“કારવાં સાથ ઔર સફર તન્હા” (ભાગ:૨) ~ આત્મકથનાત્મક લેખ ~ ડૉ. દર્શના વારિયા નાડકર્ણી
(ભાગ:૨)
હું હવે ‘પ્રિઝમ’ને માટે કામ કરતી હતી. IBMનો પ્રોજેક્ટ આખું વર્ષ ચાલ્યો. હું ઘરથી દોઢેક કલાક દૂર સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટથી મુસાફરી કરીને ન્યુ યોર્ક, એટલાન્ટા, ફ્લોરિડા, ટેક્સાસ, વર્મોન્ટ, કેન્સાસ વગેરે જગ્યાએ પહોંચી જતી.
પછી રેન્ટલ કાર લઈને, ટ્રેનિંગ ક્લાસ ભણાવી, પાછી હોટેલ આવતી અને જમી કરીને, સૂઈ જતી. બીજે દિવસે એ જ રૂટિન ફરી શરુ. જે રીતની ટ્રેનિંગ હોય એ પ્રમાણે, બેથી ચાર દિવસ સુધી આમ ઘર અને બાળકોથી દૂર રહેવું પડતું હતું.
ક્લાસ પૂરા થાય તે જ દિવસે સાંજના, ક્લાસથી સીધી એરપોર્ટ પહોંચી, રેન્ટલ ગાડી પરત કરીને, દોડાદોડ પ્લેન પકડીને પાછી ઘેર આવતી. એમાંયે ન્યુ યોર્ક જેવી જગ્યાએથી ઘરે પહોંચું ત્યારે અહીંના રાતના એક વાગ્યા હોય..! પણ દિવસો તો એની ગતિ ક્યાં કોઈને પણ માટે રોકે છે?
ક્યારેક એક શહેરથી પતાવીને બીજા અને ત્રીજા શહેરમાં પહોંચવાનું, કેટલીયે ભાડાની ગાડી ચલાવી, કેટલીયે હોટેલોમાં મારે ઘર અને સંતાનોથી દૂર રહેવું પડ્યું.
અનેકવાર પ્રવાસમાં કેટલીયે અડચણો પણ આવતી અને જાતજાતની રમુજી ને વિચિત્ર ઘટનાઓ પણ બનતી. એ બધાંનું વર્ણન કરવા બેસું તો આખું પુસ્તક લખાય…!
હા, પણ આમ, આ રીતે, સતત દોડતી જિંદગીમાં, એક બાજુ, હું અંતરથી ખર્ચાતી ગઈ પણ, એ સાથે હ્રદયમાં પેદા થયેલા અવકાશને સારા-નરસા અનુભવોએ ભરીને, મને અને મારા જીવનને સંવર્ધિત અને સમૃદ્ધ કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે.
16. મારો નિર્ણય
મને યાદ આવે છે કે એકવાર અમે ઘરથી દૂરના પાર્કમાં બાળકોને કોઈ ઉત્સવમાં લઈ લાવેલાં. ત્યાં વિષ્ણુ અને મારો કોઈક વાતે ઝઘડો થયો. વિષ્ણુમાં કોઈ બદલાવ હજુયે આવ્યો નહોતો. એનો એ જ, “એંગર મેનેજમેંટ”નો પ્રોબ્લેમ…!
એ ગુસ્સામાં, મને બે નાનાં છોકરાંઓ સાથે એકલી છોડીને ગાડી લઈને ચાલ્યો ગયો. મારી પાસે પાકીટ કે પૈસા કંઈ નહોતું. તે જમાનામાં સેલફોન પણ નહોતા. બે અને ચાર વર્ષના બાળકોને લઈને, થોડે રસ્તે એક બાળકને તેડું, પછી તેને ચલાવીને બીજાને તેડું એમ બે માઈલ ચાલતાં મને ત્રણ કલાક થયાં.
અમે ઘેર આવ્યાં ત્યારે રાત પડી ગઈ હતી. ઘરે પહોંચી તો વિષ્ણુ તો જાણે કંઈ ન થયું હોય એમ હસવા લાગ્યો. મને કહે, “તું મૂરખ છે, મને ફોન કરવો હતોને?’
