હિન્દ સિનેમા (વાર્તા) ~ મધુ રાય

કેશવ ઠાકરના ઘર પાસે હિન્દ સિનેમા છે. કેશવ ઠાકર અગાશીની પાળી ઉપર બેસીને હિન્દ સિનેમામાં ‘નાવ શોઇંગ’ ચાલતી સિનેમા ‘સુનહરે દિન’ની જાહેરાત જુએ છે. સુનહરે દિન જોવા તે હાથ લંબાવે છે, ને અચાનક તેના પગ અધ્ધર થઈ જાય છે. કેશવ ઠાકર અગાશીની પાળી ઉપરથી ઊથલી પડે છે. હવામાં અધ્ધર લટકતું તેનું શરીર હાથ હલાવી મરણિયા ફાંફાં મારે છે. અને સટાક તેની આંખ ખૂલે છે. તેના હાથ હજી આંચકા મારે છે.

ડોક્ટર સાહેબ, મને આમ ઇનવોલન્ટરી આંચકા આવે છે, ડોક્ટર સાહેબ. આમ સૂતો હોઉં, ને અચાનક આમ થાય. કેશવ ઠાકર આંચકા મારી બતાવે છે.

આહ, ડો. ઝવેરી ઊંચે જોયા વિના પોતાના નોટપેડ ઉપર લીટા કરે છે. સૂતા હોવ એટલે? ઊંઘ આવવામાં હોય ત્યારે?

હા, ઊંઘ આવવામાં હોય ત્યારે.

વ્હેન યુ આર ફોલિંગ અસ્લીપ.

યસ.

પેડ ઉપર સટસટ સટસટ લીટા.

કોઈ પ્રોબ––

લુક, મિસ્ટર ઠાકર, ડો. ઝવેરી અકળાઈને તેનું વાક્ય કાપે છે, તમે દુનિયાના સૌથી મોટા પહેલવાન નથી; પણ મરવા પડ્યા છો તેવુંયે નથી. મેડિકલ જર્નલ્સમાં આ બધું વેલ ડોક્યુમેન્ટેડ છે. ઊંઘ આવવાની હોય ત્યારે આપણું જાગ્રત મન ઢીલું પડે છે અને સપનું આવવામાં છે. ને સપનામાં જે થવાનું છે તેનું રિએક્શન શરીર પહેલાં આપી દે છે, ને સપનું પછી આવે છે. કેમકે સૂતેલા મગજમાં સમય સીધી લીટીમાં નથી આવતો.

વધુ લીટા.

એટલે આમ કોઈ… કોઈ માનસિક–– ઠાકર વાક્ય અધૂરું મૂકે છે. ‘રોગ’ શબ્દ બોલીએ ને રોગ થઈ જાય તો?

નો! તમે ગાંડા નથી થઈ જવાના. તમે એવરેજ નોર્મલ માણસ નથી; પણ રસ્તા વચ્ચે ઊભા ઊભા ટ્રાફિક સામે ખીખી કરો તેવા ગાંડાયે નથી. યુ–આર–ફાઇન.

એટલે આમ નથિંગ ટુ વરી એબાઉટ? યાહ?

યાહ, યાહ, યાહ. મગજમાં ભ્રાન્તિઓ થાય, ધરતીકંપ થાય છે, કે આગ લાગી છે, કે આપણે ગબડી પડ્યા છીએ ને મગજની જાણ વગર આપણા હાથપગ આંચકા મારે––

યાહ યાહ! પડી જવાનું, અગાશી ઉપરથી પડવાનું સપનું મને વારંવાર આવે છે.

ડો. ઝવેરી હવે ઊંચે જુએ છે.

તમે કહ્યું ને કે, ઠાકર… સહેજ મોટા સ્વરે કહે છે, એવું અગાશીમાંથી પડવાનું સપનું મને વારંવાર આવે છે. ને હાથના આંચકા મારીને હું જાગી જાઉં છું.

એકનું એક સપનું? વારંવાર આવે છે?

ડોક્ટરે ઊંચું જોયું તે કશીક જીત થઈ હોય તેમ ઠાકર કહે છે, યસ! વેરી ઓફન.

તે અગાશી કેવી છે? ડોક્ટર પૂછે છે.

