લીંપાપોતી કરવાથી સત્ય ઢંકાઈ નથી જતું ~ લેખ ~ પિનાકીન ઠાકર, મુંબઈ
જાગો ગ્રાહકો જાગો!
(શબ્દો: ૧૭૨૫)
દેખાદેખી, ચડસાચડસી કે પછી કરી દેખાડવાની ભાવના? આવી મનોવૃત્તિથી ઘેરાયેલા માણસોથી બનેલો સમાજ, સંસ્થા, પંથ કે સંપ્રદાય આવી ભાવનાઓથી અછૂત રહી શકે ખરો?
જેમ લગ્નમાં દેખાદેખી કરીને એક જણ દસ લાખનો ખર્ચ કરે તો બીજો 50 લાખનો ખર્ચો કરે એવી જ કંઈક વૃત્તિ પંથ, સંપ્રદાય કે કહેવાતા ધાર્મિક સંસ્થાનોમાં જોવા મળે છે.
દેખાદેખીની તો હદ એટલી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવવાની પણ સ્પર્ધા-પ્રતિસ્પર્ધા ચાલતી હોય છે. એક લિમ્કા એવોર્ડ મેળવે તો બીજો ગીનિઝ એવોર્ડ મેળવવા માટે હવાતિયાં મારે. એકના કાર્યક્રમમાં મુખ્યમંત્રી જાય તો બીજો પોતાને ત્યાં પ્રધાનમંત્રીને બોલાવવાની તજવીજમાં લાગી જાય.
આ બધાની પાછળનું કારણ હલકી મનોવૃત્તિસભર લોકોનું ટોળું જેને સમાજ, સંપ્રદાય કે પંથનું નામ આપી દેવામાં આવે છે. જે મુખ્ય ઉદ્દેશ છે કે લોકોને ધર્મના માર્ગે વાળવા, સત્સંગ કરાવવો, ભક્તિમાં ઓતપ્રોત કરવા એ વાત બાજુ પર રહી જાય છે: અને આવી મનોવૃત્તિને પૂરી કરે એવા કેટલાય પ્રોજેક્ટમાં પોતે લાગી જાય છે અને પોતાના અનુયાયીઓને પણ એ કામે લગાડી દે છે.
આ માટેનું ભંડોળ ઊભું કરવા માટે એક વ્યાપારિક અભિગમ પણ અપનાવી ચેરીટેબલ ટ્રસ્ટના નામે કેટલાંય ફૂડ પ્રોડક્ટ્સ, કેટલીય સત્સંગસામગ્રી અથવા સાહિત્યના વેચાણના નામે ધરખમ પૈસો ઊભો કરવામાં આવે છે.
આ ઉપરાંત આ બધી સ્પર્ધામાં ટકી રહેવા અઢળક પૈસા ભેગા કરવા ઉત્સવ, સમૈયા કે પછી સપ્તાહ જેવું કોઈ ને કોઈ રૂપકડું નામ આપીને અનુયાયીઓ પાસેથી પૈસા ભેગા કરવામાં આવે છે. અનુયાયીઓ પણ પરભવ સુધારવાના પ્રલોભનમાં પરાભવ પામીને આ ભવને દાવે લગાડી દે છે
સમાજમાં એક માન્યતા (ગેરમાન્યતા- માન્યતા હંમેશા ખોટી જ હોય છે) છે કે ધર્મના અનુયાયીઓ ખૂબ જ સુખી અને સમૃદ્ધ છે કારણ કે એમના પર ભગવાનની અસીમ કૃપાઓ હોય છે અને પરંતુ સાંપ્રત સમયમાં કેવળ અન્નવસ્ત્રની જ તકલીફ છે?
તમે જુઓ તો મોટાભાગના લોકો દુઃખી છે કારણ કે અન્નવસ્ત્ર પર્યાપ્ત નથી. બાળકોનું ભણતર, એમની જરૂરિયાતો, સમાજમાં રહેવા માટેની જરૂરી આવશ્યક્તા, સોસાયટીમાં રહેવાના ખર્ચા, મેન્ટેનન્સ, રિપેરિંગ ફંડ, રિનોવેશન, સરકારી કર, દવાઓ, મેડિકલ ઇમર્જન્સી, ભાડાના ઘરમાં રહેવાના ખર્ચા; આ બધું મોંઘવારીના જમાનામાં ત્રણ સાંધો ત્યાં તેર નહીં પણ તેંત્રીસ તૂટે એવું છે.
