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટર-નર્સની મર્યાદિત સંખ્યાને કારણે ઊભા થતા પ્રશ્નો અંગે છે. ક્લિનિકમાં સો-દોઢસો દર્દીઓ આવતા. અમે ત્રણ-ચાર વિદ્યાર્થીઓ, બે-ત્રણ શિખાઉ ડૉક્ટરો અને એક અનુભવી ડૉક્ટર. માત્ર બે નર્સો! જે અધ્યાપક અને અનુભવી ડૉક્ટર આવતા, તે માનદ અધ્યાપક. અર્થાત્ તેમની પોતાની પ્રાઈવેટ મેડિકલ પ્રૅક્ટિસ હોય. પરંતુ સયાજી હૉસ્પિટલમાં સેવા આપવા આવે અને અમને ભણાવે. દર્દીઓની આટલી મોટી લાઈન હોય, ત્યાં ભણાવવાનો સમય ક્યાંથી હોય? આ લાઈનમાં ત્રણ-ચાર દર્દીઓ, જે સારા કપડાં પહેરીને આવ્યા હોય, તે માનદ અધ્યાપકના ખાનગી દર્દીઓ હોય. સાહેબે અગાઉથી જ નક્કી કર્યું હોય કે એમના X-Ray પાડવાના છે અથવા મોંઘા ટેસ્ટ કરવાના છે. આ દર્દીઓને લાઈનમાં ઊભા રહેવાની જરૂર ન હતી. ફોટા પડાવીને સાંજે ખાનગી ક્લિનિકમાં જવાનું. જ્યાં માનદ અધ્યાપક (Honorary Professor) એમની સારવાર કરતા. X-Ray અને મોંઘા ટેસ્ટ સરકારી હૉસ્પિટલમાં, અને સારવાર ખાનગી ક્લિનિકમાં! ફી મળતી આ ડૉક્ટરશ્રી માનદ અધ્યાપકને! મેડિકલ કૉલેજનું બજેટ એટલું ઓછું કે કાયમી પૂરા પગારદાર અધ્યાપકોને નોકરીમાં રાખવાના નાણાં જ ન હતાં અને હોય તો પણ ઓછા પગારમાં ડૉક્ટરો, સરકારી નોકરી શા માટે સ્વીકારે?
આવા અનેક પ્રસંગો જોયા પછી એક વિચાર મારા મગજમાં ઘોળાયા કરતો. આવી સ્થિતિમાં ડૉક્ટર, દર્દીની ઉત્તમ પ્રકારની સારવાર કેવી રીતે કરી શકે? જેમ ડાકોરથી ભાગી છૂટી મારે વડોદરા આવવું હતું, તેમ વડોદરા છોડીને પરદેશ ચાલ્યા જવું જોઈએ, એ વિચાર મારા મનમાં દ્રઢ થતો ગયો. M.B.B.S. થયા પછી M.D.ના વિશેષ અભ્યાસ માટે જે આર્થિક સગવડ જોઈએ, તે તો મારી પાસે હતી જ નહીં. બીજી બાજુ મારા પિતાશ્રી મારું ભણતર ક્યારે પૂરું થાય અને મારો પગાર ક્યારે શરૂ થાય તેની પ્રતીક્ષા કરી રહ્યા હતા. નાના ભાઈ-બહેનો હતાં. જેમનાં ભણતરનો બોજ પણ પિતાજીના માથે હતો જ. મારા વડીલ બંધુ પ્રમોદભાઈની આર્થિક સહાયતા મળતી અને અંબુ કાકાની પણ મદદ મળી રહેતી. પરંતુ અન્યના આધારે જીવન જીવવાનું મારે માટે અસહ્ય બનતું જતું હતું. કુટુંબને આર્થિક સહાય કરવાનું તો બાકી હતું. આ સમય દરમિયાન હું મારા પિતાજી માટે આર્થિક બોજારૂપ હતો, તેવી ભાવના મારા દિલમાં પ્રબળ બની.
એ દિવસોમાં (અત્યારે પણ) વડોદરા મેડિકલ કૉલેજના ઘણા સ્નાતકો ભારત છોડીને પરદેશ જતા. ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવાનો ઉમંગ હતો. આ દેશોમાં કમાણી પણ સારી હતી અને પૈસા કમાવવા કાળાબજારના ધંધા કરવાની જરૂર ન હતી. બૃહદ અંશે ડૉક્ટરોના મગજમાં ‘પરદેશ ભણી-ગણીને ભારત પાછા આવીશું’ તેવો વિચાર હતો. મારા મગજમાં આવો વિચાર ન હતો. અમેરિકામાં અભ્યાસ કરીને ત્યાં જ રહેવું અને પરદેશમાં રહીને સ્વદેશની સેવા કરવી તથા ભાઈ-બહેનોને યથાશક્તિ મદદ કરવી તેવો આદર્શ મારા મનમાં સ્થિર થતો ગયો. આરોગ્યની સવલતોનો અભાવ, ઉપરાંત રાજકારણના ક્ષેત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારથી મેં અને મારા સહાધ્યાયીઓએ ભારત છોડી અમેરિકા જવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મનમાં એક જોરદાર દ્વિધા હતી. ‘ભારતની જનતાને ડૉક્ટરોની આવશ્યકતા હતી અને અમે ભાગી જઈએ તો ભારતનું બુદ્ધિધન પરદેશમાં ચાલ્યું જાય.’ તે વિચાર હૃદયમાં શૂળની જેમ ખૂંચતો હતો. આજે પચાસ વર્ષ પછી પણ આ દંશ ઘટ્યો નથી.
લગ્નના બજારમાંઃ
૧૯૬૫ના અરસામાં ડાકોરનો સમાજ રૂઢિચુસ્ત હતો. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજમાં દીકરા-દીકરીનાં લગ્ન બ્રાહ્મણ પરિવારમાં જ થતાં અને બૃહદ અંશે વડીલોની ઈચ્છા મુજબ થતાં. વર્ણ વ્યવસ્થા ઉપરાંત પેટા જાતિ પણ પ્રચલિત હતી. એટલે ત્રિવેદી બ્રાહ્મણોમાં પણ ‘તડ’ પેટા જાતિ હતી. મારા વડીલ બંધુનો વિવાહ તેમની સંમતિ વિના જ થયો હતો. મારા લગ્ન અંગે મારે બે-ત્રણ ઉમેદવારમાંથી એક નક્કી કરીને પિતાજીને જાણ કરવી એવું નક્કી થયેલું. પરંતુ ભાવિ જીવનસાથીને મળવા જતાં ગામમાં અફવા ફેલાતી કે ફલાણાનો વિવાહ નક્કી થયો છે. મારો મિત્ર હરીશ, આ પરિસ્થિતિને કુંભારના ‘માટલાં બજાર’ સાથે સરખાવતો. “મોટાભાગના માટલાં તો ટકોરા મારવા જતાં જ તરડાઈ જાય છે!” આ વિધાનનો મને કરુણ અનુભવ થયો.
જ્યારે કોઈ કન્યા માટે વિવાહનું માગું આવે અને અફવા ઊડે, ત્યારે એ છોકરીની પ્રતિષ્ઠા જાળવવા હું યથાશક્તિ પ્રયત્ન કરતો. મારા માતા-પિતાના મગજમાં આ વિશે ગેરસમજ થતી. ‘હું ફલાણી છોકરીનો બચાવ કરું છું. એનો અર્થ, કે મને એ કન્યા સાથે વિવાહ મંજૂર છે.’ તેવું તેઓ માની લેતા. મારે ચોખવટ કરવી પડતી. સામાજિક દબાણ હેઠળ મારા પિતાશ્રીનો એવો આગ્રહ કે મારે બનતી ત્વરાએ વિવાહ માટે કોઈ છોકરી પસંદ કરી લેવી. જ્ઞાતિ બહારની કોઈ છોકરી સાથે સગાઈ અને તે પછી લગ્ન થાય તેવી શક્યતા માટે એમણે મને કોઈ અવકાશ આપ્યો જ નહીં. લગ્ન તો જ્ઞાતિમાં અને તે પણ પેટા જ્ઞાતિ (તડ) મુજબ થવા જોઈએ તેવો તેમનો આગ્રહ. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણનો છોકરો, નાગર બ્રાહ્મણ કે તપોધન બ્રાહ્મણની કન્યા સાથે લગ્ન કરી શકે નહીં તેવો ચુસ્ત નિયમ! આવા સંજોગોમાં મારે માટે નિર્ણય લેવાનું શક્ય ન હતું.
એક દિવસ મારી હોસ્ટેલમાં હું વાંચનમાં મગ્ન હતો, ત્યારે બારણે ટકોરા પડ્યા. હોસ્ટેલનો પટાવાળો સંદેશો લાવ્યો કે ડૉક્ટર સી. જે. શાહ સાહેબ (રેક્ટર) મને મળવા માંગે છે. એમનું રહેઠાણ અમારી હોસ્ટેલના ત્રીજા માળે હતું. સાહેબે મને કેમ બોલાવ્યો તે મને સમજાયું નહીં. મારી કંઈક ભૂલ થઈ હશે? મને વિચાર આવ્યો. હું રાત્રે મોડે સુધી વાંચતો, એટલે બીજા કોઈ વિદ્યાર્થીએ ફરિયાદ કરી હશે? આવા બધા વિચારો સાથે હું શાહ સાહેબના રહેઠાણે પહોંચ્યો. શાહ સાહેબે મને અંદર બોલાવીને પેંડા ભરેલી વાડકી આપીને કહ્યું, “જયંત, આ પેંડા તારે માટે છે. અભિનંદન!”
