મરઘી (વાર્તા) ~ લીના કાપડિયા ~ (સાભાર: “કુમાર” – ૧૯૯૪)

પણ એમ કેમ બની શકે?’ કોર્નિએ એની માલકણ સીમાને પૂછ્યું. પરંતુ એને ખબર હતી કે એનો જવાબ એની પોતાની પાસે હતોસીમા પાસે નહીં.

ગૅસ સાફ કરતાં કોર્નિએ બારીની બહાર જોયું. સૂર્ય આથમી રહ્યો હતો. આવા સમયે કોર્નિને એનો દેશ ફિલિપાઈન્સએનું નાનું ગામ સાન્ટા મારિયા યાદ આવી જતું. આખો દિવસ ખેતરમાં મજૂરી કરી આ સમયે એ ઘરે પાછી ફરતી – બે વરસ અને ચાર વરસની પુત્રીઓ એલ્સી અને જોયસ પાસે. પતિ આંદ્રેસ અને પુત્રીઓ સાથે બેસીને એ માછલી અને ભાત ખાતી.

ખૂબ મહેનતભર્યું જીવન હતું. આંદ્રેસ અને એ આખો દિવસ ચોખા કે શેરડી ઉગાડવા મજૂરી કરતાં ત્યારે ચાર જણાનું પેટ ભરાતું. કોર્નિને સખત મહેનત કરવાની આદત હતી. તે છ વર્ષની હતી ત્યારથી ખેતરોમાં જતી હતી. સવાર ખેતરોમાંબપોર શાળામાં અને સાંજ ખેતરોમાં વીતતી પરંતુ હવે ચિંતા એને દીકરીઓના ભવિષ્યની હતી. તેઓ મજૂરી કરે એમ એ નતી ઇચ્છતી અને આ ચિંતાનો હલ જેમ ફિલિપાઈન્સમાં દરેક બીજું ઘર ગોતે છે એમ એણે પણ ગોત્યો.

એણે ઘરકામ માટે એક એજન્સીમાં નોંધણી કરાવી. સિંગાપોર કે યુ.એ.ઈ.માં બે વરસનો મુકામ કરીને કોર્નિએ ધાર્યું હતું કે પાછી ફરશે- થોડી મૂડી એકઠી કરીને.

કોર્નિને પંદર દિવસની તાલીમ બાદ સિંગાપોર મોકલવામાં આવી. શરૂઆતમાં તે ખૂબ રડતી હતી. આખો દિવસ કામ કર્યા પછીજ્યારે તે રાત્રે સૂવા જતીત્યારે તે તેના પરિવારને યાદ કરતી અને એટલી રડતી કે જો તેના શરીરને સખત મહેનત કરવાની આદત ન હોતતો તે બીજા દિવસે ઉઠી શકત નહીં. જો કે રાત પણ ક્યાં એની પોતાની હતી?

સુ યિંગ રાત્રે ત્રણ કે ચાર વખત જાગી જતી અને કોર્નિને એને તેડીને આંટા મારવા પડતાં. તે સમયે તેને એલ્સીની યાદ આવી જતી. પોતા વિના એ ઝૂરતી હશેઅને ઝબકીને જાગી જતી હશે?

ફરી તેની આંખો ઉભરાઈ જતી, પછી તે પોતાને સંભાળી લેતી. મેડમની આંખો સતત તેના પર રહેતીતેથી સતત રડવું પણ તો ઇચ્છવા યોગ્ય ન હતું. એને થતું કે ઘરે સાંજે તો એ કામથી પરવારતી હતી પણ અહીં તો ચોવીસ કલાક એ ફરજ પર હતી. મિસીસ ચેનની આંખો તેને એક ક્ષણ માટે પણ જંપવા ન દેતી.

જો કે ધીમે ધીમે એને આદત પડવા લાગી હતી. આંદ્રેસનો પત્ર પણ હતો. એલ્સી અને જોયસ તેની ગેરહાજરીથી ટેવાવા લાગ્યાં હતાં.

બે વર્ષ વીતી ગયા. કરાર મુજબકોર્નિંને ફિલિપાઈન્સની રીટર્ન ટિકિટ મળવી જોઈતી હતીપરંતુ ચેને તેને ફિલિપાઈન્સની માત્ર વન-વે ટિકિટ આપી.

મનીલાથી સાન્ટા મારિયા જતા બસમાં કોર્નિ વિચારી રહી હતી કે શું તે સિંગાપોર પાછી જવા માંગે છે. એણે  થોડા પૈસા બચાવ્યા હતાપરંતુ પૈસાની કિંમત ઘટી ગઈ હતી. મોંઘવારી વધી હતી. વસ્તુઓ વધુ મોંઘી હતી.