માણસમાત્રની મૂળ જરૂરિયાત છે પૈસા (એનાથી મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડા, મકાન ઉપરાંતની આવશ્યકતાઓ પૂરી થઈ શકે છે). નાણાં ના હોય તો લોકો તમને તુકારે બોલાવે અને રૂપિયાના જોરે લોકો તમને માન-સન્માન આપે. પરંતુ કોઈપણ સંસ્થા, ટ્રસ્ટ, પંથના મોટેરાઓને આ વાતને પડી નથી અથવા તો આ વાત તેમના ધ્યાનમાં નથી (અને અનુયાયીઓના ધ્યાનમાં પણ નથી આવતી). કારણ કે આ બધી વાતો રજૂ કરવામાં આવે છે ત્યારે એ વાતો મોટેરા ધર્મગુરુઓ સુધી પહોંચતી નથી.
સાધુસમાજમાં પણ આક્રોશ ખૂબ જ છે અને એ લોકોએ જ્યારે પણ અવાજ ઉઠાવ્યો હશે ત્યારે કોર્પોરેટ કલ્ચરની જેમ એમના અવાજને દબાવી દેવામાં આવ્યો છે. અને અવાજ ઉઠાવનારાને ઠંડે કલેજે પતાવીને આવા મૃત્યુને શંકાસ્પદ આત્મહત્યા કે સંદિગ્ધ મૃત્યુમાં ખપાવી દેવામાં આવે છે.
શક્યતાઓનો પાર નથી. ગુરુના નામના ખોટા પત્રો બનાવી ભોળી જનતાને મૂરખ બનાવાય છે. પદવીઓ મેળવવા ખોટી સહીઓ કરીને આદેશ (ફતવા) જાહેર કરાય છે.
શક્ય હોય એ શામ-દામ-દંડ-ભેદ અપનાવી કે પછી ચૂપ રહીને પણ મૂંગામોઢે તમાશો જોઈને પોતાની પદવી-ગાદી-પ્રતિષ્ઠા સાચવવાની તજવીજમાં રહે છે. પુરુષોને સંસારની જવાબદારી પુત્રના માથે નાખી ભગવાન ભજવા માટે સમજાવાય છે પરંતુ તેઓ મરતાદમ સુધી એમની ખુરશીને વળગી રહે છે. બીજાને જવાબદારીઓ (હકીકતમાં તો સત્તા) આપી શકતા નથી.
સમાજે જાગવાની જરૂર છે. ગાડરિયા પ્રવાહ બનીને અનુસરવાનું બંધ કરવાની જરૂર છે, તમે અનુયાયીઓ છો તો પણ તમારા ઘરની પરવા કર્યા વિના (અધ્યાત્મના નામે કાર્યક્રમમાં લખલૂટ ખર્ચ કરીને પણ) એ સંપ્રદાય, પંથ કે વાડાના સાધુઓ, મહંતો આલીશાન નિવાસમાં મોજ કરતા હોય છે. એમને તમારા પરિવારની પણ પડી નથી (જેનો ભોગ આપીને પણ તમે એમની સેવાચાકરી કરો છો).
જ્યાં સુધી તેઓ તમારી સાથે વ્યક્તિગત સંપર્ક ન કરે, તમારી સમસ્યાને ના સમજે અને એનું નિવારણ ન લાવે ત્યાં સુધી તમે પણ ગેરમાન્યતામાં જીવો છો કે આ મારો પંથ છે, ધર્મ છે, સંપ્રદાય છે કે પછી આ મારો પરિવાર છે; પરિવાર એકબીજાને સહાયતા કરવા માટે છે નહીં કે એમને નીચોવી લેવા!
કેટલાય કાર્યક્રમો, ઉત્સવો અને યોજનાઓ પાછળ લખલૂટ ખર્ચ કરીને (કોના બાપની દિવાળી? અનુયાયીઓની?) ભોળી જનતાને મૂર્ખ બનાવવાનો અભિગમ અટકવો જોઈએ. ભક્તિના નામે કેવળ આર્થિક તાકાતનો પરચો ન આપવો જોઈએ.
હરિભગત પાઇપાઇ ભેગી કરીને, પોતાના જીવનમાં ગરીબી સ્વીકારીને પણ દાન આપે છે તેથી આંતરરાષ્ટ્રીય પ્રચાર-પ્રસારના નામે અને અનેક એવોર્ડ મેળવવાના નામે ભક્તોને મૂરખ બનાવવાનું બંધ થવું જોઈએ. આ બધું કોના માટે? એનાથી ફાયદો કોને? સંસ્થાને કે અનુયાયીઓને?
