ટુકડો (વાર્તા) ~ વર્ષા તન્ના

“ભાઈ ક્યાં જવું છે?” ગોવિંદે પૂછ્યું. પણ અવાજ એટલો ધીમો હતો કે એ બંને જણના કાન સુધી પહોંચી શકે નહીં. એટલે બંનેએ સાંભળ્યું નહીં કે પછી તે બંનેને રીક્ષા જોઈતી ન હતી. પણ ગોવિંદની સામે જોયા વગર બંને ચાલ્યા ગયા.

આમ પણ ચોમેર અંધારું પથરાયેલું હતું કાળી નાગણ જેવું. નાગણ તેના બચ્ચાંને ખાઈ જાય. કેમ તેને ભૂખ લાગતી હશે? અત્યારે તો આ ભૂખ જ તેને ખાઈ રહી હતી ટુકડે ટુકડે.

આજે અમાસ હતી એટલે ચાંદનીનો ઉજાસ ક્યાંય દેખાતો ન હતો. જ્યારથી ગીરજા અને આસિત ભગવાનને ઘરે ગયા ત્યારથી ગોવિંદના જીવનમાં કાયમની અમાસ થઈ ગઈ હતી. આ દોડતી સડક પર તે આખો દિવસ રીક્ષા લઈને દોડ્યા કરતો હતો.

આજે આ સડક પર કેટલાય ખાડા થઈ ગયા છે. ક્યાંક માંડ સીધી સપાટ સડક જેવું લાગે ત્યાં મોટો ખાડો આવીને સડકના ટુકડા કરી દે. આ સડકની જિંદગી છે કે પોતાની? પહેલાં સડક પણ કેવી સરસ મજાની હતી! રોજ આ સડક પસાર કરી કેટલાયે લોકોને તેમના મુકામ સુધી પહોંચાડ્યા હતાં. અત્યારે આ સડક કરતાં ખાડાટેકરાંની ખાણ વધારે લાગે છે.

હજુ તો સડક બહુ થોડા સમય પહેલા જ બની હતી. પણ અત્યારે તો ટુકડાં થઈ વેરણછેરણ થઈ ગઈ છે. થોડા સમયમાં લોકો બુમરાણ મચાવશે અને આ સડકનું સમારકામ થશે. પણ પોતાની જિંદગી! પોતે કોને કહેશે? કુદરતને? ઈશ્વરને? અને તેનું સમારકામ તો થઈ શકે એવું રહ્યું જ નથી.

આ કોરોનાનો રાક્ષસ તેની પત્ની ગીરજા અને પુત્ર આસિતને ગળી ગયો. ઈશ્વર પણ મંદિર બંધ કરી બેસી ગયો હતો. આ તેની લાચારી નહીં તો બીજું શું? આ લાચારી તેણે ગોવિંદને દાનમાં દીધી હતી.

અત્યારે પોતે સાવ એકલો. ગોવિંદે દૂર સુધી નજર કરી. કોઈ આવતું હોય તો. પણ અંધારું એટલું ઘોર હતું કે કોઈ ભૂલું પડે તોપણ દેખાય નહીં.

આજકાલ તેની રીક્ષામાં કોઈ બેસતું ન હતું. આમ પણ ભાગાભાગી એન દોડાદોડીને બદલે જિંદગી સ્થગિત થઈ ગઈ હોય તેવું ગ્રહણ આખી દુનિયાને લાગી રહ્યું હતું. લોકો ચાલીને જતાં થાકતા પણ વાહનમાં બેસવાની જાણે મનાઈ હતી.

કોઈ વખત જિંદગી હાંફતી હોય અને ત્યારે તેને ક્યાંય જવું હોય ત્યારે પેલી પેટ્રોલથી ચાલતી રીક્ષામાં જ મોટેભાગે લોકો બેસે. વળી બધા કોરોનાકાળમાં ગભરાયેલા હતાં. તેઓ દયા ખાઈને બોલે પણ ખરા “અમને કોઈ માણસને તકલીફ પડે તે ન ગમે.” ગોવિંદ મનમાં કેટલીયે વખત બોલ્યો હતો ‘તકલીફ તો તેમે નથી બેસતા તેની થાય છે.’

પોત પણ હાથ રીક્ષા છોડી દેવાનો હતો. તે પણ પેટ્રોલની રીક્ષા લેવાનો હતો. ગીરજાએ ખાસ તે રીક્ષા લેવા માટે આગ્રહ કર્યો હતો. અને પોતાનું મંગળસૂત્ર પણ કાઢીને આપ્યું હતું.

