‘મિચ્છા મિ દુક્કડં’ ~ રૂપેરી પરદે ક્ષમાપનાનું રૂપાંતર ~ શ્રીકાંત ગૌતમ

પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ, સંવત્સરી દિન તરીકે ઓળખાય છે. જૈન પરંપરા અને પરિભાષા પ્રમાણે ક્ષમા માગવાના અને ક્ષમા આપવાના આદાનપ્રદાનની રસમ, ‘મિચ્છા મિ દુક્કડં’ અથવા ‘ક્ષમાપના’ તરીકે ઓળખાય છે.

જાણ્યેઅજાણ્યે થયેલી ભૂલ થકી સમગ્ર સંસારના જીવંત અસ્તિત્વ, જેના અંતર્ગત સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવાતથી લઈને જીવિત માનવી સુધી સઘળા જીવ આવી જાય, તેના પ્રતિ દુર્ભાવ સેવાયો હોય તો તેને માટે યાચવામાં આવેલી ક્ષમા એટલે ‘મિચ્છા મિ દુક્કડં’.

જાણો છો 'મિચ્છામી દુક્કડં' નામના મહામંત્રનું આજના સમયમાં શું મહત્ત્વ છે? | Do you know what is the significance of the Mahamantra called 'Mishchhami Dukkad' today?

પર્યુષણ પર્વના સંવત્સરીના આ દિન નિમિત્તે એવી હિંદી ફિલ્મોની વાત કરીએ જેના કથાનકમાં આ ક્ષમાશીલતા અને ક્ષમાનો ગુણ વણાઈ ગયો છે.

અભિનેતા દેવ આનંદ અભિનિત ફિલ્મ ‘બમ્બઈ કા બાબુ’માં નાયક દેવ આનંદના હાથે અકસ્માતે એક એવા શખ્સની હત્યા થઈ ગઈ હતી કે જે વ્યક્તિ એના કુટુંબનો એકમાત્ર આર્થિક આધાર હતો.

Bombai Ka Babu - बॉम्बे का बाबू - Dev Anand, Suchitra Sen

વૃદ્ધ પિતા, વૃદ્ધ અંધ માતા અને યુવાન બહેનના કુટુંબનો એકમાત્ર આધાર એવા આ યુવાનની પોતાને હાથે થયેલી હત્યાના પ્રાયશ્ચિતરૂપે, નાયક દેવ આનંદ એ કુટુંબનો સધિયારો બનીને પોતાને હાથે થયેલી ભૂલ અને એના થકી આ કુટુંબને થયેલા અન્યાયની ચુકવણી આ રીતે પરોક્ષ ક્ષમાપના માગીને કરે છે.

મૂળ કથાનક આ જ, પરંતુ એમાં કરવામાં આવેલા ઘણાબધા ફેરફારો સાથેની અભિનેતા રાજેશ ખન્ના અભિનિત ફિલ્મ ‘‘દુશ્મન’’ પણ આવી હતી.

दुश्मन (1972 फ़िल्म) - विकिपीडिया

આ ફિલ્મમાં રાજેશ ખન્ના ટ્રક ડ્રાઈવર હોય છે, જે નશાની અસર હેઠળ ટ્રક ચલાવતાં એક માણસને અડફેટે લઈ લે છે અને એ વ્યક્તિનું મૃત્યુ નીપજે છે.

ગરીબ ખેડૂતપુત્રના કુટુંબમાં વૃદ્ધ લાચાર પિતા, પત્ની, બાળકો અને યુવાન પરણવાલાયક બહેન આટલાં હતાં. આ અકસ્માતની કારવાહી અદાલતમાં ચાલે છે અને ટ્રક ડ્રાઈવર કસૂરવાર ઠરે છે, પરંતુ સંવેદનશીલ ન્યાયાધીશ (અભિનેતા રહેમાન) મહેસૂસ કરે છે કે ટ્રક ડ્રાઈવરને આજીવન કેદ કે પછી મૃત્યુદંડ જેવી આકરી સજા પણ જો આપવામાં આવે તોપણ પેલું નિરાધાર અને નોધારું થઈ ગયેલું કિસાનકુટુંબ જેનો એકમાત્ર આધાર એવો આ જુવાનજોધ પુરુષ હણાઈ ગયો છે, તેમની આર્થિક વ્યવસ્થા અને વિટંબણા કેવી રીતે પાર પડે!

એટલે પછી એક પ્રયોગાત્મક એવો ચુકાદો આ ન્યાયાધીશ એવો આપે છે કે કસૂરવાર ઠરેલા આ ટ્રક ડ્રાઈવરે એ કુટુંબના ગામમાં એક વર્ષ વસીને, એ કુટુંબની નાની જમીન ખેડીને અને અન્ય મહેનત મજૂરી કરીને એ કુટુંબના આર્થિક સધિયારાના રૂપે એ ગરીબ કુટુંબને પગભેર કરવું. થયેલી ભૂલના પ્રાયશ્ચિતરૂપે આ રીતે એ નોધારા થઈ ગયેલા કુટુંબની ક્ષમા માગવી.