ઉત્સવ-સમૈયામાં લાખો રૂપિયાના ફટાકટા ફોડીને કોને આંજવા છે? હરિભગતોએ આપેલી સેવા-દાનનો દુર્વ્યય નથી? આ બધામાં વિવેકબુદ્ધિ હોવી જોઈએ છે.
જે કંઈપણ થાય છે એનો સીધેસીધો લાભ સંસ્થા, સંપ્રદાય કે સંગઠનને થાય છે જેના માટે એના અનુયાયીઓ પોતાની જાતને નિચોવી નાખે છે એમને કોઈ ફાયદો થતો નથી.
અનુયાયીઓની આર્થિક, સામાજિક વગેરે પરિસ્થિતિઓ સામે આંખ આડા કાન કરાય છે. રાજકારણના માંધાતા સાથેના સંબંધો પણ સંસ્થાના ફાયદા માટે થાય છે (કૌભાંડો પર ઢાંકપિછોડો કરવા) નહીં કે અનુયાયીઓ માટે.
અનુયાયીઓની સામાજિક કે આર્થિક પરિસ્થિતિઓની ચિંતા એમને નથી. એનાથી ભાગી છૂટવા માટે
તેઓ બધું ભગવાન પર નાંખી દે છે. કેવળ ધૂન કરીને અથવા તો આશ્રિતો સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના કરીને; ભગવાનના માથે જવાબદારી નાંખી છટકી જવાનું ઉચિત છે?
સંસ્થા આર્થિક સહાયતા કેમ ના કરી શકે? શું તેઓ દરેક વ્યક્તિમાં ભગવાનનું દર્શન નથી કરતા? શું પોતાના અય્યાશી પાછળના ખર્ચા ઓછા કરીને હરિભક્તોને આર્થિક સહાય ના કરી શકે? આમ કરવાથી એમની અય્યાશીમાં ઓટ આવે? ધર્માદો કે દાન મેળવવા માટે અનુયાયીઓના ડેટા રાખે છે તો પછી એમને સહાયતા કરવામાં કેમ પાછી પાની કરે છે? દેશકાળ તો દરેકને આવે એની એમને ખબર નથી?
દરેક સ્ત્રી પ્રત્યે માતૃભાવ રાખવો જ પર્યાપ્ત નથી, પુરુષો પ્રતિ પણ ભાતૃભાવ રાખી એમની તને મને ધને કાળજી લેવી જોઈએ. એ માટે મોટા કહેવાતા, આગળ પડતા લોકો તેમજ પાયાના ગણાતા લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ અને ઉચિત પગલાં લેવા જોઈએ.
દરેકને પોતાની વાત મૂકવાની તક મળવી જોઈએ. દરેકની વાત સાંભળવી જોઈએ. જાહેરમાં ખુલ્લા મનથી એની ચર્ચા થવી જોઈએ.
જે તે ધર્મ, સંપ્રદાય જેમાં તમે માનતા હો એમની પાસેથી નિમ્નલિખિત વાતની ખાતરી લો:
1) પ્રત્યેક અનુયાયીની આર્થિક સધ્ધરતાનો સામે ચાલીને ખ્યાલ રખાય અને જો આજીવિકાની સમસ્યા હોય તો કામકાજ માટે મદદ કરાય અને નિર્ધનતા કે દેવાની ચુકવણી માટે પણ અનુયાયીઓને શરમ કે સંકોચ ના અનુભવાય એ રીતે ‘બિનશરતી’ આર્થિક સહાયતા કરાય,
2) આજકાલ ડૉક્ટરોના, ઑપરેશનોના વગેરેના બેફામ ખર્ચ છે (સાધુસંતોના એ માટેના ખર્ચા હરિભગતોના દાનમાંથી જ થાય છે) એ માટે નિ:શુલ્ક સારવારની વ્યવસ્થા કરાય, (અનુયાયીઓના દાન દ્વારા અનેક હૉસ્પિટલો બંધાય છે પરંતુ એમાં પણ સમાજના અન્ય લોકોને જે રીતે કિફાયતી કિંમતમાં સેવા અપાય છે એમ જ અનુયાયીઓને પણ અપાય છે. અનુયાયીઓને મફત સેવા-સારવાર કેમ નહીં? (સમાજમાં સંસ્થાની વાહવાહ થાય એટલે? એમાં અનુયાયીઓનો શો વાંક?)
