બે કાવ્યો ~ યામિની વ્યાસ
૧. ગાંધી બાપુને એમના જન્મદિવસે નહીં પોસ્ટ કરેલા પત્રની કવિતા…!
પ્રિય બાપુ,
સાદર પ્રણામ.
જત જણાવવાનું કે, આપે રોપેલ અહિંસાના વૃક્ષની ડાળ રોજ કપાય છે.
ને હવે તો એ વૃક્ષને સાવ ઠૂંઠુ કરી અહિંસામાંથી ‘અ’ને જ ઉડાડી દીધો છે,
એ ઉડાડનાર ફક્ત વિકૃત, દારૂડિયા કે અભણ નહીં
પરંતુ ઘરનાં જ સગાંઓ, ગુરુજનો કે સુરક્ષા કરનારા પણ હોય શકે!
વર્તમાનપત્રો વાંચવાને બદલે નીચોવી જોજો…
સંભાળશે ચીસ, ટપકશે આંસુઓ ને ખરી પડશે ઢગલાબંધ ‘અ’…
બાપુ,આપે અંધારામાં ડરવાની ના કહી હતી , પણ હવે તો અજવાળાની ય બીક લાગે છે.
ભૂત પ્રેતની નહીં, માણસની બીક લાગે છે.
સહમત ના હોઈએ ત્યાં સવિનય અસહકાર,આપે જ શીખવ્યું હતું
પણ એવું વિચારવાનો મોકો જ ક્યાં?
‘અ’ની ગેરહાજરીમાં ઉઠાવી જવું, પીંખી નાખવું…ઓહ…!
વધુ કહી શકતી નથી…પણ હરણ, હનન ને હત્યા..
અરે, મૃત્યુ પછી પણ અસલામતી..!
‘અ’ના અભાવમાં આવી તો કેટલીયે દેખીતી ઘટના,
ને બીજી તો કેટલીય ઘરની ચાર દિવાલમાં બંધ !
આજે આપના જન્મદિને ભેટ આપવાને બદલે
માગીએ છીએ કે એ ‘અ’ને શોધીને તાત્કાલિક મોકલી આપો બાપુ..
જેથી હિંસા આગળ કવચ રૂપે લગાડી શકાય …
નહીં તો કદી નહીં સાંભળી શકશો ..એજ વૃક્ષ પર ઝૂલતાં અમારા નિર્દોષ ટહૂકાઓ !
લિ.
આપની દીકરીઓ
ઉંમર ૧૪મહિના, ૧૪વર્ષ, ૪૪વર્ષ, ૬૪વર્ષ કે કોઈ પણ.
– યામિની વ્યાસ
૨. અરીસો
બાનો શૉક ઉતારતાંતેરમે દિવસે શુભનાં ચાંદલાં થયાં,
હું ઘરની મોટી વહુ,
મારા કપાળ પર પણ થયો, સ્હેજ મોટો,
બાના કપાળ પર શોભતો એવો જ,
ગમ્યો, રહેવા દીધો.
આરતી પ્રગટાવી, ઉજાસ ફેલાયો,
આવો ઉજાસ તો બાના ચહેરા પર છેલ્લે સુધી હતો.
હાથ દુપટ્ટા પર ગયો,
હળવેકથી માથે ઓઢ્યો,
બા સાડલો ઓઢતાં, એ યાદ આવ્યું.
મારા મુખ પર પ્રસન્નતા આવી,
બાના મુખ પર તો કાયમ રહેતી.
આરતી પૂરી કરી દેવસ્થાનમાં આશ્કા આપી,
બાજુમાં જ બાનો ફોટો હતો ત્યાં આપવા ગઈ,
પણ..
ફોટો ક્યાં?
આ તો અરીસો….!
– યામિની વ્યાસ