પ્રકરણ: ૨૫ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

‘એ સહેલું તો નથી પણ મારો કૉલ છે કે વગર બોલાવ્યો નહીં આવું.’

‘એ પૂરતું છે. આભાર. બોલો, શું લેશો?’

‘લેવી તો હતી આખી તને, પણ —’

‘સાચું કહું તો સરપંચ, મલૂકચંદ કરતાં હું તમને વધુ પસંદ કરું, પણ —’ શારદા કદાચ કહેવા ખાતર કહી રહી હતી. પણ એની સાથે જ સરપંચનાં ફેફસાંમાં ભીના વાતની સુગંધ છવાઈ ગઈ. સિગારેટ ફેંકીને એણે શારદાને ખોળામાં લઈ લીધી.

‘આજે છેલવેલ્લી વારનું વહાલ કરી લેવા દે. પછી ભલે ને રસ્તામાં એક્સીડંટ થાય ને મરી જાઉં!’

શારદાએ સરપંચના મોં પર હાથ મૂક્યો.

‘બસ, તરી ગયો આજે તો હું.’ — શારદાના હાથની ભીંસ વધી એ પહેલાં સરપંચની આંખો ભીની થઈ ગઈ હતી.

મૂરત જોવાયું, કૉલ-કરાર થયા એ બધામાં લલ્લુભાઈએ આગળ પડતો ભાગ ભજવ્યો.

લગ્નપ્રસંગે સરપંચ ખેમરાજે મોટાઈ દાખવી. મલૂકચંદને મોટો ચાંલ્લો કરાવ્યો અને શારદાને સોનાનો દોરો ભેટ આપ્યો. બધાએ વાહ વાહ કરી. એમનો ભૂતકાળ જાણનારે પણ કહ્યું: સરપંચે સંબંધ નિભાવી જાણ્યો!

મલૂકચંદ અને શારદાને લલ્લુભાઈએ જમવા બોલાવ્યાં હતાં. એ સાંજે લલિતા અને એનાથી નાની બહેન બંનેની સગાઈ પાકી થઈ ગઈ.

બંને મુરતિયા મલૂકચંદની શેહ ધરાવતાં કુટુંબોના હતા. એમણે જ કામધંધે વળગાડેલા હતા. ડૉકટર કે ઈજનેર શરૂઆતમાં કમાય એથી વધુ આવક ધરાવતા હતા.

લલ્લુભાઈની બધી દલીલો લલિતાના ગળે ઊતરી ચૂકી હતી. લાવણ્ય આધ્યાત્મિક અર્થમાં બધું સાક્ષીભાવે જોતી હતી. જ્યારે લલિતાને થયું કે મારો પ્રશ્ન ઊકલી ગયો એથી દીદીને સંતોષ છે. એમને વાંધો હોય તો કહ્યા વિના રહે ખરાં? એણે એક રમકડું બનાવવા માંડ્યું છે.

ગામડામાં અગાઉ લગ્ન માટે ખાસ સજાવેલા બળદગાડાને વેલ કહેતા. લલિતાએ ગાડાને, બળદોને,એમને હંકારી રહેલ ગાડાવાળાને સોળ શણગારે સજાવ્યા હતા. રંગપૂરણીએ આભૂષણોની ગરજ સારી હતી. પૂરા પંદર દિવસ કામ કર્યું. બે-ત્રણ દિવસ બધાને બતાવ્યા કર્યું અને પછી જ દીદીને ભેટ આપવા આવી.

‘જે ભેટ મારે તને આપવા જેવી હતી એ તું મારે માટે લઈ આવી!’ લાવણ્યને ‘વેલ’ ખૂબ ગમી હતી. પોતે અમદાવાદ જશે ત્યારે લલિતા માટે ચાંદીનો રથ લેતી આવશે.

એ નીકળે એ પહેલાં જ સિંઘસાહેબનો પત્ર આવ્યો. ‘સ્કોલરશીપ માટેની સમિતિએ તમારા નામની ભલામણ કરી છે. બધી ઔપચારિકતાઓ પૂરી થઈ જાય ત્યાં સુધી રાહ જોવી હોય તો જુઓ, રાજીનામું આપવાની શી ઉતાવળ છે?’

