મનીષ પાઠકની પાંચ ગઝલો
કવિ મનીષ પાઠક ‘શ્વેત’ના તખલ્લુસ સાથે ગઝલો લખે છે. તે એક સારા ગઝલકાર હોવા ઉપરાંત એક અચ્છા આયોજક પણ છે. વર્ષો પહેલા તેઓ ગુજરાતી ફિલ્મ લાઈન સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમના હૃદયમાં ભારોભાર સાહિત્યપ્રીતિ જીવતી હતી. તેમની આ પ્રીતિને પરિણામે તેઓ ફિલ્મી લાઈનને અલવિદા કહીને સાહિત્યમાં જોડાયા. વર્ષોના પરિશ્રમથી કવિતા લખતા થયા. ગઝલો લખીને કવિઓ અને ભાવકોમાં ઘણાના પ્રિય થયા. ‘અધખૂલેલું બારણું’ નામે તેમનો ગઝલસંગ્રહ પણ પ્રકાશિત થઈ ચૂક્યો છે. તેઓ સારા કવિ તો છે જ, પણ ઓમ કોમ્યુનિકેશનના કર્તાહતા અને એક સુજ્ઞ આયોજક તરીકે પણ જાણીતા છે. કોઈ મોટી સંસ્થા પણ ન કરી શકે, તેટલું મોટું આર્કાઇવલ કામ તેમણે એકલે હાથે કર્યું છે. આજે તેમની પાંચ સુંદર ગઝલો માણીએ. – અનિલ ચાવડા
ગઝલ-1
ગાલને પંપાળનારો સૌથી પ્હેલો તું નથી,
ને તમાચો મારનારો સૌથી પ્હેલો તું નથી.
ગામ આખ્ખામાં પતાસા વહેંચવાનું બંધ કર,
ઢાળ ઉપર દોડનારો સૌથી પ્હેલો તું નથી.
તારી લૂલી જીભને બે હાથથી ખેંચી લઉં?
સત્ય કાયમ બોલનારો સૌથી પ્હેલો તું નથી.
આમ કરજો, આમ ના કરતાં, અમારું માનજો,
આ શિખામણ આપનારો સૌથી પ્હેલો તું નથી.
ખૂબ શાંતિનો અનુભવ થાય છે એની ના નૈં,
શ્હેરને સળગાવનારો સૌથી પ્હેલો તું નથી.
મોટી ને મોંઘી જગા આરામ કરવા તેં લીધી?
દેહને છોડી જનારો સૌથી પ્હેલો તું નથી.
પ્હાડ, ઝરણાં, વૃક્ષ, રસ્તો, રણ અને એવું ઘણું,
ટાઢ-તડકો પ્હેરનારો સૌથી પ્હેલો તું નથી.
– મનીષ પાઠક’શ્વેત’
ગઝલ-2
હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે.
આંખ સામે છત દીવાલો ચાલતી મેં જોઈ છે.
લાગણીને પગ નથી તો એ જવાની બ્હાર ક્યાં?
તે છતાં પણ ઠેસ એને વાગતી મેં જોઈ છે.
જે ન ઇચ્છું એ જ ભાષા આજ સાંભળવી પડે,
તક ટકોરા બારણે મારી જતી મેં જોઈ છે.
હોય માણસ કે પછી દરિયો, રડે છે તો ખરો,
મોતીઓની હારમાળા કિંમતી મેં જોઈ છે.
ગીચ વિચારોની વસ્તીમાં સડક પાકી નથી,
તે છતાં આકાશમાં એની ગતિ મેં જોઈ છે.
– મનીષ પાઠક ‘શ્વેત’
ગઝલ-2
મોહમાયા લાગણીને છેતરી ગઈ,
એ જ ઇચ્છા લાગણીની આખરી ગઈ.
પાનની પિચકારી એવું ચીતરી ગઈ,
ભીંત પર ભગવાનની દેરી કરી ગઈ.
હાથમાંથી એક બમ્પર લોટરી ગઈ,
ચાપલુસી ફાવી નૈં, ને નોકરી ગઈ.
આંખમાં ભીની ચમકનું તેજ રાખી,
નાવ વિના છોકરી દરિયો તરી ગઈ.
મેઘરાજાની સરસ પધરામણી થઇ,
રણની તોયે વાતમાં લીલોતરી ગઈ.
શબ સગા-સંબંધીઓના જોયા ત્યારે,
સાધુના સતની પરીક્ષા આકરી ગઈ.
– મનીષ પાઠક ‘શ્વેત’
ગઝલ-3
આ દિવસ પણ આવશે, ન્હોતી ખબર,
મૃગજળો પણ ચાલશે, ન્હોતી ખબર.
પત્ર મારો વાંચશે, ન્હોતી ખબર,
સૌની વચ્ચે ફાડશે, ન્હોતી ખબર.
એ પરાણે વાત સાંભળતો હતો,
એ જ પાછી છાપશે, ન્હોતી ખબર.
લાગણીથી હાથ જ્યારે ફેરવ્યો,
ચીસ મોટી પાડશે, ન્હોતી ખબર.
જ્યાં દીવાને ફૂંક મારી ઓલવું,
ત્યાં હવા સળગાવશે, ન્હોતી ખબર.
– મનીષ પાઠક ‘શ્વેત’
ગઝલ-4
પ્રેમમાં થઈ જાય છે દિલદાર આંખો,
વ્હેમમાં થઈ જાય ચોકીદાર આંખો.
જે કહે તે કામ જખ મારી કરું છું,
મારા પર છે ચાંપતી વગદાર આંખો.
આંખ ખુલ્લી રાખીને જોયાં છે સપનાં,
એટલે થઇ ગઈ છે દેવાદાર આંખો.
થાય છે વેચાણ પાણી ને હવાનું,
તે સમય બોલી નહીં દમદાર આંખો.
વાર લાગે નૈં કળીથી ફૂલ બનતાં,
ધ્યાન રાખો ઓય પ્હેરેદાર આંખો.
– મનીષ પાઠક’શ્વેત’
ગઝલ-5
બોલ કોને તેડું કોનુંં જોઈએ?
યાદ આવે એમ થોડું જોઈએ!
એક વાદળ રોજ બારીમાં જુએ,
રોજ દર્પણ એને કોરું જોઈએ.
ચિત્રમાં મોટી નદી દોરાઈ ગઈ,
એ જ મારું ગામ હોવું જોઈએ.
ભીંત ઘરમાં એક જોવા ના મળે,
વાત કરવા તોય ટોળું જોઈએ.
લાશની આંખોથી ટપકે આંસુઓ,
દોસ્ત બીજું શું અનોખું જોઈએ!
– મનીષ પાઠક’શ્વેત’
Wish I was there to enjoy and feel. The emotions of presented by all of them