મને નવાઈ એ લાગી કે રાત થવા આવી હતી અને છતાંયે એને એકવાર પણ એમ ન થયું કે મારી પત્ની અને છોકરાંઓ ક્યાં છે” ઉપરથી હસીને કહે છે કે મને ફોન કરવો’તો…!
મેં ઝઘડો ન થાય એટલે શાંતિથી કહ્યું કે, “તું અમને મૂકીને જતો રહ્યો. મારી પાસે ફોનના પૈસા પણ નહોતાં.” તો જરા પણ શરમ અનુભવ્યા વિના કહે, “અક્કલ નથી કે કલેક્ટ કોલ કરી શકાય?”
એ આવું કહેતો ત્યારે મને ખૂબ ઓછપ લાગતી. માનસિક રીતે મને થતું કે સાચે જ, મારામાં જ કોઈ કમી છે કે આવું હું વિચારી કેમ નથી શકતી..?
વિષ્ણુને ગુસ્સો ઉતરી જાય પછી પણ એણે જે ગુસ્સામાં કહ્યું કે કર્યું હોય, એ બદલ શું કદીયે મનમાં પસ્તાવો પણ નહીં થતો હોય, એ મારે મન કોયડો જ રહ્યો છે.
ક્યારેક ગાડી ચલાવતાં એ મને અચાનક જ પૂછતો કે, “મેપ જોઈને બોલ, ડાબે વાળું કે જમણે?”અને હું નર્વસ થઈ જતી. જવાબ આપવામાં વાર લાગે તો એટલા જોરથી બૂમ પાડે; “અલ્ઝાઇમર થયું છે? કેટલી વાર લાગે છે?”
વિષ્ણુ આમ સતત જ અને દરેક વખતે, તક મળતાં, મને માનસિક રીતે રીતસર દૂણતો અને હડધૂત કરતો.
એ મારી અંદર રહેલા સત્વના નવનીતને ધીરેધીરે કડવાશથી રિપ્લેસ કરતો જતો હતો કે શું, હું એ પણ નક્કી નહોતી કરી શકતી.
હું ધીરેધીરે, જાણે જીવતી-જાગતી, કોમામાં વિચરતી એક કઠપૂતળી હતી કે પછી કઠપૂતળી બનતી જતી હતી? શું આ જ પ્રોસેસને “Slow Poisoning” – ધીમું ઝેર રોજ આપીને એક દિવસ, “Total Shutdown” – બિલકુલ “મનસા, વાચા, કર્મણા”માંથી ‘જીવ કાઢી લેવાનું’ કહેવાતું હશે?
એક દિવસ (મને તે દિવસ બરોબર યાદ છે), મેં નિર્ણય કરી લીધો કે આ સબંધમાંથી ન છૂટું તો પણ આ સંબંધને મારી જિંદગીની વ્યાખ્યા નહિ બનાવું. હંમેશા યાદ રાખીશ કે આ જીવનનો માત્ર એક હિસ્સો હતો છે, અને તેને મારી હયાતીના એક જુદા ખાનામાં રહેવા દઈશ.
હું મારો આત્મવિશ્વાસ ડગવા નહિ દઉં અને મારા જીવનને હકારાત્મકતા અને પ્રેમસભર લાગણીઓ દ્વારા આનંદથી ભરીશ. કેવી રીતે આ બધું કરીશ, એનો કોઈ અંદાજ તો નહોતો પણ મને મનોમન થઈ ગયું હતું કે Enough is Enough..! હવે આ સતામણી તો નહીં જ સાંખું!
17. વિષ્ણુની નોકરી ગઈ અને ધંધો કરવાના વિચારે ભારત ગયો
હું અને બાળકો રમતાં, પાર્કમાં જતાં અને ઠંડીને લીધે મોલમાં જતાં. બંને સમજુ હતાં અને કોઈ માંગણી કરતાં નહિ. ક્યારેક મારો દીકરો કહેતો, “મમ્મી અહીં સરસ વસ્તુઓ છે અને કેન્ડી છે. પણ આપણે અહીં કંઈ લેવા નથી આવ્યા, ખાલી ફરવા જ આવ્યા છીએ. ઘરે જઈને મમ્મી કેન્ડી આપશેને?”
