“કારવાં સાથ ઔર સફર તન્હા” ~ (૪) ~ આત્મકથનાત્મક લેખ ~ ડૉ. દર્શના વારિયા નાડકર્ણી
📍MUST READ this Series
ચાર ભાગમાંનો અંતિમ ભાગ-૪
શબ્દો: 2850
ભાગ-૧, ૨ અને ૩ની લિંક:
https://aapnuaangnu.com/2025/07/05/dr-darshna-varia-nadkarni-article-1/
https://aapnuaangnu.com/2025/07/06/dr-darshna-varia-nadkarni-autobiographical-article-2/
https://aapnuaangnu.com/2025/07/07/dr-darshna-varia-nadkarni-autobiographical-article-3/
(અંતરિમ ભાગ: ૪ )
38. કોર્ટમાં સંપૂર્ણ જીત ને પ્રકાશિત કેસ
જજ વિષ્ણુને જેલમાં મોકલવાના હતા. તેના વકીલે મને કહ્યું આપમેળે સેટલ કરીએ તો વકીલની ફીની જવાબદારી વિષ્ણુ સ્વીકારશે. મને માત્ર પૈસાની જ ચિંતા હતી. ઉધાર લઈને પણ મારા 1 લાખ ડોલર કોર્ટમાં ખર્ચાઈ ગયેલા.
મેં હા પાડી. વિષ્ણુ જોડે મેં વળી ભૂલ કરી અને આ સેટલમેન્ટ સ્વીકાર્યું. તેમાં મેં પાઠ શીખ્યો કે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં કરવો નહિ.
મને હતું કે મને તરત પૈસા મળશે. પરંતુ કોર્ટમાં જજ સામે તેના વકીલે દલીલ કરી કે વિષ્ણુ પાસે બિલકુલ પૈસા નથી અને તે કોઈ પૈસા આપી શકે એવી સ્થિતિમાં નથી.
વિષ્ણુ કાયદેસર નોકરી નહોતો કરતો અને નગદ પૈસા બીજે રાખતો હશે. પૈસા વગર એ એક પછી એક કેસ કેવી રીતે કરી શકતો હતો?
જજે વિષ્ણુને કહ્યું: તું જેલમાં જવાનો હતો અને સેટલમેન્ટ થતાં બચી ગયો, પણ તારે પીડિતાની ફી આપવી પડશે. જજે મને કહ્યું: મિસ, સેટલમેન્ટ પ્રમાણે તેની ફીની જવાબદારી છે. તેની પાસે નોકરી અને પૈસા નથી. જે 100,000 ડોલર તેં માગ્યા છે તે ઓછા કરીને 25,000 ડોલર વિષ્ણુએ તને આપવાના રહેશે અને તેમાં મોડું થાય તો 10 ટકા ઇન્ટરેસ્ટ ચડશે.
મને વિષ્ણુએ તે પૈસા પણ ન આપ્યા. મારા લોભી વકીલે કહ્યું: મને 10,000 ડોલર આપીને રોક, તો હું તેની પાછળ જઈશ અને પૈસા કઢાવીશ. મેં જીતવાની જીદ બાજુ મૂકી અને આ ઝઘડામાથી મુક્ત થવાનું નક્કી કર્યું.
કવિશ્રી અનિલ ચાવડાની આ પંક્તિઓએ એ માટે દીવાદાંડીનું કામ કર્યું.
“દર વખત મારી બધીયે ભાવનાઓને નકારી,
છેવટે તો ફક્ત તેં તારી જ પીડાઓ વધારી. “
– કવિશ્રી અનિલ ચાવડા
આજ સુધી દરેક કેસમાં મારી જીત થઈ હતી. ફેમિલી કોર્ટના દરેક કેસમાં તે હાર્યો હતો. કોઈ કંપનીને કોર્ટમાં હાજર ન થવું પડ્યું, પ્રોબેટ કોર્ટમાંથી બાળકોનાં ભણતર માટેના પૈસા છોડાવ્યાં, મારી ઇમેલ મારી હતી તે પણ પુરવાર થયું. એટલું જ નહિ, પણ તે ઈમેલમાંથી મેળવેલી માહિતી તે ક્યારેય વાપરી ન શકે એવો ચુકાદો પણ આવ્યો. હવે કદાચ મારી સાથે વધુ અડપલાં કરવાની તેની પણ તાકાત રહી નહોતી.
