સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ 11 ~ નીરજા : સ્વપ્નિલ આંખોવાળી છોકરી ~ ડૉ. ભારતી રાજીવ રાણે
(શબ્દો: ૨૬૭૧)
ડૉ. નીરજાના છેલ્લા પ્રકરણની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં સિન્થિયાને સારી એવી તકલીફ પડી. ખૂબ વિચારીને, તથ્યો તારવીને લખવાનું હતું. એક વાત સ્પષ્ટ હતી કે, ડોરોથીની અંગત જિંદગીની વાત એમાં ન આવવી જોઈએ – એવી ટ્રસ્ટીઓની શરત ન પળાઈ, તો આખો એપિસોડ રદ થઈ જાય. અને પ્રેક્ષકોની ઉત્કંઠા સંતોષ્યા વગર બધું જેમતેમ પૂરું કરી દઈએ, તે તો કેમ ચાલે?
મધ્યમમાર્ગ પકડીને ચાલવાનું હતું, અને એમ સાંકડાં ચઢાણ ચડવાનાં હતાં! એ જ હતી એના પત્રકારત્વની અને અંગત સંકલ્પની આકરી કસોટી!
એ નિર્ણાયક રાત, જ્યારે નીરજા સાથેની મુલાકાતે રહસ્યના બધા અંકોડા મેળવી આપેલા, તેના વિશે નહિવત્ વાત કરી શકાવાની હતી! પણ સિન્થિયાના મનમાં એનો કોઈ અફસોસ નહોતો. આજે તો એને માત્ર એટલી જ ચિંતા હતી કે, સ્ક્રિપ્ટ એવી લખાય કે જેથી કાર્યક્રમ હેમખેમ પાર ઊતરી જાય!
સિન્થિયાએ નક્કી કર્યું કે, આખી વાતનું સમાપન પોતે જ કરશે, કે જેથી ડૉ. નીરજાને ટ્રસ્ટ સાથે સંઘર્ષમાં ન ઊતરવું પડે, અને પ્રેક્ષકોના આકરા સવાલોનો સામનો ન કરવો પડે.
*
ત્રણ એપિસોડના અનુભવ પછી નીરજા વાત કરવામાં સહજ બની ગઈ હતી. આજે નીરજાને સિન્થિયાની પૂર્વભૂમિકાની જરૂર નહોતી. પ્રારંભિક સંગીત પ્રસારિત થયા પછી, કેમેરા સીધો જ નીરજા ઉપર સ્થિર કરવામાં આવ્યો. નવરત્ન ભાતના ડબલ ઇકત રેશમી પટોળાંમાં સોહતાં ડૉ. નીરજાએ વાત માંડીઃ
‘નમસ્તે મિત્રો, મારું સપનું સાચું પડ્યું એ સાંજની વાત માંડતાં હું રોમાંચ અનુભવી રહી છું. આમ તો ડોરોથી મારી પેશન્ટ અને મિત્ર જેવી થઈ ગયેલી, એટલે એની સાથે તથા એના વિશે તુંકારાથી વાત કરવી જ સ્વાભાવિક લાગતું હોય છે, પણ આજે ડોરોથીની એવી ઉપલબ્ધિની વાત કરવાની છે કે, એના વિશે માનવાચક શબ્દો વાપર્યા વગર આજની વાત હું કરી શકું તેમ નથી.
અંતે મેં ઝંખેલો દિવસ આવી પહોંચ્યો. દબદબાભર્યા ઝાકઝમાળ સભાખંડમાં એક પ્રકારની શિસ્તબદ્ધ ખામોશી પ્રવર્તી રહી હતી. શાલીન પહેરવેશમાં સજ્જ સ્ત્રી-પુરુષો આવી-આવીને પોત-પોતાનાં નિયત સ્થાન ઉપર ગોઠવાઈ રહ્યાં હતાં. રાજવી કુટુંબ માટેની આરક્ષિત બેઠકો હજી ખાલી હતી.