લાવણ્યને ઉતાવળ હતી. આ પત્ર આધાર બની ગયો. એનું મન રાજીનામું આપી દેવાની દિશામાં જ વિચારવા લાગ્યું. રાજીનામામાં સમય તો આપવો જ પડશે. તો યુનિવર્સિટીનો પત્ર આવે ત્યાં સુધી શા માટે રાહ જોઈને બેસી રહેવું?

શિક્ષણખાતાના ઉપરી અધિકારીને મળતાં પહેલાં એ સિંઘસાહેબની સલાહ મુજબ યુનિવર્સિટીના કાર્યાલયમાં ગઈ. તપાસ કરી. જાણવા મળ્યું કે કાર્યવાહી આગળ વધી રહી છે. પ્રો. શ્રીવાસ્તવ પણ ત્યાં આવા કશાક કામે આવેલા હતા. એમણે વિગત જાણતાંની સાથે જ કહ્યું: તમારી અરજી હોય પછી સ્કોલરશીપ બીજા કોઈને ક્યાંથી મળે? સિંઘસાહેબની ભલામણ એટલે મુદ્રાલેખ! અભિનંદન!

લાવણ્યને એ ક્ષણે શ્રીવાસ્તવના અવાજમાં કશી વક્રતા નહોતી લાગી. તેથી એણે શુભેચ્છાઓ સ્વીકારવાની રીતે નિખાલસતાથી બધી વાત કરી. અત્યારે એને જે પગાર મળે છે એના પ્રમાણમાં સ્કોલરશીપની રકમ અડધી પણ નથી. છતાં પોતે જોખમ ખેડવામાં માને છે. સિંઘસાહેબ જેવા વિદ્વાન અધ્યાપકનું માર્ગદર્શન છે અને પોતાને હવે વિષયમાં બરાબર રસ પડ્યો છે.

લાવણ્યે જે કંઈ કહ્યું એ બધાને અનુમોદન આપતાં પ્રો. શ્રીવાસ્તવે એનાં વખાણ પણ કર્યાં. તમારી વિદ્યાપ્રીતિ અનન્ય છે. બાકી, પીએચ. ડી. માટે કોણ આવી મોભાદાર નોકરી છોડે? તમારી જગાએ હું હોઉં તો સપનામાંય આવું સાહસ ન કરું.

અમારી બાજુ તો બધા પીએચ. ડી. એટલા માટે કરતા હોય છે કે નોકરી મળે. જ્યારે તમે પીએચ.ડી માટે નોકરી છોડો છો! વળી, તમારી પાસે તો પગાર સાથે સત્તા પણ ખરી. ભેટ-સોગાદ પણ મળ્યા કરે. તમારા જેવાં ન લે એ વાત જુદી છે!

લાવણ્ય એમનો આભાર માનીને, પણ એમના ઉદ્ગારોનો મર્મ પામ્યા વિના, રાજીનામું આપી દેવાના નિર્ણય સાથે જ કાર્યાલય બહાર નીકળી. સીધી બસસ્ટેન્ડ ગઈ. ઈડર જઈને કાર્યવાહી પતાવી. સામાન બાંધવા માંડ્યો.

લલ્લુભાઈનું આખું કુટુંબ ના પાડતું રહ્યું પણ લાવણ્ય નિર્ણય લઈ ચૂકી હતી. મેં અમદાવાદમાં રૂમ ભાડે રાખી લીધી છે અને અહીં આ મકાન ખાલી હશે તો લગ્ન વખતે તમને વધુ ઉપયોગી થશે. ખોટું કહું છું? હું શુભેચ્છાઓ આપવા આવી પહોંચીશ.

જમુનાબેનની ભલામણથી એમની જ સોસાયટીમાં લાવણ્યને જુદા રસોડા સાથે એક હવાઉજાસવાળી રૂમ મળી હતી. મકાન માલિક માયાળુ હતા. જમુનાબેન જેવાં પ્રૌઢ સન્નારી અને મધુકરભાઈ જેવા નિવૃત્ત અમલદાર. બે દીકરા છે. એ એમનાં કુટુંબો સાથે નોકરીના સ્થળે રહે છે. પૈસા માટે ભાડે આપવાનો સવાલ ઊભો થતો નહોતો પણ લાવણ્ય વિશે જાણતાં જ એમણે હા પાડી. ભાડામાં આખા મકાનનું લાઈટબીલ ભરવાનું છે, બસ!

