“કારવાં સાથ ઔર સફર તન્હા” (ભાગ:૧) ~ આત્મકથનાત્મક લેખ ~ ડૉ. દર્શના વારિયા નાડકર્ણી
(શબ્દો: ૪૨૦૦)
(આ આત્મકથન ચાર ભાગમાં રજૂ કરવામાં આવશે.)
(લેખક પરિચયઃ ડો દર્શના વારિયા નાડકર્ણી રિક્રુટમેન્ટ કંપની ચલાવે છે અને તેમના કલાયન્ટ બાયોટેક અને મેડિકલ ડિવાઇસ કંપનીઓ છે. તે પહેલા 20 વર્ષ તેમણે કંપનીઓમાં ડાઇવર્સિટીની તાલીમ આપવાની કંપની શરુ કરેલી અને HP, IBM, Siemens, Medtronic, Verizon Mastercard, Coca Cola જેવી Fortune 500 કંપનીમાં facilitator, trainer તરીકે કામ કર્યું છે.
Diversity ઉપરાંત change, time and stress management, creativity જેવા વિષયો ઉપર કંપનીમાં તાલીમ આપેલી છે. તેમણે Social/ Organizational Psychology માં University of Cincinnati થી PhD. નો અભ્યાસ કર્યો છે અને અહીં Saint Mary College, Santa Clara University, અને California State University at Hayward માં મનોવિજ્ઞાનના પ્રોફેસરનું કામ કરેલ છે.
દર્શનાને ઘણા વિષય ઉપર લખવાનો શોખ છે અને તે અંગ્રેજી નાટકની સમીક્ષા તેમ જ ટેક્નોલોજી ઉપર તેમ જ કોન્ફરન્સ ઉપર અને બીજા ઘણા વિષયો ઉ પર તેમના બ્લોગ ઉપર નિયમિત લખે છે. દર્શનાના બ્લોગ, linkedin અને X ના લિંક નીચે આપેલ છે.)
Darshana V. Nadkarni
Blog: http://www.
Twitter: @DarshanaN
LinkedIn: https://www.linkedin.com/in/
“Raise the words, not the voice”. Rumi
ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે કહેલું, “તમારી જાતને જાણવી એ બધાજ શાણપણની શરૂઆત છે.” અલબત્ત, ક્યારેક ભૂતકાળની અસ્પષ્ટતામાં જીવનની સ્પષ્ટતા તરી આવે છે. આત્મકથા અરીસા જેવી હોય છે જેમાં વાચકો જ નહીં, સર્જક સ્વયંનું પણ પ્રતિબિંબ જોઈ શકે છે. અને બસ, મેં શબ્દોના સથવારે અતીતગમન કરવાનો નિર્ણય કરી લીધો.
“સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહિ
બીજું એ કે હારીને તો હેઠું કદી મૂકું નહિ “
– કવિશ્રી અનિલ ચાવડા
આ શબ્દો અને અર્થોની કવાયતમાં હું કઈ કઈ ગલીઓમાં લટાર મારી આવી છું, એની વાત માંડું, એ પહેલાં મારા માટે આ કેટલું મોટું સાહસ છે કે શબ્દોને હથિયાર તરીકે વાપરી રહી છું…! હું સાચે જ, એમનાં- એટલે કે શબ્દો અને અભિપ્રેત અર્થોના કહ્યાગરાપણાંમાંથી બહાર નીકળી ગઈ છું, બસ, આ વાતનો ભરોસો મારી જાત પર હું કરી શકું એના માટે જ આ લખી રહી છું.
1. નિશાની
પહેલાં મને ખબર નો’તી
શાક લેવા નીકળતી’તી
થેલો લીધો ને ઈ બોલ્યા
“ડોબી મોઢું સરખું કર..!”
મેં પાવડર લગાવ્યો
ગોગલ્સ ચડાવ્યા ને નીકળી
મૂડ હોય તો ઈ ક્યે
કાલે રવિવાર છે
“નવું પિક્ચર આવ્યું છે
મારે જોવું છે.
જમીને તૈયાર થઇ જજે
ને મેકઅપ સરખો કરજે …”
એમ તો બાએ બિચારાએ
સમજાવી…
“હું કરું સોડી
મને હતું કે સમય જાતાં હઉ હારા વાના થઇ જાહે
બાકી તો છેને તારી બા નથી એટલે
હું બાની જગ્યાએ જ છું
એટલે હમજાવું સું….
આપણે સ્ત્રીઓને તો ઉપરવાળો
જે રોટલો નાખે એમાં પાડ માનવાનો
ને સેવટે તો ધણી સે તો બધુંય સે
એટલે ધણીને ક્યારેય નીચો નહિ દેખાડવાનો
ઢાંકવું પડે તો ઢાંકવાનું
હવે મને કેવું નથી પડતું
પહેલાં તો મિત્રો મળે ને
રાજનીતિની ચર્ચા થાય
તો હું કૈક અભિપ્રાય આપતી
હવે ઈ ક્યે તેમ…!
આમેય ઈ ક્યે છે તેમ
મને સમજ પડે નહિ
ને નાહકના ડપકાં મુકવાના નહિ
ઈ ક્યે કે મત તો મોદીજીને જ
તો હું કહું ભલે
ને ઈ ક્યે રાહુલજીને
તોય હું કહું ભલે ..!
ને હવે તો આદત પાડી દીધી છે
મેકઅપ કરીને, ગોગલ્સ ચઢાવીને જ નીકળું
તોય ક્યારેક કઈ ઢાંકવાનું ન હોય તો
ઈ બોલે આ શું મોઢા ઉપર નાહકના
થપેડા કર્યા છે?
હું કહું આ મોઢું ધોઈને જાવ છું.
પણ જો ક્યારેક લાત, થપ્પડો પડી હોય
તો સરખો મેકઅપ કરું કે…….
એમનું ક્યાંય ખરાબ તો ન દેખાવું જોઈએને?
હું હવે એનું બરોબર ધ્યાન રાખું છું.”
જિંદગીમાં આપણે કોઈને કોઈ કારણે ઘણું ઢાંકીએ છીએ અને તેમાં હું કોઈ અપવાદ નથી. કારણ ભલે કાવ્યમાં છે તે ન હોય પણ લગ્નજીવનના પહેલા વીસ વર્ષ મેં હકીકતને બીજાથી જ નહિ, પણ મારા પોતાનાથી પણ ઢાંકી. પણ પ્રમાણિકતા અને નીડરતાથી જીવનગાથા લખાય તો જ તેમાંથી વાચકોને પ્રેરણા અને સર્જકને સંતોષ મળે.
