માસ્ક (વાર્તા) ~ નીલા સંઘવી

“ધારા મારી બેગ પેક કરી દેને. મારે સિંગાપોર જવાનું છે.’

“અરે હજુ ઘેર આવ્યાને બે દિવસ થયા નથી ને પાછાં બેગબિસ્તરાં બાંધવાના?’

“હા, પણ હવે બેગ બિસ્તરાં બાંધીને દોડાદોડ કરીએ છે એટલે જ તો તમે આટલી સાહ્યબી ભોગવો છો.’

“ધૂળ ને રાખ સાહ્યબી. એકલી સાહ્યબીને શું કરે? સાથ-સંગાથ, સંવાદને પણ જીવનમાં સ્થાન હોવું જોઈએ ને?’

“શું ધારા, અનએજ્યુકેટેડ મહિલાઓ જેવી વાત કરે છે? તું તો ભણેલી ગણેલી છે, સ્માર્ટ છે કાંઈક પ્રવૃત્તિ કરને આપણે પૈસાની ક્યાં કમી છે. કિટી પાર્ટી જોઈન કર, આજકાલ તો કેટલાં મહિલા મંડળ ચાલે છે તે જોઈન કર.’

તારી સાથે તો વાત કરવાનો કોઈ જ અર્થ નથી. કર્યા કર તારો બિઝનેસ.’

“તને ખબર છે વાત કરવાનો કોઈ જ અર્થ નથી. તો શા માટે આર્ગ્યુમેન્ટ કર્યા કરે છે?’ કહીને પરેશ ઘરમાંથી બહાર નીકળી ગયો.

ધારાને બહુ ગુસ્સો આવતો. આ કંઈ માણસ છે? ક્યારેય કોઈ સાથસંગાથ નહીં, સાથે બહાર જવાનું નહીં ને ઘરમાં તો એનો પગ ટકતો જ નથી. પૈસાના ઢગલા પર બેસીને નાચું?

આવા વિચારોમાં અટવાતી ધારા બાલ્કનીમાં કોફીનો કપ લઇને બેઠી. કોફીની ચુસ્કી લેતા લેતા જાણે પોતાની એકલતાને પી રહી.

લતા મંગેશકરના ગીતો વાગી રહ્યા હતા. લતા મંગેશકરના ગીતો સાંભળવાની આ એક જ પ્રવૃત્તિ એવી હતી જે તેની એકલતાને પ્રસન્નતામાં ફેરવી દેતી. એટલે તેનો સવારનો એકાદ કલાક લતાજીના ગીતો સાંભળીને સરસ રીતે પસાર થઈ જતો. પણ પછીના સમયનું શું?

બાળક તેને થયું નહીં. ને બિઝનેસમેન પતિ સદાયે કામમાં વ્યસ્ત. રાતના પણ પાર્ટી કરીને પરેશ મોડેથી જ આવતો. ડ્રીન્ક કરીને આવેલ પરેશ આવતાવેંત ઊંઘી જતો. અને તેની રાહ જોઈને જાગતી રહેલી ધારા સારીયે રાત પડખાં ફેરવ્યા કરતી.

ધારાને ઘણી વાર પરેશ સાથે વાતો કરવાનું મન થતું. પણ તેની પાસે સમયનો હંમેશા અભાવ જ રહેતો. એક પાસે સમય જ સમય અને બીજા પાસે સમયનો સતત અભાવ. કેવી વિચિત્રતા! આમ પતિપત્ની વચ્ચે સંવાદનો સેતુ કદી રચાયો જ નહીં.

વિચારોમાં અટવાયેલી, પોતાની એકલતાને મમળાવતી ધારા બેઠી હતી. ત્યાં જ તેના મોબાઈલની રીંગ વાગી. સ્ક્રીન પર નિશાનું નામ જોઈને ખુશ થઈ ગઈ.

નિશા તેની બહેનપણી, કોલેજકાળમાં બંને ખાસ સાહેલી. બંનેએ કોલેજ બંક કરીને ઘણી ફિલ્મો સાથે જોઈ હતી. નિશા એટલી ચુલબુલી કે એની સાથે બધાંને મજા આવે.

ધારા આમ તો પહેલેથી જ થોડી ધીરગંભીર પણ તેને નિશા સાથે બહુ ફાવે. નિશાના તોફાન મસ્તી તે જોતી રહે અને ખુશ થાય. તે ભલે નિશાના તોફાન સાથે જોડાય નહીં પણ તે જે કરે તેમાં એની જાણે મૂક સંમતિ હોય.