કેસ પૂરો થતાં જે સ્ત્રીઓનાં વકીલોએ મને શરૂઆતમાં મદદ કરેલી તેઓએ મેસેજ મોકલ્યો કે તેમની સાથે જોડાઈને મારે પણ સુપ્રીમ કોર્ટને વિનંતી કરવી જોઈએ કે આ કેસ પ્રકાશિત થાય.
કેસ પ્રકાશિત થયો અને ભવિષ્યમાં કોઈને ટેક્નોલોજી દ્વારા હેરાન કરવામાં આવે તો તે વ્યક્તિ આ કેસ ટાંકી શકે અને ક્યારેય પીડિતાની વાત સાંભળ્યા વગર કોર્ટ ડિજિટલ અબ્યુઝનો કેસ એની સુનવણી કર્યા વિના જ બહાર ન ફેંકી શકે.
મને એક સંતોષ આ રીતે ચોક્કસ મળ્યો કે કોઈક રીતે પણ મારી આ લાંબી જંગનો અંજામ પીડિતાઓની મદદે આવતો હતો.
39. ફરી આર્થિક શરૂઆત ને બીજું ઘર
મિત્રોના ઉધાર લીધેલા પૈસાનો ભાર હતો અને આર્થિક ભીંસમાંથી નીકળવાના રસ્તા બંધ હતા. મેં નોકરી કરેલી નહિ અને મંદીમાં મળતી પણ નહોતી.
મનોવિજ્ઞાનના ક્લાસ કોલેજમાં ભણાવ્યા, કોન્ટ્રેક્ટર રીતે ડાઈવર્સિટી ટ્રેનિંગ કરી, રીક્રુટીંગ કર્યું પણ નોકરીમાં મને રસ પણ નહોતો. મેં વિચાર્યું આત્મવિશ્વાસ અને મારી ઉપર ભરોસો રાખું.
દીકરીને આગળ ભણવું હતું. મેં કહ્યું કે હવે લોન લઈ લે. પણ તેણે પૈસા ઉધાર લેવાનો ભાર કેવો હોય તે જોયેલું. તેણે કહ્યું: તો કંઈ નહિ, મારે નથી ભણવું. દીકરો મને કહે: મમ્મી તેને ભણવા માટે મદદ કર.
મેં વળી ઉધાર લીધા અને દીકરીની U Penn ની ફી ભરી. ઉધારનો ભાર વધતો હતો તેવામાં મંદીની અસર ઓછી થવા લાગી.
એક અમેરિકન મિત્રને કંપની માટે એન્જિનિયર શોધી આપ્યો. મેં કહ્યું ફી 20 ટકા છે પણ અડધી 10 ટકા ચાલશે. તેણે પૂરી ફી આપી. મોટી કંપની GEમાં ઉચ્ચ હોદા માટે વ્યક્તિ શોધવાના 40,000 હજાર ડોલર મળ્યા.
બે કામમાંથી મિત્રોના ઉધાર પૈસા ચૂકવી દીધા. ટ્રેનિંગનું કામ આવ્યું અને રીક્રુટીંગ ફરી શરુ થઈ ગયું. ફ્લેટ મફત હતો પણ દીકરીની ફી માટે ઉધાર પૈસા લીધેલાં તે પણ ભરપાઈ કર્યાં.
મારે ફરી ઘર લેવું હતું પણ નિયમો બદલાઈ ગયા હતા. હવે પાછલા બે વર્ષની કમાણી બતાવવી પડે, જે નહોતી. લોન ઓફિસરે માર્ગ કાઢ્યો. મેં બેંકમાં બતાવ્યું કે દીકરો મારા ઘરે ભાડેથી રહે છે અને લોન મંજુર થઈ, મેં ઘર લીધું અને ફ્લેટ ભાડે આપવાનો નિર્ણય કર્યો.
ટ્રેનિંગ ખૂબ કરી. આજે મિનેસોટા તો કાલે અલાબામા, પછી ઓહાયો, પછી કેન્સાસ, પછી નેવાડા, એમ અમેરિકાના દરેક સ્ટેટમાં દોડમદોડ ટ્રેનિંગ કરતી, વચ્ચે રિક્રુટિંગ ચાલતું. આ બધાંની વચ્ચે ઘરે આવું ત્યારે એક-બે, એક-બે બોક્સ પેક કરી લેતી.
અંતે એ દિવસ પણ આવી ગયો. બીજે દિવસે સામાન ફેરવવાનો હતો. સાંજે મારી પાડોશણ કહે, તું બંગલામાં રહેવા જઈશ અને આ કોન્ડો ભાડે આપવા ઈચ્છે છે પણ હોમ ઓનર્સ એસોસિએશન ભાડે આપવા નથી દેતા. મેં નવા ઘરમાં જવાનું કેન્સલ કર્યું અને નવા ઘર માટે ભાડુત શોધવા લાગી.