મારા જીવનમાં એક મહત્વનો મોડ આવ્યો, અને તે હતો મારા લગ્નજીવનનો પ્રારંભ…! તો મારી વાત તેની સાથે જ શરુ કરું છું.
2. ડોમેસ્ટિક વાયોલન્સ
મારા લગ્ન મારી મરજીથી વિષ્ણુ (અહીં નામ બદલ્યું છે) જોડે થયા હતાં. ભારતમાં ભણવાનું પૂરું થયું તે સાથે હું પહેલાં અમેરિકામાં ભણવા આવી. મારા આવ્યા બાદ વિષ્ણુ આવ્યો અને અમે અમેરિકામાં જ લગ્ન કર્યાં.
ભણતર પૂરું થઈ જવા આવ્યું હતું. ત્યારે જ મને તરત બાળકની અભિલાષા જાગી. સફળતા ન મળતાં હોર્મોન ઇન્જેક્શન લેતી હતી. અમે કેલિફોર્નિયા. ડિઝનીલેન્ડ ફરવા ગયા ને બાળક પાંગરી રહ્યું હોય તે વિચારથી હું રોલર કોસ્ટરમાં જતી નહોતી.
છેક સાંજે મેં વિષ્ણુને કહ્યું કે કોઈ રાઈડમાં ગઈ નથી તો એક બાળકોની નાની રાઈડમાં જઈએ. વિષ્ણુએ કહ્યું “તું નવ મહિના પ્રેગ્નન્ટ રહીશ, તો હું પણ નવ મહિના મજા છોડી દઉં?”
એકવાર મેં વિષ્ણુને તરબૂચ કાપવા કહ્યું. તેને ગુસ્સો આવ્યો અને રસોડામાં જઈને તરબૂચ લઈને પોતાના માથા ઉપર ફોડ્યું.
એક દિવસ અમે ટેબલ ઉપર ચા સાથે વાતો કરતા ચર્ચામાં ઉતરી પડ્યા ને અચાનક વિષ્ણુને ગુસ્સો આવ્યો. તેણે મને જોરથી લાફો માર્યો. મારુ મોઢું ફરી ગયું અને હું ખુરસી ઉપરથી ફેંકાઈ અને જોરથી નીચે પટકાઈ. હું ખૂબ રડી.
ત્યારે હજુ અમે કેમ્પસ પરના જ એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. મેં કેમ્પસ પોલીસને ફોન કર્યો અને પોલીસ ઘરે આવી. વિષ્ણુ ગભરાઈ ગયો. પોલીસે મને પૂછ્યું, “તારે કેસ ફાઈલ કરવો છે?” મેં ડરેલા વિષ્ણુને જોઈને ના પાડી. તે સમયે પીડિતા ના પાડે તો તેઓ કેસ કરતા નહિ, હવે તેવું નથી.
મારા પરિણીત જીવનમાં આવેલી વિટંબણાની વાતો કરીને મારો હેતુ વાચકના મનમાં વિષ્ણુ અને એના વર્તન માટે ક્રોધ, અણગમો કે ઘૃણા ઉપજાવવાનો નથી. એવુંયે નથી કે હું વાચકોના મનમાં મારા માટે દયાભાવ ઉત્પન કરવા માગું છું. મારો ઉદ્દેશ્ય એક જ છે કે કોઈએ આવી ઘરગથ્થુ હિંસા સાથે વર્ષોના વર્ષો વીતાવવા ન જોઈએ.
મોટા ભાગે લોકો જેવા હોય છે એવા જ છતા થઈ પણ જતાં હોય છે, પણ કોઈ કારણોસર આપણે શાહમૃગની જેમ, માથું રેતીમાં ખોંસીને, સ્વયંને પોતાની આંખોથી પણ જોવા માગતાં નથી. મેં જે કર્યું એવું કોઈ બીજાને સહન કરવું ન પડે. બસ, એટલો જ હેતુ આ લખવાનો છે.
3. વિષ્ણુના Unpredictable Mood Swings
માત્ર મેં જ નહીં, પણ વિષ્ણુ પોતે પણ પોતાના આવા લાગણીના અચાનક આવતા આવેગથી ક્રિયામાં લિપ્ત થવાના સ્વભાવ – Impulsive Nature – ને કારણે, જિંદગી આખી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ખૂબ સહન કરતો રહ્યો છે. પણ હું એને કદી આ વાત Subtly કે Directly સમજાવી ન શકી, એનો મને અફસોસ રહી ગયો છે.
તેની રૂપના અંબાર સમી મમ્મીને માનસિક બીમારી હતી. તે પાંચેક વર્ષનો હતો ત્યારે તેની મમ્મીએ બાથરૂમમાં જઈ બંધ કરીને ઘાસલેટ પોતા પર છાંટીને દીવાસળી સળગાવી અને ભડકે બળતાં બૂમો પાડી.
નોકરે બહારથી બારી તોડીને અંદર જઈને આગ બુજાવી ત્યાં સુધીમાં તે આખા શરીરે દાઝેલી. તે એક વર્ષ હોસ્પિટલમાં રહીને આવી ત્યારે જોઈ ન શકાય તેવી બિહામણી બની ગયેલી.
તે ઘડીએ પાંચ વર્ષના બાળક એવા વિષ્ણુના ડુસકાં અને હીબકાં મ્હોમાં સલાઈવા સાથે જ ગળી જતાં, એને શું વેદના થઈ હશે એની મને કલ્પના પણ આવી શકતી નથી.
“આમ જુઓ તો દરેક માણસ હરતીફરતી સંવેદનની થપ્પી નહિ તો બીજું શું છે?
ડૂમા ઉપર ડુસકાં ઉપર હીબકાં ઉપર સપના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.”
– કવિશ્રી અનિલ ચાવડા
હું આવી પરિસ્થિતિમાં કઈ રીતે આવી ચડી હતી એની પૃષ્ઠભૂમિ આપું છું.
4. મારું અમેરિકાનું સપનું સાકાર થયું
મારા બાપુજી એટલા રૂઢિચુસ્ત અને ગરમ સ્વભાવના હતા કે હું મિત્રોને કહું કે બાપુજી ઘરે છે અને મારે જલ્દી જવું પડશે તો તેઓ મસ્તી કરે કે હિટલર પાસે તો સમયસર જવું જ પડે.
