તમે પણ ફરવા આવ્યા છો? ~ લેખ ~ અનિલ ચાવડા
અંગ્રેજી કવિ Francis Quarlesએ કહેલું,
મારા માટે આ દુનિયા વિસામો આપતી એક ધર્મશાળા છે, હું અહીં મહેમાન તરીકે આવ્યો છું. ખાઉં છું, પીઉં છું, હરું છું, ફરું છું. પ્રકૃતિ મારી આગતાસ્ગવાતા કરે છે.
એ મારી સારી કે ખરાબ ટેવોનું નિરીક્ષણ નથી કરતી. મારી નિંદા પણ નથી કરતી. મને ક્યારેય બિનજરૂરી સલાહ પણ નથી આપતી. તે મને જરા પણ ધિક્કારતી નથી. હું જેવો છું, તેવો મને સ્વીકારે છે. હું એના ખોળામાં નિરાંતે પોઢી શકું છું. જગતની મહેમાનગતિ માણવા આવ્યો છું માણીને ચાલ્યો જઈશ.
વિશ્વને જોવાની દરેકની આગવી દૃષ્ટિ હોય છે. ઘણાની જિંદગી ઘરથી ઓફિસ સુધીના સર્કલમાં જ પતી જાય છે. બેફામ સાહેબે લખ્યું છેને-
બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
આટલો જ આપણો પ્રવાસ છે. જનમવું, ઉછરવું, મોટા થવું અને અંતે કબરમાં પોઢી જવું. પણ જન્મવું અને મરવું-ની વચ્ચે શું કરવું એ ખૂબ મહત્ત્વનું છે.
કોઈ માટે જિંદગી પ્રવાસ છે, કોઈ માટે રઝળપાટ, તો કોઈની માટે નકામો ધક્કો…
પરિવારનો એક મોભી ઘરથી ઓફિસ સુધી ઘાણીના બળદની જેમ ફરતો રહીને પોતાની જિંદગી આખી ખર્ચી નાખે છે.
કેમ? શું તેને આ એકનું એક કામ કરવાની મજા આવતી હશે? એવા કેટલા હશે કે જેમને પોતાના એકધારા કામમાં મજા આવતી હોય? રોજ બધાના ઘરની આગળ સાફસફાઈ કરતા માણસ રાજી હશે એના કામથી?
બેલની ઘંંટડી વાગે એટલે તરત હાજર થઈ જતો સલામ ભરતો પટાવાળો ખુશ હશે તેના દૈનિક કાર્યથી? ઓફિસમાં બેસીને તમામ કર્મચારીઓને રોફથી હુકમો આપતો સાહેબ રાજી હશે એકના એક કામમાં? ચાની લારી પર કામ કરનો ટેણી ખુશ હશે તેના જીવનથી? એ સંભવ જ નથી.
ગમે તેટલી સારી જિંદગી હોય, પણ એકધારાપણું માણસને અંદરથી ખાઈ જાય છે. આવી એકધારી જિંદગી સારી હોય તોય તેને સારી કેવી રીતે કહેવી? એટલા માટે જ માણસ રજાના સમયે પોતાના ગમતા કામમાં સમય ગાળવાનું પસંદ કરે છે.
જિંદગી પૈસા કમાવામાં, પરિવાર ચલાવવામાં, મોભો અને મર્તબો સાચવવામાં ખપી જાય છે. આને કેવું લાગશે ને પેલો શું કહેશેના વિચારોમાં ગમતી પ્રવૃત્તિઓનું ભરતગૂંથણ થઈ નથી શકતું. પરિણામે જિંદગી પ્રવાસ કે યાત્રા નથી બનતી, તે માત્ર રઝળપાટ બની રહે છે. પછી તે ગલીઓમાં રખડતા સામાન્ય લોકો હોય કે ઘરથી ઓફિસ સુધી રોજ અવરજવર કરતો સાહેબ.
જ્યારે નાના નાના કામમાં પણ આનંદ અને ઉમંગનું અજવાળું પેટાવવાની શરૂઆત કરીએ ત્યારે આપોઆપ રઝળપાટ પ્રવાસ બનવા લાગે છે.
પોતાના ઘરે ગમે તેવું સોગિયું મોઢું લઈને રહેતો માણસ ક્યાંક મહેમાનગતિએ જાય તો આપોઆપ હસતું મોઢું રાખવા પ્રયત્ન કરે છે.
આપણે મહેમાનગતિએ આવ્યા છીએ, તો મજા કરીએ. કડવાશ તો ડગલે ને પગલે મળવાની જ છે, તેને જીરવી જઈને જલસામાં પરિવર્તિત કરવાની કળા શીખી જઈએ તો આ પ્રવાસ યાત્રા બની જશે.
મકરંદ દવેએ કહેલું, પગથી થાય તે પ્રવાસ અને હૃદયથી થાય તે યાત્રા. રમેશ પારેખે લખેલું,
કાલે આવ્યા ને આજ ચાલ્યા,
કે અમે છીએ મહેમાન છીએ એટલે…
જિંદગીમાં ઉદ્દેશ્ય હોવો જોઈએ, સફળ થવું ખૂબ જરૂરી છે. લક્ષ્ય વિના જિંદગી નકામી. આવી બધી વાતો તેની જગ્યાએ બરોબર છે. પણ ઘણી વાર ઉદ્દેશ્યની અતિશયોક્તિ પગમાં સાંકળની જેમ બંધાઈ જતી હોય છે. તેમાં ને તેમાં જીવવાનું રહી જાય છે.
સફળતાની પાછળ આંધળી દોટમાં જ્યાં ત્યાં ભાગતા રહીએ છીએ. અને ઊભા રહીને મજા માણવાની મોસમ વીતી જાય છે. લક્ષ્યની લાહ્યમાં આનંદની અગરબત્તી ઓલવાઈ જાય છે.
બધા માણસો સુખી થવા માગતા હોય છે. પણ કઈ રીતે સુખી થવું એનો જવાબ કોઈની પાસે નથી. કેમ કે દરેકનું સુખ અલગ હોય છે.
આપણે બધા જ એક રીતે પ્રવાસી છીએ. તમારે તમારી મુસાફરીને યાત્રામાં ફેરવવી છે, રઝળપાટ બનાવવી છે કે ધક્કો, એ તો તમારે જ નક્કી કરવાનું.
નિરંજન ભગતની આ અદભુત કવિતાથી વિરમીએ.
હું તો બસ ફરવા આવ્યો છું…
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
-રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું…
હું તો બસ ફરવા આવ્યો છું…
***