“હું તો તમારા નામનું મંગળસૂત્ર પહેરું છું. આ તો ખાલી મોતી છે. મારા માટે તો સાચા મોતી તમે અને આસિત છો. તમે રીક્ષા લઈ લ્યો. આસિતને આપણે આગળ ભણાવવો છે. ઈ ફટાફટીયાવાળી રીક્ષાથી કમાણી વધુ અને હાડમારી ઓછી.

ગીરજા દલીલ કરતી. “જો તમે હવે આ હાથરીક્ષા ચલાવાનું બંધ કરો. હાંફી જાઓ છો. તમારી તબિયતનું ધ્યાન રાખો. હજી આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે. આમ બોલી ગીરાજાએ, ના પાડતા ગોવિંદના હાથમાં પોતાનું મંગળસૂત્ર પકડાવ્યું હતું.

ગોવિંદ ગીરજાને વહાલથી કહેતો “ઉતાવળી થા’માં. હજુ તો આ રીક્ષાની કિંમત મારે પૂછવાની છે. એને ચલાવતા પણ શીખવી પડશે. ત્યાં સુધી આ હાથરીક્ષા જ મારી ભેરું.

“તમને બહુ ગમે છે તમારી આ રીક્ષા?” ગીરાજ્યએ પૂછ્યું “આ રીક્ષા તમે કાઢતાં નહીં.

“હવે આ રીક્ષા લેશે પણ કોણ?” ગોવિંદે વર્તમાનકાળનો ચિતાર આપ્યો, “તને શું લાગે છે? હું નાનો હતો ત્યારથી આને ચલાવું છું. અને આજે પણ મારા પગમાં અને બાવડામાં એટલું જોર છે કે બધા લોકોને નિરાંતે તેમના મુકામે પહોંચાડી દઉં છું.”

ગોવિંદ હાથરીક્ષાને વહાલથી જોતો. પણ ગીરજા અર્ધી મજલે જ જતી રહી. અને આસિતને ભેગો લેતી ગઈ. પોતે સાવ એકલો. આ પેટ્રોલવાળી રીક્ષા લેવા માટે જે મંગલસૂત્ર ગીરજાએ આપ્યું હતું તે મંગલસૂત્ર રીક્ષા માટે નહિ પણ રોજબરોજની જિંદગી ચલાવવા માટે વેચી નાખવું પડ્યું. તેમાંથી દવાખાનાના પૈસા ભર્યા. પણ આ પૈસાથી ગીરજા અને આસિતને પાછો ન લાવી શક્યો.

‘આજે કયો વાર છે?’ ગોવિંદ વિચારવા લાગ્યો. તે દર ગુરુવારે તે મોડો ઊઠતો. ઊઠી ચા-નાસ્તો કરી રીક્ષાના પૈડામાં તેલ પૂરતો અને પછી સાફ કરી ચકચકિત કરતો. પછી પોતે તૈયાર થતો.

ગીરજાએ ઈસ્ત્રી કરેલાં કપડાં પહેરી ગીરજા અને આસિત સાથે સાંજ પડે બહાર ફરવા જતો. ગુરુવાર રીક્ષા માત્ર પોતાના પરીવાર માટે, કોઈ પેસેન્જરની સવારી લેતો નહીં. સાંજ પડે ત્રણેય જણાં નીકળે. ગોવિંદ તેને ગમતું ગીત લલકારે,

“મેં રીક્ષાવાલા મેં રીક્ષાવાલા
હૈ ચાર કે બરાબર મેં દો ટાંગવાલા “

આમ ગાતા ખુશ થતો આખો પરિવાર રાત્રે બહાર જ ખાઈપીને નિરાંતે ઘર આવે. એકાદ ગુરુવાર તો ફિલ્મ જોવાની પણ મોજ કરે. કેટલીયે વખત આસિત કહે આપણે બધા બહાર ફરવા જઈએ છીએ તો આપણાં બકુને કેમ નથી લઈ જતાં?

મમ્મી તેને રોજ જમાડે છે. તમને ખબર છે બાજુવાળા કરસનકાકાએ રોટલો નાખ્યો હતો તે તેણે અડ્યો પણ નહીં. મમ્મીએ જ્યારે બોલાવ્યો તો પૂંછડી પટપટાવતો દોડતો આવ્યો. એ આપણો પરિવાર જ કહેવાય ને?

