ધરતીનો ખોળો ~ નવલિકા ~ ડૉ. રઈશ મનીઆર
તામિન અને એની દીકરી જીનુ બપોરનું ભાથું ખાઈને એમના ખેતરવામાં દોડાદોડી કરી રહ્યાં હતાં.
ચાર વરસની નાનકડી જીનુ થાકી અને બોલી, “ચાલો પપ્પા, આપણી આરામ કરવાની જગ્યાએ, સૂઈ જઈએ.” તામિન અને જીનુ બન્ને ખેતરની બાજુમાં વંડો ઠેકી એમની આરામ કરવાની જગ્યા પર પહોંચ્યા. એક લીમડાનું ઝાડ અને એક જમરુખનું ઝાડ. એના છાંયડા નીચે બાપદીકરી બન્ને એમની નિશ્ચિત જગ્યાએ એક ખાડામાં આડા પડ્યાં.
***
તામિનનું ખેતર એટલે એની એક વીંઘાથીય ઓછી જમીન. સાત પેઢી પહેલાં આખું ગામ એના પરદાદાઓએ વસાવેલું. હવે સાત પેઢીએ જમીનના ટુકડા નાના થતા ગયા ને અન્ન ખાનારાં વધતાં ગયાં. છતાંય ધરતીનો ખોળો એટલો ફળદ્રુપ તો હતો જ કે સામાન્ય જરૂરિયાત જેટલાં અનાજપાણીનો બંદોબસ્ત થઈ જતો. તામિન પાસે થોડા પશુ પણ હતાં. કોઈ દુર્ઘટના ન આવે ત્યાં સુધી રોજરોજનું ગુજરાન ચાલી શકે, એટલી સમૃદ્ધિ હતી. તામિનની અઠ્ઠાવીસ વરસની ઉંમરમાં અત્યાર સુધી આમ જ કોઈને કોઈ રીતે બે છેડા ભેગા થઈ ગયા હતા.
તામિનના પપ્પા બીર રાયા સ્વભાવે નિરુપદ્રવી એટલે ભાઈઓએ એમને ગામના છેક છેવાડાની જમીન આપેલી. એમની જમીનને અડીને જ કબ્રસ્તાનનો વંડો આવે. ગ્રામવાસીઓ સદીઓથી પોતાના પૂર્વજોને અહીં જ દફન કરતાં આવ્યા હતા.

કબ્રસ્તાન બાજુમાં હોવાથી તામિનના પરિવારજનોએ આયખું પૂરું થાય ત્યારે માત્ર વાડ જ ઠેકવાની રહેતી. જોકે એમને અંતિમ મુકામે પહોંચાડવાનું કામ ગામવાળા માનપૂર્વક કરતાં અને મુખ્ય દરવાજેથી જ સ્મશાનયાત્રા જતી. ભલે બીર રાયાના પરિવારના સભ્યો જીવતાં હતાં ત્યારે ગામ માટે પરવા કરવા જેવા નોંધપાત્ર નહોતાં, તોય, કોઈ મરી જાય ત્યારે ગ્રામવાસીઓ અચૂક હાજર થતા અને આ જ કબ્રસ્તાનમાં વિધિસર દફનવિધિ થતી. જીવનને માન મળે ન મળે, મરણને માન મળતું.
તામિનને બાળપણમાં કબ્રસ્તાનનો બહુ ડર હતો. કબ્રસ્તાનની નજીકથી પસાર પણ થવાનું થાય તો એ પિતાની સોડમાં લપાઈ જતો. બીર રાયા કહેતા, “આ પણ ધરતીનો ખોળો જ છે ને!” એક રાતે બીર રાયાને સાપ કરડ્યો અને બીર રાયા ધરતીના ખોળામાં સમાઈ ગયા. ત્યારથી તામિને કબ્રસ્તાન તરફની દિશાએ જવાનું જ બંધ કરી દીધું. પિતાના જન્મદિવસે કે કોઈ વારેતહેવારે એની મા મેલાયા અને પત્ની સાહી કબ્રસ્તાન જતાં, પણ તામિન ન જતો. પિતાની યાદ અને કબ્રસ્તાનનો ડર આ બે વિરોધી લાગણીઓને લઈને એ જીવી રહ્યો હતો. પણ દોઢ વરસ પહેલાં અચાનક આ ક્રમ બદલાઈ ગયો.