3) ભણતરનો બોજ વાલીઓને નીચોવી નાંખે છે. બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવવાની વ્યવસ્થા કેમ નથી કરાતી? (જ્યારે અનુયાયીઓના પૈસે જ હૉસ્ટેલો, છાત્રાલયો બાંધવામાં આવે છે તો એમના માટે નિ:શુલ્ક વ્યવસ્થા કેમ નહીં?)
4) ‘પોતાનું ઘર’ એ મોંઘવારીના સમયની મહામોટી સમસ્યા છે જેના નિરાકરણ માટે પણ મદદ થવી જ જોઈએ. મંદિરોમાં આલીશાન સાધુનિવાસનો ખર્ચ ઓછો કરીને અનુયાયીઓને ઘર અપાવવાની તજવીજ કેમ ના થાય? ક્યાં સુધી તેઓ ભાડાના ઘરમાં આર્થિક સંકટ હેઠળ જીવે?
સંસ્થાઓ કે સાધુઓ પોતાના ખર્ચ ઓછા કરીને અનુયાયીઓને કેમ મદદ ના કરી શકે? એમને આઈફોન પર એશ અને અનુયાયીઓને??? એમની પાસે લક્ઝરી કાર અને અનુયાયીઓને બસના ધક્કા??? એમને જમવામાં પકવાન અને અનુયાયીઓને ખિચડી???
ક્યારેય આ સંસ્થાઓ કે સાધુઓ આનો વિચાર કરે છે? અનુયાયીઓ પ્રત્યે આવી લાગણીથી તેઓ દુખી થાય છે? અને વાતો કરે છે ભાઈચારની કે એક પરિવારની! આ તો પરોપદેશે પાંડિત્યમ્ છે!
5) આવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ તેમજ શંકાઓ અને ફરિયાદ માટે દરેક મંદિરમાં કમિટીની રચના થાય (મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી સહિત) જ્યાં દરેક અનુયાયીઓ વિના સંકોચ પોતાની વાત રજૂ કરી શકે.
ટ્રસ્ટી પણ એવા લોકો બનાવવામાં આવે છે જેઓ અનુયાયીના હિતની વાત વિચારતા નથી પરંતુ કેવળ ને કેવળ સંસ્થાને વફાદાર રહેવાના વહેમમાં જીવે છે.
વળી જ્યારે સંસ્થાની મીટિંગ થાય એમાં કમિટીના એક સભ્ય દીઠ દસ અનુયાયીઓ પણ હોવા જોઈએ. જેને પણ ઇચ્છા હોય એ એમાં ભાગ લઈ શકે અને અનુયાયીઓ તરફથી વાત રજૂ કરી શકે નહીંતર તો ટ્રસ્ટીઓ સાથે મળીને કૂલડીમાં ગોળ ભાંગે અને અવાજ ઉઠાવનારા ટ્રસ્ટીને સંસ્થા કે ધર્મના નામે દબાવી દેવામાં આવે. જ્યાં નિખાલસતા છે ત્યાં જ ભગવાનનો વાસ છે!
તમે ધર્મ, સંપ્રદાયનું અવિભાજ્ય અંગ છો તેથી કમિટીની ચર્ચા પારદર્શક રીતે જાહેરમાં થાય એની ખાતરી કરો. એકહથ્થુ સત્તાને ચેલેંજ કરો અને સંસ્થા, ધર્મ કે સંપ્રદાયનું હિત ઇચ્છતા લોકોને આગળ કરો.
રાજકારણીઓની જેમ માત્ર લાભ લેવા આગળ પડતા લોકોની સામે આંદોલન કરો, બની બેઠેલા ઠેકેદારોને આયનો દેખાડો, સમાજમાં ઉઘાડા કરો તો જ આ વાત મારા, તમારા અને સમાજના હિતમાં બની રહેશે. બાકી તો જે રીતે લોલમ્લોલ ચાલે છે તેમ, નપુંસક બનીને જોતા રહેવામાં ધન્યતા અનુભવો તો તમારી વિચારધારા તમને મુબારક!!!
સામાન્યપણે માનવામાં આવે છે કે વેશ્યાલયોમાં સ્ત્રીઓની હાલત ખરાબ છે પરંતુ એના કરતાં પણ નારીનિકેતનમાં સ્ત્રીઓની હાલત વધારે ખરાબ હોય છે. વેશ્યાલયોમાં સ્ત્રીઓનું શારીરિક શોષણ થાય છે પરંતુ નારીનિકેતનમાં તો સ્ત્રીઓનું શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક એમ સર્વ પ્રકારે શોષણ થાય છે.