આજે લગભગ છએક મહિના પછી નિશાનો ફોન હતો. તે થોડો સમય કામ માટે કેનેડા ગઈ હતી. ઓહ વેરી નાઈસ. આજે જ જ્યારે તે લો ફીલ કરી રહી હતી ત્યારે જ આ મસ્તીખોર જિંદગીને જિંદાદિલીથી જીવતી સખીનો ફોન આવ્યો ને ધારાના બત્રીસેય કોઠે દીવા થઈ ગયા.

“હાય, હલ્લો.’ થોડી વાર પહેલાનો મનનો વિષાદ ખંખેરીને ચહેકતા સ્વરે ધારા બોલી.

“યસ માય ડીયર ધારા. વોટ આર યુ ડુઈંગ?”

“અરે યાર નિશુ તું તો જાણે મારું જીવન. હું ને લતાજીના ગીતો. એ સિવાય મારા જીવનમાં કશું જ નવું નથી.’ ઉદાસ સ્વરે ધારાએ કહ્યું.

“ચલ, દીવેલ પીધેલ જેવા ચહેરાને વાઈન પીધેલ જેવા ચહેરામાં ફેરવી નાખ હું પાછી આવી ગઈ છું કેનેડાથી, અને હવે તારા શહેર મુંબઈમાં જ રહેવાની છું.”

“ઓહ, ધેટ્સ ગ્રેટ ન્યૂઝ. તું અહીં હશે તો મને સારું લાગશે.’

“તો કાલે આવું છું મળવા ધારા.’

“મોસ્ટ વેલકમ. તારી રાહ જોઈશ.’

ધારાને સારું લાગ્યું હવે જીવનમાં કાંઈક જીવંતતા આવશે. નિશા મુંબઈમાં જ છે તો કંપની મળશે. અને બીજે દિવસે નિશા આવી.

નિશા ધારાની એકેએક વાત જાણતી હતી. પતિ સાથેની વિસંવાદિતા, પૈસાના ઢગલા બધી… બધી જ વાત તેને ખબર હતી. તેણે ધારાને કહ્યું, “ધારા જો હવે તારી એકલતા ખાલીપો એવાં બધાં રોદણાં રડવાનું બંધ કર. અમારું એક ગ્રુપ છે જેમાં અમે બધી મહિલાઓ ભેગી મળીને એન્જોય કરીએ છે. તું અમારી સાથે જોઈન થઈ જા.’

“ખબર નહીં નિશા, પણ મને નહીં ફાવે. વર્ષોથી આ એકદંડિયા મહેલમાં રહેતા રહેતા કોન્ફીડન્સ ગુમાવી ચુકી છું.’

“અરે, હું છું ને તારી બેસ્ટ ફ્રેન્ડ તારી સાથે. ચિંતા નહીં કર., મજા આવશે.’

અને ખરેખર એવું જ થયું. ધારાને નિશાના ગ્રુપ સાથે મજા આવવા લાગી. પિક્ચર, પાર્ટી, પિકનિક ઘણું બધું ચાલતું આ હાઈ સોસાયટીની મહિલાઓ સાથે.

ધારા હવે બધાં સાથે ભળી ગઈ હતી. તે હવે પરેશ સાથે કોઈ ચર્ચામાં – વાદવિવાદમાં ઊતરતી નહીં. અને પરેશ તો હતો જ મસ્ત પોતાના વ્યવસાયમાં અને પાર્ટીઓમાં. જીવન સારી રીતે ચાલે છે. એવું લાગવા માંડયું. ધારા-પરેશ બંનેને.

ધારાના ગ્રુપનો હવે જે કાર્યક્રમ હતો તે એક અનોખો કાર્યક્રમ છે એવું નિશાએ ધારાને કહેલું. ધારા આ અનોખો કાર્યક્રમ શું છે તે જાણવા અને માણવા ઉત્સુક હતી.

એ દિવસે સાંજના સાત વાગ્યા પછી એક જાણીતા ફાઇવસ્ટાર રીસોર્ટમાં મુંબઈની બહાર કાર્યક્રમનું આયોજન હતું. નિશાએ કહ્યું હતું. ખાણીપીણી અને મોજમજા, ધારા તો એકદમ એકસાઈટેડ.

રીસોર્ટમાં બધાં ભેગાં મળ્યાં. નિશાએ ધારાને કહ્યું આપણું વિમેન્સ ગ્રુપ છે તેવું એક મેન્સ ગ્રુપ પણ આપણી સાથે આજે જોડાયું છે. કાર્યક્રમની શરૂઆત થઈ. હોલમાં અંધારું હતું. ફકત આછો ઉજાસ હતો. કોઈના ચહેરા સ્પષ્ટ જોઈ શકાતા ન હતા. અને અનાઉન્સમેન્ટ થયું.

હોલની વચ્ચે રાખેલા ટેબલ પર ઘણાં બધાં માસ્ક રાખેલાં છે. દરેક વ્યક્તિએ એક એક માસ્ક પહેરી લેવો. બધાએ તેમ કર્ય઼ું. ધારાએ પણ. ત્યારબાદ જમણ અને પછી ડાન્સનો કાર્યક્રમ હતો.

