સ્ટોકહોમ સિન્ડ્રોમ ~ મધુ રાય

સ્ટોકહોમ સિન્ડ્રોમ નામનો એ મનોવૈજ્ઞાનિક પ્રતિભાવ છે, જેમાં એક કેદી ક્રમશ: તેના અત્યાચારી અપહરણકારો સાથે, તેમ જ તેમના વિચારો અને માંગણીઓ સાથે સંમત થવા લાગે અને તેમને બીજી ગુનાઈત કામગીરીમાં સાથ દે.  સ્ટોકહોમ સિન્ડ્રોમનું સૌથી કુખ્યાત ઉદાહરણ છે અમેરિકાની એક વિરાટ અખબાર પેઢીની વારસદાર કન્યા પેટ્રિશિયા હર્સ્ટને ૧૯૭૪માં, સિમ્બાયોનીઝ લિબરેશન આર્મીએ કિડનેપ કરી હતી. અને એક સાંકડી ઓરડીમાં પૂરી તેના કિડનેપરોએ સતત તેની ઉપર બળાત્કાર કરેલા. એવા ૧૦ અઠવાડિયાના કારાવાસ પછી, પેટી હર્સ્ટ સહર્ષ તેના કિડનેપરોની સાથે બંદૂક લઈને કેલિફોર્નિયાની એક બેંકને લૂંટવા ઊતરી પડી હતી અને કેમેરા સામે જોઈને ઈન્કલાબી નારા લગાવતી હતી.

ભારત દર વર્ષે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ગર્વ અને ઉત્સાહ સાથે કરે છે. આ એક એવો દિવસ છે જ્યારે ભારતે સાચા અર્થમાં “સ્વતંત્ર” બન્યું યાને બ્રિટનની પ્રતીકાત્મક ગુલામી છોડીને પ્રજાતંત્રનો અંગીકાર કર્યો. યાને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને સાંપડેલી લોહીયાળ “આઝાદી” સાચી આઝાદી નહોતી.


આપણા નેતાઓને સત્તાની એટલી બધી તલપ લાગેલી કે “પોતાના શરીરના ટૂકડા થશે તોપણ હું દેશના ટૂકડા નહીં થવા દઉં ” એમ કહેનાર ગાંધીજીને પણ અવગણી, અંગ્રેજોની “સદિચ્છા” અને “સારમાણસાઈ”ના ભક્ત બની બેઠેલા આપણા નેતાઓએ વીસ લાખ જેટલા લોકોની જાનહાનિ કબૂલ રાખીને પણ પાર્ટિશનની હા પાડી, કેમકે તે નેતાઓ ઘરડા થતા જતા હતા.

તે પાર્ટિશન થયેલું વિલાયતથી તાબડતોબ ઈન્ડિયા આવેલા એક ગાફેલ, અજાણ્યા અફસર રેડક્લિફે આડધડ દોરેલી લીટીઓથી, જેમાં પંજાબ અને બંગાલની મુસ્લિમ અને ગેરમુસ્લિમ પ્રજાઓ વહેંચાઈ.

આમ બંને પ્રજાઓ વચ્ચેનો એખલાસ તોડવા અંગ્રેજ હાકેમોએ સતત મીંઢી રાજનીતિ અજમાવેલી. આપણી વચ્ચે પરસ્પર ફૂટ પડે તેની ચોક્કસ ગણતરીના પરિણામે મુસ્લિમોએ અલગ રાજ્ય માંગ્યું અને અંગ્રેજોની “ધર્મનિરપેક્ષ” નીતિથી અંજાઈને આપણા નેતાઓએ ભારતમાં રહી ગયેલા મુસ્લિમો તથા બિનમુસ્લિમો માટે 15 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી.


પણ રુકો! તે આઝાદી જાણે ભારતની નિરીહ જનતાને અપાયેલી બાળાગોળી હતી કેમકે હજી ભારતનાં સરકારી મકાનો ઉપર તિરંગો નહીં બ્રિટનનો ઝંડો, યુનિયન જેક ફરકતો હતો, ત્રણત્રણ વરસ સુધી હજી  ત્યાં રોજ બ્રિટનનું રાષ્ટ્રગીત વાગતું હતું જનગનમન નહીં. અને હજી ભારતે કોમનવેલ્થના સદસ્ય તરીકે  ભારતના અભિભૂત નેતાઓએ મહાન માનવતાવાદી બ્રિટિશ તાજની કદમબોસી સ્વીકારી હતી.

શામાટે?,

ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને આપણા નેતાઓને કહ્યું કે આમ સાવ અમારો ઝંડો ઉતારીને તમે બ્રિટનનો એકડો ભૂંસી નાખો તો ઘણાંને ખરાબ લાગશે. તો ઓહો, એમાં શું? નેહરુજીએ રાષ્ટ્રપતિ ભવન ઉપરથી યુનિયન જેક ઉતારી, તિરંગો ફરકાવવાને બદલે, લાલ કિલા ઉપર નહીં, પણ ઈન્ડિયા ગેટ નજીક આવેલા પ્રિન્સેસ પાર્ક પાસે તિરંગો લહેરાવેલો ! તે પછી લગભગ 3 વર્ષ પછી, આપણે એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી પ્રજાસત્તાક બન્યા. ત્યાં સુધી, 1935ના ભારત સરકારના અધિનિયમમાં મૂળભૂત રીતે શાસન કરવા માટે ફેરફાર કરવામાં આવ્યો હતો, જો કે, તે અધિનિયમ વસાહતી શાસન તરફ વધુ વળેલું હતું.