40. નવું ઘર અને ભાડુતો સાથે નવી મુસીબત
નવું ઘર ભાડે આપ્યું અને થોડા મહિનામાં ભાડૂતોએ દીવાલ જોવા બોલાવી. બાથરૂમમાં કાળા ડાઘ જોઈને તેની પાછળના ઓરડાની ક્લોઝેટ અને ઓરડાની દીવાલો પાસેથી સામાન હટાવ્યો તો ત્યાં પણ કાળા ડાઘા જોયા.
મેં મોલ્ડ કંપનીને બોલાવી તેઓએ “હેઝમેટ” – HAZMAT*** પોશાક પહેરીને બાથરૂમનો શાવર, દીવાલ, બાજુના ઓરડાની દીવાલો તોડીને મોલ્ડ – એક પ્રકારની ફંગસ- કાઢ્યો અને અડધું તૂટેલું ઘર છોડીને ચાલ્યા ગયા.
ત્રણ રૂમ હોવા છતાં અહીં બાથરૂમ એક જ હતો. મેં ભાડૂતોને વિનંતી કરી કે ઘર રહેવાલાયક નથી, સ્વાસ્થ્ય માટે હાનિકારક મોલ્ડને મારે સાફ કરાવવો પડશે અને બાથરૂમ પણ ચાલતું નથી. તેમણે ઘર છોડીને જવું જોઈએ અને કોઈ ભાડું આપવાનું નથી. પણ ભાડુતોએ ભાડું આપવાનું બંધ કરીને અડ્ડો જમાવ્યો. બાથરૂમ વગરનું ઘર પણ છોડ્યું નહિ.
મેં બે કામ માટે વકીલ રોકી લીધાં
1) ભાડુતો ને કઢાવવા અને
2) ઘર વેચ્યું તેમણે મોલ્ડ ઢાંકી દેવાના પુરાવા મળ્યા હતા તે Disclosure માં સામેલ નહિ કરેલા તે માટે.
ભાડુતો ભાડું આપ્યા વગર એક વર્ષ રહ્યાં. મારી વકીલ ભૂલો કરતી હતી. આખરે બધી ભૂલો સુધારી, બરોબર પેપર ફાઈલ થયા ત્યારે ભાડુત ઘર છોડીને ગયા. ઘર વેચનાર લોકોએ મને 25,000 ડોલર આપીને સેટલમેન્ટ કર્યું.
41. મોલ્ડ પછી ફરી ઘર ઊભું કર્યું
મોલ્ડવાળું, પાઈપ લીકેજવાળું, અડધી દીવાલો તૂટેલું, બાથરૂમ વગરનું ઘર મારા હાથમાં આવ્યું. દીવાલો અને બાથરૂમ બનાવતા સિટી પાસેથી પરમીટ લેવી પડે. હું કોન્ટ્રેક્ટરોને મળી અને તેમાં ગૂંચવાતી ગઈ.
દરેક કોન્ટ્રેક્ટર જુદાજુદા ભાવ કહેતો હતો, એટલું જ નહીં, પાછાં જુદીજુદી તરકીબ બતાવે. વળી વધુ દીવાલ તૂટતાં શું નીકળશે, તેના આધારે જુદા કોસ્ટ એસ્ટીમેટ આપે.
એક ગુજરાતી બહેનને વાત કરતા તેમણે તેનાં કોન્ટ્રેક્ટરના ખુબ વખાણ કર્યાં. કોન્ટ્રાક્ટરે કહ્યું તે પૂરી રીતે ઘર ઊભું કરી, દીવાલો બનાવી, રંગ કરી. નવી લાઈટો નાખી, બધું કરી આપશે ને 50,000 ડોલર્સ લેશે. અડધા પૈસા એટલે 25,000 હજાર ડોલર ત્યારે એડવાન્સ આપવાના અને બાકી કામ પૂરું થાય પછી આપવાનાં. પર્સમાં ચેકબુક હતી નહિ, આથી મેં કહ્યું કે ઘરે જઈને ચેક મોકલીશ.