શારદાના લગ્નમાં જવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નહોતો. લાવણ્યે પત્ર પણ ન લખ્યો. લલિતા માટે રથ ખરીદ્યો હતો, નાની બહેન માટે સાડી લીધી. બે દિવસ અગાઉ આપી આવી.

લલિતાએ હસતાં હસતાં ઘણું કહી નાખ્યું હતું. શિક્ષણ અને દેખાવને લગતી વિગતો ગમ્મત સાથે જણાવીને કહેલું: દીદી, અમારી કુંડળી જરાય મળતી આવતી નથી. મારા બાપાને એની ચિંતા ન હોય એ તો સમજ્યાં પણ મારા સસરાનેય એનો વાંધો ન લાગ્યો.

એમને મન આ સંબંધમાં સૌથી મોટો ગ્રહ તો છે મલૂકચંદ! બાકી, ભવિષ્યમાં નડતર જેવું લાગશે તો કોઈક ગ્રહની વીંટી પહેરી લેવાની. લગ્ન પહેલાં ગ્રહશાન્તિ તો થવાની જ છે!દીદી, તમે તો જ્યોતિષમાં માનતાં નહીં હો ને?

‘આપણને અનુકૂળ હોય એટલું માનવું!’ — કહેતાં લાવણ્ય પણ હસી પડી હતી. એને ગ્રહોના પ્રભાવ વિશે જાણવાનું કુતૂહલ તો છે પણ એ દરેક નિર્ણય કુંડળી જોવડાવીને લેવામાં માનતી નથી. પણ આ લોકો? એ તો મૂરત જોવડાવ્યા વિના એક ડગલુંય નથી ભરતા.

લલ્લુભાઈ શાણા વેપારી અને વત્સલ પિતા લાગે છે પણ એમણેય નિર્મમ થઈને માથેથી સાપના ભારાનો ભાર ઓછો કરવો છે જાણે!

તે દિવસ કહેતા હતા: લલિતા ડાહી અને હોશિયાર દીકરી છે પણ એને બદલે દીકરો હોત તો મારો બેડો પાર ઊતરી જાત. ‘મને દીકરો માનજો બાપુ’ એટલું કહીને આશ્વાસન આપી શકી હોત. પણ એય ભાઈની ખોટ બદલ આંસુ સારવા લાગી હતી.

લાવણ્ય રોકાઈ હોત તોપણ લગ્નનો ઉત્સવ માણી શકી ન હોત. એણે સિંઘસાહેબને કહેલું: સ્ત્રી-પુરુષની સમાનતા ક્યારેય સિદ્ધ થશે ખરી? માની લઈએ કે એ સમાનતા શારીરિક, સામાજિક અને આર્થિક કારણોથી સધાતી નથી. પણ વ્યક્તિ જાત સાથે તો સાચી રહી શકે ને?

સિંઘસાહેબ વિચારમાં પડી જાય છે. સમય વીતે છે. પછી સ્વગતની જેમ બોલે છે: વ્યક્તિ મનોમન સાચી રહી શકે છે. પણ એ જ્યાં બોલવા જાય છે કે વર્તન કરે છે એની સાથે ભેળસેળ શરૂ થઈ જાય છે.

લાવણ્ય શુદ્ધ તો છે કેવળ કલ્પના, શુદ્ધ તો છે કેવળ સંવેદના, અવ્યક્ત અનુભૂતિ! પણ જ્યાં એક વ્યક્તિ બીજીત્રીજી વ્યક્તિના સંબંધમાં મુકાય છે ત્યાં એ સમજૂતી કરવા લાગે છે, સોદામાં ઊતરવા માંડે છે. તને ખબર હશે જ કે સોનાના દાગીના ઘડવા માટે એમાં તાંબું નાખવું પડે છે. એ તાંબું એટલે વ્યવહાર, સંબંધનો આકાર…

શ્રીદેવી વચ્ચે બોલી ઊઠે છે: ‘મારી આંખોમાં જોઈને કહો જો!’