***
દોઢ વરસ પહેલાંની વાત એવી તે શું બની હતી? તામિનની એકની એક દીકરી જીનુને બે મહિનાથી સતત ખાંસી રહેતી હતી.

પહેલાં તો સહુએ અવગણના કરી. પછી એકધારી ખાંસીને કારણે એની અને બધાની રાતની ઊંઘ બગડવા લાગી એટલે તામિનની મા મેલાયા બોલી, “આ તો ઉંટાટિયું!’ એને પાંદડાં વાટી પીવડાવ્યાં અને અનુભવવાણી ઉચ્ચારી, “પંદર દિવસે ખાંસી ઓછી થશે.” પંદર દિવસ પછી ખાંસી ઓર વધી. જીનુને થાક લાગવા લાગ્યો. ખાંસી ન અટકે એટલે એ રડે અને રડે એટલે ભૂરી થાય. જીનુના કોરી સ્લેટ જેવા ભૂરા પડી ગયેલા ચહેરા પર પોતાનું અજ્ઞાન ચોખ્ખું વંચાઈ ગયું હોય એમ ગામના ડોક્ટરે કહ્યું, “આ તો શહેરના ડોક્ટરને બતાવવું પડશે.” તામિને શહેરના ડોક્ટર પાસે જવા માટે નવા જન્મેલા બે વાછરડાંમાંથી એક વાછરડું કસાઈને વેચ્યું.
શહેરના ડોક્ટર પાસે લઈ જવાની બધી વ્યવસ્થા ગોઠવનાર પડોશીએ એક ચપટી વગાડી કહ્યું, “ડોક્ટર નુહાન તો એક ચપટીમાં નિદાન કરશે.” બીજી ચપટી વગાડી કહ્યું, “પછી કરશે ઈલાજ! એટલે ખાંસી ગુમ!” શહેરના ડોક્ટર નુહાને જીનુને તપાસી, પણ પડોશીના કહ્યા મુજબ ચપટી ન વગાડી. એ ગૂંચવાયા. કહેવા લાગ્યા, “રિપોર્ટ કરાવવા પડશે. આટલો ખર્ચો થશે.” તામિન ગણિતમાં પાકો નહોતો પણ રકમ એને સમજાઈ ગઈ. બીજા વાછરડાની કિંમત જેટલો જ ખર્ચ ડોક્ટર સાહેબે કહ્યો હતો.

રિપોર્ટ વાંચીને પણ ડોક્ટર નુહાને ચપટી ન વગાડી. ધીમે રહી બોલ્યા, “છોકરીના હાર્ટમાં જન્મજાત ખામી છે. અત્યારે એની અસર દેખાઈ રહી છે, હૃદય પહોળું થયું છે. ફેફસાંમાં લોહી એકઠું થયું છે. દવાથી સારું નહીં થાય.”
છેલ્લા વાક્ય સિવાય તામિનને કશામાં સમજ પડી નહીં. વિચારતો હતો ઓપરેશન કરવા માટે ખેતર વેચવું પડશે. અગાઉ એના પિતરાઈ તાઈ ટુંબાના દીકરાની કીડની ખરાબ હતી ત્યારે તાઈ ટુંબાએ ખેતર વેચેલું.
ડોક્ટર સાહેબ પછી જે બોલ્યા એનાથી તામિનને ખેતર વેચવાનીય નોબત ન આવી, “ઓપરેશનથીય ઈલાજ નહીં થાય એનો. દવાથી દોઢ વરસ રાહત રહેશે.”
“પછી?”
“આ છોકરી એટલું જ આયુષ્ય લઈને આવી છે. હવે દોઢ જ વરસ, બહુ બહુ તો બે મહિના આમ કે તેમ!”
