“કારવાં સાથ ઔર સફર તન્હા” ~ (૩) ~ આત્મકથનાત્મક લેખ ~ ડૉ. દર્શના વારિયા નાડકર્ણી
📍MUST READ this Series
ચાર ભાગમાંથી (ભાગ: ૩)
શબ્દો: 5666
ભાગ-૧ અને ૨ની લિંક:
https://aapnuaangnu.com/2025/07/05/dr-darshna-varia-nadkarni-article-1/
https://aapnuaangnu.com/2025/07/06/dr-darshna-varia-nadkarni-autobiographical-article-2/
(ભાગ: ૩)
21.એંગર મેનેજમેન્ટ ક્લાસ
કંપની ટ્રેનિંગ જેવો પગાર કાઉન્ટીમાં ન મળે પણ મને ડોમેસ્ટિક વાયોલન્સ વિષે શીખવા મળ્યું. એક વર્ષ ચાલતી આ ટ્રેનિંગમાં હિંસક વ્યક્તિઓ પોતાના કૃત્યની જવાબદારી લે તે માટે પહેલા પોતે જે કહ્યું અને કર્યું હોય તે એમણે રોજ બોલવાનું,
પીડિતાએ જે કહ્યું કે કર્યું હોય તે નહિ. શરૂઆતમાં તેઓ આવું બોલે, “મારી પત્નીએ ખાવાનું બનાવ્યું નહોતું. મેં ધીમેથી કહ્યું: કેમ કશું બનાવ્યું નથી? પણ તે ટીવી જોતી હતી ને એણે જવાબ ન આપ્યો. તેથી મને ગુસ્સો આવ્યો”.
અમે શિક્ષકો રોકીએ અને કહીએ તમારી પત્ની અહીં પોતાની વાત કહેવા હાજર નથી માટે તે શું કહેતી હતી તે નહિ બોલવાનું. માત્ર તમે શું કર્યું તે કહો. થોડા દિવસમાં તેઓ સમજી જાય અને ત્યાર બાદ ક્લાસ આમ શરુ થાય –
પુરુષ 1: “મેં મારી પત્નીને કહ્યું: આ કેમ કર્યું. મને ગુસ્સો આવ્યો ને મેં એને તમાચો માર્યો, લાત મારી. (તેણે મને ધક્કો માર્યો” અને અમે વળી રોકીએ કે તેણે શું કર્યું નહિ કહેવાનું).
પુરુષ 2: “હું કામમાં વ્યસ્ત હતો, કામમાં ખલેલ પડી એટલે મને ગુસ્સો આવી ગયો. મેં ટેલિફોન કાપીને તેનું દોરડું લઈને મારી પત્નીના ગળા ફરતે વીંટાળી એનો શ્વાસ રુંધવાની કોશિશ કરી.”
અમે તેમને ગુસ્સો કેમ કાબુમાં લેવો, કેમ મગજને શાંત કરવું, ટાઈમ આઉટ લેવો, વાતાવરણ છોડીને બહાર જવું, એની તાલીમ આપીએ. ક્લાસમાં હંમેશા બે શિક્ષક રહેતા. મેં જો કે, થોડો સમય ભણાવીને છોડી દીધું કેમ કે બાળકોની અને કમાવાની, બેઉ જવાબદારી સાથે નીભાવવાનું મુશ્કેલ હતું.
22. કુટુંબને જાણકારી અને મિત્રોની મદદ
બાળકોને વિષ્ણુ પાસે રાખીને હું ભારત ગઈ. ત્યાં મોટા ભાઈ, ભાભી, અને પિતરાઈ ભાઈભાભીને મળીને વિષ્ણુથી અલગ થવાનો મારો નિર્ણય કહ્યો.
ભાઈએ કહ્યું આ અમને મંજૂર નથી. મેં કહ્યું હું મંજૂરી લેવા નથી આવી, પણ જણાવવા આવી છું. ભાઈએ ખૂબ દલીલ કરી કે બાળકો નાનાં છે, મારે શાંતિ રાખવી જોઈએ, તેનું વર્તન ચલાવી લેવાનું વગેરે.
મને મક્કમ જોઈને ભાઈ કહે, નિર્ણય કર્યો જ છે તો બાપુજી જીવિત છે ત્યાં સુધી મુલતવી રાખ. મારા પિતરાઈ ભાભી બોલ્યા કે, આ કેવી વાત છે કે તે માર ખાય અને રોજ પ્રાર્થના કરે કે બાપુજી જલ્દી જાય.
ભાઈએ મને પૂછયું કે મને કોઈ મદદ જોઈને છે? મને થયું મોટાભાઈને ભય હતો કે બહેનની જવાબદારી એના માથે પડશે. મેં કહ્યું મારે કોઈ આર્થિક મદદ જોઈતી નથી. માત્ર બાપુજીને સમજાવો.
બીજે દિવસે તેઓ બાપુજી જોડે વાત કરવા બેઠા. હું અને મમ્મી દીવાલ પાછળથી સાંભળતા હતાં. બાપુજીનું પહેલું વાક્ય હતું, જલ્દી દર્શનાને છૂટી કરાવો. મમ્મી રડવા લાગ્યા અને મને કહે “આજે મારું હૃદય તારા બાપુજી માટે પ્રેમથી ઉભરાય છે.”
મનમાં જરીક હૂંફની લાગણી સાથે ભારતથી પાછી આવીને મેં ઘર વેચવા મૂક્યું. મારી સહેલી પાઇપરને મેં વાત કરી અને બીજે દિવસે પાઇપર ટ્રેમાં ઘર સાફ કરવાનો સામાન લઈને આવી.
તેણે બંને બાથરૂમ સાફ કરી, કોકિંગ કરી તૈયાર કર્યા. પાઇપર અને મેં ફેન્સને રંગ કર્યો. ઘરમાંથી સામાન ગેરેજમાં મૂકીને ઘર સજાવ્યું. ઓફર આવી ત્યારે વિષ્ણુએ મારી જોડે સ્વીકારી લીધી. ત્યાં સુધીમાં મેં ફ્લેટ જોઈ રાખેલ. વિષ્ણુનેય બીજે ફ્લેટ જોવા લઈ ગઈ. તેના સામાન માટે કાર્ટન લાવી. તેણે બેન્કનાં કાગળિયા લીધા.
“બાળકોના ફોટા અને તેમની વસ્તુઓ જોઈએ છે?” તેણે ના પાડી. મેં અમારા આલબમ, ફોટા, બાળકોનો સામાન લીધો. મારા ફ્લેટ પાસે રહેતા ધર્મનો પ્રચાર કરવા આવેલ મોર્મોન છોકરાઓ જોડે ફ્લેટ જોયો ત્યારે જ મારી એમની સાથે દોસ્તી થયેલી.
તેમણે મને સામાન ખસેડવામાં મદદ કરી. તેમણે વિષ્ણુનો સામાન પણ ખસેડ્યો. ઘર વેચાઈ ગયું અને મને $160,000 મળ્યા અને તેટલા વિષ્ણુને મળ્યા. તે પૈસાથી મેં નવું એકાઉન્ટ ખોલ્યું અને નવા જીવનની શરૂઆત કરી.
23. (બીઇંગ એ સિંગલ પેરેન્ટ) – એકમાત્ર વાલી તરીકેની ફરજ
સિંગલ પેરેન્ટની જવાબદારી અનોખી અને અઘરી હોય છે. આપણા સમાજ માટે આ જાણવું ખૂબ અગત્યનું છે. હું છુટ્ટી થઈ ત્યારે અમેરિકાની ઈકોનોમી સારી હતી, મને કામ ઘણું મળતું પણ બેબીસિટીંગ માટે માણસો સહેલાઈથી મળતા નહીં.
બાળકોને જુદી જુદી વ્યક્તિઓ પાસે મૂકીને બહારગામ જવું પડતું. ડે કેર ચલાવતા ગુજરાતી બહેને ટકોર કરેલી કે માત્ર પોતાનો જ વિચાર કરતા આ સમાજમાં યુવતીઓ બાળકોને ડે કેરમાં મૂકીને કામે જતી હોય છે…. એની પાછળનું કારણ શું હશે એ વિચારવાનો કદાચ એમને સમય કે વિવેક જ નહીં હોય..! સહાનુભૂતિને બદલે મારા જેવી સ્ત્રીઓને આવી ટકોર સાંભળવી પડે છે.
બાળકોને છોડીને બહારગામ જવાનું અઘરું હોવાથી મેં સાન્ટા ક્લેરા યુનિવર્સિટીમાં ભણાવવાનું શરુ કર્યું, પણ પૈસા ઓછા મળે. શરૂઆતમાં વિષ્ણુએ મારી પાસે ભરણપોષણ માગ્યું હતું તે બંધ થયું, છતાં બાળકોની જવાબદારી મારા પર હતી.