ધારા અને નિશાએ બધાં સાથે ડાન્સ પણ કર્યો. તેમાં પેલા પુરુષ ગ્રુપનાં સભ્યો પણ હતા. લાઉડ મ્યુઝિક સાથે ડાન્સ અને ડ્રીન્કનો નશો છવાતો ગયો, રાત મદહોશ બની.

વારા ફરતી પુરુષો અલગ અલગ સ્રીઓ સાથે ડાન્સ કરતા હતા. ધારા એક પુરુષ પાસેથી બીજા પુરુષ પાસે ફંગોળાઈ રહી હતી. ધારાને આ બધું ન ગમ્યું. મોકો મળતા તે જરા સાઈડમાં થઈ ગઈ. તેને બધું કાંઈક અણગમતું લાગતું હતું. તેને થયું ઘેર ચાલી જાવ. પણ પછી વિચાર પણ આવ્યો કે ઘેર જતાં પહેલાં મારે નિશાને ઇન્ફોર્મ કરી દેવું જોઈએ. નહીં તો એ મને શોધશે. તેણે નિશાને ફોન કરીને કહ્યું, “હું જાવ છું. નિશા. બાય.’

“ક્યાં છે તું? ઊભી રે હું આવું છું.’ નિશાએ કહ્યું.

“અહીં રિસેપ્શન પાસે છું.’ ધારાએ કહ્યું.

“ત્યાં જ ઊભી રહે. આવું છું. ઓ… કે…’

નિશા ધારા પાસે આવીને બોલી, “શું તકલીફ છે તને? આટલી સરસ પાર્ટી ચાલી રહી છે.’

“ના, ના, નિશા મને આવું નહીં ફાવે. આ પુરુષો ડાન્સ કરતા કરતા ગમે ત્યાં હાથ લગાડે છે.’

“તો શું થઈ ગયું? એની મજા લેવાની.’

“ના, નિશા મને ન ગમે.’

“ધારા ડોન્ટ બી સો ઓર્થોડોક્સ બી, પ્રેક્ટીકલ. તને ક્યારેય વ્યવસ્થિતપણે પરેશનો સાથ મળ્યો છે? નહીં ને? તો પછી મજા કરને યાર.’ કહીને નિશા ધારાને ફરીથી ડાન્સ ફલોર પર ખેંચી ગઈ.

મ્યુઝિક અને નશાના તોરમાં બધાં બેફામ નાચતા હતા. ડાન્સ ફલોર પરથી લોકો ઓછા થવા લાગ્યા. પુરુષો સ્રીનો હાથ પકડીને હોટેલના રૂમ તરફ જઈ રહ્યા હતા.

ધારાની સાથે પાંચ મિનિટ પહેલા જ એક પુરુષે ડાન્સ કરવાનું શરૂ કર્ય઼ું. ધારાને ડાન્સની મજા આવતી હતી. પણ પેલા પુરુષના હાથ તેના ખભા પરથી ખસીને નીચે તરફ ગતિ કરી રહ્યા હતા.

એ પુરુષે એક હાથ ધારાની કમ્મરમાં ફરતે વીંટાળ્યો અને બીજો હાથ ખભા પરને ગરદનથી નીચે તરફ જવા લાગ્યો. તેનો હાથ તેણે પહેરલા ડ્રેસની અંદર સરક્યો અને જેવો એ હાથ ધારાની છાતી પર દબાયો કે ધારાએ ચીસ પાડી, વોટ આર યુ ડુઈંગ? અને પેલા પુરુષનો હાથ ખેંચીને ઝાટકી કાઢયો.

પેલા પુરુષે કહ્યું, “સ્વીટી વાય આર યુ ગેટિંગ એગ્રી? તું એટલી સુંદર છે કે તને કોઈ એક વાર જોઈ લે અને સ્પર્શ કરી લે તો એ શું કહે ખબર છે? કહે “ઉઉલાલા!’ તને મજા કરાવીશ.’

“મજા માય ફૂટ, ગેટ લોસ્ટ.’ કહીને ધારાએ ચહેરા પરથી માસ્ક ખેંચી કાઢયું. સાથે સાથે પેલા પુરુષનું માસ્ક ખેંચીને તેને તમાચો મારવા હાથ ઉગામ્યો.

બંનેએ એકબીજાને જોયા અને પરેશ અવાચક થઈને જોઈ રહ્યો. તે માંડ માંડ બોલી શક્યો. “ધારા ? ધારા… તું?’

neela.sanghvi@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. સમાજની સળગતી સમસ્યાને સરસ વાચા આપી.. સુંદર આલેખન