***
તામિનની અને સાહીની જીનુ એકની એક દીકરી હતી. બાળકને ગુમાવવાની એમની ઘેરી વેદના એમના સુધી જ સીમિત રહી, ખાસ સાર્વજનિક ન થઈ, કેમ કે ગામમાં એમનાં જેવાં તો ઘણાં હતા. ઘણાંને ત્યાં, ત્યારે અથવા ભૂતકાળમાં બાળકો બીમાર હતાં. તામિનના ખુદના ત્રણ ભાઈ બેનો બાળપણમાં ગુજરી ગયાં હતાં, એક તામિન જ બચ્યો હતો. ખેતર વેચાઈ જાય એના કરતાં બાળક ગુજરી જાય, એ પોષાય, એવું સામાન્ય વાતાવરણ ગામમાં હતું. વરસોના અનુભવે લોકોએ સમજી લીધું હતું કે વેચેલું ખેતર પાછું ખરીદી શકાતું નથી. બાળકનું શું છે! ભાગ્યમાં હોય તો એ તો બીજું જન્મે! માનો ખોળો કાઠો હોવો જોઈએ.
ડોક્ટરે કહેલું કે હવે જીનુને શાળાએ ન મોકલશો, એને ઈન્ફેક્શન લાગશે તો દોઢ વરસને બદલે વહેલી જ……. પરંતુ શાળામાં મધ્યાહ્ન ભોજન મેળવવા માટે હાજરી આપવી જરૂરી હતી. ઘરે રહે તો જીનુ બપોરે જમવાનું માંગતી, એ ક્યાંથી લાવવું? એટલે જીનુને શાળાએ મોકલવાનું ચાલુ રાખવામાં આવ્યું. જીનુને ખાંસી થતી એ હાર્ટની તકલીફને કારણે હતી, ચેપી નહોતી. છતાં એક-બે સાધારણ વધુ પૈસાપાત્ર પરિવારનાં બાળકોની માતાઓએ સ્કૂલમાં ફરિયાદ કરી.
લોકોના આવા વલણને કારણે ધીમે ધીમે સાહીનો જીવ પણ દીકરીમાંથી પાછો થવા લાગ્યો. એના નાની ઉંમરે લગ્ન થઈ ગયેલા. એક બાળકી જન્મી, પછી હેલ્થવર્કરના કહેવાથી તામિને પુરુષ નસબંધીનું ઓપરેશન કરાવી નાખ્યું હતું. સાહી ક્યારેક કામ વિસરીને પોતાના જીવન વિશે વિચારતી. ભૂતકાળમાં યાદ કરવા જેવું કશું હતું નહીં. ભાવિ વિશે કોઈ આશા નહોતી. બસ, આ જીનુ નામનો વર્તમાન દોઢ વરસ સુધી વેંઢારવાનો હતો.
જીનુની દાદી મેલાયા જીનુને જોઈ વિચારતી, “આવી કેવી બીમારી લઈને આવી છે જે મારાં ઓસડિયાથી સારી નથી થતી! આખું ગામ મારી પાસે ઓસડિયા લઈ જાય!” બીમારી પ્રત્યેનો રોષ પૌત્રી પ્રત્યે કેંદ્રિત થયો. ધીમે ધીમે, તામિન સિવાયના સહુ, જીનુને એવી નજરથી જોતાં થયાં કે દુનિયા માટે આ નકામો જીવ છે. હવા-પાણી-પોષણમાં ભાગ પડાવે એવો. ખેતરમાં આવો રોપો ઊગે તો ખેંચી કાઢીએ, વાઢી કાઢીએ. પણ..
દુ:ખી માણસ દુ:ખ સહન ન કરી શકે ત્યારે આછીપાતળી આશાની એવી લકીર શોધી કાઢે છે જે વ્યાજખોર શરાફની જેમ આજે એનું દુ:ખ હરી લે, પણ પછી ચાર ગણું કરીને પાછું આપે. સાહીને પણ એવી દિશા મળી ગઈ. એના પિયરમાં એક સગા આવું જ નસબંધીનું ઓપરશન રિવર્સ કરાવી પિતા બન્યા હતા. બહુ ખર્ચ આવ્યો પણ તંદુરસ્ત બાળક જન્મ્યું. આ વાત એ રાતે સૂતી વખતે તામિનને વારંવાર કરતી. તામિન દરવખતે હસી કાઢતો. રાતે અકળાયેલી સાહી સવારે જીનુ પર ગુસ્સો કાઢતી. તામિનની માતા મેલાયા પણ પૌત્રીની વિદાયની એંધાણીના દુ:ખને, પૌત્રના આગમનની આશાથી, હળવું કરવા વિચારવા લાગી. ઘરની બન્ને સ્ત્રીઓ આ બાબતે એક થઈ. ઘરની બન્ને સ્ત્રીઓ જેને ટોકે, એવો પુરુષ ક્યાં જાય?
