હરિ તને શું સ્મરીએ (લેખ) ~ અમી ભાયાણી
યુગો યુગોથી માનવજાતે ઈશ્વરને વિવિધ નામો આપી એની ફરતે એટલાં બધાં રહસ્યનાં જાળા ગુંથી દીધા છે કે જેટલાં મનુષ્ય એટલાં ઈશ્વર એવો ઘાટ સર્જાયો છે.
આજ સુધી કોઈએ ઈશ્વરને જોયો નથી. હા, કેટલાંય સંત મહાત્માઓએ એને અનુભવ્યો જરૂર છે. જે કોઈએ એને અનુભવ્યો છે એ દરેકનું કહેવું છે કે એ વર્ણનાતીત છે.
असित-गिरि-समं स्यात् कज्जलं सिन्धु – पात्रे।
सुर-तरुवर-शाखा लेखनी पत्रमुर्वी॥
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं।
तदपि तव गुणानामीश पारं न याति ॥
એટલેકે વિદ્યાની દેવી સાક્ષાત સરસ્વતી અનંત કાળથી એનું વર્ણન કરી રહી છે છતાંય એનાં ગુણોનો પાર નથી આવતો, તો પછી કોઈ માનવીની શી વિસાત કે એના ગુણોનું વર્ણન કરી શકે!
આવા વર્ણનાતીત, ગુણાતીત, કરુણાના સાગર એવા ઈશ્વરની કૃપા અનુભવવાને બદલે ધર્મભિરુ વ્યક્તિ એનાથી કેમ ડરે છે?
કેટલાંય કહેવાતા ધર્મગુરુઓ એના ભકતગણને ઈશ્વર વિશેની સાચી સમજણ આપવાને બદલે ભગવાનથી ડરીને રહેવાનો બોધ આપે છે. લોકો પણ ક્યારેક એના પ્રકોપના ભયથી દુષ્કર્મો આચરવાથી બચે છે.
માણસ ઈશ્વરને જોઈ શકતો નથી તેથી પોતાની કલ્પનામાં એ એને પોતાના જેવો જ ચીતરી એને મૂર્ત સ્વરૂપ આપે છે. ક્યારેક વધુ શક્તિશાળી બતાવવા માટે બેના બદલે ચાર હાથવાળો દર્શાવે છે.
દુનિયા આખીના સર્જનહારે સર્જેલા સુંદર ફૂલો, એના જ ચરણે અર્પણ કરે છે. આખાય વિશ્વનું સંચાલન કરનાર, દરરોજ સૂર્યનાં કિરણોથી અખીય પૃથ્વીને અજવાળનાર ઈશ્વરને સવારનાં પહોરમાં પ્રભાતિયાં ગાઈને જગાડે છે. એને સ્નાન કરાવી, સુંદર વસ્ત્રોમાં સજાવી ભોજન કરાવે છે. પછી રાત્રે હાલરડાં ગાઈને હીંચકે ઝૂલાવી પોઢાડી દે છે.
આ ભક્તિમાર્ગનો એક પ્રકાર છે. અને આમ કરવામાં કંઈ જ ખોટું નથી. ઉપર કહ્યું તેમ, દરેકનો પોતાનો એક ઈશ્વર હોય છે.
મારો ઈશ્વર આમાંની કોઈ પણ વ્યાખ્યામાં બંધ નથી બેસતો. મારો ઈશ્વર કોઈ ભય પામાડનાર સત્તા નથી. એ તો છે સતત પ્રેમ અને કરુણા વરસાવનાર એક દિવ્ય શક્તિ. સમસ્ત વિશ્વ અને અગણિત બ્રહ્માંડોનું સંચાલન કરનાર એક અલૌકિક ઊર્જાનો સ્રોત.
આ પરમાત્માનો અંશ આપણા દરેકની અંદર છે. અનેક જન્મો દરમિયાન આપણી અંદર રહેલ આ જ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી વાદળો પાછળ ઢંકાઈ ગયો છે. આપણે સદંતર ભૂલી ગયા છીએ કે આપણે ઈશ્વરનાં જ એક અંશ છીએ. જે આપણી અંદર બિરાજમાન છે, એને બહાર શોધવા માટે આપણે સતત ફાંફાં મારીએ છીએ.