ઈ મકાનમાં હું, બાબાપુજી અને ભાઈબહેનો એક નાના કમરામાં રહિયેં છિયેં. બાજુમાં મકાનમાલિક અને તેમનો ભત્રીજો નાનુ રિયે છે. છેટેના પરા શ્યામનગરમાં ઈ લોકોનાં બે સિનેમા થિયેટરો છે. ઈ લોકો ઘણીવાર મોટરમાં બેસીને યાં રહેવા જાતા હોય છે. બે દિવસ પછી પાછા આવે ત્યારે નાનુ પોતે ચાર ચાર સિનેમા જોયા તેવી વાત મને કરે છે, ને હું એકીટશે તેને જોયા કરું છું.

એકવાર નાનુએ કહેલું કે આ ગુરુવારે તનેયે લઈ જાશું.

હેં? જિગા છે?

હા રે હા. ફોંગરાઈને નાનુએ કહ્યું. ગુરુવારે હું ધોયેલાં કપડાં પહેરીને ઠેકાઠેક કરતો હતો. બા કિયે કે અટલીબધી વગદાઈ સારી નહીં. પણ મોટરમાં બેસવાના ને સિનેમા જોવાના સન્નામાં મને બાની શીખામણની સંભળાણીયે નહોતી. મોટર આવી, મકાનમાલિકના ઘરમાંથી એક એક કરીને ઈ લોકો બહાર નીકળ્યા, ઘરને તાળું માર્યું.

ગગા? મકાનમાલિકે મારે માથે હાથ ફેરવીને કહ્યું, કાં બહાર ઊભો છો, ગગા? નાનુએ મારી સામે જીભડો કાઢ્યો. ને ફટાક મને સમજાણું કે નાનુએ મારી મશ્કરી કરીતી. ઈ લોકો વહ્યા ગ્યા પછી હું રોયો’તો.

મફતિયા, સાલા કંગલા? પાછા આવીને નાનુ મને અગાશીમાં લઈ ગ્યો. સાલા મફતિયા, તારે મફતમાં મોટરમાં બેસવું છે? મફતિયો સિનેમા જોવો છે? તારા બાપની મોટર છે? તારા બાપનું થિયેટર છે? બોલ સોરી બોલ?

સોરી.

બોલ સાત વાર સોરી? કોઈ ના હોય તયેં નાનુ મને ધમકાવતો.

સાત વાર સોરી કહેવરાવતો. પણ સિનેમાની વાતું સાંભળવાની લાલચે હું ઈ બધું છાનોમાનો સાંખી લેતો. પછી ઈ વાતું જઈને પોરસથી મારા બીજા દોસ્તાર ધર્મેશને કહેતો.

નાનુએ મશ્કરી કરી’તી એની વાત બાએ મકાનમાલિકને કહી. તો મને એકલો પાડીને નાનુએ ચીટિયો ભરીને મારી પાસે સોરી કહેવરાવેલું. એવામાં એક દિ નાનુ તેના મોસાળે ગયેલો, ને ગાડીમાં જિગ્યા હતી એટલે પહેલીવાર મકાનમાલિક મને મોટરમાં બેસાડીને સિનેમા જોવા લઈ ગ્યા. ને મેંયે ચાર ચાર સિનેમા જોઈ. ગુરુવારે બે ઊતરે ઈ, ને શુક્રવારે બે નવી ચડે ઈ. નવી સિનેમા તો બેબે વાર જોઈ, ને એના ડાયલોગ મને કડકડાટ યાદ થઈ ગયેલા.

સાલા મફતિયા? નાનુએ પાછા આવીને મને દાદરા  નીચે ભીંત સરસો મૂકીને તતડાયવો. તને લઈ ગ્યા એટલે ડબલ ડબલ વાર જોવાની એમ? મફતિયા? ને હવે હુશિયારી મારે છે કે ડાયલોગ યાદ થઈ ગ્યા છે? બોલ, સોરી બોલ?

સોરી.

બોલ, કોઈ દિ નહીં કરું બોલ, સાલા કંગલા!

કોઈ દિ નહીં કરું.

બોલ સાત વાર સોરી?

સાત વાર કીધું એટલે ચીટિયો ભરીને નાનુએ મને જવા દીધો. આ કોઈને કહેવાની તાકાત નહોતી. કઉં ને નાનુ સિનેમાની વાતું કેવાનું બંધ કરી દિયે તો? મને વસમું લાગતું. હું હજાર વાર સોરી કહેતો ને નવા જોયેલા સિનેમાની વાત કરવા કરગરતો.