સ્વયંસેવકો દ્વારા પારિતોષિક જીતનારાં સ્પર્ધકોને અદબપૂર્વક નિયત સ્થાન સુધી દોરી જવાતાં હતાં. આગલી સાંજના રિહર્સલને કારણે ઈનામના વિજેતાઓ આત્મવિશ્વાસ સાથે સભાખંડમાં પ્રવેશી રહ્યાં હતાં. દુનિયા આખીની નજર જેના ઉપર હતી, તે કેમેરાની આંખો સમારંભને ઝીલવા તત્પર હતી.
ડોરોથી તો શાંત-સ્થિર-પ્રસન્ન હતાં, પણ મારું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું! ડોરોથી પાસે લખાવેલું ભાષણ ફરી એક વાર જોઈ જવાની ઈચ્છા થઈ આવી, પણ ત્યારે એવું થઈ શકે તેમ નહોતું. મિનિટોમાં રાજવીકુટુંબ આવીને પોતાનાં સ્થાન ઉપર ગોઠવાયું અને સમારંભ શરૂ થયો.
સ્ટેજ ઉપર બનાવાયેલા ખાસ કક્ષમાં ગોઠવાયેલ ઑરકેસ્ટ્રાએ રાષ્ટ્રગીત વગાડ્યું. આવકાર ઉદ્બોધન અને રાજ્યકર્તાના આશીર્વચનો પછી પારિતોષિકો અર્પણ કરવાનો વિધિ શરૂ થયો.
ઉદ્ઘોષક પ્રત્યેક વિજેતાના કાર્યનો ટૂંકો અહેવાલ આપી રહી હતી. સાહિત્ય-સર્જનની કઈ વિશેષતા બદલ, વિજ્ઞાનની કઈ શોધ બદલ અને ચિકિત્સાશાસ્ત્રની કઈ ઉપલબ્ધિ બદલ પ્રસ્તુત ઈનામ માટે સર્જકની પસંદગી કરવામાં આવી, તેની રૂપરેખા અપાઈ રહી હતી.
ડોરોથીનો વારો આવ્યો ત્યારે કહેવાઈ રહ્યું હતું કે, ‘એમનું કવિત્વમય શૈલિસભર સર્જન માનવજીવનમાં સંવાદિતાને ઉપલક્ષે છે, તથા પ્રેમની ઊંચાઈઓને વ્યક્ત કરે છે. એમનું હૃદયસ્પર્શી સર્જન વાચકને પોતાના મનના અનેક સંઘર્ષોના સમાધાન સુધી લઈ જાય છે, તથા પ્રેમ દ્વારા અંગત જીવનમાં નિર્વ્યાજ શાંતતા અને વિશ્વબંધુત્ત્વ દ્વારા વિશ્વશાંતિભર્યા બહેતર વિશ્વ તરફ આંગળી ચીંધે છે.
એક સ્મૃતિલોપનાં દરદી પાસેથી આટલી ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ મળે છે, એની ખાસ નોંધ લેતાં, એમને આ વર્ષનું સાહિત્યનું સર્વોચ્ચ સન્માન અર્પણ કરવામાં અવૉર્ડ-ટ્રસ્ટ ગૌરવની લાગણી અનુભવે છે.’
અંતે એ ધન્ય ઘડી આવી પહોંચી. મારે ડોરોથીને સ્ટેઇજ ઉપર દોરી જવાનાં હતાં. એમનો હાથ પકડીને હું સ્ટેઇજ ઉપર પહોંચી. તાળીઓના ગડગડાટ અને ફ્લડલાઈટના અજવાળાનાં ઘોડાપૂર વચ્ચે ડોરોથીએ પારિતોષિક સ્વીકાર્ય઼ું, ત્યારે જીવનભર ઝંખેલી કૃતકૃત્યતાનો અનુભવ મને ભાવુક બનાવી રહ્યો હતો.
