|

ગઝલત્રયી ~ અનિલ ચાવડા

૧.   “…. ખૂબ ગમું છું…..!

થોડા  લોકો  મને   નમે  છે,  થોડાઓને  હું  ય નમું છું;
નહિ નમતાને અણગમતો છું, નમું એમને ખૂબ ગમું છું.

હું જ બારણે દઉં ટકોરા, હું જ બારણાં  ખોલું  ઘરનાં,
વરસોથી હું એકધારો, ‘કોઈ આવ્યા’ની રમત રમું છું.

મને ઉલેચી સમુદ્ર માફક કરી જ નાખો  મારું  મંથન,
દરિયા માફક ઉછળું છું હું દરિયા જેમ જ હુંય શમું છું.

‘શું કામ કરો છો?’ પૂછ્યું ત્યારે તર્ત પાંપણે વિગત લખાવી,
‘તૂટી ગયેલાં  સપનાંઓના કાટમાળનો ભાર ખમું છું.’

આંસુ, ઝાકળ, વરાળ કે વરસાદ, બધાંમાં કરું પ્રવાસો,
પાણી છું હું બધી જગાએ લઈને નોખાં નામ ભમું છું.

– અનિલ ચાવડા

૨.  “….પાણી નથી…..!”

દૂર લગ દેખાય ખાલી સાવ રણ, પાણી નથી;
છેક છાતીમાં ફરે  તરસ્યા  હરણ, પાણી નથી.

લાગણીનો   કાગડો  નાખે  હવે ક્યાં  કાંકરા?
એમની ભીતર ઘડામાં  સ્હેજ પણ પાણી નથી.

અન્યને ભીનાં કરી  જગ  છોડવું  અઘરૂં પડે,
જિંદગી પાણી નથી કે આ મરણ પાણી નથી.

શક્ય છે  કે  દૃશ્ય  વર્ષાનું  રચાયું  હોય પણ,
આંખમાંથી  જે ઝરે છે, એ ઝરણ પાણી નથી.

સ્હેજ ચૂમું પાની તરત છીપે તરસ, પણ તે છતાં;
ફર તો પડશે જ, કારણ કે ચરણ  પાણી નથી.

     – અનિલ ચાવડા

૩.   “…..પાછું….!”

જો  બારણું  તૂટે  તો  સરખું કરાય પાછું;
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન થતાં જ એમાં ચાલ્યા જવાય પાછું.

હો વૃદ્ધ કોઈ એને  દૂધિયા જો  દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.

કરમાઈ જે ગયું છે  એ પુષ્પને  ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું?

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ ખાલી હાથ લઈને અવાય પાછું?

એવી જગાએ આવી થંભી ગયા છીએ કે-
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.

   –  અનિલ ચાવડા 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.