હું ભણવામાં હોશિયાર અને ધગશવાળી હતી. કોઈ પણ વિષય હોય એનો ઊંડાણથી અભ્યાસ કરવો મને ખૂબ ગમતો હતો. અમેરિકા ભણવાનું મારુ સપનું હતું પણ સાકાર થવાની કોઈ શક્યતા નહોતી. પણ હું એમ હાર માનવાની નહોતી.
મુંબઈમાં BA અને MA ભણ્યા પછી કાઉન્સિલિંગનું કામ કર્યું અને પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણાવવાનું મળ્યું. બાપુજી અમેરિકા જવાની હા નહીં જ પાડે જાણતી હોવા છતાં તે સાથે મેં વિદેશ ભણવા જવાની તૈયારી કરી. પત્રવહેવાર માટે બહેનપણીનું સરનામું આપેલું.
વિદેશ ભણવા માટે મેં TOEFL, GRE Basic, GRE Advanced પરીક્ષાઓ આપી, 6 અમેરિકાની કોલેજોમાં એપ્લિકેશન મોકલી અને બે કોલેજમાં PhD ભણવા માટે એડમિશન અને સ્કોલરશીપ મળી. આ દરમિયાન મારી મૈત્રી વિષ્ણુ જોડે ગાઢ બની હતી.
એક દિવસ તેણે ઓચિંતો જ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ત્યારે મેં કહ્યું કે હું ભણવા માટે પરદેશ જવા માટે તૈયારી કરી રહી છું. વિષ્ણુ કહે, “ઠીક છે. તો જા અને તારી પાછળ હું પણ આવીશ.”
બાને હવે હું મમ્મી કહેતી. બાપુજી આફ્રિકા ગયેલા ત્યારે મમ્મીને મેં કહ્યું મારે અમેરિકા જવું છે અને મને એક છોકરો ગમે છે. મમ્મીએ મોટાભાઈને કહ્યું અને ભાઈએ મને બેમાંથી એક માર્ગ લેવા કહ્યું. મેં અમેરિકાનો માર્ગ લીધો.
ભાઈએ બાપુજી જોડે વાત કરી અને અમેરિકાના વિઝા મેળવવાની મદદ કરી. બાપુજી આવ્યા ત્યારે નાખુશ હતા. મમ્મી અને ભાઈએ સમજાવ્યા કે સ્કોલરશીપ સાથે એડમિશન મળ્યું છે અને વિઝા પણ મળી ગયા છે, ના પાડશું તો ગમે તેની સાથે લગ્ન કરી લેશે. પહેલીવાર અસમંજસમાં અટવાઈ ગયેલા બાપુજીને એમની ઈચ્છા વિરુદ્ધ કમને હા કહેવી પડી હતી.
5. અમેરિકામાં નવું જીવન
યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સંસ્થાનું સરનામું મોકલેલ તેને અમે ફ્લાઈટની માહિતી મોકલી અને હું મુંબઈથી નીકળી. સિનસિનાટીમાં ચાર ભારતીય છોકરાઓ મારા નામનું બોર્ડ લઈને ઊભા હતા. તેમણે મારા માટે બે દિવસ છોકરીઓના ડોર્મરૂમમાં સોફા ઉપર સુવાની વ્યવસ્થા કરેલી.
હું મોડી આવી અને બીજા વિદ્યાર્થીઓએ ઓરિએન્ટેશનમાં જોડાઈને પોતાના સાથી શોધીને ડોર્મના ઓરડાઓ બુક કરી લીધેલા. મને ડોર્મમાં જગા મળતી નહોતી અને મારી ઓળખાણ અલ્જીરિયાથી આવેલી છોકરી જોડે થઈ. તેને રૂમ મળેલી અને સાથી શોધતી હતી. હું બેગો લઈને પહોંચી ગઈ.
6. જન્મ ભાણવડ, બાળપણ એડીસ
નાની ઉંમરથી હું મોટાં સપનાં જોતી અને મોટા શબ્દો વાપરવાની આદત ધરાવતી. મારો જન્મ ગુજરાતના ભાણવડ ગામમાં થયેલો. તે સમયે વાયરથી વહેતી વીજળી કે નળથી વહેતા પાણીની સુવિધા નહોતી.
બાના લગ્ન 15 વર્ષે થયા ને ઘરની વહુઓ લાજ કાઢીને ઘરમાંથી બહાર નીકળતી. દોઢ વર્ષની વયથી મને મોટી વાતો કરવાનો શોખ હતો અને તે સમયે અમે આફ્રિકાના ઈથિયોપિયા દેશમાં ગયાં. ત્યાં દેશીઓએ શરુ કરેલી ગુજરાતી શાળામાં મારું ભણતર શરુ થયું.
મિયાં ફુસકી, તભા ભટ્ટ અને છેલ-છબો મારા ખાસ મિત્રો બન્યા. શનિવારે પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવી, બાફેલા મગનો વાટકો ભરી, મીઠું, મરચું ભભરાવીને ચોપડીઓ વાંચવા બેસી જતી.
ઈથિયોપિયામાં બાપુજી ગુજરાતી સમાજમાં આગેવાન હોવાથી ઘરમાં આવેલ ઓફિસમાં લોકો સલાહ માટે આવે ત્યારે નોકર જોડે રસોડામાં સંદેશ આવે કે ફલાણા અહીં જમશે.
બા પ્રેમથી બધાને જમાડે. બહારગામના મહેમાનોનો પણ ખૂબ આવરોજાવરો. ભારતથી આવેલાં સહુને અમારા ઘરની માહિતી મળી જતી. અનેક નૃત્યકાર, ગાયકો, મહારાજ, સાધુસંતો અને જ્યોતિષ જેવા લોકો અમારે ત્યાં રહી ગયાં છે.
એક જ્યોતિષ મહેમાને મારો હાથ જોઈને કહ્યું કે આ છોકરી બહુ ભણશે નહિ. મને તેમના ઉપર ખુબ ગુસ્સો આવ્યો અને રસોડામાંથી એક બટર નાઈફ લઈ અને રોજ મારા હાથમાં ભણવાની કે મગજની લકીર ઉપર તે મૂકીને દબાવી રાખતી કે તે લાઈન મોટી થાય.