નસીબજોગે તે જ દિવસે મારા એન્જિનિયર ક્લાયન્ટનો ફોન આવ્યો. મારી મુસીબત તેમને કહી તો તેમણે ઘરના સ્કવેર ફિટ અને બીજી થોડી માહિતી માંગી. એમણે બધું ગણિત માંડીને વિગતવાર ગણતરી કરી ફોન કર્યો. પછી મને કહ્યું: આખા ઘરમાં શીટ રોક લગાવી, તૂટેલા પાટિયા રીપેર કરી, સિમેન્ટના, ખીલીઓના, રંગના બધા પૈસા મળીને મજૂરી સહિત વીસથી પચીસ હજાર ડોલરમાં કામ થવું જોઈએ.
મારી પાસે કમી હતી એક ઘરના માણસની. મારી નાકામિયાબ વકીલ જોડે એક માણસ કામ કરતો. તેની સાથે મારી દોસ્તી થયેલી. તેને પોતાની બોસ એટલે કે મારી વકીલ નહોતી ગમતી અને તેણે કામ છોડી દીધેલું. ક્યારેક કામ શોધવા મારી સલાહ લેતો.
મેં પ્રસ્તાવ મુક્યો કે, “જેમ્સ, તું મારા કામ માટે થોડા દિવસ આપ તો હું દિવસ દીઠ તને પૈસા આપીશ. એક દિવસ સવારે 9 વાગ્યાથી દર કલાકે એક એક કોન્ટ્રેક્ટર સાથે મેં ઇન્ટરવ્યૂ ગોઠવ્યાં. જેમ્સ સાથે હું ચારેક કોન્ટ્રેક્ટરને મળી. દરેકે એ શું કામ કરશે અને એસ્ટીમેટની બધી વિગતો જેમ્સને આપી. બધાને મળીને જેમ્સે નિર્ણય કરતાં કહ્યું, “આપણે ચાર્લ્સને ફરી બોલાવીએ.”
મેં ચાર્લ્સને કામ સોંપ્યું અને 20,000 હજાર ડોલરમાં તેણે ઘર ઊભું કર્યું. ત્યાર બાદ જેમ્સ ફરી આવ્યો એક દિવસ મારી સાથે સ્ટોરમાં ફરીને અમે વોશર, સ્ટોવ વગેરેના ભાવ જોઈને ક્યાંથી શું લેવું તે નક્કી કર્યું ને મેં ખરીદી કરી.
42. આ વાત શા માટે લખું છું?
જયારે એકલી વ્યક્તિ પ્રશ્નો ઉકેલે ત્યારે નાના નિર્ણય લેતાં પણ ગભરાય અને ત્યારે બીજી વ્યક્તિની કમી મહેસુસ થાય. કયું વોશર લેવું, ભીંત ઉપર કયો રંગ સારો દેખાશે તે કોને પૂછવું? મને સહેલીઓનો સાથ મળ્યો, પરંતુ હંમેશા તે ન મળે.
મને ગર્વ છે કે જરૂર પ્રમાણે મેં આ રીતે મદદ લઈને જીવનના પ્રશ્નો ઉકેલ્યા છે. મને અમેરિકા માટે ગૌરવ છે કે અહીં માંગતા મદદ મળી રહે છે.
હું એ પાઠ શીખી છું કે જરૂર હોય ત્યારે મદદ માંગવામાં અચકાવું નહિ અને બીજાને મદદ કરી શકીએ ત્યારે કરવાની ફરજ ભૂલવી નહિ.
43. નવા ભાડૂત અને ફરી જીવનનો માર્ગ બદલાયો
જેમ્સે મદદ કરી અને ઘર તૈયાર થયું. ફ્લેટ ભાડે આપવા હું હોમ ઓનર્સની પરવાનગી માટે કોશિશ કરતી હતી તેના પેપર્સ તૈયાર કરવામાં પણ જેમ્સની મદદ લીધી.
ફ્લેટ ભાડે આપવાની પરવાનગી મળે તે વિચારીને હું ફ્લેટ માટે ભાડુત શોધતી હતી. પણ ફ્લેટ ભાડે આપવાની પરવાનગી ન મળે તે વિચારે જેમ્સને બંગલા માટે પણ ભાડુત શોધવા કહેલું, જેથી બે ઘરમાંથી એકના હપ્તા જ મારા માથે રહે.
ફ્લેટ ભાડે આપવાની મને એક વર્ષની પરવાનગી મળી. મારે મારા બંગલામાં રહેવું હતું. તે જ સમયે જેમ્સનો ફોન આવ્યો કે બંગલા માટે ભાડુત મળ્યા છે, તારે પણ મળવું હોય તો બપોરે આવ.
મારે ના પાડવી હતી પણ જેમ્સ મહેનત કરતો હતો અને મારી કહેવાની હિમ્મત ન ચાલી. મને થયું ઘરની સફાઈ થઈ નહોતી અને હું નિરાંતે જેમ્સને મળીને સમજાવીશ.