સિંઘસાહેબની મુખમુદ્રા બદલાઈ જાય છે. વિચારની તંગદિલી શમી જાય છે. બેના હોઠ પર હિમશિખરોની પ્રભાતી ધવલતા ઊપસી આવે છે. આ પ્રસન્નતા જોનાર માટે યાદગાર નીવડે છે. સિંઘસાહેબ કહે છે:

‘તમે તો સંબંધની સ્થૂલ ભૂમિકા ઓળંગીને મારા વ્યક્તિત્વમાં જ વસી ગયાં. પોતાના પક્ષે અનપેક્ષ બની બધો ભાર મારા માથે મૂકી દીધો. કદીક લડ્યાં-ઝઘડ્યાં હોત તો સંસારના ખટરસનો લહાવો તો લૂંટી શકાત! મારે તો એકલા અમૃતથી જ જીવવાનું આવ્યું.’

એ દિવસે ઘેર જઈને લાવણ્ય શ્રીદેવીની સંવેદના સાથે પોતાના આગ્રહો સરખાવવા બેઠી. પોતે સ્ત્રીને બદલે વ્યક્તિ તરીકે જીવવા મથે છે. શ્રીદેવીએ વ્યક્તિત્વનો ભાર રાખ્યા વિના જ જીવી જાણ્યું. એ પણ સુશિક્ષિત છે, કલાવિદ છે, તો? એમની જેમ અહંશૂન્ય-કેવળ પ્રેમરૂપ બનીને જીવી શકાય?

વિશ્વનાથના દૈનિકમાં પ્રગટ થયેલા એક મવાલીના ફોટોગ્રાફ નીચેની નોંધ વાંચતાં લાવણ્ય હસી પડી. ‘વ્યક્તિવિશેષ’ શીર્ષકનો મર્મ એ પછી જ નર્મમાં પલટાઈ જતો હતો.

અમદાવાદ આવ્યા પછી જ લાવણ્યે વિશ્વનાથનું છાપું બંધાવ્યું છે. એનો આગ્રહ હતો. ક્યારેક તમારી પ્રશંસા કરવાની મને તક મળે અને તમે વાંચો પણ નહીં એ કેમ ચાલે? દુનિયાને શી ખબર કે લાવણ્ય કોણ છે? એ ખરેખર છે કે પછી આ પત્રકારનો તુક્કો છે?

પણ આજે વિશ્વનાથે લાવણ્ય વિશે નહીં, પોતાના પરાક્રમ વિશે લખ્યું હતું. તંત્રીનો આગ્રહ હતો વિશ્વનાથનો ફોટો છાપવાનો. વિશ્વનાથે ગુંડાનો ફોટો છાપ્યો અને સાહસકથાને હાસ્યકથામાં ફેરવી નાખી!

પોતાનો ફોટો જોઈને ગુંડાને આનંદ ન થયો. એણે આભાર માનવાને બદલે વિશ્વનાથને ધમકી આપી: તારાં નાકકાન કાપી આપીએ પછી તારો ફોટો છપાવજે! સચિત્ર અહેવાલોનો તને શોખ છે ને!

ગુંડાઓ ભણેલા હતા. એમણે મિસ રાકા રાયનો પીછો કર્યો હતો. વિશ્વનાથ મિસ રાયને ઓળખતો નહોતો. એ મિસ છે કે મિસિસ એ અંગે પણ એણે અનુમાન કર્યું નહોતું. પેલા ગુંડાઓ માટે પણ એથી કશો ફેર નહોતો પડતો. એમણે ધારેલું કે બીજાં પેસેન્જર એમની કદર કરીને મનોરંજન પામશે.