આખરે તામિને ખેતરમાં જ વધુ સમય પસાર કરવાનું નક્કી કર્યું. જીનુ પણ શાળા જવાને બદલે પપ્પા સાથે ખેતર આવતી થઈ. તામિન પોતે અભણ હતો, પણ જે દોઢ જ વરસ જીવવાની હતી એવી દીકરીના દિવસો આનંદથી ભરી દેવાની આવડત કોણ જાણે તામિનમાં ક્યાંથી આવી ગઈ હતી..! તામિનને અચાનક દીકરી સાથે સમય વિતાવવામાં જ આનંદ આવ્યા લાગ્યો. બાપ દીકરી સમયના ભાન વગર ખેતરમાં રમતાં.
દુન્યવી દૃષ્ટિએ ચાર વરસની જીનુ હજુ બીજા દોઢ વરસ જીવવાની હતી. માત્ર દોઢ વરસ. જેમાં મૃત્યુ સિવાય બીજી કોઈ મહત્વની ઘટના બનવાની નહોતી. આ કંઈ સાર્થક જીવન ન કહેવાય.
કોઈપણ બાળકી કિશોરી થાય, ઘરકામ શીખે, ખેતી અને પશુપાલનના કામ કરતી થાય, એને માટે માંગું આવે, લગ્ન થાય એના વરસમાં જ એ સાસુને દાદી બનાવે, પતિને પિતા બનાવે. પછી દીકરાના નખરા ઉઠાવે. એના માટે પોતાના જેવી જ કોઈ કન્યા શોધી લાવે ત્યારે આ ચક્ર પૂરું થાય. આને સ્ત્રીનું ગૌરવશાળી જીવન કહેવાય. ગામવાળાઓની સાર્થક જીવનની આ વ્યાખ્યામાં જીનુનું બચેલું જીવન ફીટ થાય એમ નહોતું.
જીનુને જોઈજોઈને અમુક માતાઓને પોતાના બાળકને પણ આવું કંઈ તો નહીં થઈ જાય ને, એવી ફડક પડતી. આ બધું જોઈ તામિને મનોમન નક્કી કર્યું કે જીનુને આ લોકોની નજરથી દૂર જ રાખવી. રોજ સવારે ભાથું તૈયાર કરી જીનુને લઈને ખેતર નીકળી પડતો. ક્યારેક જીનુ એના ખભે બેસતી, તો ક્યારેક એની આંગળી પકડી જીનુ આગળ આગળ ચાલતી.
નસીબસંજોગે ખેતરમાં અને બાજુના વંડામાં એવાં ઘણાં જીવજંતુ અને વનસ્પતિ હતાં જેમનું આયુષ્ય દોઢ વરસ કરતાં ઓછું હતું. તમરાં, કાનખજૂરાં, અળસિયાં, તીતીઘોડા, પતંગિયાં સહુ અલ્પકાલીન જીવન લઈને આવ્યા હતા. વાડના વેલા, વંડી પર ઊગી નીકળેલા ઝીણાં રંગબેરંગી ફૂલો, આજે હોય ને કાલે ન પણ હોય! ખેતરનાં છોડવાં વળી એક ચોમાસું જુએ, બીજું ન જુએ. સર્જન-વિસર્જનના આ ક્રમમાં મૃત્યુ જેવો શબ્દ ન હતો. તામિનને ક્યારેક થતું, મૃત્યુ શબ્દ સભ્યતાનું સર્જન છે. માનવો સિવાયની કુદરતની વ્યવસ્થામાં ખરવાનો કોઈ ખાસ ખરખરો નથી. માત્ર નિખરવાનો આનંદ જ છે. જીનુને ખાંસી આવે, થાક લાગે તો વનવગડામાં કોઈ એની દયા ખાતું નહીં. તામિન પણ નહીં. તેથી જીનુએ ખાંસી અને થાકને સહજતાથી સ્વીકારી લીધાં.