ફરી કંપનીનું કામ લીધું. કોકાકોલા, માસ્ટરકાર્ડ, સિમેન્સ, મેડટ્રોનિક, વિઝા, પેપ્સી, જેવી કંપનીનું કામ મોટે ભાગે ઈસ્ટ કોસ્ટમાં રહેતું. મેં એક ભારતીય એન્જીનિયર ભાઈ શોધ્યા. તેમની પત્નીએ બનાવેલ જમવાનું લઈને સાંજે બાળકોને ડે કેરમાંથી પીકઅપ કરીને તેમને જમવાનું આપી અને રાત રહેતા. હું આવું ત્યારે બાળકો ખુશ થાય અને બીજી બધી વાત કહેવાનું ભૂલી જાય.
એક દિવસ દીકરીએ કહ્યું, મમ્મી તું જાય છે ત્યારે પેલા અંકલ જમવાનું થોડુંક જ લઈને આવે છે ને મને બહુ ભૂખ લાગે છે. આ સાંભળીને મારું દિલ કોચવાઈ ગયું, પણ મારી પાસે કોઈ રસ્તો જ નહોતો.
એ પછી બાળકોને રજામાં ક્યારેક સાથે બહારગામ લઈ જઈને કામ કર્યું. એકવાર ફ્લોરિડા જે હોટેલમાં રહેવાનું હતું ત્યાં જ ટ્રેનિંગ હોવાથી બાળકોને લાવેલી. રૂમમાં રાખીને ટ્રેનિંગમાં ગઈ અને ફાયર એલાર્મ વાગ્યો. બધા હોટેલની બહાર નીકળતા હતા અને હું રૂમ તરફ દોડી ને બાળકોને બહાર લાવી. આવા કેટલાંય ફાયર એલાર્મ અને બીજી આપદાઓનો સામનો બાળકોને એકલે હાથે ઉછેરતા માતાપિતા રોજ કરે છે…!
એવામાં સોશ્યિલ સર્વિસમાંથી એક બહેન નવી જ સમસ્યા લઈને ઘેર મળવા આવ્યાં. તે કહે કોઈ સ્ત્રીને મારપીટ થઇ હોય તો બાળકો સુરક્ષિત છે કે નહીં તે નક્કી કરવાની તપાસ માટે બાળકો જોડે એકાંતમાં વાત કરવી છે.
મેં કહ્યું: બાળકોએ જે દ્રશ્ય જોયું તેના લીધે મેં છૂટાછેડાનો નિર્ણય કર્યો. હું કોઈ અજાણી વ્યક્તિ જોડે તેમને આવી વાતો એકલા તો નહીં જ કરવા દઉં.
બહેન કહે: હવે બાળકો જોડે વાત કરવાની જરૂર નથી. મને ખાતરી થઇ ગઈ કે તું તારા બાળકોની રક્ષા કરીશ.
મારા માટે આવા બે બોલ સાંભળવા મળે એ બહુ મોટી વાત હતી. આવા શબ્દો મને હિંમત આપતા કે મેં બાળકો અને એમના હિતને કેન્દ્રમાં રાખીને જે નિર્ણય લીધો છે તે બિલકુલ સાચો છે.
અમેરિકા દેશ માટે મને ખૂબ માન છે. અહીં કોઈ પણ વ્યક્તિને જોઈએ ત્યારે મદદ મળી શકે છે અને આ દેશના કાયદા-કાનૂન દરેક નાગરિકની પાયાની એટલે કે મૂળભૂત હિતોની સંભાળ અને સલામતી માટે કરવામાં આવ્યા છે. તે ઉપરાંત જો કાયદાકીય નિર્ણય યોગ્ય ન લાગે અને પડકારીએ તો આ દેશના કાયદાઓ દ્વારા આગળ માર્ગ શોધી શકાય છે. ક્યારેક દેર થાય પણ અંધેર નહિ!
આ દેશમાં ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ કાયમ હોય છે.
24. છૂટાછેડા લેવાની આંટીઘૂંટી
એક વ્યક્તિને લગ્નજીવનમાંથી છૂટ્ટું થવું હોય અને બીજી વ્યક્તિ સહમત ન હોય તો એ ઘણા અવરોધો નાખી શકે અને હિંસક વ્યક્તિઓને મોટે ભાગે છૂટ્ટું ન જ થવું હોય.
વિષ્ણુએ એની નોકરી ન હોવાને આધારે ખાધાખોરાકી, ભરણપોષણ અને (ચાઈલ્ડ સપોર્ટ) બાળઆધારની મારી પાસે માંગણી કરી.
શરૂઆતમાં પૈસા મોકલાવ્યા પછી વકીલે કોર્ટમાં કહ્યું કે મારપીટ કરતી વ્યક્તિને ભરણપોષણ નથી મળતું અને કહ્યું વિષ્ણુને નોકરીની ફરજ પાડવામાં આવે.
વિષ્ણુએ મારા પર આળ મૂક્યું કે મેં પૂરા કેલિફોર્નિયામાં તેની વાત કરી હોવાથી તેને નોકરી મળતી નથી, જે કોર્ટે નકારી કાઢી.
આમ ઝઘડાં ચાલ્યા ને સમય વહેતો ચાલ્યો… એ આંટીઘૂંટીમાંથી નીકળતા વર્ષો લાગ્યા ને વર્ષો બાદ પાછળ વળીને જોયું ત્યારે સમજાયું કે મેં… કેટલીયે વાડો ઠેકી, સરહદો ઓળંગી, સરનામાં છોડ્યા ને નામ છોડ્યું. કોઈની પાથરેલી જાળમાંથી આઝાદી મેળવીને, કેટકેટલા અવરોધોને ઓળંગીને, મારી જિંદગીને આપબળે ઊભી કરી.
“મારા હૈયાનાં ઝાડવાની હેઠ……!”
“ઠેક્યા મેં થોરિયા, ને ઠેકી મેં વાડ
ઠેક્યા તેં દીધેલા ઊંચેરા પ્હાડ,
ઠેકી મેં ઠોકર, ને ઠેકી મેં ઢીંક,
ઠેકી તેં દીધેલી ઊંડેરી બીક,
છોડ્યા મેં ઉંબરાં, ને છોડી મેં પાળ,
છોડી તે પાથરેલી આખી જંજાળ,
છોડ્યા મેં સરનામાં ને છોડ્યું મેં નામ,
છોડ્યું સીમાડાનું છેવટનું ગામ,
ઢોળ્યાં મેં ઢોળ્યાં તે દીધેલા ઘૂંટ,
હવે મારી ઝાંઝરીને બોલવાની છૂટ,
ખીલેથી છૂટ્યા છે ઓરતાના ધણ,
વીરડાને ભાળે હવે મીઠાના રણ
રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ,
મારા હૈયાનાં છાંયડાની હેઠ.
~ સૌમ્ય જોશી,
“હેલારો” મુવીમાંથી સાભાર
25. હિમાલયમાં પર્વતારોહણ અભિયાન
છુટ્ટા થવા મારે જાણે કે એક મોટો પહાડ ચડવાનો હતો. કુંવારી હતી ત્યારે માઉન્ટેન ક્લાઇમ્બિંગ કરેલું, એ પહાડ નહીં! આ તો જુદો જ, અણધાર્યો, થકવી નાખે એવો પહાડ…!
અહીં મારા લગ્ન પહેલાં ખેડેલા એક સાહસની વાત યાદ આવે છે. હું ક્યારેય કાચીપોચી વ્યક્તિ નહોતી. મારામાં જોમ અને જુસ્સાની કમી નહોતી. પણ ખામીવાળા લગ્નજીવનમાં કેમ વર્ષો વીતી ગયાં અને હું મારી સંવેદનાઓને સંકોરીને બેઠી રહી તે સંજોગ અને નસીબની વાત છે.
મને સમજાયું કે જેમ પર્વતારોહણમાં મેં બરફની કુહાડીથી અને મારી હિમ્મત સાથે બીજા પાસેથી મદદ લઈને માર્ગ કાઢ્યો તેમ હવે મારી હામ સાથે, મળે તે મદદ લઈને મારો જીવનપથ જાતે જ કંડારવો પડશે.
પહાડ ચડવાની થોડી તાલીમ લીઘી પણ પૂરી કુશળતા નહોતી. છતાં માર્કેટિંગમાં આવડત જોઈને મને શામિલ કરવામાં આવી અને મને ફંડ રેઇઝિંગ, ડોનેશનનું કામ સોંપાયું.
અમે 1 મહિનો હિમાલયમાં 21,000 ફૂટની ટોચવાળો પાપસુરા પર્વત ચડવા નીકળ્યા. બાપુજી સમંતિ આપે તે શક્ય નહોતું. તેથી ઘરમાંથી ભાગીને હું જોડાઈ. દિલ્હીની ટ્રેનમાં ચડતા પહેલા મમ્મીને ફોન કર્યો ને તેમણે કહ્યું શાંતિથી જઈને સુરક્ષિત પાછા આવો.
