બ્રસેલ્સ – એમસ્ટર્ડેમ ~ યુરોપ યાત્રા ભાગ: 8 ~ સંધ્યા શાહ
પેરિસથી ભારે હૈયે વિદાય લઈ અમે બ્રસેલ્સ તરફ પ્રયાણ કર્યુ. હાઈવેની બન્ને બાજુએ ઊંચા, ઊંચા, લીલા વૃક્ષોની દિવાલ રચાઈ હતી. ક્યારેક કોઈ અધૂરો ટુકડો આવે તો લાંબા ઘાસના ઢોળાવ અને તેના પર ફરતી સફેદ પટ્ટાવાળી ગાયો દેખાતી હતી.
બ્રસેલ્સથી સોળ માઈલ દૂર વોટર્લુનું મેદાન છે. સમ્રાટ નેપોલિયનને ઈંગ્લેંડના ડયુક ઑફ વેલિંગ્ટને અહીં જબરી શિકસ્ત આપી હતી. ઈતિહાસની એ ઘટના મને યાદ આવી ગઈ.
![]()
હવે દરેકની આંખોમાં કુતૂહલ હતું બ્રસેલ્સની પ્રખ્યાત ઈમારત ‘એટોનિયમ’ જોવાનું. વિજ્ઞાનમાં રુચિ ધરાવતા બધાને તો એ ગમે જ, પણ એની ભવ્યતા તમામ સહેલાણીઓને આકર્ષે તેવી હતી.

બીજા વિશ્વયુદ્ધના વિનાશક પરિણામો પછી વિજ્ઞાન માનવજીવનના ઉત્કર્ષમાં પણ એનું યોગદાન આપી શકે છે, એ દર્શાવવા બ્રસેલ્સ વર્લ્ડ ફેર માટે એનું બાંધકામ કરવામાં આવ્યું. 1958માં એન્જીનિયર એંદ્રે વૉટરકેન, આર્કિટેક્ટ એંદ્રે અને જૉ પોલાકના સહિયારા પ્રયાસોથી તૈયાર થયેલી આ વિશિષ્ટ ઈમારતમાં 64 ડાયામિટરના નવ બૉલ છે. 335 ફૂટ ઊંચી આ ઈમારત સ્ટીલની બનેલી છે. સમગ્ર બાંધકામને એલ્યુમિનિયમનું કૉટીંગ લગાવવામાં આવ્યું છે અને એનું વજન 2400 ટન છે.
એક બૉલમાંથી બીજા બૉલમાં જવા માટે એસ્કેલેટર્સ, લિફ્ટ તથા દાદરાની વ્ય્વસ્થા રાખવામાં આવી છે. સહુથી ઉપરના ગોળામાં પહોંચીને સમગ્ર બ્રસેલ્સનું દર્શન કરી શકાય છે. પ્રત્યેક ગોળામાં એટમ અને તેને લગતું સાહિત્ય, ફોટાઓ અને ફિલ્મો રાખવામાં આવ્યા છે. બ્રસેલ્સના વિકાસમાં ઘરેણું બની ગયેલા ‘એટોમિયમ’ને જોઈને કશુંક નવુ જ પામીને અમે બહાર નીકળ્યા. અલબત્ત, બહુ જ બધા ફોટાઓ સમેત.
આગળ વધતા રસ્તામાં એન્ટવર્પ આવ્યું. હીરાની ચમક્દમકથી ઝળહળતા આ શહેરમાં પ્રવેશતા અમને વર્ષો પહેલા અહીં આવીને વસેલા અમારા જૂના પાડોશી મિત્ર યાદ આવી ગયા. અમે જે હોટલમાં જમવા ગયા હતા ત્યાં ગુજરાતીઓની ઘણી સંખ્યા હતી. મેનેજરને અમારા મિત્રનું નામ કહ્યું ને ઓળખતા હોય તો ફોન નંબર આપવા કહ્યું.
અમારા સુખદ્દ આશ્ચર્ય વચ્ચે ફોન લગાવ્યો અને ખુશીનો પાર ન રહ્યો. સ્વજન સમા આ મિત્રને વર્ષો પછી મળવાનો આનંદ હતો. આ પૉર્ટ સિટીની ભવ્યતા આંખોમાં ભરીને અમે નેધરલેન્ડ જવા નીકળ્યા.