માત્ર શબ્દો કે વાણી સુધી સીમિત ન રહેતી માફીની માગણી, કાર્ય અને પુરુષાર્થમાં રૂપાંતરિત થયેલી આ ક્ષમાપના પણ એક પ્રકારની મિચ્છા મિ દુક્કડંની રીત જ થઈ, ‘‘બમ્બઈ કા બાબુ’’ અને ‘‘દુશ્મન’’ એ બંને ફિલ્મોનાં કથાનક આ પ્રકારની ક્ષમાપનાના દ્યોતક બનતા હતા.

‘મિચ્છા મિ દુક્કડં’ એ ક્ષમા માગવાની સાથોસાથ ક્ષમા આપવાની એવી આદાનપ્રદાન રસમ છે. ઉપરોક્ત બે ફિલ્મોમાં ક્ષમા માગવાની અવનવી રીતની વાત હતી. ફિલ્મ ‘‘ડોર”માં ક્ષમા આપવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

રાજસ્થાનના અંતરિયાળ પ્રદેશમાં રહેતી એક સ્ત્રી અને હિમાચલ પ્રદેશના પહાડી ગામમાં રહેતી બીજી એક સ્ત્રી. બેઉ એકબીજાથી અજાણ બન્ને સ્ત્રીના મનોવિશ્વને સાંકળતી ‘ડોર’ એટલે ક્ષમા.

Dor : A movie larger than life – बरामदे की धूप

જરા વિગતે વાત કરીએ તો આ બન્ને નારીઓના પતિ પરદેશમાં સાથે રહેતા હતા અને નોકરી કરતા હતા. બંન્ને વચ્ચે એક વખતે થયેલા અણબનાવના પરિણામરૂપે એકના હાથે બીજાની હત્યા થઈ જાય છે. હિમાચલ પ્રદેશમાં રહેતી સ્ત્રીના પતિના હાથે રાજસ્થાનમાં રહેતી સ્ત્રીના પતિની હત્યા થઈ ગઈ હોય છે.

હવે સંજોગો અને કાયદાકીય કાર્યવાહી કંઈક એવી બને છે કે જેની હત્યા થઈ છે એ વ્યક્તિની પત્ની એટલે કે રાજસ્થાનમાં રહેતી વિધવા, હિમાચલમાં રહેતી સ્ત્રીના પતિના માફીનામાને મંજૂર કરી દે તો એ માણસને કાયદો પણ માફ કરી દે એમ હતું.

પોતાના પતિના પ્રાણની ‘ભિક્ષા’ માટે આધુનિક ‘સતીસાવિત્રી’ તપાસ કરતી હિમાચલથી રાજસ્થાનના અંતરિયાળ ભાગમાં પહોંચે છે અને પેલી નારીને વિનવણી કરે છે, પોતાના પતિને એનાં કર્યાંકારવ્યાં બદલ માફ કરી દેવાની, જેની પહેલાં તો પેલી સ્ત્રી ના પાડે છે, પરંતુ અનેક નાટ્યાત્મક વળાંકો પછી પરાકાષ્ઠાના દૃશ્યમાં એ યુવાન વિધવા મોટું મન રાખીને પેલી સ્ત્રીના પતિના માફીનામાને મંજૂરીની મહોર મારી આપે છે અને એ રીતે એ પોતાના પતિના હત્યારાને ક્ષમા આપી દે છે અને ‘ક્ષમા વીરસ્ય ભૂષણં’ની ઉક્તિને સાર્થક કરે છે.

ફિલ્મ ‘ડોર’માં ‘મિચ્છા મિ દુક્કડં’ અથવા ક્ષમાપનાને સરસ રીતે ઉજાગર ક૨વામાં આવી હતી અને એ દૃષ્ટિએ આ ફિલ્મ લાગણીસભર અને હૃદયસ્પર્શી બની હતી.

બાકી તો માફી આપવાની કે મોટું દિલ રાખીને માફ કરી દેવાની વાત મેલોડ્રામેટિકલ એવી અતિનાટકીય પ્રકારની મસાલા હિંદી ફિલ્મો ઘણી આવી ગઈ જેમાં આ ‘માફ’ કરી દેવાની વાત વધારે તો કૃત્રિમ પ્રકારની લાગતી હતી જેમ કે ફિલ્મ ‘‘બેટા’’ જે આખી ફિલ્મ દરમ્યાન પોતાની અને પોતાની પરણેતરની કનડગત કરનાર ઓરમાન માની જાનનો શત્રુ જ્યારે એનો પોતાનો જ પનોતો પુત્ર થઈ જાય છે, ત્યારે આ ઓરમાન પુત્ર પોતાની ઓરમાન માનાં સઘળાં કરતૂતો માફ કરી દઈને એની જાન બચાવી લે છે અને એ રીતે પોતાના તરફ દુર્વ્યવહા૨ ક૨ના૨ને ક્ષમા બક્ષી દે છે.

Beta (film) - Wikipedia

તો, હિંદી ફિલ્મોએ પણ પ્રત્યક્ષ કે પરોક્ષપણે મિચ્છા મિ દુક્કડં અને ક્ષમાપનાનો મહિમા કર્યો છે ખરો!

~ શ્રીકાંત ગૌતમ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.