દિલ્હીથી મનાલી પહોંચી ત્યાં ચાર દિવસ ગુરુદ્વારામાં રહ્યાં, તૈયારી કરી, સામાન બાંધ્યો, શરીરને પાતળી હવામાં અનુકૂળ થવાનો સમય આપ્યો અને શેરપાની ટીમ ભેગી કરી.
વહેલી સવારે પર્વતારોહણ માટે નીકળતા જ મોટા પાકા દોરડાના પુલ ઉપર ચાલીને પાર્વતી નદી ઓળંગી. પુલની ખૂબ નીચે ઊંડી ખીણમાં આ નદી વહે, અને એક એક ડગલું લેતાં પુલ હલે. રમણીય દ્રશ્ય હતું છતાં ડરના માર્યા કંપારી છૂટે.
પુલ વટાવ્યા બાદ, મોટા શહેરી રસ્તાઓ નાની કેડ઼ીમાં બદલાતા ગયા. પાકા મકાનની જગ્યાએ ઝૂંપડાં દેખાવા લાગ્યાં અને ઊંચાઈ વધતા હવા પાતળી થતી ગઈ.
શેરપાઓએ ખાવાનો સામાન ઊંચકેલો. અમે કપડાં, ટેન્ટ, નીચે રાખવાની મેટ, સ્લીપિંગ બેગ, કાનટોપી, ગ્લોવ્સ, બુટ નીચે બરફમાં લપસી ન જવાય તે માટે કાંટાવાળા સ્પાઈક્સ જેને ક્રેમપૉન્સ કહેવાય તે બધું ઊંચકેલું.
આઠેક કિલો વજન લઈને થાકીને લોથપોથ મોડી સાંજે ઉતારા પર પહોંચ્યાં અને છેલ્લા ઝૂંપડામાં રાત રહ્યાં. ત્યાં કંઈ ખાસ વ્યવસ્થા નહોતી. શહેરમાં ટેવાયા ના હોઈએ એવા એવા જીવજંતુઓ ત્યાં હતા અને એ જોઈને પણ ખૂબ ડર લાગતો હતો.
26. પર્વત ઉપર પરાક્રમ
અમે સવારે ચાલવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં ગીચ જંગલ આવ્યું. વસ્તી અને ઝૂંપડાં પાછળ રહી ગયાં. પથરાળ કેડી અને ઝાડવા વચ્ચે રસ્તો કાઢતાં અમે, જરા ધીમા પડ્યાં. બપોર સુધીમાં તો ચાલતાં ચાલતાં, પોચા રૂ જેવા બરફમાં પગ ઘૂસી જતા હતા. મોજાં સહિત મારા પગ ભીના થઈ ગયા હતા. એક પણ ડગલું આગળ ચાલવું મુશ્કેલ હતું.
કેમ્પ પહોંચીને જમ્યા પછી મેં પગ બૂટમાંથી બહાર કાઢ્યા ને જોયું તો દરેક આંગળીમાં છાલા પડી ગયેલા. બીજે દિવસે વહેલી સવારે ચાર વાગે તો નીકળવાનું હતું. બની શકે તેટલો સામાન ઉંચકીને બીજો ‘બેઝ કેમ્પ’ શોધી, સામાન મૂકીને સાંજ સુધીમાં પાછું આવવાનું હતું.
આમ ત્રણેક દિવસમાં સામાન આગલા કેમ્પ ઉપર મૂકીને આ કેમ્પને સંકેલી આગળ જવાનું હતું. બીજા દિવસે બરફનું વાવાઝોડું આવતા અમારી ટુકડીના નેતાએ ટેન્ટમાં જ રહેવાનો નિર્ણય કર્યો.
તોફાનને શમતાં ત્રણ દિવસ લાગ્યા. આ સમય દરમિયાન, મારા પગના છાલાને રુઝાવાનો સમય મળ્યો. ત્રણ દિવસ ટેન્ટમાં નિષ્ક્રિય ગાળીને અમે કંટાળી ગયેલાં. થોડું તોફાન શમે ત્યારે એકમેકને ટેન્ટમાં મળવા જતાં અને કોઈક ચા બિસ્કિટ આપી જતું.
તોફાન શમતાં સવારે બુટ, ક્રેમપૉન્સ પહેરી, સામાન ભરીને અમે નીકળ્યા. સવારે બરફ થીજી ગયેલો હોય અને લીસ્સી સપાટ જમીન ઉપર ક્રેમપોન ઠોકી ઠોકીને ચાલવું પડે જેથી લપસી ન જવાય. પણ મોડા નીકળીએ તો બરફ ઓગળે અને ચાલવું વધુ મુશ્કેલ થાય.
થોડું ચાલતા હું થાકીને લોથપોથ થઈ ગઈ, ક્રેમપોન ઠોકાયું નહિ અને એક ચઢાવ ઉપર લપસવા લાગી. મેં મદદ માટે બૂમ પાડી. આખી ટીમ આ દ્રશ્ય જોઈને થીજી ગઈ હતી.
પર્વતની વીસેક ફૂટ નીચે બર્ફીલા પાણીનું ઝરણું વહેતું હતું અને પથરાળ ભૂમિ હતી. નસીબજોગે હું એકાદ ફૂટ જ લપસી કે મારી આઈસ એક્સ પર્વતના ઢાળમાં ફસાઈ ગઈ અને હું તેના આધારે અટકી.
લીડરે ક્રેમપોન ઠોકીને આવવા કહ્યું. મેં કહ્યું તું આવ નહીં તો હું હલીશ નહિ. એ પર્વત ઉપર ચડી ગયેલો ત્યાંથી નીચે આવ્યો ને મને એક એક પગલું આઈસએક્સથી કોતરી આપ્યું તે પગલે પગલે ચાલીને હું છેવટે ઉપર પહોંચી. મારા મનમાં ત્યારે એક શૂન્યાવકાશ પથરાઈ ગયો હતો. તે દિવસે કંઈ પણ થઈ શક્યું હોત…!
આગળ કેમ્પનું સ્થાન બનાવી ત્યાં સામાન મૂકીને અને સાંજે પાછાં ફરતાં. રાત્રે બાથરૂમ જવું પડે તોયે કંટાળો આવતો હતો. ઊઠીને ગ્લોવ્સ, પગનાં મોજાં વગેરે ચડાવીને, ટેન્ટ ખોલીને, બુટ પહેરીને બરફમાં ચાલીને બહાર જવાનું…. એ ક્રિયાઓ યાદ કરતાં જ એવું થતું કે કાશ, બાથરૂમ ન જવાનું થાત તો કેવું સારું…!
આમ, આખરે સામાન આગળ પહોંચ્યો અને પછી તેની આગળ કેમ્પ ઉપર પહોંચતાં બીજા 4-5 દિવસ થયા. 21,000 ફૂટ ઊંચાઈવાળો પાપસુરા શિખર ચડવાનો દિવસ આવ્યો. હિમાલયમાં પાપસુરાના લાંબા અને ખતરનાક ચડાણને કારણે તેને “પીક ઓફ ઈવિલ” અથવા “દુષ્ટતાનું શિખર” કહેવામાં આવે છે અને તેના ઉપર બહુ માત્રામાં ચડાણ થયું નથી.
અમારી ટીમના એક વ્યક્તિને આંખમાં પ્રોબ્લેમ થતાં તે ઉપર જઈ શકે તેમ ન હોવાથી, નેતાએ મને તેની જોડે “બેઝ કેમ્પ” ઉપર રહેવાનું કહ્યું. એ છ દિવસ, અમારો ક્રમ હતો, ઊઠીને ચા નાસ્તો કરી, છાંયડાવાળી જગાએ સાથે લાવેલ ચોપડીઓ વાંચતા.
ઊંચાઈ ઉપર અમારી પાસે પાણી નહોતું. પ્લાસ્ટિકને ચટાઈની જેમ નાના ડુંગરા ઉપર રાખીને સાથે લાવેલ રેકથી બરફ ઉપાડીને પ્લાસ્ટિક ઉપર સવારે નાખતાં. બપોરે તડકામાં બરફ ઓગળે તે પાણી નીચે વાસણમાં ભેગું થાય, તે પીવામાં ને રસોઈમાં વપરાતું.
સૂવાનું અમારા પોતાના ટેન્ટમાં. સાંજે ઠંડી થાય ત્યારે ચોપડીઓ બંધ કરી, ગ્લોવ્સ, ટોપી પહેરી પહાડોમાં ટહેલવા જતા. રાત્રે ટેન્ટમાં ઘૂસી, બૂમો પાડીને અલકમલકની વાતો કરતા.
એક દિવસ રાત્રે બાથરૂમ જવા હું ટેન્ટમાંથી બહાર નીકળી અને અદભુત દ્રશ્ય જોયું – પૂનમ હોવાથી ઝગમગતી ચાંદનીમાં ચારે તરફ બરફ ચમકી રહ્યો હતો, જાણે કોઈએ હજારો ટ્યૂબ લાઈટ કરેલી હોય. છ દિવસ બાદ, પહાડ ઉપર ગયેલા સાથીઓને અમે દૂરથી ઉતરતા જોયા અને અમારી ખુશીનો પાર ન રહ્યો.