“એને તારી માએ હેળવ્યો છે. રોજ ટુકડો રોટલો રોટલી નાખે એટલે પૂંછડી પટપટાવા માંડે.” ગોવિંદ હસતો હસતો કહેતો.

ગોવિંદ જ્યારે કામ પર નીકળતો ત્યારે બકુ તેની રીક્ષા પાછળ પાછળ થોડે સુધી જતો અને પછી પાછો ઘર તરફ. અત્યારે તેને કાળો કૂતરો દેખાયો. આ અંધારામાં માણસ ભળાય નહી. પણ આ કૂતરો તેની જીભના લબકારાથી દેખાઈ ગયો. એને પણ ભૂખ લાગી હશે. ગીરજા હોત તો ચોક્કસ ખાવાનું લઈ તેને આપત.

તે કાયમ કહેતી “આપણે કોના નસીબનું ખાઈએ છીએ તે કોને ખબર છે? જે મળ્યું હોય તેમાંથી ટુકડો તો ટુકડો બીજાને આપવો જોઈએ. ભલે ને પછી એ માણસ હોય જનાવર!”

ગીરજા અને આસિત ગયા પછી બે દિ’ ઈ બકુ દેખાયો હતો પણ પછી..?

ગોવિંદને અત્યારે ભૂખ્યા પેટે કોણ જાણે કેમ તે કૂતરો યાદ આવ્યો. બહુ ભૂખ લાગી હોય તો આસિત આવીને કહેતો, “મમ્મી પેટમાં ગુડગુડ બોલે છે.”

એટલે ગીરજા હસીને કહેતી, “બહુ ભૂખ લાગે ત્યારે એમ કહેવાય કે પેટમાં બિલાડા બોલે છે.”

થાળી પીરસાતી ત્યારે આસિત કહેતો, “મમ્મી બિલાડા કેમ? હું એમ કહીશ મારા પેટમાં બકુ બોલે છે.”

એટલે ગીરજા ચીડાઈને કહેતી, “મારા રોયાં આ રોટલાનો ટુકડો બકુને આપી આવ.”

અત્યારે નથી ગીરજા, નથી આસિત કે નથી બકુ. આ બકુ પણ સાથ મૂકીને જતો રહ્યો. તેને ખાવાનું કોણ આપે? પોતે પણ એકલો. આ મરી ગયેલી લાઈટના થાંભલા નીચે સૂતો છે. રાહ જુએ છે કોઈ સવારી આવે તો બે પૈસા મળે તો આ પેટનો ખાડો ભરાય.

નાનપણમાં કેટલાય ચોર-લૂંટારુની વાત સાંભળી હતી. આ બધા પોતાના પેટનો ખાડો ભરવા ચોરી- લૂંટનું કામ કરતાં હશે. ચોરી કરવી આમ તો સાવ સહેલું કામ છે. શીખવું ન પડે. એની મેળે આવડી જાય.. પણ એની બાજુવાળા રતનને કેવો માર્યો હતો? પણ ગોવિંદને તો રીક્ષા ચલાવવા સિવાય ક્યાં કશું જ આવડે છે? લૂંટફાટ કરવા માટે ચોરી કરવા માટે શક્તિની જરૂર પડે. ખાધાપીધાં વગર શરીરમાં શક્તિ ક્યાં હતી?

ગોવિંદ સાવ એકલો એક લાઇટના થાંભલા આગળ ટૂંટિયું વાળી પડ્યો હતો. ટૂંટિયું વાળવાથી ભૂખ ઓછી થશે કે ગીરજા આસિતની યાદ ઓછી આવશે. અત્યારે તો જાણે ભૂખ અને યાદનું ઘટાટોપ મંડાયું હોય તેમ બધી બાજુથી ઘેરાઈ ગયો છતાં સાવ કોરોકટ.

ત્યાં બે ત્રણ જુવાનિયા દૂરથી દેખાયા. અંધારામાં નાનકડો દીવો ઝબૂકયો. પેલા જુવાનિયાઓએ ગોવિંદના મનમાં થોડો ઉજાસ કર્યો. “હાશ, હવે કૈંક મળશે.’

‘એમને રીક્ષામાં ન બેસવું હોય તો કઈ નહીં. થોડા પૈસા માંગી લઉં.’

‘એને ભીખ કહેવાય.’

‘પૈસા આવશે એટલે પાછા આપી દઈશ. હું કોઈ દિવસ ભીખ નહીં લઉં ‘

‘એમને રીક્ષામાં ફરવા લઈ જઈશ.’