મને યાદ છે કે એક સાધુ તો ભગવાનની મૂર્તિ સાથે લાવેલા. તેને જમાડીને જ જમે. આખરે પાછા વતન જતી વેળા ભગવાનને જ અમારે ત્યાં ભૂલી ગયા. તેમનો તાર આવ્યો હતો – “ફોરગોટ ગોડ, સેન્ડ ફાસ્ટ, કેન્ટ ઈટ!”
અમને બાળકોને મજા પડી. રોજ યાદ કરીને હસતાં. નાનપણથી વિવિધ લોકોની મહેમાનગતિમાં, તેમની જોડે રહેતાં, તેમની રહેણી-કહેણી જાણતાં અને સમજતાં અમે એડજસ્ટ થતાં શીખ્યાં.
પુખ્ત વયે મેં (ડાઇવર્સિટી ર્સિટી ટ્રેઇનિંગ) વ્યવસાય અપનાવ્યો, તેનો જશ આ બાળપણમાં મળેલી તાલીમ અને અનુભૂતિને જ છે.
7. વિષ્ણુ અમેરિકા આવ્યો
હું વિષ્ણુની અરજી લઈને તેના ડિપાર્ટમેન્ટમાં ડીનને મળી. વિષ્ણુને એડમિશન મળ્યું અને તે આવ્યો. મેં લગ્ન કરવાનો નિર્ણય ઘરે જણાવ્યો.
બાપુજી ખુશ નહોતા અને આવ્યા નહિ, પણ મોટાભાઈ, ભાભીને મોકલ્યા અને લગ્નમાં ગાડી ભેટ આપી. વિષ્ણુ સાથે મારા ખૂબ ઝઘડા થતાં અને લગ્નની પહેલી રાત્રે ઝગડીને એકમેકને હાથ સુદ્ધાં નહોતાં અડાડ્યાં. પણ હા, જિંદગી સાથે ગુજારવા માટે હસ્તમેળાપ કરી લીધેલા.
એક દિવસ મોલમાં અમારી નવી ગાડી લઈને ગયા. ત્યાં ઝઘડો થતા વિષ્ણુ ગાડી લઈને ચાલ્યો ગયો. નવી જગ્યા, દૂરનો મોલ અને હું એકલી. આમ તેમ ભટકીને મેં બસ સ્ટેશન ગોત્યું, યુનિવર્સિટી પહોંચવા બસ લીધી, વચ્ચે બસ બદલી. ઠંડીની મોસમ અને પહોંચી ત્યારે તો રાત થઇ ગઈ.
વિષ્ણુ સિનસિનાટીથી Ph.D છોડીને શિકાગો MBA કરવા ગયો. એડમિશન મળ્યું પણ નોકરી નહિ. વિષ્ણુએ મને મારા બાપુજી પાસેથી મદદ લેવાની આજીજી કરી.
ઈચ્છા ન હોવા છતાં મેં પૈસાની માંગણી કરી અને તેનાથી વિષ્ણુની ફી ભરી. હું સિનસિનાટીમાં રહી અને મારી નોકરીમાંથી વિષ્ણુને તેના ખર્ચના પૈસા મોકલતી. ઉપરાંત તેના પૈસા ખૂટે ને વધુ જોઈએ ત્યારે કવરમાં દસ, વીસ ડોલર કાગળમાં વીંટીને પોસ્ટમાં નાખી દેતી.
વિકેન્ડમાં વિદ્યાર્થી જતાં હોય તેમની જોડે રાઈડ શોધીને જતી. સિનસિનાટીથી શિકાગોની મુસાફરીમાં મને અવનવાં લોકોને મળવાનું થતું અને સારા અને નરસા અનુભવોએ મને મનથી સંપન્ન કરવામાં મોટો ફાળો ભજવ્યો છે.
8. એડીસથી મુંબઈ
આમ તો મારા પગમાં ઘૂમરી છે કે મને એક જગ્યાએ રહેવા મળ્યું નથી. અત્યાર સુધી હું 24 ઘરમાં રહી છું. તેવું જ મારું બાળપણ વીતેલું તેથી મને એક જગ્યા છોડીને બીજે જવાનો બહુ સંતાપ નથી થતો અને બધે મને તુરંત ગમવા લાગે છે. દરેક જગ્યા પોતીકી લાગવા માંડે છે.
જન્મ બાદ એક વર્ષે બા અને બાપુજી બીજા ઘરમાં લઈ ગયા અને દોઢ વર્ષે એડીસ લાવ્યા. મોટાભાઈએ કોલેજ એડીસમાં કરીને મુંબઈમાં ધંધો શરુ કરેલો.
મારી દસેક વર્ષની વયે અમને મુંબઈમાં ભણાવવા બા ભારત લાવ્યા ને બાપુજી ધંધો સંભાળવા એડીસમાં રહ્યા. મારે ગુજરાતી મીડિયમમાં જ ભણવું હતું. છેલ અને છબાની દોસ્તી હું છોડવા તૈયાર નહોતી.
ભાઈએ કહ્યું કે આગળનું ભણતર અંગ્રેજીમાં જ હોવું જોઈએ અને આજે તે માટે હું તેમની આભારી છું. નવો દેશ, નવી સહેલીઓ, નવી ભાષા.
એડીસ યાદ આવે ને રડવું આવે. ધીમે ધીમે અંગ્રેજી અને હિન્દી સાહિત્યમાં મને રસ જાગ્યો. મુન્શી પ્રેમચંદ વગેરે હિન્દી લેખકોને માણ્યા અને અંગ્રેજી સાહિત્યમાં જેન ઓસ્ટીન, એમિલી બ્રોન્ટે, માર્ક ટવેઇન, ઓસ્કાર વાઈલ્ડ, ટોલ્સટોય, દોસ્તીઓવસ્કી, સિમોન દબૂવાર વગેરે લેખકોને વાંચતા મારા મગજના દ્વાર ખુલવા લાગ્યા અને મારો અંગ્રેજી ભાષા પર પ્રેમ વધતો ચાલ્યો
9. વિષ્ણુની નોકરી
શિકાગો ભણીને વિષ્ણુ સિનસિનાટી આવ્યો અને નોકરી શોધતા મળતી નહોતી. હું ક્લિનિકલ સાયકોલોજી એટલે તબીબી મનોવિજ્ઞાનમાં Ph.D કરવા આવેલી પણ તે છોડીને સોશ્યિલ સાયકોલોજી એટલે સામાજિક મનોવિજ્ઞાનનો માર્ગ લીધો. તેમાં વ્યક્તિ જૂથમાં અને સંસ્થાઓમાં વર્તે તે વિષય આવે.