મને ખૂબ નવાઈ લાગી. “શેના પેંડા છે?” મેં નમ્રતાથી પૂછ્યું. “હું ડાકોર દ્વારકાધીશનાં દર્શનાર્થે ગયો હતો. ત્યાં મંદિરમાં જ તારા પિતાશ્રી મળ્યા. એમણે સંદેશો કહેવડાવ્યો છે કે તારા વિવાહ થઈ ગયા છે. છોકરીનું નામ છે મીનાક્ષી.” (શાહ સાહેબે આ સગાઈના શુભ સમાચાર રૂપે પેંડા ખરીદ્યા અને મને ભેટ ધર્યા.) મારે માટે આ સમાચાર આનંદ કરતાં આઘાતના વિશેષ હતા. હું મીનાક્ષીને ઓળખતો હતો અને જીવનસાથી માટે મેં એની પસંદગીનો વિચાર કર્યો પણ હતો. પરંતુ હું નિર્ણય લઉં તે પહેલાં જ મારી સગાઈ થઈ ગઈ! આ સંબંધ જે રીતે નક્કી થયો અને મારી સમક્ષ આ બાબતનો સંદેશો જે રીતે પ્રસ્તુત થયો, તેની માઠી અસર મારા અને મીનાક્ષીના ભાવિ ઉપર પડી. અમે પરણી ગયાં, પરંતુ ટકોરા મારતાં પહેલાં જ માટલામાં તિરાડ પડી ગઈ. સંબંધોની મીઠાશ પુનઃ કેળવતાં ઘણો સમય લાગ્યો. મારા ઘરનાં સર્વે સ્નેહીજનો એવું માને છે કે મારું લગ્ન એક પ્રેમલગ્ન છે! આ ઘટનાનું રહસ્યમય સત્ય માત્ર હું જ જાણું છું.
ઈસ્ટ આફ્રિકા:
ભારતથી અમેરિકા આવવા તબીબોએ ECFMG નામની પરીક્ષા પાસ કરવાની હોય છે. આ માટેનાં પરીક્ષા કેન્દ્ર પહેલાં ભારતમાં જ હતાં. પરંતુ સરકારે બંધ કરાવ્યાં, એટલે પરદેશમાં જઈને પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ હતી. મેં નૈરોબી કેન્દ્ર ભર્યું. અનિલ અને દિલીપ નામના બે મિત્રોની સહાયથી નૈરોબી (કેન્યા) જવાની વ્યવસ્થા થઈ ગઈ. પરંતુ ત્યાં જવામાં અને ત્યાં પહોંચ્યા પછી અનેક મુશ્કેલીઓ પડી. પૈસાનો અભાવ, ત્યાં રહેવાની વ્યવસ્થાની કેટલીક અગવડ. એટલે મેં નોકરીની તપાસ શરૂ કરી. નૈરોબીમાં હું હરિવદન પટેલને ઘેર રહેતો હતો. આગાખાન હૉસ્પિટલમાં મને નોકરી તો મળી, પરંતુ હૉસ્પિટલે એક લાખ શિલિંગની બાંહેધરી માગી. ડૉક્ટર વર્ષ પૂરું કર્યા વિના રાજીનામું આપે, તો હૉસ્પિટલના સ્ટાફને વિશેષ મુશ્કેલી પડે. એટલે એમણે આવો નિયમ બનાવ્યો. ‘નોકરી મળી છે’ તેવો પત્ર (Job offer) લઈને હું હરિવદનભાઈને ઘેર આવ્યો, ત્યારે મારા ચહેરા ઉપર હર્ષ-શોક મિશ્રિત લાગણી જોઈને તેમણે પ્રશ્ન કર્યો, “જયંતભાઈ, શું મુશ્કેલી છે?” મેં એક લાખ શિલિંગની બાંહેધરી (Bank certified Bond or Deposit) ની વાત કરી. હરિવદનભાઈ સાથેનો સંબંધ નવો હતો અને એ મારા કુટુંબી પણ ન હતા. છતાં વિના સંકોચે એમણે એક લાખ શિલિંગની બાંહેધરી આપવાનું સ્વીકાર્યું. “તમે ગભરાશો નહીં. હું એક લાખ શિલિંગ બેંકમાં જમા કરાવીશ અને હૉસ્પિટલને બાંહેધરી આપીશ.” આ પ્રસંગ અહીં એટલા માટે રજૂ કરું છું કે એમની માનવતા અને નિ:સ્વાર્થ ભાવે મને મદદ કરવાની ભાવના મને સ્પર્શી ગયાં. મેં નૈરોબીમાં નોકરી લેવાને બદલે જિન્જા (Jinja, Uganda)માં નોકરી શોધી કાઢી. કારણ કે એમની સજ્જનતાનો ઉપયોગ કરવાનું મને વાજબી લાગ્યું નહીં.
જિન્જામાં નોકરી શરૂ કર્યા પછી બીજો અસાધારણ પ્રસંગ બન્યો. મીલ્ટન ઓબોટેની ગેરહાજરીમાં ઈદી અમીને લશ્કરી બળવો કર્યો અને યુગાન્ડાની સત્તા પોતાને હસ્તક કરી. તે દિવસે હું હૉસ્પિટલમાં નાઈટ ડ્યૂટી કરી રહ્યો હતો. સાંજે છ વાગ્યાનો સમય હતો. હું એક દર્દીને તપાસી રહ્યો હતો. વૉર્ડમાં લગભગ ૨૦ જેટલા ખાટલા હતા. બધામાં દર્દીઓ હતા. ત્યાં હૉસ્પિટલના બધા ખાટલા ભરેલા જ રહેતા. અચાનક બંદૂક ફૂટવાના અવાજ આવ્યા. થોડી ક્ષણો પછી આઠ-દસ સૈનિકોની ટુકડી ‘લેફ્ટ-રાઇટ’ કરતી મારા વૉર્ડમાં આવી. બધા સૈનિકો પાસે બંદૂક હતી. એના વડા ઑફિસરે એની લાન્ગો ભાષામાં એક દર્દીની પૂછતાછ વિશે મને પ્રશ્નો પૂછવા માંડ્યા. મને એની ભાષા સમજાઈ નહીં અને આ ઑફિસર ઉતાવળમાં હોય તેવું લાગ્યું. મારા સદભાગ્યે મારી બાજુમાં એક આફ્રિકન નર્સ ઊભી હતી. એણે મને જવાબો આપવામાં મદદ કરી. લશ્કરી ઑફિસરે બેડ નંબર અને દર્દીનું નામ શોધીને જે દર્દીની તપાસ માટે આવ્યા હતા, તે તરફ પ્રયાણ કર્યું. એ દર્દી ચાદર ઓઢીને ચહેરો સંતાડી સૂતો હતો. અફસરે એની ચાદર ખેંચી કાઢી. બીજા એક સૈનિકને પૂછીને ખાતરી કરી કે આ કહેવાતો દર્દી એ જ વ્યક્તિ છે, જેની શોધમાં તેઓ અહીં આવ્યા હતા. બંદૂકની બે ગોળીઓ ફૂટી. મોટો ધડાકો થયો. મારા વૉર્ડમાં જ, મારી અને નર્સની હાજરીમાં જ સૈનિકોએ આ વ્યક્તિને હૉસ્પિટલના વૉર્ડમાં જ ગોળીથી ઠાર કર્યો. પછી જાણે ‘કશું બન્યું જ નથી’ તેમ વર્તીને ‘લેફ્ટ-રાઇટ’ કરતાં વૉર્ડની બહાર નીકળી ગયા. હું, નર્સ અને બીજા દર્દીઓ આ બનાવ જોઈને હબકી ગયાં. લશ્કરી ઑફિસરને, દર્દીને બહાર લઈ જવાની કે ન્યાયાધીશની પરવાનગી માગવાની કોઈ જરૂર ન લાગી. દયા, કાયદો, માનવતા બધું ઊડી ગયું. તે દિવસ પછી યુગાન્ડાની સુંદર નોકરી છોડીને અમેરિકા આવવાની તૈયારી શરૂ કરી. જાન્યુઆરી ૧૯૭૨માં હું અમેરિકા આવ્યો.
ભગવાનની કૃપા એટલી કે અમેરિકા આવવાની પરીક્ષા ( ECFMG) હું સમયસર પાસ કરી ચૂક્યો હતો. તેથી ઈદી અમીને લશ્કરી બળવો કર્યો, તે દિવસથી જ મને શંકા હતી કે ભારતીય વંશજ પ્રજા માટે યુગાન્ડામાં પ્રશ્નો ઊભા થશે. મોટી સંખ્યામાં ભારતીય વંશજ પ્રજાને હિજરત કરીને ભારત, ઇંગ્લેન્ડ કે કેનેડા જવું પડ્યું. મોંઘા ઘર યુગાન્ડામાં જ મૂકી દઈ, સાથે થોડું સોનું-ચાંદી લઈને જે ભારત પહોંચ્યાં, તેમને ઍરપૉર્ટ ઉપર ખૂબ જ મુશ્કેલી પડી, તેવું મેં અમેરિકા આવ્યા પછી જાણ્યું. ભારત સરકારે, યુગાન્ડાથી રાતોરાત છૂટી નીકળેલી પ્રજાને સહાયતા કરવાને બદલે, કસ્ટમના અધિકારીઓએ આ પ્રજાને હેરાન કરવાનું શરૂ કર્યું! કેનેડાની સરકારે આ હિજરત કરીને આવેલી પ્રજાને આવકાર આપ્યો અને સહાયતા કરી!