એમ્સ્ટર્ડમ- નેધરલેન્ડની રાજધાનીની મધ્યમાં થઈને ‘એમસ્ટર’ નદી વહે છે, એની એક તરફ ‘એમસ્ટર’ અને બીજી તરફ ’ડેમ’ એમ બે નગર વસેલા છે. બન્ને નગર મળીને તે એમસ્ટર્ડેમ તરીકે ઓળખાય છે
અહીં સરસ મજાના ઈંટોવાળા મકાનો, મુંબઈ જેવી આબોહવા, રસ્તા પર સાઈકલો ફેરવતા બાળકો, રોશનીથી ઝગમગતા સ્ટોર્સ, હોટલો દેખાઈ રહ્યા છે. વિન્ડ મિલ્સ, ટ્યુલિપ ગાર્ડન અને મ્યુઝિયમ… કેટલું બધું જોવાનું છે!
એમસ્ટર્ડેમનું અનોખું આકર્ષણ એટલે મદુરો ડેમ. ગામ કે શહેરને અહીં ડેમ કહેવામાં આવે છે. બે માઈલના વિસ્તારમાં ફેલાયેલી મિનિએચર નાનકડી નગરી જોઈને અમે ચકિત થઈ ગયા. આ શહેરની ઐતિહાસિક, ઔદ્યોગિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક માહોલની 100થી પણ અધિક જીવંત પ્રતિકૃતિઓને એ જ રંગ, એ જ ઢાળ અને એ જ સ્વરુપમાં જોવાનો લહાવો હતો.
નદીની સપાટી પર ફરતી બૉટ હોય, સ્ટીમર આવે ત્યારે ખુલી જતો બ્રિજ હોય, એરપોર્ટ પર સામાન લઈ જતો કાર્ગો હોય, ચર્ચમાં યોજાતા લગ્નમાં લોકોની હાજરી હોય, સૈનિકોની પરેડ હોય કે ટ્યૂલિપના ખીલેલા ફૂલો હોય, નેધરલેન્ડની કોર્ટથી શરૂ કરી રેડિયો અને ટેલિવિઝન સ્ટુડિયો સુધી પથરાયેલા આ પાર્કમાં મૂળ વસ્તુથી 25 ગણી નાની, જીવંત પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે.
પાર્કમાં પ્રવેશ વખતે જ એક સ્કેન કાર્ડ આપવામાં આવે છે જેની મદદથી અહીંની તમામ મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકાય છે. તમે મદુરો ડેમના આકાશમાં ઊડતા હો તેવી અનુભૂતિ થાય છે. ખરેખર તો મદુરો ડેમ 1945માં મૃત્યુ પામેલા જ્યોર્જ મદુરોની સ્મૃતિમાં તેના માતા-પિતાએ બંધાવ્યો છે.
પોતાના એકના એક, વહાલસોયા પુત્રની યાદમાં સર્જાયેલી આ નાનકડી નગરીના પાયામાં કરુણા અને દાન રહેલા છે. પ્રતિવર્ષ એક લાખ યુરો નેધરલેન્ડના બાળકોના ઉત્કર્ષ માટે વાપરવામાં આવે છે.
વાન ગૉગ મ્યુઝિયમ અને એની ફ્રેન્ક હાઉસ આ શહેરની વિશેષતા છે. જગતના સહુથી મોંઘા ચિત્ર ‘બર્નિંગ સનફ્લાવર’ અને ‘પૉટેટો ઈટર્સ’ અહીં મૂળ સ્વરૂપે જોવા મળે છે. એન ફ્રેન્ક વિશ્વયુદ્ધ દરમ્યાન બે વર્ષ માટે નાઝીઓથી છૂપાઈને જે ઘરમાં રહી હતી તે ઘર અને તેની ડાયરીમાં લખેલા આત્મમંથનના પૃષ્ઠ એ અહીંની વિરાસત છે.
બીજે દિવસે સહુથી પહેલા અમે કોકેનહોફના ટ્યુલિપ ગાર્ડનમાં ગયા. નજર પડે ત્યાં સુધી દેખાતા, પ્રણયમુગ્ધ હૈયાની અભિવ્યક્તિ સમા રંગબેરંગી ટ્યુલિપ, ઑર્કિડ અને અન્ય ફૂલોની બિછાત મનમોહક હતી. દરેક ફૂલને નજાકતથી સ્પર્શવાનું મન થાય, દોડી-દોડીને એક ફૂલોની સેજ પરથી બીજા ફૂલોના પટ પર જઈ એના સૌંદર્યને મનભરીને માણવાની આવી તક ફરી ક્યાં મળવાની?
