સિસ્ટમ (વાર્તા) ~ ગોપાલી બુચ

“હા બોલો. નવો કેસ છે કે જૂનો? શું નામ છે? સાદી ફાઈલ જોશે કે લાંબી ચાલે એવી? એકદમ  મજબૂત અને ટકાઉ? સાદી ફાઈલના 500 ને મજબૂત ટકાઉ ફાઈલના 5000 એક્સ્ટ્રા થશે.”

હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર જ બેઠેલી રૂપાળી રિસેપ્શનિસ્ટે લેપટોપ પર ટાઈપ કરતાં કરતાં જ સવાલોની ઝડી વરસાવી. ટકાઉ ફાઈલના પાંચ હજાર રૂપિયા! આ ટકાઉ ફાઇલ એટલે શું?

મહેશભાઈની આંખો પહોળી થઈ ગઈ. “પાંચ હજાર! એમાં સાથે કંઈ સાથે ગિફ્ટ કે એવું પણ આપો છો?” મહેશભાઈથી પૂછાઈ ગયું .

હવે રિસેપ્શનિસ્ટે માથું ઊંચું કરીને મહેશભાઈ સામે જોયું. “હોસ્પિટલવાળા ગિફ્ટ આપે? અમે સાથે કંઈ નથી આપતા. પણ અમારી ટકાઉ ફાઈલ એટલી ટકાઉ કે વર્ષો સુધી હોસ્પિટલના ધક્કા ખાઓ કે પેશન્ટ મરી પણ જાય પણ ફાઈલ એવી ને એવી રહે. ફાટે કે બગડે નહીં.

હા, એમાં બાયબેક ઓફર છે. તમે મરી જાવ તો તમારા વારસદારને 2500 રૂપિયા પાછા મળે પણ અત્યારે તો 5000 જ ભરવા પડે એવી સિસ્ટમ છે ભાઈ. તમે જરા જલ્દી કરો. પાછળ લાઈન વધતી જાય છે.”

રિસેપ્સનિસ્ટે મહેશભાઈને સિસ્ટમ અને સ્કીમ બંને ટૂંકમાં સમજાવી દીધા અને મહેશભાઈના જવાબની રાહ જોયા વગર જ 5000ની ફાઈલ સાથે હોસ્પિટલના દર્દી તરીકે રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ પકડાવી પૈસા માટે સૂચક નજરે જોયું. કહી પણ દીધું કે,” ફોર્મ ભરી ફાઇલમાં મૂકી બે નંબરના કાઉન્ટર ઉપર જમા કરાવો અને ચાલો ભાઈ જરા જલ્દી કરો. ફાઈલનું પેમેન્ટ કરી આગળ જાવ. અમારે બીજા પેશન્ટને પણ સમય આપવાનો હોય છે.”

“હા ભાઈ” કહેતા મૂંઝાયેલા મહેશભાઈએ 5000 રૂપિયા રિસેપ્શન કાઉન્ટર પર જમા કરાવ્યા ને ફાઈલ અને ફોર્મ સાથે રિસેપ્શન કાઉન્ટર સામે મોટા હોલમાં ગોઠવેલા સોફામાં જઈને બેસી ગયા.

મહેશભાઈનો દીકરો સંજય એટલી વારમાં ગાડી પાર્ક કરી આવી ગયો હતો. મહેશભાઈના ચહેરા પર વળતો પરસેવો જોઈ સંજય ચિંતિત થયો. “પપ્પા, બધું બરાબર છેને? આપણે રૂટીન ચેકઅપ માટે જ આવ્યા છીએ તમે કોઈ ચિંતા ના કરો. બધું સારું જ છે.”

મહેશભાઈને હિંમત આપતા સંજયે ફાઈલ અને ફોર્મ હાથમાં લીધા.

“અરે! આશ્ચર્ય! હોસ્પિટલનું ફોર્મ છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું? તમારા નામે સ્થાપિત મિલકતની વિગતો હોસ્પિટલના ફોર્મમાં કેમ ભરવાની?”

