“મારા ગમતા મિત્રોની ઓળખાણ” ~ ગિની માલવિયા ~ પૂ. મોરારિબાપુઃ લેખક અને તસવીરઃ સંજય વૈદ્ય

આજનું પુસ્તક પૂજનીય વ્યક્તિગાથાની સરવાણી જેવું પૂજ્ય બાપુ વિષે. પૂજ્ય મોરારિ બાપુ. આ નામ કાને પડતાં જ એક શાંત, સૌમ્ય ચહેરો માનસપટલ પર પ્રગટે.

સંજયભાઈનાં ‘બાપુ’ પુસ્તકનું આવરણ શ્યામલ રંગી છે.’ માનસ મર્મજ્ઞ’ સબટાઈટલ છે, જે યથોચિત છે. બાપુની મુખમુદ્રા સાથે યાદ આવતા પરિવેશમાં સંકયાળેલી કાળી કામળીનો રંગ.  ૪”૪નાં ૧૬ ખાનાંમાં બાપુની ભાવવહી મુદ્રાની બોલતી તસવીરો છે.

વ્યાસપીઠ પરથી વહેતી રામકથા અને હનુમાનભક્તિની બાપુની વાણી અહીં છે પુસ્તકમાં થોડી ઘણી. કવરપેજ ઉઘાડતાં જ સંસ્કૃતમાં રામ નામ લખેલા મંત્રોચ્ચારનાં ઉપવસ્ત્રની તસવીર મન મોહી લે છે. ભક્તિનો કેસરિયો રંગ આખા ય પાનાંમાં છલકે છે. પાનાંને અંતે ઘેરા મરુન રંગમાં લખાયેલું જય સીયારામ ફોકલ પોઈન્ટ છે,

ધ્યાન કેન્દ્રિત કરવા ના હોય બસ એમ જ!

દરેક લેખક મોટે ભાગે આવું કોઈ પુણ્યશ્લોક્સંતનું  પુસ્તક પોતાનાં માતા પિતાને અર્પણ કરે છે. પૂજનીય બાપુનું આ પુસ્તક લેખક સંજયભાઈએ પણ પોતાનાં માતા પિતાને જ અર્પણ કર્યું છે.

સંજયભાઈનાં સદનસીબે બાપુ સાથેની પહેલી મુલાકાત જ જિંદગીભરની ગુરુચાવી પ્રાપ્ત કર્યા જેવી મધુરી હતી. આ ગુરુચાવીનાં પગલે પગલે બાપુનાં આશીર્વાદ વરસતાં રહ્યાં સતત સતત….અને એટલે જ બાપુની ભાવનગરથી લઈ જગન્નાથપુરી સુધીનાં પ્રવાસનું સાંનિધ્ય મળતું રહ્યું, પ્રસાદની જેમ જ. અને આ આચમની સંજયભાઈ એકલાં જ ગ્રાહ્ય કરે એ તો શક્ય જ નથી. એટલે જ દર પ્રવાસમાં તસવીરોમાં સચવાયેલી આ પળો આપણને આ પુસ્તક રૂપે મળી છે.

અંકિત ત્રિવેદીનાં શબ્દો પણ બાપુ અને પુસ્તક માટે ઉચિત અને મનને ગમે એવાં. અંકિતભાઈ કહે છે: આઈએ, મોરારિ બાપુકો મિલે.. ઉનસે દૂરી ક્યા રખની…!

અને સાચે જ પુસ્તકમાંથી પસાર થતાં સુધીમાં પૂજ્યભાવ વધુ નજીક આવી જાય છે.

શબ્દોનાં સ્વામી સુરેશ દલાલ પણ કહે છે, કે અહીં તસવીરમાં કેદ બાપુનો ચહેરો એમનાં મૌનને પણ મુખરિત કરે છે. પણ, સંજય ભાઈની તસવીરમાં કોઈ કેદ નથી, દરેક ચહેરા આઝાદ છે, પોતાની આગવી ભાવ અભિવ્યક્તિ સહિત.

પુસ્તકમાં ક્યાંય ભારઝલ્લો ઉપદેશ નથી. છે તો માત્ર વ્યાસપીઠ પરથી વહેતી જીવન જીવવાનાં બોધ જેવી રત્નકણિકાઓ. બાપુની સાત્વિકતા અને પાને-પાને પ્રગટતા સ્તુતિ અને મંત્રોચ્ચાર મનને ભાવવિભોર કરી નાખે છે. બાપુનું ‘સ્વીટ ઈન્ડિયા’ સૂત્ર એવું મીઠું છે કે થાય છે કે હજી કોઈ પોલિટીકલ પાર્ટીની નજરે કેમ નથી ચડ્યું?

વડીલો, ગુરુજનો અને સંન્યાસીનાં ચરણસ્પર્શ સુખાકારી હોય છે. પુસ્તકનાં અંતે ચાખડી પર ટેકવાયેલા બાપુનાં ચરણકમળને જોઈને મસ્તક મનોમન ઝૂકી જાય છે. અને સંજયભાઈ માટે અઢળક અહોભાવ કે જેમણે આ પુસ્તક થકી આપણને બાપુ સુધી પહોંચાડ્યા.

તમે જ કહો, આ પૂજ્યભાવ સુધી પહોંચવાનું મન થયું ને તમને સૌને?

***

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. પુસ્તક ની કિંમત તથા પ્રાપ્તિ નુ સ્થાન ની વિગત પણ આપો