ભાડુતે ઘર જોઈને પૂછ્યું આજે જ ભાડે મળે? મેં કહ્યું કે ના તે શક્ય નથી. લીઝ અને કોન્ટ્રાક્ટ થશે, ઘરને સાફ કરવાનું છે. ભાડુત કહે, “સાફ અમે કરી લઈશું.”
જેમ્સ પણ સાથે આવ્યો હતો. એ કહે; “મારું પ્રિન્ટર લાવ્યો છું, અને સાઈન કરવા કોપી કાઢી આપું છું. તમે બેન્કમાંથી ડિપોઝિટ ને ભાડાનો કેશિયર ચેક લાવો.” હું કંઈક બોલું તે પહેલા તેઓ ચેક લેવા જતા રહ્યા.
મેં કહ્યું,” જેમ્સ, શું ઉતાવળ છે?”
તો જેમ્સ કહે, “તને હવે બે ઘરના હપ્તા નહિ ભરવા પડે.”
જેમ્સે મને ઘણી મદદ કરી હતી. મેં જેમ્સનું માન રાખીને એને સમજાવવાનું માંડી વાળ્યું અને સંજોગોનો સ્વીકાર કરીને નવા ભાડુત વધાવ્યા.
ભાડુત શોધ્યા પછી તેને સંભાળવાની જવાબદારી જેમ્સની હતી અને તેને મહિનાના અમુક ટકા હું આપતી. એક દિવસ જેમ્સ ભાડુતને મળવા જતો હતો.
મેં કહ્યું, “આજે હું ઓપન હાઉસ જોવા જવાની છું, તું સાથે આવશે?” જેમ્સ કહે,’ શ્યોર.’
અમે ભાડુતને મળીને ત્રણ ઘર જોયા અને ચોથામાં લગભગ 25 લોકો ઘર જોતા હતા. મેં જેમ્સને કહ્યું રસોડામાં રાખેલ ડિસ્ક્લોઝર જોઈ લે કે ફાઉન્ડેશન કે રૂફમાં પ્રોબ્લેમ નથીને? કેમકે હું આ ઘર લેવાની છું. તે તાજ્જુબ થઈને મારી સામે જોઈ રહ્યો.
મારી એજન્ટ આફ્રિકા ગયેલી. મેં ઘરે પહોંચીને તેને ફોન કર્યો કે આ ઘર માટે ઓફર મૂક. તે કહે તમારી પાસે પૈસા નથી, મેં ઘર જોયું નથી, કેમ ઉતાવળ કરો છો? મેં કહ્યું કે તું ચિંતા નહિ કર અને પ્લીઝ ઓફર તૈયાર કર.
એક બીજી નાની વાત કરું છું. થોડા મહિના પહેલા હું કોન્ફરન્સમાં હતી અને જમતી વખતે એક ચાઇનીઝ બહેન સાથે ઓળખાણ થઇ. તેમણે કહ્યું હું ઇન્વેસ્ટર છું. મેં મારા ક્લાયન્ટની ટેક્નોલોજી વિષે વાત કરી,
બહેનને રસ પડ્યો ને મેં ઇમેલ દ્વારા ક્લાયન્ટ જોડે તેમનો પરિચય કરાવ્યો. તે બહેનની કંપનીમાંથી ચાઈનાથી 30 જણ કેલિફોર્નિયા આવ્યા અને પૂરી તપાસ કરીને તેમણે મારા ક્લાયન્ટની કંપનીમાં 10 મિલિયન ડોલર ઈન્વેસ્ટ કર્યા. આ માટે મારા ક્લાયન્ટ તરફથી મને મોટી ફી મળવાની હતી અને તે હતું મારુ ડાઉન પેમેન્ટ.
મારી એજન્ટ આવીને ઘર જોયું ત્યારે તેને ગમ્યું, પણ પછી પૈસાની ચિંતા થઈ કે પૈસા સમયસર નહિ આવે તો? મેં કહ્યું મને વિશ્વાસ છે કે આવશે અને આવ્યા.