આ બધી ઘટનાઓ બની તેના પ્રારંભમાં જ હું અમેરિકા આવી ગયો. પરંતુ મારે માટે પ્રશ્નોની હારમાળા હતી જ. જિન્જા ઉતાવળમાં છોડ્યું, એટલે ગરમ કપડાં કે ઠંડીમાં અનુકૂળ પડે તેવા સાધનો ન હતાં. જાન્યુઆરીની ચોથી તારીખે આવ્યો, ત્યારે શિકાગોમાં ચાર ઈંચ બરફ હતો. સફેદ ચાદર દૂરથી તો સુંદર લાગે, પણ હાથમાં બેગ લઈને ચાલવાનું ખૂબ મુશ્કેલ હતું. મીના સગર્ભા હતી. એટલે એને સાચવવાનું પણ મુશ્કેલ હતું. પ્રોગ્રામ ડિરેક્ટર ડૉ. વિલ્સન ઍરપૉર્ટ ઉપર આવ્યા હતા. પરંતુ અન્યોન્યને શોધી કાઢતાં ખૂબ મુશ્કેલી પડી. છેવટે અમે હૉસ્પિટલ પહોંચ્યાં. જ્યાં રહેવા માટે એક રૂમની વ્યવસ્થા હતી. મીનાને ઊબકા-ઊલટી જેવી ફરિયાદ હતી અને શાકાહારી ખોરાક મળવો મુશ્કેલ. પહેલા સાત-આઠ દિવસ તો એણે દૂધ અને ફળ-ફળાદિથી જ ચલાવી લીધું. શિખાઉ ડૉક્ટર માટે નવા વાતાવરણમાં ગોઠવાઈ જવાનું ખૂબ કપરું થઈ પડ્યું. જિન્જા હૉસ્પિટલમાં તો હું મેડિકલ ઑફિસર હતો અને શિકાગોની હૉસ્પિટલમાં તો કેવળ શિખાઉ (intern) ડૉક્ટર!
શિખાઉ ડૉક્ટરનો પગાર નજીવો અને અઠવાડિયામાં ૬૦-૭૦ કલાકનું કામ! ભારતમાં મિત્રો પાસેથી રૂપિયા અને યુગાન્ડામાંથી ઉછીના લીધેલા શિલિંગ! માનસિક બોજો પણ હતો જ. નવી સંસ્કૃતિ, નવી રીતભાત! સાતેક મહિના પછી મીનાની પ્રસૂતિનો દિવસ આવ્યો, ત્યારે night call duty પણ મારી જ હતી. એટલે એની સારવારમાં મેં મદદ કરી. અમારાં જીવનમાં પ્રથમ બાળક- દીકરીનો જન્મ થયો! હું અને મીના એટલા બધા થાકી ગયેલાં કે હેતલના આગમનની ઉજવણી કરવાનો ઉમંગ પણ શેષ રહ્યો ન હતો. બે-ત્રણ અઠવાડિયા પછી હૉસ્પિટલનું બિલ આવ્યું ૩૫૦૦ ડૉલર અને ડૉક્ટરનું બિલ ૩૦૦ ડૉલર. ૧૯૭૨ની સાલમાં આ રકમ અમારે માટે બહુ મોટી હતી. હેલ્થ ઈન્સ્યૉરન્સ હતો. પણ પ્રેગનન્સી મેં નોકરી શરૂ કરી, તે પહેલાં હતી. એટલે હેલ્થ ઈન્સ્યૉરન્સે ખર્ચો આપવાની મનાઈ કરી. મારી પત્નીની સારવાર મેં કરી હતી, પણ હૉસ્પિટલે ડૉક્ટરની સારવારનું બિલ પણ મને જ મોકલ્યું! અગાઉનું દેવું, અણધાર્યો ખર્ચો અને ગાડી ખરીદવાના નાણાંનો અભાવ! આટલી તકલીફ ઓછી હોય તેમ જાણવા મળ્યું કે અમારો પ્રોગ્રામ AMA દ્વારા મંજૂર થયો નહીં. એટલે ઈન્ટર્નશિપનું વર્ષ રિપીટ કરવું પડ્યું.
આ માટે નવી નોકરી છોડીને શિકાગોથી ન્યૂયોર્ક નવી ઇન્ટર્નશિપ શરૂ કરવી પડી. મીના અને મારા લગ્નજીવનમાં એક બાળક અને નવો દેશ, નવો વેશ! મીનાને ભરતગૂંથણ અને નવી નવી વાનગી બનાવવાનો શોખ. મારે દિવસના દસ કલાક કામ કરવાનું અને વચ્ચે સમય મળે તો ગુજરાતી અથવા અંગ્રેજી કવિતા વાંચીને મારો માનસિક ત્રાસ હળવો કરવાનો! રથનાં બે પૈડાં સરખાં ન હોય તો કૃષ્ણ ભગવાનને પણ સારથિ થવાનું મુશ્કેલ થઈ જાય. અમે તો સામાન્ય માનવી! આ પ્રારંભની સમસ્યાસભર ગાથાઓનું વિગતે વર્ણન કરું તો આખું પુસ્તક લખી શકાય! દર ત્રીજે દિવસે Night duty આવે. જેમાં આખી રાત દર્દીઓની સારવારમાં અથવા પેઈજરના જવાબો આપવામાં નિદ્રાદેવી દુર્લભ બની જાય. મીના આદર્શ ગૃહિણી છે; પરંતુ ગુજરાતીમાં M.A.કર્યું હોવા છતાં એને ગુજરાતી સાહિત્યમાં રુચિ નથી. અહીં આવીને તેણે નર્સિંગનો અભ્યાસ શરૂ કર્યો.
૧૯૭૫-૭૬ માં તાલીમ પૂરી કર્યા પછી ફેફસાંના રોગના નિષ્ણાત તરીકે પ્રાઈવેટ પ્રૅક્ટિસ પ્રારંભ કરવાની અનેક તકો હતી. પરંતુ મારી બાની ટી.બી.ની બીમારી જોયા પછી મેં ટી.બી. ના નિષ્ણાત પણ થવું તેવો નિર્ણય કરેલો. એટલે એક વર્ષની વિશેષ તાલીમમાં ટી.બી. વિષય સાથે રિસર્ચ ફેલોશિપ કરી અને નોંધપાત્ર વૈજ્ઞાનિક પરિપત્રો પ્રગટ કર્યાં. આ બધું પતાવીને ૧૯૭૭ માં હું જ્હોનસન સિટી આવ્યો. આ ગામમાં ટી.બી.નું પ્રમાણ ખૂબ વધારે હતું. અહીં મારા અનુભવ અને ઉત્સાહની ખૂબ જરૂર હતી. વ્યવસાય માટે ઘણી બધી ઑફર હતી. પણ મેં સ્વેચ્છાએ ઓછા પગારવાળા આ ગ્રામીણ વિસ્તારમાં નોકરી સ્વીકારી. ૪૫ વર્ષના સમયમાં અહીં મને ઘણા બધા અનુભવો થયા. મેડિકલ પ્રૅક્ટિસ, કૉલેજમાં પ્રાધ્યાપક અને મેં નવેસરથી શરૂ કરેલો ટી.બી. પ્રોગ્રામ! આ ગામમાં પણ મુશ્કેલીઓની અછત ન હતી. પરંતુ અહીં મને અનેક ક્ષેત્રોમાં સફળતા મળી. લગભગ ૯૫ જેટલા વૈજ્ઞાનિક સંશોધનપત્રો, પરિપત્રો પ્રગટ કર્યાં. આશરે ૧૫ જેટલા ઍવૉર્ડ મળ્યા. સારા અધ્યાપક તરીકે મેડિકલના વિદ્યાર્થીઓનો પ્રેમ મળ્યો. પરંતુ મારી સફળતાની વાતો અહીં પ્રસ્તુત કરવામાં મને રસ નથી. ત્રણ-ચાર પ્રસંગો, જે મારા સ્મૃતિપટ ઉપરથી ભુંસાતા નથી, તે અત્રે પ્રસ્તુત કરીશ.
૧૯૭૭ ની સાલમાં જ્હોનસન સિટી આવ્યાં, ત્યારે આ વિસ્તારમાં ભારતીય કુટુંબોની સંખ્યા નહિવત્ હતી. મીના શોપિંગ માટે મોલમાં ભારતીય પોશાક પહેરીને જાય, તો લોકો તાકી તાકીને જોયા કરતા. J.C.Press ના ખબરપત્રીએ તો ઈન્ટરવ્યૂ લીધો, ફોટા લીધા અને અખબારમાં આ બધું છપાયું પણ ખરું! મારી દીકરીએ સ્કૂલમાં એવું કહેલું કે “અમે ઈન્ડિયન છીએ.” એટલે શિક્ષકોએ એવું ધાર્યું કે અમે ચરોકી-અમેરિકન ઈન્ડિયન છીએ. સ્કૂલના એક કાર્યક્રમમાં અમે રેઇન ડાન્સ (Rain dance) કરીશું તેવી તેમની અપેક્ષા હતી. તાજમહેલની નાની આકૃતિ અને મહાત્મા ગાંધીના ફોટા જોઈને શિક્ષકોને નવાઈ લાગી. ‘સત્યના પ્રયોગો’ ની અંગ્રેજી નકલ મેં શિક્ષકને ભેટમાં આપી. બે વર્ષ પછી આ ગામમાં અમે એક નવું મકાન શોધ્યું. મિ. ટેઇલર એના બિલ્ડર હતા. ગામના ભદ્ર વિસ્તારમાં આ ઘર હતું, એટલે મિ. ટેઇલર મને વેચવા માટે આનાકાની કરતા હતા. એમને ચિંતા હતી કે આજુબાજુના ધોળા અમેરિકનને આ નહીં ગમે. મારા પાર્ટનર ડૉ. જોસેફ ફેરો પણ આ વિસ્તારમાં જ રહેતા હતા. એટલે મેં ફેરો દ્વારા બિલ્ડર સાથે વાર્તાલાપ ગોઠવ્યો. પછી હું મકાન ખરીદી શક્યો. રંગભેદની નીતિની પાતળી રેખાઓમાં કેટલાક શબ્દો ઉકેલવા ખૂબ અઘરા છે.