આને પાસ કહેવાય સમજ્યો, નાનુએ એકવાર મને ‘પાસ’ બતાવીને કહેલું. ઈ લોકોનાં થિયેટર હતાં એટલે ઈ લોકોને ‘પાસ’ મળતા ને ઈ બધા મફત સિનેમા જોવા જતા. આ જોયો? આ લઈને જાવ એટલે થિયેટરવાળો સવા રૂપિયાની ટિકિટ ન લિયે, ખાલી ચાર આનાનો ટેક્સ લિયે. પણ તારા જેવા મફતિયાને તો ઈયે ન પોસાય ને? પોસાય? બોલ પોસાય? હું ના પાડતો.

મારા દોસ્તાર ધર્મેશને પણ સિનેમાનો ભારી સન્નો હતો. મેં ધર્મેશને ઓલા જાદુઈ ‘પાસ’ની વાત કરી.

જા જા! તેણે કહ્યું, જા જા, હાલતીનો થા!

બાય ગોડ, યાર. મેં તેને સમજાવતાં કહ્યું. ખાલી એક કાગળનો કટકો હોય. કહીને નોટમાંથી એક ચબરખી જેવો કટકો ફાડીને બતાવ્યો. આમ ઉપર ઈ સિનેમાના ડિસ્ટ્રિબ્યુટરનું નામ છાયપું હોય. ને ટાઈપના અક્ષરમાં લઈખું હોય કે આ પાસ લાવનારને તમારા થિયેટરમાં લાગેલી અમારી સિનેમા બતાવશો તો આભારી થઈશું. બસ, ને નીચે સહી હોય. ને સિનેમા જોવા મળે. મફતમાં, બોલ! બહુ સમજાવટ પછી ધર્મેશે કહ્યું, દૈજોણ.

બાપા મને રોજ બે પૈસા વાપરવા આપતા. એમાંથી બચાવીને સવા રૂપિયો થાય ત્યારે હું એકલો સિનેમા જોઈ આવતો. એક જ વાર જોઈ હોય તોયે મને ડાયલોગ આવડી જાતા. કોકવાર રવિવારે મામા મળવા આવતા ને મને સિનેમા જોવા લઈ જતા. થિયેટર ઉપર ટિકિટ ન મળે તો મામા બ્લેકમાં ટિકિટ લઈને મને સિનેમા બતાવતા. પછી હું ઈ સિનેમાની વાત તે ધર્મેશને કરતો.

એકવાર ધર્મેશે દસ આનાની લાઇનમાં સિનેમા જોવાની વાત કરી. ઈ બધા મજૂરો, રિક્શાવાળા ને ગુંડાઓની સાથે તે લાઇનમાં ઊભા રહીને સિનેમા જોવાય કે નહીં તેની ચર્ચા કરતા. દૈજોણ, ધર્મેશ કહેતો, બાબાપુજી જોણે તો મારઅ. એકવાર બાબાપુજીને ખબર ન પડે તેમ અમે બેય દસ આનામાં સિનેમા જોઈ આયવા. પછી તો બેફામ દસ આનાની લાઇનમાં બેત્રણ નવી નવી સિનેમા જોઈ આયવાતા.

અને એકદિ હિન્દ સિનેમામાં સિનેમા લાગી, ‘સુનહરે દિન’. અમને ઈ જોવાનું બૌ મન હતું. બચતમાં સવા રૂપિયો હજી થિયો નહોતો. ને દસ આનાની લાઇનમાં રોજ મારામારી થતી. કેમ કંગલા? રોજ નાનુ મને ખિજવતો, કેમ કંગલા, જોઈ આયવો, સુનહરે દિન? સાલા મફતિયા, અમને તો પાસ મળ્યો છે, પાસ.

મને ખબર નહોતી પડતી કે ઈ સાચું બોલે છે કે બગલાવે છે. ઈ જોઈ આવે તો તેની પાસેથી સુનહરે દિનની વાત સાંભળવાની તાલાવેલી હતી. ભલે એને ડાયલોગ ખાસ યાદ નોતા રહેતા પણ ઈ વાર્તા કહેતો ને પછી એમાં મારા ડાયલોગ નાખીને હું ધર્મેશને કહેતો. આપણાથી નહીં જોવાય તો કાંઈ નહીં. નાનુ પાસમાં જોઈ આવે પછી હું તનેયે તેની વાર્તા કહીશ. જોઈ આયા?

ધર્મેશ રોજ પૂછતો, જોઈ આયા નાનુ લોકો?