બીજા દિવસે અમે પાછાં આવવા નીકળ્યાં. સામાન ઓછો થઈ ગયેલો અને ઠંડી પણ ઓછી થયેલી. ફરી કુદરતની કમાલ જોવા મળી. ઉનાળાની શરૂઆત થતા બરફ ઓગળવા લાગેલો. શરૂઆતમાં જે હિમનદી (ગ્લેશ્યર) ચડ્યા, જ્યાં હું લપસેલી ત્યાં બરફ ઓગળીને ઝરણું વહેતુ હતું, જે અમારે ઓળંગવાનું હતું.
મેં સાંભળેલું કે બર્ફીલી નદીમાં પડીએ તો 3 મિનિટમાં થીજી જવાય. નદી જોઈને મેં ક્રોસ કરવાની સાફ ના પાડી. આગળ ગયેલ લીડર પાછો આવ્યો. જ્યાં ઝરણાંનો ધોધ અને ઝડપ ઓછી હતી ત્યાં તેણે મારો હાથ પકડ્યો અને તેના પગલે સ્થિર પથ્થર ઉપર પગ મૂકીને મેં ધસમસતી નદી ઓળંગી.
જ્યાં અમને મૂકી ગયેલા તે જગ્યાએ શેરપા પાછા લેવા આવ્યા. વળતાં મને રસ્તો જુદો લાગ્યો. મેં કહ્યું: આવ્યા ત્યારે આવા જંગલમાંથી પસાર નહોતા થયા. શેરપા કહે:એ જ રસ્તો છે. “તો એક મહિનામાં આવડું મોટું જંગલ તો ઊગે નહિ.” શેરપા કહે: આવ્યાં ત્યારે બરફ નહોતો ઓગળ્યો. મેં કહ્યું: એક મહિનામાં આવડા 50 ફૂટના મોટા ઝાડ કેમ ઊગે?
શેરપા કહે: ઝાડ અહીં જ હતા પણ બરફ પડે ત્યારે વાંકા વળીને સૂઈ જાય અને ઓગળે ત્યારે ફરી ઊભા થાય….! સૃષ્ટિની આ કરામત જોઈને હું અવાચક બની ગઈ હતી!
જો બે ઘડી થંભીને, નીહાળીએ તો આ સૃષ્ટિમાંથી આપણને ઘણાં પાઠ મળે છે – જયારે અડીખમ ઊભા રહીને અનિવાર્ય સંજોગોનો સામનો ન થઈ શકે ત્યારે આવા મોટા ઝાડ અલ્પકાલિક પરિસ્થિતિની સામે સંજોગોને આધીન થઈ, પોતાનું વર્ચસ્વ ગુમાવ્યા વગર, સમયનું માન જાળવીને પોતાનું અસ્તિત્વ સાચવી લે છે. વાહ રે કુદરત!
27. બાપુજીનું અવસાન અને બા અહીં
મારા બાપુજીનું અવસાન થયું. હું બાળકોને લઈને ભારત ગઈ અને વળતા મમ્મીને મારી સાથે અમેરિકા લઈ આવી. હવે મારે જિંદગીનો પર્વત ચઢવાનો હતો.
મેં ફ્લેટ લીધેલો. તેમાં એક વર્ષ થયું હતું પણ તેમાં દાદરા હતા અને મમ્મીને ચડવું ન પડે તેથી મેં બાળકોની શાળા નજીક બીજો ફ્લેટ ભાડે લીધો હતો. એ ફ્લેટનું પઝેશન હું ભારતમાં હતી ત્યારે જ મળી ગયું હતું.
અમે ભારતથી અમેરિકા પાછાં ફરતાં હતાં ત્યારે મને બે દિવસ શિકાગોમાં કામ મળ્યું. વચ્ચે એમ્સ્ટર્ડેમ હોલ્ટ હતો. મેં એમ્સ્ટર્ડેમથી જ શિકાગો જવાનું નક્કી કર્યું. મમ્મી અને બાળકો સાન હોઝે આવ્યા. તેમના માટે મેં ટુથ બ્રશ, પેસ્ટ, ઓશીકા, ઓછાડ, વાસણ કાર્ટનમાં પેક કર્યાં હતાં. મારા મિત્ર મમ્મી અને બાળકોને સાન હોઝે એરપોર્ટથી નવા ઘરમાં લઈ આવ્યા અને સાથે ખાવાનું, બ્રેડ, દૂધ, ફળ વગેરે પણ લાવીને નવા ફ્લેટમાં મૂક્યા.
બિચારા મમ્મી….! નવી જગ્યાએ પલંગ, ખુરશી, સાવરણી કે કોઈ સુવિધા વગર બે દિવસ રહ્યા. હું આવી ત્યારે મેં જૂના ફ્લેટમાંથી ફર્નિચર અને વસ્તુઓ અહીં લાવીને ઘર ગોઠવ્યું. મમ્મીની હાજરીથી મને રાહત થઈ. બાળકો પણ મારી જોડે જ રહેતાં હતાં.
હું બહારગામ હતી ત્યારે દીકરાએ એકવાર વાળ કપાવવા લઈ જવા વિષ્ણુને ફોન કર્યો. વિષ્ણુએ મને મેસેજ કર્યો “તું દીકરા પાસે ફોન નહિ કરાવ. બાળકો તારી પાસે છે તો વાળ કપાવવાના પૈસા તું ખરચ.”
પૈસાની નજરે જોવામાં અને મારો વાંક કાઢવામાં વ્યસ્ત વિષ્ણુને એ સમજાયું નહિ કે બાળકો તેને જોવા ઈચ્છે છે. દીકરી શાળાની ટ્રીપમાં ગયેલી ત્યારે હું ને દીકરો મોલમાં ગયા. તે ખુશમિજાજમાં હતો. તેનું ભાવતું જમ્યાં.
વિષ્ણુનો તેના સેલ ઉપર ફોન આવ્યો. ફોન બંધ કર્યો ત્યારે તેનું મોઢું રડમસ હતું. તેણે કહ્યું, ડેડી કાલે બીઝી છે, એટલે મને નહિ મળે. તેનો હતાશ, ગમગીન, રડમસ ચહેરો યાદ આવે ત્યારે આજે પણ મારી આંખમાંથી દડદડ આંસુ વહે છે.
અમારા છૂટાછેડાના વાવાઝોડાથી તેમના જીવનમાં અંધારપટ છવાઈ ગયો હતો…! આ બધાંમાં તેમનો શું ગુનો હતો?
મારે તેમને મૂકીને કમાવા માટે ભાગવાનું, કોર્ટમાં જવાનું, ઘર ચલાવવાનું, પૈસાની અછત અને અમારી વચ્ચે અણસમજ અને એકમેક પ્રત્યેના ક્રોધાગ્નિમાં અમારાં નિર્દોષ ભૂલકાઓ અને એમનાં ભવિષ્યનાં સપનાંઓ તથા સ્વસ્થ કૌટુંબિક જીવનની આશાઓની અદ્રશ્ય રીતે આહુતિ દેવાતી જતી હતી.
“કાલે તમે કહેતા હતા ને? કંઈક તૂટી ગયું?
ત્યારે હતા એ “કંઈક”ના પ્રત્યેક કણમાં અમે!”
– કવિશ્રી અનિલ ચાવડા
28. બાળકોનો પૂરો કબ્જો મારી પાસે
વિષ્ણુ પાસે પોતાનું ઘર નહોતું અને એ ગર્લફ્રેન્ડ જોડે રહેતો. એની ગર્લફ્રેન્ડ અમારાં બાળકોને નફરત કરતી હતી. વિષ્ણુ બહારગામ હતો ત્યારે મારી વકીલે તેની ગર્લફ્રેન્ડને કોર્ટમાં ડીપોઝ કરી. કાયદેસર વાતનાં મારી પાસે ડોક્યુમેન્ટ છે. તેણે કહ્યું વિષ્ણુના બાળકો મને પસંદ નથી. તે આવે વેજિટેરીઅન ખાય તે બધું મને નથી ગમતું.
વિષ્ણુ સાથે કોર્ટમાં હતા ત્યારે અમે તે પેપર બતાવ્યા. જજે ગર્લફ્રેન્ડ સમક્ષ બાળકોને લાવવાની મનાઈ કરી અને પેલી ઉપર રિસ્ટ્રેઇનિંગ ઓર્ડર મુક્યો.
વિષ્ણુએ બાળકોને મોટેલમાં લઇ જવા માટે પૂછ્યું. દીકરાને મહિનાના બે વિકેન્ડ મોટેલમાં લઇ જવાની જજે પરવાનગી આપી, પણ દીકરીને નહીં. જજે કહ્યું પોતાના ઘરે બાળકોને લઇ જાય પણ વિષ્ણુએ પોતાનું ઘર ન લીધું. ક્યારેક મારા ઘર પાસે આવીને દીકરીને બહાર બોલાવીને દસેક મિનિટ મળતો.