ડોરોથીને વક્તવ્ય આપવા આમંત્રણ અપાયું, ત્યારે હું પણ મારા જીવનની શ્રેષ્ઠ પળ જીવી રહી હતી. કલ્પિત સંજોગોના ઓઠાં હેઠળ મેં એમની પાસે લખાવેલ સંદેશ ટૂંકો હતો. ‘આ વાંચશો તમે?’ મેં ડોરોથીને ધીમેથી પૂછયું,
ડોરોથીએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. સ્થિતપ્રજ્ઞની જેમ, છતાં પ્રફુલ્લિત ચહેરે મારી બાજુમાં ઊભાં રહ્યાં. નજરથી ઉદ્ઘોષકની સંમતિ મેળવીને મેં વાંચવાનું શરૂ કર્યું. સંદેશમાં લખ્યું હતું:
‘આખરે તો મનુષ્યની ખોજ નિજાનંદભરી શાંતિની હોય છે. મનુષ્ય જીવનના હરએક મુકામ ઉપર પ્રેમને શોધે છે અને પ્રેમ મેળવવા ઝંખે છે, એ વાત ખરી છે; પણ જીવનનું સત્ય એ છે કે, પ્રેમ માગવાથી, યાચવાથી કે ઝંખવાથી મળતો નથી, પ્રેમને તો માત્ર આપી શકાય છે.
ખરેખર તો પ્રેમની એક ઊંચાઈએ પહોંચ્યા પછી મેળવવું કે ગુમાવવું પણ ગૌણ બની જાય છે. એ સ્તર ઉપર મનુષ્ય પોતાના હોવાપણાનો, પોતાની હયાતીનો અર્થ શોધે છે. જીવી જવાનું સ્વત્ત્વ તથા હયાતીનું સત્ત્વ જ્યારે તેને સમજાય છે, ત્યારે તે અક્ષુણ્ણ એકાન્ત અને નિર્લિપ્ત મૌનને નિજાનંદસભર શાંતિમાં ઢળતાં જોઈને પરમ આનંદની અનુભૂતિ કરે છે. વિશ્વમાં સૌ કોઈને નિરંતર નિજાનંદભરી શાંતિ પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના સાથે વિરમું છું.’
સમારંભ પછીના શાહી ભોજનમાં પણ સૌની આંખો સ્મૃતિલોપનાં દરદી ડોરોથી તરફ મંડાયેલી રહી. મને એ ગૌરવ જાણે પોતીકું હોય, તેવો રોમાંચ આપી રહ્યું હતું!
પારિતોષિક અર્પણ કરવાનો કાર્યક્રમ પૂરો થયો, પણ પત્રકારોના પ્રશ્નોની ઝડી વરસતી રહી. હું ખૂબ થાકી ગઈ હતી, છતાં બને તેટલી ધીરજ અને નિષ્ઠાથી જવાબ આપતી રહી. મુસાફરીના અને કાર્યક્રમના સારા એવા શ્રમ પછી પણ ડોરોથીના ચહેરા પર થાક વર્તાતો નહોતો. આજે જે સંતોષ અને આનંદ એમના ચહેરા ઉપર ઝળકતો હતો, તેવો મેં આટલા બધા દિવસોના સંપર્કમાં ક્યારેય જોયો નહોતો.
તેઓ મારી બાજુની ખુરસીમાં શાંત પણ પ્રસન્ન ચહેરા સાથે બેઠાં હતાં. તેમના ચહેરા પર થાકની એક પણ રેખા દેખાતી નહોતી. હું વિચારતી હતી, આસપાસ શું ચાલી રહ્યું છે, એનો તેમને ખ્યાલ આવતો હશે ખરો?
એક-બે પત્રકારોએ ડોરોથીના મોં સામે માઈક ધરીને પ્રશ્ન પૂછવા પ્રયત્ન કર્યો. જવાબમાં તેઓ મટકુંય માર્યા વગર નિશ્ચલ બેઠાં રહયાં. એક હળવું સ્મિત તેમના ચહેરા પર સ્થાન જમાવીને બેઠું હતું. બોલવાની કોઈ ઈચ્છા તેમના ચહેરા પર ન દેખાતાં ટેબલ પર પડેલું માઈક ધીમેકથી મારી સામે ખસેડીને મેં પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
‘એક ડિમેન્શિયાની દરદી આટલું અર્થપૂર્ણ અને ઉત્કૃષ્ટ લેખન શી રીતે કરી શકે? માન્યામાં ન આવે તેવી વાત છે. જરાક સમજાવશો કે, આ શી રીતે શક્ય બન્યું? શું ખરેખર આ બધું એમણે જ લખેલું છે? સમૃતિભ્રંશ થયા પછી?’