એય કંગલા! એકદિ હું અગાશીમાં બેઠોતો ને નાનુ ભડાક કરતોક ઉપર આયવો. એય કંગલા! મફતિયા, તારે સુનહરે દિન જોવુંછ? હું કાંઈ બોયલા વગર ઊભો થઈ ગયો.

સાલા, બોલ, હા કે ના? હું તોયે ચૂપ રહ્યો. નાનુ કોને ખબર કેવી રમત કરતો હતો.

તો પડ ચૂલામાં, અમે તો શ્યામનગર જઈએ છીએ. અટલે અમે પાસ વાપરવાનાં નથી. તારે જાવું હોય આ રિયો પાસ. નહીં તો ફાડી નાખું છું.

શું? મેં પૂછ્યું.

શું શું? કંગલા, પાસ, પાસ. કહીને નાનુએ ખિસ્સામાંથી કાઢીને કાગળનો કટકો બતાયવો.
પાસ છે આ?

તો શું છે ઘાસ છે, મફતિયા? જા, તારા દોસ્તારનેયે લઈ જાજે.

મેં ફટાકથી કાગળ લઈ લીધો. એમાં છાપેલું કાંઈ નહોતું, હાથેથી લખેલું હતું, કે આ લાવનારને અમારી સુનહરે દિન ફિલ્મ બતાવવા વિનંતી છે. નીચે સહી પણ હતી. કિસનચંદ કેડિયા. આ તો હાથે લખેલો છે.

શું બોઈલો? ફરીથી બોલ તો? એટલે હું ખોટું બોલું છું, એમ? કહીને નાનુ હસી પયડો. ન જોવી હોય તો ઘેર જા, સાલા. કહીને નાનુ ફાડવા ગયો. હું તો ફાડી નાખીશ.

ના ના, મે કહ્યું. મારે જોવી છે, જોવી છે.

તો પહેલાં સોરી બોલ? કહે સોરી?

સોરી.

સાત વાર સોરી?

સાત વાર સોરી.

પાસ લઈને દોડતો હું ધર્મેશના ઘરે ગયેલો.

ઓત્તારી! ધર્મેશે રાડ પાડી. ત્રણથી છનો શો ચાલુ થઈ ગયો છે. છથી નવમાં જવાય, ધર્મેશે રાડ પાડીને કહ્યું. અમે બેય ચાર ચાર આના લઈને હિન્દ સિનેમા ઉપર ગયા. હજી ઘણી વાર હતી એટલે બાજુના ગોલતલા મેદાનમાં રમવા ગ્યા. પણ રમતમાં મૂળેય ચિત્ત નોતું. અટલે વારાફરતી પાસ જોવા લાગેલા. કિસનચંદ કેડિયા? ધર્મેશે પૂછ્યું.

હા, ડિસ્ટ્રીબ્યુટર હશે કિસનચંદ કેડિયા. એની સિગનેચર છે.

દૈજોણ. ધર્મેશે નીચલો હોઠ કાઢી ફરીથી પાસ હાથમાં લઈને જોયા કરેલું. દૈજોણ. સાડા પાંચે બેય હિન્દ સિનેમાની ‘બોક્સઓફિસ’ ઉપર ગયા. ક્યા હૈ? પાસ હૈ? બારીવાળાએ પાસ હાથમાં લીધો, પાસ હૈ?

હા. અમે  ડરતાં ડરતાં કહ્યું.

કહાંસે લાયા? બારીવાળો પાસ જોઈ રહ્યો.

કિસનચંદ કેડિયા સાહેબ દિયા. મેં રોવા જેવા થઈને કહ્યું.

ઠેહરો. બારીવાળાએ મેનેજરને બોલાવ્યો. મેનેજરે પાસ જોયો, પછી મારી તરફ અને પછી ધર્મેશ તરફ જોયું. મેનેજર મુસ્કુરાવા માંયડો.

પછી? ડોક્ટર ઝવેરીએ ઠાકરને પૂછ્યું. ચૂપ કેમ થઈ ગયા?

 

કોઈ ચમત્કારથી કેશવના શરીરનાં રુંવાડાં ખડાં થઈ ગયાં. તે એકદમ બોલવા લાગ્યો. પછી તો ડોક્ટર સાહેબ, શ્યામનગરથી પાછા આવીને નાનુ મને અગાશીમાં લઈ ગયો.