સંજય તરત જ રિસેપ્શન કાઉન્ટર પર પૂછવા દોડ્યો. પણ કાઉન્ટર પરની ભીડમાં અટવાયો. એક બાજુ પિતા મહેશભાઈ નાદુરસ્ત તબિયત સાથે રાહ જોતા બેઠા છે, ત્યારે આ બધી પળોજણ કરવાની! એને ગુસ્સો આવ્યો એટલે ભીડમાંથી જ ઘાંટો પાડી ફોર્મમાં રહેલા મિલકતના ખાના વિશે પૂછ્યું.

એણે જેટલો જોરથી ઘાંટો પાડ્યો એટલો જ તીવ્ર પડઘો સામે પક્ષે પણ પડ્યો, “સિસ્ટમ છે.”

સંજયે ઉતાવળે ફોર્મ ભર્યું અને કાઉન્ટર નંબર બે પર ફોર્મ જમા કરાવવા પહોંચ્યો.

“પેશન્ટનું નામ?”

“મહેશભાઈ.”

“ઉંમર?”

”અડસઠ પૂરાં.”

“ફોર્મમાં ભરેલી બધી મિલકત મહેશભાઈના નામે જ છે? ને, કોઈ જાતનો વીમો કરાવેલો છે? કરાવેલો છે તો કેટલાનો કરાવેલો છે? એ વિગતો પણ એમાં તમારે ભરવાની રહેશે. બીજો કોઈ વિમો હોય તો એ પણ તમારે આમાં ભરવાનું રહેશે. અને હા, હેલ્થ ઇન્સ્યોરન્સ છે? છે, તો કેટલાનો છે? કઈ કંપનીનો છે? આ બધી જ વિગતો તમારે આ ફોર્મમાં ફરજિયાતપણે ભરવાની છે.”

“અરે હા ભાઈ હા, ફોર્મમાં બધું મેં ભરી દીધું છે. પપ્પાની તબિયત સારી નથી. સારવારની વ્યવસ્થા કરોને જલ્દી.” સંજય અકળાવા લાગ્યો.

“હા ભાઈ. સારવાર પણ મળશે. પણ અમારે તો બધું કન્ફર્મ કરવું પડે ને? પછી કાલે કોઈ ડખો ઊભો થાય તો અમારા ઉપર કંઈ આવવું ના જોઈએ. એટલા માટે જ અમારે સિસ્ટમ મુજબ કરવું પડે.

હવે આ ફાઈલ લો અને પેશન્ટની સંપૂર્ણ બોડી પ્રોફાઈલ કરાવી આવો. બોડી પ્રોફાઇલના 3000 રૂપિયા અહીં જમા કરાવવાના છે.” કહેતા કાઉન્ટર નંબર બે પરથી એક સુંદર અટેન્ડેન્ટે સ્માઈલ સાથે સંજયના હાથમાં બોડી પ્રોફાઈલના લિસ્ટની ફાઈલ પકડાવી અને લટકાનું ઉમેર્યું… લેબોરેટરી ઉપર બીજા માળે છે હો.

“એક વાર ડોક્ટરને બતાવીને ટેસ્ટ કરાવીએ તો?” સંજયે ધીમેથી પૂછ્યું . “ડોક્ટર ટેસ્ટ વગર પેશન્ટ હાથમાં જ નહીં લે. અહીં તો આ જ સિસ્ટમ છે.” કહીને એટેન્ડેન્ટે “નેકસ્ટ” બૂમ પાડી અને ઇનડાયરેક્ટલી સંજયને આગળ વધી જવા માટે કહી દીધું.

સંજયે દૂર બેઠેલા પિતા સામે જોયું. મહેશભાઈ રૂમાલથી ચહેરાનો પરસેવો લૂછી રહ્યા હતા. સંજયે ફટાફટ 3000 રૂપિયા જમા કરાવ્યા અને ફાઇલ લઈને મહેશભાઈ પાસે પહોંચ્યો.

“શું થાય છે પપ્પા? લો, થોડું પાણી પી લો.” દીકરાએ સાથે રાખેલી થેલીમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી બાપને પાણી પાયું.