આ સાંભળીને મારૂં હ્રદય એક બાજુથી લોહી નીંગળતું બની જતું. તો બીજી બાજુ, મારા દીકરાના એ શબ્દો હ્રદયના બીજા ભાગ પર મોરપીંચ્છની સુંવાળપનો અનુભવ કરાવતા.
મારા જીગરના બે ટુકડા, મારાં બેઉ સંતાનો મારી જીવાદોરી હતાં. મને થયું કે છૂટી થઈ જાઉં અને મારાં બે ભૂલકાઓ સાથે જિંદગી સુખેથી વીતાવું. મેં છૂટાછેડાના પેપર પેરાલીગલ પાસે કરાવીને મોકલ્યાં.
પેપર મળતાં જ વિષ્ણુ પાછો આવ્યો અને ધમકીઓ આપીને એક કાગળ ઉપર મારી પાસે લખાવ્યું કે હું છૂટાછેડા લઈને બાળકોને તેના હવાલે કરીશ. માંડ ભેગી કરેલી મારી હિમ્મત સાવ ભાંગી પડી.
આ બાજુ, વિષ્ણુને સનીવેલ નોકરી પણ મળી ગઈ. કોન્કોર્ડનું ઘર વેચીને, સનીવેલ પછી, કુપરટીનોમાં રહ્યાં. અને છેવટે સારાટોગામાં મકાન ખરીદ્યું.
મેં અંતે છૂટાછેડાની વાત છોડી દીધી અને, “ગમે તેવો તોયે મારાં બાળકોનો બાપ છે. અમારાં બાળકોને મા અને બાપ બેઉ મળશે” અને એમ વિચાર્યું કે “અમારાં દીકરા-દીકરી, બેઉની ખુશીમાં જ મારી ખુશી છે” એવું માનીને મારું મન મનાવી લીધું.
આ દરમિયાન એવી ઘટના બની, જે મારી જિંદગીને મૂળિયાં સહિત ઉખેડતી ગઈ. એક નવો વળાંક આવ્યો અને એની સાથે, કલ્પના નહિ કરેલી તેવી તકો તો મળી પણ સહનશક્તિ કરતાંયે વધારે, ગજા બહારના પડકારો સામે આવ્યા.
18. જીવનમાં આવ્યું વાવાઝોડું અને તદ્દન નવો વળાંક
ફરી વિષ્ણુની નોકરી નહોતી. તે સાંજે વિજ્ઞાનના પ્રોજેક્ટ માટે હું દીકરાની શાળામાં ગઈ. જયારે હું પાછી આવી ત્યારે વિષ્ણુએ દીકરીને સુવડાવી નહોતી. વિષ્ણુ દારૂ પીતો હતો અને દીકરી અમારા પલંગમાં જાગતી હતી.
વિષ્ણુને બાળકો અમારા પલંગમાં આવે તે બિલકુલ પસંદ નહોતું. પણ દીકરીને જોઈને દીકરાને પણ ત્યાં સૂવું હતું. આથી હું તેમની બાજુમાં સૂતી. અમે ત્રણ વાતો કરતાં હતાં. અચાનક વિષ્ણુ આવ્યો. તે નશામાં હતો. કોણ જાણે શું થયું ઓચિતું જ, કે એની કમાન છટકી. તે સમયે મેં એની સાથે જીભાજોડી કરી હતી, તેનો અફસોસ મને આજે પણ છે.
મારાં ફૂલ જેવા નિર્દોષ બાળકોના નાજુક હૃદય ઉપર એ દિવસે જોયેલી આ ઘરગથ્થુ હિંસાની કેવી અસર થઈ હશે, એ મને ત્યારે કેમ ન સમજાયું? મારામાં શાણપણ અને પરિપક્વતા હોત તો જીભાજોડી કરવાની બદલે આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો કર્યો હોત! આ બધું યાદ આવતાં જ મારી આંખોમાં આંસુ હજુયે છલકાય છે.