29. ગાડીનો ભયંકર અકસ્માત ને જીવન અસ્તવ્યસ્ત
એક દુર્ઘટના મારા જીવનમાં વળી નવો વળાંક લાવી. હું, મમ્મી અને મારી દીકરી રાત્રે ગાડીમાં જતાં હતાં ત્યારે ઝડપથી આવતી ગાડીએ ટક્કર મારી. પોલીસ રિપોર્ટ પ્રમાણે મારી ગાડીએ ત્રણ વાર ગોથું ખાધું.
મમ્મી બેભાન પડ્યા અને દીકરી બીજી બાજુ સુનમુન પડેલી. પાછળની ગાડી ઊભી રહી ત્યારે હું મમ્મી પાસે ગાંડાની માફક ચીસો પાડતી હતી.
તે લોકોએ મને કહ્યું, અમે પોલીસને ફોન કર્યો છે. તું મમ્મી પાસે બેસ, અમે દીકરી જોડે છીએ. ત્યારે મને ખબર નહોતી પ્લેટિનમ 10 અને સોનેરી કલાક (ગોલ્ડન અવર)ના ધોરણે ગાડીના અકસ્માતમાં અમેરિકામાં ઝડપી સેવા મળે છે.
તબીબી વિજ્ઞાન પ્રમાણે અકસ્માતમાં 10 મિનિટ અંદર રાહત મળે અને અકસ્માતના પહેલા કલાકમાં ઇજા પામેલાને હોસ્પિટલ પહોંચાડાય તો તેમની બચવાની શક્યતા વધે છે. એમબ્યુલન્સ અને પોલીસ આવ્યા.
પહેલાં મને સ્ટ્રેચરમાં સુવડાવી. અકસ્માતમાં ઘાયલ લોકોને એ રીતે જકડીને બાંધે કે એક આંગળી પણ ન હલાવી શકાય. અને જો તમે કલોસ્ટ્રોફોબિયાના દર્દી હો તો તરત ભયંકર ગૂંગળામણ થવા લાગે.
દીકરીને બાંધીને મારી પાસે મૂકી અને મમ્મીને બીજી હોસ્પિટલમાં લઈ જતા હતા. મેં કહ્યું: મને ઉતારો, હું મમ્મી જોડે જઈશ, દીકરી અંગ્રેજી બોલે છે, મમ્મી નહીં. પણ તેઓ મને અને દીકરીને સ્ટેનફોર્ડ હોસ્પિટલ લાવ્યા અને મમ્મીને વેલી મેડિકલ લઈ ગયા. દીકરી કહે, “મમ્મી, મને આ લોકો જલદી નહિ ખોલે તો ઊલ્ટી થશે.”
ત્યાં એક નર્સ પૂછવા આવી કે; “બીજી હોસ્પિટલમાં તારી મમ્મી “નીનીકાલો, કાલો” ચીસો પાડે છે તો તેનો અર્થ શું થાય?”
મેં કહ્યું; “નીકાલો એટલે કે બધું બાંધેલું ખોલો, એમાંથી મને બહાર કાઢો.” પણ મને એટલી રાહત થઈ કે મમ્મી જીવે છે.
દીકરીના કોણી ઉપરના હાથના બે હાડકા અલના અને રેડિયસ તૂટી ગયેલા. ડોક્ટરે કહ્યું સર્જરીનો કાપો દેખાય તેના કરતા તેને ઘરે લઈ જા અને ત્રણ દિવસ બેસાડી રાખજે, સૂવા નહિ દેતી. તો ઉપર ચડી ગયેલા હાડકા નીચે આવી જશે પછી પ્લાસ્ટર કરીશું. તૂટી ગયેલા હાડકા સાથે તેને બેસાડી રાખી. મારી દીકરી વારંવાર બોલતી કે મને હાડકા અંદર હલતા હોય તેવું લાગે છે….!
મમ્મીને મગજમાં ઇન્ટરનલ બ્લીડિંગ, પૅલ્વિસ અને કોલર બોન ફ્રેક્ચર થયેલા. તેમની મેડીકેરની પ્રક્રિયા ચાલતી હતી. હોસ્પિટલમાં તેમને 6 દિવસ રાખ્યા પછી નર્સિંગ હોમની વ્યવસ્થા કરીને બે દિવસમાં લઈ જવા કહ્યું.
મેં ઘણા નર્સિંગ હોમમાં તપાસ કરી પણ ઇન્સ્યોરન્સ ન થાય ત્યાં સુધી કોઈ લેતું નહોતું. આખરે એકે કહ્યું કે જો હું તેમના રહેવાના અને ફિઝિયોથેરાપીના 10,000 હજાર ડોલર ‘પ્રિપે’ કરું તો લેશે. મેં વ્યવસ્થા કરીને મમ્મીને નર્સિંગ હોમમાં દાખલ કર્યા.
30. મિત્રોની મદદ
અકસ્માત પછી બહારગામ જવાનું બંધ થયું અને શરુ થયા હોસ્પિટલના ચક્કર, ગાડી અકસ્માતમાં ગઈ. મિત્રોએ રાઈડ આપી, કોઈ ખાવાનું લઈ આવ્યા. એક સખી આવી ત્યારે હું કપડાં બહાર મશીનમાં ધોવા નીકળતી હતી અને તેણે કપડાંની બાસ્કેટ લઇ લીધી ને પોતાના ઘરે ધોઈને લઈ આવી.
એક મિત્રએ કહ્યું તું બ્રેક લે, આજે હું મમ્મી પાસે બેસીશ. મેં કહ્યું આજથી તું મારો ભાઈ છે અને અમારો રાખી સબંધ હજી પણ તેવો જ રહ્યો છે.
મારા એક ક્લાયન્ટ CEO આવ્યા અને મને કહે તું સાથે કંપનીમાં આવ, તારા માટે એક વસ્તુ છે. હું ગઈ અને કંપનીના પાર્કિંગ લોટમાં તેમણે મને ચાવી આપીને કહ્યું કે આ ગાડી તારા માટે છે, તું પેપર સાઈન કર પછી અમે સંભાળી લઈશું.
મારા જીવનના ઉતારચડાવમાં મને આમ અણધારી જગ્યાઓથી અનોખી મદદ મળતી રહી છે.
31. રીક્રુટીંગનો નવો વ્યવસાય
અણધારી શરૂઆત અને સોનેરી સમય: લેખન અને વ્યવસાય બંને વિકસ્યા
મારી સહેલી પાઇપરના પતિ નોકરી શોધતા હતા અને હું ઘણી કંપનીમાં લોકોને ઓળખતી હોવાથી તેણે મને રેઝયુમે મોકલ્યું.
મેં એક તબીબી ટેક્નોલોજી (મેડિકલ ડિવાઇસ) કંપનીના સીઈઓને મોકલી અને તેમણે નોકરીની ઓફર આપી. તેમની જોડે કામ કરતા બીજા બે રેઝયુમે મેં મોકલ્યા અને એકને નોકરી મળી.
હું ટાઈ જેવી સંસ્થામાં સેવા આપતી અને આ લોકોની મુલાકાત થતી. તે સીઇઓ કહે તું રીક્રુટીંગનો ધંધો કર તો પૈસા સારા મળશે. મેં કહ્યું કે તે વળી શું અને મને આ ટેક્નોલોજીની કોઈ ગતાગમ નથી.
તેમણે કહ્યું રીક્રુટીંગ એટલે તું કંપનીને સારા વૈજ્ઞાનિક, એન્જિનિયર વગેરે શોધી આપ. થોડી કોન્ફરન્સમાં જશે તો તને આ ટેક્નોલોજી વિષે શીખવા મળશે.
હું કોન્ફરન્સમાં પહોંચી ગઈ. તબીબી વિજ્ઞાન અને ટેક્નોલોજીની કોન્ફરન્સની ટિકિટ ખુબ મોંઘી હોય. હું કરકસરથી રહેતી, છતાં વિચાર્યું ધંધામાં નફો કરવા પૈસાનું રોકાણ કરીને રિસ્ક લેવું પડે ને મેં $1500ની ટિકિટ લીધી. સવારે કોફી પીતાં ડોક્ટરો,, વૈજ્ઞાનિકો વગેરેને મળીને મને થયું અહીં મારી કોઈ હેસિયત નથી. હું બાથરૂમમાં જઈને વ્યર્થ પૈસા બગાડ્યા તેથી રડી. પછી વિચાર્યું કે પૈસા બગાડ્યા જ છે, તો કોન્ફરન્સમાં બધાને સાંભળું.
સેશન્સમાં બધાને સાંભળતા તાજ્જુબ થતી ગઈ. 6 ફૂટ જેટલા શરીરમાં લાખો રોગ થાય, ખામીઓ આવે અને આ લોકો તેને સુધારે, રોગને વકરવા ના દે, તે વાત ખૂબ જ રસસ્પદ લાગી.