આપણામાં રહેલા ઈશ્વરીય ગુણોને માંજીને ઉજળા કરવાને બદલે, નિર્ગુણ, નિરાકાર, અનંત ઈશ્વરને આપણે આપણા જેવો, થોડાંક ગુણો અને થોડાંક દુર્ગુણો ધરાવનાર એક મર્યાદિત અસ્તિત્વ માની પૂજીએ છીએ.
એવો ઈશ્વર, જેની સ્તુતિ કરીએ તો આપણી જેમ રીઝાઈ જાય અને એની કૃપા દૃષ્ટિ આપણી પર વરસાવે અને એને યાદ ન કરીએ, એની સ્તુતિ ન કરીએ, કોઈ ખોટું કામ કરીએ તો એ ક્રોધાયમાન થઈ આપણી પર એનો પ્રકોપ ઉતારે.
त्वमेव माता च पिता त्वमेव,
त्वमेव बंधुश्च सखा त्वमेव
त्वमेव विद्या द्रविड़म त्वमेव,
त्वमेव सर्वम् मम् देव देव,
આ શ્લોક કંઠસ્થ કરી આપણે રોજ પોપટની જેમ બોલી જઈએ છીએ. એનો શાબ્દિક અર્થ પણ કદાચ આપણને ખબર હોય. પરંતુ, શું આપણે ક્યારેય ખરા અર્થમાં એમાં જે કહ્યું છે એને ઊંડાણમાં સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો?
એક તરફ આપણે ઈશ્વરને આપણા માતા, પિતા, બંધુ અને પરમ પ્રિય સખા કહીએ છીએ અને બીજી તરફ આપણા જીવનનાં દુઃખોનું કારણ પણ એને જ માનીએ છીએ.
આપણા પાર્થિવ માતા-પિતા પણ શું આપણા માટે ક્યારેય કંઈ ખરાબ ઈચ્છે? આપણે કોઈ ભૂલ કરીએ તો પહેલાં તો ખૂબ પ્રેમથી એ ભૂલ ફરી ન કરવા માટે સમજાવે છે. પણ, એ જ ભૂલનું વારંવાર પુનરાવર્તન કરીએ તો આપણી પર ક્યારેક ગુસ્સે થઈ આકરી સજા પણ કરે છે. એ પણ એટલા માટે કે એ ભૂલના ભયંકર પરિણામો ભોગવવા કરતાં આ સજાનું દુઃખ ઘણું ઓછું હોય છે.
તો શું આપણા આ મા-બાપ કરતાં અનેકગણો પ્રેમ કરનાર, આપણી પર સતત વ્હાલ વારસાવનાર, સર્વવ્યાપી, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન એવા પરમપિતા પરમેશ્વર આપણને સજા કરી શકે કે દુઃખ આપી શકે? એનો વાત્સલ્યભર્યો ઝીણો અવાજ આપણને સતત કંઈક કહેતો હોય છે, આપણું માર્ગદર્શન કરતો હોય છે.
કોઈ પણ કામ કરતાં પહેલાં આપણને ખબર હોય છે કે એ સાચું છે કે ખોટું! પરંતુ, આપણા પોતાના જ વિચારોના કોલાહલમાં અને દુન્યવી ઘોંઘાટમાં એનો મક્કમ, સ્થિર છતાંય ખૂબ ધીમો અવાજ ક્યાંક ખોવાઈ જાય છે.
આ અંતરના અવાજને અનુસરવાને બદલે આપણે દુનિયામાં જે વ્યવહારિક રીત સ્વીકાર્ય હોય તે પ્રમાણે વરતીએ છીએ. અને ક્યારેક એનાં દુષ્પરિણામો ભોગવવા પડે તો આત્મચિંતન કરવાને બદલે ઈશ્વરની ઈચ્છા અથવા તો ગયા જનમના કર્મોના ફળ માની એને મને-કમને સ્વીકારી લઈએ છીએ.
પરમપિતા ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં વચન આપ્યું છે:
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक।
साधुरेव स मन्तव्यः सम्यग्ववसितो हि सः।।
અર્થાત્, અતિ દુરાચારી વ્યક્તિ પણ જો પ્રેમ અને ભક્તિભાવથી મને ભજશે તો એ મારા માટે સાધુ સમાન છે, એટલે કે, એના બધાં જ પાપો માફ થઈ જશે. એનો અર્થ એવો નથી કે સવારે મંદિરમાં જઈ ભગવાનની પૂજા કરવી અને દિવસ આખો દુષ્કૃત્યો કરવા.