વિના કારણના ઝઘડા અને “તુ, તુ – મેં, મેં “ કરવાની આમેય મારી સ્વાભાવિક પ્રકૃતિ પણ નથી. છતાંયે કોણ જાણે કેમ, એ વખતે મેં પણ મારે જે નહોતું કરવું જોઈતું – એટલે કે દલીલોમાં નહોતું ઉતરવું જોઈતું – એ જ કર્યું…!
અને તે દિવસે ઝઘડો થતાં વિષ્ણુએ મારી નાઇટી ખેંચીને, મને ઊંચકીને પલંગની બહાર ફેંકી અને મુક્કા, તમાચા, ગડદા-પાટુ અને લાત મારતા કહેવા લાગ્યો “હરામી, તારું કામ નથી, બે પૈસા કમાવાની તારામાં આવડત નથી, નીકળ મારા ઘરમાંથી..!”
બોલતા ને પીટતા મારા વાળ અને નાઇટીથી દરવાજા તરફ ખેંચવા લાગ્યો. દીકરી રડે ને દીકરો કરગરે, “ડેડી, પ્લીઝ, મારી મમ્મીને મારો નહિ, ડેડી પ્લીઝ”.
વિષ્ણુ મને છોડીને ઓરડાની બહાર ગયો. દીકરી પલંગ ઉપરથી ઉઠીને બારણું બંધ કરવા દોડી ત્યાં વિષ્ણુ ફરી આવ્યો અને બારણાને લાત મારી. બસ, આ ક્ષણ હતી મારા જીવનમાં નવો વળાંક લાવનારી.
એ ક્ષણ જયારે વિષ્ણુ ઓરડામાં આવ્યો ને બારણાને લાત મારી ત્યારે મેં ભયાનક ચીસ પાડી હતી, કારણ કે મારી દીકરી હડફેટમાં હતી. આજે પણ કંપારી છૂટે છે એ વિચારે કે મોટો અકસ્માત સર્જાયો હોત.
મારી દીકરી નાની હતી અને દરવાજાનું હેન્ડલ તેના માથામાં વાગ્યું હોત તો કદાચ તે મરી જાત, કોમામાં પહોંચી જાત એવા વિચારો ત્યારે આવ્યા. પણ તે ક્ષણે તે અચાનક હટી ગઈ અને બચી ગઈ હતી.
વિષ્ણુએ ફરી મારપીટ શરુ કરી અને કહેતો રહ્યો, “નાલાયક, નીકળ મારા ઘરમાંથી.” બાળકો ચીસો પાડવા લાગ્યા અને અંતે તે બહાર ગયો. હું અને બાળકો ઊઠીને તેમના ઓરડામાં ગયાં. મેં આશ્વાસન સાથે બેઉને વચન આપ્યું કે તેમને આવું ભયાનક દ્રશ્ય ફરી કદીયે નહિ જોવા મળે.
ત્યારે બેઉએ પૂછ્યું, “મમ્મી, તું શું કરીશ?”
મેં મારાં આંસુ લૂછ્યાં અને બેઉના માથે હાથ ફેરવતાં કહ્યું, “હમણાં તો સૂઈ જાઓ, બેટા. કોઈક ઉપાય તો જરૂર કરીશ.”
અહીં અંગ્રેજીમાં લખેલ મારા કાવ્યની થોડી પંક્તિઓ ગુજરાતીમાં નીચે ટાંકુ છુંઃ
“સામે હતા બે દરવાજા
એક ખુલ્લો ને પરિચિત
બીજો અધખુલ્લો, અપરિચિત
મેં પહેલો દરવાજો ખેંચીને બંધ કર્યો
પરિચિતને છોડીને
અજાણ્યું પગલું ભર્યું
મારી સાદી સીમિત જિંદગી
અસીમિત લાગી
અસીમ જીવનસાગરમાં કેમ નૌકા હંકારું?