શ્યામનગરથી પાછા આવીને નાનુ મને અગાશીમાં લઈ ગ્યો. કાં કંગલા? મારી  સામે મશ્કરીથી હસતાં હસતાં નાનુએ પૂછ્યું, કાં કંગલા? જોઈ આવ્યો સુનહરે દિન?

મેં હરખથી હા પાડી. ને નાનુ મારી સામે જોઈ રહ્યો.

ઠેહરો. હિન્દ સિનેમાના બારીવાળાએ મેનેજરને બોલાવ્યો. મેનેજરે પાસ જોયો, પછી મારી તરફ અને પછી ધર્મેશ તરફ જોયું. મેનેજર મુસ્કુરાવા માંયડો.

યે કેડિયા કૌન હૈ, સાહબ? બારીવાળાએ મેનેજરને ધીમેથી પૂછ્યું.

ડિસ્ટ્રિબ્યુટર હૈ. મેનેજર અમારા તરફ જોઈ હસ્યો. બૈઠા દો, ઇન દોનોં કો.

બારીવાળાએ ચાર ચાર આના ટેક્સના લીધા ને બે કોમ્પ્લિમેન્ટરી ટિકિટો અમારા હાથમાં આપી. હું અને ધર્મેશ ઠેકડા મારતા મારતા થિયેટરમાં ગયા. અંદર જાહેર ખબરો ને ટ્રેલર આવ્યાં ત્યાં સુધી વાતું કરતા રહ્યા. તું માનતો નોતો પણ જોયું? મેં પોરસથી ધર્મેશને કહ્યું.

દૈજોણ, ધર્મેશે કહ્યું, આપણનઅ માનવામોં ન આવઅ.

ને સુનહરે દિન શરૂ થિયું તો ઇન્ટર સુધી કોઈ એકે અક્ષર બોલ્યું નહીં. ઇન્ટરવલમાં ડાયલોગ બોલતાં બોલતાં અમે બેબે પૈસાની મસાલામૂડી ખાધી. અને પછી ધી એન્ડ સુધી પાછા ધારીધારીને સિનેમા જોઈ. બહાર નીકળી ફરીથી સામસામા બાકીના ડાયલોગ બોલ્યા. ગાણાં ગાયાં ને બહુ મસ્તી કરી ને પછી પોતપોતાના ઘરે આવ્યા.

સાલા કંગલા? નાનુએ વકરીને ત્રાડ પાડી, સાલા કંગલા? ઈ તો બનાવટી પાસ હતો. મેં હાથેથી લખેલો.

અટલે? હું આંખું ફાડીને નાનુને જોવા લાગ્યો. ભાઈસાબ, આવી મશ્કરી?

સાલા કંગલા? નાનુએ જોસથી મારી ડોકી પકડી. તને ખબર છે બનાવટી પાસમાં સિનેમા જોવા જાવ તો પોલીસ જેલમાં પૂરી દિયે? ને તારા બાપે આવીને તને છોડાવવો પડે ને તારા બાપને જેલમાં નાખે? નાનુ રાડું પાડતો હતો. સટાક, મને થપ્પડ મારી દીધી. સાલા હરામી, કુત્તા, કંગલા, મફતિયા, ખોટા પાસમાં સિનેમા જોવી છે તારે? લાતું, ઢીક્કા, ધક્કા ને થપ્પડું મારીને મને ભોંયભેગો કરી દીધો. બોલ સોરી બોલ? સોરી બોલ?

ખડખડ હસીને મેં કહ્યું, સોરી, સાત વાર સોરી. કોઈદિ નહીં કરું. ખડખડ ખડખડ.

કેમ હસો છો? ડોક્ટર ઝવેરીએ અકળાઈને પૂછ્યું.

ડોક્ટર સાહેબ, મને બહુ હસવું આવતું હતું. પોતાની મશ્કરી નિષ્ફળ ગઈ તેનો ગુસ્સો નાનુ રોકી શકતો નહોતો. ધ જોક વોઝ ઓન હિમ, ડોક્ટર! તેની લાતો મને શાબાશીના ઈનામ જેવી મીઠી લાગતી હતી.

લુક, ડોક્ટરે ઠાકરને કહ્યુ. ઊંઘમાં જે તમારા હાથ હાલે છે, તે આંચકા નથી, મિસ્ટર ઠાકર. તમે ઊંઘમાં તાળીઓ પાડો છો.

~ મધુ રાય

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.