‘હાથ-પગ ચાલી શકે તેવી હાલત ન હતી. તો રીક્ષા કેવી રીતે ખેંચાશે? આમ વિચારોની રીક્ષા ગોવિંદ ખેંચતો હતો ત્યાં પેલા જુવાનિયા નજીક આવી ગયા

તે બાજુના થાંભલાનો ટેકો લઈ માંડ ઊભો થયો. સામેથી આવતા લોકોને જોઈને માંડ ઊભું થવાયું. પગ ધ્રૂજતા હતાં પણ માંડ સ્થિર રાખવાના પ્રયત્ન સાથે પૂછ્યું, “ક્યાં જવું છે?” પેલા ત્રણે જણાએ જાણે કશું સાંભળ્યું ન હોય તેમ આગળ ચાલવા લાગ્યા. એટલે ગોવિંદ તેઓની પાછળ ઘસડાયો. ત્યાં પથ્થરનો એક ટુકડો તેના પગમાં વાગ્યો. તે પડ્યો અને તેના મોંઢામાંથી ગાળ નીકળી ગઈ. પેલા ત્રણેય જણાએ પાછળ જોયું. એટલે ગોવિંદે ઊઠવામાં ઝડપ કરી અને પૂછ્યું “તમારે ક્યાં જવું છે? તમને રીક્ષામાં પહોંચાડી દઉં?”

પેલા ત્રણેયે એકમેક સામે જોયું. અત્યારે અંધકાર અને મૌનની જુગલબંધી ભારે બનાવટી હતી. પણ ગોવિંદના પેટમાં બિલાડા બોલતા હતાં. તે પેલા લોકોની સામે જોઈ રહ્યો હતો. આંખોમાં તરસ હતી ભૂખ હતી કે આ લોકો એક ટુકડો નાખે તો પેટ પાછળ ચોંટી ગયું છે તે ઠીક થાય.

પણ આ ત્રણેય તો પીધેલી હાલતમાં છે. તેમને શું ખબર પડે મારી હાલતની! આ ત્રણેય તેની સાવ નજીક આવ્યા. ગોવિંદને એટલી વાસ આવી કે ચોંટેલું પેટ છૂટું પડી ગયું. જાણે હમણાં ઊલટી થઈ જશે. “અમને ક્યાં લઈ જઈશ?” તેમાંથી એક વ્યક્તિ બોલી.

વાસનું પૂર આવ્યું અને તેના લાલ રંગના દાંત દેખાયા. બીજાએ રાતી થયેલી આંખ મીંચકારી “તું અમને એવી જગ્યાએ લઈ જાય જે અમારી કામની હોય. કોઈ છે તારી? અત્યારે આ કોરોનાકાળ. એટલે બધે ભૂખમરો. કોઈપણ તૈયાર થઈ જશે.”

આ સાંભળી ગોવિંદને ખાલી પેટે ઊબકો આવ્યો. પછી સ્ટેચ્યુ. પેલા ત્રણેય રીક્ષામાં બેસી ગયા. હવે  ગોવિંદના પગમાં જોર આવ્યું. તેણે રીક્ષા ખેંચી. પેલા ત્રણેય રાગડા તાણી અંધારાને વેરણછેરણ કરવા લાગ્યા. ગોવિંદને બહુ ગુસ્સો આવતો હતો. તે ગુસ્સો પી ગયો તેનાથી ભૂખ વધી.

તે લોકોએ ગોવિંદને જે રસ્તે જવાનું કહ્યું તેનાથી ગોવિંદ ખુશ થયો. કારણકે તેનું ઘર પણ એ રસ્તે હતું. થોડાક પૈસા આવશે તો ઘરની થોડેક દૂર પૂરીભાજીની લારી ઊભી રહે છે ત્યાંથી થોડું ખાઈ લઈશ. કશુંક પેટમાં પડશે તે વિચારે પગમાં થોડું જોર આવ્યું. થોડે દૂર સુધી તે તેમને લઈ ગયો. ત્યાં ઓચિંતો એક જણ બોલ્યો, “અમારે ઉતારી જવું છે. રીક્ષા રોક.”

માંડ ડગલાં ભરતો ગોવિંદ અટકી ગયો. તેનો શ્વાસ ધમણની જેમ ચાલતો હતો. એટલે તેમાંથી એક જણ બોલ્યો, “જલદી ઉતરી જાઓ. આને તો કઈક થા’તું લાગે છે.”