મિસ રાકા રાય એક મોટી કંપનીમાં ટાઈપ, ટેલિફોન અને સ્વાગતની જવાબદારી સંભાળતી હતી. તેથી આ લોકો ‘કંપની’ શબ્દ શ્લેષમાં વાપરતા હતા. બસની લાઈનમાં એક રાકાની આગળ અને બીજો પાછળ હતો. આ એમના આયોજનનો ભાગ હતો. આ જ બસસ્ટેન્ડ પર આ પહેલાં એક વાર એમણે રાકાને સતાવી હતી, ત્યારે એણે ખમી ખાધું હતું અને મુસાફરોએ શાંતિથી જોઈ લીધું હતું. કેમ કે તે દિવસ વિશ્વનાથ નહોતો.

આજે એ બસની લાઈનમાં છે કેમ કે એનું સ્કુટર બગડ્યું હતું. લાઈનમાં ઊભા રહ્યા પછી એને લાગ્યું હતું કે લોકસંપર્કના માધ્યમ તરીકે સ્કુટર કરતાં બસ વધુ ફળદાયી છે. બસ, ઊભા ઊભા જગતને જોતા રહો.

એનો આ સંતોષ બીજી જ ક્ષણે ખંડિત થયો. ગુંડાઓ આ યુવતીને આંતરીને ઊભા છે. હમણાં સિગારેટની આપલે થઈ. યુવતી એમના હાથના વર્તુળમાં આવી ગઈ. કદાચ ધસારા વખતે એને ભીંસમાં લેશે.

બસ આવી. ચઢતી વખતે યુવતીએ એક બાજુ ખસીને પોતાને બચાવી લીધી. ભીડ હતી. કંડક્ટર ઉદાર હતો તેથી બધાંને દાખલ કર્યા પછી જ ઘંટડી વગાડી.

બસમાં પેલાઓએ ફરીથી પૂર્વવત્ પકડ જમાવી. જાણે કશું જાણતા જ ન હોય એ રીતે રાકાની છાતી, પીઠ કે સાથળ સાથે છૂટ લેતા હતા. વિશ્વનાથનું હૈયું દાઝતું હતું, પણ વચ્ચે પડવાનો કશો આધાર મળતો ન હતો. પેલી યુવતીની લાચારીમાં અને એની લાચારીમાં ઝાઝો ફેર નહોતો. ત્યાં એને એક તરણોપાય જડી ગયો.

પ્રેસનો એક કર્મચારી ઈકબાલ પટેલ બારી પાસે બેઠો હતો. નજર મળતાં જ એ વિશ્વનાથ માટે સીટ ખાલી કરવા ઊભો થયો. વિશ્વનાથે કહ્યું કે આ બહેનને બેસવા કહો. ઈકબાલે જગા કરી. એક ગુંડો એ સીટ લેવા ખસ્યો. ‘તમે બહેન છો?’ — ઈકબાલે એને રોક્યો. પેલો જોર કરવા ગયો. વિશ્વનાથ એની આડે અડીખમ ઊભો રહ્યો. રાકાને રસ્તો કરી આપીને બેસાડી. એણે ઈકબાલ અને વિશ્વનાથનો આભાર માન્યો.

બીજા ગુંડાએ કહ્યું: ‘આમારો આભાર નહીં માનવાનો? બેઉ બાજુથી મઝા કરાવી તોય?’

રાકા શરમની મારી નીચું જોઈ ગઈ.

‘તમે લોકો કેમ આ મહિલાની પાછળ પડ્યા છો?’

‘તું કોણ છે પૂછનારો?’

‘એક નાગરિક.’

‘તો મતદાન કરજે. અહીં અમારા કામમાં ટાંટિયો નાખવા જઈશ તો લંગડો થઈશ. સમજ્યો.’

ઈકબાલથી આ સહન ન થયું. એણે ચેતવણી આપી. વિશ્વનાથનો પરિચય આપ્યો પણ એથી કશો ફેર ન પડ્યો. એ જોઈ વિશ્વનાથે કહ્યું કે હવે તમે લોકો કશું અસભ્ય વર્તન કરશો તો અમે તમારી સામે ફરિયાદ કરીશું.

‘અમારી સામે ફરિયાદ કરનારા હેડમાં પુરાતા હોય છે. અમે સુપર પાવર છીએ. ક્યારેક પોલીસને પણ અમારી મદદની જરૂર પડે છે.’

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment