ડંખ ~ માના વ્યાસ, મુંબઈ

અર્જિતા પોતાની સીટ પરથી ઊભી થઈ. છેલ્લું વિરાર સ્ટેશન આવવાની જાહેરાત થતી હતી. લેડીઝ ડબ્બામાં સખત ભીડ હતી. અહીં ટ્રેન ખાલી થવાની હોવાથી ઘણીવાર ઊભાં રહેતાં પણ ઉતરવા માટે ધક્કામુક્કી થતી જ રહે. બધાને બસ દોડવું જ હોય.

“હાય અજુ, કેમ છે?” એક જાણીતો અવાજ કાન પર પડ્યો.

અર્જિતાએ નજર ઊંચી કરી ઉપર જોયું તો સામે વાણી હતી — એની મામાની દીકરી.

“હાય, બેના, કેમ છે?” કહી અર્જિતા ભીડ ચીરીને જ્યાં વાણી ઊભી હતી ત્યાં આવી.

“કેટલાં દિવસે મળી!” વાણીએ અર્જિતાને વહાલ કરતાં કહ્યું.

“હા, આજકાલ ઑફિસમાં જરા મોડું થઈ જાય છે.” અર્જિતાએ નાકનું ટીચકું ચડાવતા કહ્યું.

“હા રે… શરૂઆતમાં સારી છાપ પાડવા એક્સ્ટ્રા કામ કરવું જ પડે. આજકાલ બહુ ચમકે છે ને? સરસ ડ્રેસ છે. કોઈ ખાસ જણ?”

અર્જિતા શરમાવું રોકી શકી નહીં.

“ઓકે… સમજી… મને પણ મળાવજે કોઈ વાર,” કહી વાણીએ ધબ્બો માર્યો. “અરે, તારી બર્થડે આવે છે ને?”

“યસ, તમે બધાં ઘરે આવજો. હું મેક્સિકન બનાવીશ.”

“ઓકે… ગુજરાતી મેક્સિકન!” બંને હસી પડ્યાં.

હજુ તો ગાડી માંડ ઊભી રહી કે મધપૂડામાંથી માખીઓ ઊડે એમ સ્ત્રીઓ બહાર નીકળવા લાગી. એક ધક્કો આવતાં અર્જિતા બહાર નીકળી ગઈ અને પોતાને સંભાળે એ પહેલાં તો સામેથી એક માણસ એની છાતી સાથે ઘસાઈને ચાલ્યો ગયો.

“એ એ… નાલાયક!” એનાં મોંમાંથી નીકળી ગયું. એણે ભીડ ચીરીને જોયું તો ઉતાવળે ચાલતો પાછળથી સામાન્ય બાંધાનો માણસ લાગતો હતો. એણે ગ્રીન ચેક્સવાળું શર્ટ પહેર્યું હતું. એ ભીડમાં ઓગળી ગયો.

અર્જિતા હતપ્રભ થઈ ઊભી રહી ગઈ. એનું મન એકદમ લાચારી, ગુસ્સો અને ખિન્નતાથી ભરાઈ ગયું. એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.

“શું થયું અજુ?”

“પેલો… પેલો એકદમ અડીને ગયો.”

“સા… સાવ ફ્રસ્ટ્રેટેડ, વિકૃત માનસવાળા, સાયકો… છોડ, બીજી વાર હવે બેગ આગળ રાખીને ઉતરજે. ચાલ, હું જાઉં છું. ટેક કેર.” કહી વાણી જતી રહી.

અર્જિતા ધીમે ડગલે સાઇડમાં આવી. રહી-રહીને એને એ અણગમતો સ્પર્શ યાદ આવતો હતો. એણે એ કટુ અનુભવમાંથી બહાર આવવાની કોશિશ કરી. એની નજર કોઈને શોધી રહી હતી. હજારોની મેદનીમાં પણ તમારી આંખ મનગમતો ચહેરો શોધી લેતી હોય છે. એણે હાથ ઊંચો કરી હલાવ્યો.