ખેતરમાં કેટલાંક વૃક્ષો એવાં પણ હતાં જે બીર રાયાના પિતાજીએ રોપેલાં. પરંતુ એ વૃક્ષો ગામનાં ઘરડાંઓની જેમ ‘આટલી વસંત જોઈ.. આટલી પાનખર જોઈ..’ એવું અભિમાન નહોતાં કરતાં. તામિન ક્યારેક જુદાજુદા વેલાઓના મંડપ વચ્ચે જીનુ માટે રમવાનું ઘર બનાવતો.

ક્યારેક નાળિયેરી સોપારી જેવા વૃક્ષોના છટિયાંથી ઝૂંપડી બનાવતો. ક્યારેક લીમડાની ડાળીઓ પર વાંસ ગોઠવી છજું બનાવી આપતો. આમ અલગ અલગ ઘરમાં બાપ દીકરીની રમતો ચાલતી. કોઈ પણ ઘાસની સળી ગૂંથીને એનો મુગટ બનાવતો અને એની ઉપર હીરાને સ્થાને કોઈ ફૂલ રહેતું. જીનુ રાણી બનતી અને તામિન કુર્નિશ બજાવતો. છોડવાંઓ દરબારીઓની જેમ ટટ્ટાર રહેતા. ખેતરમાં જીનુ અને તામિન સમયનું ભાન ભૂલી શકે એવું વાતાવરણ હતું. તેથી એમાં દોઢ વરસ ક્યાં પસાર થઈ ગયા એની ખબર પણ ન પડી. સાંજે, મોડી સાંજે બન્ને ઘરે પાછા વળતાં ત્યારે બન્ને આવી કોઈ વાત ઘરે કરતાં નહીં. કોઈને એમાં ગડ પડે પણ નહીં, આ એમની બે જ જણાની મોજ હતી.
તો રોજની જેમ બપોરનું ભાથું ખાઈ થોડું રમી, થાકી બન્ને બાપદીકરી ખેતરની બાજુમાં વંડો ઠેકી એમની આરામ કરવાની જગ્યાએ પહોંચ્યા. એક લીમડાનું ઝાડ અને એક જમરુખનું ઝાડ. એના છાંયડા નીચે બાપદીકરી બન્ને એમની નિશ્ચિત જગ્યાએ આડા પડ્યા. એમની આરામની જગ્યા એટલે જમીનની વચ્ચે ખોદેલો ખાડો. સાડા પાંચ હાથ લાંબો, ત્રણ હાથ પહોળો અને ત્રણ હાથ ઊંડો ખાડો.

સવા વરસ સુધી ખેતરમાં અલગ અલગ રમકડાંનાં ઘર બનાવ્યા પછી દીકરીને એમ હતું કે એના પપ્પાએ આ વળી નવી જાતનું ઘર બનાવ્યું. ખેતરની બાજુમાં જ, વંડો ઠેકીને, ખબર નહીં પપ્પાએ ક્યારે સમય ચોરીને, આ ઘર બનાવ્યું હશે! પણ જીનુને મન બહુ મજાનું હતું આ ઘર. અત્યાર સુધીના ઘર જમીનની ઉપર હતા. આ વખતે સાડા પાંચ હાથ લાંબો, ત્રણ હાથ પહોળો અને ત્રણ હાથ ઊંડો ખાડો. માત્ર બાપદીકરી બન્ને એમાં સમાઈ શકે એટલો ખાડો. મસ્ત મજાની હૂંફાળી જગા. છેલ્લા ત્રણ મહિનાથી બાપદીકરીનો આ જ ક્રમ હતો. રોજ બપોરે બન્ને અહીં આરામ કરતાં. થાકેલી જીનુના શ્વાસ થોડા હેઠા પડયા એટલે વિચારનો તંત છૂટ્યો અને રોજની જેમ તરત જીનુની આંખ લાગી ગઈ.
બેચાર દિવસથી તામિનને ઊંઘ નહોતી આવતી. ગણિતમાં એ કાચો હતો તોય એને બરાબર ખ્યાલ હતો કે ડોક્ટરે આપેલી જીનુની જીવવાની લિમિટ ક્યારની પૂરી થઈ ગઈ હતી. પણ કદાચ ખેતરની તાજી હવાએ એ લિમિટ થોડી લંબાવી આપી હતી.
