સાહેદ (વાર્તા) ~ ઉમા પરમાર

(શબ્દો: ૧૫૨૩)

આજે રીમા રોજ કરતાં બમણી ઝડપે કામ કરી રહી હતી. પરવારી, ઘડિયાળ તરફ નજર નાંખી. ઝડપથી તૈયાર થઈ. મોપેડ લઈ એણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફ હંકારી મૂકી. રસ્તે વાહનો અને મનમાં વિચારોનો ટ્રાફિક જામ હતો.

આ પહેલો અનુભવ હતો કોર્ટમાં આવવાનો અને કોઈ કેસનાં સાક્ષી બનવાનો. એની ઑફિસની મિત્ર અને સહકર્મચારી રજનીનો વ્યક્તિગત કેસ હતો. મૈત્રીભાવે એણે સાક્ષી બનવા સ્વીકાર્યું હતું. આજની તારીખે કોર્ટમાં સાહેદી માટે હાજર થવાનો સમન્સ હતો. રજનીએ પહેલેથી વકીલ સાથે વાતચીત કરાવી દીધી હતી.

બરાબર સાડા દસનાં ટકોરે એ કોર્ટમાં હતી. ઇમારતમાં દાખલ થતાં જ આજુબાજુ ચઢ-ઊતર કરતાં વકીલો દેખાયા. કાળા કોટ પહેરેલા, કાળા માથાના, કાળા-ધોળા માનવી… જાણે હરતા-ફરતાં શતરંજનાં પ્યાદા જોઈ લો!

જ્યાં જુઓ ત્યાં હકડેઠઠ ભીડ. ગ્રાઉન્ડ ફ્લોર પર એકમાત્ર કેન્ટીન હોવાથી ત્યાં પણ ભીડનો પાર નહીં. હારબંધ લિફ્ટ, એમાં પણ લાઇન. એ ઘડિયાળમાં જોતી ઊપર ચઢી રહી હતી. પગથિયાં ચઢતાં એ હાંફી ગઈ. હાંફ થાક્નો હતો કે ગભરાટનો તે એને ન સમજાયું.

ચોથા માળે પહોંચી એણે બધે નજર દોડાવી. વકીલ ક્યાંય દેખાયો નહીં. બધાં વકીલ આવાં જ હશે? ફિલ્મોમાં બતાવે છે એવા? એટલામાં એનો ફૉન આવ્યો, ‘તમે આવી ગયા? કોર્ટમાં બેસો, બસ, હું પાંચ મિનિટમાં આવ્યો.’ કહી એણે ફૉન મૂકી દીધો. જવાબની રાહ જોયાં વગર.

એ બહાર બૅન્ચ પર બેઠી. બાજુમાં એક આધેડ વયનું કપલ બેઠું હતું. એક પંદર-સોળ વર્ષની લાગતી છોકરી બંનેની વચ્ચે બેઠી હતી. એના મા-બાપ હોઈ શકે. મૂછનો દોરો ફૂટી રહ્યો હતો એવો છોકરો એમની પાસે, જગ્યા હોવાં છતાં ઊભો હતો. સામેની બાજુએ પાંત્રીસેક વર્ષની એક સ્ત્રી અને પાંચેક પુરુષો બેઠાં હતાં.

કોર્ટરૂમનો દરવાજો ખૂલ્યો અને બધાં ધીમે-ધીમે અંદર જવા લાગ્યાં. વકીલે એને સમજાવ્યું કે, એ કહે તે રીતે બોલવાનું છે. બસ! પંદરેક મિનિટમાં તો પતી જશે!

વકીલની સાથે કોર્ટરૂમમાં દાખલ થઈ ત્યારે એ નવાઈ પામી. ફિલ્મો અને સિરિયલોમાં જોયેલી કોર્ટ કરતાં સાવ અલગ જ. ત્રાજવું પકડી, આંખે કાળી પટ્ટી બાંધેલી ન્યાયની દેવીનું પૂતળું ક્યાંય ન દેખાયું!

જજની ખુરશી પર સૌમ્ય, પ્રભાવશાળી મહિલા બેઠી હતી. એનાં વકીલે જજ મૅડમને જણાવ્યું કે એના સાક્ષી નોકરી કરે છે તેથી એની જુબાની પહેલાં લઈ લેવામાં આવે તો સારું. જજે હા પાડી. એનો સમન્સ ચેક કરાયો.

એ બીજી હરોળમાં બેસી બધી ગતિવિધિ જોઈ રહી હતી. વકીલે ઈશારો કર્યો, તૈયાર રહેવા. એ મનોમન વિચારવા લાગી કે શું પૂછશે ને એણે શું જવાબ આપવાનો છે. એનું નામ બોલાયું. એ ઊભી થઈ. પણ, એની હરોળમાંથી બહાર આવે તે પહેલા વકીલે એને બેસી જવા ઈશારો કર્યો.

બીજો કેસ લેવાઈ ગયો હતો. એને આશ્ચર્ય થયું. આવું થાય? બીજા સાક્ષી ડૉક્ટર હતાં. એ કેસનાં વકીલે એમને સાચું બોલવાના સોગંદ લેવડાવ્યા, ગીતા પર હાથ મૂકાવ્યા વગર. ત્યાં જ એનો વકીલ ધીમેથી પાસે આવી બોલ્યો, ‘પ્રોટોકૉલ પ્રમાણે અમુક અગત્યનાં કેસની જુબાની પહેલાં લઈ લેવી પડે. સરકારી છે, એટલે મોડું ન કરાય. થોડીક વાર. પછી આપણા સામે પક્ષનાં વકીલ પણ હાજર છે તેથી કામ પતી જશે આજે.’ રીમાએ ડોકું હલાવ્યું.

એણે ફરી ઘડિયાળ જોઈ. ઑફિસમાં ઢગલો કામ પડ્યું છે, ક્યારે આ જુબાની પતશે ‘ને ક્યારે એ ઑફિસ જઈને એનાં કામ પતાવશે. આખા રૂમમાં એની નજર ફરી વળી. જજની પાછળની દીવાલ પર, સીસી ટીવી કેમેરા લગાવ્યા હતાં. જર્જરિત એવાં ચારેક મોટાં કબાટો હતાં.

એનાં વકીલને ઊભાં થતાં જોઈ એનો વિચાર પણ ત્યાં જ ઊભો રહી ગયો. એનાં વકીલને જજે નજીક બોલાવી કંઈ કહ્યું. એ કંઈ સમજે તે પહેલાં જ રૂમમાં હાજર પટાવાળાએ બધાં લોકોને ઉદ્દેશીને બહાર બેસવા કહ્યું, ‘ઇન કેમેરા ટ્રાયલ’ લેવાની છે.

પેલી છોકરી, એના મા-બાપ અને બેચાર અન્ય લોકોને છોડી બધાં ઊઠીને બહાર જવા લાગ્યાં. એણે વકીલ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. જવાબમાં બહાર નીકળવાનો ઇશારો આવ્યો. બધાં નીકળ્યા એટલે બારણું બંધ. એ પણ જગ્યા શોધી બહાર બેન્ચ પર બેઠી. ફરી અનાયાસે ઘડિયાળ જોવાઈ ગઈ.

‘રીમાબે’ન, પૉક્સૉનો કેસ છે, તેની જુબાની પહેલાં લેવી પડે. બસ, એ પતે પછી આપણો જ વારો છે. ખાલી દસેક મિનિટ રાહ જુઓને… હું હમણાં આવ્યો.’ વકીલે વગર પૂછયે ખુલાસો કરી, વધુ જવાબ આપવો પડે એ પહેલાં તો ચાલતી પકડી.

પોણો કલાક પછી કોર્ટનું બારણું ખૂલ્યું. ‘લંચ બ્રૅક છે.’ કહીને પટાવાળો ગયો. જ્યાં-ત્યાં બેઠેલાં લોકો ધીમે-ધીમે વિખેરાઈ ગયા. અંદરથી પેલી છોકરી, એના મા-બાપ સાથે બહાર આવી, સામે બેન્ચ પર બેઠી.

રીમા હજુ અવઢવમાં હતી, શું કરે? ભૂખ પણ લાગી હતી.

એની બાજુમાં બેઠેલો ભાઈ સામે ઊભેલા સાથે વાત કરી રહ્યો હતો. ‘આજેય કાલ જેવુ જ થશે કે શું?’ પછી પૂછ્યા વગર રીમા સામે જોઈ બોલ્યો, ‘બેન, અહીં તો આખો દિવસ નીકળી જાય પણ નંબર લાગે નહીં. અમારો કાલે આખો દિવસ પૂરો થયો તોય વારો આવ્યો નહીં, આજે બોલાવેલાં, પણ…’ એણે મોટું બગાસું ખાધું.

રીમા ચૂપ રહી. પછી પૂછ્યું, ‘તમે પણ સાક્ષીમાં છો?’

‘ના બેન, પેલો ખૂણે બારી પાસે ઊભો તે મારો સૌથી નાનો ભાઈ. આ સામે બેઠી એ છોકરીએ એનાં પર બળાત્કારનો આરોપ મૂક્યો છે. બિચારો મારો ભાઈ, ઘરમાં બાપુને કે અમને પૂછ્યા વગર પાણીય નથી પીતો. એ આવું કરી જ ન શકે.’

