| |

પાંચ કાવ્ય ~ વિપુલ પરમાર, અમદાવાદ

વિપુલ પરમાર વર્તમાન ગુજરાતી કવિઓમાં નોખા પડતા કવિ છે. તેમનાં ગીતો અને ગઝલોમાં સહજ ગાંભીર્ય છે. તેમનાં કાવ્યોમાં ભારોભર સામાજિક નિસ્બત છલકાય છે. તો ઘણી જગ્યાએ માનવજીવનમાં ઉપસ્થિત થતા પ્રશ્નો તરફ પણ અંગુલિનિર્દેશ છે. 

તેમની કવિતામાં ચિંતા અને ચિંતનનો સમન્વય છે. નવજાત શિશુને કચરામાં ફેંકી દેવાની ઘટના હોય કે ગણિકાની જિંદગી, કામદારની પત્ની હોય કે પછાતવર્ગનો કોઈ માનવી - તેમની કલમ દરેકને ખૂબ માર્મિક અને અર્થસભર ન્યાય આપે છે. 

ગઝલના છંદો અને ગીતોના લયની તેમની સૂઝ પણ પ્રશંસનીય છે. તે શબ્દને ખૂબ જાળવીને વાપરે છે. થોકબંધ લખાતી કવિતાઓ વચ્ચે ઓછું પણ અદકેરું લખતા આ કવિની કવિતાઓ માણવા જેવી છે. 

વિપુલ પરમાર મૂળ ધંધુકા તાલુકાના ગલસાણા નામના નાનકડા ગામના વતની, પણ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા. હાલમાં નવનીત પબ્લિશિંગ હાઉસમાં એજ્યુકેશનલ સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કાર્ય કરે છે. તેમની કવિતાઓ કવિલોક, કુમાર જેવાં અનેક પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થઈ ચૂકી છે. 

કવિતા-1ઃ કચરાની આ ડોલ (ગીત)

કચરાની આ ડોલ !
ઊંઆં… ઊંઆં… બોલી ખોલે માનવતાની પોલ!

બણબણનાં હાલરડાં વચ્ચે માખી ભરતી ચૂમી,
હૂ.. હૂ.. કરતાં લાડ લડાવે,  શ્વાનો ફરતાં  ઘૂમી.
અરે.. અરે.. નું અમથું વાગે, માણસ નામે ઢોલ!
કચરાની આ ડોલ!

મઘમઘ મઘમઘ થાતી બદબો, કૂડો અડતાં ડીલે!
ફરફર  ફરફર  વાસી  ફૂલો, હાથ અડે ત્યાં ખીલે!
ખદબદ ખદબદ થાતો કોનાં  ભીતરનો  માહોલ?
કચરાની આ ડોલ!

કવિતા-2 (ગઝલ)

ટૂંકા રસ્તે દોડાદોડી શું કરવાની?
ચાર દિવસ છે, એમાં હોળી શું કરવાની?

આવે તો પોંખી લો એ જ પળે શબ્દોને
ના આવે તો ટીંગાટોળી શું કરવાની!

સામે ક્યાંક મળે તો ઠપકો દઇ દેવાનો,
મંદિર જઈને જીભાજોડી શું કરવાની!

જે આવે નૈ છંદોલયનું ઓઢણ ઓઢી,
લાખ ભલે હો ગોરીગોરી, શું કરવાની!

પીડા છે? લાવો લાવો, પણ એક અરજ છે,
અઢળક દેજો, થોડી થોડી શું કરવાની!

કવિતા-3 (ગણિકાનું ગીત)

મજબૂરીને ઓઢાડી મલકાટ!
સજી ધજીને જોયાં કરતી ભૂખ, ભૂખની વાટ!

સીવણ, રાંધણ જેવાં માંડ્યા કેટકેટલા ધંધા!
ખાલ છોલતા કૈક ફર્યાં’તાં ત્યાંય નજરના રંધા!
પેટ  નામનાં  ચોઘડિયામાં  ખાધી’તી  પછડાટ.
સજી ધજીને જોયાં કરતી ભૂખ, ભૂખની વાટ!

પરભાતીના સ્થાને વાગ્યાં અણગમતાં સૌ ગાન,
વરત-આખડી છૂટયા ને આ મોંમાં આવ્યાં પાન.
પિચકારીમાં થૂંકી નાખ્યો સમજણનો  ઘોંઘાટ.
સજી ધજીને જોયાં કરતી ભૂખ, ભૂખની વાટ!

લોઢ ઉછળતા દરિયામાં પણ રાખી હોડી સ્થિર,
એમાં  એનું   ધીરે   ધીરે   છૂટ્યું  સાવ  શરીર!
હાડમાંસથી પર ઊઠી તો પામી ગઇ પમરાટ!
સજી ધજીને જોયાં કરતી ભૂખ, ભૂખની વાટ!

કવિતા-4ઃ (ગઝલ)

કોરું સપનું  આંખમાં,  આફત તો જો,
એ જ પાણી થઈ વહે, સવલત તો જો.

થનગની ઊઠ્યા કણેકણ લોહીના,
એક ગમતી યાદનું સ્વાગત તો જો!

એક દુઃખને ભોગવે છે કેટલું!
આ જગતના લોકને ફુરસત તો જો!

કઈ પળે ઝીલ્યું હતું તેં દૃશ્યને?
તું જરા આ આંખની હાલત તો જો!

કોઈ ત્યાં પળવાર ઊભું ના રહ્યું,
સત્ય, તારા નામની દહેશત તો જો!

જ્યોત પ્રગટી તો ભીતર ભડકો થયો,
જીવને અંધારની આદત તો જો!

કવિતા-5ઃ (સફાઇ કામદારની પત્નીનું ગીત)

વાલમ તો આખાયે ડીલે થ્યા મેલાં!
ઉતરાવી માથેથી કોણે આ રેલાવ્યાં આતમ પર ફ્ળફ્ળતાં રેલાં?

અજવાળે ઉતરે છે ગંધાતી રાત્યુંમાં, સૂરજ જયાં ડોકાતાં બીવે,
મારા વાલમજી તો રોજરોજ અંધારા ઓઢે ને અંધારા પીવે.
રોંઢાની વેળાએ આવે તો લાગે છે, આવ્યા કોઈ  ઋષિ અલબેલા!
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલાં!

ફાટેલી ચોખ્ખાઈ સીવતા રહ્યાં રે અમે પેઢી દર પેઢી ચૂપચાપ,
બદલામાં બોલ્યાં બસ, બે’ક વેણ બોદા કે ‘વાળું રે દેજો મા બાપ!’
બટકુંક રોટલાને કાજ અમે વરસોથી લાખ લાખ સૂરજ વેચેલા,
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલાં!

~ વિપુલ પરમાર

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment