પંડ ખુદનું પાથરે એ મા જ હોય ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા
માતૃવંદના (ભાગ-૧)
દર વર્ષે મધર્સ ડે આવે અને રંગચંગે ઉજવાય પણ ખરો. તોય એવું લાગે કે ગમે એટલું કરીએ તોય એક જિંદગીમાં આ ઋણ ફેડી શકાય નહીં. જેના થકી આપણે પૃથ્વી પર અવતરીએ છીએ એ માત્ર માધ્યમ નથી, એ મમતાનું સર્વોચ્ચ શિખર છે. આખી કાયનાતને ચલાવનાર ઈશ્વરે પણ જન્મ લેવા માટે તો માની કૂખમાં સમાવું પડે.

સંતાનો માટે કંઈ પણ કરી શકે એવી માતાની શબ્દવંદના આજે કરીએ. કોકિલા ગડા માતૃત્વ પહેલા અને પછીની સ્થિતિ આલેખે છે…
સંતાન કાજે પથ્થરો પૂજ્યા હશે માએ
ઈશ્વરને પ્રશ્નો કેટલાં પૂછ્યા હશે માએ
આ સાડલામાં એટલે ભીનાશ છે થોડી
પાલવ વડે કૈં અશ્રુઓ લૂછ્યા હશે માએ
માના સાડલાનું ગાભું બનાવીને બાળક સૂતું હોય ત્યારે તેને સલામતી લાગે. માના ખભે માથું ઢાળીને બાળક સૂતું હોય ત્યારે વહેતો પવન પણ આ દૃશ્ય જોવા થંભી જતો હશે. બપોરના તાપથી બચાવવા બાળકને પાલવમાં ઢાંકી દેતી માને જોઈને સૂરજને પોતાના આકરા તાપ બદલ પશ્ચાતાપ થતો હશે.

નાનપણમાં માના ખોળામાં જે ઊંઘ આવતી એની સામે આલિશાન હૉટલના વાતાનુકૂલિત પ્રેસિડેન્શિયલ સ્યુટમાં આવતી ઊંઘ પણ પાણી ભરે. દેવેન્દ્ર રાવલ ચરણવંદના કરે છે…
માનાં ચરણોમાં ખુદાનો વાસ છે
પ્રેમઝરતો સ્પર્શ એનો ખાસ છે
ઋણનો સૌના કર્યો જ્યારે હિસાબ
માનાં ખાતામાં વધુ નવ માસ છે
ગર્ભ રહ્યાં પછી થતાં ફેરફાર સ્ત્રીને માતૃત્વના વિવિધ તબક્કા તરફ દોરી જાય છે. એ વખતની અનુભૂતિ કંઈ જુદી જ હોય. એક જીવની અંદર બીજો જીવ પાંગરે એ ખરેખર કુદરતની કરામત છે.

મા અને ગર્ભસ્થ બાળક વચ્ચે ચાલતી મૌન વાતચીતમાં શબ્દો ન હોય છતાં સંવેદના ભારોભાર હોય. મૃદુલ શુક્લ કહે છે એ હકીકત વિચારતા કરી મૂકશે…
મને સ્વર્ગે જવા સીડી જડી છે
જનમ લેતાં જ મારી મા મળી છે
નથી મા એમને પૂછો તો જાણો
વિના મા જિંદગી કેવી નભી છે
નાની ઉંમરમાં જે માની ઓથ ગુમાવી દે એને જિંદગીભર અકથ્ય ઉણપ સતાવ્યા કરતી હોય છે. આ ઉણપ પ્રેમની છે, આ ઉણપ હૂંફની છે, આ ઉણપ વાત્સલ્યની છે. આવી સ્થિતિ વિષાદ તરફ પણ લઈ જાય અને રુક્ષતા તરફ પણ લઈ જાય.

વ્યક્તિત્વમાં એક કઠોરતા આવી જાય જેમાં અવગણનાનો ભાવ વણાયેલો હોય. આવી કૉમ્પલેક્સ સ્થિતિ અનેક મનોવૈજ્ઞાનિક સમસ્યા સર્જી શકે. ઘણી વાર થાય કે વઢ ખાવા માટે તો વઢ ખાવા માટે, મા તો હોવી જોઈએ. શીતલ ભાડેશિયા લખે છે…
આ જગતમાં છે બધું પણ તું નથી
‘મા‘ વિનાનું ખાલી ઘર ગમતું નથી
ભૂલ હો સૌ આંખ દેખાડે મને
‘મા‘ની માફક પ્રેમથી વઢતું નથી
બાળકના વિકાસ માટે જેટલો જરૂરી પ્રેમ છે એટલો જ જરૂરી કડપ છે. પિતાના કડપમાં ઘણી વાર એમનો કંટાળો મહેસૂસ થાય જ્યારે માના કડપમાં ચિંતા વિશેષ હોય. બાળકને પપલાવ પપલાવ કરતાં રહીએ તો એના ઉછેરમાં બાધા ઉત્પન્ન થઈ શકે.

જરૂર હોય ત્યાં સમજાવવું પડે અને જરૂર હોય ત્યારે ખીજાવું પણ પડે. એને સારાનરસાની સમજ ન હોય એટલે એ ફરજ માબાપની બને છે. મિતા ગોર મેવાડા મલ્ટિટાસ્કિંગ મમ્મીની વાત કરે છે…
હૈયું ભલે રડે પણ મુખ પર એ સ્મિત રાખે
મા છે તમાચો મારી, હૈયામાં હિત રાખે
ક્ષણ-ક્ષણને વાપરે એ ઘરના સદસ્યો માટે
તો પણ સદાય એનું બાળકમાં ચિત્ત રાખે
લાસ્ટ લાઈન
પંડ ખુદનું પાથરે એ મા જ હોય
ખુદ ઠરી, ઉષ્મા ધરે એ મા જ હોય
સાડલો સંતાનને ઓઢાડ્યા બાદ
રાતભર જે થરથરે, એ મા જ હોય
થાય હિમાલય ચલિત શાયદ જરાક
તોય, પડખું ના ફરે એ મા જ હોય
ચામડું ભૂખ્યું, ચચરતું હોય, તોય
પેટ બાળકનું ભરે એ મા જ હોય
હોય નહિ બાળક ઉપર છત, તે છતાંય
તાજ શિર પર ચીતરે એ મા જ હોય
સાહ્યબીમાં ના કદી આવે જે યાદ
પણ, દરદમાં સાંભરે એ મા જ હોય
સહેજ બાળક આંખથી ઓઝલ જો થાય
ખોળી લેય એક-એક ઘરે, એ મા જ હોય
ટાઢ, તડકો, પૂર કે તોફાનમાંય
હૂંફ દઈ રક્ષા કરે, એ મા જ હોય
વ્હાલ એનું કેટલું ‘નિઃસ્વાર્થ’ હોય
જ્યાં પ્રભુય ઊણો ઠરે એ મા જ હોય
~ ડૉ. ધીરજ એસ. બલદાણિયા ‘નિઃસ્વાર્થ’