જીનુને મન આ ખાડો, આ નવું રમવા માટેનું ઘર એક રમત હતી, પણ તામિને સમજીવિચારીને ત્રણ મહિના પહેલાં જ દીકરી માટે કબ્રસ્તાનમાં આ કબર ખોદી રાખી હતી. એક બાપ તરફથી દીકરીને અપાયેલી છેલ્લી ભેટ હતી આ. બપોર સુધી જમરુખીનો છાંયડો આવે અને બપોર પછી લીમડાનો છાંયડો આવે એવી જગ્યા તામિને પસંદ કરી હતી. સાવ નિસ્પૃહ જીવતર લઈને આવેલી દીકરી માટે શિક્ષણ, ઘરેણાં, કરિયાવર કશો ખર્ચ કરવાનો નહોતો. બસ, આ કબરમાં જ એને વિદાય કરવાની હતી. આ નવા નિવાસની એને ટેવ પડે એ માટે તામિન ત્રણ મહિનાથી રોજ બપોરે એકથી ચાર દીકરી સાથે અહીં જ સમય વીતાવતો. અહીંના તડકા-છાંયડા, ધૂળ-કાંકરા સાથે એણે જીનુની આત્મીયતા કરાવી દીધી હતી, વળી દાદા બીર રાયાની કબર પણ બાજુમાં જ હતી. દીકરીની વિદાય આકરી ન પડે એ માટે પોતાની સૂઝ મુજબ બધી વ્યવસ્થા બાપે કરી રાખી હતી.
એક દિવસ અહીં બપોરે જીનુ સૂતી, પછી કેમેય કરીને જાગી નહીં. તામિને જોયું, દીકરીના શ્વાસ બંધ હતા. પણ દીકરીના મોં પર હળવું સ્મિત હતું. છેલ્લા દોઢ વરસની મોજમાંથી છેલ્લા દોઢ વરસની ખાંસી અને હાંફની પીડાની બાદબાકી કરતાં બચેલું આ નાનકડું સ્મિત તામિને હૈયામાં ભરી લીધું. દીકરીને બે હાથમાં ઉપાડી ઘરે ગયો.

સાહીએ જોયું રોજ પિતાના ખભે બેસીને આવતી દીકરી આજે જુદી રીતે આવી હતી. સાહી અને મેલાયા ખૂબ રડ્યાં. જીનુ જીવતી હતી ત્યારે તેઓ પ્રેમ કરવાનું ચૂકી ગયાં હતાં. તામિન રડ્યો નહીં, પણ એની આંખના ખૂણે એક આંસુ ચમક્યું. ઝાકળની જેમ દડીને મૃત દીકરીના કપાળે પડ્યું.
થોડા કલાકો પછી વિધિસર દફન માટે લોકો ભેગાં થયાં. જીનુ માટે કબર તામિને ખોદેલી તૈયાર જ હતી. બે પૈસા મેળવવાની આશા રાખતા ઘોરખોદુ નારાજ થયા, બાકીનાને મન તો સમય બચ્યો. જીનુને દફનાવતી વખતે કોઈ બોલ્યું, “અરે આટલા નાનકડા સવા હાથના જીવ માટે આટલી મોટી કબર!” ત્યાં વાંકા વળીને કબરની અંદર તાજા ફૂલ મૂકવા ઊતરવા જતાં તામિનને અચાનક ચક્કર આવ્યા, એ કબરમાં પડ્યો. સહુએ એને ખૂબ ઢંઢોળ્યો. પણ એ ઊઠ્યો નહી.

આખરે ગ્રામવાસીઓએ પિતાપુત્રીને સાથે એક કબરમાં દફનાવવાનો નિર્ણય લીધો. એ ક્ષણે હયાત હતા એવાં પંતગિયાં, જંગલી ફૂલ, અળસિયાં અને વેલાઓએ બાપદીકરીને વિદાય આપી. એ ક્ષણે સમય મરી ગયો. એ ક્ષણે પ્રેમ જીવી ગયો.
***********