સામેથી ઝડપી ચાલતો, સ્ફૂર્તિવાન સામાન્ય બાંધાનો યુવાન આવી રહ્યો હતો. અર્જિતાનાં હાથનો ઇશારો એના મુખ પર સરસ સ્મિત લઈ આવ્યો. એ પણ સીધો ઑફિસથી આવ્યો લાગતો હતો, કારણ કે બેગનો સ્ટ્રેપ એના ખભા પર ક્રોસમાં પહેરેલો હતો. આખા દિવસનાં કામ પછી પણ એ તાજગીભર્યો લાગતો હતો. એના ઘટ્ટ ઘેરા કાળા વાળ વ્યવસ્થિત ગોઠવાયેલા હતાં — જાણે હમણાં જ તૈયાર થઈ ઑફિસે જવાનું હોય. શાલીન વિરાર સ્ટેશન પર અર્જિતાને લેવા આવ્યો હતો.

“હાય,” અર્જિતા પાસે આવી બોલ્યો. બોલતાં એનાં હોઠ અને આંખો બંને હસુ-હસુ થઈ રહ્યાં હતાં. એનાં અણુઅણુ અર્જિતાને જોઈ પુલકિત થઈ ઊઠ્યા હતા. ક્યાંક એનાથી અર્જિતાને ભેટી ન પડાય એની તકેદારીરૂપે એણે બેગનો સ્ટ્રેપ કસીને પકડી રાખ્યો હતો.

“હાય, શાલીન.” એણે ખુશ થવાનો સબળ પ્રયાસ કર્યો, પણ હજુ એ અભદ્ર સ્પર્શની પીડા મુખ પર અંકાઈ ગઈ હતી.

“આજે સખત ભીડ છે.” એણે સામાન્ય થવાના પ્રયાસરૂપે વાતચીતનો પ્રારંભ કર્યો.

“હા, પણ આનાં પછી સીધી સાડા છ વાગ્યે ટ્રેન છે અને એ તો હજુ ભરેલી હોય છે,” શાલીને કહ્યું.

બંને સ્ટેશનની બહાર આવ્યાં. શાલીને પાર્કિંગ લોટમાં બાઈક પાર્ક કરી હતી. ચાલુ કરી એ રાહ જોતો ઊભો રહ્યો. બે સેકન્ડ અર્જિતા વિચાર કરતી રહી. પાછળ બેસવાનો અર્થ એટલે… કોઈ જોશે તો?

શાલીને અર્જિતા તરફ પ્રશ્નાર્થ દૃષ્ટિએ જોયું અને સીટ પર થોડો આગળ ખસી ગયો. અર્જિતા પાછળ બેસી ગઈ.

સ્ટેશનથી પશ્ચિમ તરફ જતાં હવે ભીડ ઓછી થતી ગઈ. આમ પણ વિરારમાં બહુમાળી બિલ્ડિંગો ઓછી છે એટલે આકાશ વધુ ખુલ્લું દેખાય. નાનાં ઘરોની ચોતરફ બનાવેલાં ગાર્ડનમાં કેળ, પપૈયા અને ફૂલોથી લચી પડતાં છોડ દેખાતાં હતાં. વચ્ચે વચ્ચે હરિયાળાં ખેતરો આવતાં રહેતાં હતાં. આ તરફ હવા ઓછી પ્રદૂષિત હતી.

વીસ મિનિટ પછી બંને રાજોડી બીચ પર આવી ગયાં. સૂરજ કોઈ નિવૃત્ત થતા સરકારી અધિકારીની જેમ ગરમી ગુમાવતો ઢળતો જતો હતો.

શાલીને બાઈક પાર્ક કરી અને બંને બીચ પર આવી ગયાં. ઝીણી કાળી મખમલી રેતી પર ચાલતાં બંને થોડે દૂર આવી ગયાં. બીચ પર થોડાં લોકો હતાં. ફોટો અને સેલ્ફી લેવા માટે સરસ મંડપ જેવું બનાવેલું હતું.

“હું આવ્યો ત્યારે તું અપસેટ લાગતી હતી. ઑલ વેલ?” શાલીને હળવેથી પૂછ્યું.

અર્જિતા થોડીવાર કહેવું કે ન કહેવું એ વિમાસણમાં ચાલતી રહી. ફરીથી એ ઝેરી સ્પર્શનો ડંખ એને વિચલિત કરી ગયો. સ્હેજ મંદ સ્વરમાં એણે શાલીનને આજનો અનુભવ કહ્યો.

“ઓહ ગૉડ, ટેરિબલ! તે એને પકડ્યો કેમ નહીં? ઝૂડી નાખવો તો!” શાલીન અકળાઈને બોલી ઊઠ્યો.

“કેટલી ભીડ હતી. ધક્કામુક્કીમાં એ ક્યાંય નીકળી ગયો,” અર્જિતા બોલી.

“કેવા હેવાન હોય છે! રાસ્કલ્સ!”

“ઘણીવાર તો કહીએ તો સામે ગળે પડે — ‘અરે મેંને ક્યા કિયા હૈ? આપકો ગલતફહમી હુઈ હૈ.’ હવે આની સાબિતી પણ શું આપવી?” અર્જિતાનાં અવાજમાં રોષ ભળી ગયો.

“અમારી ઑફિસમાં સ્વાતિ છે ને? એને એક ઑફિસનો માણસ લિફ્ટમાં આ રીતે એક-બે વાર જાણીજોઈને અડતો હતો. સ્વાતિએ તો બરાબરનો ખંખેરી કાઢેલો અને બૉસ પાસે લઈ ગયેલી,” શાલીને કહ્યું.

“હં… બરાબર છે, સારું કર્યું.”

બંને વાતો કરતાં રહ્યાં. કોઈ પ્રેમની રસમય વાતો ન થવાથી નિરાશ થયેલો સૂરજ આખરે દરિયાનાં પાણીમાં ડૂબી ગયો.

હવે લગભગ અઠવાડિયામાં બે-ત્રણ વાર મળવાનું થતું રહેતું. રાજોડી બીચની રેતી અને સૂરજ ધીમે ધીમે ઉઘડતા કમળની પાંખડીઓની જેમ વિકસતા પ્રેમનાં મૂક સાક્ષી બની રહ્યાં.

અર્જિતાએ ખાસ નોંધ્યું કે શાલીન ક્યારેય અછડતો સ્પર્શ કે અડકવાની ચેષ્ટા કરતો નહીં. ભલે સાથે બેઠો હોય, પણ સ્હેજ અંતર રાખીને. કોઈ વાર હવાથી અર્જિતાનો દુપટ્ટો ઉડતો આવી અડી જાય તો બે સેકન્ડ હાથમાં પકડી છોડી દેતો. બાઈક ચલાવતા હંમેશાં તકેદારી રાખતો કે જોરથી બ્રેક મારવી ન પડે.

“શાલીન, કાલે મારી મમ્મીને મળીને કેવું લાગ્યું?”

“બહુ જ સરસ. કેટલી સુંદર અને સરળ છે તારી મમ્મી! એમનો મારે માટે શું અભિપ્રાય છે?”

“અરે, તું તો એને ખૂબ ગમી ગયો છે. મને લાગે છે ક્યાંક એ મારા કરતાં તને વધારે ચાહવા લાગશે કે શું? શાલીન, મારી મમ્મી સિંગલ મોમ છે. ખૂબ કષ્ટ વેઠીને એણે મને મોટી કરી છે. પપ્પા એક્સિડન્ટમાં ગુજરી ગયા ત્યારે હું ફક્ત દસ વર્ષની હતી અને એ આડત્રીસ વર્ષની. એ પોતાનાં બધાં અરમાનો હૃદયમાં ભંડારી દઈ ફક્ત મારી ખુશી માટે એકલી જીવ્યે જાય છે. હું એક વાતની ચોખવટ કરી લેવા માગું છું — જીવનભર મારે એની કાળજી લેવી જ પડશે.” અર્જિતા દૃઢતાથી બોલી ગઈ.

“ઓફ કોર્સ અજુ, ‘તારે’ નહીં, ‘આપણે’ કહે. કાળજી અને પ્રેમ તો હું પણ મારાં માતાપિતા પાસે શીખ્યો છું.

અજુ, મારી મમ્મી ટીચર હતી અને ટ્યુશન પણ કરતી હતી. રોજ સવારે રસોઈ કરી સાડા છની બોરીવલી ટ્રેન પકડી જતી. સાંજે ઘરે આવી રસોઈ બનાવે અને ટ્યુશન પણ કરતી. અથાગ મહેનત કરતાં મેં એને જોઈ છે, પણ…”

શાલીનની આંખો દરિયાની પાર ક્ષિતિજમાં તાકી રહી.

“પછી શું થયું?”

“એક દિવસ ટ્રેનમાંથી ઉતરતાં પગ લપસી ગયો અને પડી ગઈ. એની ઉપર બીજી સ્ત્રીઓ પડી અને એની કરોડરજ્જુ પર ગંભીર માર લાગ્યો. લગભગ બે મહિના હોસ્પિટલમાં હતી. પાંચ નાનાં-મોટાં ઑપરેશન થયાં હતાં. સતત ઊંધા સૂઈ રહેવું પડતું. હું ત્યારે બારમા ધોરણમાં હતો. એને એની તબિયત કરતાં મારા ભણતરની ચિંતા હતી. હોસ્પિટલનાં બિછાનેથી સતત એ મારાં ક્લાસિસ અને પરીક્ષા વિશે પૂછ્યા કરતી.”

પીડાએ શાલીનનાં સોહામણાં મુખને મ્લાન કરી દીધું.

અર્જિતાએ હળવેથી શાલીનની હથેળી પોતાનાં હાથમાં લઈ પંપાળી.

“એણે નોકરી છોડવી પડી. મેં એનાં ટ્યુશન ચાલુ રાખ્યાં અને પપ્પાએ નોકરી સાથે ઘર સંભાળ્યું. અજુ, મારા પપ્પાએ ક્યારેય એક પાપડ શેક્યો નહોતો, એમણે રસોઈ બનાવતાં શીખ્યું.

પપ્પાએ બેંકનું પ્રમોશન છોડી વિરારની જ બ્રાન્ચમાં રહેવાનું પસંદ કર્યું જેથી અપડાઉનમાં સમય ન જાય. વારંવાર મમ્મીને ડૉક્ટર પાસે લઈ જવાથી માંડીને દવા, મસાજ વગેરે પણ કરતા. ઘરમાં હોસ્પિટલ જેવો બેડ, વ્હીલચેર પણ લાવવી પડી હતી. ઘણીવાર મમ્મી પીડા અને હતાશામાં બૂમો પાડી દેતી. મોત માંગતી, વસ્તુઓ ફેંકી દેતી. કોઈ વાર તો ભૂખ હડતાળ પર ઊતરી જતી. પપ્પા શાંતિથી સંભાળી લેતાં.

મને ખબર નથી પપ્પા ક્યાંથી આટલી શક્તિ અને સહનશીલતા લાવતા હતા.

આજે પણ મમ્મી થોડીવાર જ બેસી શકે છે, પણ પપ્પા એની ખૂબ જ કાળજી લે છે. મેં એમની વચ્ચે જે પ્રેમ અને સમજદારી જોઈ છે એવી બધે નથી જોઈ. મારા પપ્પા જ મારો આદર્શ છે.”

“અજુ, એ તો સારું હતું કે મમ્મીએ બચત કરીને બાજુનો ફ્લેટ ખરીદી રાખેલો. એ ભાડે આપેલો એટલે પૈસાની વ્યવસ્થા થઈ જતી. અમારા પાડોશીઓ પણ ખૂબ સારાં હતાં. નિવૃત્ત પતિ-પત્ની હતાં. એમનાં છોકરાઓ અમેરિકા સેટલ થયેલાં એટલે અમારી સાથે હળીમળી રહેતાં. કેવા કપરા દિવસો હતાં, છતાં અમે શાંતિથી એ સમય પસાર કરી શક્યાં.”

ક્યાંય સુધી બંને ચૂપચાપ બેસી રહ્યાં.

પેલા બનાવ પછી અર્જિતા વહેલી ટ્રેનમાં નીકળી આવતી હતી, પરંતુ આજે મોડું થઈ ગયું. ઘણાં દિવસ થયા એટલે હવે ડંખ થોડો હળવો પણ થયો હતો.

વિરાર આવવાની તૈયારીમાં હતું. ટ્રેન ઊભી રહી ને પાણીનાં ધોધની જેમ લેડીઝ ડબ્બામાંથી સ્ત્રીઓ બહાર નીકળી. અર્જિતા નીચે ઊતરી અને પાછળથી જોરમાં ચીસ સંભળાઈ. ધક્કામુક્કીમાં એ ઊભી રહી. પાછળ એક ભરાવદાર છોકરી મરાઠીમાં અપશબ્દો બોલતી હતી. કોઈએ…

અર્જિતા એકદમ ધસી ગઈ. બે-ત્રણ છોકરીઓ પણ “પકડો, પકડો!” કરવા માંડી, પણ એ વધુ ચપળ નીકળ્યો. હાથમાં ન આવ્યો.

અર્જિતાએ છોકરીને વ્યક્તિના દેખાવ વિશે પૂછ્યું તો એ જ — સામાન્ય દેખાવનો માણસ અને જાડી ફ્રેમનાં ચશ્માં હતાં એમ કહ્યું.

થોડીવાર પછી બધાં પોલીસ, એનજીઓ વગેરે સલાહ આપીને વિખરાઈ ગયાં. અહીં કોઈ પાસે બે મિનિટ કોઈને મદદરૂપ થવાનો પણ સમય નથી.

અર્જિતાનો ડંખ ફરી તાજો થઈ ગયો. એ ગમગીન થઈ ગઈ. એને પેલી છોકરીને કહેવું હતું કે એ નરાધમે મારી સાથે પણ એવું કર્યું હતું. ચાલ, એને પાતાળમાંથી શોધીને સજા આપીએ!

એ અત્યંત દુખી થઈ ગઈ.

અર્જિતા આતુરતાપૂર્વક શાલીનની રાહ જોવા લાગી. કોઈનો ખભો દુઃખ ઠાલવવા માટે જોઈએતો હતો. બસ, આજે એને શાલીન સાથે બેસી એને જકડીને બેસવું હતું. કદાચ શાલીનનો મૃદુ સ્પર્શ એને શાતા આપે.

એણે ફરી નજર આમતેમ ફેરવી અનેક ચહેરાઓ વચ્ચે એ મનગમતા સોહામણા ચહેરાને શોધવા. એ સ્તબ્ધ થઈ એ દિશામાં જોતી રહી.

સામેથી ઉતાવળે ચાલતો શાલીન આવી રહ્યો હતો. સ્વાભાવિક રીતે એનાં પગલાંમાં અર્જિતાને મળવાની ઉતાવળ વર્તાતી હતી. આજે પણ એ એટલો જ તાજગીભર્યો, ફ્રેશ અને સ્ફૂર્તિવાન દેખાઈ રહ્યો હતો.

અર્જિતા વિસ્ફારિત નેત્રે એને જોઈ રહી હતી. શાલીને આવીને “હાય” કહ્યું, છતાં એણે જવાબ ન આપ્યો. એની નજર શાલીને પહેરેલા ગ્રીન ચેક્સવાળા શર્ટ પર ચોંટેલી હતી.

“અજુ, શું જુએ છે? કેમ ગભરાયેલી લાગે છે? કંઈ થયું? આર યુ ઓકે?”

અર્જિતા ચૂપ હતી.

“કંઈ તો બોલ? શું થયું? ફરી પાછો એ અનુભવ…?” એણે અર્જિતાનો ખભો થપથપાવ્યો.

“હા, ફરી પાછો. પણ મને નહીં. એક નાની છોકરીને. શાલીન, સોરી, આજે હું ઘરે જાઉં છું. મારું માથું સખત દુખે છે. કાલે મળીશ.” કહી ઝટપટ નીકળી ગઈ.

“અરે, એક મિનિટ… અજુ, ઊભી રહે. હું મૂકી જાઉં?”

“ના ના… હું જાઉં છું.”

ઘરે જવાને બદલે અર્જિતાએ વાણીને ફોન કર્યો.

થોડીવાર પછી એ મામાને ત્યાં ગઈ.

આજે તો મામીને પણ ખાલી “કેમ છો?” કહી સીધી વાણી પાસે એનાં રૂમમાં પહોંચી ગઈ અને બારણું બરાબર વાસી દીધું.

“વાણી, મને લાગે છે કે પેલો નરાધમ સ્ટોકર… હં… શાલીન તો નહીં હોય ને?”

“તને કેવી રીતે ખબર?”

“અરે, એ જ ગ્રીન ચેક્સવાળું શર્ટ પહેરી આવ્યો હતો.” રડમસ અવાજે અર્જિતા બોલી.

“એવાં સરખાં શર્ટ તો બધાં પાસે હોય.”

“બાંધો પણ એવો જ છે. ચશ્માં તો કાઢી નાખી શકે.”

“ખબર નહીં અજુ, પણ મારું મન નથી માનતું,” વાણી નિખાલસતાથી બોલી.

“વાણી, હમણાં મમ્મીને કંઈ નથી કહેવું. નાહકની ટેન્શન કરશે. એને તો શાલીન ખૂબ જ ગમે છે.”

“એક કામ કર અજુ… આ મારી પાસે એક સોયો છે. બંને છેડા અણીદાર છે. કોઈ રીતે જો પેલો માણસ આસપાસ હોય ત્યારે હાથ પર વાગાડી દે જે. પછી કોણ છે એ ખબર પડશે.”

“ઓકે, વાણી.”

આમ જ થોડા દિવસ જતાં રહ્યાં. કોઈ બહાને એ શાલીનને મળવાનું ટાળતી. એકાદ વાર મળતી તો પણ શંકાથી ઉલટતપાસ કર્યા કરતી.

શાલીન પણ આ ફેરફાર અનુભવતો. એણે તારણ કાઢ્યું કે અર્જિતાને હવે લગ્નની ઉતાવળ થઈ છે. એને લાગે છે કે હું ટાઈમપાસ કરું છું. કેવી રીતે મનાવવી!

“હાય અજુ, શું કરે છે?” શાલીને ઑફિસમાં બ્રેક ટાઈમમાં અર્જિતાને ફોન કરી પૂછ્યું.

“બસ, લંચ ટાઈમ.”

“કાલે સાંજે ઘરે આવશે? મારાં પપ્પા-મમ્મી તને મળવા માગે છે.” એનો અવાજ તદ્દન નિર્દોષ લાગી રહ્યો હતો. આ કેટલો સીધો-સરળ લાગે છે! ભગવાન કરે ને એવો જ હોય.

“ઓકે, કાલે ચોક્કસ. મારે પણ મળવું છે.”

અર્જિતાએ તરત જ હા પાડી એટલે શાલીનને એનું તારણ સાચું લાગ્યું.

બીજે દિવસે અર્જિતાએ બોરીવલીથી વિરારની ટ્રેન પકડી. શાલીને આજે રજા લીધી હતી. એ ફક્ત અર્જિતાને લેવા પ્લેટફોર્મ પર આવવાનો હતો.

વિરાર આવતાં જ અગણિત મુસાફરો ટોપલામાંથી વેરાતાં ધાનની માફક પ્લેટફોર્મ પર વેરાઈ ગયાં. અર્જિતા હવે હંમેશાં ઉતરતી વખતે સતર્ક રહેતી. હવે એ વાણીએ આપેલો સોયો પણ સાથે રાખતી.

સહસા લેડીઝ ડબ્બાની પાસે ભીડમાં જાડી ફ્રેમનાં ચશ્માંવાળો ચહેરો એની એકદમ નજીક આવી ગયો. એ હજુ કોઈને કંઈ કરે એ પહેલાં અર્જિતાએ સોયો એની હથેળીની પાછળ પંજા પર ઘોંછી દીધો.

“આહ…!” ની કરાહ સાથે એ વીજળીવેગે દોડી ગયો. અર્જિતાને એક વિચિત્ર પ્રકારનો સંતોષ રોમેરોમ વ્યાપી ગયો.

એની નજર દૂર પ્લેટફોર્મનાં ખૂણે ઊભેલા શાલીન પર પડી અને એનું સુંદર મુખ મલકાઈ ગયું. આજે એ બે વાતથી ખુશ હતી. એક તો નરાધમ કોઈ અન્ય સાયકો છે, શાલીન નહીં. અને જે હાથથી એણે ડંખીલો સ્પર્શ કર્યો હતો, એ હાથને બરાબર સજા મળી હતી.

એ લગભગ દોડતી શાલીન પાસે આવી ગઈ. આજે અર્જિતાનું અણુઅણુ શાલીનને ભેટવા આતુર હતું, પણ એણે સંયમ રાખ્યો.

“હાય, તું ટાઈમસર લેવા આવી ગયો.”

“હા, આજે મોડું ન કરાય. લેટ્સ ગો.”

“શાલીન, મેં આજે એ ફ્રસ્ટ્રેટેડ સાયકાને હાથ પર આ સોયો માર્યો છે. જોજે, હજુ હાથ પંપાળતો હશે.”

“બાપ રે… ખરી છે તું! બટ ઇન અ વે સારું થયું. હવે કદાચ સુધરી જાય.”

બંને ખડખડાટ હસી પડ્યાં. આજે અર્જિતા બાઈક પર શાલીનને પાછળથી વળગીને બેઠી.

“શાલીન, ચાલ ને પહેલાં બીચ પર ફરી આવીએ.”

“ઓકે, માય લવ.” શાલીને પાછળ જોઈ મોહક સ્મિત કર્યું.

ફરીને ઘરે આવ્યાં. બેલ મારી અને પપ્પાએ દરવાજો ખોલ્યો.

“આવો, આવો.” પપ્પા અત્યંત મીઠાશથી બોલ્યાં.

“પપ્પા, આ અર્જિતા. અર્જિતા, પપ્પા.”

પપ્પાએ નમસ્તે કર્યું. પણ અર્જિતા સામે નમસ્તે કરી શકી નહીં. શાલીને અર્જિતા સામે વિસ્મયથી જોયું. એ એકટશે કશુંક જોઈ રહી હતી.

એની નજર દોરવાઈને પપ્પાનાં પંજા પર લોહીનાં ટશિયા ફૂટેલાં બે ડંખ પર જડાઈ ગઈ.

~ માના વ્યાસ, મુંબઈ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.