“કશું થાય છે?” સંજયે ફરી ચિંતા વ્યક્ત કરી. એને લાગ્યું કે પપ્પાને કોઈ બેચેની વર્તાઈ રહી છે.

“ના… ના… દીકરા, કંઈ નથી. જરા ગરમી વધુ લાગી રહી છે ને એટલે માથું પકડાયું છે.” મહેશભાઈએ સંજયની ચિંતા હળવી કરવાનો પ્રયાસ કર્યો .

સંજય મહેશભાઈને લઈને બીજા માળે જવા લિફ્ટ તરફ ચાલ્યો. એણે જોયું કે મહેશભાઈને થાક લાગતો હતો. હાંફ ચડતી હતી. બંને લિફ્ટ પાસે પહોંચ્યા અને લિફ્ટમેને કહ્યું, “સાહેબ, પાસ?”

“શેનો પાસ?”

“લિફ્ટમાં જવા માટે પાસ રાખ્યો છે એટલે ફાલતુ લોકો લિફ્ટમાં આંટા મારવા આવે ને તો ખબર પડી જાય. અહીં સામેથી જ મળી જશે. લઈ આવો. પેશન્ટને ટેબલ પર બેસાડો. હું ધ્યાન રાખીશ.” લિફ્ટમેને સંજયને માહિતી આપતા સૌજન્ય પણ દાખવ્યું.

સંજય પાસ લેવા ગયો. મહેશભાઈ લિફ્ટ પાસે પડેલા ટેબલ ઉપર બેઠા. લિફ્ટમેને મહેશભાઈના ખબર પૂછવાનું શરૂ કર્યું.

“શું તકલીફ છે કાકા? શું થાય છે? અહીં હું બધા પેશન્ટનું ધ્યાન રાખું. માથું દુખે છે? દવા લીધી? અમેય શું કરીએ? હું તો હાલ લિફ્ટમાં જવા દઉં પણ અમારે સિસ્ટમ પ્રમાણે રહેવું પડે ને?”

લિફ્ટમેનનું બોલવાનું સતત ચાલુ રહ્યું. મહેશભાઈ અકળાઈ ગયા પણ ત્યાં તો સંજય આવી પહોંચ્યો અને મહેશભાઈને લઈને બીજા માળે ગયો.

કાચના મોટા દરવાજાની ભીતર અત્યંત અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ વેઈટિંગ રૂમ નજરે પડ્યો. કોઈ સારા ઓડિટોરિયમ કે થિયેટરમાં હોય એવી આરામદાયક ખુરશીઓ અને સામે દિવાલ પર 52 ઇંચનું મોટું ટીવી, જેમાં હોસ્પિટલની જ કેન્ટિનની જાહેરાત સતત ચાલુ હતી.

ખુરશીઓની એક બાજુ થોડે થોડે અંતરે કાચની બે ટિપોઈ હતી જેના પર વાંસના આર્ટિસ્ટિક બાસ્કેટમાં પાણીની બોટલો પડી હતી.

દરવાજાની અંદર પ્રવેશતા જ જમણી બાજુ કાચની કેબિન હતી. મહેશભાઈને ખુરશી પર બેસાડી સંજય કેબિનની વિન્ડો પાસે ફાઈલ લઈને પહોંચ્યો. કેબિનમાં બેઠેલા સફેદ કોર્ટમાં સજજ યુવાને વિન્ડો પાસે આવી બહુ સૌજન્યપૂર્વક સંજયને પૂછ્યું, “યસ, મે આઈ હેલ્પ યુ?”

સંજયે ચુપચાપ યુવાનને ફાઈલ આપી. યુવાને ફાઇલનું ખાસ્સું નિરીક્ષણ કર્યું પછી સંજયને સ્માઈલ સાથે કહ્યું, “પેશન્ટ ક્યાં છે?” સંજયે પિતા તરફ આંગળી ચીંધી.