કશુંક અનપેક્ષિત બને ત્યારે સંશયનો સામનો તો કરવો જ પડતો હોય છે. મારા ભાગે પણ ડગલે ને પગલે ભારોભાર શંકાનો સામનો કરવાનું આવ્યું. મેં સ્વસ્થતાથી, છલોછલ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો.’
‘મેડિકલ સાયન્સ સામેની એ જ તો મોટામાં મોટી ચેલેન્જ હતી, જેનો સામનો મેં મારી ફરજના એક ભાગ રૂપે કર્યો, તેનું આ પરિણામ છે. તમે એને રોગ ઉપર મનુષ્યત્વનો વિજય કહી શકો. હા, બધું જ એમણે લખેલું છે. તમે જ વિચાર કરો, કોઈ બીજાએ લખેલું હોય, તો તે વ્યક્તિ પોતે આટલા મોટા પારિતોષિકનું શ્રેય કેમ ન લે?’
‘તમારી અને મૅડમ ડોરોથી વચ્ચે શો સંબંધ છે? એક ડૉક્ટરને તેના પેશન્ટ સાથે હોય એટલો જ કે એથી કાંઈ વિશેષ?’’
‘હા, એથી કાંઈક વિશેષ – એ મારો પ્રામાણિક જવાબ હશે. ક્યારેક કોઈ પડકારજનક કેસ ઉપર લાંબા સમયથી કામ કરતાં હોઈએ ત્યારે ડૉક્ટરને પેશન્ટ સાથે સામાન્ય ઔપચારિક સંબંધથી વિશેષ કોઈ માનવીય સંબંધ બંધાઈ જતો હોય છે.
ડોરોથીમૅમ તો સંબંધોથી પર થઈ ગયાં છે, પણ મારા પક્ષે એ સાવ સાચું છે. એમની સારવાર કરતાંકરતાં કેટલીયે વાર મને એવું લાગ્યું છે કે, એમનાંથી અલગ જાણે મારું કોઈ અસ્તિત્વ જ નથી.’’
‘આ કામ માટે શા માટે તમને જ પસંદ કરવામાં આવ્યાં?’’
‘મારા ગુરુ અને ઉપરી એવા પ્રૉ. સૅમને કારણે. એમનો મારા ઉપરનો વિશ્વાસ અને મારા થિસિસના વિષય સ્મૃતિભ્રંશ ઉપરના મારા કામ પ્રત્યેનો એમનો સદ્ ભાવ આને માટે જવાબદાર હોઈ શકે.’’
‘એવૉર્ડ લેવા એમની સાથે આવવા તમને જ શા માટે પસંદ કરવામાં આવ્યાં? ડોરોથીમૅમનું સગું, સ્વજન, મિત્ર એવું કોઈ નહીં, ને કેમ તમે જ?’
આ પ્રશ્ન પૂછવા પાછળ પત્રકારનો ડોરોથીની અંગત જિંદગીમાં ડોકિયું કરવાનો આશય, કહો કે ખણખોદ કરવાનો ઈરાદો સમજી જતાં મેં કહેલું:
‘આ પ્રશ્ન તો તમારે હોમના મેનેજમૅન્ટને અથવા તો ડોરોથીમૅમના ટ્રસ્ટીઓને પૂછવો જોઈએ.’’
‘ડોરોથી મૅમને તમે પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યાં?’ છેક પાછળ બેઠેલી નવયુવાન, નીચી પરંતુ તેજસ્વી દેખાતી પત્રકાર છોકરીનો આમન્યાભર્યા સન્માન સાથે પૂછતો મીઠો અવાજ મારા કાને પડયો. મેં એ છોકરીની સામે જોયું. કદાચ નવીનવી જ આ વ્યવસાયમાં આવી હશે, એટલે એની આંખોમાં હજી કુતૂહલ ડોકાતું હતું. એના વર્તનમાં નફ્ફટાઈ નહીં, સૌજન્ય હતું.
‘સાત વર્ષ પહેલાં, ડૉ. સૅમના કન્સલ્ટિંગ રૂમમાં.’ ટૂંકો જવાબ આપ્યા પછી મેં કહેલું: ‘ડોરોથીમૅમને હવે આરામની જરૂર છે. તેઓ ખૂબ થાકી ગયાં હશે. મને લાગે છે કે, આપ સૌના પ્રશ્નોના મેં સંતોષકારક જવાબો આપી દીધા છે. અત્યારે આ વાર્તાલાપ અહીં જ અટકાવીએ તો આપ સૌની મહેરબાની. ફરી ક્યારેક મળીશું.’