ઘર નક્કી કર્યા પછી પણ જે થોડું ઘણું બાંધકામ બાકી હતું, તે પૂરું કરતાં મિ.ટેઇલરને બહુ વાર લાગી. મેં પૂછ્યું, “મિ.ટેઇલર, આ મકાનનું બાંધકામ બહુ ધીમું ચાલે છે. આમ કેમ?”
“તમારી લોન માટે તમે અરજી નથી કરી એવું બેંક મેનેજરે મને કહ્યું અને આ ગામમાં લોન મંજૂર થતાં મહિનો લાગશે!” બિલ્ડરે જવાબ આપ્યો.
બીજે દિવસે સવારે હું બેંકમાં ગયો અને મેનેજર સાથે વાતચીત કરી. બે-ત્રણ દિવસમાં બેંક મેનેજર અને મિ. ટેઇલર વચ્ચે શું વાર્તાલાપ થયો તે મને ખબર નથી, પરંતુ સાત-આઠ દિવસમાં બાકીના બાંધકામનું કામ પૂરું થઈ ગયું અને આઠમે દિવસે અમે અમારાં નવા મકાનમાં ગૃહપ્રવેશ કરી શક્યાં.
ટેનેસી રાજ્યના નાના ગામના આવા અનુભવોની ગાથા પણ લાંબી છે.
એક દિવસ મારી દીકરી શાળામાંથી ઘેર આવી, ત્યારે મેં એની આંખોમાં આંસુ જોયાં. મેં એને પૂછ્યું કે, “કેમ બેટા, શું થયું?” એણે વિગતવાર મને સમજાવ્યું કે, “આપણે રવિવારે ચર્ચમાં નથી જતાં, તે જાણીને બધા શિક્ષકો મારાથી નારાજ છે. એક શિક્ષકે તો મને કહ્યું કે જો હું જીસસ ક્રાઇસ્ટને નહીં સ્વીકારું, તો રૌરવ નરકમાં જઈશ. હું હવે ગભરાઈ ગઈ છું, એટલે આ બાઈબલ વાંચું છું.”
મારા ઘરમાં પૂજાઘર હતું. ત્યાં બેસીને મેં મારી દીકરી સાથે પ્રાર્થના કરી અને બીજે દિવસે J.C.Pressના તંત્રીને ફોન દ્વારા બધી વાત સમજાવી. મારા સદભાગ્યે તંત્રીશ્રીના માતુશ્રી મારા દર્દી હતાં. તંત્રીએ એક સ્ટાફ મેમ્બરને મારે ઘેર મોકલી. એણે ઘરમાં રાખેલા પૂજાઘરના ફોટા લીધા. મેં ભગવત્ ગીતાના બે ત્રણ શ્લોકો સમજાવ્યા અને સનાતન ધર્મની વાત ટૂંકાણમાં રજૂ કરી. J.C.Pressની રવિવારની પૂર્તિમાં આ વાત છપાઈ, એટલે મેં મારી દીકરીના શિક્ષકને નકલ મોકલી.
તે પછીના દિવસોમાં હું શાળાના પ્રિન્સિપાલ સાહેબને મળ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે એ મારી ફરિયાદને સમજી શક્યા. એમણે મને શાળાના શિક્ષકોની મિટિંગમાં હિંદુ ધર્મ વિશે પ્રવચન આપવા બોલાવ્યો, ત્યારે કેટલાક શિક્ષકોના ચહેરા ઉપરનો રંજ હું જોઈ શક્યો. આ બધા પ્રસંગો પછી પણ રવિવારે સાંજે યહોવા વીટનેસ ચર્ચના ઉત્સાહી યુવાનો, બાઈબલની નકલ આપવા મારે ઘેર વારંવાર આવતા. આજે પણ મારા ખ્રિસ્તી મિત્રો, વારંવાર મને ધર્માંતરની સલાહ આપે છે.
પૂર્વ અને પશ્ચિમના ધર્મો:
થોડા વર્ષો પછી જ્હોનસન સિટીમાં ભારતીય કુટુંબોની સંખ્યા વધવા લાગી. દરેક પરિવારમાં આ પ્રશ્નો હતા. હિંદુ બાળકોને અહીંની શાળામાં ખ્રિસ્તી ધર્મનું અધ્યયન અને પ્રચાર થતો. યહૂદી કુટુંબના બે-ત્રણ પરિવારે તો આ અંગે કોર્ટમાં કેસ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારમાં ૯૦ ટકા લોકો ચુસ્ત પ્રોટેસ્ટન્ડ- ખ્રિસ્તી ધર્મ પાળે છે. એટલે લઘુમતી ધર્મ પરંપરા વિશેની સમજણ ખૂબ ઓછી હતી. આ પરિસ્થિતિનો ઉકેલ શોધવા મેં ત્રણ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી.
(૧) સ્કૂલ અને શાળામાં હિંદુ ધર્મ વિશે પ્રવચનો આપ્યાં.
(૨) અમેરિકામાં જન્મેલા હિંદુ કુટુંબના કિશોરોને ધર્મ શિક્ષણ આપવું.
(૩) ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ અને અન્ય ધર્મના નેતાઓ સાથે પરિસંવાદ- સેમિનાર ગોઠવવા.
આ ત્રણેય પ્રવૃત્તિમાં મને અન્ય ભારતીય ડૉક્ટરોની ખૂબ સહાયતા મળી. ૧૯૯૭ ની સાલમાં મેં એક ગ્રાન્ટ માટે અરજી કરી અને સ્થાનિક હૉસ્પિટલ અને બે-ત્રણ સંસ્થાઓ તરફથી વિવિધ ધર્મોનું શિક્ષણ આપવાની મારી અરજી મંજૂર થઈ. દર વર્ષે ઑક્ટોબર મહિનામાં પાંચ પ્રવચન-સેમિનારનું આયોજન થયું. વિવિધ ધર્મોના નેતાઓને બોલાવ્યા અને પૂર્વ અને પશ્ચિમના વિચારો વચ્ચે પ્રશ્નોત્તરી અને ચર્ચાની વ્યવસ્થા કરી. આ કાર્યક્રમ સાત વર્ષ સુધી ચાલ્યો અને મોટી સંખ્યામાં શ્રોતાઓ આવ્યા. વક્તાઓ પણ વિદ્વાન અને સહિષ્ણુ વિચારસરણીવાળા હતા. કોઈ બોસ્ટનથી આવ્યા, તો કોઈ ન્યૂયોર્કની યુનિવર્સિટીમાંથી. મુસ્લિમ ધર્મના વડાઓને પણ આમંત્રણ આપ્યું. ટેનેસીના આ વિસ્તારમાં આવા શિક્ષણ સમારંભનું આયોજન કદી થયું જ ન હતું. આ કાર્યક્રમ ખૂબ સફળ થયો.
સાતેક વર્ષ પછી આ વાર્ષિક કાર્યક્રમ બંધ કરવો પડ્યો. કારણ કે મારી સામે મારા પોતાના આરોગ્યનો પ્રશ્ન ઊભો થયો. મારા હાર્ટના ધબકારામાં એકાએક વધારો થયો. ૬૫-૭૦ ને બદલે દર મિનિટે ૧૬૦ સુધી ધબકારાનું પ્રમાણ વધી ગયું. પ્રારંભમાં તો ડૉક્ટરે ‘ચિંતા અને ડિપ્રેશન’ જેવું નિદાન કર્યું. પરંતુ હાર્ટ સ્પેશિયાલિસ્ટે હૃદયની વિદ્યુત જ્ઞાનતંતુઓની પરીક્ષા કરીને કારણ શોધી કાઢ્યું.(Paroxysmal Atrial Tachycardia) જેની સારવાર માટે મારા હૃદયને ઈલેક્ટ્રિક રેડિયો સારવારની જરૂર પડી. (Radio frequency ablation of the heart)
આ દિવસોમાં બીજી કરુણ ઘટના બની. ભારતમાં મારી બા બીમાર હતી અને મારે ભારત જવું હતું, છતાં હું ન જઈ શક્યો. થોડા દિવસો પછી મારી બાનું મૃત્યુ થયું. પણ હું ન જઈ શક્યો. હિંમત કરીને લાંબી મુસાફરીનું જોખમ લીધું હોત તો કદાચ જઈ શક્યો હોત, તેવું આજે મને લાગ્યા કરે છે. સ્વદેશનો ઝુરાપો મને કદી નથી નડ્યો. મારી બાને ન મળી શક્યો એનો અફસોસ મારા હૃદયમાંથી કાઢતાં વર્ષો લાગ્યાં. મારી જાતને હું માફ નથી કરી શકતો. મારી સંવેદના ક્યારેક મારી દુશ્મન બને છે.
રાજકારણ: બે ધારી તલવાર
જ્હોનસન સિટી આવ્યા પછી ટી.બી. નિવારણના પ્રયાસો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ (Rural Health)વિકસાવવાનો કાર્યક્રમ મેં શરૂ કર્યો. પબ્લિક હેલ્થના મેડિકલ ડિરેક્ટર અને મેડિકલ કૉલેજના આસિસ્ટન્ટ ડીન તરીકે ગ્રામ્ય વિસ્તારમાં સારી આરોગ્ય સારવાર પદ્ધતિ ઉપલબ્ધ થાય તે ખૂબ આવશ્યક છે તેવું મને લાગ્યું. આ માટે મેં કેન્દ્ર સરકાર પાસે આશરે એક મિલિયન ડોલરની આર્થિક સહાયરૂપે ગ્રાન્ટ અરજી પ્રસ્તુત કરી.