તેવી જ રીતે સમાજમાં રહેતા ગૃહસ્થ કરતાં તો સાધુ-મુનિઓની હાલત વધારે ખરાબ હોય એવું જણાય છે. એમને ઉપદેશના નામે દબાવી દેવામાં આવે છે. એમનું શારીરિક, માનસિક શોષણ થાય છે. એમના મૌલિક વિચારોને દબાવી દેવામાં આવે છે.
એમના શંકાસ્પદ મૃત્યુને (જેમ પોલીસ કસ્ટડીમાં મોત થાય છે એમ) સંદિગ્ધ આત્મહત્યામાં ખપાવવા માટે જવાબદાર કોણ છે? એમને જાહેરમાં કે કોઈ ગૃહસ્થ આગળ પોતાની વ્યથા વ્યક્ત કરવાની તક કેમ નથી મળતી? સાસરિયામાં એક વહુનો અગ્નિદાહ થાય એવી જ આ ઘટના છે?
સંસાર ત્યાગ કરતા સમયે એમની વિગત જાહેરમાં આપવામાં આવે છે તો પછી તેઓ સંસારમાં પાછા આવે ત્યારે એમની વિગત કેમ નથી અપાતી? સંસાર ત્યાગવાની એમની ઇચ્છા હતી તો પછી સંસારમાં કોની મજબૂરીથી, કોની દાદાગીરીથી કે પછી કોના શોષણથી ડરીને કે પછી કયા કારણથી ફરીથી સંસારમાં આવે છે એ જણાવવાની ફરજ સંસ્થાની નથી?
ઘટના પર કેવળ લીંપાપોતી કરવાથી સત્ય ઢંકાઈ નથી જતું. અનુયાયીઓના મનમાં આ વાત ખટકવી જ જોઈએ અને સંસ્થાઓ પાસે જવાબ માંગવો જ જોઈએ કારણ કે સંસ્થાના કર્તાહર્તા આનો જવાબ આપવા માટે જવાબદાર છે, છે ને છે જ!
માણસે ઇતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે માણસ ઇતિહાસમાંથી કંઈ જ શીખ્યો નથી. પહેલાના સાધુ-સંતો-મુનિઓ નદીના કિનારે, વનવગડામાં કે પછી દુકાનના બાંકડે નિવાસ કરતા, જે મળે એ ખાઈને ભજન કરતા, પગપાળા ચાલતા હતા, ભીક્ષા માંગીને જીવન વ્યતિત કરતા: એના બદલે આજે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે.
આજે એમને ફાઇવસ્ટાર હોટલ જેવા સંતનિવાસ મળે છે અને આરામથી જીવન માણે છે. ખાવાપીવા માટે લેટેસ્ટ વાનગીઓ, પિત્ઝા, પાત્સા વગેરે હોય છે. ફરવા માટે કે લક્ઝરી ગાડીઓ અને પ્લેન હોય છે. બધી જ અત્યાધુનિક સુવિધાઓ હોય છે આ બધું ધર્મના પ્રચાર અને પ્રસારના ઓથા હેઠળ હોય છે અને સમાજને ઉપદેશ આપે છે કે સાદું જીવન જીવો … મોહમાયાનો ત્યાગ કરો… ભગવાનમાં મન લગાડો….
અરે, જાગો ગ્રાહકો જાગો! એમના માટે તમે અનુયાયીઓ નથી પરંતુ એમની જરૂરિયાતો (અય્યાશીઓ) પૂરી કરવાનું એકમાત્ર માધ્યમ છો, સાધન છો. સુજ્ઞેષુ કિં બહૂના?
‘‘છલકે તારી ઝોળી બાવા, રૈયત છે બહુ ભોળી બાવા!’’
ભગવાનના આશ્રિત બનો, ભોળા કે મૂરખ બનવાનું બંધ કરો, સીધો ભગવાન સાથે સંબંધ રાખો અને વચેટિયાઓની મેલી મંથરાવટીને બાળીને ભસ્મ કરો એ જ ધર્મ છે, હવે તો બની બેઠેલા ધર્મના ઠેકેદારો સામે તો યુદ્ધ (બળવો) એ જ કલ્યાણ!
~ પિનાકીન ઠાકર, મુંબઈ
ppinakin1@gmail.com