ભણવા સાથે હું પ્રોફેશનલ કાઉન્સિલિંગ કરતી હતી. તેમાં બે બહેનોની મુલાકાતનો મારા જીવનમાં મોટો ફાળો રહ્યો. એક અમેરિકન બહેન બાયોડેટા બનાવીને નોકરી માટેની સલાહ માટે આવેલા. મેં વિષ્ણુના બાયોડેટામાં મદદ કરેલી. મેં એમને વિષ્ણુનો બાયોડેટા બતાવીને નોકરી શોધવામાં મદદ કરવા વિનંતી કરી. એ બહેને તેમના પતિને બતાવવા બાયોડેટા માગ્યો. તેમના પતિને બાયોડેટા ગમ્યો ને વિષ્ણુને પહેલી નોકરી મળી.
10. મને મહિના રહ્યા
મારું MA, PhD પૂરું થયું અને મોટો આનંદ બાપુજીને હતો. ગ્રેજ્યુએશનમાં સવારે ડોક્ટરેટની પદવી મેળવનાર માટે ખાસ કાર્યક્રમ હતો ત્યારે વિષ્ણુ આવ્યો. મારા મિત્રો અને પ્રોફેસરોને મળ્યો ને ફોટા પાડ્યા. બપોરે મોટો કાર્યક્રમ હતો ત્યારે તેણે કહ્યું કે “સવાર બગાડી, હવે બપોરે આરામ કરવો છે.”
હું એકલી ગ્રેજ્યુએશનમાં ગઈ. બધાંનાં સ્વજનો કે મિત્રો- કોઈને કોઈ તો ત્યાં આવેલાં જ પણ હું મારો પતિ હોવા છતાં સાવ એકલી…! એક બાજુ બેસીને હું રડી… ને પછી ઉદાસ મને ઘરે ગઈ.
આ બાજુ, માંડ મળેલી વિષ્ણુની નોકરી સારી ચાલતી હતી અને અમે ઘર લીધું. હજુ ઘરમાં છ મહિનાયે નહોતા થયા અને વિષ્ણુની નોકરી ગઈ. બરાબર એ સમયની આસપાસ જ ખબર પડી કે હું પ્રેગ્નન્ટ થઈ છું.
બીજી જોબ તેને મિનેસોટામાં મળી અને તે તો જોબ જોઈન કરવા ચાલ્યો ગયો. આ બાજુ, ઘરનું કામ આટોપીને, મિનેસોટામાં મુવ થતાં પહેલાં હું ડોક્ટર પાસે ગઈ. હું ધ્રુસકે ધ્રુસકે રડી. ડોક્ટરે કહ્યું, તુરંત ગર્ભપાત કરવો જરૂરી છે. નહીં તો કટોકટીની સ્થિતિ સર્જાય અને મારો જાન પણ જોખમમાં મુકાય.
હવે શું કરવું, એની સમજણ પડતી નહોતી. વિષ્ણુને અહીં બોલાવવાનું શક્ય નહોતું, કારણ જોબ નવો હતો. (કદાચ, મારી આવી સ્થિતિમાં સબકોન્સિયસલી એને, એનાં વાયલન્ટ સ્વભાવને કારણે નહોતો બોલાવ્યો, એવુંયે હોઈ શકે..!)
મેં એક સહેલીને ગર્ભપાત માટે લઈ જવા વિનંતી કરી. સહેલીએ ‘હા’ તો કહી પણ પછી ફોન આવ્યો કે તેના બોયફ્રેન્ડ જોડે ફરવા જવાની છે.
પછી મને મારી ઇન્ટર્નશિપ સમયે મળેલા એક બહેન યાદ આવ્યા. તેમના પતિ સિનસિનાટી હોસ્પિટલમાં ડોક્ટર હતા. બાળકો ઉછરી ગયા પછી બહેન તેમના કેરિયર માટે મારી પાસે સલાહ લેવા આવેલા. તેમણે મને ફોન નંબર આપેલો કે જરૂર પડે તો ફોન કરવો.
મેં તેમને વિનંતી કરી. તેઓ બીઝી હતા પણ તેમના પતિ સાંભળતા હતા અને તેમને રજા હોવાથી તે મને ડોક્ટર પાસે લઇ ગયા. બહેને કહેલું તે પ્રમાણે મેં નાની બેગ સાથે લીધી. તેમના પતિ ગર્ભપાત બાદ તેમના ઘરે લઈ આવ્યા અને બીજે દિવસે મિનિયાપોલીસ જવા મને એરપોર્ટ મૂકી આવ્યા.
મારા ગર્ભની જોડે મારુ હૃદય પણ સાવ ખાલીખમ થઈ ગયું હતું. બાળકની લાલચે હું લગ્નજીવન નિભાવતી હતી.
11. ગર્ભપાતના કાયદા વિષે થોડી વાત
ગર્ભપાત વિષે ચર્ચા અને રાજકીય વિવાદ હમણાં ચાલે છે. મને એ સમસ્યા આવી ત્યારે હું રિપબ્લિકન સ્ટેટ ઓહાયોમાં હતી. આજે ગર્ભપાતના કડક કાયદાઓને લીધે મને કોમ્પ્લિકેશન થાય તો કોઈ મિત્ર કે કોઈ બીજું હોસ્પિટલમાં લાવી ન શકે.
ઘરમાં ગર્ભપાતની શરૂઆત થાય ત્યારે મારા ખર્ચે, એમ્બ્યુલન્સમાં હું હોસ્પિટલ પહોંચું અને ડોક્ટર અસહાય રીતે પ્રસુતિની પીડા જોયા કરે. પરંતુ મારું શરીર તે ફીટસને કાઢે નહિ ત્યાં સુધી તેમાં સહાય ન કરી શકે. ઘણી સ્ત્રીઓને 15 દિવસ લાગે છે, શરીરમાં ઝેર ફેલાતા સેપ્સિસ થાય છે, સ્ત્રીઓ જાન પણ ગુમાવે છે અને ક્યારેક ભવિષ્યમાં મા બની નથી શકતી.
મત આપતા સમયે આવા કાયદાઓ વિષે જાણકારી હોવી જરૂરી છે, કેમકે, આવા કાયદાઓ ગર્ભપાત લેવા ઇચ્છતી વ્યક્તિઓને જ નહિ, પણ સામાન્ય પ્રેગ્નનસી કોમ્પ્લિકેશનને પણ અસર કરે છે અને સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ગર્ભાવસ્થાને લગતી સમસ્યાઓ, વિષ્ણુનું દારૂનું વ્યસન, દીકરાનો જન્મ અને દીકરીના જન્મના એંધાણ
મીનિયાપોલીસમાં ઘર શોધીને, સિનસિનાટી પાછા આવી મેં સમાન પેક કર્યો ને મુવર્સ જોડે રવાના કર્યો. હું આવી અને બીજે દિવસે વિષ્ણુ બોસ જોડે બહારગામ ગયો. ઘરમાં દૂધ, બ્રેડ કે કોઈ ખાવાનું નહોતું. તકલીફ એ હતી કે ભૂલમાં (કે જાણીજોઈને?) તે ગાડીની ચાવી સાથે લઈ ગયો હતો.
વિષ્ણુના બોસની પત્નીનો મને વેલકમ કરવા ફોન આવ્યો અને પરિસ્થિતિ સાંભળીને તે મને શોપિંગ માટે લઈ ગઈ.
સમય વીતતો જતો હતો. હવે અનેકવાર વિષ્ણુ દારૂ પીને લથડેલ હાલતમાં ઘેર મોડો આવતો અને ઘણીવાર બાથરૂમમાં ઊલટી કરી, ખાઈને સૂઈ જતો.
મને મહિના રહ્યાં હતાં અને એક રાતે મેં લાઈટ કરીને જગાડીને કહ્યું આ રીતે જિંદગી ન ચાલે. વિષ્ણુને ગુસ્સો આવ્યો, મને થપ્પડ મારી, લેમ્પ ખેંચીને મારા પર ફેંક્યો. હું ગાડીમાં આખી રાત બેઠી રહી હતી.
ગર્ભાવસ્થામાં મારુ વજન ઊતરતું જતું હતું, ભૂખ નહોતી લાગતી અને રેશીસ થતાં. સમય પ્રમાણે, મને મદદ કરવા મમ્મી ડિલીવરી માટે આવ્યાં હતાં. મને આ હાલતમાં જોઈને તેઓ તો ગભરાઈ જ ગયાં હતાં. બ્લડ ટેસ્ટ્સ કર્યા ત્યારે પ્રેગ્નન્સી વખતે થતું ડાયાબિટીસ સાથે સખત કમળો જેને કોલેસ્ટેસિસઃ કહેવાય છે તે આવ્યું.
ડિલીવરીને મહિનાની વાર હતી. મમ્મી પણ ઘરમાં હતાં અને વિષ્ણુનો “Anger Management” – ક્રોધને કાબુમાં રાખવાની અસમર્થતા એમની સામે છતી થઈ જશે તો એમને કેટલું દુઃખ થશે એની મને સતત ભીતિ રહેતી હતી.
આ સમયમાં વિષ્ણુને કોઈક વાત પર અચાનક ગુસ્સો આવ્યો. એ મને મારવા હાથ ઉપાડશે એવા ડરથી ગભરાઈને હું બાથરૂમમાં દોડી ગઈ. ઓચિંતું જ મેં જોયું તો મારા કપડાં લોહીલુહાણ થઈ ગયા હતાં. વિષ્ણુ પણ ડરી ગયો. સીટ ઉપર પ્લાસ્ટિક મૂકીને અમે હોસ્પિટલ પહોંચ્યાં.
ત્યાં ડિલીવરી રોકવાની દવા આપતાં હતાં પણ લોહી બંધ ન થયું. આથી ડોક્ટરે ડિલીવરી રોકવાની દવા બદલીને ડિલીવરી શરુ કરવાની દવા આપી. મારા દીકરાનો જન્મ થયો.
મમ્મી અને વિષ્ણુ ઘરે ગયા. બાળક વહેલું આવ્યું હતું આથી તેને ઇન્ટેન્સિવ કેરમાં લઈ ગયા. આ બાજુ, મને ઓચિંતો જ સખત દુઃખાવો ઉપડ્યો હતો. હું ખાટલામાંથી ઊતરીને ઓરડામાં આળોટવા લાગી. ત્યારે એક નર્સનું ધ્યાન ગયું. એણે બીજી બે- ત્રણ નર્સને બોલાવી. એ બધાંએ ઊંચકીને મને ખાટલામાં સુવડાવીને, દવા આપી.
ડોક્ટરે આવીને ચેક કરીને કહ્યું ડિલીવરી સમયે એપીસીઓટોમીમાં એક નસ કપાઈ ગઈ હતી. એમણે આપેલી દવા લઈને અમે ઘરે તો ગયાં પણ ફરી દુઃખાવા સાથે તાવ આવ્યો. ત્યારે કિલનિકમાં ડોક્ટરે સર્જરી કરીને લોહીનો ટેનિસ બોલ જેવડો દડો કાઢ્યો હતો.
12. દીકરાને જોતાં મને ઈશ્વરની છબી દેખાતી
તે મારી જિંદગીના અત્યંત ખુશીના દિવસો હતા. દીકરાને ઉંમર કરતા આગળ પ્રગતિ કરતો જોઈને એક ડોક્ટરે તેને મેન્સામાં લઈ જવાનું કહ્યું. મેન્સા એટલે અનોખા બુદ્ધિજીવીઓની સંસ્થા. પણ મને શી ખબર કે છૂટાછેડા પછી તેના જીવનમાં મોટી સમસ્યાઓ આવશે અને તેનું મગજ અને જીવન વેરવિખેર થઈ જશે…..!
એવું લાગતું હતું કે નવા જોબમાં વિષ્ણુ સેટલ થતો જતો હતો. પણ રોજ વિષ્ણુ, તેનો બોસ અને કંપનીની સીએફઓ લેડી બારમાં પીવા માટે જતાં. મને કાયમ એક ફડકો રહેતો કે આ પીવા-પીવડાવવાની લતમાં ફરીને વિષ્ણુની નોકરી Jeopardized ન થાય..!
આ બાજુ, બોસ અને તે લેડી સીએફઓ વચ્ચે સંબંધ બંધાયો છે, તેની બોસની પત્નીને જાણ થઈ. તેણે પેરેન્ટ કંપની, GEને જણાવ્યું. મારો ડર સાચો પડ્યો અને GEએ બોસ, વિષ્ણુ અને તે સ્ત્રીને નોકરીમાંથી બહાર કાઢ્યાં.
હવે વિષ્ણુને લોસ એન્જલીસમાં નોકરી મળી. અમે ફરી ઘરબાર સંકેલ્યાં અને કેલિફોર્નિયા આવવાં નીકળ્યાં. મને હજુ એક વધુ સંતાન જોઈતું હતું અને મને મહિના રહ્યાં હતાં. મારાં બંને સંતાનોનાં જન્મ વચ્ચે 19 મહિનાનો જ ફરક છે.
13. બાળપણની એક હૃદયદ્રાવક દુઃખદ ઘટના
મારા મોટાભાઈ મારા કરતા 13 વર્ષ મોટા છે. તે પછી જયેશભાઈ મારા કરતા 11 વર્ષ મોટા હતા અને પછી હું અને મારાથી અઢી વર્ષ નાની બહેન. જયેશભાઈ બધાનાં બહુ વહાલા હતા. તેમની ઉમર 25 વર્ષની હતી અને એન્જિનિયરીંગ ભણી લીધા પછી બાપુજી જોડે ઇથિયોપિયા ધંધામાં જોડાયા હતા.
જયેશભાઈ લગ્ન માટે ભારત આવવાના હતા. અમારી ખુશીનો પાર નહોતો કે ઘરમાં બીજા ભાભી આવશે. એડીસમાં રજામાં, જયેશભાઈ મિત્રો જોડે ફરવા ગયા અને ગાડીના અકસ્માતમાં તેમનું અવસાન થયું. અમારા જીવનમાં કદી ન પુરાય તેવી ખાલી જગા રહી ગઈ. બાનું કાળજું કપાઈ ગયું. મને ઈચ્છા હતી કે મારાં સંતાનોની વચ્ચે અમે ભાઈ બહેનની જેમ વધુ સમયનું અંતર ન હોય.
14. કેલિફોર્નિયામાં લોસ એન્જલ્સ પછી કોન્કોર્ડ, પછી સનીવેલ, પછી કુપરટીનો અને પછી સારાટોગા….!
ઘરબાર સંકેલીને ગાડીમાં મીનીઆપોલીસથી ગ્રાન્ડ કેન્યન, બ્રાઇસ, ઝાયોન વગેરે જોતાં, જોતાં લોસ એન્જલ્સ આવ્યા. મમ્મી ડિલિવરી માટે આવ્યાં હતાં અને એની સાથે બાપુજી અને બહેન પણ આવ્યાં.
બહેનનાં લગ્ન કરવાના હતા. અમારી પાસે ગાડી એક જ હતી, મને જ્યારે ગાડીની જરૂર હોય ત્યારે વિષ્ણુને એનાં કામ પર મૂકી આવતી અને હું ગાડી મારી પાસે રાખતી હતી.
થોડાક મહિના માંડ વીત્યા હશે. એક દિવસ ગાડી મારી પાસે હતી. હું, મમ્મી, બાપુજી અને બહેન બહાર જવાનાં હતાં એટલામાં જ વિષ્ણુએ એની ઓફિસ પરથી એને લઈ જવા માટે મને બોલાવી.
મારાં મનમાં વિષ્ણુનાં જોબને લઈને એક અનિશ્વિતતા કાયમ રહેતી. હું મનોમન, એવું ઈચ્છતી હતી કે એની નોકરી બરાબર હોય, પણ….! હું ત્યાં પહોંચી. વિષ્ણુ બોક્સ લઈને, ગલીના નાકે રડતો ઊભો હતો. મિનિયાપોલીસથી નોકરી માટે આવ્યા અને છ મહિનામાં જ નોકરી ગઈ!
મને ફરી પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ અને કમળો થતા વજન ઉતરતું હોવાથી ડ્યુ ડેટને દિવસે દવાથી ડિલિવરી કરવાનું નક્કી થયું. મેં બહેનને કહ્યું કે દવાથી બાળક જન્મે તે કરતા આજે દાદરા ઉત્તર-ચડ કરીએ કે કાલે કુદરતી રીતે બાળક જન્મે.
રાત્રે સુવા ગઈ ને કોન્ટ્રેક્શન શરુ થયા. સવારે હોસ્પિટલમાં પહોંચતાં જ, પાણી સાથે બાળક આવવા લાગ્યું ને 10 મિનિટમાં ડિલિવરી થઈ ગઈ. 24 કલાકમાં દીકરીને લઈને અમે ઘરે આવ્યાં. મારી દીકરી ચાર મહિનાની હતી ત્યારે બહેનના લગ્ન પણ અમારાં ઘરેથી થયા.
આમ વખત પસાર થતો હતો પણ એક વાત ચોક્કસ, કે, મારી દીકરીનાં જન્મ સમયે મારાં માતાપિતા અને બહેન અહીં હોવાથી મનોમન મને ઘણી હૂંફ રહી હતી.
આ દરમિયાન, વિષ્ણુની જોબસર્ચ તો ચાલી જ રહી હતી. વિષ્ણુના જે જૂના બોસ અને લેડી સી.એફ.ઓ.ને GE કંપનીએ કાઢી મૂક્યાં હતાં, એ જ બોસે પત્નીથી છૂટાછેડા લઈને કેલિફોર્નિયાના કોન્કોર્ડ શહેરમાં આવીને કંપની શરુ કરેલી. વિષ્ણુ તેમાં જોડાયો.
મેં ફરી ઘર સમેટ્યું પણ આ વખતે બા-બાપુજીની મદદ મળી. કોન્કોર્ડમાં અમે ઘર લીધું. વિષ્ણુની નોકરી દોઢેક વર્ષ રહી અને બોસ જોડે ગરમાગરમી થતાં, એ નોકરી પણ ગઈ.
મને હવે એટલું સમજાવા માંડ્યું હતું કે જીવનમાં સ્થિરતા લાવવા અને મારા સંતાનોને સારી જિંદગી આપવા, મારે જ કામ કરવું પડશે. આમ, હું કોલેજમાં પાર્ટ ટાઈમ ભણાવવા લાગી.
પહેલાં સાન ફ્રાન્સિસકોની સિટી કોલેજમાં; પછી મોરાગા, સેન્ટ મેરીસ કોલેજમાં અને પછી કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી એટ હેવર્ડની નાની શાખા અમારા ઘર પાસે થઈ તેમાં હું ભણાવતી હતી.
વિષ્ણુને નોકરી મળી તેમાં તેની સ્ત્રી બોસ જોડે ચકમક થતા તે નોકરી પણ ગઈ. વિષ્ણુ કદી પણ મને કે મારાં સંતાનોને જીવનમાં કોઈ સલામતી આપી શકતો નહોતો, એટલું હવે સ્પષ્ટતાથી સમજાવા માંડ્યું હતું.
અમેરિકામાં હેલ્થ ઈન્સ્યોરન્સ કાયમ કંપની તરફથી બેનિફીટ તરીકે મળે. પ્રાઈવેટ હેલ્થ ઈન્સ્યોરન્સ તો પોષાય નહીં. બાળકો નાનાં હોય ત્યારે નાની મોટી માંદગી આવે-જાય. વિષ્ણુની જોબને પકડી રાખવાની અશક્તિને કારણે અમે એવા દિવસો પણ જોયાં છે કે જ્યારે થોડા મહિનાઓ અને ક્યારેક તો એક વર્ષ સુધી અમારી પાસે મેડિકલ ઇન્શ્યોરન્સ પણ નહોતો. ભગવાન જાણે એ કપરા દિવસોમાં અમે શી રીતે ટકી ગયાં…!
15. મને મળ્યો એક નવો વ્યવસાયિક માર્ગ
એ સમયે સ્ટોરમાં કેશિયરના ડેસ્ક પર અનેક સ્મોલ બિઝનેસ ઓનર્સ પોતાના કાર્ડ અને જાહેરાત મૂકતા હતા. આવા જ કોઈ સ્ટોરમાં મને એક કાર્ડ મળ્યું. પાછળ મેસેજ હતો કે કોઈ મનોવિજ્ઞાન ભણ્યાં હોય અને વિભિન્ન સંસ્કૃતિમાં રસ હોય તેમને માટે એક કેરિયરનો સરસ મોકો છે.
હું કાર્ડ લઈ આવી અને મેં સંપર્ક કર્યો. મારો ઇન્ટરવ્યૂ થયો અને મને કામની ઓફર મળી. કંપનીએ આપેલી તારીખે મારે પ્લેનની ટિકિટ લઈને વેસ્ટ ચેસ્ટર પહોંચવાનું હતું. ત્યાં ગયા પછી, ત્યાંની એક મોટી હોટેલમાં સાંજે તેમને ડીનર પર મળવાનું હતું. મેં વિષ્ણુ જોડે વાત કરી,
અમને પૈસાની જરૂર તો હતી જ અને મોકો પણ સારો લાગ્યો. વિષ્ણુએ પણ ‘હા’ પાડી તોયે મનમાં મને થોડો ડર પણ હતો કે કોઈ રમત રમતું હોય અને બધું ખોટું નીકળે તો?
પણ હિંમત કરીને હું ત્યાં પહોંચી ગઈ અને સાંજે તેમને મળી. મેં IBMના પ્રોજેક્ટ વિષે જાણ્યું. IBMની ટીમે બે દિવસ ટ્રેનિંગ કેમ કરવી એ બતાવ્યું અને પછીની ટ્રેનિંગ અમે- એટલે કે પસંદગી પામેલાં ઉમેદવારોએ કરી અને તેમાં હું પણ હતી. એ સાથે, બીજી કંપનીઓનાં માણસો પણ હતાં.
ત્યાં ફ્લોરિડાની ‘પ્રિઝમ’ નામની એક કંપની પણ હતી. તેના માણસો પાસેથી મેં જાણ્યું કે આ જ કામના તેમને વધુ પૈસા મળતા.
મેં ફ્લોરિડાની પ્રિઝમ કંપનીનો સંપર્ક કરીને તેમની સાથે જોડાવાની ઈચ્છા બતાવી. તેઓએ કહ્યું તેં જો નોન કોમ્પીટ દસ્તાવેજમાં સહી કરી હશે તો અહીંથી કામ ન કરી શકે.
મેં એમને કહ્યું કે મેં કોઈ સહી નથી કરી. તેઓએ મને તેમની એમની કંપનીમાં hire કરી લીધી અને આમ અમારી જીવનની ગાડી પાછી ચોથા ગિયરમાં આવવા માંડી હતી.
આ બાજુ, જે કંપની દ્વારા હું આ ટ્રેનિંગના કામ પર આવી હતી, એ કંપનીના બોસને ગુસ્સો આવ્યો. તેમણે મને મેં જેટલા દિવસો ટ્રેનિંગનું કામ કર્યું હતું, એટલા દિવસના પૈસા આપવાની ના પાડી.
અમેરિકામાં લેબર લો – કંપનીના એમ્પ્લોયીસ માટેના કાયદાકાનૂન ખૂબ જ સ્પષ્ટ અને કામ કરનારાંઓનાં હકમાં હોય છે. બોસ આમ કોઈ પણ કારણ વિના આમ પગાર પેટે નીકળતાં પૈસા રોકી ના શકે.
મેં આ જાતની સતામણીનો વિરોધ કરવાનું નક્કી કર્યું અને હું કોર્ટમાં ગઈ. મને એક રીતે હાશ પણ થઈ કે ચુકાદો મારા હકમાં આવ્યો અને મને મારા પગાર પેટે નીકળતા બધા જ પૈસા મળી ગયા.
આ સાથે મેં નક્કી કર્યું હવે મારા પર જ ભરોસો રાખીને, મારી આત્મસૂઝ પ્રમાણે પરિવાર માટે જે કરવાનું હતું તે કરવું જ રહ્યું. હું એક એવી મુસાફરી પર નીકળી પડી હતી કે અમારી સફરને અંજામ સુધી પહોંચાડવાની ‘હોલ એન્ડ સોલ’ જવાબદારી ધીરેધીરે મારા ખભા પર આવી પડી હતી.
‘પ્રિઝમ’ સાથે હું જોડાઈ એ વાતને આજે 25+ વર્ષ થઈ ગયા છે અને હાલ સુધી ડિવર્સિટી ટ્રેનિંગનું કામ હું પ્રિઝમ જોડે કરું છું. કોવિડ દરમ્યાન ઝૂમ ઉપર પણ કર્યું.
પરિવર્તનભરી જિંદગીમાં ઘણા સબંધ ખૂટે, તૂટે અને અમુક સબંધ અકબંધ રહે છે. પ્રિઝમના મુખ્ય સીઈઓ બહેને નિવૃત્તિ લઈને કંપની બીજાને સોંપી અને ઘણા લોકો બદલાઈ ગયા છે અને મારા જેવા થોડાંક હજુયે સાથે છે.
(ક્રમશઃ)
(ભાગ બીજો આવતી કાલે)