“બેસો. વારો આવે એટલે બોલાવું.” સંજય મહેશભાઈ સાથે બેઠો અને પેલો યુવાન ફાઈલ લઈને તેની કેબિનની બાજુમાં આવેલી બીજી કેબિનમાં ગયો .

સંજય અને મહેશભાઈને બેઠાને હજી બે મિનિટ માંડ થઈ હશે ત્યાં તો વોર્ડબોય જેવો  યુવાન પાસે આવ્યો. બ્લુ શર્ટ – બ્લુ પેન્ટ, ગળામાં લટકતું આઈકાર્ડ, હાથમાં લાલ કલરની નાનકડી ટ્રે અને ટ્રેમાં લાલ કલરની જ નાની ડાયરી. એણે પાસે આવીને સંજય સામે ટ્રે ધરી. સંજયે પૂછ્યું, “શું છે આ?”

“મેનુ છે. આપણી કેન્ટિનનું. નંબર આવતા તો વાર લાગશે. ત્યાં સુધીમાં તમારે ચા પાણી કરવા હોય તો આપણી કેન્ટિનમાં બધી ફેસેલિટી છે. ચા , નાસ્તો, જમવાનું, આઇસ્ક્રીમ, જ્યુસ – બધું જ મળી રહેશે. કંઈ લાવું સાહેબ?”

વળી કેન્ટિનના માર્કેટિંગમાં એણે વધારો કરતાં આગળ ચલાવ્યું, “ચાના 50 રૂપિયા અને કોફીના ૧૦૦. કોફીમાં બે કૂકીઝ ફ્રી. બધી સગવડ છે સાહેબ. પેશન્ટ આઈસીયુમાં હોય કે વેન્ટિલેટર ઉપર હોય કે પછી રામ બોલો ભાઈ રામ હોય…  અગાઉથી જાણ કરી દો તો ઘેર જમવાનું પણ પહોંચાડી દઈએ.

ડાઘુ સ્મશાનથી આવે એ પહેલાં તો ગરમાગરમ જમવાનું પહોંચી જાય. ટેસ્ટી પણ એટલું જ ને સસ્તું પણ. ફિક્સ લંચ મંગાવો તો 250 રૂપિયા અને સ્વિટ સાથે હોય તો …..”

સંજયની લાલઘૂમ આંખો જોઈને વોર્ડબોય ચૂપ થઈ ગયો, પણ લટકાનું કહી તો દીધું જ “અમારે તો જાણ કરવી પડે ને ભાઈ… અમારી એવી સિસ્ટમ છે.”

સંજયને અણગમો આવ્યો. સાલો શું ધંધો બનાવી દીધો છે આ હોસ્પિટલવાળાઓએ! પણ સંજય કંઈ બોલ્યો નહીં. એણે મહેશભાઈને પૂછ્યું, “પપ્પા, કંઈ લેશો? આપણે ક્યારનાં આવ્યા છીએ. તમને ભૂખ લાગી હશે.” મહેશભાઈએ ના પાડી.

“છતાં ઈચ્છા થાય તો સામે દિવાલ પર કેન્ટિનનો નંબર છે. પેશન્ટની ફાઈલમાં પણ છે. ફોન કરી દેજો. હોસ્પિટલના દરવાજેથી લઈ મોર્ગરૂમ સુધી બધે સર્વિસ આપીએ છીએ. આમ તો સાહેબ હોસ્પિટલની બહાર ચાની કિટલી બી આપણી હોસ્પિટલની જ છે!” કહીને વોર્ડબોય હસ્યો.

સંજયને એના મસાલા ખાવાથી પીળા અને લાલ થઈ ગયેલા દાંત જોઈ દાંત પાડી નાખવાની ઈચ્છા થઈ આવી, પણ  ‘સારું.’ એટલું જ કહી સંજય ફરી કેબિન પાસે ગયો .

“કેટલી વાર લાગશે? પપ્પાને બેચેની વધી રહી છે. હોસ્પિટલ આવે દોઢ એક કલાક થઈ ગયો હતો પણ હજી ડોક્ટર સુધી નથી પહોંચ્યા.” સંજયે સફેદ કોટવાળા યુવાનને કેબિનની નાની ગોળ બારીમાંથી ડોકું નાખીને પૂછ્યું .