સાંભળતા થયું ઘણાને આ વિષય અંગે માહિતી નહિ હોય. તબીબી વ્યવસાય, ડોક્ટર, નર્સ વિષે આપણે જાણીએ. પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિકો વિચિત્ર રોગના ઉપચાર શોધે, વાઇરસ અને બેકટેરિયાનો સામનો કરવાની દવાઓ શોધે, એન્જિનિયર હૃદય, મગજ, ઇન્ટેન્સટાઈન વગેરેના મશીન બનાવે, હૃદયમાં નંખાતી સ્ટેન્ટ બનાવે.
આ બધી જ પ્રક્રિયાઓ વૈજ્ઞાનિક શોધખોળો માટે બનાવેલા કડક કાયદાકાનૂનના દાયરામાં રહીને જ થાય અને એ માટે ક્વોલિટી કન્ટ્રોલ અને ક્વોલિટી એસ્યોરન્સનાં ફેડરલ સ્ટન્ડર્ડ્સ પણ પાળવા પડે. આ બધાં વિશેની જાણકારી રસસ્પદ હતી.
પછી મને થયું કે આ રસપ્રદ જ્ઞાનનું મારે સામાજિક સ્તરે વિતરણ કરવું જોઈએ. ઘણા વખતથી મારો પોતાનો બ્લોગ શરુ કરવાની ઈચ્છા આમેય હતી અને આ વિચારે એને અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં કેટેલિસ્ટનો ભાગ ભજવ્યો.
પછી તો જ્યાંથી નવું જાણવા મળે તે માહિતી મારા બ્લોગ ઉપર હું લખતી. વિવિધ ટેક્નોલોજીનાં વિષયો પરનાં વાચકો વધ્યાં અને મને આને કારણે અનેક કોન્ફરન્સમાં ઓનરરી ટિકિટ મળવા લાગી. 1500 ડોલરની ખર્ચીને ગયેલી તે કોન્ફરન્સના હવે $4500 છે. પણ મને તેમાં ઓનરરી ટિકિટ મળે છે.
લોકો હવે મને ઓળખવા લાગ્યા હતા અને હું વધારે હાયરિંગ કરવા લાગી. બે વર્ષમાં આશા નહોતી, તેવી કમાણી કરી. અહીંની જાણીતી તબીબી ટેક્નોલોજીની નોન પ્રોફિટ bio2devicegroup સંસ્થાએ તેમના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. તેર વર્ષથી હું તેમની સાથે છું અને થોડા વર્ષોથી વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા ઉપર છું.
બીજી સંસ્થા EPPICની એક્ઝિક્યુટિવ કમિટીમાં પણ જોડાઈ. જિંદગીના માર્ગ પરના કાંટા જાણે ઓછા થઈ રહ્યા છે, એમ લાગવા માંડ્યું.
મારું પોતાનું ઘર લેવાનું મારું સપનું હતું પણ કેલિફોર્નિયામાં લઈ શકીશ કે નહીં, એ પ્રશ્ન થતો. પણ છેવટે એ શક્ય બન્યું અને મારા માટે એ ઊંડો સંતોષ આપતી મોટી સિદ્ધિ હતી.
મારો બ્લોગ અને મારું લખવાનું, બેઉએ એમનાં મૂળિયાં રોપી દીધાં હતાં. મને નાટકનો શોખ હતો અને એકવાર નાટક જોઈને સમીક્ષા લખી.
હવે બે એરિયાના લગભગ બધા અંગ્રેજી નાટકમાં મને પ્રોડક્શન કંપનીઓ સામેથી ટિકિટો મોકલીને બોલાવે છે અને મારા રિવ્યુની રાહ જુએ છે. આમ રીક્રુટીંગના વ્યવસાય જોડે મારી લખવાની પ્રવૃત્તિ પણ જામી ગઈ. ગુજરાતી અને હિન્દીમાં પણ હવે લખું છું, એથી બ્લોગના વાચકો પણ વધ્યાં છે.
32. મમ્મીને ભારત મુક્યા
મમ્મીને અકસ્માતમાં મગજમાં ઈજા થવાથી ડેમેન્શિયા થયું હતું. તેમની યાદશક્તિ જતી રહી અને બીજા માનસિક અને શારીરિક ફેરફાર પણ આવ્યા. કારકિર્દીની જવાબદારી સાથે બાળકો અને મમ્મીને સંભાળવું મુશ્કેલ હતું. મમ્મી બે વાર ઘરમાંથી ચાલી ગયા અને ખોવાઈ ગયેલા.
પિતરાઈ ભાઈની સલાહથી મેં તેમને ભારત મૂકી આવવાનો નિર્ણય કર્યો. હું ભારત ગઈ અને વિષ્ણુએ નવી સમસ્યા ઊભી કરી. તેણે સોશ્યિલ સર્વિસને જણાવ્યું કે હું બાળકોને એકલા રાખીને બહારગામ જતી રહી છું. તેઓ બાળકોની શાળામાં તપાસ કરવા ગયા.
બાળકો ગભરાઈ ગયા કે તેમને ફોસ્ટરકેરમાં જવું પડશે અને તેમના ફોન આવ્યાં. મેં રાખીભાઈને અને સખીઓને ભારતથી ફોન કરીને બાળકો જોડે સતત સંપર્કમાં રહેવા કહ્યું. ભારત મમ્મીને મૂકીને પાછી આવી ત્યારે સોશ્યિલ સર્વિસને મળી.
તેઓએ કહ્યું કે બાળકોના પિતાએ ફરિયાદ કરેલી પણ તેમણે બાળકો સાથે વાત કરીને જાણ્યું કે તેઓ સુરક્ષિત હતાં અને તેમણે વિષ્ણુની ફરિયાદ નકારી કાઢી હતી. આમ તે કિસ્સો પત્યો.
33. પૈસાનું રોકાણ, ગુમાવ્યા પૈસા અને ધંધો ઠપ
મારો રિક્રુટીંગ બિઝનેસ જામી ગયો પણ મારી માંડ સ્થિર થયેલી નૌકામાં જાણે કે કાણાં હતા. વિષ્ણુ નવીનવી મુશ્કેલીઓ ઊભી કરતો ને પૈસા આવે તે વકીલોને જતા. કોર્ટમાં બધા પૈસા ન ઊડી જાય તેથી મને ક્યાંક રોકાણ કરવાનો વિચાર આવ્યો. મારી ઓળખાણ રોબર્ટ રાઇનહાર્ટ જોડે થઇ. તેની રિયલ એસ્ટેટ કંપનીમાં મેં 1 લાખ ડોલર રોક્યા. મને થયું ધંધો ચાલતો હતો અને પૈસા આવતા રહેશે.
34. Man proposes & God disposes
1930 પછી સન 2009માં અમેરિકામાં મોટી આર્થિક મંદી આવી. રિયલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) આંક 2007 Q4માં 4.3 ટકાની ટોચે હતો તે ઘટીને 2009 Q2 માં -2.5 થઇ ગયો. અગણિત અમેરિકનોની સાથેસાથે મારા ધંધામાં અને રહેણીકહેણીમાં તરત મંદીની અસર થઈ.
1) રીઅલ એસ્ટેટ હાઉસિંગ માર્કેટ: જેમ જેમ કટોકટી વધતી ગઈ તેમ અમેરિકાની હાઉસિંગ માર્કેટમાં ફોરકલોઝર અને ડિફોલ્ટના કિસ્સા વધવા લાગ્યા, અસંખ્ય લોકો મોર્ટગેજ ન ભરી શકવાને કારણે ઘર ગુમાવવા લાગ્યા અને માર્કેટમાં વેચાતા ઘર વધી જતા ભાવ ઉતરવા લાગ્યા.
2) હાયરિંગ: બેરોજગારીનો દર, ડિસેમ્બર 2007માં 5 ટકા હતો તે જૂન 2009માં વધીને 9.5 ટકા થયો અને ઓક્ટોબર 2009માં 10 ટકાની ટોચે પહોંચ્યો. નોકરી શોધવાવાળા ઘણાં પણ નોકરીઓ ઓછી – તેવી સ્થિતિમાં આપમેળે માણસો મળે ત્યારે રિક્રુટીંગની કોને જરૂર પડે?
3) ડાઇવરસીટી અને બીજી સોફ્ટ ટ્રેનિંગ: સમય સારો હોય ત્યારે કંપનીઓ સોફ્ટ પીપલ ટ્રેનિંગમાં પૈસા ફાળવે પણ આ સમયે તે બધું પણ બંધ થઇ ગયું.
આવક બંધ અને ઘરના હપ્તા અને વિષ્ણુના કેસને લીધે વકીલોના ખર્ચા ચાલે. કોઈ રસ્તો ન રહેતા મેં રાખીભાઈ મકરંદ અને સહેલી પાઇપરને ઇમેઇલ મેસેજ મોકલ્યો કે મળી શકે તો મારે 20,000 ડોલર ઉધાર જોઈએ છે. નહિ કોઈ દસ્તાવેજ, નહિ લખાણ, ફક્ત મૈત્રીને નામે પાઇપર ઘરે ચેક આપીને ગઈ. રાત્રે 8 વાગે મકરંદ 20,000 ડોલરનો ચેક લઈને આવ્યો.