બાળકોને ભણાવી શકાયપોતાનું ઘડપણ સારી રીતે જાય એવી ઈચ્છા હોય તો તેણે સિંગાપોર પાછા જવું પડે. અત્યારે એનું ધ્યાન સિંગાપોર અને બાજુમાં પસાર થતા લીલાછમ ખેતરો વચ્ચે ઝૂલતું હતું. જો આંદ્રેસ તેનો હાથ પકડીને કહે કે આપણે સાથે બેસીને ચૂલો પેટાવીએ અને બાળકોને જીસસ અને મેરીની વાર્તા કહીએ તો કોર્નિ બેસી જાય. ભવિષ્યની ચિંતા કર્યા વગર. સાથે સાથે વરસાદના લોકગીતો ગાવા.

ઘરે પહોંચીને કોર્નિએ જોયું તો આંદ્રેસ બીજી સ્ત્રી સાથે ભાત ખાતો હતો. ઘવાઈને કોર્નિએ તગતગતી આંખે જોયું. પણ તે શું કરી શકે એમ હતીસ્વીકાર અથવા અસ્વીકાર. કોર્નિ  દીકરીઓને લઈને માના ઘરે આવી  ગઈ.

સિંગાપોરમાં શરૂઆતના દિવસોમાં અનુભવી હતી એનાથી વધુ વેદના કોર્નિએ અનુભવી. દગા અને અપમાનની ભાવનાથી કામ કરતા એના હાથ થંભી જતાં. હવે કોર્નિ પાસે કોઈ વિકલ્પ ન રહ્યો. એણે સિંગાપોરની વાટ પકડી.

આ વખતે એણે એક વૃદ્ધાનું ધ્યાન રાખવાનું હતું. મિસીસ ચાન એકલા રહેતાં હતાં. પુત્ર અને પુત્રવધૂ અઠવાડિયામાં બે વાર તેની મુલાકાત લેતાં. કોર્નિનું કામ થોડું સરળ બન્યું હતું.

તે મિસીસ ચાનને વહેલી સવારની તાજી હવામાં ફરવા લઈ જતી. મિસીસ ચાનના પગલાં સ્થિર નહોતા. વૉકિંગ ટ્રેક પર ધીરે ધીરે ચાલતી વખતે કોર્નિ સૂર્યોદય જોતી. ચાન થાકીને ટ્રેકની બાજુમાં બેંચ પર બેસી જતાં. કોર્નિ અન્ય મેઈડસ સાથે ગપસપ કરતી અથવા કસરત કરતી.

કોર્નિને થતું કે જ્યારે વૃદ્ધ થાય ત્યારે તે આવું શાંતિપૂર્ણ જીવન જીવી શકે તો સારું. એની માતાએ તો આ ઉંમરમાં પણ કામ કરવું પડતું હતું.

આ વખતે કોર્નિ બે વર્ષ પછી ફિલિપાઇન્સ ન જઈ શકી. એણે ચેનની નોકરી છોડી દીધી હતી. તેથી તેને ફિલિપાઈન્સની ટિકિટ મળી ન હતી. એણે છૂટક કામ કરવાનું શરૂ કર્યું હતું. કલાકના દસ ડોલર.

આ એને વધુ નફાકારક લાગ્યું હતું પરંતુ બચત હજુ પણ એવી જ હતી. ખર્ચ વધી ગયો હતો. તેની માતા બેથી ત્રણ વખત બીમાર પડી હતી. જોયસને શાળાએ જવા માટે નવી સાયકલ જોઈતી હતી અને એલ્સીને નવી બેગ જોઈતી હતી. ઘરની છત પણ લીક થઈ રહી હતી.

છતાં તેના હૃદયમાં ઉત્સાહ હતો. માતાએ લખ્યું હતું કે બાળકો સારું ભણતાં હતાં. જોયસ કહેતી હતી કે તેના જેટલી સુંદર સાઇકલ બીજા કોઈની પાસે ન હતી. કોર્નિનું હૃદય આનંદથી છલકાઈ જતું.

જ્યારે પોતે નાની હતી ત્યારે તેની પાસે સાઇકલ ન હતી. એની ઈચ્છા હતી કે તેના બાળકો આવી વસ્તુઓથી વંચિત ન  રહે. એ ઇચ્છતી  હતી કે તેના બાળકો નાની ઉંમરે લગ્ન ન કરેતેઓ અભ્યાસ કરે. ઘણું શીખે. એને આશા હતી કે ત્યાં સુધીમાં અર્થતંત્ર સુધરશે અને તેમને સારી નોકરીઓ મળશે.