૧૯૭૨ની સાલમાં ‘ટીમ ગ્રાન્ટ’નો ખરડો ધારાસભામાં પ્રસ્તુત થયો હતો. તે મુજબ અમેરિકામાં મેડિકલ કૉલેજની સંખ્યામાં વધારો કરવો તેવો પ્રસ્તાવ હતો. અમારા વિસ્તારના કૉંગ્રેસ સભ્ય (Congressman Of North East TN)શ્રી જીમ ક્વીલીને આ ખરડાને ટેકો આપવામાં મુખ્ય ભાગ ભજવ્યો. ટેનેસીમાં મેમ્ફીસમાં મેડિકલ કૉલેજ હતી. નેશવીલની વેન્ડરબેલ્ટ કૉલેજ ખાનગી સંસ્થાની હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા બીજી મેડિકલ કૉલેજ શરૂ થાય તેવા પ્રયત્ન ગતિશીલ થયા હતા. નોક્સવીલ (Knoxville)માં મેડિકલ કૉલેજ શરૂ થાય તેવા સંજોગો હતા. પરંતુ કૉંગ્રેસમેન ક્વીલીને ધારાસભાના ખરડામાં યુક્તિપૂર્વક સુધારો સૂચવ્યો કે નવી મેડિકલ કૉલેજ વેટરન હૉસ્પિટલથી ૫૦ માઈલના અંતરમાં જ હોવી જોઈએ.
સિદ્ધાંતની દ્રષ્ટિએ નિવૃત્ત સૈનિકોને મદદ થાય તેવો આશય હતો. પરંતુ છૂપો આશય એવો હતો કે મેડિકલ કૉલેજ નોક્સવીલને બદલે જ્હોનસન સિટીમાં આવે. ખરડો પસાર થતાં આ કામ સફળ થયું અને જ્હોનસન સિટીમાં નવી મેડિકલ સ્કૂલને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી. શ્રી જીમી ક્વીલીનની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ અને મેડિકલ કૉલેજની સ્થાપના થયા પછી અમારી મેડિકલ કૉલેજનું નામાભિધાન થયું, ‘James H. Quillen College Of Medicine.’
મારી ગ્રાન્ટને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળે તે માટે પબ્લિક હેલ્થના જનરલ ડિરેક્ટર મારા મિત્ર મિ. બેલેમી અને ડીન ડૉ. ડગલાસની મદદથી અમે કૉંગ્રેસમેન શ્રી ક્વીલીનની મદદ માગી. એમના તરફથી એક ફોન વોશિંગ્ટન પહોંચ્યો અને માત્ર એક સપ્તાહમાં અમારી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ! રાજકારણનો આ પ્રભાવ! આ મિલિયન ડોલરની મદદથી જ્હોનસન સિટીની આજુબાજુના પાંચ ગામડાંમાં આરોગ્ય કેન્દ્રની શરૂઆત થઈ. જ્યાં આરોગ્ય સારવારનો અભાવ હતો, ત્યાં લોકોને આ સગવડ મળવા લાગી. આ કાર્યક્રમના પ્રતાપે મને બે-ત્રણ પારિતોષિક પણ મળ્યા અને મિ.ક્વીલીન સાથે મૈત્રી પણ થઈ. આ કૉંગ્રેસમેન એમના વિસ્તારના નાગરિકોને વિવિધ પ્રકારની મદદ કરતા. નિવૃત્ત સૈનિકોને પેન્શન અપાવવામાં પણ ખૂબ સહાય કરતા. મારા એક ભાઈને ગ્રીનકાર્ડ અપાવવા મેં અરજી કરેલી, જે અમુક મુદત મર્યાદાને કારણે સ્થગિત થઈ ગયેલી. કૉંગ્રેસમેન ક્વીલીનની ઑફિસના એક ટેલિફોનની મદદથી મારી અરજીને પણ મંજૂરી મળી ગઈ.
થોડા વર્ષો પછી જિમી ક્વીલીન ગુજરી ગયા. એમને કોઈ સંતાન નહોતું. એટલે એમના દસ્તાવેજ મુજબ (Will) મુજબ ૧૪ મિલિયન જેવી મોટી રકમનું દાન અમારી મેડિકલ કૉલેજ અને ઈસ્ટ ટેનેસી યુનિવર્સિટીને પ્રાપ્ત થયું. એમના મૃત્યુ પછી એમની સહાયથી પ્રાપ્ત થયેલી ગ્રાન્ટનો અંત આવ્યો! રાજકારણની બીજી ધારદાર બાબત એવી કે મેડિકલ સ્કૂલમાં ઊભા કરેલા મારા કાર્યક્રમમાં મારે પીછેહઠ કરવી પડી. મેડિકલ કૉલેજના આસિસ્ટન્ટ ડીન તરીકેની પદવી મારે છોડવી પડી. તે પછીના ૨૦ વર્ષમાં જ્યારે જ્યારે કોઈ નેતૃત્વ ધરાવતા પદ માટે અરજી કરી, ત્યારે તે નકારવામાં આવી. ધોળા લોકોની બહુમતીમાં આ રંગભેદની નીતિ હશે અને રાજકારણની રમત આ પરિસ્થિતિ માટે જવાબદાર છે એવું મને લાગ્યું. મારા જીવનમાં એક પ્રકારની નિરાશાનાં વાદળ છવાઈ ગયાં.
બીજો કિસ્સો અમારા ગામના એક ડૉક્ટરનો છે. ડૉ. જુલી ગેલેગર (સાચું નામ નથી) બાળકોના રોગના નિષ્ણાત છે. એમના એક દર્દીને તાવ, માથાનો દુખાવો વગેરેની બીમારી હતી. અને ડૉ. ગેલેગરની સારવાર છતાં તબિયતમાં સુધારો ન હતો. એટલે એ સાત વર્ષની છોકરીનાં માતાપિતા તેમની દીકરીને લઈ મારા ટી.બી. ક્લિનિકમાં આવ્યાં. મેં પ્રથમથી જ ચોખવટ કરી કે હું બાળકોના દર્દ વિશે કશું જાણતો નથી. મેં એમની દીકરીને તપાસી, છાતીનો ફોટો પડાવ્યો અને મણકામાંથી પાણી કઢાવી (CSF Fluid) ટી.બી.નો ટેસ્ટ કરાવ્યો. મારી ધારણા સાચી પડી. આ સાત વર્ષની છોકરીને મગજનો ટી.બી. હતો.(TB Meningitis) મેં તે મુજબ સારવાર શરૂ કરી.
ડૉ. ગેલેગરનું સ્વમાન ઘવાયું. એમણે મારા નિદાન અને સારવાર અંગે શંકા ઊભી કરી અને નેશવીલ વિભાગના વડા ડૉ.એન્ડરસનને ફોન કર્યો. ડૉ.એન્ડરસન અનુભવી ડૉક્ટર હતા અને જાણતા હતા કે રાષ્ટ્રીય નામનાવાળી ડેનવરના ટી.બી. સેન્ટરમાં મેં રિસર્ચ ફેલોશિપ કરી છે. એમણે ડૉ. ગેલેગરને સ્પષ્ટ કહ્યું, “ટી.બી.ની બાબતમાં ડૉ. મહેતાના નિદાન અને સારવાર અંગે હું કદી શંકા નથી કરતો. ઊલટું મને મૂંઝવણ થાય તેવો કેસ મળે, તો હું ડૉ. મહેતાની મદદ માગું છું.” સદભાગ્યે ડૉ. ગેલેગરનો રોષ શમ્યો. છ મહિના પછી દર્દીનો ટી.બી. મટી ગયો, ત્યારે એમને શાંતિ થઈ અને મને આનંદ! ટી.બી., મેલેરિયા, ટાઈફોઇડ જેવા રોગોનું પ્રમાણ અમેરિકામાં ખૂબ ઓછું છે. એટલે અહીંની મેડિકલ કૉલેજમાં આ વિશેનું ખાસ શિક્ષણ અપાતું નથી.
ત્રીજો પ્રસંગ છે મારાં દર્દી મિસિસ જેકબનો. ૬૫ વર્ષની વિધવા બાઈ. એમને અસ્થમાની બીમારી. સિગારેટ પીવાની જૂની આદત, એટલે ફેફસાંને નુકસાન પણ થયેલું. મેં લગભગ દસ વર્ષ સુધી એમની સારવાર કરેલી. ઘડપણ ઉપરાંત એમને બીજા પણ મેડિકલ પ્રશ્નો હતા. ડાયાબિટીસ, સાંધાનો દુખાવો…લિસ્ટ લાંબુ છે. જીવનની અંતિમ અવસ્થાની સારવાર અંગે પણ ચર્ચા કરેલી. પરંતુ એમણે Living will જેવા કોઈ દસ્તાવેજ તૈયાર કર્યા જ નહીં. ૧૯૯૦માં મારે ભારતની મુલાકાતે જવાનું થયેલ. ચાર અઠવાડિયા પછી હું પાછો અમેરિકા આવ્યો, ત્યારે મારા પાર્ટનર ડૉ. ફેરોએ મને સમાચાર આપ્યા કે મિસિસ જેકબ આઇ.સી.યુ. માં છે અને કૃત્રિમ મશીનથી જીવન ટકાવી રાખ્યું છે.