અને ટોળું હૂડહૂડ કરતું વિખરાયું હતું. અમે સ્ટેઇજ પરથી નીચે ઊતર્યાં, ત્યાં જ પેલી છોકરી મારી પાસે સરકી આવી. પોતાનો કાર્ડ મને આપતાં તે બોલીઃ
‘મને ડોરોથીમૅમની વાતોમાં ખૂબ રસ પડયો છે. ખરેખર તો હું તેમનાં વિશે એક પુસ્તક લખવા માગું છું. એમની અથવા તમારી બાયોગ્રાફી! અને એ માટે મારે તમને મળવું છે. અત્યારે તમારો વધારે સમય નહીં લઉ. વિચારીને મને ફોન કરજો. હું તમારા ફોનની રાહ જોઈશ. કહેતીક એ ફરી ટોળામાં સરકી ગઈ.
ડોરોથીએ એની સામે જોયું તો હતું, પરંતુ એ વખતે પણ ડોરોથીનો ચહેરો ભરતીનું મોજું પાછું જાય, ત્યાર પછીના કિનારા જેવો સપાટ, ભાવશૂન્ય હતો.
હોટેલની રૂમ પર આવ્યા પછી પણ મારા મનમાં પેલી છોકરીનો પ્રશ્ન રણકતો રહ્યો. ‘હું પુસ્તક લખવા માગું છું. ડોરોથી મૅડમ ઉપર, અથવા તો તમારા ઉપર!’
મારા ઉપર શા માટે? છેલ્લા કેટલાય સમયથી હું ડોરોથીનો પર્યાય બની ગઈ હતી, મારા અસ્તિત્વ સાથે જડાઈ ગઈ હતી, એ ખરું, પણ એ તો મારા માટે. શું લોકોની નજરમાં પણ મારી કોઈ અલગ ઓળખાણ રહી જ નહોતી? એક અજાણી છોકરી આ વાત શી રીતે જાણતી હશે? મારા મનમાં અનેક પ્રશ્નો ઊભરાઈ રહ્યા હતા.
રાતના દસ વાગ્યા હતા. મેં પેલી છોકરીને ફોન જોડયો.
‘હૅલ્લો સિન્થિયા, ડૉ. નીરજા સ્પિકિંગ.’
‘ઓ, હાય, ડૉક્ટર! મને ખાતરી હતી કે તમારો ફોન આવશે જ, પણ એવી કલ્પના નહોતી કે તમારો ફોન આટલો વહેલો આવશે. તો તમે મને સહકાર આપવા રાજી છો, એમ જ માની લઉંને? ઈન ફૅક્ટ, ડૉક્ટર, મારે આ પ્રોજેક્ટ પૂરો કરવાની ખૂબ ઉતાવળ છે. મેં ઘણુંબધું હોમવર્ક કરી પણ રાખ્યું છે.
ડોરોથીમૅમ વિશે હું કેટલીક એવી વાતો જાણું છું, જેની કદાચ તમને પણ ખબર નહીં હોય. ખરેખર તો મારે મારી સ્ટોરી પ્રાઈઝ એનાયત થયું, તે દિવસના અખબારમાં જ છપાવવી હતી. અરે! ચોપડી પણ તે જ દિવસે પ્રગટ થાય, તેવું ખ્વાબ હતું મારું!
એવું બની શક્યું હોત તો રાતોરાત હજ્જારો નકલ વેચાઈ ગઈ હોત એની. સેન્સેશન ફેલાઈ ગયું હોત ચારેકોર! પણ અફસોસ કે હું ગાડી ચૂકી ગઈ. બોલો ક્યારે મળવું છે આપણે?’ ફરી કશું બોલવાની તક જ ન મળવાની હોય તેવી ઉતાવળમાં, મારો એક પણ શબ્દ સાંભળ્યા પહેલાં, તે એકશ્વાસે આટલું બધું બોલી ગઈ.
