પુરુષ છું ને એટલે… (એકોક્તિ) ~ કામ્યા ગોપલાણી ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૭
ભજવણી: પુરુષ કલાકાર દ્વારા
પુરુષ છું ને એટલે સંવેદનાઓ અનુભવવા છતાં તેને દુનિયા સામે પ્રગટ કરવાનો અધિકાર નથી મળ્યો મને. મા બનવાનું સુખ નહિ, પરંતુ મારા ભાગે તો પિતા થવાની જવાબદારી આવી છે.
દરેક સંબંધમાં માપસરની લાગણીઓ રાખતા નથી આવડતું મને. દોસ્તી કરીએ તો દિલથી અને પ્રેમ કરીએ તોપણ પોતાની જાત ભૂલીને. પોતાનું સુખ નથી જોઈતું હોતું ક્યારેય અમને. અમારી આસપાસ રહેલા લોકોના ચહેરા પરનો આનંદ એ જ અમારો હરખ.
સ્ત્રીની જેમ પદ્ધતિસર રસોઈથી માંડીને દરેક કાર્ય કરતા નથી આવડતું અમને, મલ્ટી ટાસ્કર તો અમે ક્યારેય નથી હોતા, પણ પોતાના દરેક કામમાં અમારા જેટલી એકાગ્રતા પણ કોઈ નથી રાખી શકતું. સુગંધી પુષ્પ નહિ, અમે તો ગુલાબનાં રક્ષણ માટે મૂકેલી તેની કાંટાળી ડાળ છીએ. સ્ત્રીની જેમ અમને કોઈ ઝંખતું નથી, અમારી તો આ સમાજને જરૂરિયાત છે.
પોતે ભલે અસલામતી અનુભવીએ, ડર પણ અનુભવીએ છતાં એક પણ શબ્દ બોલ્યા વગર અન્યની સલામતી જાળવવી અને બીજાના ડર દૂર કરવા એ અમને મળેલી સમાજિક ભેટ છે.
પુરુષ છું ને એટલે જ ટિફિનમાં આવેલી ન ગમતી દાળ, મારી માટે લાવેલાં કપડાં, બુટ કે ચશ્માંથી લઈને માની ફરિયાદો અને પત્નીની ખીજ…. તમામનો સ્વીકાર સરળતાથી કરી શકું છું. કોઈ પ્રશ્ન ઉઠાવી શકતો નથી, કારણ મારે ભાગે તો બધાના તમામ પ્રશ્નોના જવાબ આપવાનું કામ આવ્યું છે. મારા નસીબમાં ઇચ્છાઓ કરવાનું નહિ, બીજાની ઇચ્છાઓ પૂરી કરવાનું લખ્યું છે.
“અરે….વજન લાગે છે તને તો લાવ હું લઈ લઉં.”, “શું કરે છે… પડી જઈશ… કેટલી વાર કહ્યું છે કે આમ ઉપર નહિ ચડવાનું. લાવ હું ઉતારી દઉં. શું જોઈએ છે તારે?” આવું જ્યારે થાય છે ને ત્યારે અમને ખરેખર સ્ત્રીને અમારી જરૂરિયાત છે એવું અનુભવાય છે. બાકી તો ફક્ત “સ્પર્મ ગાય (sperm guy)” જેટલી જ અમારી ઓળખ.
“તું રડે છે પછી વધારે સુંદર લાગે છે.”, “અરે….મેકઅપ શું કરવાનો તું તો એમ જ સુંદર છે.”, “તું ગમે તે પહેરે એ તને સારું જ લાગે.” આવું જ્યારે પણ કોઈ પુરુષ બોલે છે ત્યારે સ્ત્રીને લાગે છે કે એ ખોટું બોલે છે, પણ ના ખરેખર તો એના લિપસ્ટિક કરેલા હોઠ, કાજળ કરેલી આંખો અને માપસર ગોઠવાયેલા વાળ કરતા પુરુષને તેના વિખરાયેલા અને ઘરને ચોખ્ખું કરતાં બગડી ગયેલા વાળ, આંસુથી ધોવાયેલી સાફ આંખો અને એના ચહેરા પરની સાદગી વધુ વહાલી લાગે છે.
“રોકાવા જવું છે? ઠીક છે તો જા.” આવું કહેતી વખત અમે એ નથી પૂછતા કે તું ક્યારે પાછી આવશે? પણ આટલા દિવસ એના વગર કેમ જીવાશે એ વિચાર જ્યાં સુધી એ પાછી આવે ત્યાં સુધી અમારા મનમાં આવ્યા કરે છે.
પોતાને પુરુષથી ચડિયાતી સાબિત કરવા નીકળેલી સ્ત્રીને જોઈને મને થાય છે કે એ શું કામ પોતાના અસ્તિત્વને ખતમ કરવા મથે છે. સ્ત્રી પોતાનામાં જ સંપૂર્ણ છે. એને ફક્ત બાળક કરવા માટે જ પુરુષની જરૂર છે. આજની આધુનિક ટેક્નૉલૉજીમાં તો હવે અમારી એવી જરૂરિયાત પણ નથી રહી. અમારા પ્રેમને અમારો અધિકાર સમજવાની ભૂલ ઘણા કરે છે.
હા… અહીંયા હું એ પુરુષોની વાત જરા પણ નથી કરતો જે પોતાનું પુરુષત્વ સાબિત કરવામાં જ જીવન ગુજારી દે છે. સદીઓ જતી રહી, પણ પુરુષ હોવાનું અભિમાન નથી છૂટતું એમનાથી. લાગણીઓથી શુષ્ક બનવામાં નહિ, પંરતુ લાગણીઓથી ભીંજાવામાં જ સાચું સુખ સમાયું છે. પુરુષ જાત આ વાત ક્યારે સમજશે એની ખબર નહિ. સમજણશક્તિ પછી જ સ્વીકારશક્તિ આવી શકે. અત્યારે તો લાગણીશીલ પુરુષને સ્ત્રી કહીને એને પણ ગેરમાર્ગે દોરનારા ઓછા નથી.
પુરુષ છું ને એટલે જ મારી જ દીકરીને અમુક ઉંમર પછી મારી સાથે જ મર્યાદાઓ બાંધવી પડે છે. પુરુષ છું ને એટલે જ કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલાં કુકર્મોની છાંટ અમારી આખી જાતિ પર ઊડે છે. પુરુષ છું ને…. વહાલ અને પ્રેમની અભિવ્યક્તિમાં પણ ક્યારેક દહેશતના ભાવ સમજી લઉં છું.
પુરુષ છું ને એટલે કોઈ મને સમજતું નથી. પુરુષ છું ને એટલે જ મારી મજબૂરીને મજબૂરી ગણવામાં આવતી નથી. પુરુષ છું ને એટલે જ પોતાનાઓની ખુશીમાં ખુશ થઈ શકું છું. પુરુષ છું ને એટલે જ દરેક ચોથા માણસ સાથે મારા દુઃખની વાતો કરીને હળવો થઈ શકતો નથી. પુરુષ છું ને એટલે જ…. ઓહ…. સૉરી….. પુરુષ છું ને એટલે જ…. સંવેદનાઓ અનુભવવા છતાં પ્રગટ કરવાનો અધિકાર નથી મને. સૉરી….
***

kamyagoplani99@gmail.com
~