થોડું કામ કરાવીને, નવા ઘરમાં શ્રી ગણેશ કર્યા. થોડાં વર્ષ પહેલા કોઈના ઘરે ઓરડો રાખીને રહેવાની હતી, વર્ષ પહેલા નાના ફ્લેટમાં રહેતી હતી અને હવે કેલિફોર્નિયાની બે એરિયા જેવી મુશ્કેલ માર્કેટમાં મારી પાસે ઘર હતું…
મારો ધંધો ફરી જામી ગયો. મારો ફ્લેટ જે સોસાયટીમાં હતો એના હોમ ઓનર્સ એસોસિએશને મારા ફ્લેટને એક વર્ષ ભાડે આપવાની પરવાનગી આપેલી. હું તેમની સાથે માથાકૂટ કરવા માંગતી નહોતી. વર્ષ પૂરું થયું હતું અને મેં ફ્લેટ વેચી નાખ્યો. હું મારા પોતાના બંગલામાં સ્થાયી થઈ અને નજીકમાં જ, મારું ભાડે આપેલું બીજું ઘર હતું.
44. ઘરનો સરવાળો ને ઘર ઘર રમી
બાળપણથી લઈને હું આજ સુધી 23 ઘરમાં રહી. નવા ઘરમાં દાદરા નહોતા, સરસ બગીચા પાસે મેં હિંચકો મુકેલો. એમ થયું કે હવે આ ઘર ક્યારેય નહિ છોડું. પણ ઈશ્વરે બીજું જ કંઈક ધાર્યું હશે.
ભાડુત ગડબડ કરતા હોય તેમ લાગ્યું એટલે મેં કહ્યું કે અહીં કોઈ ખોટો ધંધો કરશો નહિ. તે મહિનાની આખરે તેમનો ભાડાનો ચેક આવ્યો નહિ. મને ડર લાગ્યો કે પહેલા ભાડુતની જેમ ભાડું નહિ આપે તો મારે બે ઘરના હપ્તા ભરવાના થશે. અને ધંધો થોડો ધીમો હતો. પણ ત્યારે જ પ્રિઝમ કંપની દ્વારા મને હૈદરાબાદમાં 18 દિવસનું કામ મળ્યું.
મને થયું કે કદાચ ભાડુ ન આવે તો હું રહેતી હતી તે ઘરને તૈયાર કરી Airbnb ઉપર મૂકીને જઉં તો તેના પૈસા આવતા રહેશે અને નિરાંતે ભારતમાં વધુ દિવસો કાઢી આવીશ.
બંને બાળકો કમાતા હતા અને દૂર રહેતા હતા. મેં Airbnb મેનેજમેન્ટ કંપની જોડે વાત કરીને ઘર તૈયાર કર્યું. મારી વસ્તુઓ ગેરેજ પાસે નાનો સ્ટોરરૂમમાં મૂકી. Airbnb ઉપર મુકવા માટે ત્રણેય રૂમના પલંગ માટે ચાર બેડિંગ સેટ લીધા, રસોડામાં પૂરતા વાસણ, કોફી મશીન વગેરે વસાવ્યા ને ઘર તૈયાર કર્યું.
તેવામાં એક દિવસ ભાડુત બીજું ઘર છોડીને ચાલ્યા ગયા. મારે ભારત જવાને એક મહિનો હતો. મને થયું કે ત્યાં સુધીમાં ભાડુત ન મળે તો સાથેસાથે બીજા ઘરને પણ AirBnB માટે તૈયાર કરીને કંપનીને સોંપી દઉં.
તે ખૂબ મુશ્કેલ બન્યું, પણ ત્રણ અઠવાડિયામાં મેં આખું ત્રણ બેડરૂમનું ઘર વસાવ્યું. ત્રણ પલંગ, દરેક રૂમ માટે ચાર બેડશીટ સેટ, સાબૂ, શેમ્પુ, લોન્ડ્રી સોપ, વાસણ, પ્લેટ્સ, છરી, કાંટા, સોફાસેટ, ટેબલ, વગેરે બધું ખરીદ્યું,
ઘર AirBnB ઉપર મૂકીને હું ભારત ગઈ. ત્યાં કામ કર્યું, ફ્રેન્ડ્સને મળી, ફરી. અહીં મેનેજમેન્ટ કંપની બંને ઘર સંભાળતી હતી અને Airbnb ઉપર સારા પૈસા આવતા હતા. મારી સહેલી તે એકાઉન્ટ જોતી રહેતી હતી.
આખરે મારી સહેલીને મેં કહ્યું કે હું આવું છું. તે કહે, તમારા બંને ઘર હમણાં બુક થયેલ છે તો તમારા માટે Airbnb ઉપર ક્યાંક એક ઓરડો બુક કરું છું. આવ્યા પછી તે કહે તમે આમ Airbnb ઉપર જ ઓરડા બુક કરીને રહો. તમારા બંને ઘરના સારા પૈસા આવે છે.