મારા કાન ચમકયા. આ છોકરી ડોરોથી વિશે એવું તો શું જાણતી હશે કે જે હું પણ જાણતી નથી? હવે તો મારે તેને મળવું જ પડે. અમારી જ હોટેલની ટ્વેન્ટિફોર અવર્સ કૉફી લાઉન્જમાં મળવાનું નક્કી થયું.
ગણતરીની મિનિટોમાં એ છોકરી મારી સામે હતી. ‘હાય સિન્થીયા, એક ભારતીય છોકરીને અહીં સુધી પહોંચેલી જોઈને આનંદ થયો! ઑનેસ્ટલી, મારા મનમાં ગર્વની લાગણી થાય છે. તું ભારતની કઈ ન્યૂઝ એજન્સી વતી અહીં આવી છે?’ એની સાથે હાથ મિલાવતાં મેં કહેલું.
‘ઓહ, નૉ! હું અમેરિકાથી આવી છું. સાન ફ્રાન્સિસ્કોની બર્કલી યુનિવર્સિટીની સ્કૂલ ઑફ જર્નાલિઝમમાંથી માસ્ટર્સ કર્યા પછી, આ મારું બીજું ફ્રીલાન્સ એસાઈનમૅન્ટ છે. માસ્ટર્સ કરતી વખતે મારા પ્રોફેસર્સ સાથે એક મજાની ડિબેટ થયેલી.
બર્કલીને ગૌરવ છે કે, વિશ્વભરની શ્રેષ્ઠ પ્રતિભાઓ અહીં આવીને એકત્ર થાય છે, અને એ તમામના વિચારોનો પ્રવાહ એક જ તરફ હોય છે, આપણી આ દુનિયાને શી રીતે બહેતર બનાવી શકાય.
બર્કલીનું એ કલ્ચર છે કે, પરંપરાની બહારનું વિચારી શકાય; અને મનમાં ઊઠતો કોઈ પણ પ્રશ્ન, કોઈને પણ પૂછી શકાય. અહીં માત્ર વ્યક્તિની વિચારસરણીનું મહત્વ હોય છે. હોદ્દો, અનુભવ, કે ઉંમર આ પ્રોસેસમાં ક્યાંય વચ્ચે આવતા નથી.
તે દિવસે મારા ગાઈડ કહે, ‘સમાચાર જગતમાં તમારે સતત એવું કાંઈક શોધી કાઢવું પડે, જે દુનિયાને ચોંકાવી દે. લોકમાનસને એક પ્રકારનો આઘાત આપીને જ માસીઝનું એટેન્શન ડ્રૉ કરી શકાય અને લોકોને વિચારવા મજબૂર કરી શકાય.’
આ બાબતમાં મારો વિચાર કાંઈક અલગ હતો. મેં કહ્યું, ‘જે કાંઈ બની રહ્યું હોય, તેનું સપાટી ઉપરના સત્ય તથા તેનાથી સર્જાતા સેન્સેશનથી અલગ એક માનવીય પાસું પણ હોઈ શકે. જો ઘટનાના કોઈ છૂપા રહસ્યને માનવમનના માધ્યમથી ઉકેલવામાં આવે, અને પછી એ વાત સનસનાટીથી વેગળી રીતે રિપોર્ટ કરવામાં આવે, તો પણ તે એકસરખી રીતે, કદાચ વધારે તીવ્રતાથી લોકોને સ્પર્શે, તથા લોકમાનસમાં લાંબા સમય સુધી સચવાઈને વખતો વખત સમાજમાં વિચારતરંગો સર્જ્યા કરે.’
મારા પ્રેફેસર કહે, ‘ચાલ, તારી વાત સાબિત કરવા, અથવા કહે કે, પ્રયોગ દ્વારા વધારે સ્પષ્ટ કરવાની તક આપું છું. વિષય તું પસંદ કરી લે. જો તારી પ્રપોઝલ તું કમિટીના સભ્યોને ગળે ઊતારી શકે તો પ્રજેક્ટને યુનિવર્સિટી દ્વારા ફાયનાન્સ કરાવી શકાશે.’
‘ડોરોથીમૅમના લખાણોથી હું પરિચિત છું. સંજોગવશાત્ એક વાર તેમના અંગતજીવન સાથે મારા તાર અનાયાસ જોડાઈ ગયેલા. ત્યારે તો એ તુચ્છ વાતોનું મારે મન કોઈ મહત્વ નહોતું, પણ જ્યારે આ પ્રેસ્ટિજીયસ પ્રાઈઝ માટે તેમનું નામ નૉમિનેટ થયું, ત્યારે મારા મનમાં ઝબકારો થયો. તે ઘડીથી મૅમ મારા વિચારો પર કબજો લઈ બેઠાં છે.
મેં મનોમન નક્કી કર્ય઼ું કે, મારા પ્રૉફેસરે ફેંકેલા પડકારના જવાબરૂપ ચેલેન્જિંગ પ્રજૅક્ટનો વિષય આ જ હોઈ શકે. કમિટીને આ વાત હું કહી દઉં, તો ઘટનાઓના તળ સુધી જઈ ન શકું, તથા મારે જે સાબિત કરવું છે, તેનો રહસ્યસ્ફોટ થઈ જાય, માટે પૈસા મારા પપ્પા પાસેથી લોન તરીકે લીધા, અને પ્રૉફેસરને કહ્યું કે, મને મારું કામ પૂરું કરી લેવા દો. પછી જો કમિટીને યોગ્ય લાગે, તો પૈસા રિઈમ્બર્સ કરાવી આપજો.
મારે તો ઈનામ જાહેર થાય, તે જ દિવસે મારો રિપોર્ટ બહાર પાડવો હતો, પણ સમ હાઉ, છાનબીન કરતાં મને જે કાંઈ મળ્યું છે, તે પરફૅક્ટ લાગતું નથી. કોઈક કડી ખૂટતી હોય, તેવું સતત લાગ્યા કરે છે. મને ખબર નથી, એ ખૂટતી કડી એટલે શું? માત્ર મારા મનનો અજંપો? કે ખરેખર કોઈ ગોપિત હકીકત?
શું તમે મને એ શોધવા માટે મદદ કરશો? મારી પાસે એટલી બધી માહિતી છે કે, આ વિષયમાં તો એક પુસ્તક લખી શકાય, અરે, એ લખવું જ જોઈએ; પણ એ પહેલાં મારે તમારી મદદ જોઈએ છે. એમ કહી શકું કે મારા માટે એ એક અનિવાર્ય જરૂરિયાત છે.
તમારા પર દબાણ તો ન કરી શકું, પણ તમે મારા આદર્શ તથા ઈરાદાને એપ્રિશિએટ કરશો જ તેવી આશા સાથે મેં તમારો એપ્રોચ કર્યો છે. આપણી પાસે સમય બહુ ઓછો છે. તમારે હમણાં જ નિર્ણય લેવો પડશે. તમે છો મારી સાથે, દુનિયાને બહેતર બનાવવાના સ્વપ્નમાં?’
સ્વપ્નીલ આંખો વાળી એ છોકરી એકીશ્વાસે બોલી રહી હતી. એના મનની સચ્ચાઈ મને સ્પર્શી ગઈ. એના સાફ ઈરાદાની ખાતરી થયા પછી મારાં રિઝર્વેશન્સ દૂર થઈ ગયાં. અમારી વચ્ચે કોઈ દીવાલ ન રહી.
મેં સહૃદયતાથી એને ખભે હાથ મૂક્યો. ‘હું છું તારી સાથે સિન્થીયા, પણ મને એક વચન આપ, તારા પત્રકારત્વની કોઈ લોભામણી સ્વાર્થી ક્ષણે પણ તું તારા આદર્શો પર અટલ રહીશ.
ડોરોથી તો કાંઈ પણ કહી શકે, રિએક્ટ કરી શકે, અથવા વિરોધ કરી શકે તેમ નથી. માટે આપણી એ નૈતિક ફરજ છે કે, આ આખીય વાતમાં અજાણતાં પણ ડોરોથીને કોઈ અન્યાય ન થવો જોઈએ. એની પ્રતિભા ખરડાય, તેવું પાપ આપણાથી થઈ ન જાય, તેની કાળજી લઈ શકશે તું?