મેં કહ્યું પાઇપર ચેક આપી ગઈ. તે કહે ચેક જમા ન કરાવ્યો હોય તો મારા પૈસા લે. દરેક મુશ્કેલીમાં મને મિત્રોનો સંપૂર્ણ સાથ મળ્યો. આવતા સમયમાં વધુ પૈસાની જરૂર પડી અને બંને પાસેથી કુલ ડોલર 60,000 મેં ઉધાર લીધેલા. ક્યારેય બંનેએ ઈન્કાર ન કર્યો અને પાછા માગ્યા પણ નહીં.
લગભગ ત્રણ વર્ષની આર્થિક ભીંસ પછી ફરી મારો ધંધો ચાલ્યો ત્યારે મેં એ બન્નેને એમના પૈસા પરત કર્યા. પણ મારા હૃદય પર એમનું ઋણ આજીવન રહેશે…એ હું કઈ રીતે ચૂકવી શકું?
વિષ્ણુ અને મેં સાથે કમાણીમાંથી બાળકો માટે કોલેજ એકાઉન્ટમાં પૈસા મુકેલા અને વિષ્ણુ કસ્ટોડીયન હતો, તે તેમ જ રહેવા દીધું કેમકે બાળકોને 16 વર્ષે કોલેજ માટે તે પૈસા મળવાના હતા. પણ વિષ્ણુએ કસ્ટોડીયન રહીને ફાયદો ઉઠાવ્યો. ઉમર ફેરવીને 21 કરી. અને મને કહે તું કોલેજની ફી ભર અને તેઓ મોટાં થશે ત્યારે હું તેમને આપીશ.
મારી પાસે કોલેજના પૈસા નહોતા. મેં ભણતરના પૈસા વિષ્ણુ પાસેથી છોડાવવા કોર્ટમાં અરજી કરી. વકીલ માટે મેં 6,000 ડોલર ખર્ચીને વિષ્ણુએ જપ્ત કરેલા બાળકોના ભણતરના પૈસા છોડાવ્યા. છતાં તે ફી માટે પૂરતા નહોતાં. બાકીની જવાબદારી મેં જ નિભાવી.
35. રાઇનહાર્ટ જોડે મુકેલા એક લાખ ડોલર ગુમાવ્યા
મેં લાખ ડોલર રાઇનહાર્ટ જોડે મુકેલા. ફી ભરવાની, ચોપડીઓ લેવાની, ખાવાપીવાના પૈસા જોઈએ અને ધંધો બંધ થઈ ગયો. હું પૈસા પાછાં લેવા રાઇનહાર્ટને મેસેજ કરું તો તે જવાબ આપતો નહોતો. ક્યારેક એનાં ઘણાં ક્નેલાયન્ટોને સંબોધીને ઇમેલ આવે કે બધાંયે રોકેલા પૈસા કાઢતાં અને પરત આપતાં સમય લાગશે.
એ બધાંના નામ બીસીસીમાં રાખતો, પણ એક દિવસ ભૂલથી કોપી સીસી કરી નાંખ્યું. મને આ ખબર પડતાં જ, મેં બધાને ઇમેલ મોકલીને મારે ત્યાં બોલાવ્યા. આઠેક કપલ અને બે સિંગલ વ્યક્તિ આવ્યા. અમુક લોકોનું કહેવું હતું કે આપણે ધીરજ રાખીએ. બાકીનાં ચારને લાગ્યું કે એ એની મેળે નહીં આપે અને અમારે કઢાવવા માટે પગલાં લેવા જોઈએ એટલે તે માટે અમે કામ વહેંચ્યા.
એક જણે કમ્પ્યુટર ઉપર રિસર્ચ કરીને તેના સરનામાં, ક્યાં કામ કરતો હતો તે શોધ્યું, બે જણાં માહિતીના આધારે તેને રૂબરૂ મળવા ગયા. પહેલા સરનામેથી બીજે ને ત્રીજે જઈને કેમ્પર પાર્કમાં તેને મળ્યા.
રોબર્ટને ગરીબડી હાલતમાં જોઈને સમજી ગયા કે તેની પાસે કોઈ પૈસા હતા નહિ. ભાંડો ફૂટ્યા પછી રોબર્ટે પોતે જ બધાને ફોન કરીને કહ્યું કોઈ પૈસા નથી.
મને તે ક્ષણ યાદ છે. હું ટ્રેડર જો’સમાં હતી અને સાંભળતા મારી નીચેથી જમીન સરકતી લાગી. મેં FBIનો સંપર્ક કર્યો. તેમની તપાસમાં આવ્યું કે રોબર્ટે સાથી જોડે inter-state પોન્ઝી સ્કીમ કરેલી અને ઘણા લોકોએ એમાં પૈસા ગુમાવ્યા. રોબર્ટનો કેસ હતો ત્યારે અમે ચાર કોર્ટમાં ગયેલા. FBIએ મને કોર્ટમાં પીડિતોને કેવી અસર થઈ તે વિષે સ્ટેટમેન્ટ વાંચવા કહેલું. આખરે રોબર્ટને તેના કરતૂત માટે જેલ થઇ પરંતુ અમે તો અમારા પૈસા ગુમાવ્યાં.
36. ઘરના સોદા
કટોકટીમાં કામ આવે તે માટે પૈસા રાખેલા તે ગયા અને ધંધો બંધ. ઘર પકડી રાખવાની કોશિશ કરી પણ અંતે એ શક્ય જ નહોતું. વેચવાનો નિર્ણય કરતાં જ અમલમાં મુક્યો અને ત્રણ દિવસમાં તૈયાર કરીને વેચવા મૂક્યું અને ત્યાં વિચાર આવ્યો કે, “હું હવે રહીશ ક્યાં?”
ઘર વેચાતા નહોતા પણ મારુ ઘર કુપરટીનો જેવા વિસ્તારમાં હોવાથી તરત ઓફર આવી. માત્ર ડાઉન પેમેન્ટ જ હાથમાં આવતું હતું, પણ મેં ઓફર સ્વીકારી લીધી. બે દિવસ પછી તેઓને ઓફર ઓછી કરવી હતી. મેં કહ્યું પૈસા ઓછા નહિ પણ કોઈ ફર્નિચર જોઈતું હોય લો. તેમણે બધું ફર્નિચર લઇ લીધું.
પાઇપરને બાળકોના કપડાં, રમકડાં, ચોપડીઓના વીસેક કાર્ટૂન ગુડવિલમાં આપી આવી. દીકરાના મિત્રએ મંદીના ભોગ બનેલાઓને આર્થિક મદદ માટેની સંસ્થા શરુ કરેલી ને તે ઘરની ઘણી વસ્તુઓ લઇ ગયો.
થોડા સમય બાદ આ બધાંમાંથી પરવારી ત્યારે મેં મારી દીકરી જોડે મમ્મીને મળવા ભારત જવાનો નિર્ણય કર્યો. વિચાર્યું કે ત્યાં મહિનો રહીને આવીને તેને કોલેજ મુકવા જાઉં, ત્યાં પણ થોડો સમય રહીને ત્યાર બાદ કોઈના ઘરે ઓરડો ભાડે શોધી લઈશ. ત્યાં સુધી મારા સામાન માટે નાનું સ્ટોરેજ લઈશ.
મેં પ્રિઝમ કંપનીને કહ્યું કોઈ કામ હોય તો હું ભારત જાઉં છું. મને બે દિવસ મુંબઈમાં કામ મળ્યું. એક દરવાજો બંધ થયોને ત્યાં એક નાની બારી ખૂલી. મેં ભારતનું બુકીંગ કર્યું.
અચાનક મારી એજન્ટ આવીને કહે: બીજું ઘર ખરીદીશ? મેં કહ્યું મારી પાસે આવક નથી ને મને કોઈ લોન ન મળે. તે કહે કે આ ઘર વેંચીને જે ડાઉન પેમેન્ટ મળ્યું છે એટલામાં જ નાનો કોન્ડો મળે તો? મેં કહ્યું કે 1 લાખ, 60 હજાર ડોલરમાં કેલિફોર્નિયામાં બાથરૂમ જેટલીયે જગ્યા ન મળે, તો ઘર ક્યાંથી મળે?
મંદીને લીધે ઘર વેચાતા નહોતા અને એક માણસ તેનું ઘર અહીં એજન્ટ પાસે છોડીને જર્મની ચાલ્યો ગયો હતો. તેના એજન્ટ અને મારી એજન્ટે મળીને સોદો કર્યો અને એ ઘર મને મળ્યું. ઘરમાં રંગ, કાર્પેટ, દીવાલો ગંદી હતી, રસોડામાં શેલ્ફ તૂટી ગયેલા, ને નવા સિન્ક અને પ્લેટફોર્મ બદલવાની જરૂર હતી. પણ ઘરમાં હવા ઉજાસ હતા અને તેટલા જ પૈસામાં મળતાં, મારુ રહેવાનું ફ્રી થયું. એક ચાઇનીસ મિત્રની મદદથી મેં સામાન હતો તે ફેરવ્યો.