“બસ પાંચ મિનિટ. હમણાં પેલા પેશન્ટ નીકળે એટલે લઈ જ લઉં છું.” સફેદ કોટે જવાબ આપતા નાની પ્લાસ્ટિકની ડબ્બી અને ફાઈલ  સંજયને આપી.

“આમાં પેશન્ટનો પેશાબ લઈ લો ને!”

સંજયે ડબ્બી ઉપર પેશન્ટ નંબર 11 લખેલું વાંચ્યું. સંજયે ફાઈલ તરફ જોયું તો તેમાં પણ ઉપર પેશન્ટ નંબર 11નું લેબલ લાગી ગયું હતું.

મહેશભાઈ ડબ્બીમા પેશાબ લઈ બાથરૂમની બહાર નીકળ્યા ત્યાં જ પેશન્ટ નંબર 11ની બૂમ પડી. મહેશભાઈ હવે મહેશભાઈ મટી પેશન્ટ નંબર 11 બની ચૂક્યા હતા. લેબોરેટરીમાં અંદર મહેશભાઈને એકલાને જ પ્રવેશ મળ્યો. બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. જેની બોટલ પર પણ પેશન્ટ નંબર 11 નું લેબલ લાગી ગયું હતું.

સેમ્પલ આપી બહાર નીકળેલા મહેશભાઈએ સંજયને ડોકટર વિશે પૂછ્યું, ત્યાં તો ફરી કાચની કેબિનમાંથી સફેદ કોટવાળા ભાઈએ બૂમ પાડી, “પેશન્ટ નંબર 11ને ત્રીજે માળ સોનોગ્રાફી અને એક્સરે માટે લઈ જવાના છે.”

“શેના માટે?”સંજયે રોષ દર્શાવ્યો .

“બોડી પ્રોફાઇલમાં સાથે સાથે થઈ જાય. અમારે સિસ્ટમ જ એવી છે.” કેબિનમાંથી અવાજ આવ્યો.

મહેશભાઈએ દીકરાને કહ્યું, “ચાલ કરાવી લઈએ. આમ પણ લાંબા સમયથી નથી કરાવ્યો.”

જો કે મહેશભાઈના કથનમાં સોનોગ્રાફી અને એક્સ-રે કરાવવાની જરૂરિયાત કરતા તકરાર ટાળવાની ઈચ્છા વધુ હતી. બાપ દીકરો ફરી લિફ્ટમાં ત્રીજે માળ ગયા. સંજયે  ફાઈલ કાઉન્ટર પર જમા કરાવી.

મહેશભાઈને શરીરે પરસેવો વળી રહ્યો હતો એ જોઈ ચિંતાતુર સંજયે પૂછ્યું, “બહુ માથું દુખે છે આટલો પરસેવો કેમ વળે છે પપ્પા? શું થાય છે તમને ?”

“કંઈ ખાસ નહીં. હાથમાં થોડી ખાલી ચડી રહી હોય એવું લાગે છે. પણ એ તો કદાચ આ બેઠા રહ્યા એટલે હશે. ને આ એકવાર ચેકઅપ થઈ જાય પછી ડોક્ટર ચેક કરી લેશે એટલે વાંધો નહીં આવે. તું  ચિંતા ન કરીશ.” મહેશભાઈએ દીકરાને આશ્વાસન આપ્યું .

ત્યાં તો કાઉન્ટર પરથી “પેશન્ટ નંબર 11″ના નામની બૂમ પડી. સંજય કાઉન્ટર પર પહોંચ્યો. એક્સરેના 1600 અને સોનોગ્રાફીના 2500. કાઉન્ટર પરથી ટૂંકી સૂચના મળી.

સંજયને પણ હવે દલીલ વ્યર્થ લાગી. એ સિસ્ટમ સમજવા લાગ્યો હતો. એણે ચૂપચાપ 4100 જમા કરાવી દીધા.

“બહુ વાર નહીં લાગે ને? પપ્પાના હાથમાં ખાલી ચડી રહી છે. જલ્દી ડોક્ટર પાસે મોકલોને!”. સંજયે વિનંતી કરી.

“બસ, થોડીવારમાં જ બોલાવું છું.” યુવતીએ પૈસા ખાનામાં મૂકતાં જવાબ આપ્યો.

હવે મહેશભાઈને છાતીમાં ધીમુંધીમું દર્દ શરૂ થયું હતું. એમણે સંજયને કહ્યું પણ ખરું. સંજયે કાઉન્ટર પર જઈને જાણ પણ કરી. યુવતીએ કાઉન્ટર પરના લેન્ડલાઈન ફોન પરથી ક્યાંક ફોન કરી પેશન્ટને છાતીમાં દુ:ખી રહ્યું હોવાની જાણ કરી. પછી સંજયને બેસવા કહ્યું.

સંજય મહેશભાઈ પાસે જઈને બેઠો. ફુલ એસી રૂમમાં પણ મહેશભાઈ પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. સંજયે એમને ફરી પાણી પાયું અને પાસે પડેલું છાપું લઈ પંખો નાખવા લાગ્યો. ત્યાં કાઉન્ટર પરથી યુવતીએ બૂમ પાડી, “પેશન્ટ નંબર 11. એમને બાજુની કેબિનમાં લઈ જાવ. એક્સરે અને સોનોગ્રાફી સાથે કરી લેશે. આમ તો એવી સિસ્ટમ નથી પણ પેશન્ટની તબિયતને ધ્યાનમાં રાખીને કરી આપશે.” જાણે  હોસ્પિટલે ઉપકાર કર્યો.

સંજય પણ કંઈ જ બોલ્યા વગર મહેશભાઈને કેબિનમાં લઈ ગયો અને આશરે 20 મિનિટ બાદ બાપ દીકરો બન્ને કેબિનની બહાર આવ્યા.

યુવતીએ ફરી સંજયને કહ્યું ,”પેશન્ટને ચોથે માળ લઈ જાવ. બધા રિપોર્ટ આપોઆપ ડોક્ટર પાસે પહોંચી જશે.”

હોસ્પિટલના દરવાજેથી ચોથા માળ સુધી પહોંચતા બાપ દીકરાને બે કલાકથી વધુ સમય લાગ્યો હતો .

ચોથે માળ પહોંચીને જોયું તો બેસવાની જગ્યા ન મળે એટલી ભીડ હતી. સંજયે કાઉન્ટર પર ફાઇલ આપી કાઉન્ટર પરના આસિસ્ટન્ટે સંજયને બેસવા કહ્યું. સંજયે મહેશભાઈની સ્થિતિ વર્ણવી.

“પેશન્ટને બેસાડો. હમણાં ડોક્ટરને વાત કરું છું. જુઓ છો ને કેટલી બધી ભીડ છે? બધાંને ડોક્ટર પાસે જલ્દી જવું હોય છે પણ અમારે તો સિસ્ટમ મુજબ કામ કરવું પડે ને ભાઈ?” આસિસ્ટન્ટે પણ ફરી સિસ્ટમનો મહિમા સમજાવ્યો .

સંજયને આસિસ્ટન્ટને જોરદાર તમાચો ઝીંકવાનું મન થઈ આવ્યું પણ એણે ગુસ્સા પર કંટ્રોલ કર્યો. સંજય મહેશભાઈ પાસે પાછો ગયો અને એમની પાસે બેસી ગયો. એ પછી 15 મિનિટમાં બે વાર સંજય કાઉન્ટર પર મહેશભાઈ માટે કહેવા ગયો પણ બંને વાર, ‘હમણાં જ બોલાવે છે’ એમ જ જવાબ મળ્યો.

આ તરફ હવે મહેશભાઈને ગભરામણ થઈ રહી હતી. મહેશભાઈએ પોતાનો હાથ છાતીએ મૂકી કંઈક થઈ રહ્યું હોવાનો દર્શાવવાનો પ્રયાસ કર્યો. બોલવા ગયા પણ જીભ થોથવાય.

સંજયની બૂમ નીકળી ગઈ. “પપ્પા… પપ્પા ….શું થાય છે? અરે જુઓ, કોઈ મદદ કરો પ્લીઝ.”

ત્યાં તો મહેશભાઈ ખુરશીમાં ઢાળી પડ્યા. એમની આંખો પહોળી થવા માંડી. થોથવાતી જીભે સંજય બોલવાનો પ્રયાસ કર્યો પણ જીભ લોચા વાળી રહી હતી .મહેશભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી એમની આસપાસ બેઠેલાં લોકો એમની નજીક દોડી આવ્યા .

સંજયે જોરથી  ‘ડોક્ટર, ડોક્ટર…’ની બૂમ પાડી. “પપ્પા… પપ્પા…. હમણાં ડોક્ટર આવે જ છે. તમને કંઈ નહીં થાય પપ્પા, હિંમત રાખો પપ્પા.” સંજય મહેશભાઈને પકડીને હલબલાવી રહ્યો હતો.

આસપાસ વળેલા ટોળામાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો. કાઉન્ટર પરથી પેલો યુવક પણ દોડી આવ્યો હતો. એણે વોર્ડબોયને બૂમ પાડી “પેશન્ટ નંબર 11 માટે સ્ટ્રેચર લાવ. જલ્દી કર.”

વોર્ડબોય સ્ટ્રેચર લઈ આવ્યો. સંજય, આસિસ્ટન્ટ, વોર્ડબોય અને આસપાસના લોકોએ ભેગા થઈ મહેશભાઈને સ્ટ્રેચર પર સુવાડ્યા.

ત્યાં જમા થયેલાં ટોળાંમાંથી અવાજ આવ્યો, ‘પેશન્ટ મરી ગયો…’

સંજય સ્તબ્ધ થઈ ગયો. સંજય જોરજોરથી “પપ્પા…. પપ્પા…. પપ્પા… સાંભળો છો?” બૂમો પાડતો ગયો અને મહેશભાઈને  જોરજોરથી ઢંઢોળવા લાગ્યો .

“અરે! તું શું ઊભો છે? ડોક્ટરને બોલાવ. જલ્દી કર.” સંજયે આસિસ્ટન્ટને જોરથી ધક્કો પણ માર્યો.

હવે ચારે બાજુ ‘પેશન્ટ મરી ગયો …પેશન્ટ મરી ગયો…’ ની ચર્ચા થવા લાગી .

આસિસ્ટન્ટ દોડીને ડોક્ટરને બોલાવી લાવ્યો. ડોક્ટરે સ્ટ્રેચર પર સુવાડેલા મહેશભાઈને ચેક કર્યા. નાડી તપાસી. ધબકારા માપ્યા. થોડીવાર છાતી પર બે હાથ દબાવી પમ્પિંગ પણ કર્યું અને પછી ‘નો મોર ‘કહી સંજય સામે જોયું. સંજય ફસડાઈ પડ્યો.

“આમને આટલી બધી તકલીફ હતી તો એમને પહેલા અંદર કેમ ન મોકલ્યા? મને જાણ કેમ ન કરી? પેશન્ટ મરી ગયો ત્યાં સુધી પેશન્ટ મારા સુધી પહોંચ્યો જ નહીં!” ડોક્ટરે આસિસ્ટન્ટને ગુસ્સાથી કહ્યું .

આસિસ્ટન્ટે નીચી નજરે કહ્યું, “સાહેબ. આપણે ત્યાં આખી સિસ્ટમ કોમ્પ્યુટરમાં ફિટ થયેલી છે અને વચ્ચેથી પેશન્ટને ડોક્ટર પાસે મોકલવાનો કમાન્ડ સિસ્ટમ નથી લેતું સાહેબ!”

~ ગોપાલી બુચ
gopalibuch@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments

  1. એકદમ સોલીડ અને સટીક વર્ણન.