ખુલ્લા આકાશમાં કેમ માર્ગ શોધું?
નહિ આવડત, નહિ અનુભવ,
હું મને શોધતી હતી, ખોવાતી જતી હતી
હજારો શક્યતાઓના ખુલ્લા આકાશમાં ઊડવાનું?
ભય ને શંકા સાથે પગ માંડ્યા
ઉત્તેજના પણ હળવેથી જાગી
ખુલ્લું આકાશ મળે તો નવી પાંખો ફૂટશે?”
19. મારો નિર્ણય અને અમલ
બેઉ બાળકો ત્યારથી ભયભીત રહેતા. એક દિવસ, હું કપડાં મૂકતી હતી ત્યાં તો મારો દીકરો આમતેમ જોઈને કહે; “મમ્મી, જલ્દી રૂમમાંથી બહાર જા. ડેડી આવી જશે…!”
આમેય મારો દીકરો નવ મહિનાથી ચોખ્ખા શબ્દો બોલતો. બંને બાળકોને શબ્દો શોધવાની મુશ્કેલી નહોતી. માથું દુખે તો ચારેક વર્ષનો મારો દીકરો કહેતો, ‘મને સેરીબ્રમ ને સેરીબેલમમાં દુખે છે.’ મેં આ સાંભળ્યું ત્યારે મને થયું કે એના મનમાં કેવો ફડકો બેસી ગયો છે…!
તે દિવસે બનેલી ઘટનાને એક દિવસ, એણે આ શબ્દોમાં વર્ણવી હતી. “મમ્મી, ડેડી તને ફૂટબોલ જેમ મારતા હતા ત્યારે મારો પગ જોરથી તેની મેળે હલવા લાગ્યો. મેં બંને હાથથી પકડી રાખવાની કોશિશ કરી. પણ મારું આખું શરીર હલવા લાગ્યું“.
મને સમજાયું કે દરવાજાનો હાથો મારી દીકરીને વાગ્યો હોત અને તેવો જ મૂઢમાર મારા દીકરાને મગજમાં વાગ્યો છે. તેની વધુ વાત હું નહિ કરું. કદાચ તેઓ ક્યારેક તેમની દ્રષ્ટિથી તેમની વાત કહેશે.
કોને ખબર, પણ મારાં સંજોગો અને પરિસ્થિતિ બદલવા મને કોઈ આંગળી ચીંધનાર વ્યક્તિ અથવા સંજોગો અથવા ઘટનાની જરૂર હતી. ટૂંકમાં, એક છેલ્લા ધક્કા – Final Push Back – ની આવશ્યકતા હતી. ત્યાં સુધી હું પણ આમ સતત મૂઝવણમાં જ રહેવાની હતી.
સન 1992માં લોસ એન્જલ્સમાં પોલીસે રોડની કિંગ નામના આફ્રિકન અમેરિકનને માર્યા બાદ કોર્ટે તેમને નિર્દોષ સાબિત કરતા ત્યાં તોફાન થયેલા. કેલિફોર્નિયાના કૂપરટીનોમાં વિભિન્ન સમુદાય વચ્ચે અણબનાવ થયો ત્યારે મેયરે નક્કી કર્યું કે લોસ એન્જલ્સ જેવા તોફાન અહીં ન થવા જોઈએ. તેમણે જાહેરાત મૂકી કે વિભિન્ન લોકો કેવી રીતે હળીમળીને રહી શકે તે વિષે જાહેર ચર્ચા કરવામાં આવશે અને રસ હોય તે જોડાય.
આ તો મારો વિષય અને હું પહોંચી ગઈ. મારી ઓળખાણ અનેક લોકો જોડે થઈ. મને થોડી કલચરલ ટ્રેનિંગ કરવાનો મોકો પણ મળ્યો. તેમાં એક પોલીસ ઓફિસરને હું મળેલી. મેં તેનો સંપર્ક કરીને મારી ડૉમેસ્ટિક પરિસ્થિતિમાં મદદ માંગી. તેણે મને 911માં ફોન કરવાની સલાહ આપી.
ઘરે હું એકલી હતી. 911માં ફોન કરતા ત્રણ ઓફિસર આવ્યા. વિગત સાંભળીને મહિલા પોલીસે મને બીજા ઓરડામાં શરીર ઉપર મારપીટના નિશાન બતાવવા કહ્યું. મેં નિશાન બતાવ્યા, તેણે ફોટા લીધાં. પછી મને કહ્યું કે, “અમે તેની ઓફિસે જઈને ધરપકડ કરીશું.”
મેં કહ્યું કે, “હું એવું થવા નહિ દઉં, હું એને ફોન કરીને ચેતવી દઈશ. તે મારા બાળકોનો બાપ છે અને બધા સમક્ષ તેની બેઇજ્જતી નહીં થવા દઉં.”
પોલીસે કહ્યું, “તો તેને ફોન કરીને બાજુમાં કોફી શોપમાં આવવાનું કહે અને વિષ્ણુનો પસ્તાવો સચોટ લાગે તો તેની ધરપકડ નહિ કરીએ.”
પોલિસે કહ્યું હતું એમ, મેં ફોન કરીને પાસેની કોફી શોપમાં એને બોલાવ્યો અને વિષ્ણુ આવ્યો પણ ખરો. ત્યાં પોલિસે વિષ્ણુને મારપીટનું કારણ પૂછ્યું તો એણે બેપરવાઈથી કહ્યું કે, ‘એ (એટલે કે હું) પત્ની તરીકેની જવાબદારી નિભાવતી નથી, એટલે એને મારી.’ કદાચ. અમેરિકામાં આવા કડક ડૉમેસ્ટિક હિંસાના કાયદા કાનૂન છે એની એને ખબર નહીં હોય અને હું પોલિસમાં ફરિયાદ કરીશ એવો પણ ખ્યાલ નહિ હોય! આથી જ આવો ઉડાઉ જવાબ આપ્યો. એનો આ જવાબ આ સાંભળ્યા બાદ પોલીસે ધરપકડ કરીને એને જેલમાં નાખ્યો અને મને જાણ કરી.
20. વિષ્ણુને છોડાવ્યો
મને દુઃખ થયું અને રાત પહેલા વિષ્ણુને છોડાવવાનો નિર્ણય કર્યો. વિષ્ણુને misdemeanor નહિ પણ ફેલનીના મોટા ચાર્જ ઉપર અંદર નાખેલો. જામીનના વિસ હજાર ડોલર ક્યાંથી લાવવા? મને પૈસા બાબતની કોઈ જાણકારી નહોતી. એ.ટી.એમ. પણ હું વાપરતી નહિ. મારા કામના ચેક વિષ્ણુ ડિપોઝિટ કરતો અને કામ ઉપર જાઉં ત્યારે પૈસા જોઈએ તે વિષ્ણુ આપતો. ઘર પાસેની બેન્કમાં માત્ર પાંચ હજાર ડોલર હતા. મેં ક્રેડિટ કાર્ડ ઉપર બીજા પાંચ હજાર મળતા હતા. ઘટ્યા દસ હજાર.
છેક સાંજે મારી સહેલી રીટાનો સંપર્ક થયો. તે તુરંત પૈસા લેવા દોડી ને છ વાગે બેન્ક બંધ થતા પહેલા પહોંચી. તે જ સમયે હું પાર્કિંગ લોટમાંથી મારી બેંકમાં ગઈ અને પૈસા લીધા. દોઢ કલાક ગાડી ચલાવીને રાત્રે 9 વાગે તેના દીકરા જોડે તે આવી. તેનો દીકરો મારા બાળકો જોડે રહ્યો અને અમે તેની ગાડી અને મારી ગાડી લઈને જેલમાં ગયા, પૈસા નોંધાવ્યા અને ચૂપચાપ મારી ગાડીની ચાવી ત્યાં વિષ્ણુને આપી દીધી, જેથી એ ઘરે આવી શકે. મારી સહેલી મને ઘરે મૂકીને ગઈ. હું બાળકોના ઓરડામાં જઈને બારણું બંધ કરીને સૂઈ ગઈ.
વિષ્ણુ જેલની હવા ખાઈને આવ્યો હતો અને પહેલી વાર મને ફૂલ અને સાથે માફીનો સંદેશો મળ્યો. હવે મને સમજાયું કે શા માટે મને 911માં ફોન કરવાની સલાહ મળેલી. પહેલીવાર વિષ્ણુ ડરી ગયો હતો. અને હવે એનો ભય મારા મનમાંથી પણ ચાલ્યો ગયો હતો.
આ દરમિયાન, વિષ્ણુની નોકરી પણ જતી રહી હતી. વિષ્ણુ કરગર્યો કે, “મારી નોકરી નથી, મારા કામમાં સ્થિરતા નથી, માથેથી કોર્ટ કેસ છે. પૈસા વગર ખૂબ મુશ્કેલી થશે તો પ્લીઝ, છુટા ન થઈએ!”
આગળ તેણે એ પણ કહ્યું કે, મારે કોર્ટમાં જજને વિનંતી કરવાની કે અમે એકમેકને રોમીઓ-જુલિયટ જેમ ચાહીએ છીએ અને ગુસ્સામાં બોલાચાલી થતા મેં વિષ્ણુને ધક્કો માર્યો તેથી વિષ્ણુએ મને મુક્કો માર્યો.
મેં તેવું જુઠાણું બોલવાની કે લખવાની સાફ ના પાડી. પરંતુ તેના સપોર્ટ માટે તેની જોડે કોર્ટમાં ગઈ અને જજને વિનંતી કરી કે વિષ્ણુએ મારપીટ કરી છે, તેનો તેને પસ્તાવો છે. પણ તે મારા બાળકોનો બાપ હોવાથી કોર્ટ તેને પ્લીઝ, માફી આપે. વિષ્ણુને ફેલનીમાંથી misdemeanor ગુનો થયો અને જેલ પણ માફ થઈ. કોર્ટે તેને કોમ્યુનિટી સર્વિસ તથા એક વર્ષ માટે ગુસ્સો કાબુ કરવાના ક્લાસ લેવાની ફરજ પાડી.
મને પણ હવે આ એંગર મેનેજમેન્ટના ક્લાસમાં રસ પડ્યો અને ટ્રેનિંગ તો પાછો મારો જ વિષય હતો. હું ઘણી જાતની ટ્રેનિંગ કરવામાં નિષ્ણાત હતી. કંપનીઓમાં ડિવર્સિટી ઉપરાંત મોટિવેશન, ક્રિએટિવિટી, રિલેક્સસેશન વગેરે ટ્રેનિંગ કરતી. બાળકોની શાળામાં ડ્રગ્સ અને ક્રિએટિવિટી ઉપર ટ્રેનિંગ કરેલી. મેં ડોમેસ્ટિક વાયોલન્સ માટે એંગર મેનેજમેન્ટ ટ્રેનિંગ ભણાવવાની કાઉન્ટીમાં અરજી કરી અને મને પાર્ટ ટાઈમ નોકરી પણ મળી ગઈ. બહારગામ ન જાઉં ત્યારે આ ટ્રેનિંગ કરતી.
આ સમય દરમિયાન, વિષ્ણુને બીજી નોકરી લોસ એન્જલ્સમાં મળી અને તેણે ગુસ્સો કાબુ કરવાના ક્લાસ લોસ એન્જલસમાં કર્યા. વિષ્ણુ અમને છોડીને લોસ એન્જલ્સ ગયો.
આ બાજુ, ન તો મેં છૂટાછેડાની વાત આગળ વધારી કે ન તો એની સાથે LA પણ ગઈ. એક વર્ષ એમ જ નીકળી ગયું. ત્યાં તો ફરી પાછી વિષ્ણુની નોકરી ગઈ અને તે સારાટોગા ઘરે પાછો આવ્યો.
(ક્રમશ:)
(ત્રીજો ભાગ આવતી કાલે)