હું બે દિવસ અહીં, બે દિવસ ત્યાં એમ ફરતી રહી. મારું ઘર ખાલી થાય ત્યારે ત્યાં રહીને કોઈ આવવાનું હોય ત્યારે ફરી ઓરડો ગોતીને રહી આવું. થોડા સમય પછી થાકી ગઈ. મેં મારી સહેલીને કહ્યું: બેના, હવે હું મારા પોતાના ઘરમાં રહેવાની. તે હસી પડી.
45. કોવિડ અને દીકરાના ઘરે….
બાળકો તેમની પ્રવૃત્તિમાં હતાં અને મારે અનેક પ્રવૃતિઓ ચાલતી હતી. મારો નિરાંતનો સમય હતો. ભાગદોડ પુરી થઈ, વિષ્ણુ સાથે કોર્ટ કેસ પતી ગયા, આર્થિક મુશ્કેલીઓનો અંત આવ્યો અને હું અલકમલકની સફરે જતી હતી.
ક્યારેક મારી સફરનું વર્ણન કરીશ. બધા કોન્ટિનેન્ટસમાં, ઘણાં ઘણાં દેશોમાં ફરી. એ બધા નામનું લાબું લિસ્ટ થાય. ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને જોર્ડનની સફર અદભુત હતી, જાપાનમાં અમે ઘણા જાપાનીસ વ્યક્તિઓના ઘરે રહ્યાં. તે યાદગાર સફર રહી, બોસ્નિયામાં 10 દિવસની સફરમાં બીજે જ દિવસે મારો હાથ ભાંગ્યો અને ફ્રેક્ચર થયું. દરેક સફરમાં ખૂબ જોયું, જાણ્યું, અનુભવ્યું અને માણ્યું… ને કોવિડ આવતા દુનિયા જાણે અચાનક બંધ થઈ ગઈ.
તે વર્ષના અંતમાં દીકરાએ ઘર લીધું અને હું તેને સેટ કરવા અને થોડા દિવસ રહેવા ગઈ. તે વર્ષોથી દૂર રહ્યો હતો અને તેની જોડે રહેવાની મેં કલ્પના પણ નહોતી કરી. પણ દિવસોમાંથી અઠવાડિયા અને મહિના થયા અને તે કહે, “મમ્મી અહીં જ રહી જા.” અને હું રહી ગઈ.
મને વધુ જવાબદારી જોઈતી નહોતી અને મેં મારું ઘર પણ વેચી નાખ્યું. દીકરાએ મારા માથેથી આર્થિક જવાબદારીઓ લઈ લીધી. ભાડે આપેલ ઘર મેં રાખ્યું. તે સિવાય હું જવાબદારીમાંથી મુક્ત થઈ અને વધારે સમય હરવાફરવામાં, સહેલીઓ સાથે અને મારી પ્રવૃત્તિમાં વીતાવવા લાગી.
મારી જિંદગીમાં ઘણા પડકારોનો સામનો કર્યો અને સફળ થઈ, પણ બાળકો અમારાં બંનેથી દૂર થઈ ગયેલા. દીકરા જોડે રહેવા આવી અને અમે ફરીથી એકબીજાને નવી દ્રષ્ટિથી ઓળખ્યાં. અમારો પ્રેમ વિકસ્યો. દીકરી સાથે પણ પ્રેમ ગાઢ થયો.
આટલા વર્ષો રાત્રે બહારથી આવું ત્યારે એકલી ઘરમાં દાખલ થતી અને ખાલીપણાનો આભાસ થતો. હવે આવું ત્યારે ઘરનું બારણું ખોલતાં દિલમાં ઉમંગ જાગે કે દીકરાને જોઈશ અને એ પૂછશે, “મમ્મી, મજા આવી?”
***
ઘરમાં પ્રેમ, દિલમાં ઉમંગ, હોઠ ઉપર મુસ્કાન એ જ જીવનની સફળતા અને ખરી મૂડી. આખરે એ કહીશ કે જીવનમાં ધ્યેય હોય છે પણ સમય સાથે તે બદલાય છે.
જીવનની ડગર કાપતાં મુકામે પહોંચવાની ક્યારેક અધીરાઈ આવે ખરી પણ મહત્વની તો સફર છે, મુકામ નહિ. આપણે જેમને ઉછેર્યાં, પ્રેમ આપ્યો અને જે પ્રેમ અનુભવ્યો, સંઘર્ષોનો સામનો કરતાં પણ એમની સાથે આનંદ કરવાનું ન ભૂલ્યાં, તે બધા અનુભવોથી જ આપણે સમૃદ્ધ બન્યાં અને ઘડાયાં.