એ તો સાંભળીને છક! કશું પણ બોલ્યાં વગર આડું જોઈ ગઈ. પણ, ભીતરે મન આડું ફાટ્યું. એ ઘડીક પેલી છોકરી તો ઘડીક પેલા છોકરા સામે જોઈ રહી. પૂછ્યા વગર પાણી ન પીતાં હોય એવા ટીનઍજર, જુવાનીનાં જોશ, આવેગ અને શરીરમાં થતાં કેમિકલ લોચાને અવગણીને શું જાતીય સંબંધ બાંધવા માટે પણ પરવાનગી લેવા જતાં હશે?

એ છોકરી… સાવ નિર્દોષ ચહેરો, થોડી અણિયાળી પણ સપાટ, ભાવવિહીન આંખો, કપાળે નાનો ચાંદલો. સૂકાભઠ્ઠ હોઠ. એ ક્યારની નીચું જોઈ બેસી રહી હતી. એણે એકાદ વાર સાવ છાનામાના પેલા છોકરા સામે જોવા વ્યર્થ પ્રયત્ન કરી જોયો, તે રીમાથી છૂપું ન રહ્યું.

એ વિચારવા લાગી, આ બેમાંથી કોણ સાચું હશે? શું ખરેખર જ પેલાએ બળજબરી કરી હશે? કે પછી પકડાઈ જવાની બીકે એ છોકરી ખોટું બોલતી હશે? કે મા-બાપે બંનેને પકડ્યા હશે? શું હશે? એ બંનેના ભોળા ચહેરા જોઈને કોઈપણ અટકળ લગાવવી મુશ્કેલ હતી.

આજકાલ ઘણુંબધું વિશ્વાસ ન કરાય એવું બનતું હોય છે. એવામાં દરેક મા-બાપને પોતાનું સંતાન જે કહે તે જ સાચું લાગતું હોય છે. એમના પર ભરોસો હોય છે. પણ ક્યારેક એ વધુ પડતો ભરોસો જ દગો દઈ બેસે છે. બારણું ખૂલ્યું. બ્રેક પૂરો થયો હતો. એના વિચારો પર બ્રેક લાગી.

પેલા બંનેના નામની બૂમ પડી. તેઓ અંદર ગયા. ફરી બારણું બંધ. રીમાને થયું કે હજુ કદાચ કલાક પાક્કો. એક કાકા હાથમાં ચાનો થરમૉસ ને કાગળનાં કપ લઈ ફરી રહ્યા હતાં. એટલામાં એના વકીલે દર્શન દીધા. ‘ઓહો, તમે આવ્યા? મને એમ કે કદાચ તમે સીધો ફૉન કરીને કહી દેશો કે હવે બીજી તારીખ અપાઈ છે ત્યારે આવજો.’

વકીલ એનો કટાક્ષ સમજ્યા પછી પણ હસીને બોલ્યો, ‘મને તો ખબર જ છે કે ઇન કેમેરા ટ્રાયલ ચાલુ થાય એટલે સવારની સાંજ પડી જ જાય. આ તો હું તમને કહેવા જ આવ્યો કે કદાચ થોડું મોડુ થાય તો પણ બેસજો, આપણું તો પંદર જ મિનિટનું કામ છે. જો આ પૉક્સૉવાળો કેસ જલ્દી પતે તો મૅડમ તમને બોલાવી જ લેશે.’ સવારથી એકની એક વાત સાંભળીને હવે એ અકળાઇ.

‘તમે સવારથી પંદર મિનિટનું રટણ કરો છો. આ ઇન કેમેરા ટ્રાયલ છે શું? બધું કેમેરામાં રેકોર્ડ થાય?’

‘અરે ના ના, એવું નહીં… કોઇ સગીર પર બળાત્કારનો ગુનો નોંધાય ત્યારે અથવા અન્ય અગત્યનાં કેસોમાં બંધ બારણે આ ટ્રાયલ લેવાય છે. જેમાં ફરિયાદી, આરોપી, સાક્ષી અને નજીકનાં સગા જ અંદર રહે. ક્યારેક આરોપીને એક મોટાં પડદા પાછળ બેસાડવામાં આવે જેથી સાક્ષી જજ સામે વિના સંકોચે, નીડર બની, કોઈપણ જાતનાં દબાવમાં આવ્યા વગર એની જુબાની આપે. જેથી ફરિયાદીને યોગ્ય ન્યાય મળે.