કોર્નિ પાંચ વર્ષ પછી ગામમાં જઈ શકી. એલિસજે બે વર્ષની હતી જ્યારે કોર્નિ એ તેને પહેલીવાર છોડી દીધી હતી તે હવે નવ વર્ષની થઇ ગઈ હતી અને તેની મોટી બહેનની પાછળ છુપાઈને ટગરટગર કોર્નિની સામે જોઈ રહી હતી.

કોર્નિએ વિચાર્યું હતું કે તે બંને દોડીને આવશે અને તેને ભેટી પડશેપરંતુ એવું બન્યું નહીં. પ્રેમથી કોર્નિએ બંનેને બોલાવ્યાપણ તેઓ ઘરમાં દોડી ગયા. કોર્નિએ તેની માતા તરફ જોયું.

ધીમે ધીમે આવશે…’’, માતાએ આશ્વાસન આપ્યું. કોર્નિએ સમજણમાં માથું હલાવ્યું. પણ એવું બન્યું નહીં.

કોર્નિને  હતું કે બે-ત્રણ દિવસો પછી પુત્રીઓ એના ખોળામાં માથું મૂકીને સૂશે અથવા એના ગળામાં હાથ વીંટાળીને ચુંબન કરશે પણ એવું બન્યું નહીં. અરે, મામને ભૂખ લાગી છે. ખાવાનું આપ – આવી નાની માંગ પણ તેઓ કરતા નહીં.

ભૂખ્યા હોય ત્યારે તેઓ નાનીને શોધવા જતા. લોલો (નાની)જોયસ મને તેની બાઇક ચલાવવા દેતી નથી!” “લોલોઆજે શર્ટ કાંટામાં ફસાઈને ફાટી ગયું!” “મને આ દાખલો નથી આવડતો.” “મારે આટલા વહેલા સૂવા નથી જવું!બધી વાતો લોલોને થતી. કોર્નિ સાંભળી રહેતી.

પંદર દિવસ પછી પણ, “બતાવ તોતું શું ભણે છેતને કેટલું આવડે છે?” પ્રશ્નનો જવાબ આપવાનો એલ્સીએ ઇનકાર કર્યો ત્યારે કોર્નિ છંછેડાઈ ગઈ. પછી એણે જાતને સંભાળી લીધી.

એક દિવસ કોર્નિ બહારથી ઘરે આવી રહી હતી. ઘરનો દરવાજો ખુલ્લો હતો. છોકરીઓ વાતો કરી રહી હતી.

શું તને નેને (મા) ગમે છે?” મોટીએ પૂછ્યું.

મને લોલો ગમે છે”, નાનીએ જવાબ આપ્યો.

મને લાગે છે કે નેને બહુ કડક છે,” મોટીએ કહ્યું.

કોર્નિના પગ થીજી ગયા. એની આંખોમાં આંસુ ભરાઈ ગયા. મહિના પછી સિંગાપોર જવા એ નીકળી ત્યારે એના પગ ઢીલા પડી ગયાં હતાં. એમાં જે જોમ અને ઉત્સાહ હતાં એ હવે ન હતાં.

જ્યારે તેઓ થોડા મોટા થશેત્યારે તેઓ તારા બલિદાનની કદર કરશે.માતાએ કહ્યું હતું.

કોર્નિએ સમજણમાં માથું હલાવ્યું હતું.

પણ હવે પોતું મારવામાં કોર્નિ જોર ન લગાડતી. કેટલીક વાર વેક્યુમ કરતી વખતે તેના હાથ અટકી જતાં. મહેનત કરવાની પ્રેરણા જતી રહી. એક દૂરત્વ લાગતું. ભાર લાગતો. ત્યારે તો બાળકો નાના હતા પરંતુ ચાર વર્ષ પછી પણ,એલ્સી જે હવે પંદર વર્ષની હતી તેણે એક પત્ર પણ લખ્યો ન હતો કે નેને તું ક્યારે આવે છેઅમે તને યાદ કરીએ છીએ.

કોર્નિને પહેલા જીવનમાં ક્યારે ય ન લાગી હતી એવી શૂન્યતા લાગવા માંડી. આંદ્રેસ જતો રહ્યો. બાળકો પણ દૂર દૂર જવા લાગ્યાં. ક્યારેક ઊંઘમાં કોર્નિને ઘરબારણાં અને બારી બધું નાનું નાનું થઈને દૂર સરકતું લાગતું અને  ખાલીપાના ભાવ સાથે એ જાગી જતી.

માતાએ તેના એક પત્રના જવાબમાં લખ્યું હતું, “મા માટે પ્રેમ તો હોય પરંતુ નજદીકત્વ તો તેઓ જેની સાથે રહે છે એની સાથે જ હોય ને?”

કોર્નિએ સમજણમાં માથું હલાવ્યું હતું.