ઘર લીધું પણ રહેવા લાયક નહોતું. મારી એજન્ટે કોન્ટ્રાક્ટર મોકલ્યો. જાણીતો હોવાથી માત્ર 12000 ડોલરમાં તેણે રંગ, નવી કાર્પેટ, રસોડા અને બાથરૂમમાં શેલ્ફ, અને સિંક કરવાની હા પાડી.
મારી એજન્ટે મને કહ્યું હું ભારતથી આવું ત્યાં સુધીમાં તૈયાર થઇ જશે. હું ને દીકરી ભારતમાં મમ્મી જોડે રહ્યા મુંબઈ હોટેલમાં બે દિવસ મારા કામ માટે રહ્યાં અને કૈક ખાવામાં આવ્યું કે શું, પણ, વળતા પ્લેનમાં મને ઝાડા ઊલ્ટી શરુ થયા. માંડ અમેરિકા પહોંચ્યા અને અમે ટેક્ષીમાં ઘરે પહોંચ્યા ત્યારે રાતના 12 થયા.
ઘર પહેલે માળે હતું. અમે બંનેએ જેમતેમ કરીને બેગો ઉપર ચડાવી. ચાવી કાઢીને મેં ઉમંગ સાથે ઘર ખોલ્યું. ઘરની હાલત જોઈને અમે ડઘાઈ ગયા. કાર્પેટ ઉખેડી લીધેલ, ખીલીઓ બહાર આવતી હતી, રસોડામાં સિંક, શેલ્ફ ને પ્લેટફોર્મ કાઢી લીધેલા, પણ નવું કાંઈ જ નાખ્યું નહોતું. ફ્રીજ ચાલતું હતું.
અંદર બે નાના ઓરડા હતા. તેમાંના એક ઓરડામાં મારો સામાન હું રાખીને ગયેલી તેને હટાવીને કાર્પેટ કાઢી નહોતી. અમે સામાન ભીંતભેર કરીને વચ્ચે જગ્યા બનાવીને એક ખોખામાં રાખેલ સ્લીપિંગ કાઢીને સુતાં. મારો તાવ ને ઝાડા ઊલ્ટી ચાલુ હતા.
મારી પાસે નોકરી અને આવક ન હોવાથી ઇન્સ્યોરન્સ ન હતો. બીજે દિવસે દીકરીએ એક ક્લાયન્ટને ફોન કરીને મદદ માંગી. તે ભાઈ ઘરે આવ્યા. હાલત જોઈને અમારા માટે પાણીના ગેલન, દૂધ, ચા, બ્રેડ સાથે તેમની પાસે હતી તે એન્ટિબાયોટિક દવા આપીને ગયા.
એજન્ટે કહ્યું કે તે વ્યસ્ત થઈ ગઈ હતી આથી કંઇ કામ ન કરાવી શકી. બે ત્રણ દિવસમાં સહેજ સાજા થતાં મેં ફરી શેલ્ફ, રંગ વગેરે પસંદગી કરી અને ઘરનું કામ પાટે ચડાવ્યું. કામ પૂરું થતા ઘર એકદમ સુંદર દેખાવા લાગ્યું. ત્યાર બાદ દીકરા જોડે જઈને દીકરીને અમે સાન ડિએગો કોલેજમાં મૂકી આવ્યા.
37. વિષ્ણુ દ્વારા ડિજિટલ અબ્યુઝ – ટેક્નોલોજી દ્વારા તારાજી
આવક શૂન્ય હતી અને ખર્ચ પણ થોડો. એમ એકડે એકથી શરૂઆત થઇ. કોન્ડો ખરીદી લીધેલ તેથી મોર્ગેજ હતું નહિ, દીકરીને સ્કોલરશીપ મળી અને કોઈની જૂની ચોપડી, જૂના કપડાં લઈને અમે ગાડું ચલાવ્યું. છતાં કોર્ટ કેસ ચાલતા હતા, તેમાં એક કેસનો ઉમેરો થયો.
એક દિવસ મારી વકીલે કહ્યું, વિષ્ણુ પાસે તારી ઇમેલ છે અને તેણે કોર્ટમાં રજૂ કરી છે કે દર્શના મોટી કંપનીઓ જોડે કામ કરે છે, તો તે ખૂબ પૈસા બનાવતી હશે. એટલે બાળઉછેરની જવાબદારી તેની જ હોવી જોઈએ.
મેં કહ્યું: વિષ્ણુને મારી ઇમેલ કેવી રીતે મળી અને હેક કરીને કોર્ટમાં પ્રસ્તુત કરવી ગેરકાયદેસર નથી? તે કહે: છે જ. પણ તે કેસ માટે તારે બીજો વકીલ શોધવો પડશે.
મારી ઇમેલમાંથી મારી અંગત વાતો, મારી મેડિકલ માહિતી, અને ખાસ તો હું કામ કરું તે કંપની જોડે મેં કોન્ફિડેન્શિઆલિટી એગ્રીમેન્ટ કરી હોય તે બધુ વિષ્ણુના હાથમાં આવ્યું. તેના આધારે તે કંપનીને નાહક સપીના મોકલતો હતો. મેં શું કામ કર્યું, કેટલા પૈસા મળ્યા તે માહિતી લઈને કોર્ટમાં આવવાના મેસેજ તેણે મારી કંપનીઓના CEOને મોકલેલા.
એક દિવસ તે બાળકોને મારા ઘરે લેવા ગયેલો. હું 10 મિનિટ પહેલા કામે નીકળેલી. બાળકો તેમની વસ્તુઓ લેતાં હતાં ત્યારે તે મારું કમ્પ્યુટર અને પાસવર્ડ લખી રાખેલા લિસ્ટને જોતો હતો. તે મેં બાળકો પાસેથી જાણ્યું.
મારી વકીલે કહ્યું કે, કંપનીની કોન્ફિડેન્શિઅલ માહિતી હેક થાય અને તેના પેટન્ટની માહિતી બીજાને મળે તો હું ગુનેગાર ગણાઉં કેમકે મેં કોન્ફીડેન્શીઅલીટી સાઈન કર્યા પછી તે માહિતીની રક્ષા કરવાની મારી જવાબદારી ગણાય.
કોઈ કંપનીની ગુપ્ત માહિતી વિષ્ણુ વાપરે તો મોટો અનર્થ થાય. મેં વકીલ શોધીને કેસ કર્યો. વિષ્ણુએ કોર્ટમાં કહ્યું તે ઇમેલ લગ્ન પહેલાનું અમારું બંનેનું ઇમેલ છે અને જજે કેસ ફેંકી દીધો. જજે કેસ સાંભળ્યો પણ નહીં, તેથી હું તેનાથી ઉપર હાઈકોર્ટમાં ગઈ અને આખરે સુપ્રીમ કોર્ટમાં ગઈ.
ત્યારે સ્ત્રીઓના સંદર્ભમાં કેસ લડતાં વકીલોના જૂથના ધ્યાનમાં આવ્યું અને તેઓએ કોર્ટના પેપર મને મફતમાં તૈયાર કરી આપ્યા. પછી બીજા વકીલ દ્વારા કેસ કેલિફોર્નિયાની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. તે સમયે ડિજિટલ અબ્યુઝ એટલે કે ટેક્નોલોજી દ્વારા નુકશાન પહોંચાડી શકાય છે તે વિષે લોકોમાં વધુ માહિતી નહોતી.
ત્યારે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ પણ ચાલતો હતો. ઉપરાંત કોલેજ માટે રાખેલ બાળકોની એજ ઓફ રિલીઝ વિષ્ણુએ ૨૧ વર્ષની કરેલી અને તે પૈસા કોલેજ માટે કઢાવવાનો કેસ પ્રોબેટ કોર્ટમાં ચાલતો હતો. ઉપરાંત વિષ્ણુએ મેં કામ કરેલું તેવી કંપનીના સીઈઓને, મારી રિયલ એસ્ટેટ એજન્ટ, બેન્ક વગેરેને નોટિસ આપેલી તેનો હું સામનો કરી રહી હતી.
જિંદગી ટૂંકી હોય છે એવું સાંભળીએ છીએ પણ એમાંથી મારી જિંદગીનો એક આખો દાયકો કોર્ટમાં કેસ લડવામાં અને મારા બાળકોના હક્કનું સુખ પાછું મેળવવાના પ્રયત્નમાં ખર્ચાઈ ગયો. ઉપરાંત, એક લાખ ડોલર વકીલોના ખિસ્સામાં ગયા એ જુદું.
(ક્રમશ:)
(આવતી કાલે ફાઈનલ , ચોથો ભાગ)
One Comment