.
આમ, ડો. બી.આર. આંબેડકરે 28 ઓગસ્ટ, 1947ના રોજ ભારતનું બંધારણ લખનાર સમિતિનું નેતૃત્વ કર્યું હતું.


બંધારણના મુસદ્દામાં ભારતના એતિહાસિક અને પૌરાણિક સ્થાનોનાં ચિત્રો સામેલ હતાં. એ ચિત્રો નંદલાલ બસુના શિષ્યોએ ખાસ જતનપૂર્વક બનાવેલાં પણ તેમાં કદાચ કોઈકોઈ કોમને અન્યાય થાય એમ માનીને તે ચિત્રો રદ કરાયાં હતાં. અંતે, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના સત્તાવાર ભારતીય બંધારણ અમલમાં આવ્યું જેમાં દેશના તમામ નાગરિકો તેમના ધર્મ, સંસ્કૃતિ, જાતિ, લિંગ, સંપ્રદાય આદિને લગતા સમાન અધિકારોનો આનંદ માણી શકે.

વધુમાં, ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦એ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. અને આમ બ્રિટિશ શાસનનો અંત અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે ભારતનો જન્મ થયો ગણાય.

આ દિવસને ચિહ્નિત કરતી ઉજવણીમાં અદભૂત લશ્કરી અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ જોવા મળે છે. નવી દિલ્હીમાં, સશસ્ત્ર દળોના જવાનો રાજપથ સાથે સૈન્ય શક્તિના વિસ્તૃત પ્રદર્શનમાં કૂચ કરે છે, જે ભારતીય સૈન્યની શક્તિ અને આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતા દર્શાવે છે.

 

 

 

પ્રજાસત્તાક દિવસ દરેક ભારતીય નાગરિક માટે અત્યંત ગૌરવનો દિવસ છે. અને બંધારણના સિદ્ધાંતોને જાળવી રાખવા, સર્વસમાવેશકતાને અપનાવવા અને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વને વળગતા સમાજ તરફ કામ કરવા માટેનું આહ્વાન છે.

ઝંડા વંદન, પ્રભાતફેરી, સૈન્ય પરેડ અને દેશભક્તિનાં ગીતો વગેરે સરસ છે, ભારતને એ એકસૂત્રે બાંધે છે અને “ભારત માતા કી જય!” બોલતાં આપણી કરોડરજજુમાંથી જાણે વીજળીનું સાપોલિયું કૌંધી જાય છે. પણ યાદ છે, પેલો પેટી હર્સ્ટનો સિન્ડ્રોમ? આપણા દેશને વીંખી, પીંખી, બેશરમ બનીને આપણાં ધનસંપત્તિ પદ્ધતિસર હડપી જનાર, આપણા મનમાં આપણા ધર્મો, રીતિરિવાજો, માન્યતાઓ માટે હીનભાવ રોપી જનાર, આપણા માથે ધરાર અંગ્રજી થોપી આપણી ભાષા, ભૂષા, સંસ્કૃતિને ભૂંસી આપણી વચ્ચે આપસમાં ફૂટ પડાવવાની સાજિશ કરનાર આપણા “અપહરણકારો” માટે આપણે પૂજ્યભાવથી નિહાળીએ છીએ!

આ બધું પાકિસ્તાનની પ્રજા અને પાકિસ્તાનના નેતાઓ માટે પણ સાચું છે, પણ પાકિસ્તાને 14 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ સામ્રાજ્યમાંથી આઝાદી મેળવ્યા બાદ યુનિયન જેકને ફરકાવ્યો નથી. જેણે નેહરુને કહેલું કે યુનિયન જેક ઉતારી લો તો બ્રિટિશરોને માઠું લાગશે અને અને નિજને બ્રિટિશરોના સત્તારવાર ઉત્તરાધિકારી માનનાર નેહરુએ સહર્ષ યુનિયન જેક ચાલુ રાખવાનું માની લીધેલું. તે જ ભારતના વાઈસરોય લુઈસ માઉન્ટબેટને મુસ્લિમ લીગના ધ્વજને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવાનું સૂચન કરેલું. અને સફેદ તારાવાળો પાકિસ્તાનનો ધ્વજ સત્તાવાર રીતે ૧૧ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ અપનાવવામાં આવ્યો હતો.


તે પછી ૧૪–૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પાકિસ્તાન જુદું થયું. અને ૨૩ માર્ચ ૧૯૫૬ ૧૨ના રોજ પાકિસ્તાન ઈસ્લામિક રિપબ્લિક મતલબ કે મુસ્લિમ પ્રજાસત્તાક દેશ બન્યું. અંગ્રજોએ દહેજમાં આપેલી વેરભાવનાના કારણે આપણે બંને દેશો કટ્ટર દુશ્મનોની જેમ વરતી રહ્યા છીએ, કરોડોના કરોડો સામસામી લશ્કરી હોડમાં વેડફીએ છીએ!

કદાચ એવું પણ ના બન્યું હોય કે આપણે આઝાદી માગી તે ગુનાની ગુપ્ત સજારૂપે કૂટનીતિજ્ઞ બ્રિટિશરોએ ભાગલાની સાજિશ કરીને આપણે સતત લડ્યા કરીએ તેવી તજવીજ કરી હોય?

જય બાબા બાબાસાહેબ!

************
Madhu.thaker@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.