એક દિવસ કોર્નિ સીમાના ઘરે કામ કરી રહી  હતી. શુક્રવારે બપોરે સીમાના ઘરે ત્રણ કલાક કામ કરવાનું ઠરાવ્યું હતું. સીમાએ કહ્યું કે તેનો પિતરાઈ ભાઈ રાજુ અમેરિકાથી અને તેનો પરિવાર કેરાલાથી બે બિલ્ડીંગ છોડીને રહેવા આવ્યા  છે. જો એની પાસે રવિવારે સમય હોય તો એ સાંજે ત્યાં કામ કરવા જાય.

કોર્નિએ હા પાડી.એ રવિવારે સાંજે ઘર સાફ કરવા ગઈ હતી. રાજુ અને તેની પત્ની વાતો કરતાં હતાં.

પણ બિનુછેલ્લા છ વર્ષથી હું પૈસા મોકલું છું અને તું કહે છે કે કોઈ બચત નથીઆટલા પૈસા ક્યાં ગયા?”

તમારા ભાઈના એન્જિનિયરિંગ કોર્સની ફીચેચી (બહેન)ના લગ્ન માટે દહેજ અને કોચીનમાં ઘર માટે ડાઉન પેમેન્ટ.” બિનુએ જવાબ આપ્યો.

પણ મારી પરિસ્થિતિ શું છેહું ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો. હું તમને બધાને ત્યાં લઈ જઈ શકતો નથી. રાજકીય આશ્રય મેળવવા માટે હું ખોટું બોલ્યો. હું ભારત આવી શકતો નથી. હું દિવસમાં પંદર કલાક રેસ્ટોરન્ટમાં કામ કરું છું કારણ કે લઘુતમ વેતન જેવા કોઈ નિયમો મને લાગુ પડતા નથી. કોઈપણ યુનિયન મારું રક્ષણ કરતું નથી.

હું મોડી સાંજે ઘરે પાછો આવું છું અને મને હૂંફાળા સ્મિત સાથે આવકારવા માટે કોઈ નથી. જો હું બીમાર પડું  તો મને દવા આપવા માટે પણ કોઈ નથી. એકલતા ઘેરી વળે છે મને અને જેમના માટે હું આ બધું કરી રહ્યો છું…” તેણે રિમોટ કંટ્રોલવાળી કાર અને રોબોટ વડે કોરિડોરમાં રમતા બાળકો તરફ જોયું.

તેઓ મને ઓળખતા પણ નથી. અને તું… મને ખબર નથી કે તારી સાથે શું વાત કરવીઅંતર આવી ગયું છે આપણાં વચ્ચે. હવેમને પાછા આવવું છે. તું સમજે છે મારી વાત?”

હા.” સ્વગત બોલતી હોય એમ કોર્નિએ જવાબ આપ્યો. રાજુએ એની સામે જોયું. બન્નેએ એકમેકની સામે જોયું.

તમારા પરિવાર માટે તમે કમાયા. ભાઈ માટે. બહેન માટે અને હવે તમારા પુત્ર માટેએને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે શું  કેપિટેશન ફી ચૂકવવી પડશે નહીંઅને સંજીવનીને નહીં આપવું પડે દહેજ?”

રાજુએ બારીમાંથી બહાર જોયું. તેને લાગ્યું કે એ મરઘી હતો. સોનાનું ઈંડુ આપતો હતો. રોજ એક ઈંડું. અને એના પરિવારના સભ્યો એટલાં મૂરખ ન હતાં કે ઈંડાની લાલચમાં એને મારી નાંખે. એણે તો રોજ મરવાનું હતું.

કહોએમના તરફ નથી તમારી ફરજ?” બિનુએ પૂછ્યું.

રાજુએ સમજણમાં માથું હલાવ્યું.

તે દિવસ પછી જ્યારે પણ કોર્નિ જાગી જતી અને એકલતા અનુભવતી ત્યારે એને લાગતું કે એ એકલી ન હતી.  ભારતઈન્ડોનેશિયા અને બાંગ્લાદેશ ખબર નહીં કેટલાં દેશના લોકો એની સાથે હતાં. રાત્રે જો એ તારા તરફ જોતી તો એને લાગતું  કે આટલાં બધા તારાઓ વચ્ચેનો એક તારો એ હતી.

થોડા દિવસો પછી સીમાએ જ્યારે કહ્યું કે એનો ભાઈ રાજુ પાછો અમેરિકા ગયો છે ત્યારે એનાથી પુછાઈ ગયું,

પણ એમ કેમ બની શકે? ’ પરંતુ એને ખબર હતી કે એનો જવાબ એની પોતાની પાસે હતોસીમા પાસે નહીં.

(સાભાર “કુમાર” – ૧૯૯૪)

~ લીના કાપડિયા 
<leenakkap@yahoo.in

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ગરીબાઈ અને માનવ મનની મજબૂરી.