આવું વચન કોઈ પત્રકાર પાસેથી માગવું કે પછી એ આપેલું વચન પાળશે જ એવી અપેક્ષા કરવી એ વધારે પડતું કહેવાય, છતાં મારું મન તારામાં વિશ્વાસ મૂકવા માટે હા પાડે છે. હું છું તારી સાથે, જ્યાં સુધી તું મારી શરતને વફાદાર રહી શકે, ત્યાં સુધી!’
સિન્થિયા ભાવુકતાથી મને વળગી પડી. ‘ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું ડૉક્ટર નીરજા, મને સહકાર આપવા બદલ તમારે પસ્તાવું પડે, એવું કાંઈ નહીં બનવા દઉ. ક્યા શબ્દોમાં તમારો આભાર માનું? જીવનમાં ક્યારેય હું તમને નહી ભૂલું.’
ટ્વેન્ટી ફૉર અવર્સ કૉફી લાઉન્જની એક ખૂણાની જગ્યાએ બેઠક જમાવી, અમે બે કડક કૉફી મંગાવી. સિન્થિયાએ વોઈસ રેકોર્ડર ઑન કરી, મારી સામે મૂક્યું. મારી પાસે રેકોર્ડર નહોતું. મને થયું, આખરે સિન્થિયા એક પત્રકાર છે. તેની સાથે જે કાંઈ સંવાદ થાય, તેની સાબિતી સાચવવી જોઈએ.
મેં મારા સેલફોનમાં જોયું. સ્ક્રીન 48 ટકા ચાર્જિંગ બતાવતો હતો. ચાર્જર પર્સમાં જ હતું. બાજુની ભીંતના પ્લગમાં ચાર્જર પ્લગ-ઈન કરી, મેં મારા ફોનનું વોઈસ રેકોર્ડર ઑન કર્ય઼ું. સિન્થિયા આ જોઈને જરાક મલકાઈ, એ જાણી તો ગઈ જ હશે કે, મારો વિશ્વાસ સંપૂર્ણપણે જીતવાનો હજી બાકી હતો.
આજે વિચારું છું તો થાય છે કે, તે દિવસે મારે પળભરમાં નિર્ણય લેવો પડેલો. વાત કરવા માટે પણ એક જ રાત હતી, જે ઝડપથી વીતી રહી હતી. ઉતાવળમાં ન લેવો પડયો હોત, તો શું મેં જુદો નિર્ણય લીધો હોત? ખબર નથી. બટ આય હેવ નો રિગ્રેટ્સ. મા હંમેશા કહેતી, જે થાય, તે સારા માટે! એ ઘડીનું સત્ય તો એ જ હતું કે, દરેક માહિતીને પરસ્પર વહેંચી લેવાની તૈયારી સાથે અમારી વચ્ચે ખરેખરી વાત શરૂ થઈ રહી હતી.
વહાલાં પ્રેક્ષકો, મારી વાત અહીં પૂરી થાય છે. તમારી સાથે વાતો કરવાનો આનંદ હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. આપણી આ મુલાકાત મને હંમેશાં યાદ રહેશે. ડોરોથી વિશે કહેવા જેવું તો ઘણું બાકી છે, પણ મારી અધૂરી મૂકેલી વાત હવે સિન્થિયા પૂરી કરશે. ફરી મળીશું ક્યારેક. ત્યાં સુધી શુભેચ્છાઓ સાથે અલવિદા!’
ડૉ. નીરજા ઉપર ફોકસ થયેલ લાઈટ ઝાંખી થઈ ત્યાં સુધી એમનો હાથ આવજો કહેતો ફરફરતો રહ્યો. સ્ટેઇજની એક તરફ બેઠેલી સિન્થિયા ઉપર લાઈટ કેંદ્રિત કરવામાં આવી.
‘નમસ્તે મિત્રો! મને ખાતરી છે કે, ડૉ. નીરજાની વાતો આપ સૌને ખૂબ ઇન્સ્પાયરિંગ, માફ કરજો, પ્રેરણાદાયક લાગી હશે. આટલો સમય આપીને આપણી સાથે વિગતવાર વાત કરવા બદલ આપણે સૌ એમનાં આભારી રહીશું. મેં માંડેલી વાતના સમાપન માટે આપણે આવતા હપ્તે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. ખુશ રહો! સ્વસ્થ રહો!’
(ક્રમશ:)