હું તુરંત મિસિસ જેકબની મેડિકલ સારવાર અંગે આઇ.સી.યુ.માં પહોંચી ગયો. એમનાં ગળામાં ટ્યૂબ અને ખોરાક માટે નાક વાટે હોજરીમાં ટ્યૂબ અને લોહીની નળીમાં (vain)પણ IV Tubes! આ દ્રશ્ય જોઈને મારું હૃદય કંપી ગયું. મિસિસ જેકબ છેલ્લા ચાર દિવસથી બેભાન અવસ્થામાં હતાં. ચારે બાજુ બીપ બીપ અવાજ હતા. ખોરાક, પાણી વગેરે કૃત્રિમ રીતે અપાઈ રહ્યું હતું. એમની દીકરી ઍટલેન્ટાથી આવી હતી. એણે વિનંતી કરેલી “આ કૃત્રિમ સાધનો બંધ કરી મમ્મીને કુદરતના નિયમો અનુસાર મૃત્યુની અંતિમ ક્ષણો ગૌરવપૂર્વકની મળે તેવી સારવાર વ્યવસ્થા કરવી જોઈએ.” મને પણ આ વાત વાજબી લાગી. કૃત્રિમ સાધનો, શ્વાસનળી અને આ બધું… આ પરિસ્થિતિમાં મને વાજબી ન લાગ્યું. મેં પ્રશ્ન કર્યો,
“તો પછી આ શ્વાસનળીમાં નાખેલી ટ્યૂબને કાઢવામાં તકલીફ શું છે?”
“આ નર્સ અને Ethics committee (નીતિ નિયમ સમિતિ) લેખિત લીવિંગ વીલની માગણી કરે છે!” મિસિસ જેકબે કદી આવા કોઈ કાગળો તૈયાર કર્યા ન હતા.
આઈ.સી.યુ. (ICU)માં આવું ઘણીવાર બને છે. એટલે હું પરિસ્થિતિ સમજી શક્યો. મેં નર્સ સાથે વાતચીત કરીને હૉસ્પિટલના નિયમો વિશે વિશેષ માહિતી મેળવી લીધી. ખૂબ વિચાર કર્યો અને મનોમન નક્કી કર્યું કે આ વિકટ પરિસ્થિતિમાંથી કોઈ રસ્તો કાઢવો જ જોઈએ. મિસિસ જેકબને જેમ જીવનનો અધિકાર છે, તેમ સાહજિક કુદરતી મૃત્યુનો પણ અધિકાર છે. વૃદ્ધ, બેભાન અને અનેક દર્દોથી પીડાતી વ્યક્તિને મેડિકલ ટૅકનૉલૉજી અને કૃત્રિમ સાધનોથી ટકાવી રાખવાનો શું અર્થ? ઑફિસમાં જઈને મેં એમની મેડિકલ ફાઈલ તપાસી. ત્યાં મને એક લીટી જડી ગઈ! બે વર્ષ પહેલાં મિસિસ જેકબે મને કહ્યું હતું કે, “આ રેસ્પીરેટર દ્વારા બેભાન અવસ્થા હોય, તો જીવન ટકાવી રાખવાની મારી ઈચ્છા નથી.” આ વાત મેં એમના મેડિકલ ચાર્ટમાં નોંધી હતી. આ માહિતી મેં હૉસ્પિટલના વકીલ Ethics Committee અને (માનવતા હકની સમિતિ) સમક્ષ રજૂ કરી. જેથી મારી અને મિસિસ જેકબની દીકરીની વિનંતીને માન્યતા મળી. તે દિવસે દીકરીની હાજરીમાં જ મેં રેસ્પીરેટરની સ્વિચ બંધ કરી અને શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની ટ્યૂબ ધીમેથી કાઢી અને માત્ર ઑક્સિજન આપવાની શરૂઆત કરી. લગભગ અડધા કલાકમાં મિસિસ જેકબે દેહ છોડ્યો. મને દુઃખ થયું, પરંતુ વિશેષ પ્રકારનો સંતોષ થયો કે દર્દીની ઈચ્છા પ્રમાણે એને નૈસર્ગિક મૃત્યુનો અધિકાર આપ્યો.
અન્ય એક પ્રસંગ પ્રત્યેક ડૉક્ટરને માથે લટકતી તલવાર જેવો છે. ૧૯૮૯ ની સાલનો એક પ્રસંગ છે. ૩૫ વર્ષનો એક યુવાન ઈમરજન્સીમાં આવ્યો. એને ન્યુમોનિયા હતો, એટલે દવાખાનામાં દાખલ કર્યો. બીજે દિવસે એને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઑક્સિજનનું પ્રમાણ ઘટવા લાગ્યું. રાત્રે આઠ વાગ્યે નર્સે મારા રેસિડન્ટને Resident Doctor ને બોલાવ્યો. જેણે ફોન દ્વારા દર્દીની પરિસ્થિતિની ચર્ચા મારી સાથે કરી. અમે દર્દીની છાતીનો ફોટો પડાવ્યો. જેમાં સ્પષ્ટ દેખાયું કે ફેફસાંમાં પાણી ભરાયું છે. રાત્રે નવ વાગ્યે ફેફસાંમાંથી પાણી કાઢવાની ગોઠવણ કરીને હું હૉસ્પિટલ આવ્યો. કૉલેજના અધ્યાપક તરીકે રેસિડન્ટ ડૉક્ટરને શીખવવાની મારી ફરજ છે. એટલે મેં આ રેસિડન્ટ ડૉક્ટરને ફેફસાંમાંથી પાણી કેમ કાઢવું તે શીખવવાનું શરૂ કર્યું. રેસિડન્ટ મેડિસિનના બીજા વર્ષમાં હતો. એટલે સાવ નવો નિશાળીયો ન હતો. મારી દેખરેખ હેઠળ એણે પાણી કાઢવા સોય નાખી. પરંતુ પાણી કાઢતાં ફેફસાંની બહારના પડળમાં હવા ઘૂસી ગઈ. મેં તુરંત સિરીંજ દ્વારા એ હવા ખેંચી કાઢી. પરંતુ થોડી હવા તો રહી જ ગઈ. બીજે દિવસે છાતીનો ફોટો (Chest X-Ray) ફરી કઢાવ્યો. ફેફસાંમાં પાણી તો ન હતું, પણ બિનજરૂરી હવાનું પ્રમાણ વધી ગયું હતું. વિચાર કર્યા પછી મેં સર્જનને બોલાવી દર્દીની છાતીમાં એક નળી મુકાવીને આ હવા ખેંચી કાઢવાની વ્યવસ્થા કરી. ફેફસાંના નિષ્ણાત તરીકે મારો નિર્ણય વાજબી હતો અને સર્જનને પણ આ નિર્ણય ગમ્યો. બે-ત્રણ દિવસમાં દર્દીની તબિયત સુધારા ઉપર હતી. ત્યાં એક રાત્રે એને તાવ આવ્યો અને લોહીની તપાસ કરતાં Infection વધ્યું હોય તેવું લાગ્યું. નવી Antibiotics અને જરૂરી સારવાર પછી અમે Chest Tube કાઢી નાખી. દર્દીનું સ્વાસ્થ્ય ખૂબ સુધર્યું, એટલે મેં એને હૉસ્પિટલમાંથી રજા આપી અને બે અઠવાડિયા પછી ઑફિસમાં પુનઃ તપાસ માટે આવવાની Appointment આપી.
બે અઠવાડિયા પછી ફેફસાંની તપાસ માટે દર્દી આવ્યો. તબિયત સુધરી ગઈ હતી, પરંતુ દર્દીને નોકરી માટે હાજર થવાને બદલે એક અઠવાડિયાની રજાની જરૂર લાગી. એટલે એ માટેનું ફૉર્મ પણ મેં ભરી આપ્યું. બીજા અઠવાડિયે દર્દી નવું ફૉર્મ લાવ્યો. દર્દી કારને રંગ (CAR PAINT) સ્પ્રે કરવાનું કામ કરતો હતો અને હું જો આ ફૉર્મ ભરી આપું, તો એની કંપની દ્વારા હૉસ્પિટલની સારવારનો ખર્ચો અને નોકરીમાં વિશેષ પૈસા મળે તેમ હતું. તેના વકીલે એને એવી સલાહ આપેલી કે ‘કાર પેઇન્ટ કરવાના વ્યવસાયથી એના ફેફસાંને નુકસાન થયું છે’ તેવું પ્રમાણપત્ર ડૉક્ટર તરફથી મળે, તો દર્દીને ખૂબ પૈસા મળે. આ વિષયનો અભ્યાસ કરીને મેં દર્દીને સમજાવ્યું કે કાર પેઈન્ટમાં રહેલાં કેમિકલ (Polyurethane) થી એને ન્યુમોનિયા નથી થયો. એની બીમારી જંતુજન્ય (Bacterial Infection) હતી. મારી વાતમાં સંપૂર્ણ સત્ય હતું, પરંતુ મારા દર્દીને આ વાત ન ગમી. કટાણું મોં કરીને એ ઑફિસ છોડીને ચાલ્યો ગયો.
એક મહિના પછી પોલીસ ઑફિસર મારી ઑફિસમાં આવ્યો અને કોર્ટના કેસ માટે ન્યાયાધીશ સમક્ષ હાજર થવાની નોટિસ આપી ગયો. દસ વર્ષની મેડિકલ પ્રૅક્ટિસમાં આ પહેલો જ પ્રસંગ હતો. દર્દીએ બે મિલિયન ડોલરની માંગણી કરતો માલ પ્રૅક્ટિસ (Mal practice case) નો કેસ માંડ્યો હતો. કોર્ટનો કેસ, મારી પ્રતિષ્ઠા, મારી નિપુણતા ઉપર શંકાની તલવાર! મેં મારા વકીલને જાણ કરી. મિ. પર્લમેન બહુ અનુભવી વકીલ હતા. એમણે સલાહ આપી કે મારે ચિંતા કરવાની કોઈ જરૂર ન હતી. આ બહુ સામાન્ય કેસ હતો અને આમાં મારો કોઈ દોષ નથી. દર્દી અને એનો વકીલ આ બીમારીના આધારે ડોલર કમાવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એમના કેસમાં કોઈ તથ્ય નથી. વકીલની ફી, કોર્ટમાં હાજર થવાનું… બે મિલિયન ડોલર…! હું સાચે જ ધ્રૂજી ગયો હતો. મારા મેડિકલ પાર્ટનરે પણ શાંતિ રાખવાની સલાહ આપી અને માલ પ્રૅક્ટિસ ઈન્સ્યૉરન્સના અધ્યક્ષે પણ મને બાંહેધરી આપી કે તબીબી સંરક્ષણનો વીમો બધો જ ખર્ચ ઉપાડી લેશે અને મિ. પર્લમેન બહુ અનુભવી વકીલ છે. માટે મારે સઘળી ચિંતા છોડી દેવી. સલાહ તો સાચી હતી. પરંતુ મારું મન વિચલિત થઈ ગયું. અચાનક સાપ કરડ્યો હોય તેવી વેદના થઈ.
આ કેસ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો. છાપામાં સમાચાર પ્રગટ થયા. ડૉક્ટર મિત્રોનાં આશ્વાસન અને મૈત્રીપૂર્ણ વાર્તાલાપ મળ્યા હતાં અને રેસિડેન્ટે (શિખાઉ ડૉક્ટર) મારી માફી પણ માંગી. તેની ભૂલ સૈદ્ધાંતિક રીતે મારી જ ભૂલ ગણાય. કારણ કે હું એનો શિક્ષક હતો. એટલે જવાબદારી તો મારા માથે જ આવે. એટલે આ બનાવ બહુ ગભરાવા જેવો ન હતો. પરંતુ મારી સંવેદનશીલતામાં વ્યથાનાં વમળ જાગ્યાં. સ્વમાન, આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ હણાઈ ગયાં. અંતે એ દિવસ આવ્યો, જ્યારે ન્યાયાધીશ સમક્ષ મારે જુબાની આપવાની હતી. બંને પક્ષના વકીલોએ જાતજાતની દલીલો કરી. મેં મારું વિધાન રજૂ કર્યું. મારા આનંદાશ્ચર્ય સાથે આ કેસનો સુખદ અંત આવ્યો. ન્યાયાધીશે કેસ કેન્સલ કર્યો અને મને નિર્દોષ જાહેર કર્યો.
મારી મેડિકલ પ્રૅક્ટિસનો ત્રીજો પ્રસંગ પણ મારા સ્મૃતિપટ ઉપર અકબંધ છે.
જ્હોની સ્મિથ. ૫૦ વર્ષનો ધોળો માણસ. કાર સમારકામનો ધંધો (Auto mechanic) કરે. મારી ગાડીમાં કોઈ પણ તકલીફ હોય તો એ ઠીક કરી આપે. જ્હોનને સિગારેટ પીવાની બૂરી આદત. એક દિવસમાં બે પેકેટ ખલાસ થઈ જાય. એક દિવસ ઑફિસમાં બોલાવીને એને બીડી-સિગારેટથી થતા નુકસાનનું ભાષણ આપ્યું. ફોટા બતાવ્યા. મારા આશ્ચર્ય વચ્ચે એ માની ગયો અને એણે સિગારેટનું વ્યસન છોડી દીધું. અમારી વચ્ચે મૈત્રી હતી, એટલે મેં આ વિઝિટના પૈસા ન લીધા. ત્રણ મહિના પછી મારી ગાડી (Car) લઈને હું કોઈ સમારકામ (Repair) માટે ગયો હતો. ત્યારે મેં નોંધ્યું કે જ્હોનીને ઉધરસ હતી. ઉધરસને અંતે ગળફો આવ્યો. તેમાં લાલ રંગની છાંટ જોઈ. જ્હોનીના માનવા પ્રમાણે તો આ સાધારણ બીમારી હતી.
મેં પૂછપરછ શરૂ કરી. “મટી જશે, ડૉક્ટર સાહેબ. તમે ચિંતા ન કરશો.” જ્હોનીનો પ્રતિભાવ આવ્યો. મેં ગળફામાં લોહી હોઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરી અને ઑફિસમાં આવવાની સૂચના આપી.
“તમે નાહક ઑફિસ વિઝિટ ઊભી કરો છો. એમ કરો, મને એન્ટિબાયોટિક લખી આપો.”
મેં પ્રિસ્ક્રિપ્શન તો આપ્યું, પણ ઑફિસ આવવાની તારીખ-સમય પણ લખી આપ્યાં. જ્હોની મારી ઑફિસમાં આવ્યો, ત્યારે મેં એની છાતીનો ફોટો (Chest Radiograph) પડાવ્યો. એમાં ન્યુમોનિયાની અસર જણાઈ. મેં એને સમજાવ્યું કે મારે ટ્યૂબ નાખીને એના ફેફસાંની તપાસ કરવી જોઈએ.(Flexible Bronchoscopy) પરંતુ જ્હોની માન્યો નહીં. બીજા અઠવાડિયે મેં બીજો ફોટો (X-Ray)પડાવ્યો અને એમાં સુધારો જણાયો, એટલે (Flexible Bronchoscopy) વિશેષ તપાસ માટે બહુ આગ્રહ ન કર્યો.
બે-ત્રણ મહિના વીતી ગયા. જ્હોનીને ગળફામાં ફરી લોહી નીકળી આવ્યું હતું. ફેફસાંમાં લાઇટવાળી નળી (Flexible bronchoscopy) નાખીને તપાસ કરી, ત્યારે બાયોપ્સી (Biopsy) નું પરિણામ આવ્યું કૅન્સર! જ્હોની મારો મિત્ર હતો. આ સમાચાર આપતાં મને ખૂબ દુઃખ થયું. જરૂરી સારવાર કરી. ફેફસાંનું ઓપરેશન કરાવ્યું. પણ દોઢેક વર્ષમાં કૅન્સર જીત્યું અને હું હાર્યો. મારો મિત્ર જ્હોની ગુજરી ગયો. મેં એના ફેફસાંની તપાસ બે-ત્રણ મહિના વહેલી કરી હોત, તો એ કદાચ બચી ગયો હોત!
૪૫ વર્ષની મેડિકલ પ્રૅક્ટિસમાં આવા ઘણા પ્રસંગો બન્યા. દર્દી ક્યારેક મિત્ર બને તો ક્યારેક દુશ્મન. મારી સંવેદના પણ ક્યારેક મારી મિત્ર બને તો ક્યારેક કટ્ટર શત્રુ.
શારલોટમાં ડાકોરઃ
ડાકોરમાં દાદાની આંબાવાડી હતી હવે ફક્ત સ્મરણોમાં છે. પણ અમારા કુંટુંબની લીલી વાડીનો સ્નેહસભર સંપ અમને અમેરીકામાં પણ મીઠા સંબંધોની હૂંફ પૂરી પાડે છે.
મારા ચાર ભાઈઓ અને બહેન આશા સહપરિવાર શારલોટ(નોર્થ કેરોલીના)માં રહે છે. માલતીબહેન અને બનેવી પિનાકીનભાઈ પરિવાર સાથે કેનેડામાં રહે છે. માલતીબહેન અને આશાબહેન બંન્ને સમજુ અને પ્રેમાળ બહેનો અમને બધા ભાઈઓને રાખડીના પ્રેમભર્યા તંતુથી બાંધી રાખે છે. અમે બધા મળીએ ત્યારે ભૂતકાળનો આનંદ યાદ કરી એમાં તરબોળ થઈ જઈએ.
અનુજ બંધુ ભાનુભાઈ પચાસ વર્ષ પહેલાં ભારતથી અમેરીકા આવ્યા. MBA ની ડીગ્રી મેળવી એમણે મોટેલના ધંધામાં ઝંપલાવ્યું અને સફળ થયા. બીજા ભાઈઓમાં હરીશભાઈ નિવૃત પ્રોફેસર છે. મધુભાઈનો મોટેલ બિઝનેસ ‘જલારામબાપાના ઓટલા’ની જેમ ચાલે. કોઈપણ ગુજરાતીને નિસ્વાર્થભાવે ભોજન અને ચા-પાણી આપવાનો એમને આનંદ.
નટવર-વર્ષા વડોદરામાં રહી માબાપની ચાકરીનું પૂણ્ય કમાયા. શારલોટ નિયમિત આવે અને લાંબુ રોકાય તેથી દેશમાં રહેતા હોવા છતા વિખૂટા પડી ગયા એવું ન લાગે. બનેવી વિપુલભાઈ(આશાબહેનના પતિ) UPS Store ચલાવે છે. દૂરના સ્થળોના નકશા સાથે ડ્રાઈવરની સીટ સંભાળી લે આથી એમની સાથે મુસાફરીનો આનંદ અનેરો! અમેરીકાના કાયદાઓએ મને જ નહીં, મારા ભાઈ-બહેનોને પણ વસવાટનો હક આપ્યો તેથી વિશેષ આનંદ અને સંતોષ અનુભવું છું. શારલોટ અમારા પરિવાર માટે ડાકોરની યાદોનું યાત્રાધામ બની રહ્યું.
અમેરિકામાં અરધી સદી:
છેલ્લા પચાસ વર્ષમાં મને જે અનુભવો થયા તે અન્ય અમેરિકા સ્થિત ગુજરાતી ભાઈ-બહેનોને પણ થયા હશે. મારા સંઘર્ષમાં કોઈ અસાધારણ તત્ત્વ નથી. અમેરિકાની સ્વચ્છતા, નીતિ-નિયમો, સુંદર વ્યવસ્થા, આ બધું મને ખૂબ ગમે છે. નાગરિકોની સલામતી પ્રત્યે અહીંની સરકાર જાગૃત છે અને સક્ષમ છે. મેડિકલ ક્ષેત્રે કેટલાક નિયમો છે, જે દર્દીની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે. અમારા ગામના લોકપ્રિય અને સફળ ડૉ. વીલીયમસન એક દિવસ દારૂ પીને હૉસ્પિટલમાં આવ્યા હતા. બીજે અઠવાડિયે એમનું મેડિકલ લાઈસન્સ રદ થઈ ગયું. ઇજિપ્તથી આવેલા ડૉ. અલીખાન એક યુવતીના ગર્ભાશયની તપાસ કરી રહ્યા હતા. એમની નર્સ એ રૂમમાં હાજર ન હતી. એમના ઉપર બળાત્કારનો આરોપ લાગ્યો. સાબિતી મળે અને ડૉક્ટર દોષિત ઠરે તે પહેલાં જ એમનું લાયસન્સ રદબાતલ થઈ ગયું. દોષિત સાબિત થયા પછી એમને દસ વર્ષની જેલસજા મળી. દર્દીની સુરક્ષા અને સારવારની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી ડોક્ટર પોતાની નિષ્ઠા જાળવી રાખે તે આવશ્યક છે. વિવિધ પરીક્ષાઓ પાસ કર્યા પછી પણ ડૉક્ટરોએ અભ્યાસ ચાલુ રાખવો પડે છે (CME Credit) અને પાંચ વર્ષે પુનઃ પરીક્ષા આપીને પાસ થવું પડે છે.
વ્યક્તિગત બાબતમાં મીનાએ નર્સિંગ વ્યવસાયમાં ઝંપલાવ્યું અને હું મેડિકલ ક્ષેત્રે ખૂબ જ વ્યસ્ત હતો, પરિણામે બાળકોના શિક્ષણ પ્રત્યે પૂરતો સમય અને શક્તિ આપવામાં અમે કાચા ઊતર્યાં. નાતાલ અને દિવાળી જેવા તહેવારની ઉજવણી સમયે પણ અમે કુટુંબ સાથે પૂરતો સમય નથી આપ્યો તેનો રંજ છે. પશ્ચાતાપની પોટલી માથે બાંધીને જિંદગીભર ફર્યા કરવાનો શું અર્થ?
વડોદરામાં ભણતો હતો ત્યારે જે કાવ્યો રચ્યાં હતાં, તેનો એક સંગ્રહ ‘અધૂરા આંક’ નામથી છપાવેલો. અમેરિકા આવ્યા પછી જે સાહિત્ય સર્જન થયું તે વાર્તાસંગ્રહ અને કાવ્યસંગ્રહ રૂપે પ્રગટ થયું. ઈશાવાસ્ય ઉપનિષદના આધારે એક સુંદર પુસ્તક અંગ્રેજીમાં લખ્યું અને મુંબઈના ખ્યાતનામ પ્રકાશક દ્વારા પ્રગટ થયું. આ રીતે આઠ પુસ્તકો પ્રગટ થયાં. ૧૦૦ ઉપરાંત પરિપત્રો મેડિકલ વિષયનાં પ્રગટ થયાં. જેમાં સંશોધનાત્મક પ્રવૃત્તિનો પરિચય પ્રાપ્ત થાય છે.
અધ્યાપન અને ટી. બી. ક્ષેત્રમાં સંશોધન કાર્ય માટે જે વેતન મળ્યું તે મેડિકલ પ્રેક્ટિસની આવકના પ્રમાણમાં ખૂબ નજીવું હતું. ચાલીસ વર્ષના સમયગાળામાં મેં જો Full time મેડિકલ પ્રેક્ટિસ કરી હોત તો ત્રણ-ચાર મિલિયન ડૉલર જેવી માતબર રકમ, વધારે કમાણી સાથે બેંકમાં જમા કરાવી શક્યો હોત. આ આર્થિક ભોગ આપ્યો તેનો મને કોઈ રંજ નથી. અંતરના આનંદ માટે આ અન્ય પ્રવૃત્તિ મને આવશ્યક લાગી હતી.
વિવિધ ક્ષેત્રમાં સફળ યોગદાન માટે અનેક માનદ પ્રમાણપત્રો અને ૨૫ જેટલાં પારિતોષક મળ્યાં છે, તે સર્વેને એક બોક્સમાં બંધ કરીને માળિયા ઉપર ચડાવી દીધાં છે. માનપત્રોનો મોહ, હવે ઓગળી ગયો છે. છેલ્લા પચાસ વર્ષ એક સરિતાનાં જળની જેમ વહી ગયાં!
હવે, હું ગૌરવપૂર્વક કહી શકું કે એક માનવપ્રેમી ડૉક્ટર હોવા ઉપરાંત હું એક સક્ષમ શિક્ષક પણ છું. જીવનને ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી જોવાની અને માણવાની તક મળી તે મારા જીવનની ફલશ્રુતિ અને ઈશ્વરનો કૃપા પ્રસાદ છે.
મેડિકલ કૉલેજના રાજકારણમાં પણ ઘણા ખટમીઠા પ્રસંગો બન્યા. સારા શિક્ષક તરીકે મને બે પારિતોષિક મળ્યાં, પરંતુ આસિસ્ટન્ટ ડીનની પદવી ઉપર મુખ્ય અધ્યક્ષ ડીનશિપ માટેની મારી અરજી કદી સફળ થઈ જ નહીં. કાચની દિવાલો ઓળંગીને સફળતાના શિખરે પહોંચવાનું મારા નસીબમાં નહીં હોય. ૪૩ વર્ષની તબીબી સેવા, ટી.બી. ડિરેક્ટર તરીકે કુશળતાથી ટી.બી.નું પ્રમાણ ૨૪(24 per 100000) થી ઘટાડીને ૦.૫ (0.5 per 100000) જેટલું લાવવા છતાં મારી ઘણી તમન્ના અધૂરી રહી ગઈ. મારાં બાળકો હેતલ, સેજલ અને રવિન મને વારંવાર સમજાવે છે કે, “ડેડી, આ પ્યાલો અડધો ખાલી નથી, અડધો ભરેલો છે.” એમની દ્રષ્ટિએ અને મારા ધોળા મેડિકલ પાર્ટનરોના મત મુજબ મેં ઘણું બધું સિદ્ધ કર્યું છે. ૨૦૦૦ વિદ્યાર્થીઓ મારા શિક્ષણથી લાભ પામ્યા છે, અને લગભગ ૯૫ ડૉક્ટરો મારા હાથ નીચે અનુભવ લઈને સ્પેશિયાલિસ્ટ બન્યા છે. આ બધા ડૉક્ટર વિદ્યાર્થીઓ અમેરિકાના વિવિધ રાજ્યોમાં અનેક દર્દીઓની સેવા કરી રહ્યા છે. જે મારે માટે ગૌરવ અને આનંદની વાત છે.
જ્હોનસન સિટીમાં ૪૫ વર્ષની મેડિકલ પ્રૅક્ટિસ કર્યા પછી હવે હું નિવૃત્ત થયો છું. અહીંના મંદિરનો હું ટ્રસ્ટી છું અને આ મંદિરના ઘડતરમાં મેં સક્રિય ભાગ આપ્યો છે. અહીં રવિવારે મેં ભગવત્ ગીતાના પાઠ ઊગતી પેઢીના કિશોર-કિશોરીઓને દિલ દઈને ભણાવ્યા છે. આવું સુંદર ગામ છોડવાની મારી ઈચ્છા નથી, પણ ઉંમર વધતાં મારે મારી પુત્રી નજીક રહેવા જવું છે. અહીં ૪૫ વર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રકરણને મારે બંધ કરીને નેશવીલ જેવા મોટા શહેર તરફ પ્રયાણ કરવાનું છે. અહીં મારી દીકરી સેજલ અને એનો પરિવાર છે. પુત્રી-મોહમાંથી પૌત્ર-મોહના ચક્કરમાં છું. સેજલના દીકરાનું નામ આનંદ છે અને એની સાથે શેતરંજ રમવાનો આનંદ છે. શારલોટમાં પણ કુટુંબીજનો છે અને અહીંથી સીધી Air Flight છે. નિવૃત્તિકાળમાં કૌટુંબિક પ્રેમ વધારે મહત્ત્વનો લાગે છે. ડાબા મગજમાં જ્હોનસન સિટી છોડવાનો અફસોસ છે, જમણા મગજ માં આનંદ અને ગૌરવની ઊર્મિઓ છે.
ઉંમર વધતાં વિસ્મરણનું રણ વધતું જાય છે. સમયના પ્રવાહમાં સુખ-દુ:ખની અનેક ક્ષણોએ કોતરેલી વિવિધ આકૃતિઓ ધીરે ધીરે ભુંસાતી જશે. સ્મરણ ગંગામાં સ્નાન કર્યા પછી પુણ્યરૂપે જે પ્રાપ્ત થયું, તે મેં અક્ષર સ્વરૂપે અત્રે રજૂ કર્યું છે. આ વાંચીને તમને કશુંક ગમ્યું હોય તો તમારું. મને તો આ લેખન પ્રવૃત્તિની ફળશ્રુતિ રૂપે સંતોષ પ્રાપ્ત થઈ ચૂક્યો છે.
********