ત્રણેય જાણ કૂદકો મારી ઉતરી ગયા. ગોવિંદ કશું બોલવા જતો હતો ત્યાં તેઓ ત્રણેય ત્યાંથી ભાગી ગયા. દૂર ભાગ્યા છતાં તેમનો હસવાનો અવાજ ગોવિંદના કાનમાં વાગતો રહ્યો. તેઓ જતાં રહ્યા હતાં. ખાલી રસ્તો, ખાલી ખિસ્સું અને પોતે પણ સાવ ખાલી. તેનાથી બેસી જવાયું.

તમે બેસો કે ઊભા રહો કે પછી સૂતા-સૂતા પણ ભૂખ તો જ આવે. પેટા તો ભાડું માંગે જ. સરકારે ભાડૂઆતને ભાડું માફ કરવાનું કે મોડું આપવાનું કીધું છે, તો પેટનું ભાડું માફ કેવી રીતે કરવું?

આમ વિચાર કરી ચોંટી ગયેલા પેટ પર હાથ ગયો. રીક્ષા સામે જોયું. ‘આ રીક્ષા વેચી નાખું? પણ લેશે કોણ? અત્યારે ખાવાનું શું?’ આમ વિચાર કરતાં તે ઘરે પહોંચી ગયો. આમ પણ હમણાં રાત લોક ડાઉનને લીધે જલદી પડી જતી હતી. હમણાં હમણાં શરુ થયેલો પૂરીભાજીવાળો ઘર ભેગો થઈ ગયો હતો.

હવે ગોવિંદે રીક્ષા વેચી નાખવાનું નક્કી કરી નાખ્યું. કાલ સવારે આ રીક્ષા વેચી તેના જે પૈસા આવે તેમાંથી થોડા દિવસનું ખાવાનું નીકળી જશે. અત્યારે પાણી પીને સૂઈ જવું. આજે કેટલામો દિવસ છે પાણી પીને સૂવાનો?

ઘરના માટલું ભરવા ગ્લાસ નાખ્યો હતો તે સાવ બિચારો બનીને પાછો આવ્યો. ‘આજે ભગવાને મને ખાલીનું વરદાન આપ્યું લાગે છે. ઘર ખાલી, રસ્તા ખાલી, રીક્ષા ખાલી, ખિસ્સા ખાલી, માટલું ખાલી અને હુંય આખો ખાલી.

આમ વિચાર કરતો ઘરની બહારની ઓસરીમાં આવ્યો. એક જૂનું ગાદલું પાથરેલું હતું તેના પર પડ્યો. ઊંઘ અણમાનીતી રાણીની જેમ આવતી ન હતી. ભૂખ માનીતી રાણીની જેમ ખોળામાં આવી બેસી ગઈ હતી. છતાં ગોવિંદ આંખો બંધ કરી. સામે પેલી ત્રણ અજાણી વ્યક્તિ, તેમનું હાસ્ય, લાલઘૂમ આંખો યાદ આવતા હતાં. તેમાં રાતા થઈ ગયેલા દાંત હાસ્યને વધુ ક્રૂર બનાવતા હતાં.

ત્યાં કશોક ખખડાટ થયો. ગોવિંદે આંખો ખોલી નહીં. ‘ઘરમાં શું છે તે ચોર આવવાનો? પેટમાં ઉંદર બિલાડા આંટા મારે છે.’

આમ ગોવિંદ વિચારતો હતો ત્યાં તેને કશો સળવળાટ થતો લાગ્યો. કોઈ તેને ઉઠાડતું હતું? ગોવિંદે વિચાર્યું: પેલા ત્રણમાંથી એકને દયા આવી લાગે છે. મારા માટે ખાવાનું…

આંખો ખૂલતી ન હતી. પણ હવે ખાવું જ છે. સામે જોયું તો બકુ પૂરીનો ટુકડો લઈને ઊભો હતો. ગોવિંદે આ ટુકડો પોતાના હાથમાં લઈ જલદી પોતાના મોંમાં મૂકી દીધો.

પછી પળવાર બકુ સામે જોયું. એક ટુકડો કરી બકુને આપ્યો. કોરી થયેલી આંખો વરસવા લાગી. ખારી થયેલી રોટલીનો ટુકડો ગોવિંદને બહુ મીઠો લાગ્યો.

~ વર્ષા તન્ના
varsha.tanna@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.