આપણાં અસ્તિત્વનાં દરેક પદચિન્હોમાં ન કહેવાયેલી અને છતાં સહેવાયેલી જીવનગાથા પાછળ રહી જાય છે.
વૃદ્ધ હાથોનો જાદુ – દર્શના
હાથ તરફ નજર મારી પડે છે
રદ્દી માટે રાખેલા અખબાર જેવા વૃદ્ધ, કરચલીવાળા
રંગ વગરના નખ સાથે જોડાયેલ કરચલીવાળી આંગળીઓ
થોડીક વીંટી હજુ આ થાકેલી આંગળીઓને શણગારે છે
મારી જેમ દરેક વીંટીની પોતાની વાર્તા છે
પણ ખોટું નહિ સમજતા
લો કહું આ વૃદ્ધ હાથની વાત…
આ હાથોએ વિવિધતા જોઈ છે
શક્તિશાળી મોજાઓએ મને ઉલાળી,
જીવન નૈયા હાલકડોલક થઇ ત્યારે
વંટોળમાં દૂર ફેંકાઈ શકાત,
એવા સમયે..
આ વૃદ્ધ આંગળીઓએ
ધારદાર તીક્ષ્ણ ખડકોને ઝાલીને
મને અડીખમ રાખી છે
જીવનમાં મારુ સ્થાન હું મુકવાની નહોતી
સ્મિતને ક્યાંય છોડવાની નહોતી
મારો સંઘર્ષ ને મારી વેદનાઓને
મારી વ્યાખ્યા બનાવવાની નહોતી
તેમાં આ હાથોએ મને ટેકો આપ્યો
અને મારો સામાન ઊંચક્યો
કદાચ તમે કહેશો હું ખોટી હતી
સામાન તો છોડતાં જવું જોઈએ
પણ ના, ઘણું જીવી છું અને શીખી છું
જીવનમાં સામાનવહન જરૂરી છે
જયારે મેં આદર્યું હિમાલય અભિયાન
ત્યારે જરૂરી સામગ્રી લેવાનો આદેશ મળેલ
પ્રથમ પાઠ એ ઠરાવવાનો હતો કે
શું જરૂરી અને શું બિનજરૂરી છે
જે જીવંત રાખે તે જરૂરી
ક્રેમપૉન્સ, મોજા, ખોરાક, સ્ટોવ, તંબુ, બરફ કાપવાની કુહાડી
હવે આ હાથ સદ્ધર રાખે છે અમુક મિત્રતા, સ્વજનો
જીવનમાં શીખેલા પાઠ ને અમુક મૂલ્યો
પ્રેમની મૂડી જેવી અમૂલ્ય જીવાદોરીઓ
આ કરચલીવાળા હાથ ઓછું વજન ઉપાડે છે
પણ…. જરૂરિયાતો પણ ઓછી છે
તેથી જ મિત્રો, તેના દેખાવ ઉપર ન જાવ
આ મજબૂત હાથોએ કેટલાયે પ્રેમીજનોને સંભાળ્યા છે
મારી જેમ, કેટલાય મારી સાથે અડીખમ ઊભા છે
આ વૃદ્ધ હાથોએ હવામાં એવો તો જાદુ સર્જ્યો છે……!!
આશા હતી કે આ વાત અહીં સમાપ્ત કરીશ. પરંતુ વિષ્ણુ એક દિવસ અચાનક મારા દીકરાના ઘરે રહેવા આવ્યો અને મારી જિંદગીમાં ફરી નવી મુસીબતો અને નવી આફતો આવી. હવે શું હું ફરી બીજે રહેવા જાઉં? આ નવા સંકટનો ઉકેલ કેમ લાવીશ તે હવે જોવાનું રહેશે.
જીવનની સફર ચાલુ છે, તો માર્ગ પણ મળી રહેશે.
(અંતરિમ સમાપ્તિ)
સતત સંઘર્ષમય જીવનની વાત વાંચીને એક બાજુએ અનુકંપાનો ભાવ થાય. બીજીતરફ દર્શનાબેનની હિંમત અને ખુમારીને બિરદાવવી ગમે. તેમની જીવનકથા પ્રેરક છે. આગળ શું થાય છે તે જ્યારે જાણવા મળે ત્યારે ખરું.
હરીશભાઈ તમારા આશીર્વાદ અને પ્રોત્સાહન માટે ખોબો ભરીને આભાર 🙏🙏🙏.