‘ઓહ! એવું છે.’ કહી એ ફરી વિચારનાં વમળમાં ઘૂમરી લેવાં લાગી. કંઈકેટલાય ચુકાદા વર્ષોથી આ ઇમારતમાં કેદ હશે અને છૂટવાની રાહ જોતાં હશે. કોર્ટની આ દીવાલો, બારીઓ, સીડીઓ અને ખૂણામાં મૂકાયેલા થોડાં કટાયેલા કબાટમાં કેદ હજારો ફાઈલો…! એ ફાઈલોમાં કંઈકેટલી લાગણી, સંવેદના, નફરતનાં સંબંધો બંધ હશે. એ ક્યારે છૂટશે, તૂટશે, તરફડશે એ કોને ખબર?  સમય સરકતો જતો હતો.

ત્યાં બાજુમાં વયોવૃદ્ધ આવીને બેઠા. રીમાએ થોડી અનુકંપા અને થોડું ઉત્સુકતાથી જોયું. એ આંખનાં ખૂણા લૂછવા લાગ્યાં. રીમાને શું બોલવું તે સમજાયું નહીં.

એટલામાં પટાવાળો એની તરફ આવ્યો. ‘બેન, આ કાકાની કોઈ વાત સાંભળતા નહીં. એમનો કેસ છ વર્ષ જૂનો છે. એમની છોકરીએ આત્મહત્યા કરેલી. કારણની ખબર નહીં. પણ કાકાનું કહેવું છે કે એમની દીકરીને કોઈ બ્લૅકમૅલ કરતું હતું, એણે સ્યૂસાઇડ નોટ લખેલી, પણ મળી નહીં. પુરાવાનાં અભાવે આરોપીને સજા ન થઈ.  હવે કાકા એ માનવા તૈયાર નથી ને જૂની તારીખ મુજબ દર મહિને આવી જાય. કોર્ટ બંધ થાય ત્યાં સુધી બેસે, પછી જાય. કાકાની દિમાગી હાલત સારી નથી.’

રીમા સાંભળીને અવાક થઈ ગઈ! છ વર્ષ? કાકા એની છોકરીને ન્યાય અપાવવા આટલું બધું કરે અને અંતે ન્યાય ન મળે ત્યારે આવી હાલતમાં મૂકાઈ જાય એ માટે કોણ જવાબદાર? સત્ય બોલવાનાં સોગંદ લેવડાવીને સત્ય ન જોઈ શકતું ન્યાયતંત્ર? કે પછી જાણીને પણ આંખ આડા કાન કરતાં ન્યાયાધીશો?

ન્યાયની પ્રક્રિયા આટલી ધીમી કેમ છે, ન્યાયતંત્ર પરથી લોકોનો વિશ્વાસ કેમ ઉઠી ગયો છે એ હવે સમજાયું. આંખે કાળી પટ્ટી બાંધેલી ન્યાયની દેવી સમય કે સત્ય ક્યાં જોઈ શકે છે? એને શું ખબર કે ચુકાદા આવતાં વર્ષો વીતી જાય છે. અરે, લોકોની આખી જિંદગી નીકળી જાય પછી ખરેખર જે ચુકાદો અપાય છે તેમાં સાચે જ ન્યાય હોય છે ખરો?

કોર્ટનું બારણું ખૂલ્યું. વિચારમગ્ન રીમાને અચાનક એનાં વકીલે જગાડી, ‘રીમાબે’ન, ચાલો જલ્દી.’ એ પાછળ દોરવાઈ. ઘડિયાળમાં બરાબર સાડા પાંચ થયાં હતાં. ‘મૅડમ, મારાં સાક્ષી નોકરી કરી રહ્યાં છે. આજનો આખો દિવસ નીકળી ગયો છે, બસ થોડી વાર છે એમાં એમની જુબાની લઈ લો તો એમનું કામ પતે.’

જજ મૅડમે વકીલને સમજાવ્યું કે, ‘આજે હવે શક્ય નથી માટે અનુકૂળ હોય તેવી બીજી તારીખ લઈ લો.’

વકીલે એને ફરીવાર ક્યારે ફાવશે તે પૂછીને મૅડમને જવાબ આપ્યો. હવે જજ ખુરશી પરથી ઊભા થઈ ચૂક્યા હતાં. બંને હારેલા યોદ્ધા જેવા બહાર આવ્યાં. બળાત્કાર, હત્યા, અપહરણ, ડિવોર્સ વગેરે જેવા અસંખ્ય કેસોની તારીખ વચ્ચે વધુ એક તારીખ…

તારીખોનાં અટ્ટહાસ્યથી ઘેરાયેલી રીમા ધીરે-ધીરે સાહેદી માટે ફરી આવવું પડશેના વિચાર સાથે કોર્ટના પગથિયાં ઊતરી રહી.

~ ઉમા પરમાર
uparmar473@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.