અહીં ભગવાન કહેવા માંગે છે કે, કોઈ પાપી વ્યક્તિને જો પોતાના પાપકર્મોનો અહેસાસ થાય અને તે એનું પ્રાયશ્ચિત કરી ફરી ક્યારેય એવાં કર્યો ન કરવાનો નિશ્ચય કરી એને નિભાવે તો એના ફળમાંથી એને મુક્તિ મળે છે.
ઈશ્વર તો છે સત્, ચિત, આનંદ સ્વરૂપ, પ્રેમ અને કરુણાનો સાગર! આપણે બધાં એના સંતાનો છીએ તેથી આપણામાં પણ આ સદગુણો હોય જ.
કામ, ક્રોધ, લોભ, મત્સર જેવા અનેક દુર્ગુણો રૂપી અવરોધોને કારણે આ સ્રોતનું ઉદ્ગમસ્થાન પુરાઇ જાય છે અને આ ઝરણું સાવ પાતળી, ઝીણી ધારમાં પરિવર્તિત થઈ જાય છે. જરૂર છે આ અવરોધોને દૂર કરી એ ઝરણાની સરવાણી અવિરતપણે વહેતી રાખવાની, જે સતત અભ્યાસ અને સ્વાધ્યાય થકી શક્ય બની શકે.
આપણા જેવા સામાન્ય માનવીઓ અને સંત મહાત્માઓ વચ્ચે એ જ ફરક છે. જે પ્રતીતિ આપણને ક્યારેક, ક્ષણાર્ધ માટે થાય છે એ આનંદની અનુભૂતિ તેઓ સતત અનુભવે છે. ચૈતન્ય સાથે તેમનો સંબંધ અતૂટ હોય છે.
બુદ્ધ, મહાવીર, ક્રાઇસ્ટ, શંકરાચાર્ય જેવા સંતોમાં, પોતાનો તાર એ ચૈતન્ય સાથે જોડાયેલો છે એ સ્મૃતિ કાયમ છે. જ્યારે આપણે એ સત્ય વિસરી ગયાં છીએ.
આ સંતોનાં હૃદય એટલાં તો નિર્મળ છે કે તેમની હાજરીમાં માણસ ખૂબ જ શાંતિ અનુભવે છે. દુન્યવી માયાજાળને વિસારે પાડી, થોડોક સમય પોતાના દુઃખને ભૂલી ઈશ્વરમય થઈ જાય છે.
એવું નથી કે આ મહાપુરુષો આપણા પર કોઈ ભૂરકી છાંટે છે કે જાદુની છડી ફેરવે છે. માત્ર, તેમના સ્વચ્છ, ચમકતા અરીસા જેવા અસ્તિત્વ દ્વારા જે સત્ય છે એ પ્રતિબિંબિત થાય છે. જેમ કે, સમાજમાં આતંક મચાવનાર, લોકોને લૂંટીને એમના ખૂન કરનાર વાલિયા લૂંટારામાં મહર્ષિ નારદને વાલ્મીકિ ઋષિ દેખાયા. એમણે એનું વાલિયામાંથી વાલ્મીકિમાં રૂપાંતર નહોતું કર્યું , પરંતુ એમનામાં રહેલા જ્ઞાનનાં પ્રકાશમાં, વાલિયો એક લૂંટારો નહીં, પરંતુ એક પવિત્ર આત્મા છે એ સત્યનું પ્રકટીકરણ થયું.
મહાસાગરમાં ઉઠતાં અને એ જ સાગરમાં વિલીન થઈ જતાં મોજાઓનાં, સાગરથી અલગ એવાં પોતાનાં કોઈ જ ગુણધર્મો નથી કે પોતાનું અલગ અસ્તિત્વ પણ નથી. એ જ રીતે ઈશ્વરનાં ગુણોથી જુદા એવાં કોઈ જ ગુણો આપણામાં નથી અને નથી એનાથી જુદું આપણું કોઈ અસ્તિત્વ!
દરેક માનવીના જીવનનું અંતિમ ધ્યેય પોતાનામાં રહેલા ઈશ્વરીય ગુણોને માંજીને ઉજળા કરી છેવટે ઈશ્વર જેવા થઈ એનામાં ભળી જવું, એ જ હોવું જોઈએ. અને ઈશ્વરને માણસ જેવો બનાવવાને બદલે માણસે એના જેવાં થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
~ અમી ભાયાણી
Ami Bhayani <amisalil@gmail.com>
ખૂબ સુંદર લેખ, અભિનંદન મિત્ર.