લાલ, પીળા, જાંબલી, નારંગી અને શ્વેત ફૂલોથી શોભતો આ બાગ લગભગ 80 એકરમાં પથરાયેલો છે. માર્ચના મધ્યભાગથી મે મહિનાના અંતિમ અઠવાડિયા સુધી આ ફૂલો ખીલેલા રહે છે. આ ફૂલોનું અસીમ સૌંદર્ય અપાર શાંતિનો અહેસાસ કરાવે છે. યુરોપના તમામ ફૂલો આ બાગમાં ઉપલબ્ધ છે.
1949થી આ ગાર્ડનને હાલનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ખરેખર તો ‘કિચન ગાર્ડન’ અર્થ ધરાવતા આ બગીચાનો મૂળ ઉદ્દેશ નેધરલેન્ડના ફૂલોના ઉદ્યોગને વિકસાવવાનો હતો. આજે પણ આ દેશ ફૂલોની નિકાસમાં અગ્રક્રમે છે. પરિવહનના કોઈ પણ માર્ગથી અહીં પહોંચી શકાય છે.
પુષ્પોના અભિરામ ઐશ્વર્યને જોઈ ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ’ રેખા અને અમિતાભનું પિક્ચર ‘સિલસિલા’ યાદ આવી ગયું. બહુ જ બધા ફોટા પાડ્યા. નજર પહોંચે ત્યાં સુધી ફૂલો જ ફૂલો કેવળ કેમેરામાં જ નહીં, હ્રદયમાં પણ કંડારાઈ ગયા.
અહીંની પવનચક્કી પણ જોવા જેવી છે. હૉલેન્ડ યુરોપની નીચાણવાળી ભૂમિ પર સ્થિત છે. એટલે ડચ લોકોને દિવાલો બાંધવી પડે છે. અહીં નદીના બંધ પર રાત અને દિવસ પવનચક્કી ચાલે છે જે બારે માસ વરસતા વરસાદનું પાણી ઉલેચીને દરિયામાં નાખે છે જેથી પૂરના સંકટથી બચી શકાય.
પશુપાલન અને ખેતી મુખ્ય વ્યવસાય છે. પાણી અને માટીમાં જ કામ કરવા માટે અહીંની પ્રજા લાકડાના બૂટ વાપરે છે. અમે તેની કલૉગ ફેક્ટરી જોવા ગયા. ઉપર ડિઝાઈનવાળા પીળા રંગના બૂટ કઈ રીતે બને છે તે અમને બતાવવામાં આવ્યું.
તેઓ લાકડાના ટૂકડાને રંધો મારી, ડિસમિસ જેવા સાધનથી કાણું પાડે જેમાં પગ જઈ શકે. લાકડું મૂળે તો વૃક્ષમાંથી બને એટલે આ બૂટમાં જોરથી ફૂંક મારે ને પાણી નીકળી પડે (મારી તો આંખમાં પાણી આવી ગયા). પછી એ બૂટને સૂકવવામાં આવે તે એટલા મજબૂત બની જાય કે હથોડા મારો તોય ન તૂટે. સૉવિનિયર રૂપે અમે બૂટ લીધા અને મોટા બૂટમાં ઊભા રહીને ફોટા પણ પડાવ્યા.
ત્યાંથી ચીઝ ફેક્ટરી જોવા ગયા. અહીં દૂધાળા ઢોરની ખૂબ માવજત કરવામં આવે છે. અહીંની ગાયો પુષ્કળ દૂધ આપે છે. ચીઝ ફેક્ટરીમાં અમે મોટી મોટી પીળા રંગની ગરેડી જેવી ચીઝ જોઈ.
એક પ્રૌઢ સ્ત્રીએ એ કઈ રીતે બને છે તે સમજાવ્યું. ગાય અને બકરીના દૂધમાંથી બનતી આ ચીઝના આવરણને છોલીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. અમે બધા મિત્રોએ અહીંથી ચીઝ અને ચોકલેટની ખરીદી કરી.
સાંજે ‘મેરિયટ’ હોટલ પરત આવ્યા. મિત્રોનો સાથ છોડીને હવે અમે બન્ને લંડન જવાના છીએ. વહાલથી એકમેકને ભેટીને છૂટા પડ્યા. અંતરંગ આત્મીયતાના મીઠા સ્મરણો હૈયામાં ભરીને જ તો.
(ક્રમશ:)